માટીનો મહેકતો સાદ/વારસાને વર્તમાન કરવા વિશે

From Ekatra Foundation
Revision as of 02:49, 27 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વારસાને વર્તમાન કરવા વિશે

માટીનો મહેકતો સાદ : મકરન્દ દવે (વોરા, ૧૯૮૧ : પૃ. ૨૪૩, રૂ. ૧૮) ‘ચક્ર આપદવેળાનું સાથી. પણ હળ તો રોજ-બ-રોજના જીવનનો આધાર.’ – બળરામના ચરિત્રને કૃષ્ણની સાથે યાદ કરવા માટે આટલી જ ભૂમિકા હોય તોપણ મારા જેવા અનેક વાચકોને એમાં રસ પડે. ચક્ર અને હળ વિશે માત્ર બૌદ્ધિક સ્તરે પણ વાત થઈ શકે, પુરાતત્ત્વ અને ઇતિહાસે ખોદી આપેલું બતાવી શકાય. પણ કવિવર મકરન્દ દવે તો ફકીરોની નાતના મરમી ભક્ત છે. ઘણું જાણે અને માનતા હોય એ કહે. કથાના પ્રાસ્તાવિકમાં એ ઉમેરે છે : ‘બળરામ પૃથ્વીને શેષરૂપે ધારણ કરી રહ્યા છે, તે બહુ જાણીતા નાગરૂપે જ નહીં પણ સર્વને વહેંચી આપવામાં આવતા યજ્ઞશેષ અન્ન - પ્રસાદરૂપે પણ ખરા.’ બળરામની ‘મદ્યપ અને મસ્તરામ’ તરીકેની ખ્યાતિ તોડ્યા વિના કવિશ્રીએ એમને ‘રેવતીના સૂક્ષ્મ સહવાસથી ઊંચે ઊંચે ચડતા’ ‘અમર વારુણી’ પીતા આલેખ્યા છે. પૃથ્વી અને પરલૌકિકતાના આ તંતુ પાછળ લેખકની કલ્પના કરતાં એક સૂક્ષ્મ જગતની અનુભૂતિનો સહારો છે. આ લખનારને કાલિદાસની કૃપાથી બળરામનું પ્રથમ દર્શન રેવતીની આંખોમાં થયેલું. પહેલી ઓળખાણ જ યાદગાર. વળી હલધરના નાતે પાછા એ સગા થાય. શિસ્તથી ઉફરાંટા ચાલે. ગમે. હા, જો કોઈ નિરીશ્વરવાદી ભૌતિકવાદી હોય, કે પછી શુષ્ક વેદાન્તી હોય તો એમને આ સૂક્ષ્મ જગતની અનુભૂતિ અને કૃષ્ણની પ્રભુતા એટલી ન સ્પર્શે. એમને પણ અલબત્ત, ચક્રના પૂરક તરીકે હલ સ્વીકાર્ય લાગે. આ સદીમાં આપણે ત્યાં નવલકથા પગભર થવાની સ્થિતિએ પહોંચી છે. અને એણે તમામ સ્તરના વાચકો મેળવ્યા છે. એ માટેનું એક કારણ એ છે કે નવલકથા અનુભવ-પ્રમાણનો આભાસ ઊભો કરે છે. એ પૂર્વે પુરાણો અને શાસ્ત્રોને પ્રશ્ન કર્યા વિના સ્વીકારી લેવાની રૂઢિ હતી. ધર્મ-સંપ્રદાયોની પૌરાણિક સૃષ્ટિના વિકલ્પે નવલકથાએ વાચકને વર્તમાન જગત દેખાડવા માંડ્યું. પુરાણ કે ઇતિહાસનો આધાર લીધો ત્યાં પણ એના ચિરંતન અંશને જ પસંદ કરી કુનેહથી વ્યક્ત કર્યો. વર્તમાન સમાજના પ્રશ્નોના સંદર્ભમાં એ અંશને પ્રસ્તુત સિદ્ધ કર્યો. આ એક ઉપકારક પ્રક્રિયા હતી. કેમ કે કહેવાતા ચમત્કારને ચમત્કાર તરીકે રજૂ ન કરીને વાચકને અંધશ્રદ્ધાનો ભોગ બનતો અટકાવ્યો. પરંતુ એ પછી આધુનિકતાની અધકચરી સમજણે સૂક્ષ્મ જગતની ઉપેક્ષા પ્રેરી. એ અધૂરું દર્શન હતું. ‘આધુનિકતા’ એ માત્ર વલણ હતું. નગરવાસી સમાજને નિર્મમતાથી આલેખીને અને વૈજ્ઞાનિક દૃષ્ટિ રજૂ કરીને એણે સાહિત્યમાં એક માતબર પરિમાણ ઊભું કર્યું હતું, પણ મર્યાદિત સૂઝ-સમજવાળા લેખકો અને ખાસ તો વિવેચકો આધુનિકતાને એક મૂલ્ય માની બેઠા. આ પરિસ્થિતિમાં હરીન્દ્ર દવે ‘માધવ ક્યાંય નથી’ (૧૯૭૦) લખે કે મકરન્દ દવે ‘માટીનો મહેકતો સાદ’ લખે એ સામે પૂરે તરવા જેવી ઘટના હતી. છઠ્ઠી આવૃત્તિમાં મળતી હરીન્દ્રની કૃતિ આજ સુધી તરતી રહી છે. ‘માટીનો મહેકતો સાદ’ વિશે મને હરિકૃષ્ણ પાઠકે કહ્યું અને બજારમાં જઈને ખરીદી આવ્યો. કશુંક સાચું-સચ્ચાઈના રણકાવાળું વાંચવા માટે બેચેની રહેતી હોય છે. ‘મારાં મોટીબા અને અન્ય સત્યકથાઓ’ (-મુકુન્દરાય પારાશર્ય)નું દસ્તાવેજી મૂલ્ય હોવા ઉપરાંત એમાં માણસના આસ્તિક અનુભવોની એક મૃત્યુંજય સચ્ચાઈ છે. ‘માટીનો મહેકતો સાદ’ પૌરાણિક સંદર્ભોથી બંધાયેલી કૃતિ હોવા છતાં એમાં આજના એક મરમી કવિની અનુભૂતિ વ્યક્ત થઈ છે.

