નારીસંપદાઃ વિવેચન/ધીરુબહેન પટેલની નવલકથામાં ભાષાકર્મ
૪૮
પિંકી યજ્ઞેશ પંડ્યા
"બા તો કહે કે ભણવાનું છોડી દે તો છોડી દઈશ? ડોક્ટર નથી થવું? અમેરિકા નથી જવું? બૈરાઓનું કહ્યું કરવા માંડીશ તો ત્રણ ટકાનો થઈ જઈશ - કંઈ અક્કલ છે કે નહીં? ચાલ, ઊઠ! ને થઈ જા હોસ્ટેલ ભેગો." ‘પણ બા-’ "વારુ, તો બાને વળગી રહે. કાલથી ફી કે ચોપડા કે કપડાં કે એકે વાતના ખરચ માટે મારી પાસે આવતો નહીં. સમજ્યો ? તને બા જ ભણાવશે - બા જ અમેરિકા મોકલશે. બાની પાસે પટારા ભર્યા છે - જજે બા પાસે - નાલાયક!" ( ‘કાદંબરીની મા’ પૃ. 54) આ એક સંવાદ વાંચતા જ બોલનાર પાત્રના વ્યક્તિત્વના કેટકેટલા અંશ ભાવકના ચિત્તમાં સ્થાપિત થઈ જાય છે! – સ્ત્રીઓ માટે તિરસ્કાર, બા – માતા માટે અવહેલના, પૈસાનો – પોતાના વર્ચસ્વનો અહમ્, તુમાખી... ! એક પાત્રના વ્યક્તિત્વને એક સંવાદમાં આલેખી શકનાર ધીરુબહેન પટેલે અનેક સાહિત્યસ્વરૂપો ખેડ્યાં છે. તેમનાં બાળકાવ્યો અને બાળનાટકોની ભાષા અલગ છે, તો રેડિયોનાટક અને ભવાઈનું ભાષાસ્વરૂપ અલગ છે. લઘુનવલ સંદર્ભે તો કહેવાય છે કે તેનું તો મુખ્ય પ્રયોજન જ અસાધારણ કે વિલક્ષણ પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિની પ્રતિક્રિયાઓનું આલેખન કરી તેના મનોગતનું મર્મદર્શન કરાવવાનું હોય છે. તેથી તેની ભાષા પણ પાત્રના મનોભાવોને ઉપસાવી શકે તેવી હોવી જોઈએ, પરિસ્થિતિની વિલક્ષણતા ખોલી આપનારી હોવી જોઈએ. ‘રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત’ (આગન્તુક) - કૃતિનું શીર્ષક વાંચીને કૃતિમાં પ્રવેશતાં પહેલાં જ આ નોંધ નજરે ચડે અને ‘આગન્તુક’ની વિલક્ષણતાની એક ઝાંખી મળી જાય. ખંડની મહેફિલ માટે પક્ષી આગન્તુક છે, તો આ કૃતિનું મુખ્ય પાત્ર પણ કોઈક મહેફિલ માટે આગન્તુક-માત્ર હશે. અન્ય એક લઘુનવલ ‘કાદંબરીની મા’નો આરંભ જોઈએ તો – માત્ર પ્રથમ વાક્ય જોઈએ તો - ‘શેતરંજના ખેલાડીની જેમ બન્ને એકબીજીને નજરથી માપતી હતી...’ પહેલા જ વાક્યમાં – કોઈ ખેલ ખેલાઈ રહ્યો છે, બે સ્ત્રીઓ સામસામે છે... જેવી પામી શકાતી વિગતોથી ભાવક કૃતિમાં પ્રવેશવા પ્રેરાય છે. તેમની લઘુનવલનાં શીર્ષકો જ તેમની ભાષાસૂઝનો પરિચય કરાવી દે છે. ‘વાંસનો અંકુર’ એ અન્ય અંકુર કરતાં અલગ રીતે ફૂટે છે. ભેજભર્યા વાતાવરણમાં બીજ દબાયેલું રહે પછી કેટલાક સમયે તેનો અંકુર ફૂટે છે. અન્ય બીજના અંકુર પ્રમાણમાં ઓછા સમયમાં ફૂટે છે અને ધીમે ધીમે વિકસે છે. જ્યારે વાંસનો અંકુર ફૂટતા ઘણો લાંબો સમય લાગે છે. તેનું મૂળ માટીમાં લાંબા સમય સુધી દબાયેલું રહે છે, કહો કે, ગૂંગળાતું રહે છે. પણ જ્યારે તેનો અંકુર ફૂટે છે ત્યારે એમ કહેવાય છે કે જમીન ફાડીને સીધો સોટા જેવો, બહાર આવે છે. તેમણે લઘુનવલના આરંભ પહેલાં નોંધ લખી છે કે ‘વાંસવનની ધારે એકાએક / રાતની રાતમાં ઉગેલો વાંસ! / લીલોછમ, સીધો / ધરતી વીંધીને આવેલો / આભ વીંધવા નીકળેલો / વાંસ !’ લઘુનવલના મુખ્ય પાત્ર કેશવ સાથે આ સંદર્ભ પૂરેપૂરો જળવાય છે. નાનાની સાહ્યબીમાં ઉછરતા કેશવને પિતાની ગરીબીનો, નાનાનો પૈસો ન લેવાના સ્વાભિમાનનો અણસાર આવે છે અને પિતા માટે કાંઈ ન કરી શકવાની ગૂંગળામણ એનો ભરડો લે છે. અને જમીન ફાડીને વાંસનો અંકુર બહાર આવે તેમ કેશવ નાનાની વૈભવી દુનિયા ત્યજીને બહારની દુનિયામાં પ્રવેશે છે – પોતાના પરિવારની જવાબદારી સમજવાની પરિપક્વતા સાથે. ‘કાદંબરીની મા’નું શીર્ષક દેખીતી રીતે ‘માતૃત્વ’નું ગાન કરનાર કૃતિ લાગે. પરંતુ પ્રથમ પ્રકરણને અંતે ખ્યાલ આવે છે કે અહીં બે માની વાત છે. એક તનની મા અને બીજી મનની મા. કૃતિમાં તનની મા અરુણા – અન્ના તેને સામાજિક ખ્યાલોને આધારે વિવિધ પાઠ શીખવે છે. તે માને છે કે પતિ ગમે તેવો હોય પણ તેની સામે નહીં થવાનું, તેની બધી વાતો સ્વીકારવાની ‘...ને ધણીને રાજી રાખવાનો...’. જ્યારે બીજી – સાસુ, તેને તેના પોતાના વ્યક્તિત્વનો, ગમા -અણગમાનો આદર કરતાં શીખવે છે, પરિણામે તેના મનની મા બની રહે છે. ‘આંધળી ગલી’ શીર્ષક વાંચતા કોઈ અટવાઈ શકે કે વ્યક્તિ, પ્રાણી અંધ હોઈ શકે, પણ ગલી? પરંતુ, ‘આંધળું’નો એક અર્થ છે, જેમાંથી સોંસરવું દેખાય નહિ તેવું, અપારદર્શક અર્થાત્, એવી ગલી જેમાંથી હવે પસાર થવાય એવો કોઈ માર્ગ નથી દેખાતો, નથી નીકળતો. – Dead End. સ્વેચ્છાએ એકાકી જીવન જીવતી નાયિકા કુન્દન તેના ભાડૂઆત પરેશ-શુભાંગીના મધુર સાહચર્યભર્યા જીવનના સૌંદર્યને જૂએ છે, ત્યારે તે પણ એવા જીવન માટે પ્રેરાય છે. પરંતુ, પિતાના લગ્નેતર સંબંધ વિશે જાણતાં જ વળી પાછી તે પોતાની આંધળી ગલીમાં પુરાઈ જાય છે. પિતાને નથી ઓળખી શકી તો અન્યને કેવી રીતે ઓળખી શકશે... આ બાબત તેને વિચારશૂન્ય બનાવે છે. તેમની અન્ય લઘુનવલ ‘આગન્તુક’નું શીર્ષક પણ એટલું જ સચોટ છે. સામાન્ય રીતે ‘આગન્તુક’ એટલે ‘અતિથિ, મહેમાન’ એવો પર્યાય યોજી શકાય. પરંતુ કોશમાં જોઈએ તો ‘પોતાની મેળે આવેલું. (૨) અચાનક આવેલું. (૩) નવું આવેલું ’ કે ‘2 [सं.] વિ○ આવી ચડેલું; હમેશનું નહિ એવું (૨) વગર નોતરે આવેલું (૩) પું○ અતિથિ (૪) મુસાફર’ – અર્થ મળે છે. લઘુનવલનો નાયક ઈશાન અચાનક, પોતાની મેળે, ભાઈઓના નોતરા વગર આવી પહોંચ્યો છે. અને એ હંમેશને માટે આવ્યો છે, તેવું પણ નથી. પણ બસ, આમંત્રણ વગર આવી પહોંચેલા નાના ભાઈને મોટા ભાઈઓ કેવો ‘આગન્તુક’ જ બનાવીને રાખે છે – તે, કહેવાતી વ્યવહારુ દુનિયાની કથા છે. શીર્ષકમાં જ કથાના મર્મને સચોટ રીતે વણી લેનાર ધીરુબહેન પાત્રોને, તેમની માનસિકતાને પણ બાખૂબી ઉપસાવી આપે છે. અને તેનું સચોટ સાધન છે – તેમની ભાષા. જેમ ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘સરસ્વતીચંદ્ર’માં