દરિયાપારથી.../વસંતો જ વસંતો

From Ekatra Foundation
Revision as of 05:54, 26 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વસંતો જ વસંતો

અત્યાર સુધીમાં મેં ઘણો સમય ભ્રમણ કરવામાં ગાળ્યો. બધી તવારિખો ભેગી કરું તો વર્ષોનાં વર્ષો થયાં ગણાશે. લગભગ દરેક મુસાફરીનું આયોજન મેં ત્યાં ત્યાંની ‘સારી’ ઋતુ પ્રમાણે કર્યું છે. અગ્નિ-એશિયામાં ઉનાળામાં ના જઈએ, યુરોપના દેશોમાં શિયાળામાં ના જઈએ, કરીબિયન ટાપુઓ પર ઝંઝાવાતના મહિનાઓ દરમ્યાન ના જઈએ – એવું તો સ્વેચ્છાથી નીકળી પડનાર દરેક મુસાફરે વિચારવું પડે. વર્ષમાં બે ઋતુઓ એવી છે કે જે ત્યાં ત્યાંના નાગરિકો માટે, તેમજ આગંતુકો માટે સહેલી, સુંદર અને ઇચ્છનીય હોય છે. તે છે વસંત અને પાનખર. ઉભય ઋતુ દરમ્યાન ચોતરફ રંગ જોવા મળે. એકમાં નવા ઊગી જતાં ફૂલોનાં રંગ-સુગંધ, તો બીજીમાં ખરી જતાં પહેલાંનાં પાંદડાના રંગરાગ. વસંત એવી ઋતુ છે જેને શબ્દોમાં ગંુથી શકાય. રવીન્દ્રનાથે વસંત અને વર્ષા ઉપર એટલાં ગીત લખ્યાં છે કે એનું જ એક પુસ્તક થાય. તો પાનખરનું રૂપ ચિત્રકારોને મુગ્ધ કરતું રહ્યું છે. આમ તો હું ભારત શિયાળા દરમ્યાન આવું, અને જીવ બાળું કે ચંપા, બોરસલી, હારશિંગા, ગુલમ્હોર, શિરીષ વગેરે કોઈ ફૂલો દેખાતાં નથી. એક વર્ષે ઊતરતા શિયાળે આવવાનું બન્યું. ફેબ્રુઆરીથી એપ્રિલના અંત સુધી રહી ત્યારે ઘણાંયે ફૂલો જોયાં. અરે, એ તો ક્રમ મુજબ ઊગતાં જ હતાં, એમના સમયે હું પોતે દેશ આવતી નહતી. ખૂબ ખુશી થઈ મનમાં. લાગ્યું કે દેશ આવવા માટે આ સારામાં સારો સમય હતો. ફૂલો દેખાયાં, એટલું જ નહી, મને તો હવામાં તાજગી લાગી, અને એમાં સુગંધ પણ વર્તાઈ. ઘણાં વર્ષોની ગેરહાજરી પછી જાણે નવેસરથી મને ભારતમાંની વસંત વિષે જાણકારી મળી હતી. મને તો ગરમી યે ના લાગે, ને મને વાતાનુકૂલ મશિન પણ ના જોઈએ. રાત-રાતે બારીમાંથી આવતો પવન રાતરાણીની મહેક પણ લેતો આવે. માથે પંખો પણ ના જોઈએ. ઓળખીતાં માની પણ ના શકે, ને પૂછે, ‘તું ગાંડી છે?’ વાહ, ઋતુનો સ્પર્શ પામી શકનાર ગાંડું હશે? કે એ ભાગ્યશાળી કહેવાય? બન્યું એવું કે એ વર્ષે હું સતત ભાગ્યશાળી રહી. એ વર્ષના સાતેક મહિનાની અંદર પૃથ્વી પરના જુદા જુદા ચાર મહાખંડ પર મેં ચાર વસંત જોઈ, અનુભવી, માણી. પ્રવાસનો યોગ જ કંઈક એ પ્રમાણે થયો. વસંતપંચમીનો તહેવાર ઉપરાંત, વાસંતી વાયરો તેમજ વાસંતી ફૂલ-ફાગ ભારતમાં સાનંદ અને સાશ્ચર્ય અનુભવ્યાં. ત્યાંથી નીકળીને યુરોપમાં હું ફ્રાન્સ અને સ્વિટ્ઝરલૅન્ડ રોકાઈ. મે મહિનાની શરૂઆતે યુરોપમાં વસંત આગમન કરી ચૂકી હતી. પંરિસ, જિનિવા અને બહારના