દરિયાપારથી.../વિભિન્ન દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ – 2

From Ekatra Foundation
Revision as of 01:46, 27 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વિભિન્ન દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ – 2

આ બાબતે કોઈ પ્રશ્ન પૂછે તો જવાબમાં તો એમ જ કહેવાનું મન થાય કે બધા દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ સરખી હોય છે. આવો જવાબ ઘણે અંશે સાચો છે. વિશ્વના વિભિન્ન સમાજોને તપાસતાં, એક વિસ્તૃત સામાન્યીકરણ કરતાં, આ જ હકીકત બહાર આવે છે. આમાં સમાજ પણ જવાબદાર છે, અને માણસનું મન પણ. સમાજ નિયમો ઘડે છે, અને માણસ ભય, સંકોચ કે ભીરુતાને કારણે એ નિયમો પાળવા માંડે છે. માણસો જ માણસોને નિયંત્રિત કરતા રહે છે. પરદેશોમાં પ્રવાસ કરતી હોઉં ત્યારે ખૂબ નવાઈ પામીને ત્યાંનાં પુરુષો તેમજ સ્ત્રીઓ ઘણી વાર કહેતી હોય છે, કે “વર વગર આમ એકલાં ફરવાની પ્રથા અમારા દેશમાં નથી.” ત્યારે હું તરત કહું, કે “અમારા દેશમાં પણ નથી.” કોઈ વ્યક્તિની જીવન-રીતિ ભૌગોલિક સીમાઓથી બદ્ધ ના પણ હોય, તેવું બની શકે છે. એ વૈયક્તિક હોઈ શકે છે. એક વ્યાખ્યામાં સહેલાઈથી ના સમાય તેવી સ્ત્રીઓનાં ઉદાહરણ કોઈ પણ દેશમાં, કોઈ પણ સમાજમાં મળી આવી શકે છે. સ્ત્રી અને પુરુષમાં જે ભેદ છે તે તો રહેવાના જ, પણ માણસ તરીકે, વ્યક્તિ તરીકે, બધાં સમાન ગણાવાં જોઈએ. આ કારણે, અમેરિકામાં સિત્તેરના દાયકામાં વેગ પામેલી સ્ત્રી-મુક્તિની ચળવળ જરા અવિચારી લાગે છે. એમાં સ્ત્રીને એક વ્યક્તિ તરીકે નહીં ગણતાં સ્ત્રી જ ગણીને સમાન હક્કને પાત્ર કરવાનો આગ્રહ થયો. આમાં છેવટે તો સ્ત્રીઓને જ નુકસાન થયું. છતાં, પશ્ચિમના સુખી, સ્વૈચ્છિક, સ્વતંત્ર ગણાતા સમાજમાં પણ સ્ત્રીના હક્કો માટે લડવું પડે તે જ બતાવે છે, કે કોઈ પણ દેશની પ્રગતિ અને આધુનિકતાને કારણે જ ત્યાંના પ્રત્યેક નાગરિકનું જીવન સરળ અને સહેલું બનતું નથી. આ સિવાય પણ, કોઈ પણ દેશમાં કેટલાયે સંઘર્ષમાંથી સ્ત્રીઓ પસાર થતી જ રહે છે. એક કિસ્સો બિન્દુનો છે. એ કલકત્તામાં રહે છે. એ પોતે બિન-બંગાળી છે, પણ બંગાળી બોલે છે ખરી. છતાં એને એ બેમાંથી કોઈ સમાજ સાથે કશો સંબંધ નથી. એનાં બધાં મિત્રો પણ એની જેમ કોઈ જાતના પ્રાંત-ભેદથી બંધાયેલાં નથી. એ બધાં સમકાલીન, આધુનિક, કાર્યદક્શ અને આત્મવિશ્વાસથી ભરેલાં યુવક-યુવતીઓ છે. બિન્દુ પોતે સરસ પાતળી, ગોરી, ટૂંકા વાળ રાખતી બહુ સ્માર્ટ સ્ત્રી છે. વિદેશમાં રહી છે, ભણી છે, ત્યાં નોકરી પણ કરી છે, અને બીજા દેશોમાં ફરી પણ છે. પણ એ પરણી નથી. તકો તો એને ય ઘણી મળેલી, પણ એને પરદેશી સાથે પરણવું નહતું, અને પરણવા જેવો દેશી કદાચ મળ્યો