દરિયાપારથી.../આગંતુકોનો સ્વીકાર

From Ekatra Foundation
Revision as of 05:22, 26 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આગંતુકોનો સ્વીકાર

ન્યૂયૉર્ક નામે એક મહાનગર. એમાં વહેતી એક સરસ નદી – જે ત્રણસો ને છ માઇલ લાંબી હોય, ને અડધા-પોણા (ને ક્યાંક વધારે) માઇલની પહોળાઈવાળો જેનો પટ હોય, એને મહા-નદી કહી શકાય ને? પાછું એ નદીનું નામ પણ કેવું? કોઈ માણસનું હોય એવું. સોળમી સદીના સ્થાન-શોધના સાહસી યુગમાં હેન્રિ હડસન નામના એક અંગ્રેજ સાગરખેડુ નવા દરિયાઈ માર્ગો શોધતા શોધતા એ નદીના મૂળ’ પાસે પ્રવેશેલા, અને વહાણ દ્વારા છેક એના ‘મુખ’ સુધી પહોંચેલા. એમનું નામ, એમ તો, કૅનૅડામાં એક જળ-માર્ગને અને એક અખાતને મળેલું છે. ન્યૂયૉર્ક શહેરનો એક હાઇ-વે પણ એમના નામથી ઓળખાય છે. છતાં, સૌથી વધારે જાણીતું નામકરણ ન્યૂયૉર્કની નદીનું છે – “હડસન” નદી. અહીં વસતાં અમારે માટે તો એ જ ગંગા! પાણીથી છલોછલ પહોળા પટની પાસે જઈએ ને જોઈને ખૂબ આનંદ થાય. એનું પાણી ક્યારેય સૂકાય જ નહીં, ને ના એમાં ક્યારેય પૂર આવે! માલ-સામાન લઈ જતી લાંબી લાંબી‘બાર્જ’-નાવ, તેમજ સહેલાણીઓ માટેની ક્રીડા-નૌકાઓ એમાં સરકતી દેખાય. હડસન નદીના મુખ પાસે બનતો ન્યૂયૉર્ક અખાત પછી ઍટલાન્ટિક મહાસાગરમાં મળી જાય. એ અખાતમાં તો મહાસાગરમાંથી ન્યૂયૉર્ક શહેર સુધી આવતાં મોટાં જહાજ હંમેશાં હાજર હોય. અમેરિકા અને યુરોપને જોડતો એ સીધો જળ-માર્ગ છે. વેપાર-વણજ માટે ઝડપી અને ઍટલાન્ટિક-કરીબિયન સમુદ્રમાંના અનેક દેશો પર જવા માટે પ્રવાસી-ભોગ્ય. આજે છે એનાથી પણ વધારે અગત્ય આ જળ-માર્ગની હતી ઓગણીસમી સદીના અંત ભાગમાં, જ્યારે વહાણોનાં વહાણો ભરીને યુરોપી લોકો એક નવા વિશ્વની અને સુખી જીવનની શોધમાં ન્યૂયૉર્ક શહેરને કિનારે આવ્યાં હતાં. ફક્ત ન્યૂયૉર્ક જ નહીં, આખા અમેરિકાને વસાવવામાં એ આદ્ય દેશાંતર-કર્તાઓનો અત્યંત મોટો ફાળો છે. પણ એ આગંતુકો કાંઈ તરત ને તરત, પહોંચ્યાં કે તરત, કિનારે ઊતરી જઈ ના શકતાં. એ દરેકે દરેક જણે ખૂબ ચોકસાઈપૂર્વકની સંપૂર્ણ તબીબી તપાસમાંથી પસાર થવું પડતું. એમાં નાપાસ થનારાંને યુરોપ પાછાં મોકલી આપવામાં આવતાં. અમેરિકામાં સ્થાયી વસવાટની ઈચ્છાથી આ રીતે આવતાં