માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૧૩

From Ekatra Foundation
Revision as of 01:14, 28 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૩

કૃષ્ણના ગયા પછી બળરામને દ્વારિકાની ભરી ભરી નગરી ભેંકાર લાગવા માંડી. આ પહેલાં સુવર્ણજડિત મહેલો તેમને માણસની મૂર્ખાઈનું પ્રદર્શન લાગતા. હવે તે ઉદ્દેશહીન, સારહીન, અર્થહીન અસ્તિત્વના આભાસ બની ગયા. માણસના ઊંચા ઊંચા મિનારાની અહીં કોઈ ઠેકડી ઉડાડતું હતું અને તેનાં આદર્શો, સ્વપ્ન, તત્ત્વદર્શનોને એક થપાટે ધુમાડાના બાચકા બનાવી દેતું હતું. આ તો નરાતાળ જૂઠનો આડંબર. માન્યતાઓની મધલાળ. ભીરુ લોકોએ ઉપજાવેલી ભ્રમજાળ. રેવતીની શ્રાદ્ધક્રિયા પૂરી થતાં પગ નીચેની ધૂળ ખંખેરે એમ દ્વારિકાને ખંખેરી બળરામ વાડીએ જતા રહ્યા. પણ અહીં? અહીં પણ બળરામે અને રેવતીએ એક જુદા પ્રકારનું જૂઠ ઊભું નહોતું કર્યું? એક લીલું કુંજાર સ્વપ્ન ઘડીના છઠ્ઠા ભાગમાં લીલું કાચ ઝેર બની ગયું હતું. પેલો પીપળો, કૂવો, કોશ બળરામને ચિચિયારી પાડી બોલાવવા લાગ્યા. તેને પકડીને ઊંચેથી નીચે પછાડવા માંડ્યા. એક જ ઘટના અને પગ નીચેની ધરતી જ ખસી ગઈ. ક્યાં છે આ ધરતીનું ગાન ગાતી લક્ષ્મી? ક્યાં ગઈ તરસ્યા ક્યારાને પાણી પાનારી? મૃગજળના ધોરિયાથી કાંઈ ધરતી ભીની થાય? અહીં તો ખેડનારાં જ ખાક બની ઊડી જાય છે. આવું શા માટે થયું? આવું શા માટે થાય છે? - જવાબમાં એક શબ્દ જડતો હતો : અકસ્માત. અને અકસ્માતનું મૂળ ખોદવું એટલે અગણિત મૂળિયાંને ગણવા બેસવું. જે હવે સાવ નિરર્થક, તેના આંકડા માંડવા. બળરામને રૂંવે રૂંવે પીંખી નાખતો હતો આ અકસ્માત. કેટલી વાર, કેટલા જણને તેમણે પૂછ્યું હશે? રેવતી કોશ ચલાવતી હતી ત્યારે નજીકમાં જે પાણી વાળતો હતો તે પાણોતિયાને તેમણે ફેરવી ફેરવીને એક સવાલ પૂછ્યો હતો. અને તે રેંટની જેમ એક જ જવાબ રટતો ગયો હતો : “રેવતીદેવી બળદને લઈને સામે છેડે પહોંચ્યાં ત્યારે કોશમાંથી પાણી ઓછું નીકળ્યું. તેમણે મને બોલાવ્યો, કીધું, સોમક, જરા જો તો! કૂવામાં પાણી ખૂટી ગયું છે કે બોખમાં કાંઈ ખામી છે? હું જોવા ગયો ત્યાં પોતે પણ મંડાણ પાસે નમીને જોવા ગયાં. હાથ છટક્યો. કૂવામાં ધુબાકો થયો. મેં બીજાને બૂમો પાડી બોલાવ્યા. હું કૂવામાં ઊતર્યો. રેવતીદેવીને ખાટલામાં નાખી અમે બહાર કાઢ્યાં. વરામમાં વાગ્યું’તું તે...” પણ પછીની વાતમાં બળરામને રસ નહોતો. કૂવામાં પાણી જ ઓછું છે કે બોખ ક્યાંક ફાટી ગઈ છે - એ સમસ્યાનો ઉકેલ મળે તોયે શું? અહીં જે કાંઈ છે તે ‘ઊંડો કૂવો ને ફાટી બોખ’ છે. પણ રેવતીએ તો માગ્યું છે : ‘તમે કોશ ચાલુ રાખશો ને? તરસ્યા ક્યારાને પાણી પાશો ને? આ વચનો બળરામને વીંધી નાખવા લાગ્યાં. ક્યારાને લીલા કરો કે મિનારાને સોનું મઢાવો—અંતે બધુંય એકનું એક. ઉદ્દેશહીન, સારહીન, અર્થહીન. મિથ્યાત્વના ખેતરમાં રેતીની વાવણી. બળરામને થયું : દ્વારિકામાં તો હવે પાછું નહીં ફરી શકાય, પણ તો શું વાડીમાં રહી શકાશે? બળરામના વિચાર અને કાર્ય વચ્ચે એક ખાઈ પડી ગઈ. વિચારની એક એક ફોતરી તે ઉખેડતા ગયા ને છેવટે જોયું તો હવાની દાંડલી પણ નહોતી રહી. રેવતીનો છેલ્લો શ્વાસ આંખે તર્યો. મન ગોકુળ, મથુરા ભટકી આવ્યું. ગુરુનાં ખેતરો ખૂંદી આવ્યું. અત્યંત પ્રિય અને પવિત્ર સ્નેહનો માંડવો ઊભો કર્યો. પણ ઊંડે ઊંડે જતાં કોઈ પાયો જ ન દેખાયો. આ બધો ઠાઠ ઊભો રહે એવો આધાર જ નહોતો ક્યાંયે. જે જગત કિરણોનો મેળો લાગતું હતું ત્યાં ટાઢીહિમ રાત ઢળી ગઈ. અને એમાં માણસ એકલો ઊભો હતો - સૂસવતા વાયરા સામે, સરી જતા બરફ પર. ભયાનક એકલતા બળરામને ભીંસી રહી. આમાં રેવતીને આપેલું વચન કાચા સૂતરના તાર જેવું તેમને ખેંચવા લાગ્યું. કર્તવ્યનો રસ નહોતો, કર્તવ્ય-ગ્રહણનો સાદ પ્રેરતો હતો. એક થરથરતા દીવાને ધ્રૂજતે હાથે લઈ જવાનો સાદ. ક્યાંક દીવો ઝાંખો ન પડે, ક્યાંક મેશ ન લાગે! સવારથી સાંજ ખેતી ને ખેડૂત દોસ્તોના સવાલોમાં બળરામ રોકાઈ રહેતા, પણ રાત કેમેય કરી ખૂટતી નહોતી. અંધારું ઢળતાં ઉદાસી જાણે વાટ જોતી ઉંબરામાં આવી બેસતી અને એ હજાર જાતનાં રૂપ ધરીને બળરામને ઘેરી વળતી. એ કોશનું સરસરાટ કરતું દોરડું બની જતી. પગમાં વીંટળાતી. ગળે ભરડો લેતી. ધુબાંગ અવાજ કરી કૂવામાં પડતી. બળરામનું માથું કાળમીંઢ શિલા પર અફાળતી. બળરામ દાંત કચડતા. તેની સામે બાંયો ચડાવતા. પણ ઓળાઓને બાથમાં લઈ પકડવા જાય છે એ જ આખરે પટકાઈ પડે છે. બળરામનું જોર હણાઈ જતું. અસહાય બની પડી રહેતા. અંધના ડોળા જેવી શૂન્યતા આખી રાત તેમની સામે તાકી રહેતી. બળરામનું અંતર કોઈ વાર પોકારી ઊઠતું : ‘ઓ કૃષ્ણ! ઓ નાનકા! ઓ ગોપાલ! હવે આવને ભાઈ!’ તેમને થયું કે કૃષ્ણ આવે તો આ અંધારા કૂવામાંથી પોતાને બહાર કાઢે. પણ એ બહુ રોકાયેલો હશે. નહીં તો આવ્યા વિના ન રહે. અને છતાં બળરામની આંખો અનેક વાર વાડીના ઝાંપા પર મંડાતી, રાતના સન્નાટામાં તેમને રથના ભણકારા સંભળાતા, અને એક વાર તો સાચે જ તેમણે એક નહીં, પણ ઘણા રથ જતા હોય એવો ઘરઘરાટ સાંભળ્યો. વાડીને ઘસાઈને જતા ધોરી માર્ગ પર સમુદ્ર ભણી રથ માર માર કરતા ધસ્યે જતા હતા. બળરામને થયું : આ વળી શું? મગજ તો ખસી ગયું નહીં હોય ને? તેમણે બહાર આવી જોયું તો સમુદ્રકિનારા ભણી આગળ વધતા મશાલના ભડકા નજરે ચડ્યા. બળરામ વિચારમાં પડી ગયા : મનની ભૂતાવળો તો નહીં હોય? પણ મશાલો ભયના, રહસ્યના પડછાયા પાથરતી સળગતી હતી. અને બળરામ એટલે ભયની સામે ચાલતાં પગલાં. મશાલોની દિશામાં તે આગળ વધ્યા. બળરામે રેતીના ટેકરા પરથી નજર દોડાવી. કેટલાક માણસો સળગતી મશાલો ધરી ઊભા હતા. જાજમો બિછાવાતી હતી, રથમાંથી નાનીમોટી પેટીઓ, ઘડાઓ, કરંડિયા ઉતારવામાં આવતાં હતાં. દશબાર માણસોનું ટોળું હુકમો છોડતું હતું અને હાહાઠીઠી કરતું હતું. બળરામ નજીક આવ્યા, અરે, આ તો કૃતવર્મા, ચારુદેષ્ણ, શંકુ, અનાધુષ્ટિ, ચક્રદેવ! પ્રૌઢ યાદવોની સાથે બેચાર જુવાનિયા પણ હતા. અને તેમાં કૃષ્ણનો પુત્ર સાંબ તરી આવતો હતો - તેની કોમળ ખૂબસૂરતી અને સ્ત્રૈણ હલનચલનને કારણે. બળરામને જોઈને ટોળું સ્તબ્ધ બની ગયું. હાસ્ય-વિનોદ હવામાં ઊડી ગયાં. બળરામે પૂછ્યું : “તમે લોકો અહીં શું કરો છો?” ચક્રદેવ લથડિયાં ખાતો આગળ આવ્યો, તેના મોંમાંથી વાસ આવતી હતી. હાથ ઉછાળી બોલ્યો : “અરે, જલસો, જલસો, દેવ, અમે તો એયને જલસો કરીએ છીએ.” સહુનું ઊડી ગયેલું હાસ્ય પારેવાના ટોળાની જેમ પાછું ફર્યું. કૃતવર્માએ હિંમત એકઠી કરી પોતાનો બચાવ કરતો હોય એમ કહ્યું : “અમે રોજની પીંજણથી કંટાળી જઈએ ત્યારે આમ સહુ મળીને આનંદ કરી લઈએ છીએ, દેવ!” બળરામે આશ્ચર્ય પામી પૂછ્યું : “તમને આનંદ આવે છે, ખરેખર?” “હોવ્વે, આનંદ આનંદ છે અમારે તો,” ચક્રદેવ ડોલતો, નાચતો બોલી ઊઠ્યો. રેતીના પટ પર જાજમો બિછાવાઈ ગઈ હતી. મદ્યઘટ ખૂલી ગયા હતા. ખાદ્યસામગ્રીની તાસકો ગોઠવાઈ ગઈ હતી. રત્નજડિત પાત્રોમાં દ્યૂતના પાસાઓ ખખડાવાની રાહ જોતા હતા. ચક્રદેવ બળરામનો હાથ પકડી બોલ્યો : “આવો, આવો, દેવ! આજ તો અમારી સામે ખેલો, ખાઓ પીઓ, આનંદ માણો!” કોઈ અજાણી ધરતી પર આવી ચડ્યા હોય એમ બળરામ આ પરિચિત યાદવનાયકોને નવી નવાઈથી જોઈ રહ્યા. આ બધા તો લહેર કરે છે. તેમના ચહેરા પર તો વિષાદની છાયા પણ નથી. ત્યારે અંધારા કૂવામાં ડૂબી મરવાનું માત્ર પોતાને જ ભાગે? ઘોર એકલતામાંથી બહાર આવી આ હસતાખેલતા લોકો વચ્ચે તેમને સારું લાગ્યું. બળરામ સહુની વચ્ચે બેઠા. મનગમતા મદ્યની પ્યાલીઓ ભરીને યાદવો વખાણ કરતા પીવા ને પાવા