અમેરિકાના એક નાના સામયિકના એક સહ-તંત્રીને એવો વિચાર આવ્યો કે પોતાને ગમતી ચીજો પર એક લેખ લખવો. ખરીદી શકાય, મેળવી શકાય – તેવી ભૌતિક વસ્તુઓની વાત એ નહતા કરી રહ્યા. જેનાથી જીવનને કશું ઊંડાણ મળતું હોય, કશો અર્થ નીકળતો હોય, જેનાથી જીવન જીવવા જેવું (વર્થ લિવિંગ) બનતું હોય તેવી પસંદગી એમને અભિપ્રેત હતી. પછી, જુદી જુદી ચીજોથી થતી અનુભૂતિની નોંધ કરીને, એમણે “મને ગમતી બાબતો” નામનો લેખ લખ્યો. એના અંતે વળી, પોતપોતાની ગમતી બાબતોની યાદી લખી મોકલવાનું સૂચન એમણે વાચકોને પણ કર્યું. પૂરતા જવાબો આવે તો એ વિષે એક બીજો લેખ કરવાનો એમનો ઇરાદો હતો. પછી તો ચૌદસો જેટલા, ઘણા કહી શકાય તેટલા, ઉત્સાહી વાચકોએ તંત્રીને પોતપોતાની યાદી લખી મોકલી. જવાબો દુનિયાના ઘણા દેશોમાંથી આવ્યા. ઉપરાંત, વિભિન્ન ક્શેત્રોના લોકો – ધંધાદારી, અભ્યાસી, ખ્રિસ્તી સાધ્વી, યહુદી પૂજારી, શિક્શકો, લેખકો, કમ્પ્યુટર-સલાહકારો, ઇજનેરો વગેરે – તરફથી જાતજાતના પ્રતિભાવો મળ્યા. વચન પ્રમાણે એ સહ-તંત્રીએ આ પત્ર-પ્રાપ્તિ પર એક કટાર જરૂર લખી. આટલા બધા પ્રતિભાવોને તો સમાવી ના જ શકાય, તેથી પસંદગી કરવી જ પડી. પસંદગીનો આધાર એમની પોતાની ઈચ્છા પર જ રહ્યો. કોઈ બાબત એમને એની વૈશ્વિકતા માટે ગમી, તો કોઈ એની વિશિષ્ટતા માટે ગમી; કશુંક એમણે એના ઊંડાણ માટે ચૂંટ્યું, તો કશુંક એના વિનોદ માટે ચૂંટ્યું. ક્યારેક કારણ એ જ હતું, કે“હા, મને પણ એ ગમે છે!” આ ચૌદસો જણમાંથી દરેકે ઓછામાં ઓછી પંદર ગમતી બાબતો તો નોંધી જ હતી, કેટલાંકે પચાસ કે તેથી પણ વધારે બાબતો યાદીરૂપે મોકલી હતી. એક યુગલે તો ઝીણા ટાઇપથી ભરેલાં ત્રણ પાનાં મોકલ્યાં. એમની અનુભૂતિઓ ઘણી સ્પષ્ટ, તેમજ સંવેદનશીલ હતી, એમ કહી તંત્રીએ થોડાં દૃષ્ટાંત આપ્યાંઃ “અમને ગમે છે – વૃક્શોનાં મૂળ બહાર નીકળવાથી તૂટી ગયેલી જૂની ફૂટપાથો, ટ્રેન ઊભી રહી જાય તે પછીની ભારે નિઃશબ્દતા, વહેલી સવારે ઊંઘ ભાંગે તે પહેલાં સંભળાતું રોબિન પંખીનું ગાન, કાવ્યો, શબ્દોના ધ્વનિ” વગેરે. મને પણ ગમી ગયાં આ દૃષ્ટાંત. ખાસ કરીને, પહેલું, તૂટેલી ફૂટપાથ, ઊખડી ગયેલા સિમેન્ટના ટુકડા, જૂનાં વૃક્શોનાં બહાર આવી ગયેલાં મૂળિયાં. જે ચિત્ર ખડું થાય છે તેનું શીર્ષક એક જ શબ્દથી બાંધી શકાય – “ઘર”. ના, ફક્ત એક મકાન નહીં, પણ એ શેરી, એ મહોલ્લો, એ શહેર, એ શૈશવ. જેમની સ્મૃતિમાં “ઘર” છે તે બધાં આ કલ્પનની અસરકારકતા અનુભવી શકશે. યાદીઓમાંની ઘણી બાબતોનું સામાન્યીકરણ થઈ શકે – જેમકે, સુંદર સૂર્યાસ્ત, સાગરનાં સતત અફળાતાં મોજાંનો રવ, શિયાળાની બપોરે રજાઈ ઓઢીને દિવાનિદ્રાની મઝા, લાંબા સમયનાં મિત્રોના અચાનક ટેલિફોન, તાપણાંમાં બળતાં લાકડાંની સુગંધ, રવિવારની પૂર્તિ, પ્રેમમાં પડવાનું સંવેદન, સોનેરી તડકો, રૂપેરી ચાંદની, મોઢા પર વરસાદનો પહેલો સ્પર્શ વગેરે. તો કેટલીક બાબતોમાં પાશ્ચાત્ય માનસનો પડઘો દેખાશે – દા.