નારીસંપદાઃ વિવેચન/સંપાદક ચિનુ મોદી

Revision as of 02:51, 12 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૫૫. સંપાદક ચિનુ મોદી

પૂર્વી ઓઝા

કવિતા શ્રી ચિનુ મોદીનો ‘નમણો દોષ’ છે. આધુનિક ગુજરાતી ગઝલક્ષેત્રે આદિલ મન્સૂરી પછીનું બીજું મોટું નામ ચિનુ મોદી છે. નખશિખ આધુનિક એવા આ સર્જકનું સર્જનકર્મ ગદ્ય-પદ્ય બંનેમાં એકધાર્યું વહ્યું અને વિકસતું રહ્યું છે. કવિતાક્ષેત્રે ગીત, ગઝલ, સૉનેટ, ખંડકાવ્ય, આખ્યાન, છંદોબદ્ધ કાવ્ય, દીર્ઘકાવ્ય, અછાંદસ આદિમાં કવિપ્રતિભાનો પરિચય કરાવનાર ચિનુભાઈએ નવલકથા, નવલિકા, નાટક—એકાંકી, વિવેચન અને સંપાદનક્ષેત્રેય નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સંપાદનક્ષેત્રે સ્વતંત્ર કે અન્યની સાથે એમણે સંપાદનો આપ્યાં છે. એમાં ‘ચઢો રે શિખર રાજા રામનાં’ (શ્રી મોહનભાઈ પટેલ સાથે) (૧૯૭૫), ‘ગમી તે ગઝલ’ (અન્ય સાથે) (૧૯૭૬), ‘ઢંઢેરો’ (૧૯૭૬), ‘શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો’ (શ્રી સતીશ વ્યાસ) (૧૯૮૫), ‘આદમથી શેખાદમ સુધી’ (૧૯૮૬), ‘સ્વતંત્ર્ય સંગ્રામનાં એકાંકી’(-), ‘સુખનવર શ્રેણી’ ૧થી ૨૦ (કૈલાસ પંડિત સાથે) (૧૯૯૧), ‘કલશોર ભરેલું વૃક્ષ’ (શ્રી સતીશ વ્યાસ સાથે) (૧૯૯૫), *ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (૧૯૯૬), ‘મધ્યયુગીન ઊર્મિકાવ્યો (શ્રી ચિમનલાલ ત્રિવેદી અને શ્રી બળવંત જાની સાથે) (૧૯૯૮), ‘રાજેન્દ્ર શાહ કી કવિતાએં’ (શ્રી કિશોર કાબરા સાથે) (૨૦૦૪), ‘Re-play’ (૨૦૦૫), ‘અછાંદસ’ (૨૦૦૮) ‘ગઝલ સંદર્ભસૂચિ’ (૨૦૧૦), ‘અ’ અલિફનો ‘અ’ (૨૦૧૦) (સહ- સંપાદક: જનાબ રોશનખાન, પ્રા. પૂર્વી ઓઝા)નો સમાવેશ થાય છે. આ સંપાદનોનું વૈવિધ્ય પણ ઊડીને આંખે વળગે તેવું છે. ક્યાંક એમણે મધ્યકાળનાં કાવ્યોનું સંપાદન કર્યું છે તો ક્યાંક ગુજરાતી પ્રતિનિધિ ગઝલો અને ગઝલકારોની પ્રતિનિધિ ગઝલોનાં સંપાદન આપ્યાં છે. ગઝલની સંદર્ભસૂચિ આપી એમણે ભાવિ અભ્યાસીઓ માટે અનુકૂળતા કરી આપી છે. તો ક્યાંક શેખાદમ અને રાવજી પટેલ જેવા સર્જકોના સર્જકવ્યક્તિત્વનાં દરેક પાસાંને આવરી લેતાં સંપાદન આપ્યાં છે. એક સંપાદક તરીકે એમનું કાર્ય આપણી ભાષાની જે તે સ્વરૂપની કૃતિઓને અન્ય ભાષામાં લઈ જવા માટે એમણે કરેલો ઉદ્યમ છે. બહુધા સંપાદનોમાં એમણે જે સંપાદકીય લખ્યું છે એમાં એક સંપાદક તરીકે એમને જે અભિપ્રેત છે એ એમણે બહુ સ્પષ્ટ રીતે રજૂ કર્યું છે. અનુવાદનાં સંપાદનોમાં ઉત્તમ ગણાતી રચનાઓનો સમાવેશ ચોક્કસ મર્યાદાઓને કારણે ન થઈ શક્યાની નિખાલસ કબૂલાત પણ એમણે કરી છે. સંપાદકીય સૂઝ, વિશદ દૃષ્ટિ, તટસ્થતા, સ્પષ્ટતા જેવા ગુણો આ સંપાદનો નિમિત્તે આપણને ચોક્કસ અનુભવવા મળે. આ લેખમાં એમનાં વિશિષ્ટ કહી શકાય તેવાં સંપાદનો વિશે વિગતે વાત કરવાનો ઉપક્રમ છે. ૧૯૭૫માં શ્રી મોહનભાઈ પટેલ સાથે ચિનુભાઈએ ચંદ્રવદન મહેતાનો પ્રતિનિધિ કાવ્યસંગ્રહ ‘ચઢો રે શિખર રાજા રામનાં’ આપ્યો છે. ચં. ચી. મહેતાના પંચોતેરમા વર્ષે કરેલું આ સંપાદન ‘ઇલાકાવ્યો’થી માંડીને ‘ઓ ન્યૂયોર્ક’ સુધીનાં કાવ્યોમાં પ્રગટ થતી કવિ ચં. ચી. મહેતાની કવિપ્રતિભાનું પરિચાયક છે. ‘ઇલાકાવ્યો’ની કિશોરવયની સૃષ્ટિને જીવંત કરતી રચનાઓ સામે ‘યમલ’નું ચૌદ સૉનેટનું ગુચ્છ ચંદ્રવદન મહેતાની સુરેખ કાવ્યતત્ત્વ નિષ્પન્ન કરવાની વિશેષતાની સાહેદી પૂરે છે. ‘સ્મારક’ જેવા સોનેટમાં પૃથ્વી છંદના પ્રવાહીપણાને ભાવપ્રાબલ્યને કારણે એ કવિનું ઉત્તમ મોભાદાર સૉનેટ બને છે તેનું ચયન અહીં થયું છે. ૧૯૪૭ અને ૧૯૭૧ના ‘સંસ્કૃતિ’ના અંકમાં પ્રગટ થયેલાં ‘બુર્ઝવા’ અને ‘ઓ ન્યૂયોર્ક’ કાવ્ય અહીં સમાવાયાં છે. દ્વિરેફે ઊભી કરેલી હાસ્યકવિતાની આખી પરંપરા ‘બુર્ઝવામાં અનુભવવા મળે છે. ઝેઝના તાલ-લયને કારણે, અંગ્રેજી-હિંદી શબ્દોમિશ્રિત ભાષાના વિવિધ સ્તરો ઉપરાંત ન્યૂયોર્કની સંસ્કૃતિમાં રહેલા ખોખલાપણાને ઉજાગર કરતું ‘ઓ ન્યૂયોર્ક’ કાવ્ય તેના લયને કારણે ધ્યાન ખેંચે છે. ‘કોલોડિયલ ગુજરાતીમાં કવિતા’ પ્રયોગ લેખે સારી રચના છે. આ ઉપરાંત ‘પાંદડી-શી હોડી’, ‘શબ્દ નહીં સમજાણા’, ‘અજવાળું’, ‘ગીતડું તે ગાયું’ જેવાં ગીતોનોય અહીં સમાવેશ થયો છે. નાટ્યકાર તરીકે ખ્યાત ચં. ચી.