લાગ્યા. બળરામે પૂછ્યું : “ચક્રદેવ, આમાં સહુથી જલદ મદ્ય કયો છે? મારે દ્રાક્ષ, ઇક્ષુ કે મધુકના આસવનું કામ નથી. લાવ, આગ હોય તો આગ પિવડાવી દે!" યાદવનાયકોએ એકબીજા ભણી ઈશારાથી વાતો કરી લીધી. કૃતવર્મા બોલ્યો : “ચક્રદેવ, વારુણીનો ઘટ વૃષ્ણિરાજ માટે ખોલી આપ!” “એમાં કહેવું ન પડે. ચક્રદેવ જેવો મદ્યનો પારખું છે કોણ? હાં, લો આ વારુણી, આપણા બે સિવાય એને કોઈ પીએ તો ખરો! ભારે પડી જાય ભારે.” ચક્રદેવે બે પ્યાલીઓ ભરી. એક બળરામને આપી, બીજી પોતે લીધી, અને પ્યાલીઓ ટકરાવી બન્ને પીવા લાગ્યા. યાદવોના અટ્ટહાસ્ય પાસે સમુદ્રનું ગર્જન ભોઠું પડી ગયું. બળરામે એક ઘટને ખલાસ કરી નાખ્યો. સાંબ તેમનાથી શરમાતો આઘો ખસતો હતો, પણ બળરામને નશામાં ઝૂમતા જોઈ તે પાસે આવી બેઠો. બળરામે કહ્યું : “તમે તે દુનિયાના સહુથી તાલેવાન યાદવો છો કે મલકના રાંકા? સોનામહોરોથી રમતાં શરમાતા નથી? રમવું હોય તો રત્નોથી રમો. આવો, કોણ મારી સાથે રમવા તૈયાર છે?" બળરામ પાસે અમૂલ્ય રત્નોનો ભંડાર છે એ સહુ જાણતા હતા, પણ અત્યારે તો તેમની પાસે ફૂટી કોડીયે નહોતી. બળરામે પૂછ્યું : “કેમ મૂંગા થઈ ગયા?" “દેવ, અમે તો હાજર હોય તે ધનથી રમીએ.” શંકુ બોલ્યો. એ પાકો હિસાબી ને પાસા ખેલવામાં ચતુર ગણાતો. “એમ છે?” બળરામે જરા વિચાર કરી સાંબ સામે જોયું. કહ્યું : "આવ, દીકરા! એક કામ કર. વાડીનો આથમણો ઓરડો તેં જોયો છે ને? તેના કબાટમાં સહુથી ઉપલા ખાનામાં ચાવીનો ઝૂડો પડ્યો છે. જા, એ લઈને મારતે રથે જા, અને મારા મહેલના ખજાનામાંથી પાંચ રત્નપેટીઓ લઈ આવ!” સાંબે તરત જ આજ્ઞા માથે ચડાવી. બળરામના મનમાં વિચાર ઝબકી ગયો. આ હું ક્યાં છું? શું કરું છું? સાંબને ક્યાં મોકલું છું? શા માટે? વીજળીના ચમકારાથી અંધારું વધુ ગાઢ બને એમ આ વિચાર ઝબૂક્યો કે વળી કાળી ઉદાસી માથે ચડી બેઠી. બળરામે વારુણીનો બીજો ઘટ ઉપાડ્યો. મોંએ માંડી ઘટાક ઘટાક પીવા લાગ્યા. યાદવો મોંમાં આંગળાં નાખી ગયા. આવો પીનારો તેમણે જોયો નહોતો, સહુ અઠંગ પીનારા હોવા છતાં. બળરામની લાલઘૂમ આંખોમાં છીપી ન છિપાય એવી પ્યાસ સળગતી હતી. સાંબ રત્નપેટીઓ લાવ્યો અને પો ફાટતાં સુધી ખાણીપીણી ને જુગાર રમવાનું ચાલું રહ્યું. બળરામ બધાં જ રત્નો હારી ગયા. પહેલાં તો એક એક રત્ન સામે સો, પાંચસો, હજાર સોનામહોરો મૂકતાં કૃતવર્મા, ચારુદેષ્ણ વગેરે અચકાતા હતા. પણ ચક્રદેવને જીતતો જોઈ તેઓ પણ છૂટથી ખેલવા લાગ્યા. બળરામની અણઆવડત અછતી ન રહી. યાદવનાયકોને