રણજિતરામ ગદ્યસંચય – ૧/સાહેબરામ

Revision as of 03:08, 16 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
સાહેબરામ

[૧]

‘ઓ ગવર્નર આવ્યો’ કૉલેજના કમ્પાઉંડના આગલા છેડે ઊભેલા વિદ્યાર્થીઓમાંથી હાકલ ઊઠી અને ભરતીની માફક કૉલેજના વરંડા લગી ફરી વળી. હાકલ સાંભળતાં જ જાદુઈ અસરથી પ્રેર્યા સર્વે રસળતા કે શરમાતા વિદ્યાર્થીઓ રસ્તા પર પડતી વાડ ભણી દોડ્યા. ગવર્નરના દર્શનની ઉત્કંઠાને મર્યાદામાં રાખવી પડતી હોવા છતાં પોતાની સહજ મંદગતિમાં સહેજ વેગભરી વિદ્યાર્થિનીઓ વરંડાની રસ્તા પર પડતી બારીએથી ગવર્નરને પોતાની અનુપમ સૌંદર્યલક્ષ્મીથી વધાવવા ચાલી. પણ ઉત્કંઠાનો હર્ષ વીજળીના ઝબકારા જેમ અદૃશ્ય થઈ ગયો. સૌંદર્યનો ઝળઝળ થતો પ્રકાશ હતાશાના વિષાદથી શામળો પડી ગયો. કચવાટના ગુસ્સાથી મુગ્ધ આંખોમાં આગ સળગી રહી. આખા શરીરમાં અંતરાય નાંખતા હીચકારાપણાને ભસ્મ કરવાનું સત ચડ્યું હોય એવું ચેતન સળગી રહ્યું અને વસ્ત્રોના ફરફરાટથી આવિર્ભાવ પામ્યું. તેમના મનોગગનમાં એક ક્ષણમાં અબળ સબળ અનેક સ્ફુરણો ઉભરાયાં અને શરીરની રગમાં વહેતા લોહીનો વેગ હળવો ઉતાવળો કરી નાંખ્યો. ઊડતી ધૂળથી અને ઘોડાના ડાબલાના અવાજથી ગવર્નર છેક નજીક આવ્યાનું જણાતાં સુન્દરીઓ ઊભી હતી ત્યાં જ રહી હૃદયના ઉમળકામાં રોષની આહુતિ આપી દેશપતિની ઝાંખીથી કૃતકૃત્ય થઈ. કૃતકૃત્યતાના ઉલ્લાસમાં અને દર્શનોત્તર વિસર્જનની ધમાલમાં સુન્દરીઓ પોતાનો પરાભવ વિસરી ગઈ તેમ એમને હેરાન કરનારાઓનો ક્ષુદ્ર આહ્લાદ પણ શમી ગયો. હૉકી રમવા જતાં એક સુન્દરીએ તિરસ્કાર અને ધિક્કારનું નજરબાણ બારીને અઠીંગી વિચારમાં ડૂબેલા સહાધ્યાયીને માર્યું. બાણની ચોટ બરાબર લાગી. ધિક્કારની નજર ખમી ન શકતો હોય, મહાપાતકની વેદનાથી જળતો હોય તેવો તેને કોઈ જોનાર હોત તો જોઈ શકત. ગવર્નર જોવા મળેલી મેદની વેરાઈ ગઈ. ઘણા ખરા વિદ્યાર્થીઓ ઘરને રસ્તે પડ્યા; કેટલાંક ગ્રંથાલયમાં વર્તમાનપત્રો વાંચવા બેઠા તો કેટલાક શોખ પ્રમાણે ક્રિકેટ, ફૂટબૉલ કે ટેનિસ રમવામાં પ્રવૃત્ત થયા. સૂર્યનો તડકો પણ આસ્તે આસ્તે મોળો પડવા લાગ્યો. અને કૉલેજના મકાન પર થઈને પાછળ સરી પડવા લાગ્યો. દરવાજા આગળ ગાડી આવતી જોતાં જ અમરનાથ ખુરસી પરથી ઊઠ્યો. છાપું હાથમાંથી મૂકી દીધું. છત્રી અને પુસ્તકો લઈ ગાડીમાં બેસવા પગથિયાં તરફ ગયો ત્યાં વરંડાને સામે છેડે સાહેબરામ સૂનમૂન ઊભેલો દેખાયો. આસપાસ ટેનિસ અને ક્રિકેટના ખેલાડીના ગોકીરાથી જરા પણ રમતમાં ભાગ લેવા કે રમતનો બહાર નિહાળવા ખેંચાયા વિના—બહાર ફરતી વૃત્તિઓને સંકેલી લઈ અંતરમાં નિમગ્ન થયેલો હોય એવો એ જડભરત ઊભો હતો. ‘કેમ, સાહેબ, ઘેર આવવું છે ને?’ એમ બોલતો અમરનાથ પગથિયા પર ન ઊતરતાં તેની પાસે ગયો. ‘કેમ તબિયત તો ઠીક છે ને? તાવ આવ્યો હોય કે માથું દુઃખતું હોય એવો ચહેરો લાગે છે. આવો છો ને સાથે ગાડીમાં?’ નમેલી પાંપણ ઊંચી કરી, નિશ્ચલ ડોળાને ચંચળ કરી સાહેબરામ શરીર પર બેઠેલા ઓથારને ખંખેરી અનુતાપની ગ્લાનિને લહેરમાં ફેરવવાનો પ્રયત્ન કરતો ઊભો હતો ત્યાંથી ખસ્યો. ‘અમરનાથ, કોણ જાણે અસુખ જેવું લાગે છે. અહીં કેટલી વાર થઈ તેનું ભાન રહ્યું નથી. અહો સાંજ પડી ગઈ ને! પણ તમે કેમ હજુ ગયા નથી!’ ‘ગાડી નહોતી આવી એટલે ‘ગ્રાફિક’નાં ચિત્રો જોતો હતો. ચાલો જઈશું?’ ‘હા. ચાલો.’ આમ વાત કરતાં પગથિયાં ઊતરી બન્ને ગાડીમાં બેસવા ગયા. બારણું ઉઘાડી ગાડીવાન ઊભો હતો. ‘કેમ આજે ગાડી લાવતાં અસૂરૂં થયું કંઈ ગોવિંદ? શેઠસાહેબ તો ગવર્નરની પાર્ટીમાં ગયા છે, નહિ?’ ‘જી, નાળબંદ મોડો આવ્યો અને ઘોડી તોફાને ચડી એટલે વાર થઈ ગઈ. શેઠસાહેબ, જી, બારણે પધાર્યા છે મોટરમાં.’ ‘અમરનાથ, જરા થોભશો?’ ગાડીના પેગડા પર પગ મૂકતાં સાંભર્યું હોય તેમ પગ પાછો લઈ લેતાં સાહેબરામ બોલ્યો, ‘કાલે રવિવારે સવારે તમારે બંગલે ટેનિસ ટૂર્નમેન્ટ છે તે અત્તર ઘડી જ યાદ આવ્યું.’ મોઢું, ફેરવી ટેનિસના દડા આપનાર છોકરાને પોતાનું રૅકેટ લાવવા યથાસ્થિત સૂચના આપી મોકલ્યો; દરમિયાન બન્ને સહાધ્યાયીઓ રમત નિહાળવા લાગ્યા. ‘યુરોપીયન જીમખાનામાં ટૂર્નમેન્ટમાં તમને ઇનામ મળેલું તે જ આ રૅકેટ ને?’ ગાડી દરવાજો વટાવી સડકે સડસડાટ ચાલવા લાગી ત્યારે શાંતિનો ભંગ અમરનાથે કર્યો. ‘હા, એ જ. કાલ ટૂર્નમેન્ટ છે અને છતાં અત્યારે પ્રેક્ટિસ કરવી રહી ગઈ.’ એમ સ્પષ્ટ–અર્ધસ્પષ્ટ શબ્દો બોલતાં કોઈક ઓળો મનશ્ચક્ષુ સમીપ આવ્યો હોય અને તેથી ત્રાસતો હોય એવો સાહેબરામ કંપ્યો. ‘સાહેબરામ, ઓણ હોડીની શરતમાં કૉલેજ તરફથી તમે ઊતરવાના છો કે?’ નદીકાંઠે ગાડી આવતાં અમરનાથે પૂછ્યું અને ઉમેર્યું, ‘જુઓ બોટ કલબવાળાઓ હલેસાં લઈ મંડી પડ્યા છે.’ ‘અલબત્ત ઊતરવું છે જ. થોડા દિવસ પછી ‘રિગેટા’ છે. તમે કેમ કશામાં ભાગ નથી લેતા? સેનાબહેન અને શેઠસાહેબને રમતગમતનો ભારે શોખ છે. તમારે સાધનોની ક્યાં ખોટ છે? મને તો જેટલી મોજ લેસન કરવામાં પડે છે તેટલી જ રમવામાં પડે છે. ‘સબમેં હમેરા લગતા હૈ’ એવી અમારી પાસે તો વાત. તબિયત એવી સરસ રહે છે અને મનની પ્રસન્નતાની તો વાત જ શી? હજુ લગી કોઈ દિવસ મને તાવ આવ્યો નથી કે માથું દુઃખ્યું નથી. માનશો?’ ‘ભાઈ તમે પૂરા ભાગ્યશાળી. હું તો સોમ સાજો અને મંગળ માંદો. શેઠસાહેબ કહે કે તરવાનું શીખો, ન છૂટકે બંગલાના હોજમાં પડ્યો. રાતે શરદી, ઉધરસ અને તાવ આવ્યાં ને પંદર દિવસ મહેમાન રહ્યાં. ચાર દહાડા થયા માંડ તબિયત ઠેકાણે આવી છે. પવને ઝાંપો વસાયલો હોય એવું તકલાદી શરીર એકે કસરત જીરવી શકતું નથી. પણ ભલા, તમારી તબિયત આટલી બધી તંદુરસ્ત છે ત્યારે અત્યારે શું થઈ ગયું હતું? સૂનમૂન કેમ બારી પાસે ખોડાઈ રહ્યા હતા?’ હસતાં હસતાં અમરે પૂછ્યું. સાહેબરામ વાતચીતમાં, આસપાસના દેખાવો જોવામાં, દિલ મથી નાંખતા પ્રસંગને ફેંકી દેવા મથતો હતો, પણ તે એને છોડે એમ નહોતું. અમરનાથે તે પ્રસંગ પાછો જગાડ્યો. મનની મૂંઝવણો ચિત્તને ઈતર વ્યાપારમાં રોકવાથી તેટલો વખત વિસારે પડે છે; અથવા કોઈ ઉત્સાહક કે પાવક પ્રસંગમાં પડવાથી તેનાં ઉન્નત વાતાવરણમાં મૂંઝવણના વિષાદનું બાષ્પીભવન(Sublimation) થાય છે; યા તો મૂંઝવણ સહૃદય સંમુખ નિવેદન કરવાથી—સહૃદય મળે યા ન મળે, બલ્કે ચેતનહીન પદાર્થ ભલે હો ને, પણ તે સમક્ષ મૂંઝવણ કહી નાખી શકાય તોપણ સ્વાસ્થ્ય મળે છે. સીધો સવાલ થયો એટલે છેલ્લો ઉપાય મૂંઝવણનો ભાર હલકો કરવા લેવો એ બહેતર છે. ઉડાવનાર જવાબથી એક પાતકમાં બીજું ઉમેરવું પડશે. અમરનાથ મારી સ્થિતિ સમજવાનો તો નથી પણ બિચારો ધ્યાન દઈને સાંભળશે તો ખરો, માટે લાવ કહી નાંખું—આવો નિશ્ચય કરી સાહેબરામ બોલ્યો: ‘ભાઈ બહુ મોટી વાત નથી.’ ‘મોટી વાત નથી ત્યારે વિચારમાં કેમ પડી ગયા હતા? ધીરજરામ હમણાં સાઇકલ પર ગયો ને સલામ કરી તે પણ પાછી વાળી નહિ એવાં શેમાં ગુલતાન થયા હતા?’ ‘ધીરજરામ! હમણાં જ અહીંથી ગયો?’ આવો ઉદ્ગાર કાઢતાં અંતરમાં જ્વાળા ભભૂકી : ‘હરામખોરનાં કારસ્તાને મને ભૂલવ્યો! પણ જવા દ્યો એનું નામ.’—મનના વિચારોને મનમાં શમાવી બોલ્યો, ‘આજે કૉલેજ આગળથી ગવર્નર જવાનો હતો તે જોવા આપણે સૌ રોકાયા હતા; તમે ક્યાં રહીને જોયો?’ ‘મેં તો વાડ આગળથી. તમે તો વરંડાની બારીએ ઊભા હતા નહિ?’ ‘હા. ધીરજરામ અને એના સોબતીઓ બારી પાસે ઊભા હતા. હું મેડેથી ઊતરી વાડ તરફ જતો હતો ત્યાં એણે મને બોલાવ્યો. હું ગયો અને અમે ઠઠ્ઠામજાકમાં પડ્યા. અમારેથી થોડી દૂર લેડી સ્ટુડન્ટ્સ ઊભાં હતાં. ગવર્નરના આવવાની ખબર થઈ કે બારી તરફ સુન્દરીઓ વળી. અમે પણ વાડ આગળ જતા હતા એટલે એમની સગવડ મોકળી થતે. ત્યાં સેતાન અમારામાં આવ્યો અને તેમને ખાસ હેરાન કરવા અમે ખસ્યા નહિ. તે બિચારીઓને પાછા ફરવું પડ્યું. એ દેખાવ.’ ‘સાહેબ, આપનું મકાન આવ્યું.’ ગોવિંદ ગાડીવાળે વાતમાં ભંગ પાડ્યો. ‘ચાલો, અમરનાથ, સાહેબજી, હવે તો કાલે સવારે ટૂર્નમેન્ટમાં વખતે મળશું.’ ‘કેમ કાલે સવારે? આજે રાત્રે પ્રાર્થનાસમાજમાં કીર્તન સાંભળવા તથા આવવાના? શેઠસાહેબે પોતાની સાથે મને જવાનું કાલનું કહી રાખ્યું છે.’ ‘હા! હા! ઠીક સંભાર્યું. ચાલો ત્યારે good bye નહિ પણ au revoir, રાતે જરૂર મળશું.’