ત. પ્રથમ ચુંબન, ઊગતા સૂર્યના પ્રકાશમાં વિમાનમાંથી થતું ન્યૂયૉર્ક શહેરનું દર્શન, ફૂટબૉલનો વિજયી ખેલ, એક ખાસ હજામની દુકાન, ઔલિવ તેલમાં તળાતા લસણની વાસ, તાજા પડેલા બરફ પર સરકવું, મહેમાનો ના આવે તેની નિરાંત ઇત્યાદિ. તો બીજાં કેટલાંયે દૃષ્ટાંતોમાંની અનુભૂતિ સાર્વત્રિક લાગશે – ઉ.ત. પગનાં તળિયાં પર દરિયાની રેતીનો ઠંડો સ્પર્શ, મોટી થઈ ગયેલી દીકરી સાથે ગાઢ મૈત્રી, બાળકોનું “પપ્પા, તમે સાચા હતા હોં”, એમ કહેવું; બાળકો સુખી હોય તે, દાદીમાના હાથની રસોઈ, પરિચિત રૅસ્ટૉરાઁમાં જવું, શાંતિમાં સરસ સંગીતનુ શ્રવણ વગેરે. એક જણે યાદીમાં ‘તરબૂચ’ ઉમેરેલું, તો બીજા કોઈએ ‘પાયથાગોરાસના થિયોરમ’નો ઉલ્લેખ કરેલો. જેટલાં માથાં તેટલા વિચાર, અને જેટલાં હૃદય તેટલાં સંવેદન, ખરું ને? ઘણી અભિવ્યક્તિઓને શબ્દ દ્વારા વ્યક્ત કરવી કઠિન હોય છે, પણ તોયે કેટલા બધા લોકોએ મહેનત કરીને પોતાની યાદી મોકલી આપી. તંત્રીએ તો એક તુક્કો જ કરેલો, પણ એની અસર ઘણી સારી થઈ. ઘણાં જણે યાદીની સાથે આભાર માનતાં લખ્યું, કે “ગમતી વસ્તુઓ અને બાબતો વિષે વિચાર કરતાં અમને ઘણો લાભ થયો. નાની નાની અનેક જે ચીજો જીવનને અર્થપૂર્ણ બનાવે છે તે અમને યાદ આવી, અને જિંદગીમાં ખરેખર શું અગત્યનું છે તે તરફ જાણે ફરીથી અમારું ધ્યાન ખેંચાયું.” અંતર્મુખ થવાની આ પ્રક્રિયા વિષે વાંચતાં મને થયું, પોતાની જાતને ખરેખર શું ગમે છે, તે માટે આપણે કેટલાં જણ વિચાર કરતાં હોઈશું? દિવસો ને વર્ષો, અરે, જિંદગી પણ પસાર થઈ જાય, ને આપણે હંમેશાં ‘બિઝી’ જ નથી હોતાં? પણ એમાં ખરેખર તો સમય બગડતો, વેડફાતો જ નથી હોતો? જાતને અને જીવને આનંદ પહંચાડનારી, સાંત્વન આપનારી સહજ, સ્વયંસ્ફૂર્ત, સંવેદનસભર ક્શણો, સમૃતિઓ અને અનુભૂતિઓની તો આપણે ઉપેક્શા જ કરતાં હોઈએ છીએ. જેમાં દુન્યવી લાભ ના હોય તે બધું જાણે નકામું અને અનાવશ્યક લાગે છે. એકલાં પડતાં, અરે, જાતને ઓળખવા જતાં જાણે માણસને ભય લાગે છે. આવું વલણ પશ્ચિમના દેશોમાં જ હોય છે તેમ કહેવું હવે પૂરતું નથી. આપણે ત્યાં પણ ‘ગમતાંનો ગુલાલ’ કરનારાં કેટલાં હશે આજકાલ? ગમતાં વગર જ ચલાવી લેતાં હોઈએ છીએ આપણે બધાં. હા, એમ બને કે ઘણી બધી ગમતી બાબતો કેવળ એક યાદ બનીને રહી ગયેલી હોય છે, ને એમની પ્રાપ્તિ સંભવિત નથી હોતી. પરંતુ જે પ્રાપ્ય હોય તેની નોંધ તો લઈ શકાય ને? જેમ લોકોએ ભાવતી વાનગીઓ નોંધી, ચોખ્ખી ધોયેલી ચાદર પણ એક જણે નોંધી. ભલે આવી સામાન્ય બાબતો આત્મા સુધી પહોંચતી ના હોય, પણ ગમતાં વિષે વિચાર કરતાં ધ્યાન ક્યાંક ખાસ રીતે કેન્દ્રિત તો થશે જ. જાતને ફંફોસવાની આ વાત છે. પડો ઉખેળીને, દબાઈ ગયેલા આનંદ, સહજતા, સ્વાભાવિકતા, સાદગી જેવા ભાવોને સભાનતામાં ફરી સ્થાપિત કરવાનો આ આયાસ છે. ભુલાઈ ગયેલી જાતને ફરી ચકચકાટ કરવાની આ પ્રક્રિયા છે. ખેર, તમને ગમતી બાબતો વિષે તમે વિચારજો. મને ગમતી ત્રણ અનુભૂતિઓ હું નોંધું. મારા આત્મા સુધી સ્પર્શી જાય છે – કોઈના પણ જાણ્યા-અજાણ્યા ચહેરા પરના સ્મિતનો ઝળહળાટ; અફાટ રણની પીળચટ્ટી રેતીના મસૃણ ઢોળાવો; ઉત્તર ધ્રુવની આસપાસ શુભ્ર, શુભ બરફ થઈને પ્રસ્તાર પામેલો આર્કટિક સમુદ્ર.