બળરામે છૂટા પડતાં પૂછ્યું : “આવતી કાલે આવશો? કાલે આપણે હીરા, માણેક, મોતી, પોખરાજથી રમીશું.” પોતાનાં ખિસ્સાં સહેજે ભરાતાં જોઈ તેઓ બોલી ઊઠ્યા : “જરૂર, જરૂર, દેવ! આપની જેવી આજ્ઞા.” બળરામે સાંબને ખભે હાથ મૂકી કહ્યું : “ચાલ, દીકરા, મને વાડીએ મૂકી જા.” રસ્તામાં એ બોલતા ગયા : “તારો બાપ ને હું મૂરખના સરદાર છીએ. દુનિયાનો ઓધાર કરવા હાલી મળ્યા’તા. ઉલ્લુના પઠ્ઠા! નાનકો રાજદરબારોમાં સલવાઈ ગયો. હું ખેતરનો નિર્જીવ ચાડિયો બની ગયો. જહન્નમાં જાય આવી ભોઈની પટલાઈ. તું સમજી ગયો. તેં સાચો મારગ લીધો ગગા, શાબ્બાશ!” પછી પોતાને સૂઝેલી મજાક પર ખુશ થઈ બોલ્યા : “તને આવો રૂડો મારગ બતાવવામાં અમારોયે હિસ્સો છે હો! જેનો બાપ ખુવારીને ધંધે ચડે તે છોકરા ચેતી જાય છે કે આપણે આવા અવળચંડાને પગલે નથી ચાલવું. તનેય થઈ ગયું હશે કે તારા બાપ ને મોટા બાપુના જેવી ઘેલસફાઈ તો કોઈ કાળે ન કરવી. કેમ ખરું ને, બચ્ચા?” સાંબ પણ બળરામ સાથે હો-હો કરી હસી પડ્યો બોલ્યો : “મોટા બાપુ, લક્ષ્મણાનું મેં હરણ કર્યું અને કૌરવોએ મને પકડ્યો ત્યારે તમે મને હસ્તિનાપુર આવીને છોડાવ્યો હતો. યાદ છે ને? બાપુ, પછી તમે મને હળે જુતાડવા કેટલો પ્રયત્ન કર્યો હતો! છે ને યાદ બાપુ!” “પણ તું આબાદ છટકી ગયો, એમ ને? ત્યારે તને ફટકારવાનું મન થઈ ગયું હતું. આજે થાય છે કે ફૂલો વરસાવું! અમારાં આ હળ, મુશળ, રવાઈની તું તારા ભાઈબંધો સાથે મળી મશ્કરી કરતો તેની મને ખબર છે. પણ કાળ અમારી મશ્કરી કરે છે તે માલૂમ નહોતું. બધુંય ધૂળ, રાખ, પાપ, કુચ્ચા.” સાંબની રહીસહી ધાસ્તી પણ ઊડી ગઈ. તેણે પૂછ્યું : “દાદા, તમારા ખજાનામાં તો રત્નપેટીઓ કાંઈ ઝાઝી નથી રહી. કાલે કેટલી લાવું?” “અરે, દીકરા, એટલીયે રહી ગઈ તે નવાઈ. રેવતીએ ને મેં ગરીબગુરબાં, રોગીદોગી, ઉભડટીંબાની જમાત ઓછી ભેળી કરી’તી? એની પાછળ આવ્યું તે ખરચી નાખ્યું. મોજ તો ગઈ મસાણે. હવે તું તારાથી લેવાય એટલી લાવજે. નિકાલ કરી નાખીશું.” રેવતીની યાદ વાતચીતમાં ક્યાંય ન આવે તેની બળરામે તકેદારી રાખી હતી. પણ સાનભાન ખોઈને આટલું મોટું ચક્કર માર્યું છતાં અંતે જોયું તો હતા ત્યાંના ત્યાં. બળરામે વાડીમાં પગ મૂક્યો. ઘરની પરસાળમાં બળતા દીવાને અજવાળે પીપળો, કૂવો નજરે પડ્યો. અત્યાર સુધી હોઠ ભીડીને હડસેલી દીધેલી રેવતીની યાદ ચારે દિશામાંથી વરસી પડી. બળરામ ઘરના પગથિયા પાસે ફસડાઈ પડ્યા. સોમકે આવી બેઠા કર્યા. હાથ ઝાલી લથડિયાં ખાતા