ગુજરાતી નારીસંપદા : કવિતા/આંગણું
આંગણું
ગાયત્રી ભટ્ટ
⯐
વાત સૌ સમજી ગયું છે આંગણું,
આખું ઘર વાંચી ગયું છે આંગણું.
બાળપણની યાદ આવી ગઈ હશે,
એટલે પલળી ગયું છે આંગણું.
દાદીમાએ વારતા માંડી જ ત્યાં,
ઓટલે બેસી ગયું છે આંગણું.
મોભના માથે પસીનો જોઈને,
એકદમ થાકી ગયું છે આંગણું.
દ્વાર છત દીવાલ સૌ ફફડી ઊઠ્યાં,
સ્હેજ જો ધ્રૂજી ગયું છે આંગણું.
એક રસ્તો એ રીતે અહીંથી ગયો,
સાથમાં ચાલી ગયું છે આંગણું!
હું સમયસર ઘર અગર પ્હોંચી નહીં,
શોધમાં દોડી ગયું છે આંગણું.
એક જણની રાહ જોઈ જોઈને,
આખરે ઊંઘી ગયું છે આંગણું.
***