દરિયાપારથી.../બધી દિશામાં દોસ્તી (૨)

From Ekatra Foundation
Revision as of 05:33, 26 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બધી દિશામાં દોસ્તી

આપણી જાત આપણી સૌથી અંગત અને અગત્યની મિત્ર હોવી જોઈએ, એમ ફીલસૂફો કહી ગયા છે. પ્લૅટોએ બે જ શબ્દોમાં આ સંદેશ આપી દીધો છે – જાતને ઓળખો. આવી સમજણ જો વિકસે તો મન એવું હળવુંફૂલ બની જઈ શકે છે, અને પોતાની અંદર, પોતાની સાથે જ એક મિત્ર હોય એટલે ક્યાંયે એકલું લાગવાનો તો ડર જ ના હોય. કદાચ આથી જ હશે કે એકલ મુસાફર તરીકે પણ સર્વત્ર મને આનંદ જ થતો રહેતો હોય છે. બાહ્ય રીતે કોઈનાં સંગ ને સંગતની સીધી જરૂર નહીં, પણ સ્થાન ને જન-પ્રેમી હોવાને કારણે, કોઈ સાથે મુલાકાત ને મૈત્રી થાય તે ગમે બહુ. જાતજાતની જીવન-રીતિ વિષે જાણવા મળે, ને જીવન પ્રતિ વારંવાર વિસ્મિત થતાં રહેવાય – એ જ હશે મૂળ કારણ. જેમકે, એક વાર યુરોપના ઑસ્ટ્રિયા દેશના નાગરિક જોહાનિસને મળવાનું થયું. મુખ્ય શહેર વિએનામાં એની જથ્થાબંધ કાપડની દુકાન હતી, અને પોતાની ટૅક્સી પણ હતી. મને કહે, “દુકાનની આવકમાંથી ગુજરાત ચલાવું છું, અને ટેક્સીમાંથી થતો નફો દુનિયામાં ફરવા માટે ખર્ચું છું.” વાહ, સરસ વિભાજન- સમયનું તેમજ દ્રવ્યનું. નવાઈની વાત તો એ કે એ પણ મારી જેમ ક્યાંયનો પણ નકશો જોઈને જ જાણે મનથી અધીર થઈ જતો હતો! સ્થાનોના નકશાને સાચવી રાખે, જતાં પહેલાં એમનો અભ્યાસ કરે, સ્થાનથી પરિચિત બને. મને તો સહધર્મી મળી ગયો હોય તેવું લાગેલું. ઉત્તર થાઈલૅન્ડના એક ગામમાં કૉફી પીવા હું બેઠી ત્યારે જોયું કે બાજુના ટેબલ પર બેઠેલા યુવક પાસે અંગ્રેજી સાહિત્યનાં ચાર-પાંચ ભારે ભારે ને ગંભીર પુસ્તકો પડેલાં હતાં. અમારી વચ્ચે વાત એ રીતે જ શરૂ થઈ. મને કહે, એ પ્રવાસે નીકળે છે ત્યારે એને ગંભીર અને અઘરી ચોપડીઓ વાંચવી જ ગમે છે. એ અમેરિકન હતો, ને મને એમ લાગ્યું કે એ કશાકથી ભાગી રહ્યો હતો. એણે એટલું તો કહેલું કે અમેરિકા અને અમેરિકાપણાથી એ કંટાળી ગયો હતો. છ મહિના તો એ ગામમાં રહેવાનો જ હતો, ને ત્યાં બરાબર ગોઠવાઈ ગયેલો લાગ્યો. થાઈ ભાષા શીખવાની શરૂ કરી દીધેલી, ભાડે રાખેલા ઘરની પાછળની નાની નદીમાં એ હોડી લઈને ફરવા જતો, જાહેર સ્વીમિન્ગ પુલમાં તરવા જતો, સ્થાનિક વ્યક્તિઓ સાથે ઓળખાણ પણ થયેલી. અમેરિકાની કે ત્યાંનાં મિત્રોની યાદ બહુ હેરાન કરતી હોય તેવું લાગ્યું નહીં. ક્યારેક આમ સાધારણ વાતમાંથી પછી ઘણી વધારે કિંમતી મૈત્રી બંધાઈ જતી હોય છે. એવાં મિત્રો મને જુદી જુદી ઘણી જગ્યાઓમાંથી મળ્યાં છે – આર્જેન્ટિના, દક્શિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, મલેશિયા, જાપાન, યુરોપી દેશો વગેરે. એમાં