*

વ્યથિત સાહેબરામ પોતાના નિવાસમાં ચડ્યો. ગાડીના ખખડાટથી પત્નીને પોતાના આવ્યાના ખબર પડ્યા હશે એમ ધારી તેની રાહ જોવા લાગ્યો. હીંચકા ખાતાં ખાતાં વારે વારે તે બારણાં ભણી આંખ વાળતો. પગલાં સંભળાયાં. થાકેલી આંખોમાં કંઈ એવું તેજ આવ્યું કે આંધી મટી ગઈ ન હોય ને! રાત્રિનો અંધકાર સરતાં પ્રભાતનું જેવું સૌમ્ય ઉત્સાહક તેજ પ્રગટે છે. તેવું તેજ આંખોમાંથી મોં પર પ્રસરવા લાગ્યું. પત્નીને બદલે નોકરને ખાવાનું લઈ આવતો જોતાં જ તેનું તમામ તેજ ઊડી ગયું. લાગણીઓ ખંડિત થવાથી આંધી વિશેષ વધી. નોકરને પૂછતાં માલૂમ પડ્યું કે પત્ની પોતાની પડોશણને રુચે એવું રાંધી આરોગાવવામાં ગુંથાયેલી છે. પડોશી પ્રત્યેનો અતિથિધર્મ અત્યારે એને પતિ પ્રત્યેના અતિથિધર્મથી વધારે ઊંચો લાગ્યો હતો. સહચરીના વહાલપમાં અંતરમાં સળગતી આગ હોલવવાની સાહેબરામની ઉમેદ ધ્વસ્ત થઈ. પડોશણ પર સહેજ ખાજવાયો. જનસેવા અને પાતિવ્રત્યમાં કયું ચડિયાતું એવા કૂટ પ્રશ્નની મીમાંસા પણ તેને સૂઝી નહિ; સાહેબરામને સમભાવી હૃદય જોઈતું હતું; જે હૃદયમાં પોતાનું હૃદય શમાવી શાંતિ મેળવાય. ઘરકામમાંથી પરવારી સંજીવની ઉપર આવી શકી નહીં; એકલાં પડી રહેવાથી સાહેબરામનો પરિતાપ સહેજ પણ હોલવાયો નહીં.

[૨]

‘સાહેબજી, હજુ કીર્તન શરૂ નથી થયું? તમે કાંઈ બહાર ટહેલોં છો?’ ‘મહેરબાન, સાહેબરામ! તમે કાંઈ આજ આટલા મોડા! કલેક્ટર અને ગુલાબદાસની કીર્તન રાહ જુવે છે.’ ‘જુઓ તો ખરા ચાંદની કેવી ખીલી છે! ઝાડોની ઘટાની પાર ધારની હાર પર અને ખીણોમાં કેવો પ્રકાશ પથરાઈ રહ્યો છે! મને તો મીઠી શીતલ ચાંદનીમાં ટહેલવું બહુ ગમે છે.’ ‘આજની ચાંદની પણ ઓર છે. સ્વર્ગમાંયે આવી જ્યોત્સ્ના નથી એવું ચાર દિવસ પર ભાગવતના પારાયણમાં સાંભળ્યું હતું. પ્રકાશમાં શૈત્ય છે, માધુર્ય છે, ઉત્સાહ છે, મદ છે, અયેશમોઝ છે લેકિન ભક્તિ પણ છે.’ ‘અક્કલના ખાં! આ જ તો દેવી સીનીવાલી સોહાગણ છે.’ ‘આઈએ અક્કલના દુશ્મન માતાદીન સા’બ! આપ દવે કે તરવાડી છો? સોહાગણરાણીએ દાનદક્ષિણામાં શાલ–પામરી આપી છે તે કેમ ઓઢી નથી લાવ્યા?’ ‘બફારો લાગવાથી બહાર ઠંડકમાં આવ્યો અને ટાઢથી ધ્રૂજતો તું આવે ત્યારે ગરમાવો આણવા, ધીરજરામે તારી જગ્યા રાખી છે ત્યાં શાલ પામરી મૂકતો આવ્યો છું.’ ‘સાહેબરામ! હાજરજવાબમાં તમે માતાદીનને પહોંચી વળો એમ નથી. ચાલો હવે અંદર જઈએ. ભાસ્વતીએ સિતાર બજાવવી શરૂ કરી.’ બાલકરામે નર્મ આલાપ પતાવરાવ્યો. ‘હા! ભાસ્વતી! પાછી ભાસ્વતી! તારા સામે આ પાપી અધમ મુખ શી રીતે જોઈ શકશે?’ આવું વિમાસતો તે ભાન વગર માતાદીનની પાછળ પાછળ જઈ ધીરજરામની સાથે બેઠો; બેઠો ત્યાં અમરનાથે ઇશારતથી બોલાવ્યો, એટલે શુધ આવી કે ક્યાં પાછો નરકમાં જઈ ફસાયો! નછૂટકે બેઠો અને કળે ભાગી જવાની રાહ જોવા લાગ્યો. સંગીત શરૂ થયું. કીર્તનની નાંદી થઈ. દેખાવમાં શ્રોતાઓ શાંત પડ્યા હતા, પણ ધીમી ધીમી ટીકાઓ ગુસપુસ ગુસપુસ થયા કરતી હતી. ધીરજરામ અને માતાદીનનો ટોળી મજાકખોર સ્વભાવ પૂરવેગમાં જામ્યો હતો. તેમની ક્ષુદ્ર – કેટલીકવાર બિભત્સ – મશ્કરીથી સાહેબરામનાં રૂંવેરૂવાં ઊભાં થતાં. બહાનું કાઢી ઘેર નાસી જવાની વૃત્તિ ઉદ્ભવતી હતી. એવામાં અદ્ભુત દર્શન થયું. એની કલ્પના યોગ્ય ઈંધન મળતાં સળગી ઊઠી; એ મનમાં ને મનમાં ગણગણવા લાગ્યો : ‘ભાસ્વતી! પ્રકાશમાં સંગીત અને ભક્તિથી તારી આનનશ્રી અલૌકિક થઈ ગઈ છે, તારી આંખોમાં આટલાં બધાં સૂર્ય ચન્દ્રનાં કિરણો કે’ દી સંઘરી રાખ્યાં હતાં? તારું પ્રતાપભીનું ઓજસ વીજળીની રોશનીને પણ ઝાંખી કરી નાંખે છે. કેટલી બધી પવિત્રતા આનનના