પાત્રના ગુણલક્ષણ અનુસાર પાત્રનું નામકરણ કર્યું છે, તેમ ધીરુબહેનની ‘આગન્તુક’માં કેટલાંક પાત્રોના નામમાં અનુભવાય છે. ‘ઈશાન’ – મહાદેવનું એક નામ છે તો એક ખૂણાનું પણ નામ છે. ઈશાન ખૂણો આધ્યાત્મિકતાનો ગણાય છે. વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ઈશાન ખૂણામાં વાસ્તુપુરુષનું મસ્તક આવે છે, જ્યાંથી બ્રહ્માંડના સકારાત્મક કિરણોનો પ્રવેશ થાય છે. ‘આગન્તુક’ લઘુનવલનું મુખ્ય પાત્ર ઈશાન આધ્યાત્મિકતા તરફ વળેલો છે. કોઈ પણ પરિસ્થિતિમાં તે સકારાત્મક વલણ દાખવતો દેખાય છે. ઈશાનનો બીજો ભાઈ ‘અર્ણવ’ – મહાસાગર. પાણીથી છલકાય પરંતુ તરસ ન છીપાવી શકે. તે જ રીતે તે ઈશાનનો ભાઈ ખરો. પણ ભાઈ તરીકેના સ્નેહ, હૂંફ ક્યાંય વર્તાતા નથી. નરાતાળ કૃત્રિમ વ્યવહાર. આ ઉપરાંત, શાલ્મલિ – અત્યંત કાંટા ધરાવતું શીમળાનું વૃક્ષ કે મિહિકા – ઝાકળ કે ધુમ્મસ – વગેરે પાત્રોના નામ જાણે લઘુનવલમાં તેમની ભૂમિકા દર્શાવે છે. સર્જક પાત્રને સીધું વર્ણવી દે તેને બદલે અન્ય કોઈ રીતે ઉપસાવે, તો એ વધુ આસ્વાદ્ય બને છે. ધીરુબહેન પાત્રને વર્ણવે છે, પરંતુ માત્ર લેખકની કલમે નહીં, અન્ય પાત્રના મનોભાવ રૂપે પણ. જેમકે, ‘કાદંબરીની મા’માં કાદંબરીના વિચારો રૂપે અનિલના સ્વભાવને પરોક્ષરૂપે વર્ણવે છેઃ ‘બીજું કરવાનુંયે શું હતું ત્યાં – રતનમેનોરમાં? એ શરીરનો માલિક ક્યારેક એ બધી સજાવટને વશ થતો, ક્યારેક સામુંયે ન જોતો...’ તો અભેચંદ જ્યારે પતિ-પત્નીના ઝગડાને સામાન્ય ગણાવી પોતાની પત્ની પણ ઘર છોડીને ચાલી ગઈ હતી, એમ જણાવે છે ત્યારે ધીરુબહેન વિજયા દ્વારા પરોક્ષ રીતે અનિલના દુર્વ્યવહારનું આ રીતે વર્ણન કરે છેઃ ‘ભાઈના ઘરમાં બહારથી આવેલી સ્ત્રીઓએ વાસ નહોતો કર્યો. ભાઈ રાતે બબ્બે - ત્રણ ત્રણ વાગ્યે છાકટો થઈને ઘરમાં નહતો આવ્યો. ભાઈએ લાકડીથી ને જોડાથી ને જે હાથમાં આવ્યું તેનાથી ભાભી પર પ્રહાર નહોતો કર્યો. ભાઈએ નોટોના થોકડાથી ભાભીને ગૂંગળાવી નહોતી રાખી.’ (પૃ.30, ‘કાદંબરીની મા)’ તો આ વર્ણન જુઓઃ ‘- અન્નાની આંખો ઘર સામે ઊભી રહેલી મોટરના ચકચકાટ રંગ પર ચોંટેલી હોય છે. પોતાની દરેક વાતને અંતે અન્ના એની એ જ સલાહ આપે છે - હોય એ તો! પૈસાદાર માણસ છે, 2- 4 લક્ષણ હોય પણ ખરાં! નભાવી લેવાનું - અને પછી એ ઉત્સાહપૂર્વક પૂછે છે, "કદંબ! આ નવી બંગડીઓ ક્યારે કરાવી? કેટલા તોલાની થઈ?" –’ વર્ણન – સંવાદ (!) દ્વારા અન્ના – અરુણાના પાત્રની ભૌતિકવાદી માનસિકતા ખોલી આપી છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે અહીં સંવાદમાં માત્ર અરુણા જ બોલે છે. આ ‘સંવાદ’માં કાદંબરીનો ક્યાંય કોઈ પ્રત્યુત્તર નથી. અરુણાનો દીકરી સાથે કેવો સંબંધ છે, તેનો પણ અહીં જાણે-અજાણે નિર્દેશ થઈ જાય છે. ‘બે બૈરાં અને એક પક્ષાઘાતથી અપંગ વ્યક્તિવાળા આ ઓરડામાં એનો શ્વાસ ગૂંગળાતો હતો.’ (પૃ. 51, ‘કાદંબરીની મા’) – મા અને ભાભી -નો ઉલ્લેખ ‘બે બૈરાં’ અને અપાહિજ પિતા માટે ‘અપંગ વ્યક્તિ’ તરીકેનો – તદ્દન ત્રાહિત તરીકેનો ઉલ્લેખ કરીને સુનીલ માનસિક રીતે પરિવારથી કેટલો દૂર ચાલ્યો ગયો છે, પરિવાર તરફની લાગણીથી પર થઈ ચૂક્યો છે, તેનો નિર્દેશ -એક જ વાક્ય દ્વારા- કેટલો સચોટ રીતે થયો છે ! ક્યાંક એકાદ વાક્યમાં જ સંબંધને ઉપસાવી આપ્યો છેઃ ‘વિજુ તું - તમે અહીં?’ (પૃ. 35, ‘કાદંબરીની મા’) ‘વિજુ’ સંબોધનમાં આત્મીયતા દેખાય છે, એ ઉમળકાનું જ પ્રતિબિંબ તુંકારામાં દેખાય છે. પરંતુ હવે એ જૂનો સંબંધ - અનૌપચારિક સંબંધ પણ હવે સમય વીતતાં ઔપચારિકતામાં પરિણમ્યો છે, તેનો નિર્દેશ બદલાયેલા સર્વનામ ‘તું - તમે’ દ્વારા થયો છે. ‘કાદંબરીની મા’માં કાદંબરીના વિકાસને આવા જ વર્ણન – સંવાદ દ્વારા જોઈ શકાય છે. તેનાં કેટલાંક ઉદાહરણ જોઈએ તો- ➢ મેક-અપ વિનાનો ચહેરો લઈને આર-ઈસ્ત્રી વગરનાં કપડાં સાથે આમ કોઈને ત્યાં જવું, આટઆટલી આંખો સામે આમ ઊભા રહેવું કાદંબરીને જરાય ઠીક ન લાગ્યું. હાથ પકડીને અહીં લઈ આવનાર સાસુ સામે જરાક અણગમો જાગ્યો. (નાદાનિયત) ➢ એકદમ આ ગાંઠિયા ... છેક જ દેશી, વરસોના વરસોથી ભૂલાઈ ગયેલા ગાંઠિયા સામે આવતાં તેના મનને બહુ હળવાશ લાગી. (મૂળ કાદંબરી) ➢ એની પ્રગાઢ વેદના નિરંતર ફેલાતાં રહેતાં મોજાંની જેમ આવીને પોતાની ચેતનાના કિનારા સાથે અફળાઈ ત્યારે એ હાંફળી ફાંફળી બોલી ઊઠી, ‘બા!’ (પૃ. 17) (કાદંબરીની મૂઢતા. - ડરનું માર્યું, અવહેલના અને ઉપેક્ષાનું માર્યું બહેરું બની રહેલું સંવેદનતંત્ર) ➢ અફાટ સાગરમાં તરીનેયે શો ફાયદો? એના કરતાં વહ્યે જવું. મોજાં ક્યારેક ક્યાંક તો પહોંચાડશે ! બીજે કશે નહીં તો છેવટે તળિયે. (પૃ.80) (અન્ના એને પરાણે અનિલ સાથે મોકલી રહી છે ત્યારની અસહાયતા) ➢ જેની વાત થતી હતી એ મજામાં નહોતી. ઘેનમાં હતી - માના શબ્દોના ઘેનમાં, પતિની સમૃદ્ધિના ઘેનમાં, પોતાની નિષ્ક્રિયતાના ઘેનમાં. (પૃ. 83) (કાદંબરી...વ્યક્તિત્વને અસર કરનારી ત્રણ બાબત) ➢ ના અન્ના! એમ તો નહીં અવાય. (પૃ.111) (આંતરિક પરિવર્તનની પહેલી ઝલક) ‘આગન્તુક’ લઘુનવલના નાયક ઈશાનના વ્યક્તિત્વમાં રહેલા સાધુત્વને લેખિકાએ સહજ વર્તનમાં જ આલેખ્યું છેઃ ➢ ઈશાન આશ્ચર્યથી મનની આ બધી ચેષ્ટા નીરખ્યા કરતો હતો. (પૃ. 3) (પોતે અને મન જુદાં છે.) ➢ આવી જ કોઈક બખોલમાં જઈને સંતાવું પડશે. શું થશે ઈશાનનું? (પૃ. 5) (જાણે ત્રાહિતની વાત!) ➢ ‘મિહિકા કેમ વહાલી લાગી? નેન્સી પ્રત્યે કેમ અણગમો આવ્યો? ગુરુ ! ગુરુ ! હજી તમે કાચા છો.’ (પૃ. 