*

કૃષ્ણ-બળરામ ગોપ તો છે જ, બળરામે અનાજ ઉગાડવાનું પણ શરૂ કર્યું છે. બંસી, નાચગાન, માખણચોરી વગેરે કૃષ્ણને ઘણાં કામ હતાં. એ દરમિયાન બળરામ શું કરે? અનાજ ઉગાડે. અને કૃષ્ણ કશુંક અણછાજતું કરે તોય કબૂલ રાખે : “નાનકા, હું બળિયો છું, પણ મારી સૌથી નબળી કડી હોય તો એક તું છો” (પૃ. ૪). મકરન્દભાઈના માનસમાં કૃષ્ણ હવાના હિલોળા જેવા છે, જે દિશા પકડે એને પોતાની કરી દે. જ્યારે બળરામનું હાડ ભંડીર વડ જેવું છે, એ એક જગાએ ખોડાઈ દિશાઓને ભરી દે. સાંદીપનિના આશ્રમેથી જે દીક્ષાંત શુભેચ્છા મળી એમાં પણ ધરતીના ઉદરમાં સમાઈ જવાનો સંકેત હતો, ઊગવા અને વિકસવાની શક્યતાનો નિર્દેશ હતો. મથુરાનો ત્યાગ એ ભૂમિને ફળદ્રુપ કરવાની શોધ પણ બની રહે છે. બળરામને અલબત્ત, એ પલાયનમાં કૃષ્ણની કીર્તિ કલંકિત થવાની દહેશત હતી. પણ કૃષ્ણ તો કીર્તિ પાછળ હતા જ નહીં. બધું એમની પાછળ હતું, એ આગેવાન હતા એ ઉમ્મરે પણ; કહે છે : "એવા ધુમ્મસના મિનારા આપણે કયે દિવસે ઊભા કર્યાં છે મોટા? અને શોભવાની વાતમાં હું તો એટલું સમજું કે જ્યાં તમે હશો ત્યાં ધરતી શોભશે અને ધરતી શોભશે તો આપણે શોભીશું. તમારા હળને વચ્ચે થંભી જવું ન પડે એટલે દૂર ચાલ્યા જઈશું. આપણી સાથે જેને આવવું હોય તે ભલે આવે.” યાદવો મથુરા છોડવા રાજી ન હતા. એ જે બહાદુરી બતાવવા માગતા હતા એમાં પણ એક જાતની કાયરતા જુએ છે અને બદનામીના ભયથી બહાર આવવા જણાવે છે : “મથુરાની શેરીઓમાં તમે સત્તર સત્તર વાર વિજયનાં સરઘસ કાઢી નાચ્યા છો અને એ નાચ આજે તમારું કારાગાર બની ગયું છે. તમે તમારા વિજયના કેદી છો” (પૃ. ૧૨). લેખક બળરામને કેન્દ્રમાં રાખીને કથાપ્રવાહને દિશા આપવા મથ્યા છે છતાં કૃષ્ણની દોરવણીની એમને વારંવાર જરૂર પડી છે. આ સ્થિતિમાં બળરામની ખાસિયત તારવવા એમણે ઠીક ઠીક સાવધ રહેવું પડ્યું છે. રેવતી સાથેના લગ્નમાં આ તક મળી છે. અનન્ય સુન્દરી રેવતીએ બળરામને કેમ પસંદ કર્યા? “એ તે કોઈ રાજકુમારીને લાયક ગણાય?” મગજનો તોરી, મિજાજનો તુમાખી અને વાણીનો તીખો આ અણઘડ આદમી રેવતી જેવી રેવતીને કેમ ગમી ગયો હશે?” (પૃ. ૧૮) નેસડામાંથી રાજમહેલમાં આવી ચઢેલો આ જીવ કયા તત્ત્વ સમક્ષ સૂક્ષ્મ સંવેદના અનુભવશે એ મકરન્દભાઈએ શોધી રાખ્યું છે. “રેવતીએ ઘણી વાર જોયું હતું કે મોટા માણસો સાથેના વહેવારમાં આ તોછડો આદમી પ્રકૃતિનું કોઈ તત્ત્વ જોતાં અત્યંત કોમળ બની જતો. કમળની દાંડલીની જેમ તે જારનાં ભોથાંને હાથમાં રમાડતો.” ધરતી પર લીલા ટુકડાઓ સર્જવામાં પતિપત્ની બંનેને સહજ રુચિ હતી. દ્વારિકા છોડી બંને ખેતરોમાં રહેવા ગયાં. બળરામ કૃતવર્માના નિવાસે જામફળનો ટોપલો પહોંચાડવા જાય છે ત્યારે તો એ લગભગ ગોંડલના ખેડૂત બની રહે છે. જોકે સત્યનો પ્રેમ અને પ્રેમનું સત્ય સમજવાની એમની ક્ષમતા કૃષ્ણના મોટા ભાઈ તરીકે અબાધિત છે. રાષ્ટ્રમાં કૌરવ-પાંડવ વચ્ચેના યુદ્ધની શક્યતાએ મહાસંહારનું જોખમ ઊભું થાય છે ત્યારે રેવતી રથ દોડાવી કૃષ્ણના મહેલે પહોંચે છે અને સંહાર અટકાવવા સ્ત્રીશક્તિ જાગ્રત કરવા રુક્મિણીનો સાથ માગે છે. રેવતીને વેદવ્યાસે દૃષ્ટિ આપી છે. “સ્ત્રી પોતાની એક મર્યાદા માની બેઠી છે. એ મર્યાદા તોડીને આગળ વધવાની તેનામાં હિંમત નથી. ગાંધારીના પાટા આવી મનની મર્યાદા છે” (પૃ. ૪૭). સ્ત્રી રુઢિથી મુક્ત થઈ જરૂર પડે તો વિદ્રોહ પણ કરે એ વાત પર વેદવ્યાસ ભાર મૂકે છે. વધુમાં એ સખેદ ઉમેરે છે કે પાંચે ભાઈઓ સાથે મળીને ભોજન કરજો એવા કુન્તીના શબ્દોને માતાની આજ્ઞા માની પાંચે પાંડવો દ્રૌપદીને પરણી ગયા. અને દ્રૌપદીએ પણ આ આજ્ઞા સ્વીકારી લીધી! કૃષ્ણ અહીં નીતિના ધર્મથી પર એક મહાધર્મની વાત કરે છે અને યુધિષ્ઠિરની વિવેકજન્ય દ્વિધાઓને બિરદાવે છે. વચ્ચે ધનસંપત્તિથી છકી ગયેલા યાદવોનો નિર્દેશ આવે છે. સત્રાજિત પોતાનો સ્યમંતક મણિ ચોરાતાં કૃષ્ણ પર આળ મૂકે છે! વાસ્તવમાં એ મણિ સત્રાજિતનો ભાઈ પ્રસેન લઈ ગયો હતો, જેને મન એ મણિની પથ્થરથી વધુ કિંમત ન હતી. કૃષ્ણની દ્વારિકા કે બળરામના ખેતર કરતાં એ જંગલના જીવનને વધુ સ્વાધીન ગણાવે છે. આઠમા પ્રકરણમાં કૃષ્ણ કૃતવર્મા અને સાત્યકિને લઈને સઘનવનમાં જાંબવાનના શાસનમાં દાખલ થાય છે. વિજયી બની જાંબવાન જેને માલ વગરનો પથ્થર કહે છે એ સ્યમંતક મણિ તો કૃષ્ણ અનાયાસ મેળવે છે પણ ખાસ તો જાંબવતીને પામે છે અને રુદ્ર બલિ વિના પણ પ્રસન્ન થાય છે એમ જણાવી જાંબવાનને એની સમજૂતી આપે છે : “બળવાન સાથે બાથ ભીડું છું, નબળાંને સતાવતો નથી.” સ્યમંતક મણિ અને જાંબવતીને લગતું પ્રકરણ રસપ્રદ છે પણ બળરામની આગેવાનીમાં આગળ વધતી કથા એમના ખેતરમાં વિસામો લે છે અને કૃષ્ણ ભાવકનું