અવયવે અવયવમાંથી ફૂટી નીકળે છે! તું ભારતની તિરસ્કૃત સુન્દરી છે કે ફેરસ્તા સાથે સરી આવેલી સિદ્ધાંગના છે? તારો કંઠ પણ આજ અજબ કોળ્યો છે. ભાવ અને સૂરનું કાંઈ એવું અવર્ણ્ય અકલિત ઐકાત્મ્ય થઈ ગયું છે કે મારા હૃદયસાગરમાં લાગણીઓનું તોફાન ઉછાળા મારી ઊઠ્યું છે. ગજબ છે તારા સિતારાને! તારા સૌંદર્ય, સૌષ્ઠવ અને સ્વરની પ્રભાવી પવિત્રતા ચંદ્રના કિરણ જેવી તારી આંગળીઓમાં યોગનું સામર્થ્ય બતાવી રહી છે. તું ક્યાં છે? જગતના ચોકની વચ્ચે તને ફિટકારતાં ટોળાંથી વીંટળાએલી તું ઊભી છે. પણ ભક્તિની ધૂનમાં ક્યાં છે તને દરકાર એમની અવહેલનાની? પવન પણ થંભી ગયો છે ખંડમાં તને જોવા કે સાંભળવા! સમાધિ તારા હૃદયમાં કેવા સૂક્ષ્મ ધબકારા મારે છે! પગમાં કેવો આછો કંપ લાગે છે! તારો પહેરવેશ, તારા અલંકાર, તારું પ્રસાધન રોજ ઉછાંછળાં લાગતાં – અત્યારે મારામાં રહેલા કલિને વરુણપાશથી બાંધી લે છે; ને મારી સદ્વૃત્તિઓને બ્રહ્માના કમંડળનું જળ છાંટી પ્રફુલ્લ કરી દે છે. દેવી! ઈશ્વરી! માયા! તારું અને તારી સહિયરોનું મેં આજે અપમાન કર્યું! હાય! નરાધમ! હજુ પણ તારી ગર્હણી કાનમાં પ્રવેશતી અટકાવી શકતો નથી. બહુ થયું! બહુ થયું! નથી ખમાતું! ક્યાં આવી ભરાયો આ રાક્ષસકુલમાં બાનુ!‘ ‘સાંભળ્યું, સાહેબરામ! પ્રાર્થનાસમાજના ઈશ્વરને હાથ, મોં, પેટ નથી હોતાં પણ એકલા ટાંટિયા હોય છે.’ ધીરજરામની અક્કલે સાહેબરામની વિચારમાળા તોડી નાંખી. ‘એ તો અંધ હસ્તીન્યાયથી બિચારા કહે છે કે અમે ચરણસ્પર્શનો અધિકાર મેળવ્યો છે. દૂંટીમાંથી ઊગેલા કમળ પર બેઠેલા બ્રહ્માને વિષ્ણુનું પૂરું દર્શન ન થયું તો આ બિચારાઓ શી વિસાતમાં?’ ‘પારાયણ ઠીક સદ્યું લાગ્યું છે ભાઈને!’ મુકુંદરામે ટકોર કરી. ‘ધીરુ, સાહેબો દૂધ અને દહીંમાં પગ રાખે છે. મંદિરે દર્શન કરવા જાય છે અને રવિવારે અહીં પણ આવે છે. ને મિયાંભાઈ પરવાનગી આપે તો જુમાની નિમાજ પઢવા મસીદમાં પણ જાય એવો છે.’ માતાદીને સાહેબરામને ઊંચકવા તજવીજ કરી, મજાકનો નવો ભોગ પકડવા જાળ નાંખી. ‘દૂધ અને દહીંમાં પગ રહેતા હોત તો બાદશાહી હતી જ ને, આ તરસ લાગી છે, તે ફટ દઈને પી લેત ને? બહાર ઊઠીને સોડા લેમન પીવા તો ન જવું પડત. ચાલો તમારે કોઈને આવવું છે?’ જોઈતો લાગ હાથ આવ્યો સાધી માતાદીનના ટાંટિયા તેના જ ગળામાં ભેરવી અપ્રિય સોબતમાંથી સાહેબરામ છટકી બહાર ચાલ્યો ગયો. ચક્રધરને ઝોકું આવવાથી તેની પાઘડી પડી તેની હસાહસમાં ધીરજરામની મહેફિલ વીખરાયા વિના બેસી રહી અને સાહેબરામના નિષ્ક્રમણ માટે બેદરકાર રહી. મંદિરના આંગણામાં પૂર્વોત્તર કોણમાં સોડાવાળાનું હાટ હતું. કંઠનો શોષ છીપાવવા ત્યાં જતાં ઉત્તરસ્થ દ્વારના ઉંબર ઉપર ઊભેલી સુંદરીએ સાહેબરામને બોલાવ્યો, ‘કોણ સાહેબરામભાઈ!’ ‘જી, હા! કેમ શો હુકમ છે, સેનાબહેન! તરસ લાગી છે?’ ‘હા, ભાઈ, આઈસક્રીમ, સોડા અને બરફ મંગાવી દ્યો તો મહેરબાની. ગળું સૂકાઈ જાય છે.’ ‘તમારે જ એકલાને માટે? શેઠસાહેબ અને અમરનાથને પણ તરસ નહિ લાગી હોય?’ ‘ત્યારે ત્રણ ગ્લાસ મોકલાવો. પછી તમે અંદર જઈ શેઠસાહેબને બહાર મોકલજો.’ હાટમાં જઈ ત્રણ ગ્લાસ તૈયાર કરાવી સેનાની કને મોકલાવ્યા અને પોતાનું સૂકું ગળું ભીનું કરી મંદિરમાં ગયો. શેઠ ભૈરવનાથ અને અમરનાથને સેનાનો સંદેશો પહોંચાડ્યો. ‘સાહેબરામ, અમારી જગ્યા પર બેસો. મારે તમારું કામ છે. અમરનાથ સાંકડે મોકળે બેસશું. અથવા ઘામ થતો હોય તો, જરા વાડીમાં આંટો મારજો.’ એવી આજ્ઞા ફરમાવી શેઠ પુત્રી પાસે ગયા. કેવું ધન્યભાગ્ય! ભાસ્વતી, સંકલ્પકિશોરી, કુંદલતા અને મેધાનાં આ માંસમેદનાં સ્થૂલ શરીર છે? લક્ષ્મી, પાર્વતી, સરસ્વતી વગેરે ઈશ્વરીઓની સિદ્ધિ શક્તિઓ ઝાંખી પાડી નાંખે એવો ઓજસ્વી પ્રભાવ એક એકથી ચડતો આ મનુની આત્મજાઓનો છે. મીરાંને લક્ષ્મીનું સ્થાન રણછોડજીએ આપ્યું હોય તો અજાયબ જેવું શું? અત્યારે આ દેવીઓ વરદાન માગવાનું કહે તો પ્રહ્લાદની માફક એટલું જ માગું :