41) (સતત અંતઃનિરીક્ષણ) ➢ હવે એ સાધુ નહોતો. હવે એ કશું જ નહોતો... હળવુંફૂલ, હવામાં તરતું એક પીછું! કે એક સૂકું પાન... ! જે ગમે ત્યાં ઊડી શકે, ગમે ત્યાં જઈને બેસી શકે! (પ. 64) (વ્યક્તિત્વની હળવાશ, અહમ્ – સ્વઓળખથી પર) જોનાર પાત્રને કેવી રીતે જૂએ છે, તે દૃષ્ટિએ પણ પાત્ર વર્ણવાયું છે. જેમકે, ‘આંધળી ગલી’માં પરેશ જ્યારે પહેલી વાર કુંદનને મળે છે ત્યારે - ‘તીણું, મોટું આગળ ધસી આવતું નાક, શંકાશીલ નજર અને ભાવહીન ચહેરો ગમે તેને અસ્વસ્થ કરી મૂકે.’ ( પૃ. 7, ‘આંધળી ગલી’) તો શુભાંગીને જ્યારે કુંદન માટે લગાવ જન્મ્યો છે ત્યારે ‘...એટલું જ લાંબું પણ આગળ તરી આવતું ઘાટીલું નાક, ઘડીએ ઘડીએ જાગી ઊઠતી મોટી, નિસ્તેજ પીળી આંખો’ (પૃ. 65, ‘આંધળી ગલી’) ધીરુબહેનની કલમને પાત્ર વર્ણવાય તે કરતાં સંવાદ દ્વારા ઉપસાવવાનું વધુ અનુકૂળ આવે છે. જેમકે, ‘કાદંબરીની મા’ લઘુનવલનું એક અત્યંત ગૌણ પાત્ર – માણેક મામી – અભેચંદનાં પત્ની. આ પરિવાર લઘુનવલમાં એક પ્રકરણ પૂરતો જ પ્રવેશ્યો છે. પણ એના દ્વારા ધીરુબહેને ‘રતનમેનોર’ કરતાં સામા છેડે જીવતા ‘કુટુંબ’ની વાત કરી છે. પોતાની મરજી વિરુદ્ધ પોતાની પત્નીને લઈને પોતાની મા અભેચંદભાઈ જેવા ગરીબ સગાને ત્યાં રાત રોકાવાની છે, એ વાત પર ખિજાયેલો અનિલ ગરીબ મામાને કોર્ટની ધમકીથી દબાવવાની કોશિશ કરે છે. ત્યારે માણેકમામીને સાંભળીએ તો – ➢ (અનિલને) ‘અરે અરે, હોય ભાણાભાઈ? મામા ભાણેજ વચ્ચે વળી કાયદો કેવો ને વાત કેવી, હેં ? તમે તદ્દન સાચું કહ્યું. અત્યાર લગી આ ભાઈબહેને જ વાતો કર્યા કરી છે - મારી સાથે તો બહેન બેઠાં જ નથી જરીયે તે ! ...’ (પે. 27) ➢ ‘જાણીએ છીએ, બાપા, જાણીએ છીએ! તમારો હક પહેલો ! પણ આ આટલાં વરસે પહેલવહેલો મારો ઉંબરો વળોટ્યો છે તે જમાડ્યા વિના હું જવા નહીં દઉં ભાણેજવહુને, હા! તમારું મન હોય તો મામીને કાયદો શું, કોરટ દરબાર બધુંયે બતાવજો. હું તમારા વકીલને ને જજને પૂછીશ કે મારી ભાણેજવહુને મારે ગરમાગરમ વેઢમી જમાડ્યા વિના ઘરની બહાર જવા ન દેવી હોય તો તમારો કાયદો મને શું કરી નાંખશે, હેં? ’ માણેકે પૂછ્યું. (પે. 27) માત્ર બે-ત્રણ સંવાદોમાં જ એમની નિર્ભિકતા, વ્યવહારકુશળતા, સ્વસ્થતા આદિને સચોટ રીતે ઉપસાવી આપ્યાં છે. અત્યંત ગૌણ પાત્ર હોવા છતાં ભાવકના ચિત્તમાં અમીટ છાપ છોડી દે તેવું ગરવું વ્યક્તિત્વ સર્જક આલેખી શક્યાં છે. ધીરુબહેન પટેલની સંવાદલેખન પર અદ્ભૂત પકડ છે. તેઓ સંવાદો દ્વારા પાત્ર ઉપસાવી શકે છે તેમ સંબંધો પણ ઉપસાવી શકે છે. જેમકે, અરુણા – કાદંબરીના સંવાદમાં ઘણુંખરું કાદંબરીના પ્રત્યુત્તર હોતા નથી અથવા હોય તો અરુણાને એ ઉત્તર સાંભળવાની તમા હોતી નથી, એના માટે એ પ્રત્યુત્તરનું કોઈ મહત્ત્વ હોતું નથી. અરુણા – કાદંબરીનો સંબંધ અરુણા દ્વારા દોરવાયેલો, નટ અને કઠપૂતળીનો સંબંધ હોય તેમ સંવાદો દ્વારા ઉપસાવી શકાયું છે. એ જ રીતે ‘આગન્તુક’માં રીમા-શાલ્મલિ વચ્ચેનો સંવાદ જોઈએ તો – ‘હેલો ભાભી, હું શાલુ.’ ‘બોલો, શું છે ?’ ... ... ... ‘તમે ઘરમાં જ છો ?’ ‘આજે તો ઘરમાં જ રહેવું પડે ને ?’ ‘હા... એમને કંઈ જોઈતું-કરતું હોય. અજાણ્યું લાગે ને ?’ ‘બીજું કંઈ’ ... ... ... ‘તમને શું લાગે છે ? મારે ત્યાં આવવું જોઈએ ?’ ‘તું જાણે.’ ‘આઈ મીન... ઈશાનભાઈને ખરાબ નહીં લાગે ?’ ‘હું શું જાણું ?’ ‘તો પછી આવું ?’ ‘તારી મરજી.’ સંવાદ દ્વારા તેમની વચ્ચે ‘સંવાદિતા’ જ નથી, એમની વચ્ચેના સંબંધમાં કોઈ ‘સંબંધતત્ત્વ’ જ નથી, તે જોઈ શકાય છે. સામાન્ય રીતે સંવાદ લખાય ત્યારે એક પછી એક વક્તાનુસાર ઊક્તિ લખાતી જાય. ધીરુબહેન પણ સામાન્ય રીતે સંવાદો એ જ રીતે લખે છે. પરંતુ ક્યારેક ધીરુબહેનની સર્જકતા એમને કાંઈક જુદી રીતે લખવા પ્રેરે છે. જેમકે, ➢ છોકરીઓએ પતંગિયાની જેમ ઊડાઊડ કરી મૂકી... ‘ફોઈબા આપણે ઘરે રહેવાના છે?’ ‘ભાભી ય તે?’ ‘ફોઈબાને ખાટલા પર સૂવાડશું.’ ‘નવી ચાદર કાઢજે, બા!’ ‘નવી તો ખૂંચે! પેલી ધોયેલી કાઢો ફઈબા માટે.’ ‘ફોઈબાને મારું ઓશિકું આપજે, સરિતા!’ ‘પેલી શ્રીનાથજીથી લાવ્યા હતા તે રજાઈ ક્યાં ગઈ?’ ‘કાદંબરીની મા’માં જ્યારે પુત્રવધૂને લઈને વિજયા પોતાના ભાઈને ત્યાં વર્ષો પછી રાત રોકાવાનું નક્કી કરે છે, ત્યારે અભેચંદભાઈની દીકરીઓને ફઈબા અને ભાભી રાત રોકાવાના છે, એ વાત જાણીને મજા પડી જાય છે. આ સંવાદ લેખિકાએ પરિચ્છેદની જેમ લખ્યો છે. જાણે દીકરીઓ વચ્ચે વાત થાય છે એમ નહીં, પણ કાબરોએ એક સાથે કલબલાટ કરી મૂક્યો છે. અને આ કલબલાટ દ્વારા દીકરીઓનો આનંદ અને ઉત્સાહ આસ્વાદ્ય બન્યા છે. ધીરુબહેનના સંવાદો કૃતિને જાણે રંગમંચક્ષમ બનાવે છે. તેમની આ વિશેષતાને કારણે જ ભાવક સામે દૃશ્યો સર્જાય છે અથવા તેમની કૃતિઓનું ફિલ્માંકન શક્ય બને છે.
નીચેનો સંવાદ જુઓઃ
‘કદંબ તું જાગે છે?’ ‘બા! મને બીક લાગે છે.’ ‘કોની? અનિલની ?’ ‘એમની ... અને - અને - અન્નાની !’ વાંચતી વખતે ભાવકની નજર સમક્ષ જાણે એ દૃશ્ય ભજવાય છે. એમાંયે વિરામચિહ્નો દ્વારા જાણે વાચિક અભિનયની સૂચના અપાઈ છે. કેટલાક સંવાદો એકપાત્રી અભિનયની ક્ષમતા ધરાવતા હોય એવા, એકોક્તિ રૂપે છેઃ જેમકે, ‘કાદંબરીની મા’માં જ્યારે શકુંતલાદેવી કાદંબરી અને અનિલના છૂટાછેડા થઈ ગયા છે, તેવી વાત કરે છે ત્યારે અન્ના અને અનિલથી ડરેલી કાદંબરીનો પ્રલાપઃ ‘એ કહે છે તો પછી લીધા જ હશે!’ ... ‘મને નથી ખબર, મને શું થાય છે, બા! તમે અન્નાને બોલાવો. ના, ના, અનિલ ગુસ્સે થશે. અન્ના પણ ગુસ્સે થશે. મારે કોઈનું કામ નથી. મારે તમારી સાથે બોલવું નથી. હું – હું નહીં બોલું. તમે મને અહીં કેમ બોલાવી? અનિલ જાણશે તો? મને પાછો માર પડશે તો? હવે હું... ઓ મા!’ (પૃ. 