ચિત્ત હરી લે છે. એ ખરું કે મકરન્દભાઈ બળરામની વાર્તા લખતી વખતે બળરામના માધ્યમથી કૃષ્ણની પ્રભુતા ઉપસાવે છે. પણ બળરામની મનઃસ્થિતિ અને પરિસ્થિતિ બેઉથી કથા દૂર જાય ત્યારે વિવેચનના ધોરણે કૃતિ તપાસનારે સંકલનાને લગતા પ્રશ્નો ચર્ચવા પડે. થોડીક વધુ કાળજી લઈને કૃષ્ણ-બળરામનું સાહચર્ય ટકાવી શકાયું હોત. ખેતી દ્વારા પડતર ભૂમિને વૃન્દાવન બનાવવાના ખ્યાલમાં તો કૃષ્ણની પરોક્ષ ઉપસ્થિતિ છે જ. બળરામના ચરિત્રની સ્વતંત્ર રેખાઓ વિરાટની સભામાં પ્રગટ થાય છે. યુધિષ્ઠિરનાં ગુણગાન અને દુર્યોધનની ભરપેટ નિંદા જોઈ એ અકળાઈ ઊઠે છે : “તમે લોકો દુર્યોધનનો જ દોષ કાઢી યુધિષ્ઠિરને ધર્મરાજ ધર્મરાજ કહી છાપરે ચડાવો છો તે બરાબર નથી. એક તો તેમને દ્યૂત રમતાં આવડતું નથી ઉપરાંત રમવામાં પણ પાછું વાળી જોવાની મર્યાદા નથી. વળી સહુથી હોશિયાર સામે રમવાનો ફાંકો રાખી ફરે છે. યુધિષ્ઠિર જાણતા હતા, શકુનિ જેવા પાસાબાજ સામે જીતવાનું તેમનું ગજું નથી. તોયે શા માટે રમવા બેઠા? શકુનિ પોતાની વિદ્યાના બળે જીત્યો. યુધિષ્ઠિરે શરત મુજબ વનવાસ વેઠ્યો તેમાં કંઈ પાડ નથી કર્યો. યુધિષ્ઠિર ભલા માણસ છે, સજ્જન છે, પણ તમે એમને ધર્મનું પૂતળું બનાવવું રહેવા દો! દુર્યોધનમાં હજાર અવગુણ હશે તો આ જ્યેષ્ઠ પાંડવ સર્વગુણસંપન્ન નથી. દ્યૂતમાં આટલું હાર્યા છતાં તેમણે બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી” (પૃ. ૮૧). -આ ઉદ્ગાર સાથે બલરામ અટકતા નથી. “કંક એટલે માત્ર બગલો જ નહીં પણ ધર્મજ્ઞાનીનો અંચળો ઓઢી ફરતો બ્રાહ્મણ” એવી સ્પષ્ટતા સાથે એ યુધિષ્ઠિરને કંક તરીકે માન્ય કરે છે, અને એમની દેખીતી સાત્ત્વિકતા સામે પડકાર ફેંકે છે. ચેતવણી પણ આપે છે કે દુર્યોધન જેવો અભિમાની ડરાવવાથી નહીં દબાય. સાત્યકિ દલીલ કરવા જાય છે તો એને ખખડાવી નાખે છે. અહીં પાછી કૃષ્ણની પ્રભુતા માનવીય ભૂમિકાએ પ્રગટ થાય છે. બળરામને આદર આપીને એ યુધિષ્ઠિરનો બચાવ કરે છે : “ધર્મરાજને હાથે ભૂલો થતી હશે, પાપ તો નથી જ થતું. તમે પણ એટલું તો સ્વીકારશો, મોટા ભાઈ કે લૂંટાઈ જવામાં તેમનાથી અતિરેક થઈ ગયો હશે, પણ કોઈને લૂંટી લેવામાં તેમનો હાથ લાંબો થયો નથી” (પૃ. ૮૩). આ પછી યુધિષ્ઠિરની વાણી એમની ધીરતા પ્રતીત કરાવે છે. પાંડવોને એમનો ભાગ મળે અને યુદ્ધ ટળે એ માટે વિષ્ટિ આરંભાય છે. ત્યાં દ્વારિકાથી સંદેશ આવે છે કે કોશ ચલાવતાં કૂવામાં પડી જવાથી રેવતીને ગંભીર ઈજા થઈ છે. આ અકસ્માત લેખકે ઉમેર્યો છે. પરંતુ મહાભારતના ‘ઉદ્યોગપર્વ’માં બળરામ અને સાત્યકિના ઉદ્ગારો રૂપે રજૂ થયેલી યુધિષ્ઠિર અને દુર્યોધન વિશેની બળરામની છાપ જુદી નથી. જુઓ :

निवार्यमाणश्च कुरुप्रवीरैः
सर्वैः सुहृद्भिर्ह्ययमप्यतज्ज्ञः ।
गान्धारराजस्य सुतं मताक्षं
समाह्वयद् देवितुमाजमीढः ॥ ९ ॥

—અજમીઢવંશી કુરુશ્રેષ્ઠ યુધિષ્ઠિર દ્યૂત નહોતા જાણતા. તેથી સહુ સ્નેહીઓએ એમને વાર્યા હતા. બીજી બાજુ ગાંધારરાજનો પુત્ર શકુનિ દ્યૂતમાં નિપુણ હતો. તોપણ એમણે પોતાની સાથે રમવા શકુનિને જ પડકાર્યો હતો. આ સંદર્ભમાં ઉદ્યોગપર્વના બીજા અધ્યાયના આઠથી બાર શ્લોક જોવા જેવા છે. બળરામ પછી સાત્યકિ બોલે છે અને એ પછી દ્રુપદ એનું સમર્થન કરે છે. શ્રીકૃષ્ણે દ્રુપદની વાત પર સહુને વિચારવાની ભલામણ કરી. અમારે તો કૌરવો અને પાંડવો સાથે સરખો સંબંધ છે કહીને હસ્તિનાપુર સંદેશ મોકલવાનું જણાવી છેલ્લે સ્પષ્ટ કરે છે કે ગાંડીવધારી અર્જુન ગુસ્સે થતાં મંદબુદ્ધિ દુર્યોધન એના મંત્રીઓ અને બાંધવો સમેત સર્વથા નષ્ટ થઈ જશે. આ પછી એ દ્વારિકા જાય છે. બધા આવેલા તો ભાણેજના લગ્નમાં, જ્યારે મકરન્દભાઈએ આખા પ્રસંગને યુદ્ધ પૂર્વેની જીવનની ચિંતા કરવા ખપમાં લીધો છે અને પાત્રોની આગવી રેખાઓ પ્રગટાવીને નવલકથાકાર તરીકે સવ્યસાચીનું કામ કર્યું છે. રેવતીને નડેલો અકસ્માત નાટ્યાત્મક ક્ષણ તરીકે યોગ્ય પૂર્તિ બની રહે છે. ‘પૃથિવીસૂક્ત’નો પાઠ કરનારી રેવતી જાગ્રતપણે વિદાય લે છે. કૃષ્ણને એ ઓળખી ચૂકી હતી. કહે છે : “ગોપાલ, તમારી આટલી નજીક રહી તમને ન ઓળખું એટલી મૂઢ નથી. અને છતાં તમારી મજાક ઉડાવી છે તેની માફી નહીં માગું.” કૃષ્ણ રાજવૈદ્યને ગુટિકા આપતા રોકે છે. રેવતીની અમૃત-યાચનાનો ઉત્તર આપે છે : ચૈતન્યની પંદર કલાઓ લીન થાય છે અને ઉદય પામે છે સોળમી અમૃત કલા. પરમ ચૈતન્યમાં ઓગળી જાય છે સહુ રસવૃત્તિઓ, આ લોકમાં જ શમે છે પ્રાણ. - ટૉયન્બી પણ આ સમજણ સુધી પહોંચેલા. લેખક નોંધે છે : “કૃષ્ણના અવાજમાંથી ઊઠતાં આંદોલનો વાતાવરણમાં એક વિદ્યુતસંચાર કરતાં હતાં અને બળરામનું હૃદય રેવતીના હૃદય સાથે જાણે તાલ મિલાવતું હતું : પ્રેમ, આનંદ, અભેદ. પણ રેવતીએ છેલ્લો શ્વાસ મૂક્યો અને બળરામે બાંધેલા ધૈર્યના તમામ બંધ તૂટી પડ્યા. એક ક્ષણે સંબંધના તમામ સેતુઓ ઊખડી પડ્યા હોય એમ તેમનું હૃદય હાહાકાર કરી ઊઠ્યું. બળરામના છાતીફાટ આક્રંદથી મહેલના પથ્થરે પથ્થર કંપી ઊઠ્યા” (પૃ. ૯૫). અહીં કૃષ્ણ અને બળરામ વચ્ચેનું અંતર એના વાસ્તવિક સ્વરૂપે પ્રગટ થઈ રહે છે. લેખકની તત્ત્વદૃષ્ટિ કૃષ્ણનો આશ્રય પામતાં યથેષ્ટ અભિવ્યક્તિ પામે છે : "જે રાખની ઢગલી પાછળ રાખી જાય તેને આપણે વળગી રહીએ, અને વિસ્મયનું, આનંદનું આકાશ ખોલી આપે તેને માટે કાંઈ નહીં?” અર્જુન અકાળ મૃત્યુની દલીલ કરે છે. કૃષ્ણ બળદેવના શોકને સતીના વિરહમાં ભાન ભૂલેલા મહાદેવના ઉન્મત્ત નૃત્ય સાથે સરખાવે છે. અર્જુનની વિમાસણ એથી દૂર થતી નથી. “મારી ઉદાસીને તમે વંટોળની જેમ ચકરાવે ચડાવો છો પણ એ ક્યાંયે વિખેરાતી નથી.” કૃષ્ણ એનું કારણ આપે છે : “તું ક્યાંક મંદિર ગોતતો ફરે છે. અરે, ભાઈ મારા, મેદાનને જ મંદિર બનાવી દે ને! તારા વંટોળ પર આનંદની ધજા ફરકવા માંડશે” (પૃ. ૧૦૨). અહીં કૃતિના મધ્ય ભાગમાં “સુવર્ણ મહેલાતોને ગળી જવા માગતાં હોય એવાં” સાગરનાં પ્રચંડ મોજાંની ભીતિનો નિર્દેશ છે. બળરામનો શોક એવાં મોજાં જેવો જ પ્રચંડ છે. એમનું લીલુંકુંજાર સ્વપ્ન વિચ્છિન્ન થઈ ગયું હતું. જે જગત કિરણોનો મેળો લાગતું હતું ત્યાં ટાઢી હિમ રાત ઢળી ચૂકી હતી. વિલાસી યાદવો રાત્રે મશાલો લઈને સાગરકિનારાની રેતી પર પથરાય છે, મદ્યપાન કરે છે, દ્યૂત રમે છે. બળરામ પણ એમની સાથ જોડાય છે. ચક્રદેવ સાથે પ્યાલી ટકરાવી (!!) એ વારુણી પીએ છે. પછી તો ઘટ ગટગટાવી જાય છે. એમને વાડીએ મૂકવા આવતા સાંબને કહે છે : “તારો બાપ ને હું મૂરખના સરદાર છીએ. દુનિયાનો ઓધાર કરવા હાલી મળ્યા’તા; ઉલ્લુના પઠ્ઠા! નાનકો રાજદરબારોમાં સલવાઈ ગયો. હું ખેતરનો નિર્જીવ ચાડિયો બની ગયો. જહન્નમમાં જાય આવી ભોઈની પટલાઈ. તું સમજી ગયો. તેં સાચો મારગ લીધો ગગા, શાબ્બાશ!” એક મદ્યપની છટા અહીં કદાચ જોવા મળે પણ સમગ્ર કૃતિની જે પ્રકૃતિ છે તેમાં અહીં પ્રયોજાયેલી બોલચાલની છટા છેક તળ વર્તમાનમાં આવી જાય છે. કૃતિના પૌરાણિક શીલને ત્રોફે છે. “બળરામનો પહાડી ધોધ જેવો અવાજ” યાદવોની વિલાસશૈલી બિરદાવે અને એ માટે લેખક પણ બોલીના લહેકા સુધી જાય એ કંઈક અડવું લાગે છે. આવાં થોડાંક સ્થળે થયેલો અતિરેક ટાળી શક્યા હોત. આ જે વારુણીપાનની પ્રાકૃત દશા છે એમાંથી જ બળરામનું ચૈતન્ય પથ્થર તોડીને બહાર આવતા વાંસની જેમ પ્રગટે છે. આ ઘટનાને આકસ્મિક માનવી કે વારુણીપાનનું પરિણામ? (કૃષ્ણપ્રભુ સિવાય બીજા) કોઈ ગુરુની કૃપાનો તો અહીં નિર્દેશ નથી તેથી એમ જ માનવું રહ્યું કે બળરામનું આત્મતત્ત્વ સ્વયં પ્રગટ છે. લેખક પોતે પણ એને આકસ્મિક જણાવે છે : “મનની સાંકડી અને સલામત દીવાલો તોડીને તોપના ગોળાની જેમ અનુભવ આવી પડ્યો હતો,” જેનું સ્વરૂપ કંઈક આવું છે : “થોડી વારે લાગ્યું કે ઓરડાનું વાતાવરણ વિદ્યુતમય થઈ ગયું છે. શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. નાભિમાં કોઈ તેજસ્વી ને ધારદાર ચક્ર ફરવા લાગ્યું. પીડા વધી, સોમકને સાદ પાડી બોલાવવાનું મન થયું પણ અવાજ જ ન નીકળ્યો. ઊભા થવા જતાં શરીર પર કાબૂ જ ન રહ્યો. પેલું તેજનું બનેલું ને તીવ્ર વેગે ફરતું ચક્ર નાભિને કેન્દ્રમાં રાખી વિસ્તરવા લાગ્યું. હૃદય સુધી પહોંચ્યું. જમણી બાજુએ કાંઈક ગ્રંથિ છેદાતી હોય એવો ચરેરાટ થયો. ચક્ર કંઠ સુધી પહોંચ્યું. બંને આંખો વચ્ચે ઝટકા મારતી તેની ધાર ફરવા લાગી, અને બળરામે વીજળીનો કડાકો થતો સાંભળ્યો… એક આભ ચીરી નાખતો ઝબકારો થયો ને જોયું તો તે એક જુદા જ પ્રકાશમાં, જુદા જ પરિમાણમાં આવી ગયા હતા. અહીં હજી પૃથ્વી હતી, પણ પૃથ્વીનો કોઈ નિયમ નહોતો રહ્યો. હવામાં તેજોમય સ્વરૂપે તરતાં તરતાં બળરામ પલંગમાં પડેલા પોતાના પાર્થિવ દેહને નિહાળી રહ્યા” (પૃ. ૧૧૮). આ અનુભવને જે વાચકો બૌદ્ધિક પ્રતીતિ સુધી ખેંચીને સમજવા ઇચ્છતા હોય એ ‘યોગી હરનાથના સાન્નિધ્યમાં’ વાંચે. મકરન્દભાઈ જ નહીં, શ્રી રાજેન્દ્ર શાહ અને અન્ય શબ્દસાધકો પણ માને છે કે આત્મસ્વરૂપ બની પોતાના શરીરને આટલી ઊંચાઈથી જોઈ શકાય. કૃષ્ણ અર્જુનની સાથે જતાં પહેલાં કહેતા ગયા હતા કે તમે એકલા નહીં, તમે બંને. એ નિર્દેશ રેવતીનો હતો. શરીરથી મુક્ત બળરામ હવે રેવતી સાથે ‘મનોવાર્તાલાપ’ કરી શકે છે. આને રેવતી માધવની કૃપા તરીકે ઓળખાવે છે. અને બળરામને કહે છે કે તમારી અંદર જે ગરુડ રહ્યો છે તે આકાશ ભેદીને પણ અમૃતકુંભ લાવ્યા વિના નહીં રહે. બળરામે ધર્મરાજને વિરાટની સભામાં ફિટકાર્યા હતા. અહીં