સ્ત્રી, પુરુષ ને બાળકોના સ્વાસ્થ્ય તથા દસ્તાવેજોની નોંધણી અને ખાત્રી કરવા માટે સત્તાવાર રીતનું એક થાણું સ્થપાયું. હડસન નદીના મુખના અખાતમાંનો એક નાનકડો ટાપુ એ માટે કામમાં લેવાયો. અમેરિકાના ઇતિહાસમાં જેનું શાશ્વત અને યાદગાર સ્થાન છે તે ટાપુનું નામ “એલિસ (Ellis) આઇલૅન્ડ” છે. (આની નજીકના બીજા એક ટાપુ પર ‘સ્ટૅચ્યૂ ઑફ લિબર્ટી’ આવેલું છે) ૧૮૯૨થી ૧૯૨૪નાં વર્ષો દરમ્યાન અમેરિકામાં આવનાર “ઇમિગ્રન્ટ” લોકોમાંનાં અડધાથી વધારે જણ એલિસ આઇલૅન્ડમાં થઈને દેશમાં પ્રવેશ્યાં હતાં. એ ટાપુની કેટલીક તવારિખ જાણવા જેવી છે. જેમકે, ૧૮૯૭ના જૂનમાં એની પરનાં મકાન આગમાં બળી ગયાં હતાં. સદ્ભાગ્યે જાનહાનિ થઈ નહતી. ૧૯૦૦ના ડિસેમ્બરમાં વધારે મોટા પાયા પર ત્યાં ઇમિગ્રેશન સેન્ટર ફરીથી ખોલવામાં આવ્યું. પ્રથમ વિશ્વ યુદ્ધના ગાળામાં ત્યાં લશ્કરી હૉસ્પિટલ, અને પકડાયેલા પરદેશી સૈનિકોને રાખવા માટેની જેલ ઊભી કરાઈ હતી. ૧૯૨૪માં એલિસ આઇલૅન્ડ પરનું સમૂહ-આગમન બંધ કરવામાં આવ્યું, ને જરૂરી તપાસ તે તે યુરોપી દેશોમાં જ થવા માંડી. ૧૯૫૪ સુધી અમુક સરકારી કામગીરી માટે એ ટાપુ વપરાતો રહ્યો. ૧૯૮૪માં એક સાવ જુદી યોજનાના ખ્યાલ સાથે એ ટાપુ બિલકુલ ખાલી કરાયો. આશ્ચર્યજનક એક આંકડો એવો છે કે પોણા બે કરોડ ઇમિગ્રન્ટ એલિસ આઇલૅન્ડ પર ઊતર્યાં હતાં, અને ત્યાંના મુખ્ય મકાનનો પુનરોદ્ધાર કરવાનો ખર્ચો પણ પોણા બે કરોડ ડૉલર થયો. છ વર્ષ આ કામ ચાલ્યું. છેવટે ૧૯૯૦માં ‘ઇમિગ્રેશન મ્યુઝિયમ’ તરીકે એલિસ આઇલૅન્ડ જાહેર જનતા માટે ખુલ્લો મૂકાયો. ત્યારથી અહીં પણ પ્રવાસીઓનાં ટોળાં ઊમટે છે. ઘણાં ઇતિહાસ માટેના રસને કારણે ત્યાં જાય છે, કેટલાંક કુતૂહલથી જતાં હશે, તો અનેક જણ પોતાના બાપદાદાના ભૂતકાળને વધારે સમજવાની દૃષ્ટિથી આ મ્યુઝિયમની મુલાકાતે જતાં હોય છે. કોઈને પણ માટે ખૂબ રસપ્રદ મ્યુઝિયમ છે આ. ઢળતા છાપરા અને ચાર મિનારાથી શોભતા મોટા સુંદર મકાનના ત્રણ માળમાં એ સમય અને વિષયને લગતાં વિવિધ પ્રદર્શન અને દસ્તાવેજી ફિલ્મો જોવા મળે છે. આગંતુકો સૌ પ્રથમ જ્યાં રજિસ્ટ્રેશન કરતાં તે વિશાળ ખંડમાં તે વખતનાં મેજ, ખુરશીઓ વગેરે ગોઠવી મૂકેલાં છે. એની બંને બાજુ આગંતુકોની આંસુ-સભર, આશા-સભર પરિસ્થિતિ અસંખ્ય મોટા મોટા ફોટાઓ દ્વારા તાદૃશ કરાઈ છે. એક સ્થાને લખી મૂકેલા ક્રમાંકો પ્રમાણે જોઈ શકાય છે કે ન્યૂયૉર્કમાં સ્થાયી થનારાંની સંખ્યા સૌથી વધારે હતી. દા.