દરિયાપારથી.../એક ઈશ્વરીય સર્જક

From Ekatra Foundation
Revision as of 05:38, 26 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
એક ઈશ્વરીય સર્જક

જાપાન જેવા પ્રાકૃતિક અને સાત્ત્વિક સૌંદર્યવાળા દેશમાં એક અત્યંત સંવેદનશીલ આત્માનો જન્મ થયો. કદાચ ચાલીસેક વર્ષ પહેલાંની આ વાત હશે. એ વ્યક્તિની ચોક્કસ ઉંમરની મને જાણ નથી. કેવા કુટુંબમાં એનો જન્મ થયો, એનાં મા-બાપ શું કરતાં હતાં, તે વિષેની કોઈ માહિતી મારી પાસે નથી. હું એને મળી ત્યારે એ દૃઢ આત્મવિશ્વાસવાળો, સુદર્શન પુરુષ હતો. એના જીવનનું સ્વપ્ન એ સિદ્ધ કરી ચૂક્યો હતો. ને એનું સ્વપ્ન હતું સિતાર વગાડતાં શીખવાનું. આ વાત લાંબી છે, હૃદયસ્પર્શી છે, અસાધારણતાને કારણે અવાસ્તવિક અને કલ્પિત કથા જેવી છે. પણ આ એક સત્ય ઘટના અવશ્ય છે. આપણા દેશમાં જેમ કેટલાક લોકો ઈશ્વર-પ્રાપ્તિ માટે સાધના કરે છે, તેમ આ જાપાનીઝ યુવકે સંગીત માટે તપ કર્યું. યોગી તો એ પણ કહેવાય ને? એનું નામ તાદાહિરો વાકાબાયાશી. ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાની ઝંખનાની શરૂઆત દૈવે નિર્ધારેલા એક અકસ્માતથી થઈ એમ કહી શકાય. એ વખતે તો તાદાહિરોની ઉંમર નાની. સંગીતનો શોખ તો ખરો જ, તેથી આખૌ દિવસ એના રૂમમાં રેડિયો ચાલુ જ હોય. એવામાં એક દિવસ એણે રવિશંકરની સિતારના કાર્યક્રમનું પ્રસારણ ટોકિયોના એક રેડિયો-સ્ટેશન પર સાંભળ્યું. આ અદ્ભુત તંતુવાદ્યના ઝંકારની મોહિની એની આખી ચેતનામાં પ્રસરી ગઈ. બસ, ત્યારથી સિતાર શીખવાની એને રઢ લાગી. પણ તે માટે સિતાર ખરીદવી પડે. એણે ટોકિયો શહેરમાંની એક વાજિંત્રની દુકાનમાં તપાસ કરી. એ દુકાનમાં બીજાં ભારતીય વાજિંત્રોની સાથે સિતાર પણ મળતી જ હતી, પણ કેટલી બધી મોંઘી. એટલા બધા પૈસા કિશોર તાદાહિરો પાસે ક્યાંથી હોય? એ નિરાશ તો થયો જ હશે. અદમ્ય ઈચ્છા પરિપૂર્ણ ન થતાં એ ઉદાસ પણ થયો જ હશે. પણ ના એણે એ ઈચ્છા પડતી મૂકી, કે ના એણે કશું ગાંડપણ કર્યું. એણે બે રીતે પોતાનો સમય વહેંચી દીધો. એક તો, રવિશંકરની સિતારની રૅકૉર્ડ ખરીદીને એણે ઘેર એ સંગીત અવિરત સાંભળવા માંડ્યું. અને બીજું, એ અલભ્ય વાજિંત્રના દર્શન કરવા દરરોજ એણે એ દુકાન પર જવા માંડ્યું. ક્યારેક અંદર જઈને એ પોતાના મૂર્તિમંત સ્વપ્નને નિહાળતો, ક્યારેક ફક્ત બહાર ઊભાં રહીને. ઘણી વાર તો કલાકો આ જ રીતે નીકળી જતા. ભગવાનની ભક્તિ કરનારા ભક્તો પણ આવા જ હોય છે ને? આમ કરતાં કરતાં દુકાનદાર પણ એને ઓળખી