એ પોતાના અંતગૃહમાં જુએ છે. અને રેવતીના આત્મીય સાહચર્યમાં ઊડે છે. “આ જ્યોતિર્મય, તરલ, વાયવીય દેહનો આકાર માનવીય હોવા છતાં તેમાં અમાનવીય તત્ત્વ ઘણું હતું." અહીં અંધારું ક્યાંય નથી. રેવતી કહે છે કે પ્રકાશને ઝીલવાની મર્યાદા છે અને તે અંધારું બની જાય છે. બળરામ પૂછે છે  : “પ્રકાશ ઝીલવાની શક્તિ કોણ આપે?” “પ્રેમ” (પૃ. ૧૨૧). આ તેજોયાત્રા દ્વારિકાથી છેક સોમનાથ સુધી જાય છે. લાકડાની કોતરણીવાળું બાર માળનું મંદિર કૃષ્ણે બંધાવ્યું હતું. એના સોમબિંદુમાં બળરામ-રેવતી લય પામી જાય એ પહેલાં દત્ત ગુરુ એમની સિદ્ધ તરીકેની શક્તિથી બંનેને રૈવતગિરિ ભણી ખેંચી લે છે. લેખક માત્ર આકાશ કે માત્ર પૃથ્વીના ચાહક નથી. દત્તાત્રેયના શબ્દોમાં એ પોતાની ભાવના રજૂ કરે છે  : “યુગ્મ-આત્મા, ભૂમિના રસમાં ડૂબી ન મરો, સોમના રસમાં ઊછળી ન પડો. પણ બંનેના સ્વામી બની સમરસનું પાન કરો” (પૃ. ૧૨૩). હસ્તિનાપુરની રાજસભામાં દૂત તરીકે ગયેલા કૃષ્ણ પાછા આવી રહ્યા છે એ સમાચાર પણ દત્તાત્રેય કહે છે. જાગ્યા પછી બળરામ કૃષ્ણની રાહ જુએ છે. સ્વપ્ન અને જાગૃતિ વચ્ચેનું આ સંધાન કુશળતાથી થયું છે. પછીનો પ્રશ્ન આ છે : શું એ માત્ર સ્વપ્ન હતું? “જેની પ્રતીતિ હોય અને છતાં પુરાવો ન આપી શકાય તે અનુભવને શું નામ આપવું?” બળરામ આશંકા સુધી આગળ વધે છે અને વારુણીનો ઘટ ઉપાડે છે ત્યાં કૃષ્ણના આગમનના સમાચાર સાંભળે છે. કૃષ્ણ માટે પણ ક્યારેક સામેની દિશા ધૂંધળી બની જાય છે. પણ ત્યારે એ મનને ચૂપ કરી દે છે. મૃત્યુ પર ચોકડી માર્યા વિના પારગામી ક્રાન્તદૃષ્ટિ સાંપડતી નથી. કૃષ્ણ બળરામ સામે સ્થિર દૃષ્ટિ કરે છે અને નાભિચક્ર ફરવા લાગે છે. એ શરીરની બહાર નીકળી જાય છે. રેવતી સાથે વાત કરી શકે છે. કૃષ્ણ તેજની મૂર્તિ બની બેઠેલા લાગે છે. એ ફરી પાછા શરીરમાં પ્રવેશે છે. પેલા સૂક્ષ્મ જગત અને આ સ્થૂલ પ્રત્યક્ષ જગતમાં સાચું કયું? કૃષ્ણ બંને જગતને પરસ્પર પૂરક માને છે. વધુમાં બળરામને ‘શેષ’ અને ‘અનંત’ તરીકે ઓળખાવે છે. પૃથ્વીને ધારણ કરનાર શેષનાગ બળરામરૂપે અવતર્યા હતા એ માન્યતા લેખકે સ્વીકારી છે. એ સાથે કૂવા ને કોશ જેવાં અનુયુગીન સાધનો તથા રજકો જેવા આધુનિક જગતના ઘાસને બળરામની વાડીમાં પહેરામણી તરીકે આપતાં ખચકાટ અનુભવ્યો નથી. પછીના પ્રકરણમાં જ્યાં મહાભારતના મહાવિનાશની સમાન્તર બળરામે નવસર્જનનું આહ્વાન આપી દેશવાસીઓને એકત્ર કર્યા છે ત્યાં પંદરસો વર્ષ પછી અસ્તિત્વમાં આવનાર લોકાયતોનો આચાર્ય ચાર્વાક પણ હાજર છે. [રામાયણમાં જાબાલિ ઋષિ રામને જે સલાહસૂચન આપી સુખી કરવા ઇચ્છે છે એમાં લોકાયત પરંપરાનાં મૂળ જોઈ શકાય. પણ મૂળ કથામાં આ પ્રકારના વિચાર-અંશ દર્શન-યુગ પછી ઉમેરાયા એમ ડૉ. હરિવલ્લભ ભાયાણી કહે છે.] મકરન્દભાઈએ કાળક્રમની શિસ્ત સ્વીકારી લાગતી નથી. જૈન પરંપરા મુજબ નેમિનાથ કૃષ્ણ-બળરામના કુટુંબી થાય. એનો ઉપયોગ કરીને લેખકે વાડીની સભામાં વેદવ્યાસ અને નેમિનાથના ઉદ્ગારો પણ રજૂ કર્યા છે  : “જ્યાં હળને ચલાવતો ખેડુ હશે, જ્યાં શાસ્ત્રને વાંચતો બ્રાહ્મણ હશે, જ્યાં ગાયો ચરાવતો ગોવાળ હશે ત્યાં તમારા વિષ્ટિકાર્યની અમે પૂર્ણાહુતિ જોઈશું.” – વેદવ્યાસ (પૃ. ૧૩૮). “એટલું ધ્યાનમાં રહે તો સારું કે કોઈ યુદ્ધમાં બંધાઈ રહે, કોઈ હલમાં બંધાઈ રહે, કોઈ શાસ્ત્રમાં પુરાઈ રહે, કોઈ આ સંસારને જ પોતાની સીમા બનાવી મૂકે ત્યારે અમારું સ્વૈરવિચરણ તેમને બહાર આવવાની પ્રેરણા આપતું રહેશે. મારે કશું જ કહેવાનું નથી. પણ તમારા સ્નેહને વશ થઈ આટલું કહ્યું. મારું મૌન તમને મદદ કરી શકે તો ભલે કરે.” - નેમિનાથ (પૃ. ૧૩૯). સ્વયંપ્રભા રેવતી જોઈ શકે છે કે કૃષ્ણ તો યુદ્ધમાં નથી, પણ બળરામને મોટા ભાઈ તરીકે ચિંતા થયા કરે છે. એ સ્વપ્નમાં જોયા કરે છે કે મલોખા જેવા તરાપા પર એક આદમી ઊભો છે. સામે મોત જડબાં ફાડીને વાટ જોઈ રહ્યું છે. બળરામ મોટા તરીકે જે રક્ષાકવચ ધારીને બેઠા છે એ પડળ બની જાય છે. હજી એમણે સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચેની એકવાક્યતા કાયમ કરવાની બાકી છે, તીર્થયાત્રાએ જવાના છે. ખેતીનાં, વિદ્યાનાં, માણસાઈનાં થાણાં નાખવાનાં છે. તેથી જ્યારે દુર્યોધન એમને શિષ્યના નાતે પોતાના પક્ષે માગવા આવે છે ત્યારે એ તટસ્થ રહી શકે છે. તેમ છતાં જ્યારે એકલવ્યનો ઉલ્લેખ થાય છે ત્યારે બળરામનો ભાવ અણધાર્યો વળાંક ધારણ કરે છે : “એ વનવાસીનો લોહીઝરતો અંગૂઠો જોઈ અર્જુન ખુશ થઈ ગયો હતો! બળરામની વનવાસીઓ પ્રત્યેની પ્રીતિ જાણીતી હતી.” લેખકે દુર્યોધન માટેના બળરામના મમત્વને આ રીતે તાર્કિક ભૂમિકા પૂરી પાડી છે. સાવ નાની પણ અર્થસમર્પક ક્ષણો આ રીતે ઉમેરાતી ગઈ છે. વાચકે પ્રખ્યાત કથાવસ્તુના પ્રવાહમાં વહી ન જતાં આવી વિગતો ઝીણવટે જોવાની રહેશે. એકલા પડેલા બળરામનો ગુસ્સો શમી જાય છે અને રેવતી સાથેના અશબ્દ સંવાદમાં એ ઉપનિષદની વાણી સાંભળે છે : “દરેક માણસમાં બે પંખી સાથે જ વસે છે. એક અહીંનો દાણો ચણે છે, બીજું આકાશમાં ઊડે છે… એના ટહુકાને કોણ ઝીલે છે?