નો કવિ તરીકેનો પરિચય આ સંપાદનનાં વીસ કાવ્યો દ્વારા કરાવવાનો આ સ્તુત્ય પ્રયત્ન છે. ઈ.સ. ૧૯૭૬માં પ્રકાશિત થયેલ ‘ઢંઢેરો’ એ હોટેલ પોએટ્સના ત્રૈમાસિક ‘ઓમિસિયમ’માં પ્રગટ થયેલી રચનાઓનું સંપાદન છે. ‘રે મઠ’ના કવિઓ પછીનું કાઠું કાઢતું જૂથ એટલે હોટેલ પોએટ્સ ગ્રુપ. કવિતા પ્રત્યાયનક્ષમ રહી નથી એવી ફરિયાદ કરતા ભાવકવર્ગની સામે જેહાદ જગાવવા, કાવ્યોની રજૂઆતમાં નાટ્ય-ગીત-નૃત્ય આદિ કળાઓનો સાથ લે છે અને કવિતાનું સાતત્ય જાળવી, અન્ય કળાઓના માધ્યમથી કવિતાનું પ્રત્યાયન સરળ બને એ માટે શરૂ થયેલું હોટેલ પોએટ્સ ગ્રુપ (એચ.પી. ગ્રુપ) ‘રે મઠ’ પછી બદલાયેલી કાવ્યવિભાવનાનું ઉદાહરણ બની રહે છે. ‘રે મઠ’ની પ્રયોગશીલ કવિતા પછી પાંચ વર્ષથી સ્થિર થઈ ગયેલી કવિતાને ગતિશીલતા બક્ષવાનું કામ આ ગ્રુપની કવિતાએ કર્યું છે. આ સંપાદનમાં સંપાદકીય પછી એચ. પી. ગ્રુપનો ઢંઢેરો (મેનિફેસ્ટો) શબ્દશઃ પ્રકાશિત કર્યો છે ને એમાં જ આ કવિઓનો મિજાજ અને એમની પ્રયોગશીલતા દૃષ્ટિગોચર થાય છે. આ કવિઓએ ગુજરાતી કવિતાને કેવો નૂતન વળાંક આપ્યો તેના ઉદાહરણરૂપે ‘ઢંઢેરો’માં જ પ્રગટ થયેલું આદિલ મન્સૂરીનું કાવ્ય જોઈએ- "યે આકાશવાણી હૈ ઉચ્ચારવામાં કષ્ટ પડવું? અર્થ ન નીકળવો, સમજવામાં વાર લાગવી? કે જોડણીનો ચચડાટ થવો? આપની સર્વ ભાષાકીય તકલીફોનો તાત્કાલિક ઇલાજ છે. નવા ભઠિયારગલીના સુપર શબ્દો ભઠિયાર ગલીના શબ્દો? જી-હા ભઠિયાર ગલીના સુપર શબ્દો. એક જ વાર ઉચ્ચારવાથી ૮૫ ટકા જેટલી મોઢાની દુર્ગંધ તરત દૂર થાય છે. દરેક શબ્દ પર આઈ.એસ.આઈ.નો માર્કો તેની ગુણવત્તાની ખાતરીરૂપ છે. ભઠિયારગલીના સુપર શબ્દો! સસ્તા મજબૂત અને ટકાઉ. આપના નજીકના રેલવે બુક સ્ટોલ પરથી આજે જ લઈ આવો; ભાષાના દાક્તરોએ બનાવેલા ખાસ ભઠિયારગલીના સુપર શબ્દો." (‘ઢંઢેરો’, પૃ. ૯) આ સંગ્રહમાં રમેશ દવે, ચંદ્રકાન્ત ટોપીવાળા, સરૂપ ધ્રુવ, માધવ રામાનુજ, પ્રબોધ જોશી, ઇન્દુ ગોસ્વામી, આદિલ મન્સૂરી, ચિનુ મોદી, દીવા પાણ્ડેય, ઇન્દુ પુવાર, મહેશ પ્રજાપતિ, અબ્દુલ કરીમ શેખ, રાજેશ વ્યાસ ‘મિસ્કિન’, ચંદ્રકાન્ત શેઠ, રમેશ શાહ, લાભશંકર ઠાકર, દ્વારકેશ વ્યાસ, ભૂપેશ અધ્વર્યું, મનોજ ખંડેરિયા, અશ્વિન જાની, દીપક જોશી, હિંમત કપાસી, જલન માતરી, મનહર મોદી, દલપત પઢિયાર, સત્યજિત શર્મા વગેરેની રચનાઓને સ્થાન મળ્યું છે. અહીં અછાંદસ પણ છે ને ગીત પણ ને ગઝલેય છે. આધુનિક નગરજીવનની રિક્તતા-શૂન્યતા, કાવ્યસર્જનપ્રક્રિયા, મૃત્યુની વિભીષિકા, વતનવિચ્છેદની વૈદના આદિ વિષયો ગૂંથાયા છે. અહીં ‘અકથા’ (સરૂપ ધ્રુવ), ‘કવિ તરીકે રાજીનામું પેશ કરતાં પહેલાં’ (પ્રબોધ જોશી), ‘Anti Poem’ (હિંમત કપાસી), ‘શબ્દસ્તવન’ (લાભશંકર ઠાકર), ‘આત્મારામને ઉદ્દેશીને’ (આદિલ મન્સૂરી), ‘સોતી’ (દલપત પઢિયાર), ‘લેંચુ કાવ્ય’ (ઇન્દુ પુવાર) જેવાં કાવ્યો નૂતન કાવ્યાભિવ્યક્તિ તરીકે તપાસવા જેવાં ખરાં. ગુજરાતી કાવ્યસાહિત્યમાં ગઝલ માનભર્યું સ્થાન પામી તેની પૂર્વભૂમિકા બાંધી આપનાર કોઈ ગઝલકાર હોય તો તે છે શેખાદમ આબુવાલા. શિયાળુ, તડકાના ઉઘાડ જેવી સંતર્પક અને ગુલાબી ઉષ્માનું સામર્થ્ય પ્રગટાવનારી તેમની ગઝલો અને મુક્તકોનું સંપાદન આપણને ‘આદમથી શેખાદમ સુધી’ (૧૯૮૬) નામે મળે છે. આ સંપાદનના પ્રાક્—કથનમાં જ શેખાદમની ગઝલનો પરિચય કરાવતાં શ્રી ચિનુ મોદી નોંધે છે – "સરળ લાગતી વાણી, સાહજિક રીતે, સાવ સાદા લાગતા ભાવવિશ્વને પ્રગટ કરે અને બે પંક્તિઓ વચ્ચેની ખાલી જગા ભરો ત્યારે વાણીએ સંકુલ ભાવવિશ્વને પ્રગટ કરી દીધું છે—એવો અનુભવ થાય ત્યારે જાણવું કે શેખાદમની ગઝલના કોઈ એકાદ શેરની તમે સમીપ છો. સાધુ-સંતો—ઓલિયા- પીરની સાદી લાગતી વાણીનો મર્મ, જીવનના કોઈ ગહન અનુભવને વાચા આપી દેતો હોય છે – એમ શેખાદમની ગઝલોના કેટલાક શેર ઉપરથી સાદગીથી ન છેતરાઓ તો- ઝેનબુદ્ધિઝમનાં ઊંડાણ, આપણા શેખાદમના કેટલાક શેર દાખવી શક્યા છે. સ્વભાવે રમૂજી છતાં ગહન વેદનાને સતત વહન કરવાની ક્ષમતા શેખાદમના ચિત્તને માફક આવી ગઈ હતી.” (આદમથી શેખાદમ સુધી, પૃ. ૯) આ સંપાદનનું પ્રાક્-કથન શેખાદમના ગુજરાતી ગઝલક્ષેત્રે વિશિષ્ટ પ્રદાનને સમજવા-જાણવા અત્યંત ઉપયોગી થઈ પડે તેવું છે. ગઝલકાર તરીકે મોદીસાહેબે શેખાદમની જે વિશેષતાઓ તારવી આપી છે તે— ‘સંસ્કૃતિ’માં પોતાની ગઝલ છાપવા માટે શ્રી ઉમાશંકરને રાજી કરી શેખાદમે classical એવા ગુજરાતી સાહિત્ય સાથે ગઝલનો icebreak કરવાનું નિમિત્ત બન્યો. - ગુજરાતીમાં લખાતી ગઝલ એ ગુજરાતી કવિતાનો જ અવિનાભાવ સંબંધે જોડાયેલો પ્રકાર છે એ પ્રશિષ્ટ ગુજરાતી કાવ્યવિવેચકોને સમજાવવાના અભરખા વગર, ધખારા વગર, એ પ્રયત્નશીલ બન્યા. (આને ચિનુ મોદી ગુજરાતી ગઝલ ઉપરનો શેખાદમનો પહેલો અને મોટો ઉપકાર ગણે છે.) — સંસ્કૃત વૃત્તોમાં ગઝલના કરેલા પ્રયોગ પતીલ પછી શેખાદમને ફળ્યા ને એમણે ગુજરાતી ગઝલને નવી દિશા આપી. —એ ઉર્દૂમાં ગઝલ લખે ત્યારે ગુજરાતી ન લાગે અને ગુજરાતીમાં ગઝલ લખે ત્યારે એ મુસ્લિમ સમાજમાં ઉછેર પામ્યા છે એમ ન દેખાય. આમ, આદિલ મન્સૂરી માટેની આ પૂર્વપીઠિકા રચી આપનાર શેખાદમ બને છે. -સંસ્કૃત છંદો અને અરુઝમાં નિર્દેશેલી બહેર બંને ઉપર એમનું આધિપત્ય. -ગઝલ વાતચીતની વાણીમાં સોળે કળાએ ખીલે તો કેવી ખીલે, એનાં ઉદાહરણ શેખાદમની ગઝલોમાંથી આપણને મળ્યાં છે. (ગુજરાતી ગઝલ ઉપરનો આ બીજો ઉપકાર ચિનુ મોદી ગણે છે.) -લાંબા વસવાટ માટે જર્મન પસંદ કર્યું, પરિણામે અનુભવનું વિસ્તારિત વિશ્વ શ્વસવાનું અને એને શબ્દ પ્રસ્તુત કરવાનું માન કેવળ આ ગઝલકારને આપી, ગુજરાતી ગઝલ ઉપર કરેલો આ શેખાદમનો ત્રીજો ઉપકાર સંપાદક ગણે છે. – સુગમ સંગીત સાથે ગઝલનો નાતો બાંધી આપવાના ઉદ્યમ દ્વારા ગઝલ ઉપર એમણે ચોથો ઉપકાર કર્યો. -ગુજરાતી ગઝલને આમવર્ગ સુધી પોતાની પ્રસ્તુતીકરણની કળાથી પહોંચતી કરીને, ગઝલને લોકપ્રિય બનાવીને શેખાદમે ગુજરાતી ગઝલ ઉપર પાંચમો ઉપકાર કર્યો છે. શેખાદમના આટઆટલા વિશેષો તારવી આપનાર સંપાદક એમની મર્યાદાઓનેય તારવી આપે છે. ગઝલ ઉપરના પોતાના અધિકારભાવને કારણે જ બહુ સ્પષ્ટ શબ્દોમાં તેઓ શેખાદમને માટે સજ્જ કવિ છે, પણ સભાન કવિ નથી, એવું સ્પષ્ટપણે કહી શક્યા છે. વળી, માને વત્સલ રીતે પ્રગટ કરવાનું કામ અન્ય કોઈ ગઝલકારે કર્યું નથી, એ એમના આગવાપણા કે વિશેષતાને બાદ કરતાં એમનું ભાવવિશ્વ સંકુચિત હોવાની નોંધ એમણે લીધી છે. સમાજકારણ-રાજકારણ પર ગઝલ સંદર્ભે શેખાદમ કટાક્ષ કરે છે પણ આ કટાક્ષ અખાની જેમ સળગાવી મૂકે તેવો નથી, એ હસાવે છે પણ બાળતા નથી. એમની ઘણી ગઝલો માત્ર statements બની અટકી જાય છે. અહીં સંપાદક ગઝલકાર તરીકે શેખાદમનો પરિચય તો કરાવે જ પણ એમના વ્યક્તિત્વનાં પાસાંઓનેય ઉઘાડી આપે છે. એ અર્થમાં આ સંપાદન સર્જક અને વ્યક્તિવિશેષ તરીકે શેખાદમને પામવાની-ઓળખવાની તક આપે છે. રાવજી પટેલ સાથેનો ચિનુકાકાનો હૃદયનાતો. આમ તો એમના સંપર્કમાં આવેલા તમામ સાથે તેઓ દિલથી જોડાય. છતાં રાવજી સાથેનો