દરિયાપારથી.../ચિત્રો જોયાં, ચલચિત્રો જોયાં

Revision as of 05:35, 26 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ચિત્રો જોયાં, ચલચિત્રો જોયાં

કોણ ફેલાવતું હશે અફવાઓ? જોકે આપોઆપ ફેલાઈ જવાનો જ કદાચ અફવાઓનો સ્વભાવ છે. હવાની જેમ. વિનીત શબ્દકોશ એની સમજૂતી “ઊડતી ખબર” અને “ગામ-ગપાટો” તરીકે આપે છે. એટલેકે વજૂદ વગરની, ગપ્પાં જેવી વાત, એવું સમજાય છે. પણ કોઈ વાત અફવા છે, તેવી ખબર ક્યારે પડે? ઘણા લોકો પાસેથી સાંભળ્યું હોય, ને તેથી એ માની લીધું હોય, તે પછી ક્યારેક? સિનેમાની બાબતે આવું બહુ બનતું લાગે. અમુક ને તમુક ફિલ્મ વિષે બહુ વાતો સાંભળીએ, ને માની પણ બેસીએ કે ઓહો, તો તો એ ફિલ્મ સારી જ હશે. આમ તો, પરદેશમાં લાંબું રહેતાં રહેતાં હિન્દી ફિલ્મોનું હળાહળ નીતરી ચૂક્યું છે, ને મન અનેક બૌદ્ધિક, સાહિત્યિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પરોવાઈ ગયું છે. પણ મોટા ભાગનાં ભારતીય વસવાટીઓની નસોમાં એ અસહાય આદત ફરતી જ રહેલી છે. પરદેશમાં રહેવું, અને દેશી દવાનું સેવન કરવું – કૈંક એવું કલ્પન મારા મગજમાં આવતું રહે છે. નવાં નવાં ચલચિત્રો વિડિયો પર, ને હવે તો બીજી ઘણી રીતે, જોતાં રહેલાં ઓળખીતાં પાસેથી ક્યારેક જાણવા મળે. મેં તો એ ફિલ્મોનાં નામ કે એનાં ગીતો સાંભળ્યાં જ ના હોય. મારી હાલત જાણે કાચા સોના જેવી! જે ઘાટ ઘડવો હોય તે ઘડાશે, એમ એ લોકો માની લે. પરાણે, મૈત્રી ખાતર ક્યારેક જોવા જાઉં. ના ગમે તો ફરિયાદ નહીં કરવાની, ને ગમે તો એનાં કારણ ચલચિત્રનાં કળા-કૌશલ પર હોય. હવે આવે છે ઉપરોક્ત અફવાનો સંદર્ભ. અલબત્ત, વાત ઘણાં વર્ષો પહેલાંની છે. ઊડતી ઊડતી એક ખબર એક ગુજરાતી ચલચિત્ર વિષે આવેલી. ત્યાં સુધીમાં મેં એક જ ગુજરાતી ફિલ્મ જોયેલી, ને તે પણ સાવ નાનપણમાં. તે વખતથી જ એ બાબતે મન પર ડાટો લાગી ગયેલો. સારી ગુજરાતી ફિલ્મો પણ આવતી રહી જ હશે, પણ મારે એ કોઈ જોવાના વારા આવ્યા નહતા. આ પ્રસ્તુત ફિલ્મના નામ સાથે “બહુ જ સરસ છે”નું છોગું લાગેલું. એનાથી મનમાં થોડી ધરપત હતી, ને બુદ્ધિપ્રધાન કુતૂહલ હતું. બહુ વર્ષો પછી, આ ક્શેત્રનો ઐતિહાસિક પરિપ્રક્શ્ય મળશે એવી આશા રાખેલી. સાવ ખોટી જ હતી એ આશા. ઇતિહાસ તો શું, પણ વર્તમાન પણ મૂર્છિત થઈ જાય એવો એ પ્રયાસ નીકળ્યો. બુદ્ધિપૂર્વકનું કાંઈ જ નહતું એમાં, ને રંગીન વસ્ત્રો સિવાય કળાત્મક પણ કાંઈ જ નહીં. હા, અભિનેત્રી દેખાવડી હતી, ને અભિનેતા પણ કાંઈ ખોટો નહતો. પણ એટલું જ પૂરતું નહતું. કશા વાંક વગર હેરાન થયેલું, ને પીડા પામેલું મારું મન વિચારે,“આ એકવીસમી સદી છે, પણ પ્રયોજકોને વિકાસનો ખ્યાલ પણ નહીં આવતો હોય? ઉત્તમ માટે ઝંખના કેમ નહીં થતી હોય એ લોકોને? ” મહાનગર ન્યૂયોર્કના વિશ્વ-વિખ્યાત રંગમંચ-સંપુટ પરનાં અનેક અનુષ્ઠાનોના લાંબા ગાળાના પરિચય પછી કક્શા અંગે સ્પષ્ટ અને સાગ્રહ સભાનતા માનસમાં આકાર પામી છે. આ કારણે કચાશવાળી કોઈ રજુઆત સહન નથી થતી. નાટકો કરતાં ફિલ્મો ઘણા વધારે પ્રમાણમાં બહાર પડે, એટલે એમને જોવાની પસંદગી માટેનું ધોરણ કડક રાખવું પડે. પ્રસ્તુત એ ફિલ્મમાં સંવાદનાં કશાં ઠેકાણાં નહીં. “એવો સ્વાદ ચખાડીશ કે જિંદગીભર યાદ કરશે”, અને “જોજે, એને બતાવી ના આપું તો મારું નામ ... નહીં” જેવાં, સાવ સાધારણ ને હલકાં વાક્ય દરેક મુખ્ય પાત્ર બોલે છે એમાં. મેં ભોળીએ શરૂઆતમાં ખરેખર રાહ જોયેલી કે શું સ્વાદ ચખાડે છે, કે શું બતાવી આપે છે; ને પછી, કેટલી વાર આવાં વાક્યો વપરાય છે તે ગણવામાં મારું ધ્યાન ખેંચાયેલું રહ્યું હતું! ઉપરાંત, મેં એમ શા માટે માની લીધું હતું કે મારામારીનાં દૃશ્યો ફક્ત હિન્દી સિનેમામાં જ આવે? અરે, આ ગુજરાતી ફિલ્મમાં તો એટલી મારામારી, અને લોહી રૂપે લાલ રંગ બતાવ્યાં કે હિન્દી તો શું, પશ્ચિમની ‘વૅસ્ટર્ન’ પ્રકારની ફિલ્મો પણ અહિંસક લાગે. વળી, એ ફિલ્મ એટલી લાંબી ચાલેલી કે પૈસા વસૂલ થયેલા લાગવાને બદલે ફિલ્મને બંધ કરવા માટે પૈસા આપવાનું મન થાય. થાકી જઈને મનોમન હું કહેતી રહેલી, “હા, બાપુ, હા, જોયું, જોયું.” “ આર્ટ ફિલ્મ” તરીકે ઓળખાતો પ્રકાર ભારતમાં જરૂર છે, જોકે એવી કળાત્મક ફિલ્મો ભારતમાં સર્વત્ર રજુઆત પણ નહીં પામતી હોય. એમાં કથાનક ખૂબ કળાપૂર્વક પ્રસ્તુત થયેલાં હોય છે, ને સંયતતા હોય છે. કદાચ તેથી પણ, લોક-મેદનીમાં એ સમજાતાં નથી, ને પસંદ પડતાં નથી. આખા ને આખા સમાજને સાધારણતાનો થાક લાગવા માંડે, તો કેવું સારું, એમ થયા કરે છે. ઉચ્ચ કક્શાની મનોરંજક ફિલ્મો માટેની માગણી વધવા માંડે, તો કેવું સારું. આવા વિચારો અમુક અંશે કદાચ અન્યાયી પણ લાગે, એ કબૂલ કરું છું, અને તેથી, વ્યક્તિગત રીતે, એટલી જ આશા રાખું છું કે અફવાઓ ફેલાતી રહે, મારા સુધી પહોંચતી રહે. એમાંની કોઈ કશા વજૂદવાળી નીકળી પણ આવે, ને એકાદ ખરેખર બહુ સારી ફિલ્મ જોવા મળી પણ જાય.