માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૧૪

From Ekatra Foundation
Revision as of 01:15, 28 April 2026 by Meghdhanu (talk | contribs) (=૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૪

“સોમુ, ઓ સોમુ! જરા ઊઠ, કામ છે.” સોમક પાછલી રાતની મીઠી નીંદરમાં પડ્યો હતો ત્યાં બળરામનો પહાડી ધોધ જેવો અવાજ સંભળાયો. સોમકે આંખો ચોળી. બળરામ તેના માથા પાસે ઊભા હતા. અવાજમાં છલકતો આનંદ હતો, ચહેરા પર ઉજાસ. કેટલા દિવસ પછી દાદાને આવા પ્રફુલ્લ જોયા! નહીં તો આ દિવસોમાં એક નિયમ જ થઈ પડ્યો હતો. મોડી રાતે દાદા લથડિયાં ખાતા આવે, હાથ પકડીને પલંગ પર સુવડાવી દેવા પડે. ક્યારે ઊઠે તે કહેવાય નહીં. ન નાહવાધોવાનું ભાન, ન ખાવાપીવાનું ઠેકાણું. રાત અને દિવસની ઘંટીનાં બે પડ વચ્ચે દાદા ભીંસાઈ મરતા હતા. તેમને કોણ બહાર કાઢી શકે? કૃષ્ણ હતા દૂર, રેવતીદેવીનાં તો હવે દર્શન ક્યાંથી? હજી મધરાતે દાદા આવ્યા ત્યારે ભાંગેલા કૂવાથંભ જેવા લાગતા હતા, અને અત્યારે? શાલવૃક્ષની જેમ ઊંચા ટટાર ઊભા હતા. પેલા બળૂકાને હેતાળ અવાજે બોલાવતા હતા, - સોમુ! સોમક ઝટપટ ઊઠીને બળરામને પગે લાગ્યો. બળરામે પૂછ્યું : “સોમુ, આપણે ત્યાં હવે માખણબાખણ ઊતરે છે કે નહીં?” “ઊતરે છે ને દાદા! દુઝણાં ચાલુ છે.” “અને તારી વહુને ઢેબરાં બનાવતાં હજી આવડે છે કે ભૂલી ગઈ? રેવતીએ શીખવ્યા’તાં એવાં.” “એમ કાંઈ ભૂલી જાય?” દાદાને મુખે રેવતીનું નામ સાંભળી સોમક રાજી થઈ ગયો. “તો એમ કર. આજે માખણ ઊતરે તે કટોરો ભરી લાવજે. તારી વહુને ઢેબરાં બનાવવાનું કહેજે અને જો, જરા વહેલું કરવું પડશે.” સોમક મોજમાં આવી બોલી ઊઠ્યો : “અરે, અબઘડી આવી જાય. એમાં શું?” દાદા આટલા પ્રસન્ન હોય તો પછી જોઈએ શું? મહેનત પણ મીઠી બની જાય. સોમકનો ઉત્સાહ જોઈ બળરામને હસવું આવી ગયું. કહ્યું : “એટલી બધી ઉતાવળ નથી, પણ સવારના નાસ્તા માટે તૈયારી રાખજે. અને બીજું–” સોમક કાન માંડી ઊભો રહ્યો. બળરામના અવાજમાં ભીનાશ આવી ગઈ : “સૂરજ ઊગે કે શ્યામ તુલસી પાસે જઈ મારા વતી કહેજે કે દાદાને થોડાં પાન જોઈએ છે, તો આપજો.” અહા, આ જ દાદા. આ જ અસલી દાદા. સોમકને પૂછવાનું મન થઈ ગયું કે આટલા દિવસ ક્યાં ખોવાઈ ગયા હતા? પણ બોલી ન શક્યો. પથારી સંકેલી કામે વળગ્યો. બળરામ એક આસન ખેંચી