દરિયાપારથી.../પહેલી હરોળમાંથી

From Ekatra Foundation
Revision as of 01:16, 27 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પહેલી હરોળમાંથી

અમેરિકાના એક પ્રસિદ્ધ અને સફળ નાટ્યકાર માટે સર્જનાત્મક લેખન એક કળા છે, તેમજ ખૂબ ધ્યાન માગી લેતું કાર્ય છે. લેખનને એ અત્યંત ગંભીરતાથી જુએ છે, પણ પોતાની લેખન-પ્રક્રિયાની ચર્ચા કરવામાં એમને ક્યારેય રસ નથી. એ કહે છે, કે લેખન-પ્રક્રિયા વિષે વાત કરવાથી શું ફેર પડવાનો છે? બુદ્ધિબદ્ધ સંવેદના અને મધ્યમ-વર્ગીય અભિગમ ધરાવતા આ સર્જકનું નામ ડેવિડ મૅમેટ છે. ૧૯૪૭માં એમનો જન્મ શિકાગો શહેરના મધ્યમ વર્ગના યહુદી કુટુંબમાં થયેલો. એ દસ વર્ષના હતા ત્યારે એમનાં માતા-પિતાએ છૂટાછેડા લીધેલા. જે સ્નેહ એમને મા-બાપ પાસેથી ક્યારેય નહતો મળ્યો તે એમને દાદી પાસેથી મળેલો, પણ કૌટુંમ્બિક ઐક્ય અને પ્રેમ વગરના બાળપણની અસર મૅમેટના મન પરથી ક્યારેય ગઈ નહીં. એ વિષે વાત કરવી એ પસંદ નથી કરતા, પણ એમનો માનસિક રોષ તથા અન્ય બાબતો સૂક્શ્મ, સૂચક રીતે એમનાં નાટકોમાં પ્રગટ થતાં રહે છે. જેમકે, એક નાટકમાં એક પાત્ર કહે છે, “મને તો કદિ બાળપણ મળ્યું જ નથી.” બીજું પાત્ર જવાબ આપે છે, “મને મળ્યું હતું, પણ એમાં કશી મોટી વાત નથી.” વધારે જાણીતા ને વધારે પૈસાદાર લેખક થવાના લોભમાં કેટલાયે લેખકો ખુવાર થતા રહે છે, તે મૅમેટ જાણે છે, ને એમાંથી બચતાં રહેવા માગે છે. વધારે પડતા આત્મ-વિશ્વાસનો કડવો સ્વાદ એમણે ચાખેલો છે. એમના લેખન-જીવનની શરૂઆત, સત્તાવીસ વર્ષે લખેલા, “અમેરિકન બફેલો” નામના નાટકથી થઈ ગણાય છે. એ પછી લખાયેલાં કેટલાંક નાટક નબળાં નીવડ્યાં. “એકલવાયી નૌકા” નામનું નાટક એમણે એવું ઉપદેશાત્મક બનાવેલું, ને ભાષા એવી કૃત્રિમ હતી, કે વિવેચકો એમની સર્જન-શક્તિ માટે સંદેહ કરવા માંડ્યા હતા. પણ મૅમેટનું ભાન જાણે પાછું આવ્યું. એ સમજી શક્યા કે આત્મ-વિશ્વાસનો અતિરેક બહુ જોખમી હોય છે. એ કહેતા, કે જુગારી હારે નહીં ત્યાં સુધી વિજયના તૉરમાં રહેતો હોય છે. એમ તો, એમને જીતવું હજી ગમે છે, પણ તે બુદ્ધિ કસવાના ઈરાદાથી. દેખાવે અને સ્વભાવે એ કળાકાર કરતાં કારીગર જેવા વધારે છે. લાકડાં કાપવાં, દીવાલ ચણવી, કસરત કરવી વગેરે જેવાં શારીરિક કામો એમને ગમે છે, તો લેખન એમને અતિપ્રિય પણ છે. એક તરફ મૅમેટ જો સાધારણ વ્યક્તિ જેવા છે, તો બીજી તરફ એ પ્રખર બુદ્ધિસંપન્ન સર્જક છે. એમના એક વાક્યમાં તળપદા શબ્દો હોઈ શકે છે, ને એ પછીના વાક્યમાં શેક્સપિયર ને ટૉલસ્ટૉયના સંદર્ભ ટાંકેલા હોઈ શકે છે. મૅમેટે લેખક બનવા માટે ક્યારેય તાલીમ નથી લીધી. ખરેખર તો કિશોરાવસ્થામાં એમને અભિનય કરવામાં રસ હતો. વીસેક વર્ષના હતા ત્યારે એમણે ટૂંકાં દૃશ્યો લખવા માંડેલાં, કે જેથી મિત્રો સાથે ભજવણી-કળાનો અભ્યાસ કરી શકાય. એમાંથી એમણે એક નાટ્ય-સંસ્થા સ્થાપી, ને પોતે જ એના નાટ્ય-લેખક પણ બન્યા. લેખની શૈલી કે એના નિયમો પાછળ એમણે પહેલાં તો કશું ધ્યાન આપ્યું નહીં, પણ જેમ જેમ લખાતું ગયું તેમ એક સ્પષ્ટ શૈલી ઊપસતી ગઈ. કૉલૅજનાં વર્ષોમાં તો રખડી જ ખાધેલું, પણ લેખક તરીકે એ આત્મ-શિસ્ત તરફ વળ્યા. પછીથી, વિખ્યાત અમેરિકી મહાવિદ્યાલયોમાં અભિનય-કળાના અધ્યાપક તરીકે તો એ શિસ્ત માટે એવા કડક હતા કે વિદ્યાર્થી વર્ગમાં પાંચ મિનિટ પણ મોડો આવે તો એને પૈસાની શિક્શા કરતા. ડૉલરની નોટ લેતા, ને પછી આખા વર્ગની સામે જ એને બાળતા, એમ પુરવાર કરવા કે સમયની કિંમત ઘણી વધારે છે, અને એમ કે કળા પ્રત્યેની ભક્તિમાં ચાંચલ્યને સ્થાન નથી. મૅમેટ જાત-અનુભવથી લેખક બન્યા. પછી તો એમની તીવ્ર મેધા દ્વારા એવાં જટિલ, અર્થગર્ભ અને વિશિષ્ટ નાટકો લખાવા માંડ્યાં, કે અમેરિકાના આગલી હરોળમાં મૂકાતા નાટ્યકારોમાં એમનું નામ વર્ષોથી રહેલું છે. નાટ્ય-લેખન પ્રત્યેના એમના ખેંચાણનું એક કારણ એ છે, કે એમાંથી એવું કશું સર્જાય છે જે વાંચી-સાંભળી તો શકાય જ, પણ રંગમંચ પર નરી આંખે જોઈ પણ શકાય. જે શિકાગો શહેરમાં એ જન્મ્યા, મોટા થયા અને લખતા થયા, તેની સામાજિક અને સાહિત્યિક આબોહવાની અસર એમની મનોવૃત્તિ પર હંમેશાં થતી રહી. મૅમેટનાં નાટકોમાં આ બધું – શહેરીપણું, સહેજ તોછડાઈ, વ્યક્તિગત છૂટ વગેરે દેખાય છે. એ નાટકો સ્પષ્ટ, આખાબોલાં અને ક્રૂર હોય છે. એક કથાવસ્તુ વારંવાર વપરાતી રહે છે – સબળાં દ્વારા નબળાંનો, તથા પ્રસ્થાપિત સંસ્થા દ્વારા સાધારણ વ્યક્તિનો ઉઠાવાતો ગેરલાભ. આવાં સાધારન પાત્રો જીતવા, આગળ વધવા પ્રયત્નો કર્યા કરે, પણ હારતાં જ રહે. એક પાત્ર કહે છે, જિંદગીની મુખ્ય પરીક્શા ગેરલાભ ઉઠાવવાની આવડતમાં છે. આ રોષ મૅમેટનો પોતાનો છે. એને એ પોતાના જીવનમાંથી જ પામ્યા છે. એમનાં નાટકોમાં ગાળાગાળી અને અપશબ્દો ખાસ્સાં આવે છે. મૅમેટનું કહેવું છે, કે કુટુંબમાં એકમેક સાથે બોલવાની રીત જ એવી હતી. સ્નેહ અને મૈત્રીના ભાવ તો ઘરમાં હતા જ નહીં. સદ્ભાગ્યે, પુખ્તવયના થયા પછી – પરણ્યા અને પિતા થયા પછી – ડેવિડ મૅમેટમાં કુમાશ ફરી વળી. બાળકો માટે પણ સુંદર નાટકો એમણે લખ્યાં. એમનાં પત્ની જાણીતાં અભિનેત્રી છે, ને મૅમેટનાં નાટકોમાં ક્યારેક કામ કરે છે. મૅમેટ માટે કહેવાય છે કે એમના કહ્યામાં રહે તેવા જ કળાકારો સાથે કામ કરવું એમને ફાવે છે. ને એમને એવા સમર્થ કળાકારો તથા દિગ્દર્શક મળ્યા છે જે અસંખ્ય વ્રષોથી એમની સાથે છે. એ બધા મૅમેટની સર્જન-શક્તિથી વાકેફ છે, અને મૅમેટની સફળતાનો આધાર આ સામૂહિક સુનિશ્ચિતતા પર રહ્યો છે. એમને માટે શબ્દોનું એટલું મૂલ્ય છે કે એ એક પણ શબ્દ વેડફવા માગતા નથી. બધો અર્થ એ રંગમંચ પર થતી ક્રિયા દ્વારા દર્શાવી શકે છે. બધો ભાર અભિનયની અસરકારકતા પર રહે છે. કોઈ જો મૅમેટની પાસે લખવા વિષે સલાહ માગે તો એ આમ કહેવાના : સૌ પ્રથમ જેટલા લંબાણપૂર્વક લખવું હોય તેટલું લખો. પછી બધા બિનજરૂરી શબ્દો કાપી નાખો, ને કથાવસ્તુ રાખો. પછી ફરી લખો, અને ફરી કાપો. પછી ફરી લખો, અને હજી ફરી એક વાર કાપો. ત્રણ વાર આઠ કર્યા પછી કદાચ તમને કશું મળ્યું હોય. પોતાના લેખન માટે પણ એ આટલા જ કડક અને દયાહીન છે. એમની સાથે વર્ષોથી કામ કરતાં આવેલાં બધાં આ જાણે છે. રિહર્સલ દરમ્યાન પણ એ ફેરફાર અને કાપકૂપ કર્યા જ કરતા હોય. એક અભિનેતાએ જાહેરમાં કહેલું છે, કે એક વાર મૅમેટે ત્રણ પાનાંની એકોક્તિ કાઢી નાખીને એને બદલે એક વાક્ય મૂકી દીધું હતું. જાણે એ શબ્દો નહીં, માત્રા ગણતા ના હોય!