નાતો જ અલગ –"મને મૃત્યુ પામેલા અન્ય મારા કવિમિત્રો પણ એમ જ અકબંધ યાદ છે. પરંતુ, એ સૌ વિશે પ્રસંગે જ વાત કરું છું, પરંતુ રાવજી હજી ડેઇલી રૂટિનમાંથી બહાર નીકળ્યો નથી—મારા સંદર્ભે…” જોકે ચિનુ મોદીએ માત્ર પોતાના સંદર્ભમાં જ રાવજીને જોયા નથી. જેનાં સર્જનોએ વિવેચકોને સતત લખતા રાખ્યા છે એવા એ આનંદ અને રોમાંચ આપનાર સર્જક છે. મૃત્યુનાં આટઆટલાં વર્ષો પછીય રાવજીના શબ્દોને કાટ લાગ્યો નથી. સિતાંશુ, લાભશંકર, ગુલામમોહમ્મદ શેખ સાથે જ એમની કવિતાના ઉન્મેષો ઝીલવા પડે; સુરેશ જોષી, મધુ રાય, ચન્દ્રકાંત બક્ષી જેવા ગદ્યસમર્થોની વચ્ચે એમની ગદ્યસાધનાની નોંધ લેવી પડે; દીર્ઘ કાવ્યો સાથે ‘હુંશીલાલ’ જેવા પાત્રગત વિડંબનાના કાવ્યને અવગણી ન શકાય, ‘વૃત્તિ’ની વાર્તાઓને બાજુએ મૂકી આધુનિક વાર્તાની ચર્ચા કદાચ અધૂરી રહે… એ અર્થમાં ‘રાવજી સર્વ સમયનો વિવેચકોને હંફાવતો’ સર્જક છે. રાવજીના સર્જન-કર્તૃત્વ વિશે ઘણાં સ્વતંત્ર વિવેચનો અને સંપાદનો થયાં છે. એમાં શ્રી ચિનુ મોદી અને શ્રી સતીશ વ્યાસના સંયુક્ત સંપાદન હેઠળ પ્રકાશિત ‘કલશોર ભરેલું વૃક્ષ’ (૧૯૯૫) એ રાવજી પટેલવિષયક સંપાદનોમાં એક નોંધપાત્ર ઉમેરણ છે. આ સંપાદનમાં શબ્દાંજલિ, કાવ્યવિવેચન, કાવ્યાસ્વાદ, નવલકથા-વિવેચન, વાર્તાવિવેચન અને એકાંકી-વિવેચન જેવા વિભાગોમાં રાવજીના સર્જનને મૂલવાનો પ્રયત્ન ઉમાશંકર જોશીથી માંડી લાભશંકર ઠાકર જેવા સર્જક-વિવેચકો તો હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, પ્રમોદકુમાર પટેલ જેવા પરંપરાના, તો સાથે ચન્દ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ જેવા એ સમયના નવ્ય અધિકારી વિવેચકો દ્વારા થયો છે. આ સંપાદનમાં સમાવિષ્ટ વિવેચનની ખાસિયત એ છે કે ક્યાંક માત્ર કૃતિને કેન્દ્રમાં રાખી થયેલું વિવેચન છે તો નિકટવર્તી મિત્રોની જેમ લાગણીનો ઉદ્રેક, ઉત્સાહ ને મુગ્ધતાય જોવા મળે તો તટસ્થ અને સ્થિરબુદ્ધિથી નીરક્ષીર વિવેક કરનાર ઉમાશંકર જોશીય છે. એ રીતે સંપાદક શ્રી ચિનુ મોદી કહે છે તેમ અહીં વિદ્યમાન ગુજરાતી વિવેચનની ઢબછબ પણ પામી શકાય છે. રાવજીની કવિતાને ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ‘ઇન્દ્રિયવર્ણ કવિતાનો પુંજ’ કહી આવકારી છે, તો પ્રમોદકુમાર પટેલે એમની કવિતામાં નિરૂપાયેલાં કૃષિજીવનનાં કલ્પનો અને પ્રતીકોની ઉદાહરણ સહિત ચર્ચા કરી છે. ‘અંગત’ સંગ્રહને નીતિન મહેતાએ ‘અંગત સંવેદનાનો આલેખ’ કહ્યો છે. આધુનિક કવિઓએ ભાષા સાથે ખાસ્સું કામ પાર પાડયું છે. એમની કવિતાની ભાષા પર લેખ સતીશ વ્યાસ પાસેથી મળ્યો છે. ઉમાશંકરે ‘મારી આંખે કંકુના’ કાવ્યને ‘રાવજીનું હંસગીત’ કહી બિરદાવ્યું છે. કાવ્ય ઉપરાંત ‘અશ્રુઘર’ નવલકથામાં પણ વિવેચકોએ એકીસૂરે રાવજીના કવિપણાને અનુભવ્યાનું કથ્યું છે. ચન્દ્રશંકર ભટ્ટે પાત્રપ્રધાન નવલકથા તરીકે ‘અશ્રુઘર’ને મૂલવી રાવજીને ‘વિદગ્ધ’, ‘દગ્ધ’ અને ‘મુગ્ધ’ સર્જક કહ્યો છે. તો સુમન શાહ અને રાધેશ્યામ શર્માને તેમાં ‘નેચરાલિઝમ’નો સંસ્પર્શ અનુભવાય છે. એકથી વધુ વિવેચકોએ રાવજીની સર્જકતાને પન્નાલાલ સાથે અનુસંધાન સાધતી જણાઈ છે તો ‘ઝંઝા’ નવલકથામાં પ્રગટતી રાવજીની સર્ગશક્તિ અને કપૂરીના પાત્ર સંદર્ભે રાધેશ્યામ શર્માને, ચન્દ્રકાન્ત શેઠને શરદબાબુનું સ્મરણ થયું છે. રાવજીએ રચેલી સોળેક વાર્તાઓનું સમગ્રલક્ષી મૂલ્યાંકન પ્રવીણ દરજીએ આપ્યું છે. તો રાવજીના એકમાત્ર એકાંકી ‘રાખ પણ બોલે છે’ પરંતુ આ સ્વરૂપ રાવજીની પ્રતિભાને ઝાઝું અનુકૂળ આવ્યું નથી એમ સ્પષ્ટપણે સતીશ વ્યાસ નોંધે છે. આમ, રાવજીના સમગ્ર સર્જક વ્યક્તિત્વનું પરિચાયક બની રહ્યું છે. સંપાદનને અંતે પરિશિષ્ટ-૧માં સંપાદનમાં ન સમાવી શકાયેલા કેટલાક નોંધપાત્ર ૨૦ લેખોની યાદી આપવામાં આવી છે. વળી, નોંધપાત્ર સંદર્ભગ્રંથો ને વિશેષાંકો પણ એમાં સામેલ કરવામાં આવ્યા છે. ખંડકાવ્યનું સ્વરૂપ એ ચિનુ મોદીના શોધપ્રબંધનો મુખ્ય વિષય રહ્યો છે. ૧૯૬૫માં ગુજરાતી ખંડકાવ્યો તપાસવાનો ઉપક્રમ સેવ્યો ત્યારે ખંડકાવ્યનો આખ્યાનના સ્વરૂપની જેમ Dead End આવી ગયો છે, એમ માનવા મન પ્રેરાય છે. પરંતુ ‘શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો’ છે જેમાં (પ્ર.