વરંડામાં બેઠા. વિચારવા લાગ્યા : ના, એ સ્વપ્ન નહોતું, તન્દ્રાનો આભાસ નહોતો, જાગ્રત અવસ્થાની ભ્રમણા નહોતી, એ એક નક્કર અનુભવ હતો. પણ આ વાસ્તવિક દુનિયાથી એટલો નિરાળો હતો કે તેને માનવા માટે મન તૈયાર નહોતું. અને છતાં મનને માન્યા વિના છૂટકો નહોતો. મનની સાંકડી અને સલામત દીવાલો તોડીને તોપના ગોળાની જેમ અનુભવ આવી પડ્યો હતો. મનની વાત તો બાજુએ રહી, આ અનુભવે શરીરના આધારને પણ માટીના પિંડાની જેમ અલગ કરી ફેંકી દીધો. જેને મળવાની કદી આશા નહોતી તેની સાથે મેળાપ કરાવ્યો. આ જગતનું બધું જ ડુબાડી ઘૂઘવતી સર્વનાશા નદી પર તેણે એક પછી એક ખૂલતા વિશ્વનો વિશાળ સેતુ બાંધી આપ્યો. બળરામ આ વિસ્તીર્ણ આનંદલોકને આંખમાં વિસ્મય આંજીને જોઈ રહ્યા. બળરામ એ અપૂર્વ ઘટનાના મણકા ફેરવવા માંડ્યા : સાંબ વાડી સુધી મૂકી ગયો. સોમકે તેમને ટેકો આપી પથારીમાં સુવડાવ્યા. થોડી વારે લાગ્યું કે ઓરડાનું વાતાવરણ વિદ્યુતમય થઈ ગયું છે. શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. નાભિમાં કોઈ તેજસ્વી ને ધારદાર ચક્ર ફરવા લાગ્યું. પીડા વધી. સોમકને સાદ પાડી બોલાવવાનું મન થયું પણ અવાજ જ ન નીકળ્યો. ઊભા થવા જતાં શરીર પર કાબૂ ન રહ્યો. પેલું તેજનું બનેલું ને તીવ્ર વેગે ફરતું ચક્ર નાભિને કેન્દ્રમાં રાખી વિસ્તરવા લાગ્યું. હૃદય સુધી પહોંચ્યું. જમણી બાજુએ કાંઈક ગ્રંથિ છેદાતી હોય એવો ચરેરાટ થયો. ચક્ર કંઠ સુધી પહોંચ્યું. બંને આંખો વચ્ચે ઝટકા મારતી તેની ધાર ફરવા લાગી, અને બળરામે વીજળીનો કડાકો થતો સાંભળ્યો. ધરતીકંપ થયો હોય એમ શરીરમાં ઊથલપાથલ મચી ગઈ. સાંધેસાંધો છિન્નભિન્ન થઈ ગયો. એક આભ ચીરી નાખતો ઝબકારો થયો ને જોયું તો તે એક જુદા જ પ્રકાશમાં, જુદા જ પરિમાણમાં આવી ગયા હતા. અહીં હજી પૃથ્વી હતી, પણ પૃથ્વીનો કોઈ નિયમ નહોતો રહ્યો. હવામાં તેજોમય સ્વરૂપે તરતા તરતા બળરામ પલંગમાં પડેલા પોતાના પાર્થિવ દેહને નિહાળી રહ્યા. મનુષ્ય માટે છેવટ સુધી જે રહસ્યનો પડદો રહે છે તેના ચીરેચીરા થઈ ગયા. શરીર નજર સામે જ નિશ્ચેષ્ટ પડ્યું હતું અને પોતે તો આ રહ્યા, સ્ફૂર્તિમય, વજનહીન, વેગવાન. બળરામે શરીરમાં રહીને કદી નહોતી અનુભવી એવી મુક્તિની લાગણી અનુભવી. બળરામની દૃષ્ટિ પોતાના પાર્થિવ શરીર પર ચોંટી રહી હતી ત્યાં અત્યંત નજીકથી