92) પાત્રની ઊક્તિઓ પણ કૃતિને એટલી જ આસ્વાદ્ય બનાવે છે. જેમકે ‘આગન્તુક’માં કૃતિના આરંભે જ્યારે આશુતોષ અને અર્ણવ ઈશાનને બહાર બોલાવીને વાત કરવા ઈચ્છે છે ત્યારે રીમા કહે છેઃ ‘ઊભા રહો, હું જોઈ આવું, છોકરાંઓ શું કરે છે’ – આમ જોવા જાવ તો આશુતોષ – અર્ણવ ઈશાન સાથે વાત કરે, અને છોકરાંઓ શું કરે છે તે જોવું – એ બે વચ્ચે સીધો સંબંધ નથી. પરંતુ, તેમાં રીમાનું માનસિક વલણ – તેનો ડર – વ્યક્ત થાય છે. તો જ્યારે આશુતોષ ઈશાનને અર્ણવને ત્યાં મૂકવા જાય છે, ત્યારે અચાનક ઈશાનને જોઈને ડઘાઈ ગયેલો અને સ્વસ્થતા મેળવવા મથતો અર્ણવ તેને કહે છેઃ ‘ઓહો! આવ, ઈશાન! અમે તને આજકાલમાં ડિનર પર બોલાવવાનાં જ હતાં.’ વ્યાજસ્તુતિપણું ધરાવતી આ ઊક્તિમાં દેખીતી રીતે અર્ણવ દ્વારા ઈશાનને આમંત્રણ છે. પણ ખરેખર એને ઈશાનને પોતાને ત્યાં ‘રહેવા દેવાની’ કોઈ વૃત્તિ – ઈચ્છા નથી, તેનું સૂચન છે. ‘આજકાલમાં’ – અર્થાત્ ક્યારે તે નક્કી નહીં, અને ‘ડિનર પર’ અર્થાત્ એથી વધુની અપેક્ષા ન રાખવી, ‘બોલાવવાના’ અર્થાત્ સંભાવનાનો નિર્દેશ.. આમ, ધીરુબહેન સંવાદ કે ઊક્તિ દ્વારા માનસિક વલણનો પણ નિર્દેશ કરી શકે છે. તો વર્ણન દ્વારા પાત્રની માનસિકતા, તેના મનોજગતનો નિર્દેશ કરી શકે છે. જેમકે, ‘કાદંબરીની મા’માં કાદંબરીના મનોજગતનો નિર્દેશ કરતાં જણાવે છે કે – ➢ જેની વાત થતી હતી એ મજામાં નહોતી. ઘેનમાં હતી - માના શબ્દોના ઘેનમાં, પતિની સમૃદ્ધિના ઘેનમાં, પોતાની નિષ્ક્રિયતાના ઘેનમાં... (પૃ. 83) અહીં વિજયાની સમજણ દ્વારા કાદંબરીના પાત્રની – તેના મનોજગતની જાણે રૂપરેખા આપી દીધી. તો – ➢ એકદમ આ ગાંઠિયા ... છેક જ દેશી, વરસોનાં વરસોથી ભૂલાઈ ગયેલા ગાંઠિયા સામે આવતાં તેના મનને બહુ હળવાશ લાગી. (પૃ.13) -માં ‘હળવાશ’નો જેને અનુભવ થયો છે, તે કાદંબરી સામાન્ય ઘરની દીકરી છે, ધનાઢ્ય પતિની પત્ની નહીં. જાણે નવી કાદંબરી સામે મૂળ કાદંબરીને ઊભી કરી દીધી. ‘ગાંઠિયા’ એ જાણે માત્ર ગાંઠિયા જ નથી, પણ મૂળ કાદંબરી સાથે જોડતો તંતુ છે. કાદંબરીના શ્રીમંત પતિને કારણે તેની જીવનશૈલી બદલાઈ છે, પણ જૂની જીવનશૈલીમાં તે હળવાશ અનુભવી રહી છે. ધીરુબહેને પ્રયોજેલા પદો - ‘છેક જ દેશી’, ‘વરસોનાં વરસોથી ભૂલાઈ ગયેલા’... અત્યંત સૂચક છે ! ‘આગન્તુક’માં જ્યારે રીમા વિડિયોગેમ રમતા કરણ પર અકળાય છે, ત્યારે લેખિકા વર્ણવે છેઃ ➢ એના પર હદ બહારનું ચિડાઈને રીમા બોલી, ‘કેમ આજે કૉલેજ નથી ?’ ખરેખર તો ઈશાનની હાજરીથી અકળામણ અનુભવતી રીમાએ ઈશાન સાથે નજરનો સંબંધ ઊભો કરવા તેને સ્મિત આપ્યું, પણ ઈશાનને એનો ખ્યાલ જ નથી, એ વાતે રીમા અકળાઈ છે. એક અકળામણ બીજે વ્યક્ત થઈ છે. સામાન્ય રીતે કૃતિમાં વ્યક્તિ, સ્થાન, ક્રિયા, પ્રસંગ, ઘટના આદિનાં વર્ણનો આલેખાયાં હોય છે. ધીરુબહેનની કલમે પણ આવાં વર્ણન તો મળે જ છે. જેમકે, ‘આગન્તુક’માં કરણની નજરે ઈશાનનું વર્ણન છેઃ ‘પણ એક સીધાસાદા, સફેદ ધોતિયું અને સફેદ પહેરણ પહેરેલા ઊંચા અને સૂકા માણસને જોઈને એને જરા નિરાશા થઈ. માથા પર ઝીણા વાળ ઊગ્યા હતા, બાકી ચહેરો સફાચટ હતો. ક્યાંય કશું અસામાન્ય નહોતું.’ (પૃ.11) જો કે આ વર્ણનમાં પણ કરણનો પ્રતિભાવ વણાયેલો છે. ઈશાન સાધુ હોવાની વાતે તેના દેખાવ સંદર્ભે કરણની અપેક્ષાથી કાંઈક જુદો દેખાવ હતો. ‘આંધળી ગલી’માં સ્થાનનું વર્ણન જોઈએ તો - ‘બેચાર ફણસનાં ને આંબાના ઝાડ સિવાય નીચે બધું સૂકુંભઠ. દરવાજો એક બાજુથી નમી પડ્યો છે. એક જમાનામાં જડેલી પગથીની તિરાડોમાં પીળા રંગનું ઘાસ ઊગ્યું છે. ... મકાન પણ જૂનું, મરામત વગરનું અને રંગ ન થયેલો હોવાથી સાવ નિસ્તેજ બની ગયેલું છે.’ (પૃ.6) – નજર સામે ચિત્ર આવી જાય. ‘વાંસનો અંકુર’માં વિમળામાસીના ઓરડાને જોઈએ તો - ‘સરસ ઓરડો હતો. ઝીણાં મોતીનાં ગૂંથેલાં તોરણ, કિણ કિણ અવાજ સાથે ડોલતા રહેતા. લાંબી કાચની ભૂંગળીઓ અને મોટા મણકાના પડદા, મોટો પાંચસાત રગંની ભાતવાળો કાશ્મીરી ગાલીચો, બે સોફાસેટ, નાનાં મોટાં ટેબલ, ટેબલ પર હાથે ગૂંથેલા ટેબલક્લોથ હતાં. સફેદ બાસ્તા જેવાં....’ અમીરી-ગરીબીના ચિત્રો પણ તેમનાં વિવિધ વર્ણનોમાંથી મળે છે. જેમકે, ‘વાંસનો અંકુર’માં – મોતીલાલની ગરીબીને આલેખતી થાળી - • થેપલાં હતાં. મરચું મીઠું નાખ્યું હતું એટલે શાક વગર ચાલે. (પૃ. 5) તો ધનાઢ્ય રમણીકલાલનો ભોજનથાળ - • સાંજે શું બનાવવાનું છે? નોકર પૂછવા આવ્યો. ‘દૂધપાક’ - કમળામાસીએ કહ્યું. ‘એની સાથે?’ ‘પૂરી, વટાણાની કચોરી, પાતરાં ને ભાખરવડી’ ‘જી’ ‘સાથે ગુલાબજાંબુ. શાક તો સવારે કહ્યાં હતાં તે પાંચે બનાવવાનાં. ને ભાત સાથે પીરસવાનું શાક જુદું. રસાવાળું. કઢી, ઓસામણ, છૂટી દાળ ને મઠ. પાપડ સેવ બધું તળવાનું. ચટણી, કચુંબર ને કાચાં અથાણાં રહી ન જાય.’ શ્રીમંતો દ્વારા વપરાતી વસ્તુઓની ગુણવત્તા પણ વિશેષ હોય, તે પણ વર્ણવાય છે. • બપોરની ચા માટે એ જે સેટ વાપરતા, તેનો કાચ ખૂબ પાતળો હતો. (પૃ.47, ‘વાંસનો અંકુર’) • મહેમાનો માટે જ વપરાતો પાતળા કાચનો ઊભો ગ્લાસ.... (પૃ.3, ‘કાદંબરીની મા’) • નિરંજનભાઈનો નોકર ખૂબ જાડું, ગાયના દૂધ જેવા આછા પીળા રંગનું પરબીડિયું લઈને ઊભો હતો. ... માંહીં એવા જ જાડા કાગળ પર માત્ર બે લીટી હતી. (પૃ. 81, ‘આગન્તુક’). તો વાચક તેની ઈન્દ્રિયોથી અનુભવી શકે તેવાં પણ વર્ણન છે. જેમકે, ‘ખુલ્લી બારીમાંથી ચીકણી ખારી વાસ અંદર ધસી આવી.’ (પૃ. 5, ‘આગન્તુક’) વાચક નાયકની સાથે જ હોય તેવું અનુભવાયઃ ‘લિફ્ટમાં ઉપર જઈને બારણાની ઘંટડીનું બટન દબાવ્યું. સંગીતનો એક લાંબો લટકો સંભળાયો અને એના ઘોષ શમે એ પહેલાં બારણાની નાનકડી બારી ખૂલી. કોઈએ એની સામે સાવધાનીભરી નજર નાખી, પછી સાંકળ ખસવાનો, સ્ટૉપર ખૂલવાનો અને ભારી કડી ઊંચકાવાનો અવાજ આવ્યો. બારણું છ-એક ઈંચ ખૂલ્યું અને પાછું વસાઈ ગયું.’ (પૃ.6, ‘આગન્તુક’) મનના ખેલને પણ પણ ભાવક અનુભવી શકે, માણી શકે તેમ વર્ણવે છે. જેમકે, ‘...ને એને સાંભળતાં પણ આવડતું હતું. એની મોટી મોટી પાંપણોના પલકારા એ રીતે થતા... જાણે કે એ સધિયારો આપે છે. કહે છે; હું સાંભળું છું, મને રસ પડે છે, હું સંમત થાઉં છું, આગળ કહો. ને માણસ કહ્યા કરે...’ (પૃ. 54, ‘વાંસનો અંકુર’) લઘુનવલમાં પાત્રની અનુભૂતિ, તેના મનોજગતનું આલેખન મહત્ત્વનું હોય છે. તો ધીરુબહેનની કલમે આ માનસિકતા – અમૂર્ત માનસિકતાનું આલેખન અનુભવગમ્ય બન્યું છે. જેમકે, ‘કાદંબરીની મા’માં અનિલથી દૂર ક્યાં – કેવી રીતે જઈ શકાય, પછી શું થશે? – તેનો ડર લાગે છે. લેખિકા આ ડરને વર્ણવે છેઃ ‘આ પ્રશ્નની આગળ એક વિકરાળ વન આવતું હતું, જેમાં કોઈ કેડી નહોતી, પ્રકાશ નહોતો, હતો નર્યો અંધકાર. રાની પ્રાણીઓના હુંકાર અને ગંધારા, લપસણાં, અતળ ઊંડાણવાળાં પાણી, - ક્યાંક એક ડગલું ચૂક્યા કે મોત કરતાં ય વસમી અવદશા !’ (પૃ. 25, ‘કાદંબરીની મા’) તો જ્યારે મન પર ભાર લાગતો હોય, કોઈ અકથ્ય ડર ઘેરી વળતો હોય તેવી ભીંસ અનુભવાતી હોય એવી પળ ધીરુબહેનની કલમે આ રીતે આલેખાઈ છેઃ ‘ગિરિશિખરના પ્રફુલ્લ ચેતનવંત ધુમ્મસ જેવું નહીં પણ મોટા શહેરના ધૂળ-ધુમાડાને લીધે જન્મેલું, મોટા એદી વાદળ જેવું ઝાંખું અને ભારે ધુમ્મસ - મૌનનું ધુમ્મસ એ ઓરડામાં છવાઈ ગયું. છાતી પર એનો ભાર લાગે છે. એ કોઈ હિંસક પ્રાણીની જેમ તરાપ મારવા લપાઈને ઊભું છે. એનામાં કશીક દુષ્ટતા છે. દેખાય નહીં, સમજાય નહીં છતાં રુવાંટા ઊભા થઈ જાય એવી.’ (પૃ. 135, ‘કાદંબરીની મા’) મન ખુશ હોય એવી પળોનું આલેખન પણ છેઃ ‘વરલીની ચાલનો એ દાદર ચડતાં ચડતાં કેશવના સ્વરનો રણકાર સાથે આવે છે. એમાં એક આછી સૌરભ છે. બાગનાં બધાં ફૂલો રમ્ય છે, પણ જ્યારે ચંપો ખીલે છે ત્યારે જરાયે કહેવા શોધવા જવું નથી પડતું, એવી જ ઉદ્દંડ સૌરભનો આ એક પહેલો હળવો ઝપાટો છે.’ (પૃ. 4, ‘વાંસનો અંકુર’) ભાવકની સંવેદનાને સ્પર્શે એ રીતે થયેલું વર્ણન કૃતિને વધુ આસ્વાદ્ય બનાવે છે. જેમકે, ‘વાંસનો અંકુર’માં જે નજરોએ કેશવના મનને સ્પર્શ્યું છે તે - ‘નજર સામે બે નયન તરે છે, થાકેલાં ઘરડાં... એ આંખોની નજર જરીક ઘસાઈ ગયેલી છે, ભીની છે. તીખી ને ધારદાર નથી. એનો જર્જર સંદેશ સાંભળીને કેશવ ચાલ્યો જાય છે.’ (પૃ. 30, ‘વાંસનો અંકુર’) – જાણે પિતાની એ જર્જરિત આંખોના સંદેશની સમજણે આજે કેશવ એ દિશામાં આગળ વધી રહ્યો છે. ભાવકને કૃતિ સાથે જોડીને વહેતો રાખવામાં આવાં વર્ણનો ઉપકારક નીવડે. પાત્ર, પરિસ્થિતિ આદિ આવાં વર્ણનો દ્વારા વધુ ઉપસી આવે. કલ્પન દ્વારા વાતને સચોટ રીતે મૂકવામાં ધીરુબહેનની હથોટી કેળવાયેલી છે. તેમનાં કલ્પનો દ્વારા તેઓ ભાવકને પાત્રની અનુભૂતિ સુધી લઈ જાય છે. કેટલાંક કલ્પનો જોઈએ – • કલકલ કરતાં પંખીડાનાં ટોળાં જેવી વાતો એની આસપાસ ફરી વળી હતી. (પૃ. 13, ‘કાદંબરીની મા’) (જીવંત વાતચીતના અભાવમાં જીવતી કાદંબરી નાનકડી નણંદોની ઉત્સાહભરી વાતો સાંભળી રહી હતી. – જીવંતતાની, મધુર આનંદની અનુભૂતિ – જે તે ગુમાવી બેઠી છે.) • એ જ્યારે જ્યારે કાદંબરી સામે જોતો ત્યારે કાદંબરીના શરીરમાંથી પરસેવાના ધોધ છૂટતા હતા. (પૃ. 24, ‘કાદંબરીની મા’) (કારમા ભયની અનુભૂતિ) • તૂટેલા તરાપા પર મધદરિયે તણાતા જતા બે નાવિક વચ્ચે થાય એવી આ વાત હતી. (પૃ.60, ‘કાદંબરીની મા’) (પાછા રતનમેનોર આવેલા, હવે શું થશે-ની ચિંતામાં ડૂબેલાં વિજયા અને કાદંબરી) • ગાજવીજ અને વરસાદ સાથેનું ભારે વાવાઝોડું પસાર થઈ ગયા પછી ઘન જંગલના કોઈ ઝાડની ડાળી પર બેઠેલું પંખી ઘણી વારે પોતાની ભીની પાંખ ફફડાવીને આસ્તેથી ચાંચ ખોલે છે, જૂએ છે - ક્યાંક પોતાનો સ્વર વહી તો ગયો નથી ને, તોફાની પવન સાથે! ઠીક એવી રીતે કાદંબરીનો બેસી ગયેલો અવાજ સંભળાયો, ‘બા ! ’ (પૃ. 59, ‘કાદંબરીની મા’) (વિજયાના રૂમમાંથી ખિજાયેલો અનિલ ચાલ્યો ગયો ત્યાર બાદ કાદંબરીની સ્થિતિ) • સૂકાં ડાળાં - પાંદડાના ઢગલામાંથી એકાદ ડાળખી સળવળવા માંડે અને ચાલતી થઈ જાય ત્યારે માણસ કેવું હેબતાઈ જાય! કાદંબરી એવી જ રીતે અરૂણા સામે જોઈ રહી. (પૃ.76, ‘કાદંબરીની મા’) (હવે હંમેશા પિયરમાં જ રહેવાનું - અનિલથી દૂર - તેવો હાશકારો અનુભવતી કાદંબરીને અરુણા દ્વારા ‘અનિલ સાથે નિસબત’ બતાવાતાં કાદંબરીની અનુભૂતિ) • ચાર આંખોમાં આશ્ચર્યના તારા ઊગ્યા હતા. (પૃ. 14, ‘આગન્તુક’) (કરણ- મિહિકાનો સકારાત્મક ભાવનાત્મક પ્રતિભાવ) • વળી પાછું તળાવને તળિયે જામેલા કાદવના ગચિયા જેવું મૌન. (પૃ. 17, ‘આગન્તુક’) • એ બન્ને જણની વાતોનાં બાવાંજાળાં ચોમેર લટકતાં હતાં. વાતો કરતાં વાતોના પડછાયા વધારે ભયંકર હતા. (પૃ. 21, ‘આગન્તુક’) (સંબંધોનું અવાવરાપણું) • એ લોકો નહોતા ઈચ્છતા કે એમના સરખી રીતે ગોઠવાઈ ગયેલા સુખી સંસારમાં કોઈ ધૂમકેતુ આવીને ઉપદ્રવ મચાવે. (પૃ. 21, ‘આગન્તુક’) ક્યારેક કોઈક કલ્પન સમગ્ર કૃતિના કોઈ એક તંતુ સાથે સંકળાયેલ હોય, એમ પણ બને છે. જેમકે, ‘આંધળી ગલી’માં ‘મધુમાલતીની વેલ’. કૃતિમાંથી પસાર થતાં લાગે કે એ માત્ર વેલ નહીં પણ કુંદનને વ્યક્ત કરે છે. જેમકે, • અહીં એક વેલ હતી. સહેજ પાણી નાખશો તો પાછી જીવતી થશે. લાલ લાલ ફૂલ આવે છે, સુગંધી. (પૃ. 13) • મધુમાલતીની સુકાઈ ગયેલી વેલમાં પાણી સીંચી સીંચીને જોવાનું કે પથ્થર અને સિમેન્ટના થર નીચે ધરબાઈ ગયેલી માટી હજી જીવે છે કે નહીં. (પૃ. 15) • ‘લો, આને તો પાન ફૂટ્યાં છે, હવેથી આ તમારી.’ ‘ફૂલ પણ આવશે ને?’ ‘આવશે સ્તો! આ વેલ મજબૂત હોય છે. ઝટ મરતી નથી.’