વિસ્તારોમાં હું જ્યાં ગઈ ત્યાં બસ, ફૂલો જ ફૂલો. કોઈ કોઈ ઓળખાય, બહુધાં નવલાં, ને નામ તો ખાસ કોઈનાં ખબર નથી. દૃષ્ટિને આ કશું ના નડે. આપણે તો ‘રમ્યાણિ વીક્શ્ય’ હરખાયાં કરવાનું. પૅરિસ શહેરના રસ્તાઓ પર ફૂલો સત્તાવાર રીતે નક્કી થયા પ્રમાણે ઉગાડાય, પણ પરાંના વિસ્તારોમાં ઠેર ઠેર અને ઘેર ઘેર ખાંઈ ફૂલો જોવા મળ્યાં છે. લોકો પોતાના ઘરના બાગોમાં બહુ શોખથી, રંગ અને જાત પ્રમાણે જુદાં જુદાં ફૂલો ઉગાડે. આપણને બધે ફેરવીને બતાવે પણ બહુ શોખથી. આખા વિસ્તારમાં અનેક ઘરોની દીવાલો પરથી બહાર ઝૂકી પડતાં ફૂલો તો બહાર નીકળવાને જ સુંદર બનાવી દેતાં. ખાસ તો એમના અદ્ભુત રંગોથી. મેં જાંબલી અને ભૂરા રંગનાં ફૂલ જોયેલાં તો જરૂર, પણ એકાદ-એકાદ જાતનાં. અહીં ફ્રાન્સમાં તો આ બે અસામાન્ય અને અસંભવ કહીએ તેવા – જાંબલી અને ભૂરા – રંગો ધારણ કરેલાં કેટલીયે જાતનાં ફૂલો દેખાયાં. એક-એક નવી જાત નજરે પડે, ને હું બોલી ઊઠું, “આહા, હજી એક વધારે?” જિનિવા ગઈ તો ત્યાં પણ સર્વત્ર બસ, ફૂલો જ ફૂલો. શહેરના કેન્દ્રમાં ખૂબ મોટી એક ઘડિયાળ છે, જેને રંગરંગીન ફૂલોથી શણગારી દેવાઈ હતી. એ ફરીથી જોવા જ જાણે જિનિવા ગઈ હતી. સહજ આનંદ આપવાનો કેવ ગુણ હોય છે ફૂલોમાં. ઉપરાંત, આ ઋતુમાં મને પૅરિસની બહાર, સિત્તેરેક કિ.મિ. દૂર આવેલા, જિવર્નિ (Giverny) નામના ગામે જવાનો મોકો મળ્યો. વિખ્યાત ફ્રેન્ચ ચિત્રકાર ક્લૉડ મોને ( Claude Monet) ત્યાં ઘણાં વર્ષ રહ્યા, અને અસંખ્ય ચિત્રો એમના પોતાના વિશાળ બાગમાં ઉગાડેલાં ફૂલો પરથી બનાવ્યાં. દુનિયાનાં કળાપ્રેમીઓમાં આ ચિત્રો તેમજ જિવર્નિમાંનું એમનું ઘર ઊંડા રસ અને આકર્ષણનું સ્થાન બનેલાં છે. એમણે કમળ અને પોયણીનાં ઘણાં ચિત્રો કરેલાં. ન્યૂયૉર્કનાં મ્યુઝિયમોમાં એ હું વર્ષોથી જોતી આવી છું. એમાંનું એક તો લગભગ આઠ મિટર લાંબું છે. એમાંનાં આ જળ-પુષ્પોના ગુલાબી-જાંબલી રંગ, પાણી પર ઝૂકતી લીલોતરી, ચિત્રનું શાંતિપૂર્ણ વાતાવરણ હંમેશાં દરેક જોનારને સંમુગ્ધ કરે છે. ચિત્રકાર મોનેનો પોતાનો ગાર્ડન આ ચિત્રોની યાદને જીવંત કરી દે છે. આ ગાર્ડનમાં આજે પણ, એપ્રિલથી ઑક્ટૉબર દરમ્યાન, દરેક મહિને જુદાં જુદાં, ઋતુને અનુરૂપ ફૂલો જોવા મળે છે. આ માટે ગાર્ડનના અમુક ભાગમાં વિવિધ ફૂલો ઉગાડવાનું કામ ચાલતું જ હોય છે. ખીલવા આવેલાં ફૂલ-છોડને કળાત્મક રીતે, હૃદ્ય રંગમેળ અને વિરચન કરીને જાહેર વિભાગોમાં વાવવામાં આવે છે. મે મહિનાની શરૂઆતે મને આઇરિસ, ર્હોડોડેન્ડ્રોન, જરેનિયમ, પિયોનિ, વિસ્ટેરિયા, અઝેલિયા, ડેલ્ફિનિયમ, ડેફોડિલ, ડેઇઝી વગેરે ખૂબ સુંદર, ખૂબ ગમતાં ફૂલો