ગુજરાતી નારીસંપદા : કવિતા/ઘૂઘરી

From Ekatra Foundation
Revision as of 00:53, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઘૂઘરી

ગોપાલી બુચ

ચાવીના ગુચ્છામાંથી ઘૂઘરી છુટ્ટી પડી ગઈ .

કરડી આંખે ગુચ્છો રગડતી જતી ઘૂઘરીને જોઈ
મુછે તાવ દેતો
ગોઠવાઈ ગયો પાછો
તિજોરી પર કબજો કરી.

જમીન પર પડેલી ઘૂઘરીએ
ચાવીના ગુચ્છા તરફ
લાચાર નજરે આશાભરી નજર કરી.

ચાવીનો ગુચ્છો પવનની લહેરખીના તોરમાં
વક્રી સ્મિત સાથે ઝૂમ્યો,
અરે! આશ્ચર્ય!
ગુચ્છાનો રણકાર ક્યાં?

બસ! એ પળે પવનની લહેરખી સાથે
સરકતી, રણકતી ઘૂઘરી ઉંબર પાર કરી ગઈ.

ઘૂઘરીએ ખુમાર સાથે હવામાં વાત વહેતી કરી કે,
ગુચ્છાને રણકવા માટે ઘૂઘરીની જરૂર પડે છે,
કારણ રણકાર એ ગુચ્છાનો નહીં
પણ, ઘૂઘરીનો નિજી અવાજ છે.

***