(પૃ.27) ધીરુબહેનની કૃતિઓમાંથી પસાર થતાં તેમના કલ્પનમાં પણ જાણે એક ભાત દેખાય છે. નીચેનાં કલ્પન જુઓઃ ➢ આગન્તુકઃ ભાઈના મનમાં લાગણીના કરોળિયાએ જાળું વણવા માંડ્યું છે. (પૃ. 28) o એ બન્ને જણની વાતોનાં બાવાંજાળાં ચોમેર લટકતાં હતાં. ➢ આંધળી ગલીઃ કરોળિયાના રેશમી તાંતણા જેવી નાજુક, ઝોલાં ખાતી આ ક્ષણ, તેને સ્પર્શ કરાય જ નહીં... બેસી રહેવાનું, જોયા કરવાનું. (પૃ. 76) ➢ વાંસનો અંકુર - આ વખતના મૌનમાં એક આછોપાતળો કરોળિયાએ વણેલા રેશમ જેવો સૂક્ષ્મ તંતુ ઝોલાં ખાતો હતો. કરોળિયાનાં જાળાં, તાંતણાને જુદી જુદી રીતે પ્રયોજેલાં જોઈ શકાય છે. આવી જ રીતે નાવ-નાવિક, અંધારી ગુફા જેવાં વિષયો પણ એમનાં કલ્પનો રૂપે ગૂંથાય છે. ધીરુબહેન ઉપમા, રૂપક, અતિશયોક્તિ, દૃષ્ટાંત વગેરે જેવા અલંકારો પાસેથી પણ ધાર્યું કામ કઢાવે છે. જેમકે, ➢ જ્યાં ઈપ્સિતા દેખાય ત્યાં આસપાસની બધી સ્ત્રીઓ માત્ર પડછાયા જેવી બની જતી. (પૃ. 17, ‘આગન્તુક’) આમ તો અહીં ઉપમા અલંકાર છે. પણ એવુંય લાગે કે જાણે કેમેરાની ટેકનિકથી એક પાત્ર પર ફોકસ થતાં પૃષ્ઠભૂમિ બ્લર – ઝાંખી થઈ જાય છે. ➢ અર્ણવના મનમાં જાગેલું ગુસ્સાનું પ્રચંડ મોજું જાણે કે દિશાશૂન્ય થઈને પાછું દરિયામાં જ વિલિન થઈ ગયું. (પૃ. 84, ‘આગન્તુક’) ➢ રજતના હોઠ ધ્રુજ્યા અને પાનખરનું પહેલું પાંદડું ખરીને સૂકા ઘાસની પથારી પર પડતાં કરે એવો અત્યંત આછો અવાજ આવ્યો. ‘બા...બા!’ (પૃ. 102, ‘આગન્તુક’) ➢ એ નજરનો ભાર નહોતો, એમાં તો સોયની અણી જેવી એક તીક્ષ્ણતા હતી. (પૃ. 11, ‘વાંસનો અંકુર’) ➢ (ખીંટી પર) ડગલો શું, દરિદ્રતા જ લટકતી હતી. (પૃ. 76, ‘વાંસનો અંકુર’) ➢ દરિયાકાંઠે ફસડાઈ પડેલા વહાણ જેવા નિર્જીવ ને દિશાશૂન્ય થઈ જઈને તેણે જવાબ દીધો. (પૃ. 77, ‘વાંસનો અંકુર’) ➢ કાદંબરીના ચહેરા પર કોઈ એવો અવર્ણનીય ભાવ હતો, જેવો ખાટકીના હાથમાંથી નાસવા માંગતા અને પાછા પકડાઈ ગયેલા પશુના ચહેરા પર હોય ! (પૃ. 24, ‘કાદંબરીની મા’) ➢ બરફની પૂતળીને વિજયાએ વધારે જોરથી છાતી સાથે ભીડી દીધી. (પૃ. 75, ‘કાદંબરીની મા’) ➢ ચાટમાંથી નિશ્ચિંત જીવે ભાત ખાતું કૂતરું અણધાર્યો પથરો વાગતાં દુઃખ અને વિસ્મયથી જોઈ રહે તેવી નજર નાંખી કાદંબરી બોલી ઊઠી, (પૃ. 97, ‘કાદંબરીની મા’) ➢ પ્રભાતે ઠરવા આવેલા તાપણામાંની છૂટીછવાઈ ચિનગારી જેવો એનો (અન્નાનો) વિખરાઈ જતો ગુસ્સો. (પૃ. 113, ‘કાદંબરીની મા’) ધીરુબહેનની કલમને વધુ આસ્વાદ્ય બનાવે છે, તેમનું વિશિષ્ટ ભાષાકર્મ. તેમની શબ્દપસંદગી, તેમણે પ્રયોજેલાં સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ, આખ્યાત, વિરામચિહ્નો આદિ. ક્યારેક તેઓ તદ્દન તળશબ્દો પ્રયોજે છેઃ જેમકે, • ... પણ કંઈ નહીં - એવું તો કોઈ વાર અડીઓપટીએ નયે થાય. (પૃ. 21, ‘કાદંબરીની મા’ ) • મારા વિના નહોતું સોરવતું ને તમને? (પૃ. 45, ‘કાદંબરીની મા’) • ‘એ જ આપણને થાળી વાડકા ને લોટા કરતાં બેદ ગણે છે કે નહીં ?’ (પૃ. 79, ‘આંધળી ગલી’) • ‘આ આવાં અડબડિયાં આવે એવી કેશવને ખબર હતી ?’ (પૃ. 66, ‘વાંસનો અંકુર’) • ‘લે, હવે ધમકારે ચા બનાવી નાખું છું, હોં કે ભાઈ !’ (પૃ.78, ‘વાંસનો અંકુર’) તો ક્યારેક એકાદ શબ્દમાત્રથી જ માનસિકતા, પરિસ્થિતિ આદિના લસરકા ખેંચાઈ જાય છે. જેમકે, • એની નજર આગળ રતનમેનોર ચમકે છે. (પૃ.7, ‘કાદંબરીની મા’) (ઐશ્વર્યનું આકર્ષણ) • રતનમેનોરમાં અપાર શાંતિ હતી. તે ક્યારેક ચિરાતી અનિલના અણિયાળા અપશબ્દોથી જડેલી ક્રોધિત વાણીથી તો ક્યારેક ચૂંથાઈ જતી એના અતિશય સ્થૂળ પ્રેમાલાપથી. (પૃ.13, ‘કાદંબરીની મા’) (શાંતિનો ભંગ થવો-ને બદલે શાંતિ ચિરાવી, ચૂંથાવી !...) • તાજો અવાજ, એની મેળે વહી આવતો અવાજ... (પૃ. 13, ‘કાદંબરીની મા’) (પહેલેથી રેકોર્ડેડ - વાસી અવાજ નહીં, કોઈનો દોરવેલો અવાજ નહીં...) • તરત સાવધ થઈને એણે ચાદર સંકેલી લીધી. (પૃ. 27, ‘આગન્તુક’) (માત્ર ચાદર નહીં...) • સામે આશુતોષ બેઠો હતો. એકલો આશુતોષ. (પૃ. 28, ‘આગન્તુક’) (રીમા કે અર્ણવને સાંભળતો – અનુસરતો આશુતોષ નહીં...) • એ મકાનનું નામ કોઈએ મજાકમાં ‘ધ નેસ્ટ’ રાખ્યું હતું. (પૃ. 65, ‘આગન્તુક’) • પરેશ સિવાય બીજા કોઈને માટે આવી ગધ્ધામજૂરી ન કરે શુભાંગી. (પૃ. 42, ‘આંધળી ગલી’) ક્યારેક શબ્દોના પુનરાવર્તન દ્વારા ભાવનિર્દેશ થાય છે. જેમકે, • એને (વિજયાને) એટલી ખબર હતી કે થોડા દિવસ, બસ થોડા દિવસ કાઢી નાખવાના છે. (પૃ.45. ‘કાદંબરીની મા’) અહીં પુનરાવર્તન દ્વારા વિજયા મન મક્કમ કરવા પોતાની જાતને સાંત્વના આપી રહી છે. તો - • ગયે વખતે લઈ ગઈ હતી તોયે રાખી નહોતી. પાછી મોકલી દીધી હતી. હવે પણ નહીં રાખે... નહીં જ રાખે. (પૃ.107, ‘કાદંબરીની મા’) કાદંબરીને સ્પષ્ટ થતું જાય છે કે અન્ના પિયરમાં નહીં રાખે. આ ખાતરી પુનરાવર્તન દ્વારા વ્યક્ત થઈ છે. કેટલીક વાર ચોક્કસ શબ્દો દ્વારા લેખિકાનો પાત્ર, વલણ, પરિસ્થિતિ પરત્વેનો અભિગમ પણ સૂચવાઈ જાય છે. જેમકે, • નીલમ અડધું ઈંગ્લિશમાં ને અડધું ગુજરાતીમાં ઠોકાઠોક કરવા લાગી. (પૃ.63) • (પન્નાએ) સાફસાફ કહી નાંખ્યુઃ ‘અનિલભાઈ બધું અગડંબગડં સમજાવતા હતા ત્યારથી જ મને તમારી ચિંતા હતી....’ નીલમ અને પન્ના બન્ને વિજયા સાથે વાત કરે છે. પણ બન્નેનાં ક્રિયાવિશેષણ અલગ છે. નીલમની ‘ઠોકાઠોક’ અને પન્નાનું ‘સાફસાફ’... • (શકુંતલાદેવીએ) જરૂર કરતાં વધારે દાગીના પહેર્યાં હતાં. જરૂર કરતાં વધારે વિનય દર્શાવતી તે માથે ઓઢીને ઊભી થઈ. (પૃ. 86-87, ‘કાદંબરીની મા’) શકુંતલાદેવી દેખાડો કરે છે, તે દર્શાવવા ‘જરૂર કરતાં વધારે’ જેવા પદનો સ્પષ્ટ પ્રયોગ છે. • ઘણા જ ઘેરા રંગની લિપસ્ટીક લગાડેલા હોઠ વચ્ચેથી એનું (શાલ્મલિનું) ખોટા દાંતનું ચોકઠું કંઈક જુગુપ્સા પ્રેરતું હતું. (પૃ. 