अहं त्वकामस्त्वद् भक्तस्त्वं च स्वाम्यनपाश्रयः ।
यदि रासीश मे कामान्वरांस्त्वं वरदर्षभ ।।
कामानां हृद्यसंरोहं भवतस्तु वृणे वरम् ।।
विमुंचति यदा कामान् मानवो मनसि स्थितान् ।
तर्ह्येव पुंडरीकाक्ष भगवत्त्वाय कल्पते ।।

‘સાહેબરામ, આજ ઊલટા જ્ઞાનમાં ક્યાં ગબડ્યા?’ ભાગવતના શ્લોક સહેજ ઓઠ બહાર સાહેબરામથી કઢાઈ ગયા તે બહારથી આવતાં ભૈરવનાથે સાંભળ્યા. ‘આપણે કામનાઓથી છૂટી મોક્ષ મેળવવાનો નથી. કામનાઓ પવિત્ર કરી સેવા એમનાથી સાધવાની છે.’ ‘જી, ઓસાણ ન રહ્યું. આજ કામનાથી ભડકું છું: ભાગવતકારનો વૈરાગ્ય આજ કજળાવે છે.’ ‘રસ્તામાં આવતાં અમરનાથે કૉલેજમાં બનેલો વૃત્તાંત કહ્યો હતો. સેનાને અને મને લાગ્યું કે તમે અસ્વસ્થ અને ઉદ્વિગ્ન આજ કીર્તનમાં આવશો તો વધારે મૂંઝાશો. પણ તમને પ્રવેશતાં જ તમારી બિરાદરીમાં જઈ બેસતાં જોયા ત્યારે અજાયબી થઈ – નિરાંત પણ થઈ.’ ‘કસૂર તો મોટી થઈ છે. પણ એકદમ વિચ્છેદ પાડી શકતો નથી.’ ‘તમારા સુશીલ સૌજન્યથી એ બની શકે એમ નથી. આપણું અપરાંતિક આટોપીએ. સંકલ્પકિશોરીએ પ્રહ્લાદની સ્તુતિ ગાવા માંડી છે. શી એની શિરીન હલક છે, અને અભિનય તો કમાલ.’ ‘...हृदि निर्वृतो हृष्यत्तनुः क्लिन्नश्रुलोचनः કિશોરીની અવસ્થા લાગે છે. ભક્તિમાં ગળી ગઈ છે. મોં પર કેવું તેજ પથરાઈ રહ્યું છે! ગ્રીવાની રગો પણ ઈશ્વરસ્તુતિ કરવા હર્ષથી કેવી ફૂલે છે!’ ‘સાહેબરામ, આત્મનિવેદનનો ભાવ અને માનવશક્તિની મર્યાદાનો અનુભવ શબ્દો કરતાં ધ્વનિ અને ધ્વનિ કરતાં એની આંખોની નિમિષ ઘડીક, તો ઘડીક અનિમિષ ઊંડી ઊંડી ગંભીરતાથી કેવી સચોટ લાગણી જણાવે છે? ભૈરવનાથ ગાનારી સામું જોઈ શેનું શેનું પાન નહિ કરતો હોય?’ ‘પ્રભુનાં સ્વરૂપ સામર્થ્યનાં વિનીત વર્ણનથી ચડી જાય એવી ભક્તિની પરાકાષ્ટા આવી.’ સાહેબરામના હોઠ હાલ્યા અને સંસ્કૃત સ્તોત્ર સ્ફુટ-અસ્ફુટ ઉચ્ચારવા લાગ્યો:

एवंजनंनिपतितं भववैतरण्यामन्योऽन्य जन्ममरणाशन भीतभीतम् ।
पश्यन्जनं स्वपरविग्रहवैरमत्रं हतेति परिचर पिबृहि मूढमद्य ॥
कोन्वत्र तेऽखिलगुरोभगवन्प्रयास उत्तारणेऽस्य भवमं भवलोपहेतोः
मूढेषु वै महदनुग्रह आर्तबंधो किं तेन ते प्रियजनाननुसेवतां नः ॥
नवोद्विजे परदुरत्यय वैतरण्यास्त्वद्वीर्यगायनमहामृतमग्नचित्तः ।
शोचे ततो विमुखचेतस इंद्रियार्थमायासुखाय भरमुद्वहतो विमूढान्
प्रायेण देवमुनयः स्वविमुक्तिकामा मौनं चरंति विजने न परार्थनिष्ठाः
नैतान् विहाय कृपणान् विमुमुक्ष एको नान्यं त्वदस्य शरणं भ्रमतोनुपश्ये ।

‘તમારી યાદદાસ્ત સારી છે. હવે ઠેકાણે આવ્યા. ભક્તિ વિના મોક્ષ નહિ. માટે દાસ્યનો જ અનુગ્રહ જોઈએ છીએ ને તમારે?’ ‘નકરા દાસ્યનો અનુગ્રહ અધૂરો છે. સ્વામિત્વનો વર પણ મારે જોઈએ છીએ. મને તો પ્રાચીન દર્શને સંતોષ આપતું નથી. પ્રાર્થનાસમાજ જેવા નવા પંથમાં ઊણપ એટલી બધી છે કે સંતોષની આશા શી?’ ‘સૂર કેવો સ્પષ્ટ! કેવો મીઠો! કેવો સંપૂર્ણ! કેવો સમર્થ છે. વાડીમાં બહાર કેવો મંદ પડઘો પડે છે!’ ‘સંકલ્પકિશોરીના ગાયનમાં લીન થયેલાની નજરે સિતાર બજાવતી ભાસ્વતીની આંખો –ઊંડી, ગેબી, ઝળકતી, રસમાં નિમગ્ન ક્યાં પડે છે? જો તો ખરો કેવી તીક્ષ્ણ, કેવી સ્પષ્ટ, કેવી ભાવદર્શી(vivid), કેવી કંપતી, કેવી સુકુમાર, કેવી પ્રજ્વળતી, કેવી તરલ, કેવી ભેદક, કેવી શાંત, કેવી ઉન્માદક, કેવી અસ્વસ્થ, કેવી તુફાની, કેવી સ્નેહાળ—’ ‘બાણોચ્છિષ્ટ જગતમાં તારો શબ્દકોષ પણ ખૂટવાનો, એ આંખોનું કે એ હલકનું આબેહૂબ વર્ણન કરવું પ્રતિમાને પણ મુશ્કેલ છે. આંખનું સૌંદર્ય તો બીજી કોઈવાર પણ નિહાળી શકાશે. પરંતુ આવો સૂરાવટનો બહાર ખીલશે પાછો? ઓછી ચિરંજીવ માટે મધુર પણ વધારે.’ પાછળ સહેજ આઘે થતી વાતચીતે સાહેબરામ અને ભૈરવનાથનું ધ્યાન ખેંચ્યું. બન્ને અચાનક જ બોલતા બંધ પડ્યા, અને એકચિત્તે ચિત્તાહ્લાદક ગુફતેગો સાંભળવા લાગ્યા. ‘પ્રણયરાજ અને દીનવલ્લભ ઉપર કેવી જાદુઈ અસર થઈ છે કે ક્યાં છે અને શું બોલે છે તેનું એમને ભાન નહીં હોય! તો આટલે ઊંચે સ્વરે ઉદ્ગાર કાઢે નહિ.’ આવો વિચાર સાહેબરામને આવ્યો. ‘સાહેબરામ, મુદ્દાની વાત તો કહેવી વિસરી ગયો. આજે ગવર્નરસાહેબે મુલાકાત આપી અને દોઢ કલાક લગી વાત કરી. સવારે તમે આવશો ત્યારે સારાંશ કહીશ. સવારે આવવાના છો ને? અત્યારનો ઉજાગરો છે તોયે કાલે આપણે બહુ કામ છે.’ ‘જી કાલે સવારે તો આવવાનો જ છું. ટેનિસ ટૂર્નમેન્ટ છે ને.’ ‘સેનાએ ત્યારે તમને ખબર નથી કહ્યા? કાલે સાંજે ગવર્નર અને લેડી શૅલી આપણે બંગલે પધારનાર છે. ટૂર્નમેન્ટ હાલ મુલતવી રાખ્યું છે.’ ‘મહેમાનગીરીની તૈયારી બહુ ટૂંક વખતમાં કરવી પડશે.’ ‘હા, માટે જ સેનાને તમારો ખપ છે. તમારી આવડત, તમારી હોંશિયારી, તમારી ઉત્સાહશક્તિ, તમારી માહિતી અને રસજ્ઞતા પડી પડી કટાણી હશે. કાલે દાખવો એમની સમૃદ્ધિ.’ આરતીનો જયજયનાદ શરૂ થયો અને સર્વે મંડળી ઊભી થઈ ગાવા લાગી. કીર્તનનું ભરતવાક્ય ઉચ્ચારાયું. સૌ પોતપોતાને સ્થાનેથી ખસી ઓળખીતા પાળખીતાની સાથે ફાવે તેમ સલામ કરવા, વાતો કરવા લાગ્યા. નિયમનથી વછૂટેલા જ્યાં ત્યાં ગમ્મત લહેર કરવા લાગ્યા. કીર્તન થયું જ નહિ હોય – મેળામાં મેદની મળી હોય તેમ વાતચીતો થવા લાગી. કીર્તનમાં કથાયેલી કથામાં ઊઠેલા કૂટ પ્રશ્નોની ચર્ચા કરવા કરતાં ગામગપાટા હાંકવા માંડ્યા. ગુલાબદાસ અને ભૈરવનાથ ગવર્નર વિશે વાતો કરવા લાગ્યા. ભાસ્વતી, સંકલ્પકિશોરી વગેરેને સેના ધન્યવાદ આપતી હતી ત્યાં પ્રણયરાજ સાથે વાત પતાવી સાહેબરામને છૂટો થતો ભાળ્યો. ‘સારું’ ફુરસદે વૈદ્યરાજની દુકાને મળવા આવીશ. જય જય.’ ‘સાહેબરામભાઈ! તમારું કામ છે. મળ્યા વિના કાં ભાગો છો?’ ‘શેઠસાહેબે કામની સુપ્રત કરી છે. સવારે આઠે હાજર થઈશ. આવતાં માર્ગમાં કાંઈ કરવાનું હોય તો સોંપો અત્યારે.’ ‘ઊંઘટા ન થયા હો તો ગાડીમાં ચાલો અમારી સાથે. બંગલા લગી મસલત કરીશું. સંજીવનીભાભીને કેમ તેડી ન લાવ્યા?’ ‘કેમ, સેના, તારી અને સાહેબરામની મસલત પૂરી થઈ? ઘોડા ઘેર જવા હણહણે છે.’ ‘ચાલો, બાપુ, ગાડીમાં સાહેબરામભાઈ બંગલા લગી આવે છે. ગાડી પાછી વળી એમને ઘેર મૂકી આવશે.’ ‘બહેનો, રજા છે? કાલે સાંજે પધારવા મહેરબાની કરજો. વહેલાં અવાય તો આવજો.’ ભાસ્વતી, સંકલ્પકિશોરી, કુન્દલતા અને મેધાસુંદરીથી છૂટી પડી સેના ગાડીમાં ચડી બેઠી. ઊભેલી સુંદરીઓને પ્રિય સત્વના અંતર્ધાનથી વિયોગની યંત્રણા લાગતી હોય એવી જોતાં સાહેબરામ મનમાં પળભર ગોહર કરવા લાગ્યો. ‘કેવો પ્રભાવ છે સેનાનો? જ્યાં જાય ત્યાં સરદાર. શો એનો રાજવણ રૂઆબ છે? કોણ ચડે? સેના, સંકલ્પકિશોરી? કે ભાસ્વતી? ભાસ્વતી? હા ભાસ્વતી! તારી હાડછોડ કરવાથી થયેલા પશ્ચાત્તાપના અગ્નિમાં દ્રૌપદીની પેઠે અતીત જીવન બાળી ભવિષ્યત્ જીવન પવિત્ર બનાવી શકીશ?’ ‘કોચમીન, ગાડી જરા આસ્તે આસ્તે નદીકાંઠેથી લ્યો.’ સેનાએ હુકમ આપ્યો અને ગાડી ચાલી.