આ. ૧૯૮૬ ને ચોથું પુનર્મુદ્રણ ૨૦૧૧)નું સતીશ વ્યાસ સાથે સંપાદન કરતાં ચિનુ મોદી લખે છે કે ‘જટાયુ’ કાવ્યરચનાની ઘટનાએ ખંડકાવ્ય સ્વરૂપને નવો વળાંક આપ્યો. કવિઓને લાંબા પટે કામ કરવાની અનુકૂળતા કરી આપનાર આ સ્વરૂપ ૧૯૮૬ સુધીમાં તો પંડિતયુગની જેમ કવિતાનું શિખર બની જાય છે. આમ, ખંડકાવ્યનું જંપી ગયેલું જળ ‘જટાયુ’થી ખળખળ વહેવા લાગે છે. ખંડકાવ્યનો નૂતન વળાંક શ્રી હરિવલ્લભ ભાયાણી ‘બાહુક’થી જુએ છે. પોતાની જ કૃતિ ખંડકાવ્યના નૂતન વળાંકનું નિમિત્ત બનતી હોય તો તેવી ગૌરવપ્રદ ઘટના સમયે પણ સંપાદક-વિવેચક તરીકેનું તાટસ્થ્ય દાખવી ચિનુભાઈએ નોંધ્યું છે કે "મારા મત મુજબ ‘જટાયુ’ અજાણ્યે પણ ખંડકાવ્યના નૂતન વળાંકનું નિમિત્ત બને છે." (શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો, પૃ. ૩) અહીં એક અભ્યાસુ વિવેચકની તટસ્થતા પ્રમાણી શકાય છે. આ સંપાદનમાં ‘ખંડકાવ્ય: વ્યાવર્તક લક્ષણો’ સાથેનો પ્રવેશક ખંડકાવ્યના સ્વરૂપને સમજવામાં ઉપયોગી નીવડે તેવો છે. ગુજરાતી ખંડકાવ્યોના ચયનમાં શિષ્ટ, વિશિષ્ટ અને પરિશિષ્ટ એવા ભાગમાં ૨૩ ખંડકાવ્યો સમાવિષ્ટ છે. ખંડકાવ્યનાં શ્રી ગણેશ કરનાર કાન્તના ‘વસંતવિજય’ જેવા અદભુત ખંડકાવ્ય સાથે mythological reference વગરનું છતાં ઉત્તમ રીતે ખેડાયેલા ‘ચક્રવાક મિથુન’નો સમાવેશ થયો છે. આ ઉપરાંત ‘ચિત્રવિલોપન’ (નરસિંહરાવ), ‘ગ્રામમાતા’ (કલાપી), ‘શાપસંભ્રમ’ (નર્મદાશંકર પ્ર. ભટ્ટ), ‘ભટ્ટ બાણ’ (ઉમાશંકર જોશી), ‘સુવર્ણદ્વારિકાનું સાગરનિમજ્જન’ (સુંદરજી બેટાઈ), ‘મહાત્ર્યંબક’ (સુન્દરમ્), ‘અભેલવાળો’ (દા. ખુ. બોટાદકર), ‘દર્શન’ (૨૦ છો. પરીખ), ‘અવલોકિતેશ્વર’ (કૃષ્ણલાલ શ્રીધરાણી), ‘છેલ્લી પૂજા’ (પ્રહૂલાદ પારેખ), ‘બાહુક’ (ચિનુ મોદી), ‘શિખંડી’ (વિનોદ જોશી)નો સમાવેશ થાય છે. ‘વિશિષ્ટ’ વિભાગમાં સમાવિષ્ટ ‘તુકારામનું સ્વર્ગારોહણ’ રચનાવિધાનની દૃષ્ટિ અપૂર્વ છે. ખંડકાવ્યનું સ્વરૂપ સિદ્ધ નહીં કરતી છતાં એ સ્વરૂપને વટાળી જતી આ રચના ગુજરાતી કવિતાનું ઉત્તમ શિખર હોવાની નોંધ સંપાદકશ્રીઓએ કરી છે. ‘સુંદરમ્’નું ‘ધૂમકેતુ’ ખંડકાવ્યની સામે પ્રતિખંડકાવ્ય રચી નવો ચીલો ચાતરતા ખંડકાવ્ય તરીકે પસંદ કરાયું છે. ‘દશરથનો અંતકાળ’માં ગણપત ભાવસાર અક્ષરમેળ છંદ ત્યજી માત્રામેળ છંદ દ્વારા ખંડકાવ્યના સ્વરૂપને જુદી દિશાસૂઝ આપે છે. ખ્યાત કથાનકોને બદલે વિદેશના ખ્યાત કથાનકને લઈને હરિશ્ચંદ્ર ભટ્ટ ‘પરાજય’ જેવું અદ્ભુત ખંડકાવ્ય આપે છે. આ ઉપરાંત ‘મારું છે અન્ન’ (રાજેન્દ્ર શાહ)માં વસ્તુ અભિવ્યક્તિની તાજપ છે. તો ‘જટાયુ’ કાવ્ય ચિત્તમાં રહેલી વંધ્ય વૃત્તિઓની સંકુલતાને નિરૂપતું અને સિદ્ધહસ્ત કવિ તરીકે સિતાંશુને સ્થાપિત કરતું કાવ્ય છે. ‘પરિશિષ્ટ’માં સમાવિષ્ટ ન્હાનાલાલનું ખંડકાવ્ય ‘વિલાસની શોભા’ ખંડકાવ્યનાં લગભગ બધાં જ વ્યાવર્તક લક્ષણોને સુપેરે સાચવે છે. અહીં સમાવાયેલી ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’ અને ‘અંતઘડીએ અજામિલ’ (હસમુખ પાઠક) આ બંને રચનાઓ ખંડકાવ્ય નથી, છતાં અનુગાંધીયુગમાંય કથનાશ્રિત કાવ્યપ્રકાર ખેડવાનું વલણ ચાલુ હતું એના નિદર્શન તરીકે આ કાવ્યો મહત્ત્વ ધરાવે