37, ‘આગન્તુક’) • અર્ણવનું પોકળ હાસ્ય ચારે બાજુ રેલાયું. (પૃ. 21, ‘આગન્તુક’) ‘આગન્તુક’ લઘુનવલના ખલપાત્રો સમ શાલ્મલિ અને અર્ણવ સંદર્ભે જુગુપ્સા, પોકળ જેવા શબ્દો દ્વારા નકારાત્મક રંગ ઉમેર્યો છે. વિશેષણનું કાર્ય અર્થમાં ઉમેરો કરવાનું છે. પણ ધીરુબહેને પ્રયોજેલાં વિશેષણ અનેક અર્થો ઉમેરી આપે છે. જેમકે, નીચેનું ઉદાહરણ વિશેષણ વગર અને વિશેષણ સાથે વાંચીએ તો- 1. શશાંકની મામી મટી જઈને છોકરી બની ગઈ. 2. શશાંકની મામી મટી જઈને સાત - આઠ વર્ષની છોકરી બની ગઈ. 3. શશાંકની સમજદાર મામી મટી જઈને સાત - આઠ વર્ષની ગુનેગાર છોકરી બની ગઈ. (પૃ. 106) વાક્ય 1. કે 2.ને જ વાંચીએ તો કોઈક કારણસર કોઈ યુવતી – સ્ત્રી તેની વય કૂદી જઈને બાળપણમાં પહોંચી ગઈ, તેવું લાગે. પણ વાક્ય 3.... અહીં જે કૃતિતત્ત્વ પામી શકાય છે, તેનું કારણ પ્રયોજાયેલાં વિશેષણ ‘સમજદાર’ અને ‘ગુનેગાર’ છે. એ જ રીતે, સંતાનના લગ્નને કારણે વેવાણ બનેલી બે સ્ત્રીઓ વચ્ચે ખરેખર હવે એવો આદરપૂર્ણ કે આત્મીયતાસભર સંબધ રહ્યો જ નથી, સંબંધના નામે માત્ર કૃત્રિમ સામાજિકતા જ રહી છે, તે નીચેના ઉદાહરણમાં વિશેષણને આધારે જોઈ શકાય છે. • તેમના ચહેરા પર એક વાસી સ્મિત વળગી રહેલું હતું. (પૃ. 3, ‘કાદંબરીની મા’) વિશેષણના પ્રયોગથી તેઓ વાતાવરણ પણ ઉપસાવી આપી શકે છે. જેમકે, • અંદર ધૂળ-બાવાંની એ હવડ વાસ આવતી હતી. ઘસાઈ ગયેલા મખમલથી મઢેલા એક ઊભી પીઠવાળા બાંકડા પરથી વાસી છાપાંની થપ્પી જરાક હઠાવીને બાઈ બોલી. (પૃ. 6) વિશેષણ હટાવતાં મૂળ વાક્યો જોઈએ તો- • અંદર વાસ આવતી હતી. બાંકડા પરથી છાપાની થપ્પી જરાક હઠાવીને બાઈ બોલી. અહીં વિશેષણનું કાર્ય સ્વયંસ્પષ્ટ છે. અન્ય ઉદાહરણો જોઈએ. • એની ગોળાકાર પીઠને ઢાંકતો ડગલો મેલો હતો. (પૃ. 33, ‘વાંસનો અંકુર’) (ગરીબીના બોજથી વળી ગયેલી પીઠ) • સામે ઊભેલા બરછટ પુરુષનો ગુસ્સો તે જાણતી હતી. (પૃ. 22) • મિહિકા અને કરણ એકબીજા સામે બોલકી નજર નાખતાં હતાં. (પૃ.11, ‘આગન્તુક’) • એના અબોલ પ્રશ્નથી કંપી જઈ રીમા બોલી. (પૃ.14, ‘આગન્તુક’) • અને જો હવે જૂનું ઘર કાઢી નાંખ્યું છે. (પૃ. 19, ‘આગન્તુક’) (માત્ર જૂનું ઘર જ નહીં, સંબંધો, યાદ બધું જ...) • એ ઓચિંતી હસી પડી. એનું હાસ્ય પણ ધાતુના રણકાર જેવું ધારદાર અને કર્કશ લાગતું હતું. (પૃ. 7, ‘આંધળી ગલી’) • ... છતાં લાગણીહીન કંઠે (પરેશ) બોલ્યો. પૃ. 82) ... સ્નેહાળ કંઠે તે બોલી ઊઠ્યોઃ (પૃ. 83, ‘આંધળી ગલી’) વિશેષણની જેમ ક્રિયાવિશેષણ પણ કૃતિને ભાવક સુધી પહોંચવામાં મદદરૂપ બને છે. તેના દ્વારા પાત્રનું વલણ, માનસિકતા, પરિસ્થિતિ આદિને ધીરુબહેન સચોટતાથી આલેખે છેઃ જેમકે, • (રીમા) આશુતોષ ભણી પીઠ ફેરવીને અંદરથી કપડાં કાઢવા લાગી. (પૃ. 60, ‘આગન્તુક’) (અવગણના) • (કરણ) પટ દઈને બોલી ઊઠ્યો. (પૃ. 15, ‘આગન્તુક’) (ઉત્સાહ) • દર ત્રીજી મિનિટે ઠેકડો મારીને મન પેલી ઓરડીમાં પહોંચી જતું હતું. (પૃ. 15, ‘આગન્તુક’) (ઉત્સુકતા) • આશુતોષે અણગમાથી અર્ણવ સામે જોયું. (પૃ.17, ‘આગન્તુક’) (ભાઈઓના સંબંધમાં ઉષ્માનો અભાવ) • શું તે (વિજયા) ખરેખર અનિલને ઓળખતી હશે! (પૃ.5, ‘કાદંબરીની મા’) (સાચો સ્વભાવ !) • વિજયાએ તગતગતા નેત્રે ઉપર આંગળી ચીંધી. (પૃ. 17, ‘કાદંબરીની મા’) (મનોવ્યથા) • ઓચિંતા કોઈએ ધડાધડ બારણાં પછાડ્યાં. (પૃ. 22, ‘કાદંબરીની મા’) (ડરભર્યા માહોલનો આરંભ) • સૂકાઈ ગયેલા હોઠ પર જીભ ફેરવતી ફેરવતી તે માંડમાંડ બોલી. (પૃ.25, ‘કાદંબરીની મા’) (અત્યંત ક્ષુબ્ધ) • એની એ વાતો એ (રમણીકલાલ) અનંત રીતે કર્યા જ કરતા. (પૃ. 7, ‘વાંસનો અંકુર’) • પછી એકદમ કેશવની આંખ સામે આંખ માંડીને બોલ્યાઃ (પૃ. 28, ‘વાંસનો અંકુર’) • વિચારોના વેગથી ઉન્મત્ત થઈ તે ચાલુ ક્લાસે બહાર નીકળી ગયો. (પૃ. 29, ‘વાંસનો અંકુર’) • થાકેલા પગ આયાસપૂર્વક ઊંચકી ઊંચકીને ચાલતાં ખાતાના સાહેબના ઓરડા લગી પહોંચવું વસમું લાગ્યું. (પૃ. 30, ‘વાંસનો અંકુર’) • આજે કુંદનની વાત સાંભળીને શુભાંગી ઝળઝળિયાં સાથે બોલી ઊઠીઃ (પૃ. 45, ‘આંધળી ગલી’) જ્યાં સર્વનામની જરૂર ન હોય, ત્યાં પણ સર્વનામ પ્રયોજીને ધીરુબહેન માનસિકતા, વલણ આદિનો નિર્દેશ કરે છે. જેમકે, • અને પેલી કેમ તારી જોડે આવી છે? (પૃ. 23, ‘કાદંબરીની મા’) અનિલ કાદંબરી વિશે વાત કરી રહ્યો છે. તે પૂછી શકે તેમ છે કે કાદંબરી કેમ વિજયા સાથે આવી છે ? પણ પત્ની માટે જે ગુસ્સો છે, જે તુચ્છતા ધરાવે છે, તે ભાવો અહીં સર્વનામ દ્વારા વ્યક્ત થયા છે. તો - • ત્રીજા માણસની હાજરીનો પાકો ગેરફાયદો ઉઠાવતી હતી આ મા ! (પૃ.26, ‘કાદંબરીની મા’) મા તો એક જ છે, તેના માટે દર્શક સર્વનામની જરૂર જ ન હોય. પરંતુ, તેના પરનો ગુસ્સો સર્વનામને કારણે વ્યક્ત થઈ જાય છે. ભાવક જ્યારે વાંચતો હોય ત્યારે ખરેખર તો આ સર્વનામને કારણે ગુસ્સાનો સૂર સાંભળી શકે છે. • બસ એટલું જ. જાણે કોઈ કોઈને વઢ્યું નથી, કોઈ ભૂખ્યું રહ્યું નથી, કોઈએ ઘર છોડવાની તૈયારી કરી નથી - કંઈ બન્યું જ નથી. (પૃ. 47, ‘વાંસનો અંકુર’) રિસાયેલા કેશવને રમણીકલાલ જાણે કશું જ બન્યું નથી, તેવી સહજ પરિસ્થિતિ સર્જીને મનાવી લે છે, ત્યારની પરિસ્થિતિ સર્વનામના પ્રયોગ દ્વારા સચોટ અભિવ્યક્તિ પામી છે.