એક છે કૅરોલિન નામની અમેરિકન યુવતી. અમે મળી ગયાં બૅન્કોકની નદી ચાઓ ફ્રાયા પરના હાલતા લાકડાંના મંચ પર. અમે બંને હોડીની રાહ જોતાં ઊભાં હતાં. એ પણ ન્યૂયોર્કમાં જ રહેતી હતી, તેથી પછી પણ અમે વારંવાર મળતાં રહી શક્યાં. એ સુંદર, ઊંચી, ઉદાર મન અને તીક્શ્ણ બુદ્ધિવાળી યુવતી હતી. એની આંખમાં વિનોદની ચમક હતી, એની ચાલમાં સધૈર્ય ગતિ હતી. ફરીથી મને સહધર્મચારિણી મળી ગયાનો આનંદ થયેલો. આથી પણ વધારે, હું કૅરોલિનથી એટલે અભિભૂત થઈ કે એ સળંગ બે વર્ષથી દુનિયામાં ફરી રહી હતી. ગ્રીસ અને ઇઝરાયેલમાં થોડો વખત સાધારણ નોકરી પણ કરી, કે જેથી આગળ જવાના પૈસા ભેગા થાય. બસ, મને મનમાં જરા ઓછું આવી ગયેલું! મારે તો વધારેમાં વધારે ત્રણ કે ચાર મહિને પાછાં જવું જ પડે! પણ સાથે જ, મનમાં આશ્વાસન પણ ખરું જ, કે હું તો વારંવાર નીકળી પડવા માટે મુક્ત છું. મારા જીવનની સૌથી પ્રિય મિત્ર જાપાની છે. જાપાનમાં મારે સારાં એવાં મિત્રો છે, પણ આ અકિકો અને એના વર માસાઆકી વર્ષોથી મારાં સ્વજન બનીને રહેલાં છે. નવાઈ એવી કે બધી જાપાની મિત્રોને ઇન્ડિયન ભોજન બહુ ભાવે, અને વધારે દૂધવાળી, ઉકાળેલી ‘ઇન્ડિયન ચ્હા’ પણ બહુ જ ભાવે. જોકે જાપાની ચ્હા તો એ બધાં આખો દિવસ પીતાં રહેતાં હોય. ઉપરાંત, હું એમને ત્યાં મહેમાન હોઉં ત્યારે એ બધાં મારી પાસે ગરમ પૂરી, શાક, સમોસાં વગેરે બનાવડાવે. જાણે રાહ જ જોતાં હોય. જાપાનમાં ઘણી ઇન્ડિયન રૅસ્ટારાઁ છે, અને ત્યાં ખાવાનું પણ સરસ હોય છે, છતાં આ ઘેર બનાવેલું મારા હાથનું ખાવાનું વધારે ગમે. ઘેર બેસીને આનંદથી વાતો કરતાં કરતાં સમય પણ વધારે સરસ જતો લાગે. અકિકોને તો આપણો નાસ્તો પણ બહુ જ ભાવે. એને માટે હું તીખી સેવ, તળેલી દાળ, ચણાચોર, નાની બાખરવડી વગેરે દર વખતે લઈ જાઉં. ચ્હાનો મસાલો તો આપું જ, પણ એને મેથિયાનો મસાલો પણ બહુ ભાવે. એ ખુશ થઈને નાસ્તો ખાતી જાય, ને કહેતી જાય, “ઓહ, ખાધા જ કરું છું. અટકાતું જ નથી!” એ એટલી તો કાર્યદક્શ છે. ખૂબ ઝડપથી બધું કામ પતાવી દે, અને થાકનું તો નામ જ નહીં. એક વાર એણે કહેલી વાત હૃદયને બહુ સ્પર્શી ગઈ હતી. અન્ય દેશોમાં મહિનોએક ફરીને એને ત્યાં દસેક દિવસ રહ્યા પછી હું ટોકિયો છોડવાની હતી ત્યારે એ મને કહે, “આવી ત્યારે કેવી થાકેલી, ફીક્કી ને પાતળી લાગતી હતી. હવે મોઢું કેવું સારું લાગે છે.” જાણે એણે લીધેલી કાળજીને કારણે જ. બરાબર આપણું પોતાનું કોઈ માણસ કહે તેવી જ લાગણીભરી હતી આ વાત. સમુદ્રમાં સફર કરતા વહાણના શઢની જેમ મનને પણ ખુલ્લું રાખીએ તો કેટલો પવન, કેટલું ચેતન અનુભવી શકાય છે. હું કોઈ દિશાને અવગણતી નથી, ને દરેક તરફથી મારા જીવનને દોસ્તીનું પોષણ મળતું જ રહે છે.