જોવા મળ્યાં. એ દિવસે સાચેસાચ એક કળાયાત્રા થઈ હતી. દસેક દિવસ પછી ન્યૂયૉર્ક પાછી ફરી ત્યારે અમેરિકામાં વસંત શરૂ થયેલી હતી. વસવાટથી પરિચિત બનેલો પ્રદેશ, અને પરિચિત બનેલાં ત્યાંનાં ફૂલ. આ વિસ્તારમાં ચૅરિ બ્લૉસમ્સ અને મૅગ્નોલિયા સૌથી પહેલાં ખીલી જાય. એક ઝીણાં અને ઋજુ, તો બીજાં ખૂબ મોટાં અને મૃદુ. આ બંને જાતનાં ફૂલ થોડું જ ટકે ડાળીઓ પર, ને પછી એમની ખરી પડેલી સુકોમળ પાંદડીઓની જાજમ જમીન પર પથરાય. ડૅફોડિલ ફૂલો ઘણું વધારે ટકે. એમની આટલી બધી જાતો હશે, તે તો એમને જોવા પામીએ, ત્યારે જ જાણીએ. મોટાં, નાનાં, ઝીણકાં, અને ઘેરા પીળા, આછા પીળા, સફેદ રંગનાં- એમ જુદા જુદા રૂપનાં ડૅફોડિલ થતાં હોય છે. તો વળી, ઘેરા લાલ અને અમકતા પીળા રંગનાં ટ્યુલિપ ફૂલો તો ન્યૂયૉર્ક શહેરના બે મુખ્ય માર્ગો – બ્રૉડવે અને પાર્ક એવન્યૂ-ની વચમાં માઇલો સુધી ઉગાડવામાં આવે. અને વિવિધરંગી ઇમ્પેશન્સ ફૂલો છે આમ સાદાં જેવાં, પણ લગભગ આખો ઉનાળો ટકી રહે, એટલે બહુ રૂપાળાં અને વહાલાં લાગે. અમેરિકામાં સૌથી છેલ્લાં ખીલી આવે ડૉગવૂડ્સ નામના ઝાડ પરનાં ફૂલો. એ પણ એ જ નામે ઓળખાય. એ ફૂલ સફેદ અને ગુલાબી – એમ બે રંગનાં હોય. ડાળીઓ પર એવી રીતે ખીલી જાય કે ના તો ડાળીઓ દેખાય, ના તો પાંદડાં. ચાર જ પાંદડીનાં આ ફૂલ. દરેક પાંદડી એવી અણિયાળી, કે આકાર બરાબર ચોરસ બને. જેમ ભૂરા રંગનાં ફૂલ નવાઈ પમાડે, તેમ આ ચોરસ આકાર પણ પમાડે. જ્યાં જ્યાં સામટાં દોઢસો-બસો ઝાડ હોય, ને હજારો આવાં ફૂલો ખીલી આવતાં હોય, ત્યાં ડૉગવૂડ્સ પુષ્પોત્સવનું આયોજન થાય. દૂર દૂરથી અસંખ્ય લોકો આવે – બસ, આ અનુપમ સંુદરતાને માણવા. ચારેક મહિના પછી હું વળી એક જુદા મહાખંડમાં જવા નીકળી. એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, નર હવે આફ્રિકા ખંડ. દક્શિણ ગોળાર્ધમાં દક્શિણતમ દેશ, એટલે દક્શિણ આફ્રકા. ઉત્તર અમેરિકામાં પાનખરનો વારો આવી ગયો હતો, ત્યારે મને હજી એક વાર વસંત માણવા મળવાની હતી. એક જ વર્ષમાં ચાર વસંત. અપૂર્વ જ કહેવાય એ વર્ષને. દક્શિણ આફ્રિકા દેશનો ભૂમિપટ અસામાન્ય છે. એ મને સંપૂર્ણતયા હૃદયગ્રાહી લાગે છે. ત્યાં જાણે બધું જ છે – પર્વતો, રણપ્રદેશ, દરિયાકાંઠો, મેદાનો . ત્યાંના પહાડો ભૂખરા-જાંબલી પાષાણી છે, રણપ્રદેશ સપાટ અને સૂકો છે, દરિયાકાંઠો ભેખડબદ્ધ પણ હોય ને સરળ, રેતાળ પણ હોય, અને મેદાનો એટલે લીલી લીલી ખાલી જગ્યા. આ ભૂમિપટમાં બધે જ ફૂલો ના દેખાય, છતાં દરેક ઘરના કમ્પાઉન્ડમાં તો ફૂલ-છોડ ઉગાડેલાં હોય જ, એવું મેં જોયું. હું મિનિ-બસ વાટે તેરેક હજાર કિ.