ગુજરાતી નારીસંપદા : કવિતા/કંકુ પગલાં
કંકુ પગલાં
વંદના શાંતુ ઇન્દુ
⯐
‘અમે તને પાંખો આપીશું’.
એવું કહીને, કંકુવરણા કરીને
એ લોકો લઈ લે છે આપણા પગ.
પછી એમના વિચારોની ફ્રેમમાં
મઢીને ટાંગે છે
એમના દીવાનખાનાની
ખીલીએ ને કહે છે
લે આપી તને પાંખો.
આપણે પણ એ ફ્રેમમાં ઝૂલતા રહીએ છીએ
જિંદગીભર
ને પછી આપણી આંખોનો સૂરજ આથમવા
લાગે છે ત્યારે
એના ઝાંખા તેજમાં દેખાય છે
ફ્રેમમાં સુશોભિત પીંછા!
***