છે. ખંડકાવ્યોની શક્યતાઓ સાવ નિઃશેષ થઈ નથી, એ શૃંખલાના અંકોડારૂપે આ બે કૃતિઓના ઐતિહાસિક મૂલ્યને સ્વીકારીને સંપાદકોએ આ બે ખંડકાવ્યોનો અહીં સમાવેશ કર્યો છે. ખંડકાવ્યોની અનિવાર્યતાને સ્વીકારતા સંપાદક સંપાદકીયમાં આ પુસ્તકના મહત્ત્વનેય પ્રસ્થાપિત કરી આપે છે - "વાગાડંબરવાળી અછાંદસ કવિતા, લપસણાં લયવાળાં ગીતો તથા લાગણીમાંદ્ય અને ચબરાકી પ્રગટ કરતી ગઝલોમાંથી ગુજરાતી કવિતાને આવું કાવ્યસ્વરૂપ જ બચાવી શકશે." ‘મધ્યયુગીન ઊર્મિકાવ્યો’ (૧૯૯૮) શ્રી ચિમનલાલ ત્રિવેદી અને શ્રી બળવંત જાની સાથે ચિનુભાઈએ કરેલું વિશિષ્ટ સંપાદન છે. મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલી ઊર્મિપ્રધાન રચનાઓનો આ સંગ્રહ છે. ઈ.સ. ૧૧૫૦થી ઈ.સ. ૧૮૫૦ સુધીના સમયગાળામાં રચાયેલ કાવ્યરચનાઓની વિશાળ રાશિમાંથી ઉત્તમ રચનાઓને પસંદ કરી, ઐતિહાસિક ક્રમે અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. જાણીતા કવિઓની એકાધિક અને મોટા ભાગના કવિઓની પ્રતિનિધિરૂપ રચનાઓનો આ સંચય તત્કાલીન ઊર્મિપ્રધાન કવિતાઓનો પરિચય કરાવે છે. આ સંપાદનમાં સંપાદકશ્રી ચિમનભાઈ ત્રિવેદી નોંધે છે તેમ – "ઉત્કટ આત્મલક્ષી અંશવાળાં ટૂંકાં પદો, ભજનો, સ્તવનો, ગરબીઓ, ભક્તિઅંશની પ્રબળતાને વ્યક્ત કરતા વર્ણનાશ્રયી ગરબા, પ્રકૃતિવૈભવને માનવસંવેદના સાથે વર્ણવતાં ઋતુકાવ્યો, બારમાસીઓ, મહિના, આખ્યાન આદિ સુદીર્ઘ પરલક્ષી રચનાઓમાંની ઊર્મિકવિતાની ભાવપ્રબલતાનો આસ્વાદ કરાવતાં કાવ્યખંડો, વર્ણનચિત્રો વગેરેને સ્થાન આપ્યું છે.” (મધ્યયુગીન ઊર્મિકાવ્યો, પૃ. ૧૬) અહીં પ્રાગ્-નરસિંહયુગના અને નરસિંહ પછીના જૈન કવિઓની ઊર્મિભાવપૂર્ણ રચનાઓ સમાવિષ્ટ થઈ છે, તો, સ્વામીનારાયણ સંપ્રદાય, જ્ઞાનમાર્ગી કવિતાધારાના સંતપરંપરાના ભક્તકવિઓ, ભક્તપરંપરાના કવિઓની રચનાઓનો સમાવેશ પણ થયો છે. સ્ત્રીકવિઓમાં રતનબાઈ અને કૃષ્ણાબાઈને બાદ કરતાં દિવાળીબાઈ, રાધાબાઈ, પુરીબાઈ જેવી કવયિત્રીઓની કવિતામાં કાવ્યતત્ત્વની વિશિષ્ટ સિદ્ધિ અનુભવાતી ન હોઈ તેમની રચનાઓનો સમાવેશ કર્યો નથી. તો બીજી બાજુ ઈમામ શાહ, ગણપતિ, કેશવદાસ, વાસણદાસ, રાઉલ ક્હાન, બ્રેહેદેવ, વાસુ, વસ્તો, યશોવિજય, ઉદયરત્ન, જિનહર્ષ, રુસ્તમ, તુલજારામ, શાંતિદાસ, રતનદાસ, કાળિદાસ, ભવાનીદાસ, આશારામ, નથુરામ, કૃષ્ણજી, અમીવિજય, હરિ ભટ્ટ, ગેમલ, મેઘ જીવો, ડુંગરપુરી, લખમો માળી, ધનો જેવા કેટલાય અલ્પપરિચિત કવિઓની ઊર્મિતત્ત્વપ્રધાન રચનાઓને અહીં સામેલ કરવામાં આવી છે. આમ, પ્રચલિત મધ્યકાલીન કવિઓની સાથે જ આવા અલ્પપરિચિત કવિઓની કવિતાનો પરિચય કરાવતું આ સંપાદન મધ્યકાળ સંદર્ભે અન્ય ભાષાના અભ્યાસીઓને તુલનાત્મક અભ્યાસ માટેની શ્રદ્ધેય સામગ્રી પૂરી પાડનારું સાબિત થયું છે. ભાષાંતર ભવન ચૅરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ઈ. સ. ૨૦૦૮માં ઉર્દૂ ગઝલના નક્કાદ જનાબ વારિસહુસેન અલવીના નેજા હેઠળ એલિસબ્રિજ જીમખાના ખાતે ગુજરાતી ગઝલને ઉર્દૂમાં ભાષાંતરિત કરવાનો વર્કશોપ યોજાયો હતો, તેના પરિણામરૂપે પ્રગટ થયેલું સંપાદન એટલે ‘અ અલિફનો અ’ (૨૦૧૦). આ સંપાદનનાં સહ-સંપાદક જનાબ રોશનખાન અને પૂર્વી ઓઝા છે. આ આખાય સંપાદનની સાક્ષી હોવાને નાતે મારે એ ખુલાસો કરવો જોઈએ કે આ સંપાદનમાં એ ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ ગઝલોનો ઉર્દૂ અનુવાદ નથી પરંતુ ઉર્દૂમાં આગંતુક ન લાગે તેવી ગુજરાતી ગઝલોના અનુવાદનો સંચય છે. ઉર્દૂ માટે આગંતુક લાગે એવી ઘણી ગઝલો અને ગઝલકારોને મને-કમને અહીં સામેલ કરી શકાયા નથી. એનું કારણ માત્ર એટલું જ ભાષાંતરની, ઉર્દૂ ભાષાની અદબ સચવાઈ શકે એની અનિવાર્યતાને સ્વીકારી એ પ્રકારની પરંપરાગત આધુનિક અને