ગયા. બંને વાતો કરવા માંડ્યા, ચર્ચા કરવા માંડ્યા, પણ સિતાર તો મોંઘીની મોંઘી જ રહી. કલાકોના દિવસો, એનાં અઠવાડિયાં, ને છેવટે મહિના વીત્યા. છ મહિના સુધી આ તાદાહિરો વાકાબાયાશીએ દુકાનના ધક્કા ખાધા કર્યા. ધીરે ધીરે કરીને થોડા પૈસા પણ બચાવ્યા, પણ હજી પૂરતા નહતા. બનવાજોગે એ અરસામાં દુકાનદારને દંધો આટોપી લેવાની ફરજ પડી. બીજાં વાજિંત્રોની સાથે એ સિતાર પણ એણે ઓછા ભાવે વેચવા મૂકી. તોયે હજી એ તાદાહિરો માટે મોંઘી હતી. દિવસોના દિવસોથી સિતાર-દર્શન માટેની એની યાત્રાએ દુકાનદારનું દિલ જીતી લીધું. અંતે એણે પાણીના મૂલ્યે એ સિતાર તાદાહિરોને વેચી દીધી. પછી તો એની સ્વપ્ન-સિદ્ધિને વાર શી લાગે? ભારત જઈને ગુરૂ પાસે શીખવાના પૈસા તો શરૂઆતમાં એની પાસે હતા જ નહીં, તેથી રૅકૉર્ડ પરથી જ એણે શીખવા માંડ્યું. એ પછી થોડા જ સમયમાં તો એ ભારતીય સંગીતમાં રસ ધરાવનારાં બીજાં જાપાનીઝને શીખવાડવા પણ લાગ્યો. એનો પોતાનો શોખ, અને એની પ્રવીણતા વિસ્તરતાં ચાલ્યાં. સિતાર ઉપરાંત સરોદ, રુદ્ર-વીણા, સૂર-બહાર, તબલાં, પખવાજ વગેરે અનેક વાજિંત્રો સાથે એ સુપરિચિત થયો. તાદાહિરોની વાત સાંભળ્યા પછી, એના આ મહાપ્રભ આવેગની તીવ્રતાએ મારા હૃદયને પ્રબળ રીતે કંપાવી દીધું. કંઈક એના અથાગ શ્રમ પ્રત્યે હૃદય દ્રવ્યું, કંઈક પોતાના જીવનમાંની અલ્પતાનો ડંખ વાગ્યો. એ વખતે ટોકિયોમાં કામ કરતા એક બંગાળી મિત્ર મને આ અસામાન્ય વ્યક્તિને મળવા લઈ ગયા. મેં જોયું, તાદાહિરો ચશ્માં પહેરે છે, લાંબા વાળ રાખે છે, ને સંગીતકારની જેમ દાઢી છે ખરી, પણ પાતળી – બહુ ગાઢ નહીં. એણે સફેદ ચૂડીદાર અને લખનૌ-ભરતવાળું કેસરી કુરતું ધારણ કર્યાં હતાં. હવે તો એ ટોકિયોના એક પરામાં એક નાનું આહારગૃહ ચલાવે છે, ને તે પણ ભારતીય ખાવાનાને માટેનું. એની મર્યાદિત સૂચિમાં ચિકન-કરી, સમોસાં, શાક, ભાત, પૂરી, રોટલી અને ઉકાળેલી ચ્હાનો સમાવેશ થાય છે. આગલા ભાગમાં નાનકડી દુકાન કરી છે. ત્યાં હસ્તકળાની વસ્તુઓ વેચાય છે – ગુજરાતનાં તોરણ, રાજસ્થાનનાં માટીનાં ઊંટ, દિલ્હીના દોરામાંથી બનાવેલા લૅમ્પ, બંગડીઓ, અગરબત્તી વગેરે. અમુક દીવાલો પર, ભારતના પ્રવાસ-ખાતાએ બહાર પાડેલાં, ઉજ્જ્વળ રંગનાં પોસ્ટર લગાડેલાં છે. બાકીની દીવાલો પર, સોળમીથી અઢારમી સદીઓનાં પુરાતન, અમૂલ્ય, પરિચિત-અપરિચિત કંઈકેટલાંયે વાદ્યો લટકાવેલાં હતાં – રબાબ, સૂર-શૃંગાર, વાયોલિન, એકતારા, વીણા વગેરે. હું જોઈને દિગ્મૂઢ થઈ ગઈ હતી. આ સિવાય, બધાં થઈને, તાદાહિરોએ ભેગા કરેલા સંગ્રહમાં બસો જેટલાં અનેકવિધ વાજિંત્રો હશે. પણ આ આહારગૃહનું તો બહાનું છે. એ તો ગુજરાન ચલાવવા માટે. ખરેખર તો આ સ્થાન એને સંગીત સર્જવાની તક આપે છે. એ સાંજે ત્યાં, મારા અને મારા મિત્ર સિવાય, બધાં તરુણ જાપાનીઝ હતાં પાસે બેઠેલાંને મેં ભારતીય ખાવાનું ખાવાની રીત સમજાવી. જાપાનમાં તો ચૉપ સ્ટીક વાપરવાનો રિવાજ, અને આપણે હાથથી ખાઈએ. વાતાવરણ સરળ હતું, પીરસનારાં વિવેકી હતાં, અને આહારગૃહનો માલિક – તાદાહિરો- સૌમ્ય અને સુશીલ હતો. એનો જ એક જાપાનીઝ શિષ્ય તબલાં પર સંગત દેતો હતો. બંને જણ સૂર અને તાલમાં મગ્ન હતા. તબલચી આબેહૂબ રીતે વર્તતો હતો – ખભા ઊંચા કરવા, માથું હલાવવું, હાથથી ઠેકો આપવો. અરે, દાદ પણ એ નિયત ક્શણે જ આપતો હતો. સિતાર પર એક રાગ વગાડ્યા પછી, તાદાહિરોએ કોઈ ખાનસાહેબની જેમ પગને તિર્યક મુદ્રામાં રાખીને જ અડધા કલાક સુધી જાપાની ભાષામાં વાર્તાલાપ આપ્યો. ભારતીય સંગીતનો ઈતિહાસ, એનાં લક્શણો, એના સંકેતો વગેરે વિષે સમજાવતો હોય તેમ લાગ્યું. મીંડ, તાન, દ્રુપદ, મંદ્ર-સપ્તક જેવા શબ્દો સંભળાયા કર્યા હતા. એનું ગ્નાન સંપૂર્ણ હતું, એની સિદ્ધિ અસાધારણ હતી. એના આહારગૃહમાં ભોજન-વ્યંજન અને બિયરની સૂચિની સાથે સાથે સંગીતની પણ સૂચિ મૂકેલી છે – સોમવારે બંગાળી ગીતો; મંગળવારે પાકિસ્તાની, અફઘાની, અરબી સંગીત; બુધવાર ભારતીય શાસ્ત્રીય સંગીત અને તબલાં સાથેની ઉત્સાહપ્રેરક જુગલબંધી, ગુરુવારે ભારતીય લોકસંગીત અને ભજન. હા, એ કંઠ્ય-સંગીત પણ જાણે છે. હું ગુજરાતી છું, તેમ વાત થઈ એટલે તરત મને કહે, “મારે ગરબા-સંગીત પણ શીખવું છે. એ પણ મને બહુ ગમે છે.” તાદાહિરોના જીવિતનું આ કેવું પ્રાબલ્ય કહેવાય, કૈંક દૈવી સ્પર્શ એને ચોક્કસ મળ્યો છે, નહીં તો આટલું શીખવાનું, આવલું જાણવાનું એ આટલી સહેલાઈથી કઈ રીતે કરી શકે? પછી તો એ ભારત જઈ આવ્યો છે. દિલ્હી, લખનૌ, કલકત્તામાં આશિષખાન, તબલચી પ્યારેલાલ જેવા ગુરુઓની કંઠી પણ બાંધી છે. આપણને થાય, તાદાહિરોના હાથનો આ જાદુ કોઈ અદૃશ્ય વરદાનથી તો નહીં હોય? હું કદાચ વધારે પડતી લાગણીવિવશ કહેવાઉં, પણ મને અનુભવ થતો હતો કે તાદાહિરો ઈશ્વરીય તત્ત્વનું સહજ સર્જન કરી રહ્યો હતો. બરાબર ભારતીય પ્રણાલિ મુજબ અમારા જમવાના પૈસા એણે ના જ લીધા. મૃદુ સ્મિત સાથે, બે હાથ જોડીને એણે અમને ભાવપૂર્વક વિદાય આપી. તાદાહિરો વાકાબાયાશીથી હજી હું સંપૂર્ણ પ્રભાવિત છું, અને હંમેશ માટે રહીશ.