બળરામને પલંગ સુધી દોરી ગયો. બળરામે તેને કહ્યું : “સોમુ, તને એમ છે ને કે મેં દારૂ પીધો છે? ગભરાતો નહીં. પીધો છે. ચિંતા ન કરતો. પણ આની ક્યાંય ચોવટ કરવા બેઠો છો તો ચીરી નાખીશ. સમજ્યો? અને જો, મદ્યશાળા ખૂલે કે વારુણીના બેત્રણ ઘડા લાવી મૂકજે. પૈસા છે ને તારી પાસે? ન હોય તો મારું નામ લેજે. કોઈ ના નહીં પાડે. હવે જા!” સોમક જવા માંડ્યો એટલે એને પાછો બોલાવી બળરામે કોમળ અવાજે કહ્યું : “અને જો! રોતો નહીં. બિલકુલ રોતો નહીં. રોવું શું કામ, મૂરખ! જલસો કરવો. ખૂબ જલસો કરવો. મારી સામે જો. હું રડું છું કાંઈ?” સોમકનું હૈયું હાથ ન રહ્યું. એ બળરામના પગ પકડી રડી પડ્યો. આવા કાળઝાળ લાગતા દાદા, અંદરથી સાવ માખણના પિંડા જેવા છે એ તે જાણતો હતો. બળરામે તેને બેઠો કરી કહ્યું : “વારુણી લાવવાનું ન ભૂલતો. જા, ઊંઘી જા! હું મજામાં છું.” સૂરજ માથે ચડી ગયો હતો પણ વાડીમાં હજી શીતળ હવા લીલા મોલ સાથે સાતતાળી રમતી હતી. બળરામે આંખો ખોલી. કોણ જાણે ક્યાંથી રેવતીનો સ્વર કાને પડ્યો : “તમે કોશ ચાલુ રાખશો ને, રામ! તરસ્યા ક્યારાને મારા વતી પાણી પાશો ને?” બળરામ ચમકી ગયા. આ કોણ બોલ્યું? રેવતી જ હશે! હોઈ શકે? પોતે ક્યાંક મોટો અપરાધ કર્યો હોય એમ છાતીમાં બળવા માંડ્યું. ઊભા થયા. મનોમન કહ્યું : ચાલ, જોઈ આવું, ક્યારા પાણી વગરના તો નહીં રહ્યા હોય ને? હવેથી હું જ કોશ ચલાવું તો? પરસાળમાં આવ્યા. પીપળાનાં પાન પવનમાં થરથર કંપતાં હતાં. પીપળાના થડને અઢેલી કોઈ શ્વેત આકૃતિ ઊભી હોય એવો ભાસ થયો. આંખો ફાડી બળરામ જોઈ રહ્યા. ભણકાર ને આભાસ. તે ફરી ઘરમાં આવ્યા : કોઈ બોલતું તો નથી! ફરી બહાર ગયા : કોઈ દેખાય છે? ફરી ઘરમાં આવ્યા : ક્યાંક અવાજ, ક્યાંક આભાસ, પછી ઘેરી વળતી અફાટ શૂન્યતા. સોમકે રાખેલા મદ્યઘટ પર બળરામે મીટ માંડી. બંને હાથે ઉપાડી તે પીવા લાગ્યા. ત્યાં રેવતીનો સ્વર હવામાં તરતો તરતો કાન પાસે આવી કહી ગયો : “રામ! તરસ્યા ક્યારાને મારા વતી પાણી પાશો ને?” બળરામ પર વારુણી છવાઈ ગઈ. રેવતીની અદૃશ્ય હાજરીને વધુ સઘનપણે અનુભવવા તે ઝંખી રહ્યા. હવામાં હાથ લંબાવ્યો પણ કોઈ હાથ સામે ન આવ્યો. બળરામ અટ્ટહાસ્ય કરી ઊઠ્યા. બોલ્યા : “રેવતી, તારે આંખો હોય તો જોઈ લે. હું જ તરસે મરતો ક્યારો છું અને તેને ઘડા મોઢે લાલ લાલ લાલ મારા લોહીનું પાણી પાઉં છું.” એક ઊંડી પીડા તીક્ષ્ણ દાંત ભરાવીને કાળજું ખાવા લાગી. બળરામ કણસી ઊઠ્યા : “ઓ ભાઈ, હવે આવ ને!”