આજના સમયમાં લખાતી ગઝલોને અગ્રતાક્રમ આપ્યો છે. ક્યાંક મૂળ ગઝલની બહેર એની એ સચવાઈ છે, ક્યાંક છંદ-બહેર બદલવાનો ઉપક્રમ પણ સ્વીકાર્યો છે. ઉર્દૂ પછી ગઝલને માફક આવેલી ભાષા ગુજરાતી છે. આપણી ગઝલો માત્ર ઉર્દૂની સમકક્ષ નહીં, પણ ‘એક્સપોર્ટ ક્વોલિટી’ની છે. અલવીસાહેબે પણ સ્વીકાર્યું છે કે ગુજરાતી ગઝલમાં નાવીન્ય છે. આ નાવીન્યનો પરિચય કરાવવા જ આ ગઝલોને ઉર્દૂમાં લઈ જવાનો ઉપક્રમ રાખ્યો હતો. આ ઉર્દૂ અનુવાદમાં અનુવાદક તરીકે ‘વફા’ જોનપુરી, મુસાફિર પાલનપુરી, જયંત પરમાર, હનીફ સાહિલ, ડૉ. સતીન દેસાઈ ‘પરવેઝ’, જનાબ રોશન ખાન અને રશીદ મીર જેવા ઉર્દૂના જાણીતા ગઝલકારોનો લાભ મળ્યો હોઈ, આ સંપાદન આપણી ભાષાની ગઝલોને અન્ય ભાષામાં લઈ જવાનો સાર્થક ઉદ્યમ સાબિત થયું છે. પુસ્તકને અંતે કવિ પરિચય અને અનુવાદકોનો પરિચય પણ આપવામાં આવ્યો હોઈ પસંદ થયેલ ગઝલકાર અને અનુવાદકોના જીવન-સર્જનકાર્યથી ભાવકવર્ગ સુપેરે પરિચિત થઈ શકે. ભાષાંતર ભવન ટ્રસ્ટના ઉપક્રમે આ પૂર્વે ગુજરાતી એકાંકી અને અછાંદસ કવિતાના અંગ્રેજી અનુવાદો સંચયરૂપે સંગીત-નાટક અકાદમી અને ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે પ્રગટ કરેલા છે. ગઝલ માટે જેમ ઉર્દૂ એ નજીકની મિજાજ ભાષા લાગી છે તેમ અછાંદસ કવિતા માટે અંગ્રેજી ભાષા સંપાદકને વધુ અનુકૂળ લાગી છે. ગુજરાતી ભાષામાં અછાંદસ કાવ્યોનું પ્રતિનિધિ કરતો કોઈ એવો સંગ્રહ નહોતો ત્યારે ઈ. સ. ૨૦૦૮માં સંપાદક ચિનુ મોદી ગુજરાતી અછાંદસ કવિતાઓનો અંગ્રેજી અનુવાદ પ્રગટ કરે છે. અનુગાંધીયુગના જયંત પાઠકથી માંડી આધુનિક અને અનુઆધુનિક ૧૧૨ કવિઓની અછાંદસ રચનાઓ અહીં સમાવિષ્ટ છે. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાના ‘Foreword’ અને શ્રી શાલિની ટોપીવાળાએ ‘Afterword’માં આ અનુવાદપ્રક્રિયાને બિરદાવી છે. સંપાદક તરીકે અછાંદસ રચનાઓના ચયન સંદર્ભે સંપાદકશ્રીની સ્પષ્ટતા આ સંપાદનને વધુ પ્રમાણભૂત બનાવે છે. શ્રી ચિનુ મોદી લખે છે – "Therefore, I have taken special care to ensure that the Gujarati freeverse poems selected here, when translated, should touch the world of feelings of the readers in English. From the viewpoint of language, I have selected such poems which do not appears either outsider or artificial when translated into English. Further, these poems should be aiming at not specifically Gujarati but universal sensibilities. As far as possible I have not selected poems which express strictly Gujarati sentiments or experience. I thought that strictly gujarati folk-culture, Gujarati metre, Gujarati material would pose difficulties while being translated into English. Accordingly I have selected poems which had translatability. I am really sorry for not being able to include here so many free-verse poems I am so fond of. Some poems of unquestionable excellence of suresh joshi, Labhshankar Thaker. Prabodh Parikh etc. could not find a place in this collection although they are my favourities." (Achhaandas’, P. 4) ભાષાંતર ભવન ટ્રસ્ટ અને ગુજરાતી-હિન્દી સાહિત્ય અકાદમીના ઉપક્રમે એમણે ‘રાજેન્દ્ર શાહ કી કવિતાએં’ શીર્ષક હેઠળ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા આપણા અનુગાંધીયુગના મહત્ત્વપૂર્ણ કવિ શ્રી રાજેન્દ્ર શાહની ૧૦૧ રચનાઓના હિન્દી અનુવાદનું સંપાદન શ્રી ચિનુ મોદી અને ડૉ. કિશોર કાબરાએ કર્યું છે. ૨૪-૨૫ ઑગસ્ટ, ૨૦૦૨ના રોજ હીરામણિ વિદ્યાસંકુલ, અમદાવાદ ખાતે હિન્દી સાહિત્ય અકાદમીના નેજા હેઠળ યોજાયેલ બે-દિવસીય અનુવાદની કાર્યશિબિરનું આ સુ-ફળ છે. આ બંને સંપાદકોએ રાજેન્દ્ર શાહની અનુવાદક્ષમ્ય કવિતાઓનું ચયન એમના વિભિન્ન કાવ્યસંગ્રહોમાંથી કર્યું છે અને આ કાવ્યોનો અનુવાદ હિન્દી ભાષાના કવિઓ, સ્થાપિત સાહિત્યકાર અને હિન્દી-ગુજરાતી ભાષાના ૩૧ અધિકારી ભાષાંતરકારો દ્વારા કરવામાં આવ્યો છે. આ સંપાદનમાં રાજેન્દ્ર શાહની કાલજેય રચનાઓના અનુવાદનું કાર્ય કરી સંપાદકોએ ગુજરાતી સાહિત્યના એક શિરમોર કવિનો પરિચય ભારતીય ભાષાના સાહિત્યમાં કરાવવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે. આ સંગ્રહની વિશેષતા એ છે કે ગુજરાતી કવિતાઓનો હિન્દી અનુવાદ કરતાં મૂળ કવિતાને ઓછામાં ઓછી હાનિ પહોંચી છે. ‘શ્રાવણી મધ્યાહ્ન’ જેવા અનુવાદ માટે પડકારરૂપ રચનાનો સહજ અનુવાદ એ વિષયવિશેષજ્ઞ એવા આ સંગ્રહના બંને સંપાદકો અને ડો. કિશોર કાબરાની અનુવાદક તરીકેની હથોટીનો પરિચય કરાવે છે. સ્વયં રાજેન્દ્ર શાહને આ કાવ્યને હિન્દીમાં રચ્યું હોય એવી સહજતા અહીં અનુભવાઈ છે. ગીતરચનાઓ, સૉનેટમાં આવતું વિષયવૈવિધ્ય, લોકગીતોનો ઢાળ, રાજસ્થાની અને વ્રજભાષાના સંમિશ્રણવાળાં ગીતો, ભક્તિપરંપરાની યાદ અપાવે એવા ભિન્ન પદબંધ, ભવાઈ અને સંવાદાત્મક ગીતો, અછાંદસમાં પરોવાયેલા લયાત્મક ટુકડા આ સર્વનું એનાં સૌંદર્ય અને વિશેષતા જાળવી થયેલો અનુવાદ કાબિલેદાદ છે. ગઝલસ્વરૂપના અધિકારી સર્જક-વિવેચકને નાતે ગઝલવિષયક સંપાદનો સાંપડે જ એમાં કશી નવાઈ નથી. ‘ગુજરાતી પ્રતિનિધિ ગઝલો’ અને ‘ગમી તે ગઝલ’ એ ગુજરાતી સાહિત્યની નીવડેલી ગઝલોનાં સંપાદનો છે. તો કૈલાસ પંડિત સાથે ૧થી ૨૦ ભાગમાં તૈયાર થયેલ ‘સુખનવરશ્રેણી’ ગુજરાતી ગઝલ શતાબ્દી વર્ષ નિમિત્તે એમણે ગુજરાતી કવિતાસાહિત્યને ધરેલી બહુમૂલ્ય ભેટ છે. ગુજરાતી ગઝલ આરંભાઈ ત્યારથી લઈ ગઝલના પાયાના ગઝલકારો અને પોતાના સમકાલીન ગઝલકારોની ગઝલકાર તરીકેની વિશેષતા-મર્યાદાને પ્રગટ કરતા સંપાદકીય અને એ ગઝલકારની પ્રતિનિધિ ગઝલોને આવરી લેતી શ્રેણી છે. સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘ગુજરાતી પ્રતિનિધિ ગઝલો’ના આરંભે મુકાયેલ ‘ગુજરાતી સાહિત્ય સ્વરૂપ અને ગુજરાતી સાહિત્યમાં તેનો વિકાસ’ લેખ ગઝલના આંતરબાહ્ય રૂપ સાથે ગઝલની વિકાસરેખાને મૂકી આપનારો અભ્યાસપૂર્ણ લેખ છે. નવા-જૂના સૌ ગઝલકારોની એક પ્રતિનિધિ ગઝલનો અહીં સમાવેશ થાય છે. જોકે હજુ આવું એક આખું સંપાદન થઈ શકે એટલા નવા ગઝલકારો બાકી રહ્યા છે એવો સંપાદક તરીકે એમણે કરેલો એકરાર ભવિષ્યમાં એમના થકી આ કાર્ય થશે એવી સંભાવનાને વ્યક્ત કરે છે. ચિનુકાકા હજુ વધુ જીવ્યા હોત તો આ સંપાદન પણ આપણને મળત એમાં કોઈ બેમત નથી. આ બધાં સંપાદનો માટે છેવટે એટલું ચોક્કસ કહી શકાય કે આ સંપાદનો શ્રી ચિનુ મોદીની અભ્યાસનિષ્ઠા, સતત અને સાતત્યપૂર્ણ કરેલી સાહિત્યસાધનાનાં પરિણામ છે. સર્જકસંબંધી કે સ્વરૂપસંબંધી સંપાદનો તો ખરાં જ પણ ગુજરાતી સાહિત્યનાં એકાંકીઓ, અછાંદસ કવિતાઓ અને ગઝલોને અનુક્રમે અંગ્રેજી અને ઉર્દૂમાં અનુવાદ કરાવવાની કાર્યશિબિરો કરી, એના પરિપાકરૂપે આપેલાં સંપાદનો એમનું ગુજરાતી સાહિત્યના સંપાદનક્ષેત્રે કરેલું મહત્ત્વનું કાર્ય છે. આપણી ભાષાના સર્જનનો પરિચય અન્ય ભાષારસિકોને થાય તેવી તેમની ખેવના પાછળ એમની સાહિત્યપ્રીતિ ભાષાપ્રીતિ જ જવાબદાર ગણી શકાય. જે હાથવગું હોય એને મૂકી આપવાનો એમનો સ્વભાવ નથી એની પ્રતીતિ આ સંપાદનો કરાવે છે. જે તે વિષયના નક્કર અભ્યાસી-વિવેચક સર્જકને સહસંપાદનમાં સાથે રાખવાની એમની સંપાદકીય સૂઝ એમનાં સંપાદનોને ફળી છે.

(પૃ.-૨૨૮-૨૪૦ ચિનુ મોદી સ્મૃતિ વિશેષાંક અંક -૧૯૨)