… માનસમાં મોતી કરતાં દાણાના ભાવ વધી જાય છે.” આ મોતી અને દાણા એકસાથે પામવાનો ઉપાય છે પ્રેમ. રેવતી કહે છે : “તમે જો સાદોસીધો પ્રેમ કરી શકો ને રામ, તો તમારે પછી કાંઈ ગોખવું ન પડે. તમારી આંખે જીવન ઉકેલાતું આવે, અને એ તમારી પાંખનું બળ બની રહે” (પૃ. ૧૪૯). યુદ્ધ વખતે બળરામ યાત્રાએ જવાના છે. કૃષ્ણ એમને કહે છે કે તમે મારો છલકાઈ ગયેલો ખજાનો પણ એમાં વાપરો. વાડીમાં અર્જુન છે એ દરમિયાન મહાયાત્રાળુ ઉદ્ધવ પણ આવી પહોંચે છે. યાત્રાએ જવા અડધું દ્વારિકા ખાલી થઈ જાય છે એનું વર્ણન બહેલાવ્યું નથી. કૃષ્ણ યુદ્ધમાંથી પાછા આવવાના છે એવા સંકેત સાથે પ્રકરણ પૂરું થાય છે. પછીના પ્રકરણમાં સિદ્ધ, સાધક અને સંસારી સહુને પ્રિય એવી સોમનાથયાત્રા કરી કાફલો મરુભૂમિમાં માર્ગ ભૂલ્યો અને બળરામને એક નવું દર્શન થયું : પુણ્યને પંથે પડકાર આવે જ નહીં એવું નથી. તેમ છતાં શ્રદ્ધાની કટોકટીમાં મુકાવું પડતું નથી. સામેથી ઉત્તંક મુનિ આવે છે. “જાણે રણરેતીનો થાંભલો દેહ ધરીને ચાલ્યો આવતો હતો.” મુનિને પ્રત્યક્ષ કરાવતો એ આખો ફકરો નોંધપાત્ર (જુઓ પૃ. ૧૬૫), મુનિએ યાત્રાની આગેવાની લીધી, અંધ પ્રકૃતિની પડછે અભયવચન મળ્યું. આ પ્રકરણમાં ભયાનક અને અદ્ભુતનું નિરૂપણ જોતાં લાગે કે નવલકથા જેમને માટે અહલ્યાભૂમિ છે એ કવિવર મકરન્દ દવેએ મોડે મોડે પણ આ સાહિત્યસ્વરૂપ ખેડ્યું એ એમનું કર્તવ્ય હતું. કથાના આરંભિક ભાગમાં વનપ્રેમી પ્રસેન આવે છે. અહીં મરુપ્રેમી ઉત્તંક છે. આ મુનિનો મુખ્ય રસ છે ‘ભૂગર્ભના જળવિજ્ઞાન’માં. એ યજ્ઞનો પણ વિરોધ કરે છે. કૃષ્ણ ઇન્દ્રનો ભાગ કાઢી નાખે છે એ સુવિદિત છે પણ ઉત્તંકનો યજ્ઞવિરોધ કાલવ્યુત્ક્રમ કરતો લાગે છે. અહીં રણવાસી આભીરોને લૂંટફાટમાંથી વાળીને કેવી રીતે લીલોતરીના સર્જક બનાવ્યા તે પ્રયોગ કુનેહપૂર્વક કથામાં સાંકળી લેવાયો છે. કૃષ્ણે (અર્જુનની મદદથી) ખાંડવવન બાળ્યું અને નાગલોકોનો નાશ કર્યો એની ટીકા ઉત્તંક દ્વારા થાય એ પછી બળરામના મુખે ખુલાસો સાંભળવા જાગેલી વૃત્તિ વણસંતોષાયેલી રહે છે. અને કૃષ્ણનો સંદેશો મળતાં સ્માર્તો અને ભાગવતો વચ્ચેનું ઘર્ષણ ટાળવા નૈમિષારણ્યમાં વેદવ્યાસે બોલાવેલા ઋત્વિજોના સંમેલનમાં જવા બળરામે યાત્રા અધૂરી છોડવી પડે છે : "બળરામ ઊપડ્યા. સાંઢણીના ગળામાં વાગતી ઘંટડી થોડી વાર સંભળાયા કરી. રણમાં એક મંજુલ ઝરણું વહેતું થયું અને પછી રણ તેના પર આળોટી પડ્યું. (પૃ. ૧૭૬). નૈમિષારણ્યની સભા નિમિત્તે લેખકે શુદ્ધ વેદધર્મ અને ભાગવતના નવમી સદી પછીના અવતારવાદ વિશે વાચકને માહિતગાર કર્યો છે. અહીં પણ એમણે સદીઓને ક્ષણમાં સમાવી છે. ગોપાલક કૃષ્ણને ઉપેન્દ્ર વિષ્ણુના અવતાર તરીકે વેદવ્યાસ સ્થાપે અને ઇન્દ્રની ઉપેક્ષા કરે એથી રુઢિચુસ્ત આર્યો ઉશ્કેરાય એ સ્વાભાવિક છે. મહાભારતમાં પણ કૃષ્ણને નકારતા સ્થાપિતો ક્યાં ઓછા છે? અહીં બક દાલ્ભ્ય, વિદગ્ધ માહેન્દ્રી અને ચંડકૌશિક જૂની યજ્ઞપ્રથાના પુરસ્કર્તા તરીકે રજૂ થયા છે. એમના દ્વારા કૃષ્ણભક્ત જૈમિનીનું અપહરણ થયું છે. વેદવ્યાસ યજ્ઞભાવનાને વિસ્તારવા નવા મહાયજ્ઞની સંકલ્પના લઈને બેઠા છે. નરમેધના સમર્થક ચંડકૌશિક સાથે બળરામ એમને માટે અરૂઢ એવી વ્યંગોક્તિથી સહમત થાય છે : “પણ એ માટે સામાન્ય નર ન ચાલે. બત્રીસલક્ષણા નરને શોધી કાઢવો જોઈએ. અને અત્યારે તો એ મુશ્કેલી નડે તેમ નથી. તમારામાં બત્રીસે લક્ષણ દેખાઈ આવે છે.” વિવાદ આગળ વધે છે. ચંડકૌશિકનો શિષ્ય વ્યાસને માછણનો છોકરો કહે છે. બળરામ એનું ગળું દબાવવા ધસે છે ત્યાં વ્યાસ આડા ફરે છે : “બેટા, એક માછણના છોકરા હોવાનું મને ગૌરવ છે અને એક ગોવાળમાં હું ભગવાન જોઈ શક્યો હોઈશ તો એ માતાએ આપેલી નિર્મળ આંખોને કારણે” (પૃ. ૧૯૨). બળરામના વ્યક્તિત્વમાં એક નવું પરિમાણ અહીં પ્રગટે છે. પહેલાં તો એ વિરોધીઓને -કૃષ્ણના વિરોધીઓને - પણ પોતાના મતનો પ્રચાર કરવાની સગવડ આપવાની જાહેરાત કરે છે. પછી જૈમિનીનું અપહરણ કરનારાઓને પડકારે છે અને છેવટે કહે છે કે વ્યાસના શિષ્યો કથાકીર્તન (અનુગામી યુગોની પ્રણાલી!) કરે છે ત્યારે એમને હેરાન કરવામાં આવે છે. હવે પછી એમ કરનારનું માથું મારી ગદાથી ભાંગી ન નાખું તો મારું નામ બળરામ નહીં. આ દરમિયાન મહાભારતનું યુદ્ધ પૂરું થવા આવ્યું છે. બચેલો દુર્યોધન પાણીના ધરામાં છે. વૃન્દાવન લીલાના શ્લોક આપીને વ્યાસ બળરામને વિદાય આપે છે. બે શિષ્યો વચ્ચેનું ગદાયુદ્ધ જોવું એ શિષ્યોની નહીં, ખરેખર તો ગુરુની કસોટી છે. પણ ભીમ ગદાયુદ્ધના નિયમોનો ભંગ કરી દુર્યોધનની જાંઘ ભાંગી નાખે છે અને એ અધર્મ સહી ન શકતા બળરામ ભીમને મારવા દોડે છે. યુદ્ધની હિંસાના વિકલ્પે ન્યાયભાવના, સહયોગ અને ઉદારતાનું સ્વપ્ન જોવા લાગેલા બળરામે પોતે અહીં યુદ્ધની મનોદશામાં ખેંચાવું પડે છે. કૃષ્ણ પ્રત્યેનો ભાવ પણ બદલાય છે. લેખક નોંધે છે કે પ્રેમના અતૂટ તંતુને પણ મહાયુદ્ધની ઝાળ લાગી ગઈ. કૃષ્ણ દ્રૌપદીના અપમાનની યાદ આપીને, ખુલ્લી જાંઘ થાબડતા દુર્યોધનનું ચિત્ર ઉપસાવીને એ મહા અધર્મના જવાબમાં ભીમે કરેલા અધર્મને માફ કરાવી શકે છે. આ ઘટના પ્રખ્યાત છે પણ એ પછી બળરામને થતો ઝબકારો આજના લેખકની જીવનદૃષ્ટિનું પરિણામ છે : “કોઈ પણ પક્ષે સંપૂર્ણ સત્ય, ન્યાય કે નીતિ હોય જ એવું નયે બને. ત્યારે તટસ્થતા રાખવી એ જુલમીઓના હાથ મજબૂત કરવા જેવું નથી? જ્યારે વિશાળ માનવજાતનું હિત જોખમમાં હોય ત્યારે સજાગ મનુષ્યનું કર્તવ્ય શું? યુદ્ધ ગમે તેટલું કુત્સિત, ઘોર કર્મ હોય પણ તેમાં ઝંપલાવવું ન જોઈએ? આવી કટોકટીની પળે યાત્રા, ધર્મધ્યાન, સંસ્કૃતિરક્ષણ આ બધું જ પલાયન નથી બની જતું?" (પૃ. ૨૦૯) વહાણવટું ખેડતા અનિરુદ્ધની વિદેશી પત્ની ઈસિસ એટલે કે ઉષા દ્વારા વર્ષામંગલનો વિધિ શરૂ થયો. એમાં મુખ્ય પ્રેરણા બળરામની સૂચવાઈ છે. અહીં રાજાપ્રજા સાથે મળે છે. કૃષ્ણ-બળરામની સંસ્કૃતિ મૂળભૂત રીતે લોકસંસ્કૃતિથી જુદી નથી તે અહીં પ્રભાવક રીતે વર્ણવાયું છે. બળરામ પાસે માત્ર હળ ન હતું, મૃદંગ પણ હતું અને કૃષ્ણના સુદર્શન કરતાં એમની બંસીએ કંઈ ઓછું સિદ્ધ કર્યું નહોતું. આ કૃષિ-મહોત્સવ બીજાં રાજ્યોમાં પણ ફેલાતો જાય છે. પરંતુ એક વર્ષ એવું આવે છે જ્યારે કોઈ નથી આવતું. વાતાવરણમાં ઉત્પાતનો અણસાર હતો. બળરામ સેવકોને તપાસ કરવા સોમતીર્થ મોકલે છે. ત્યાં તો સર્વનાશ થઈ ચૂક્યો છે. કૃષ્ણ સિવાય કોઈ બચ્યું નથી. યાદવાસ્થળી પણ મહાભારતનું જ પરિણામ. પાંડવોના પક્ષે રહી લડેલો સાત્યકિ અને કૌરવ પક્ષે લડેલો કૃતવર્મા બપોરે ભોજન સમયે લડી પડે છે. પરસ્પર હત્યામાં મગ્ન યાદવો કૃષ્ણની પણ અવજ્ઞા કરે છે અને એ સુદર્શન હાથમાં લે છે. નીતિ અને ધર્મ ખોઈ બેઠેલા કુળનો પણ સંહાર કરે છે. લેખક રેવતીના ઉદ્ગાર દ્વારા સંહાર અને સર્જનને જોવાની સમજ વ્યક્ત કરે છે : “આ સુદર્શન જ સોમચક્ર છે, દક્ષિણ બાજુ ફરે છે ત્યારે જે દાહક છે, એ જ વામ બાજુ ફરે છે ત્યારે શામક બની જાય છે” (પૃ. ૨૩૮). દુઃખી પ્રાણીઓ પ્રત્યે મૈત્રીનો હાથ લંબાવવા કૃષ્ણે પોતે પણ યાદવાસ્થળીના સંહારના મહત્તમ દુઃખનો સ્વીકાર કર્યો. આશ્રયે આવેલા ભીલ જાતિના કોદંડને આશ્રય આપ્યો હતો, બળરામ એને જ વારસો આપવા વર્ષામંગલ ઊજવે છે. યાદવકુળ ભલે ગયું, કૃષિકુળ રહેશે. બળરામના મૃત્યુનું વર્ણન એ મુક્તિનો અનુભવ છે. એ સમુદ્રતટે રેતીમાં જઈ બેસે છે. પ્રાણમય ભૂમિકાએ એ રેવતીનું સાહચર્ય બલ્કે અદ્વૈત અનુભવે છે. અને- “વજ્રની ધાર જેવું તીક્ષ્ણ પણ કમળની પાંદડી જેવું કોમળ ચક્ર નાભિમાં ફરવા લાગ્યું. હૃદય સુધી આવ્યું. કંઠમાં પ્રવેશ્યું અને ભાલપ્રદેશની આસપાસ એ નાનકડા સૂર્ય સરખું તેજવર્તુળ બની ફરવા લાગ્યું. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય - કોશ ભેદાઈ ગયા. એક આનંદમય કોશનું પડ પારદર્શક વાદળી જેવું બાકી રહ્યું” (પૃ. ૨૪૧). હવે કૃષ્ણનું સાન્નિધ્ય. બંસીના બેએક સૂરની માગણી. કૃષ્ણની બંસીના સૂરે સૂરે ખીલતી સંધ્યા એના વિવિધ રંગોની આભા દ્વારા આનંદલોકનાં દ્વાર ખોલતી જાય છે. “બળરામના હાથમાં એક હવાનો બનેલો, તેજથી રસેલો પણ પૃથ્વીની સમગ્ર ઉષ્માનો સાકાર પિંડ હોય એવો હાથ પરોવાઈ ગયો.” એ હાથ રેવતીનો છે એ કહેવાની જરૂર રહેતી નથી. રેવતીના સૂક્ષ્મ અસ્તિત્વને એક ચરિત્ર તરીકે નિરૂપવામાં મકરન્દભાઈએ જે સફળતા મેળવી છે તે ગુજરાતી નવલકથાના ક્ષેત્રે અપૂર્વ ઘટના છે. પૂર્વે ભૂતપ્રેત જરૂર હતાં, અહીં મુક્તાત્મા છે. કથા અહીં પૂરી થઈ જાય છે. પછી થોડીક પંક્તિઓ કૃષ્ણની વિદાય વિશે છે. ક્ષમા માગતા વ્યાધના માથે હાથ મૂકીને કૃષ્ણ કહે છે : “મારા માનવબંધુઓને કહેજે, જ્યારે તમે કોઈ પ્રાણીને મારો છો ત્યારે મને જ મારો છો.” શું પરમ માનવતાવાદી તરીકે પ્રગટવા માટે જ લેખકે અવતારવાદનો આશ્રય લીધો હતો? એમ જ કહેવાનું રહેશે. અને અંતે — “એક જાજ્વલ્યમાન પ્રકાશની ત્રિવેણી આકાશના અગાધ નીલ સિંધુમાં સમાઈ ગઈ. જગતમાં રાત પડી” (પૃ. ૨૪૩).