અવાજ આવ્યો : “તમે તો એ ખોખામાંથી બહાર આવી ગયા. હવે એમાં શું જોવા જેવું રહ્યું છે?” બળરામે ડાબી બાજુ જોયું. રેવતી હસતી હતી. બળરામના હૃદયમાં આનંદની ભરતી ચડી : “અરે, તું? રેવતી!” પણ આ શબ્દો કહેવા ખાતર જ શબ્દો હતા. બંને વચ્ચે મનોવાર્તાલાપ ચાલવા માંડ્યો. ભાષાના માધ્યમ વિના મનના ભાવ સરળતાથી વહે ને કોઈ ઝીલી શકે એ નવો અનુભવ હતો. રેવતીનું શરીર દેવતેજથી ચમકતું હતું. તેણે વધુ નજીક સરી કહ્યું : “રામ, તમે આટલા અંધ, આટલા બધિર બની જશો તેની કલ્પના નહોતી. મેં કેટલી વાર તમારું ધ્યાન ખેંચ્યું, કેટલી વાર બોલાવ્યા! પણ પ્રત્યુત્તર જ કોણ વાળે? સારું થયું કે માધવે સહાય કરી અને તમને બહાર કાઢ્યા.” “માધવ! એ અહીં ક્યાંથી?” “આપણને એ વારંવાર ભુલાવામાં નાખી દે છે, એટલે આપણે તેને આપણા જેવા જ સમજી બેસીએ છીએ. ત્રણે લોકમાં એ ઘૂમી શકે છે ને પોતાના મહિમા પર વળી ઢાંકણ પાડી દે છે.” બળરામ હજી નવા વાતાવરણથી ટેવાયા નહોતા. રેવતીના માથા પર હાથ ફેરવી પૂછ્યું : “તારો ઘાવ મટી ગયો?” "એક સિવાય.” "એટલે?" “શરીરના ઘાવ તો શરીર સાથે ચાલ્યા જાય છે, પણ ચિત્તમાં જે ઘાવ પડ્યા હોય છે ને, રામ, તે મટતા નથી. એક જ ઘાવ પીડતો હતો - તમારી અવદશાનો.” આ મુક્ત આનંદમય લોકમાં પણ વ્યથાની વાદળી ફરકી ગઈ, પણ બીજી જ પળે એને વિખેરી નાખી રેવતી બોલી : “પણ એક વિશ્વાસ મારામાં બળ પ્રેરતો રહ્યો છે. ગમે તેટલો અંધકાર ઢળે, દિશાઓ ન સૂઝે પણ તમારી પાંખો ઝાઝી વાર ઢીલી નહીં પડે. તમારી અંદર જે ગરુડ રહ્યો છે તે આકાશ ભેદીને પણ અમૃતકુંભ લાવ્યા વિના નહીં રહે. માધવે મને કહેલું, ચિંતા ન કરો, અંધકારની ચાદર જેટલી તાણીને ઓઢવા જાય છે ને મોટા ભાઈ, તેમ એ ચિરાતી જાય છે, અને થોડા સમયમાં જ પડદા ચીરતી એ ધન્ય પળને તમે નજરે નિહાળશો.” “હા, રેવતી! બહુ ધૂળ ચડી ગઈ. કાળી રાત પડી ગઈ. ધર્મરાજને જેણે ભરી સભામાં ફિટકાર્યા હતા તેણે પોતાના અંતગૃહમાં નહોતું જોયું. તેં આવીને ધૂળ ઝાપટી નાખી, દીવો કર્યો.” બળરામનું મુખ પોતાની બંને હથેળીમાં લઈ રેવતી બોલી ઊઠી : “હવે એ દીવો નહીં બુઝાય ને, રામ?” “નહીં બુઝાય.” બળરામનો હાથ પકડી રેવતી ઊંચે ચડવા લાગી. કશું જ આવરણ આડે ન હોય એમ બંને છતમાંથી બહાર નીકળી ગયાં. આ જ્યોતિર્મય, તરલ, વાયવીય દેહનો આકાર માનવીય હોવા