ધીરુબહેન એકથી વધુ આખ્યાત એક સાથે પ્રયોજીને દૃશ્યાત્મકતા સર્જે છે. જેમકે, • અનિલ એને ખેંચીને લઈ જશે, એ ઘસડાશે, માફી માગશે, લાત ખાશે... (પૃ. 24, ‘કાદંબરીની મા’) • લાલ લાઈટ, લીલી લાઈટ, ઊભા રહેવું, પાછું દોડવું, ભોંયરામાં ઊતરવું, દાદરા ચડવા, વાહનોમાં ખડકાવું, ઠલવાવું અને પાછું દોડ્યા કરવું (પૃ. 3, ‘આંધળી ગલી’) • આવડત નહીં એટલે (સુશીલા) ઢોળતી, ફોડતી, બગાડતી; (પૃ. 18, ‘વાંસનો અંકુર’) ધીરુબહેનની કલમે ટૂંકા વાક્યોની હારમાળા દ્વારા અનીચ્છા આદિ પણ વ્યક્ત થાય છે. જેમકે, • ફરી શુભાંગીના ઘરમાં આવવું, એણે આપેલું પાણી પીવું, એના પલંગ પર બેસવું, બધું દુષ્કર હતું, છતાં કુંદને એ બધું કર્યું. (પૃ. 82, ‘આંધળી ગલી’) • અનિલને પાણી નહોતું પીવું. બેસવું નહોતું. આ દૂરના મામા-મામીને હાથ નહોતા જોડવા. છતાં તેને એ બધું કરવું પડ્યું. (પૃ. 24, ‘કાદંબરીની મા’) ધીરુબહેનની એક વિશેષતા છેઃ વિરામચિહ્નોનો પ્રયોગ. તેઓ વિરામચિહ્નો પાસેથી પણ શબ્દો જેટલું જ કામ લઈ શકે છે. જેમકે, • વરસોથી એ આ બન્નેની સાથે વારાફરતી રહી છે - છતાં બેમાંથી એકેને ઓળખતી નથી. (પૃ. 8, ‘કાદંબરીની મા’) અહીં વિરામચિહ્ન વગર સળંગ વાક્ય શક્ય છે, પરંતુ લઘુરેખાનો ઉપયોગ થયો છે. તેના કારણે ‘અટકાવ’ સૂચવાય છે. લઘુરેખા પછીની વિગત પર જાણે ફોકસ અપાય છે. • ‘તમે – શું આપી શકશો ?’ (પૃ. 10, ‘આંધળી ગલી’) અહીં પણ સળંગ વાક્ય ઉચ્ચારાઈ શકે તેમ છે. પણ લઘુરેખા દ્વારા વક્તાને વિચારતા દર્શાવવા કે શ્રોતાનો વિચાર સાંભળવા માટે અટકવું સૂચવાયું છે. • ... દીકરીને આશ્રય આપશે એવા એક ચમત્કારની સંભાવના રાખીને જ પોતે નહોતી ગઈ? તોયે ચમત્કાર બન્યો કંઈ? (પૃ. 32) અહીં વાક્યાંતે પ્રશ્નાર્થ છે. પરંતુ ખરેખર તેના દ્વારા નકારનું સૂચન છે. પરિણામે અભિવ્યક્તિ વધુ સચોટ બને છે. અહીં પદક્રમ, વાક્યાંતે ‘કંઈ’નો પ્રયોગ વગેરે દ્વારા બોલચાલની લઢણ પણ સધાઈ છે. • ‘એમની... અને - અને - અન્નાની !’ (પૃ. 34) અહીં દરેક શબ્દ પછી વિરામચિહ્ન પ્રયોજાયું છે. – કહેવાય કે ન કહેવાયનો ડર, ખચકાટ અને વ્યક્ત થવાની કોશિશ – આ બધું વિરામચિહ્ન દ્વારા સૂચવાયું છે. • ‘તમે નથી જાણતા – રજતની માંદગી મારે માટે-’ (પૃ. 108, ‘આગન્તુક’) નિરંજનભાઈના ગળે ડૂમો બાઝતા બોલી શકતા નથી, એ ત્રુટકતા લઘુરેખા દ્વારા દર્શાવાઈ છે. • ‘આ ભણવાની વાત – અરે, નહીં ભણવાની વાત...’ (પૃ. 5, ‘વાંસનો અંકુર’) ગુરુરેખા દ્વારા સુધારો દર્શાવાયો છે. પણ અધૂરા વાક્યે ત્રણ ટપકાં દ્વારા વાત પૂરી કરતાં લાગતા થાકનો નિર્દેશ છે. વાત પોતના નિયંત્રણમાં નથી, તેથી છોડી દેવાનો નિર્દેશ છે. ધીરુબહેનની કૃતિઓમાંથી પસાર થતાં ખ્યાલ આવે છે કે તેમના દ્વારા પ્રયોજાતાં વિરામચિહ્નો વાચિક અભિનય માટે સૂચનરૂપ છે. તેથી જ તેમની કૃતિઓ વધુ રંગમંચક્ષમ લાગે છે. માતૃભાષા માટે અપ્રતિમ લગાવ દાખવનારા ધીરુબહેનની કૃતિમાં રૂઢિપ્રયોગો પણ ખૂબ સહજતાથી વણાયા છે, જે તેમની કૃતિને વધુ સહજ અને વધુ આસ્વાદ્ય બનાવે છે. જેમકે, • તમારે મારી દીકરીનો પગ કાઢવો છે? (પૃ. 10, ‘કાદંબરીની મા’) • કાદંબરીના ચહેરા પરથી લોહી ઊડી ગયું. (પૃ. 10, ‘કાદંબરીની મા’) • અત્યારે તો મારે તારો હાથ ઝાલવાનો છે. (પૃ. 11, ‘કાદંબરીની મા’) • એક વખત ઘેર પહોંચ્યા પછી એને પણ સીધી કરાશે. (પૃ. 26, ‘કાદંબરીની મા’) • ક્યારેક કંઈક ખટરાગ થઈ જાય. એનો અર્થ એવો નહીં કે આમ - છેલ્લે પાટલે બેસી જવું - તમે તો બહેન, સમજુ છો. (પૃ. 30, ‘કાદંબરીની મા’) • એ તો હોય ! ચાલ્યા કરે! આંખ આડા કાન કરવાના ! (પૃ. 31, ‘કાદંબરીની મા’) • જ્યારે ખબર પડી ત્યારે એના ઘરને લૂણો લાગી ગયો હતો. (પૃ.30, ‘કાદંબરીની મા’) • પગ તળેથી ધરતી સરકી ગઈ. (પૃ. 94, ‘કાદંબરીની મા’) • ચાટ પડીને તે (રીમા) બહાર ચાલી ગઈ. (પૃ. 9, ‘આગન્તુક’) • તમને શું થઈ ગયું, આશુભાઈ? ટાઢે પાણીએ ખસ જતી હતી. ના શું કરવા પાડી ? (પૃ. 24, ‘આગન્તુક’) • પ્રતાપગિરિને ઓબ્લાઈજ કર્યો ત્યારે એણે આ જશને બદલે જૂતિયાં માર્યાં ને! (પૃ. 59, ‘આગન્તુક’) આ બધાથી શિરમોર છે, તેમની પોતાની આગવી બાની, તેઓ વાતની વિશેષ અભિવ્યક્તિ સાધી શકે છે. જેમકે, ➢ ‘તમે કંઈ કાયમ એકલાં રહેવાનાં છો?’ ધૂપછાંવ રંગની સાડીના પોત જેવું એ વાક્ય હતું. ટીખળ, આશીર્વાદ અને નહીં બોલાયેલા ‘મારી માફક’ શબ્દોની ઘેરી ઉદાસીનતા. (પૃ. 34, ‘આંધળી ગલી’) ➢ ‘ના.’ એક જ શબ્દમાં શેષનાગના માથા પર હોય એટલો ભાર ઠાંસીને વિજયા બોલી. (પૃ. 27, ‘કાદંબરીની મા’) ➢ ‘પણ’નો ખટકો ઘણો મોટો હતો. ધીરે ધીરે પર્વત પર ચડતાં ઓચિંતો મોટો લીસો ખડક સામે આવીને ઊભો રહે એવો આ શબ્દ હતો. ન ઓળંગાય, ન ફરીને જવાય... (પૃ. ‘આંધળી ગલી’) ➢ ઝીણી વાટ રાખી હોય તો અંધકારની ચોખ્ખી કાળાશને જરાક મેલી કરી દે - એથી વધારે એનું ગજું નહીં. (ટમટમિયું) (પૃ. 20, ‘કાદંબરીની મા’) ➢ એને ટી.વી. વગરનાં અજાણ્યાં સગાં ગમવા માંડ્યાં હતાં. (પૃ.21, ‘કાદંબરીની મા’) (અન્નાની સલાહે તેને પૈસાનું મહત્ત્વ સમજાવ્યું પણ ખરેખર તેને લાગણીભર્યા સંબંધનું જ મહત્ત્વ છે.) ➢ ‘આવતીકાલનું સવાર તો આ આવ્યું.’ (પૃ.33, ‘કાદંબરીની મા’) (સમય ઓછો છે. નિર્ણયો ઝડપથી લેવા પડશે.) ➢ છતાં ઘણાં કબ્રસ્તાનોની જેમ આ ઓરડો પણ રળિયામણો લાગે છે. (પૃ. 27, ‘વાંસનો અંકુર’) (જ્યાં વંધ્ય પળો સોડ તાણીને સૂઈ ગઈ છે...) ધીરુબહેન પટેલની વિવિધ કૃતિઓમાંથી પસાર થતાં ખ્યાલ આવે છે કે ભાષા સાથે તેમનો કોઈ વિશેષ નાતો છે. કૃતિમાં પાત્ર ઉપસાવવાનું હોય કે વર્ણન આલેખવાનું હોય – ભાષા પાસેથી તેઓ ધાર્યું કામ કઢાવી શકે છે. ભાષાનો વિશેષણ, ક્રિયાવિશેષણ કે આખ્યાત જેવો કોઈ શબ્દઘટક હોય કે વિરામચિહ્નો હોય – પાત્રના મનને, પરિસ્થિતિને, સંઘર્ષને ઉપસાવવામાં આ બધાનો તેઓ સચોટ અને સહજ ઉપયોગ કરી શકે છે. કલ્પનોની તાજગી ખરેખર મનોરમ છે. પથ્થર પરની બારીક કોતરણી જેવું ભાષાકર્મ તેમની કૃતિઓને વિશેષ આસ્વાદ્ય બનાવે છે.