નહીં. પિતાનું મૃત્યુ થતાં માતાની સંભાળ લેવાની આવી, એના મુક્ત, બેપરવા જીવનમાં આ મોટી જવાબદારી આવી, ને ત્યારે એ જીવનમાં સ્થિરતાના એક કેન્દ્ર વિષે વિચારવા માડી. આ કેન્દ્ર એણે લગ્ન કરીને નહીં, પણ એક બાળકીને દત્તક લઈને મેળવ્યું. ભવિષ્યમાં લગ્ન કરવા કે નહીં, થઈ શકશે કે નહીં, જેવી ચિંતા કરીને એ બેઠી નથી. નાના બાળકને ઉછેરવાનો આનંદ લઈ રહી છે. કુશળતાથી કલકત્તામાં નોકરી-ધંધો કરે છે, ઘરમાં સુખ-સગવડનાં બધાં સાધનો ધરાવે છે. એ થાકે પણ છે, તોયે આ થાક શરીરનો છે, મનનો નહીં. એ કહે છે, કે એને ફક્ત શ્રીમંત પુરુષ નથી જોઈતો, પણ પોતાની બુદ્ધિને અનુરૂપ, એના હૃદયને યોગ્ય સખા એને અભિપ્રેત છે. આવી અપરિણીત માતા ભારતમાં મોટા અપવાદ છે. સ્ત્રીના સ્વ-ભાનનું એ પ્રભાવશાળી ઉદાહરણ છે. સમાજમાં રહીને, સમાજે લાદેલી ગુંગળામણી શરતોનો સામનો કરવાની હિંમત એમાં જોઈ શકાય છે. આ બિંદુએ જાતે પોતાની જીવનરીતિ નક્કી કરી, ને તેથી એ કોઈ જાતની ટકાવારીમાં ના સમાતાં એક આગવી, પ્રશંસાને પાત્ર વ્યક્તિ બને છે. એક જમાનામાં કહેવાતું કે બ્રહ્મદેશમાં રોજના જીવન પર સ્ત્રીઓનું જ રાજ્ય હોય છે. ત્યાં જવાનું બન્યું ત્યારે જોયું, કે એવું કાંઈ નથી. વાતો કરતાં ને પૂછપરછ કરતાં દરેક સ્ત્રીએ કહ્યું, કે બર્માની સ્ત્રીઓએ પુરુષોનું કહ્યું માનીને જ રહેવાનું હોય છે. પરણ્યા પછી કામધંધો કે નોકરી કરતી સ્ત્રીઓની સંખ્યા ઘણી મોટી છે, પણ સાંજ પડ્યે ફરવા નીકળવાની કે રૅસ્ટૉરાઁમાં જઈને ખાવા-પીવાની છૂટ પુરુષોને જ હોય તેમ લાગ્યું. રંગૂનમાં કોઈ પુરુષ પત્ની સાથે બૌદ્ધ પૅગૉડામાં દર્શન કરવા સિવાય, ક્યાંયે પત્ની કે પ્રિયા સાથે નીકળેલો દેખાયો નહીં. ઈઝરાયેલ જેવા દેશમાં યુવતીઓ સૈન્યમાં ભરતી થાય છે. ફિલિપ્પિન્સ અને થાઈલૅન્ડ વગેરે દેશોમાં જીવન-નિર્વાહ કરવા દેહને વેચે છે. ઇજિપ્તમાં બુરખો પહેરેલી, વાળ પણ ના દેખાય તે રીતે ઢંકાયેલી યુવતીઓ ઍન્જિનિયર કે ડૉક્ટર બનવાનો અભ્યાસ કરતી હોય છે. બ્રાઝિલ જેવા દેશોમાં સ્ત્રીઓ સુરેખ અંગોને સ્વાભાવિક રીતે પ્રદર્શિત કરતી ત્યાંના વિખ્યાત દરિયા-કિનારને માણી શકે છે. દુનિયાના ગરીબ દેશોના રસ્તાઓ પર ભીખ માગતી બેસે છે. બાલિ ટાપુ પરનાં ગામોમાં સહજ લાલિત્યથી ફરતી દેખાય છે. ચીનમાં એ શિસ્તબદ્ધ ‘માઓ’-ગણવેશને ત્યજીને હવે આધુનિક પહેરવેશ અપનાવતી જણાય છે. અમેરિકામાં પુરુષ-સમોવડી થવાની મહત્ત્વાકાંક્શા ધરાવે છે. ભારતમાં અનહદ અત્યાચારનો ભોગ બનતી રહે છે. ઍમૅઝૉન નદી પરનાં ગાઢ જંગલોમાં અકાળે વૃદ્ધ થઈ જતી દેખાય છે. બધું જાણે સ્થાન, સંજોગો, ને સમય પર આધારિત હોય છે. સ્ફટિકનાં પાસાંમાં પડતાં પ્રતિબિંબ વિવિધ અને વિભિન્ન હોય છે, તેમજ સમાનતા ધરાવતાં પણ લાગે છે.