છતાં તેમાં અમાનવીય તત્ત્વ ઘણું હતું. અંધકારથી ઘેરાયેલા આકાશમાં એ દેહ જ જ્યોતિશિખા બની તરતો હતો. એની ગતિ વિદ્યુતવેગી હતી, અને ગતિનો આનંદ નક્ષત્રોની સીમાને પાર કરવા થનગનતો હતો. રેવતીએ કહ્યું : “ચાલો, દ્વારિકાને પ્રદક્ષિણા કરીશું?” એક પલકારામાં બંને રેવતીના પ્રાસાદ પાસે આવી પહોંચ્યાં. બળરામને થયું : રેવતી એક ચોક્કસ હેતુપૂર્વક તેમને દોરી જાય છે - આગળ ને વધુ આગળ, ઊંચે ને વધુ ઊંચે. જે વ્યક્તિના મૃત્યુને લીધે અહીં રોકકળ મચી ગઈ હતી એ તો અહીં આનંદે વિહરતી હતી, અને રોનારાઓ ગાઢ નિદ્રામાં પડ્યાં હતાં. એ લોકો સવારે જાગશે ત્યારે પણ શું તેમની નિદ્રા તૂટી હશે? બળરામ એકાએક બોલી ઊઠ્યા : “અંધારું તો ક્યાંય નથી, રેવતી!” “હા, રામ. અંધારું ક્યાંય નથી. પણ પ્રકાશને ઝીલવાની મર્યાદા છે, અને તે અંધારું બની જાય છે.” “પ્રકાશ ઝીલવાની શક્તિ કોણ આપે?” "પ્રેમ." બળરામે શરીરથી, મનથી કોઈ વાર નહોતી અનુભવી એવી સંતર્પક લાગણી અનુભવી. રેવતી પ્રત્યેના પ્રગાઢ સ્નેહની આડે આવતાં આવરણો અનાયાસ ખરી પડ્યાં હતાં. અને આ સ્નેહની ખૂબી એ હતી કે તે એક વ્યક્તિમાં જેમ વધુ કેન્દ્રિત થતો હતો તેમ વધુ વિસ્તાર પામતો હતો. એ કેન્દ્રમાંથી તેજના અનેક તંતુ લંબાતા હતા અને નજરે ચડે તેને પ્રેમથી રસી દેતા હતા. એકતામાં પરોવી દેતા હતા. બળરામને થયું : સર્વરૂપની પાછળ રમતા અરૂપનો ક્યાંક સ્પર્શ થઈ ગયો છે. લિપ્ત અને છતાં અલિપ્તની અકળ લીલા તેમણે સ્પષ્ટપણે પોતાના અને રેવતીના સંબંધમાં અનુભવી. પૃથ્વીની પાષાણરેખાઓ અહીંથી કેટલી દૂર હતી! કેટલા વેગથી, કેટલે દૂર બંને આવી ચડ્યાં તેનો ખ્યાલ ન રહ્યો. નીચે સમુદ્રનાં નીલ ઘન વારિ પર દેવવિમાન ઊતર્યું હોય એવું મંદિર દેખાયું. બળરામે પારખી લીધું : એ જ તો સોમનાથનું મંદિર. લાકડાની અદ્ભુત કોતરણીવાળું બાર માળનું એ મંદિર કૃષ્ણે બંધાવ્યું હતું. અહીં આવ્યા પછી એનાં દર્શન કર્યા વિના રહેવાય? રેવતીના હૃદયમાં પણ એ જ ભાવ જાગ્યો હશે. કદાચ આ સ્થૂળ મંદિરની રચના દ્વારા જે સૂક્ષ્મ સોમચક્ર અભિપ્રેત છે, એમાં જ રેવતી બળરામને લઈ જતી હતી. આ સોમચક્રની મધ્યમાં સ્થિત છે જ્યોતિર્લિંગરૂપી સોમબિંદુ. તેનો સાક્ષાત્કાર કર્યા વિના માનવીને અક્ષય આનંદની પ્રાપ્તિ થતી નથી. સોમનાથનાં આ નિગૂઢ દર્શનથી રેવતી અને