મિ. દક્શિણ આફ્રિકામાં ફરી. રસ્તા પરથી ગામોનાં નાનાં સાદાં ઘર સરસ લાગે, અને એવા જ સાદા – બારમાસી, ધંતૂરો, ક્યારેક જંગલી ગુલાબ વગેરે – ફૂલોના રંગ એમને મળેલા જોઈ મનમાં આનંદ થાય. હાઇવે પર જતાં ક્યારેક ઘેરા લીલા રંગના તાજા ઊગેલા ઘાસની જાડી જાજમ થયેલી દેખાય, તો ક્યારેક આપોઆપ ખીલી ગયેલાં અજાણ્યાં જંગલી ફૂલો સોનેરી તડકામાં હરખાતાં દેખાય. આવી જ રીતે ઊગી જતાં કૉસ્મૉસ ફૂલોને હું નામથી તેમજ રંગ-રૂપથી ઓળખવા માંડી ગયેલી. એમનો એક સાથે મોટો પથારો હોય. નાજુક પાંદડીઓથી આકાર સુંદર ગોળ હોય અને રંગ હલકો ગુલાબી, જાંબલી, ને ક્યારેક ઘેરો ગુલાબી કે સફેદ હોઈ શકે. ઉત્તર ગોળાર્ધમાં જેમ ડેઇઝી ફૂલ સહજ રીતે ઊગી જાય, તેમ અહીં આ કૉસ્મૉસ ફૂલ ઊગતાં હતાં. એ કહેવાય તો સાદાં અને સાધારણ, તોડ્યા પછી જરા વારમાં સૂકાઈ જાય એવા ઋજુ. પૂજામાં કે શોભામાં – ક્યાંય કામનાં નહીં, પણ કૉસ્મૉસ જેવું વિશિષ્ટ નામ હતું એમનું. મેં વાંચેલું કે ૧૫મી-૧૬મી સદીમાં સ્પૅનિશ ભૂમિ-શોધકોની સાથે આ ફૂલો યુરોપથી અહીં આવેલાં. એમનું અહીં હોવું આવું તો ઐતિહાસિક હતું, તે જાણ્યા પછી હું એમને અર્થપૂર્ણ સંદર્ભો સાથે જોવા લાગી હતી. દક્શિણ આફ્રિકામાં ફરતાં નાનાં ચંપાનાં ઝાડ ક્યાંક ક્યાંક જોયેલાં, ને બાગોમાં કૅના, લિલિ, દાઉદી વગેરે પણ હતાં. ડર્બનની બહારના મહામાર્ગ પર માઇલો સુધી સળંગ શેરડી ઊગે છે. વસંત ઋતુમાં એમનો ફાલ ઘણો ઓછો હતો. એમની પ્રફુલ્લિત ઘનતા ડર્બનની પેલી સફર દરમ્યાન જોયેલી. અને બોગનવેલના ઘેરા રંગ તો હંમેશાં ઉત્સાહિત થયેલા લાગે પણ ખરા, અને જોનારને આનંદિત કરે પણ ખરા. દક્શિણ આફ્રિકા દેશની સર્વશ્રેષ્ઠ વાસંતી સંુદરતા રહેલી છે જાકારાન્ડા ફૂલોમાં. મોટાં, ઊંચાં વૃક્શોને આછા જાંબલી રંગનાં જાકારાન્ડા ફૂલો જાણે ઊભરાવી રહે છે. પાછળ ભુરૂં આકાશ હોય ત્યારે તો એમનો શું નિખાર. અને તડકો હોય ત્યારે સૂરજનો પ્રકાશ પોતે જ જાંબલી થઈ ગયેલો ભાસે. ડળક ડળક ઝરીને જમીન પર પડ્યાં હોય ત્યારે એ જાજમ પણ અદ્ભુત-સુંદર લાગે. મને કોઈએ કહ્યું કે જાકારાન્ડા ઇન્ડિયાથી અહીં આવેલાં. અરે વાહ, ખરેખર? ગુલમ્હોર પણ ઇન્ડિયાથી જ અહીં આવેલાં. અહીં આપણાં ગુલમ્હોરને ‘ફ્લૅમબૉયન્ટ’ કહે છે. પૂર્ણવિકસિત ગુલમ્હોરનાં ફૂલોથી ખીચોખીચ ઝાડ પણ અહીં ખૂબ જોયાં. એમને જોઈને હંમેશાં મને દેશ જ યાદ આવે. પણ જ્યારે સાંભળ્યું કે જાંબલી જાકારાન્ડા અને કેસરી ગુલમ્હોર એક જ વૃક્શ-પ્રકારનાં, એટલેકે એક જ વનસ્પતિ-કુટુંબનાં છે, ત્યારે વિસ્મયથી મૂક થઈ જવાયું. કુદરતની લીલા ન્યારી છે. એના સાક્શી થવા મળે તેમાં જ પરમ ભાગ્ય રહેલું છે.