ગુજરાતી નારીસંપદા : કવિતા/ગાળેલો સમય

From Ekatra Foundation
Revision as of 02:34, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગાળેલો સમય

વહીદા ડ્રાઈવર

ગઈ કાલે
તારી સાથે ગાળેલો સમય
આજે મારી કવિતાના
શબ્દે-શબ્દે ફૂટ્યો છે
આજની મારી રાત
સિલિંગ પર લટકેલી ઝુમ્મરની
રંગબેરંગી લાઈટ જેવી
ઝગમગ્યા કરે છે
ખુલ્લી રહી જતી મારી આંખો
એ ઝુમ્મરની પચરંગી
લાઇટોને તાક્યા કરે છે
હવેથી બધા જ રંગો ગમે છે મને
સ્નોવ્હાઈટ,
કાળો, ગ્રે, ગુલાબી, કૉફી
બધા જ હવેથી ગમે છે
રંગોની ભેળસેળ પણ
હું હવે આસાનીથી કરી શકું છું
કારણ કે-
આવતી કાલે
રોજ સવારે છાપું નાખી જતા
છાપાવાળાની જેમ
કે પછી-
કોઈ રાગના બાંધેલા આલાપની જેમ
કે પછી-
રૂપક તાલની ગુપ્ત રીતે અપાતી
૦ તાલી જેવો સમય કદાચ
છટકી જો જાય તો....!
એટલે જ
એ ગાળેલી ચિરસ્મરણીય પળોને
મારી કવિતામાં જકડી લીધી છે.
શબ્દે-શબ્દ
હવે ક્ષણો પડી રહેશે
કવિતાના બેડ પર
શબ્દોના તકિયે-તકિયે...
મારી કવિતામાં.

***