બળરામને જે આનંદ થયો તે શબ્દોમાં પ્રગટ કેમ થઈ શકે? ચંદ્રનાં કિરણો સમુદ્રમાં જે ભરતીઉછાળ લાવે છે એવું જ કોઈ ઊર્ધ્વાકર્ષણ બંનેનાં હૃદયને એકીસાથે ઉછાળી રહ્યું. આ ઊર્ધ્વાકર્ષણ એટલું તો તીવ્ર બની ગયું કે પૃથ્વીના વાતાવરણને ભેદી બંને બહાર નીકળવા લાગ્યાં. એક ઠેક સાથે કુશળ નર્તકો તાલબદ્ધ ગતિમાં ઊંચે ચડે તેમ એ સોમનાથનો ઘુમ્મટ ભેદી ઊંચે ચડ્યાં. પણ આ શું? એક અપરિહાર્ય શક્તિ તેમને ગિરિનગર ભણી ખેંચવા લાગી. બળરામ અને રેવતીએ પોતાની ઊર્ધ્વગતિને ચાલુ રાખવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ. રૈવતગિરિની ટૂંકો દેખાઈ. બળરામ-રેવતીને જૂના દિવસો યાદ આવી ગયા. પણ અત્યારે તો જે શક્તિ અદમ્ય આકર્ષણથી તેમને ખેંચી જતી હતી એ જ તેમનાં ચિત્તનો કબજો લઈ બેઠી હતી. મહાઆનંદનો પૂર્ણાભિષેક થતો હતો એને કોઈએ વચ્ચેથી અટકાવી દીધો હતો. આવા સ્વાધીન જગતમાં પણ પ્રાણને આટલા પરવશ કોણ કરી મૂકતું હશે? બળરામ અને રેવતી દત્તશિખર પર ઊતર્યાં. ગુરુદત્ત ઊંચા બાહુ કરી તેમનું અભિવાદન કરતા ઊભા હતા. સિદ્ધ ગુરુએ કૃત્રિમ રોષ કરી કહ્યું : “તમે બંને અપરાધી છો. તમારા બંનેનો કઠોર દંડ કરવો જોઈએ.” “શા માટે, મહાગુરુ?” બળરામે પૂછ્યું. “બળભદ્ર, તમે પૃથ્વીના કાદવમાં એટલા ડૂબી ગયા કે ઊંચે જોવાનું જ ભૂલી ગયા, અને રેવતી તમને એટલે ઊંચે લઈ જવા લાગી કે પૃથ્વીનું ઋણ જ ભૂલી ગઈ. આવું કેમ ચલાવી લેવાય? તમે જ યુગ્મ-આત્માનો ધર્મ ભૂલી જશો તો પછી કોણ તે પાળશે?” રેવતી દત્તાત્રેયનાં વચનોમાં રહેલી અપાર કરુણા પામી ગઈ, પણ બળરામને થયું કે અમૃતનું પાત્ર હોઠે આવ્યું હતું ત્યાં જ દત્તાત્રેયે ખૂંચવી લીધું. જરા રુક્ષ સ્વરે કહ્યું : “એટલે જ અમને આ ટેકરીઓ પર લઈ આવ્યા, મહાગુરુ? ઊડતાંને નીચે પાડવા માટે શું સિદ્ધિનો ઉપયોગ કરો છો?” “ના, બળભદ્ર, જ્યાં કશું જ નીચું નથી એ ભૂમિ પર લાવવા માટે.” રેવતીએ ગદ્ગદ કંઠે કહ્યું : “તમારી એ પરમ કૃપા છે, મહાગુરુ, એક દિવ્ય પ્રકાશ પણ અમને અંધ બનાવી શકે એની મને પ્રતીતિ થઈ ગઈ. ક્ષમા કરો, યોગીશ્વર!” “તમને સોમચક્રમાં પ્રવેશ કરતાં મેં જોયાં અને થયું કે હવે સોમબિંદુમાં તમે લય પામી જશો. હવે તમારે માટે પાછું ફરવું અશક્ય. એટલે જ તમને અહીં બળપૂર્વક ખેંચી લીધાં.” બળરામ અને રેવતીનાં નયનોમાં હજુ સોમરસનું ઘેન હતું. આ ઘેન ઉતારી નાનકડી વાડીની યાત્રા તાજી કરતાં દત્તાત્રેયે કહ્યું : “પેલી વાડીમાં જે ધર્મસાધનને પડતું મૂકી તમે ઊડી નીકળ્યાં તેનો ઉપયોગ પૂરો થઈ ગયો? અહીંની માટીમાંથી ઊઠતા સાદને જવાબ આપી દીધો તમે? પૃથ્વીની વારુણી મનુષ્યને ધૂળમાં આળોટતો કરી મૂકે છે પણ દેવોની આ અમર વારુણી તો તેને આનંદમાં ફંગોળી દે છે. પછી તેનો પત્તો લાગતો નથી. તમારું જીવન આવી વરાળ બની જવા માટે નથી.” બળરામ અને રેવતીએ માથું નમાવ્યું. દત્તાત્રેયે બંનેના શિર પર સ્પર્શ કરી કહ્યું : “યુગ્મ-આત્મા, ભૂમિના રસમાં ડૂબી ન મરો, સોમના રસમાં ઊછળી ન પડો. પણ બંનેના સ્વામી બની સમરસનું પાન કરો!” પછી પૃથ્વીની ધૂળમાં ખેલતાં પણ આકાશની નીલિમાને પોતાના અંગેઅંગેમાં ઝળકાવતા કૃષ્ણને યાદ કરી કહ્યું : “ઋષિમંડળી સાથે હું પણ મધુસૂદનનું વિષ્ટિકાર્ય જોવા ગયો હતો. હસ્તિનાપુરની રાજસભામાં એક તરફ પાર્થિવ દેહ ધારીને બેઠેલો ઘોર અંધકાર જોયો અને બીજી તરફ પૃથ્વીના રજકણને સૂર્ય બનાવી રમતો પરમ પ્રકાશ જોયો. આવું અપૂર્વ દર્શન ક્યારે આંખે ચડે? પૃથ્વીવાસીઓ કહે છે કે મધુસૂદન સદંતર નિષ્ફળ ગયા. અમે જોયું કે નિષ્ફળતા તો તેમને માટે લીલું નાળિયેર હતી. તેમાંથી આનંદજળનું પાન કરી તેમણે કાચલી ત્યાં જ ફગાવી દીધી. આજે સૂર્યોદય થતાં તો એ દ્વારિકા આવી પહોંચશે. તમારે હવે વિહરવું હોય ત્યાં વિહરો.” દત્તાત્રેય મંદ મંદ હસતા હતા. તેમના સ્મિતનો મર્મ પકડી રેવતીએ કહ્યું : “મહાગુરુ, ગોપાલ આવીને પહેલાં એમનો ભાગ માગશે. તે આપ્યા વિના અમે ક્યાં જવાનાં?” પછી બળરામને પૂછ્યું : “ગોપાલ આવીને શું માગશે તે ખબર છે ને રામ?” “ઢેબરાં, તાજું માખણ, તુલસીનો ઉકાળો, બીજું શું?” બળરામે કહ્યું. દૂરનાં ખેતરો પર દૃષ્ટિ ઠેરવી ઉમેર્યું : “વૈકુંઠમાં એને આવું કાંઈ મળતું નહીં હોય, એટલે જ વારંવાર અહીં આવતો હશે ને નાનકો!” ગિરનારી ટૂંકો મુક્ત હાસ્યના પડછંદા પાડી રહી. બળરામ અને રેવતીએ દત્તાત્રેયને નમન કરી વિદાય લીધી. બળરામે ક્યારે સ્થૂળ શરીરમાં પ્રવેશ કર્યો તેની ખબર પણ ન પડી. આંખો ચોળી જોયું તો નહોતી રેવતી, નહોતી અલૌકિક સૃષ્ટિ. પરસાળમાં પડ્યો પડ્યો સોમક કાંઈક ઊંઘમાં બબડતો હતો. બળરામે એને જગાડ્યો, સૂચનાઓ આપી, સાબદો કર્યો. —અને કૃષ્ણની રાહ જોતા બેઠા.