ત. ૧૯૦૩ સુધીમાં ન્યૂયૉર્કમાં સાત લાખથી વધારે લોકો વસી ગયા હતા, જ્યારે બૉસ્ટનમાં ચોસઠ હજાર, ફિલાડેલ્ફિયામાં ત્રીસેક હજાર, ફ્લોરિડા માંડ અઢીસો જણ ગયેલાં, ને અન્ય જગ્યાએ તો પંદર-વીસ જણ જ જતાં. ૧૯૭૫ સુધીના આંકડા દ્વારા એક બીજી બાબત પણ દર્શાવાઈ છે – કે કયા દેશ ને કયા ખંડમાંથી આશરે કેટલા કેટલા લોકો અમેરિકામાં આવ્યા. એ જોતાં યુરોપમાંથી સૌથી વધારે સંખ્યામાં -પોણા ચાર કરોડ જેટલા – લોકો આવ્યા. બીજા નંબરે કૅનૅડા- કુલ ચાલીસ લાખ પચાસ હજાર. ગુલામો તરીકે લવાયેલાં સ્ત્રી-પુરુષોની સંખ્યા પણ ચાલીસ લાખ છે – અરે બાપરે. આ પછી મધ્ય અને દક્શિણ અમેરિકાથી આવેલાંનો આંકડો તથા એશિયા ખંડના દેશોમાંથી આવેલાંનો આંકડો લગભગ સરખો જણાય છે- તેવીસેક લાખ જેટલો. અલબત્ત, આ પછી દુનિયાના અન્ય ગરીબ દેશોમાંથી આવનારાંનો ધસારો વધારે થયો છે. ઓગણીસમી સદીનાં વહાણોની સખત ભીડમાં અઘરા દિવસો વિતાવતાં આગંતુકોના જીવ મેલા શઢોની જેમ સતત ફફડતા રહેતા : તપાસમાં પાસ નહીં થઈએ તો? પાછાં મોકલશે તો? તો ક્યાં જઈશું? બધાંનાં મનમાં કેટલી આશા, અનેક સ્વપ્ન, અને ભયના ભાવ ભરેલાં હતાં. ઘણાંને એ એક નહીં જોયેલી, એલિસ આઇલૅન્ડ કહેવાતી જગ્યાની બહુ બીક હતી. એ બધાં એને “આંસુનો ટાપુ” કહેવા લાગેલાં. આ કારમા આરંભકાળની ગાથા આ વિશિષ્ટ મ્યુઝિયમમાં આજે આપણે રસથી, વિસ્મય સાથે, ભયમુક્ત રીતે જોઈ-જાણી શકીએ છીએ. એલિસ આઇલૅન્ડની શરૂઆત થયા પછી આજ સુધીમાં તો અમેરિકામાં ઇમિગ્રેશન માટેનાં નીતિ-નિયમ, રીત-રસમ ઘણાં યે બદલાઈ ગયાં, બીજા લાખોના લાખો વધારે લોકો દાખલ થતા ગયા, દેશની વસ્તી પણ ઘણી વધી ગઈ. આની સાથે જ વધી છે મુશ્કેલીઓ, તકલીફો, ગુના કરવાની રીતો, ગુનેગારોની સંખ્યા વગેરે. ઉપરાંત, એ આદ્ય વસાહતીઓ આ દેશને પોતાનો કરવાની તૈયારી અને ઈચ્છા સાથે આવ્યાં હતાં. જ્યારે, એમ લાગ્યા કરે છે, કે છેલ્લાં પચીસ-ત્રીસ વર્ષમાં આવેલાં વસાહતીઓમાંનાં ઘણાં એને પારકો ગણીને એને લૂટવાના, અને હાનિ પહોંચાડવાના ઇરાદા, તથા આવડત, સાથે આવ્યાં છે. આ દેશનું લેખિત મૂળ બંધારણ – કોન્સ્ટિટ્યુશન – એટલું સરસ અને સીધું છે કે એનો ફાયદો ઉઠાવવો સહેલો બને છે. ઘણી પ્રજા-જાતિઓમાં કુબુદ્ધિ અને ખોટા પ્રકારની હોંશિયારીની હદ નથી હોતી. એમની લુચ્ચાઈની સામે આખીને આખી અમેરિકન સરકાર ઘણી ભલી -ભોળી લાગે છે. આ દેશનો મૂળભૂત સિદ્ધાંત જ “વૈવિધ્યમાં ઐક્ય”, અથવા “ સાંસ્કૃતિક વૈવિધ્ય દ્વારા સમૃદ્ધ થતું અમેરિકાનું સામાજિક, આર્થિક જીવન”- એવો છે. પણ ઘણાં ઇમિગ્રન્ટોની સ્વાર્થપરાયણ વૃત્તિને લીધે અમેરિકાના જીવનના પોતમાં ઘણી ક્શતિ આવી રહી છે. જે દેશોમાંથી હજી ઢગલાબંધ ઇમિગ્રન્ટો આવે છે એમાંના અમુક દેશોની પોતાની નીતિ જુઓ તો ચોંકી જવાય છે. જેમકે, ચીન : અમે કોઈ ઇમિગ્રન્ટ સ્વીકારતા નથી. મેક્સિકો : જો તમને કોઈ મેક્સિકન કંપનીમાં નોકરી મળે કે તમે પાંસઠ વર્ષથી મોટા, સદ્ધર માણસ હો તો મેક્સિકો સિટીમાં જાતે જઈ અરજી કરી શકો છો. દક્શિણ કોરિયા : અમે કોઈ ઇમિગ્રન્ટ સ્વીકારતા નથી. જમૈકા : અહીં ઇમિગ્રન્ટ થવું શક્ય જ નથી. ઇજિપ્ત : આ ઇમિગ્રન્ટ થવા માટેનો દેશ જ નથી. જાપાન : અમે કોઈને સ્થાયી થવાનો પરવાનો આપતા નથી – વગેરે. તો સર્વજનના સુખની જવાબદારી ફક્ત અમેરિકાની જ છે? અમેરિકામાં આવનારા, અને આવવા ઇચ્છનારા સૌથી વધારે લોકો ત્રીજા વિશ્વના દેશોના હોય છે. જો થોડું પણ ધ્યાન નહીં અપાય તો કેટલાક જ દસકાઓમાં યુરોપી-અમેરિકી પ્રજા લઘુમતીમાં આવી જશે. આંકડા જણાવે છે કે ૧૯૬૦માં વસ્તીનો ૮૮.૬ ટકા ભાગ ‘શ્વેત’ હતો, ૧૯૯૦માં ૭૫.૬ ટકા હતો, અને ઘટતો ઘટતો એ ૨૦૨૦માં ૬૪ ટકા, અને ૨૦૫૦માં તો ૫૬ ટકા થઈ જવાનો. જુદાં જુદાં સ્તર પરનાં અનેક કારણોસર આ માહિતી ચિંતાજનક બને છે. જે ઉદાર ભાવે અમેરિકાએ આગંતુકોને અપનાવ્યા અને આવકાર્યા છે, તે એ આશાથી કે એ બધાં અમેરિકામાં, તેમજ અરસપરસ ભળી જશે. પણ આવું બની રહ્યું નથી. હકીકતમાં, સામાજિક સ્તરે અહીં અસહિષ્ણુતા વધતી ગયેલી છે. અમેરિકાની આજની ઇમિગ્રન્ટ વસ્તી આ દેશનો ઇતિહાસ બહુ અનિચ્છનીય રીતે બદલી રહી છે. કદાચ એવું બને કે હડસન નદીના મુખ પાસેના અખાતમાંના એક નાના ટાપુ પરનો, આદ્ય આગંતુકોનો શાંતિપૂર્વકનો પ્રવેશ દૃષ્ટાંત-યોગ્ય ઇતિહાસ નહીં રહેતાં, કાળક્રમે, કલ્પિત કથાનક જેવો બની જાય.