*

આ ‘માટીનો મહેકતો સાદ’ ફરી કહેવાતી પુરાણકથા બની જવાને બદલે વારસાને વર્તમાનમાં લાવતી નવલકથા બની શકી છે. એમાં ક્યાંક ક્યાંક કાલવ્યુત્ક્રમ થયો છે એ સાથે વિગતદોષો આવ્યા છે અને બોલચાલની ભાષાની છાંટ ક્યારેક વાચકને પૌરાણિક મર્યાદા ઓળંગવા મજબૂર કરે છે તેમ છતાં કહેવું જોઈએ કે લેખકે એકેય શબ્દ બિનજરૂરી લખ્યો નથી. અહીં ભૂલો હશે પણ કશું ખોટું નથી. કલ્પના છે, સંયોજન માટે લીધેલી છૂટછાટ છે પણ કથાપ્રપંચ નથી, અસદ્ નથી. ખરેખર તો મને આ કથાના આસ્વાદમાં રસવિઘ્ન નડવું જોઈતું હતું. આત્માની સ્વતંત્ર સત્તામાં માનું છું છતાં હું અવતારવાદી નથી. મનુષ્યમાં જ ચૈતન્યનો સવિશેષ આવિષ્કાર થાય છે અને સમકાલીનોને વિધાયક દિશામાં દોરે છે. બુદ્ધ પૂર્વે શ્રીકૃષ્ણ અને તે પૂર્વે શ્રીરામ ભારતના મહાન લોકનાયકો હતા. મકરન્દભાઈ શ્રીકૃષ્ણને પ્રભુ કહે છે. બળરામનો આત્મા સર્પાકારે પાતાળમાં પ્રવેશેલો એવું પુરાકલ્પન છે, જનશ્રુતિ પણ છે. મકરન્દભાઈ બળરામને અન્યત્ર શેષ તરીકે ઓળખે છે છતાં અંતે એમના આત્મતત્ત્વની પાતાળગામી નહીં, આકાશગામી ગતિ સૂચવે છે. એ કુંડલિની જાગ્રત થવામાં માને છે, એ મને શક્ય લાગે છે. પણ કૃતિના મધ્ય ભાગ પૂર્વે જ કૃષ્ણને પ્રભુ અને વિષ્ણુનો અવતાર માનીને બળરામ ચાલે છે તેથી એમના વ્યક્તિત્વ-વિકાસની સીમા નિર્ધારિત થઈ જાય છે કેમ કે એમની સમાન્તર ચાલતા કૃષ્ણ તો બાથમાં આવે તેવા છે જ નહીં. અમાપ અને અનંત છે. આ પ્રકારની બૌદ્ધિક સભાનતા સાથે કૃતિને તપાસ્યા પછી પણ મને એના વિશે નજીકના સમયમાં ન બદલાય તેવો પક્ષપાત થયો છે. આ કથા માત્ર બળરામ વિશેની નથી, બળરામ-કૃષ્ણ વિશેની થવા જતાં જતાં પણ વારંવાર કૃષ્ણ-બળરામના ક્રમમાં દિશા પસંદ કરે છે. કેમ કે પરમ ભાગવત મકરન્દભાઈ પોતે બળરામ બની જઈને કૃષ્ણને ચાહવા લાગી જાય છે. પત્ની એ માત્ર કાયા નથી. તેથી રેવતીનું મૃત્યુ એ માત્ર દેહત્યાગની ઘટના છે. એ પછી પણ એ બળરામના અંતરતમ વિવેકરૂપે વાચકને પોતાના હોવાની પ્રતીતિ કરાવ્યે જાય છે. આ કથા જો કુન્દનિકાબહેને લખી હોત તો આપણને રેવતી ન મળત. કલાનાં ધોરણોને પોતાની વિવેચનામાં ‘ઑક્સિજન’ની જેમ વાપરનારા આધુનિકો આ કથાને બિરદાવવામાં નિષ્ફળ જાય તોપણ એમને જાણ્યેઅજાણ્યે અહીંથી પ્રાણવાયુ જરૂર મળશે. આ પ્રકારના લેખન સમક્ષ કલાનાં ધોરણો ધાર્યું કામ આપી શકતાં નથી. ક્યારેક વિવેચનના નામે ગણિતનાં મનોયત્નો ગણીને પણ ગમ્મત કરી શકાય. પણ આ પ્રકારની કૃતિઓને તમારે જીવનના છેડેથી જોવાની રહે. ટૂંકમાં આ લખાણ કરવાથી મારો આનંદ બેવડાયો છે.

(‘ગ્રંથ’ ઑક્ટોબર ૧૯૮૨માંથી સાભાર)

રઘુવીર ચૌધરી

બીજી આવૃત્તિ વેળાએ

આ નવલકથા લખાઈ ત્યારે જરાયે ખ્યાલ નહોતો કે જીવનમાં ખરેખર ધરતી ખેડવાનું આવશે. મનમાં જેની કલ્પના જ કરી હતી તેને સાકાર કરવાનું કદાચ નિર્માણ થયું હશે. અત્યંત પ્રાચીન કાળની કથા આ રીતે વર્તમાન અને ભવિષ્યની વાટ જાણે ચીંધી જાય છે. એમ લાગે છે કે કાગળ પર અક્ષર ઉતારવા કરતાં ધરતી પર લીલી લેખણે લખવું આકરું છે; પણ એ છે તો કરવા જેવું.

નંદિગ્રામ : ૩૯૬૦૦૭
૧૯-૯-૧૯૯૮

મકરન્દ દવે