[૩]

‘આજે આખો દિવસ શેઠ ભૈરવનાથને બંગલે કામ છે. જમીશ પણ ત્યાં જ. ચારને સુમારે સેતાબહેનની ગાડી તમને તેડવા આવશે.’ ‘ને આજ શું છે?‘ ‘મુંબઈના ગવર્નર અને તેની મડમ શેઠસાહેબને ત્યાં આવવાનાં છે. સેનાબેન આજે ‘ઍટહોમ’ છે. તમે તો રોજ ‘ઍટહોમ’ હો છો, નહિ? સાંજે તમારી કચેરી હંમેશ ભરાવાની જ.’ ‘કરો મજાક! અમારે ક્યાંથી હોય શેઠાણીઓનો છાક ને ભપકો! પરમેશ્વરે આપ્યાં હોત તો તમે શું કામ બહાર ને બહાર રહેત? નછૂટકે રાતે ઘેર આવવું. સવારે તો બાલકરામને ત્યાં વાંચવા જવું છે. બપોરે તો કૉલેજ. સાંજે પરભારા જ ક્રિકેટ કે ટેનિસ રમવા ઊપડવું. વળી આજે ભાષણ તો કાલે કીર્તન તો પરમ દિવસે મેળાવડો હોવાનો અને તમારે જવાનું. તે ન હોય તો ભૈરવનાથ શેઠ કે સેના શેઠાણીનાં કરવાનાં કામ ક્યાં ઓછાં છે?’ ‘છે તો એવું જ. ફૈજામિયાંને ફુરસદ નહોતી મળતી તેમ ઘરમાં રહેવાની મનેયે નથી મળતી. તમારા જેવાં સાથે પાનું પડ્યું છે તે સંસાર નભ્યો જાય છે. તમે એવાં નિપુણ છો કે બધો કારભાર ઘરનો એકલે હાથે ચલાવો છો. મારે રજ પણ ચિંતા રાખવી પડતી નથી. અને એથી જ હું મારો અભ્યાસ કરી શકું છું. સાથે સાથે લોકસેવાનાં કર્તવ્યો બજાવવાની તાલીમ લઈ શકું છું.’ વખતે કંકાસ સવારમાં માંડી ન બેસે માટે ઉમળકાથી પત્નીની પ્રશંસા સાહેબરામે કરવા માંડી, ‘ચાલો આજે કઈ સાડી પહેરશો? હાથે શું પહેરશો? કાને? ગળામાં?’ ‘મારી બા આજ બપોરે આવવાનાં છે. અમે બન્ને પસંદ કરી ગમશે તે પહેરીને આવીશ.’ ‘તમારાં બા આવવાનાં છે તે વાત તો કરી જ નહિ! ચાલો. સોનાથી પીળું શું? હવે બરાબર બની ઠણીને આવજો,’ ‘અહો! પોણાઆઠ!’ ગજવામાંથી ઘડિયાળ કાઢી જોતાં બોલ્યો. ‘ચાલો ત્યારે જાઉં છું.’ એવું બોલી મીઠી સ્નેહભરી દૃષ્ટિ પત્નીના મુખ પર પાથરી તે ઊભી હતી ત્યાં તેના શરીરના સ્પર્શની વારુણી પી ઘર બહાર નીકળ્યો. બારીએ ઊભેલી પત્ની સાહેબરામની અદૃશ્ય થતી બાઇસિકલ પર નજર નંખાઈ ત્યાં લગી નાંખી રહી.

‘સેનાબહેન, હવે જરા આરામ લ્યો. બધી વ્યવસ્થા થઈ ગઈ. આ લ્યો, બાલકરામ સંકલ્પકિશોરીને તેડી આવ્યા. તમે ત્રણે સંલાપનો વિનોદ માણો. દરમિયાન હું ઘેર જઈ સજ્જ થઈ આવું. હજુ કલાકેકની વાર છે.’ ‘સંજીવનીભાભીને તેડવા ગાડી ગઈ કે નહિ?’ ‘મારે જવાનું હોવાથી મેં ગાડી રોકી છે. હમણાં જ પલકારામાં જઈને આવું છું. કિશોરીભાભી! રજા છે ને? માફ કરજો તમે આવ્યાં ને હું જાઉં છું.’ ‘ભલે જાઓ, ભાઈ. અમારાથી વધારે નિકટ સોબત લઈ આવવાના છો તે ખુશીથી જાઓ.’ સંકલ્પકિશોરીના હોઠ પર શબ્દો હાસ્યમાં માયાવી રૂપાંતર પામી ગયા. આ હાસ્યનું દર્શન કરતાં સેનાએ અંતરમાંથી સૂક્ષ્મતમ નિઃશ્વાસ મૂક્યો. જતાં જતાં સાહેબરામને તેની ઝાંખી થઈ અને તેનો પ્રફુલ્લ સ્વભાવ લગીર મ્લાન થઈ ગયો. સેના સાહેબરામની પાછળ અનિમિષ દૃષ્ટિ નાંખી રહી અને તેની ગાડી આઘે આઘે વૃક્ષવીથિકામાં થઈ બિંદુમય બની છેવટે અદૃશ્ય થઈ – અદૃશ્ય ખરેખર થઈ ન હોય તેમ ઘણી વાર દૃષ્ટિ પાછી વાળતાં ખચકાઈ. છેવટે નિરૂપાયે દૃષ્ટિ અંતરમાં વાળી લીધી. પણ ત્યાં અગ્ન્યાસ્ત્ર વાગ્યું હોય – કોઈ ઊંડી વેદના દીપકરાગથી વ્યક્ત બની હોય એવું લાગતાં દૃષ્ટિને બંગલા, બગીચા અને અતિથિના સ્વાગતના પ્રસાધન પર ભ્રમરવૃત્તિથી ફેરવી રહી. સાવધ સેના રખેને અસાવધ પળમાં પોતાનું રહસ્ય પારકાં આગળ ચાસન થઈ જાય એવી દહેશતથી બાલકરામ અને તેની વધૂ સાથે યંત્રની પેઠે વાત કરી રહી. ચિત્તને અન્ય વ્યાપારમાં રોકવા અને આગામી મુલાકાત માટે સ્વસ્થ અને પ્રસન્ન થવા દંપતીને સર્વે વ્યવસ્થા નિરીક્ષવા આમંત્ર્યાં. ‘બહેન, તમે સવારનાં પગ માંડી બેઠાં નહિ હો; તમે બેસી રહો. અમે એકલાં ફરીશું.’ ‘અને તમારી નિષ્ણાત રસવૃત્તિનો મૂર્તિમાન આવિર્ભાવ નિહાળી સાથે ઉલ્લાસ પામશું.’ પત્નીના વિવેકમાં બાલકરામે સૌજન્ય ઉમેર્યું. ‘કેમ સેના! કેટલી વાર છે? હજુ તેં કપડાં કેમ પહેર્યાં નથી? પહેરવાં છે કે નહિ? તારું શરીર તો જો? નાહી કે નાહવાનું બાકી છે? સંકલ્પકિશોરી! સેના બહુ વાતોડિયણ છે. વધુ એને રોકો મા.’ ‘ભાસ્વતી! ઠીક વખતસર આવી. એવી થાકી ગઈ છું કે અલંકૃત થવાની સ્મૃતિ જ જતી રહી. બાલકરામ અને સંકલ્પકિશોરી તો હમણાં જ ચાલ્યાં આવે છે. એમને નાહક ઠપકો દે મા.’ ‘બાલકરામ! પ્રણામ! સેનાને ધમકાવવામાં સૌજન્ય લાગી ગયું?’ ‘સહિયરપણાના લ્હાવા અનુભવ વગર સમજાતા નથી. ચાલો આપણે ત્રણ જણ જરા આમતેમ લટાર મારીએ અને આજની અભિરામ રચનાનું પાન કરીએ. સેનાબહેન! વગર સંકોચે શણગાર સજી આવો.’ ‘માફ કરજો, હમણાં સપાટામાં આવું છું. ગેરહાજરીમાં કોઈ આવે તો આગતા-સ્વાગતા કરજો.’ વિનય અને આસ્થાનો પરિમલ, ફુવારો ફૂટે તેમ ઉડાવી હરણની ફાળે બંગલામાં સેના જતી રહી. ‘ભાસ્વતીબહેન! સેનાની રસિકતાએ કાંઈ અવનવું જ રૂપ આજે લીધું છે.’ ‘ભૈરવનાથ શેઠના શિક્ષણને આજે સેનાએ કૃતાર્થ કર્યું છે. વર્ષોની ભાવનાઓ ભાવનાઓ જ ન રહેતાં આચારમાં આવિર્ભાવ પામવા લાગી છે.’ બે બેનપણીની વાતમાં બાલકરામે ઉમેર્યું. ‘મને તો ભૈરવનાથનો કે સેનાનો શોખ બહુ ઊંચો નથી લાગતો. મુંબઈના ધનાઢ્ય આવાસમાં જે સુંદર, સુઘટિત અને આકર્ષક વ્યવસ્થા હોય છે તેવી અહીં નથી. અહીંનો ફાંટો જૂના જરીપુરાણા દેવને પૂજનારો છે.’ ભાસ્વતીએ બેધડક પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. ‘તમને સુધારાવાળાને યુરોપિયન બાબતો રુચે છે. અંગ્રેજો સ્વર્ગના દેવ હોય તેમ એઓ જે સારું અને સુંદર ગણે તે જ સારું અને સુંદર. હિંદુસ્તાન જેવા કંગાળ દેશમાં રસિકતા ક્યાંથી હોય? અરે હતી જ ક્યાં ખરું ને?’ ‘સંકલ્પબહેન! સાંભળો તમારા વરનો પાછો સુધારાવાળા પરનો પ્રહાર. પોતે જાણે સુધારાવાળા નહિ હોય તેમ લાગ આવે ઝાટકણી જ કાઢે છે.’ ‘એ તો કહે છે કે મેં એમની સુધારાવાળામાં ગણતરી કરાવવા માંડી છે. અને વાતે સાચી છે. પણ એમનું કહેવું તદ્દન ખોટું નથી. ચોક્કસ દરજ્જે વાજબી છે.’ ‘શું વાજબી છે? પણ જમણો હાથ મોં ભણી જ વળે. સગપણ તે સગપણ. કાંઈ દોસ્તીને ગણકારે ખરું?‘ ‘જરા શાંત પડો. ચાલો બગીચામાં અને બંગલામાં ફરીએ અને દરેક વસ્તુનું પ્રયોજન તમારા ભાઈ પાસેથી સમજીએ. મને પણ પહેલાં તમારા જેવો જ મોહ હતો. પરંતુ ધીમે ધીમે એમણે વાસ્તવિક સ્થિતિ સમજાવી.’ ‘તારી અને બાલકરામભાઈની વાતમાં મઝા પડશે, બાકી શુક્રવાર વળે એવું નથી. મેં લાંબો વિચાર કરી અભિપ્રાય બાંધ્યો છે.’ ‘તમારા પ્રાર્થનામંદિરમાં સ્ત્રીસમાજ હવે મળે અને તમે વેદી પર બેસો. ત્યારે ‘સત્ય ન જાણવાની બેપરવા – હઠ – દુરાગ્રહ’ વિશે ઉપદેશ આપવા તમને મારી ભલામણ છે.’ બાલકરામે ટકોર મારી. ‘દુરાગ્રહ બિલકુલ નથી, સત્ય સિવાયનું બીજું સર્વ અસત્ય નથી હોતું.’ ‘ઢાલને બે બાજુ હોય છે. બંને પાસાં જોયા વિના દુરાગ્રહ જ થાય છે. હાથીને જોનારા આંધળાની લડવાડ જેવી સત્યને માટે થતી તકરાર છે. થોડાં જ સત્ય નિરપેક્ષ – દેશકાલથી અતીત છે. બાકી લગભગ એવાં લાગતાં સર્વે સત્યો ચોક્કસ દરજ્જે જ સાચાં હોય છે. સમુદ્રમાં અનેક નદીઓ વહે છે, તેમ સત્યે પહોંચવાના અનેક માર્ગો છે. તો એક જ માર્ગે જનાર બીજે માર્ગેથી આવતા મુસાફરને માટે એવું જ કલ્પી લે કે તેનાથી સત્ય કદી પમાવાનું નથી એ તમને ધૃષ્ટતાની – અજ્ઞાનની પરિસીમા નથી લાગતી? કુદરતમાં રંગની, સૌરભની, આકૃતિની, કુમાશની, તરેહ તરેહની વિવિધતા હોય છે ને? તો સત્યનાં સ્વરૂપ પણ ભિન્ન ભિન્ન ન હોઈ શકે? ઉપરથી લાગતા ભેદથી અંદરના ગર્ભની અવગણના કરવી એ સંસ્કારી બુદ્ધિને શોભાસ્પદ છે? સત્ય કૃપણ નથી પણ માતબર છે. જૂજવાં રૂપો લેવા તે સમર્થ છે. તમને કહેવું પડે ખરું કે આખરે સત્ય તે વ્યક્તિનો આત્મનિષ્ઠ અનુભવ જ ને?’ ‘રામ! તમે ભાસ્વતીને મૂંઝવી દેશો. એનાં માબાપ સુધારાવાળાં હોવાથી એ સુધારાવાળી છે. એ સુધારો નર્યો બુદ્ધિનિષ્ઠ છે; દેશોન્નતિ અને રાષ્ટ્રત્વથી પ્રેરાયેલી બુદ્ધિએ ઘડેલું પરિવર્તન નથી.’ ‘સંકલ્પા! અત્યારે તારા આક્ષેપોનો પરિહાર કરવા ઝઘડો નહિ કરું. બાલકરામ! જુદા દૃષ્ટિબિંદુનો આદરસત્કાર સ્વીકારું છું. ચાલો ત્યારે ફરીએ, ભૈરવનાથ અને એનાં શાગિર્દો(સાગરીદો)ની ફિલસૂફી સમજાવો.’ મારી મીઠી ભાસ્વતી! તારાં ઓવારણાં લઉં. તારી શાણી સમજને લીધે તારા પર વહાલ ઉભરાઈ જાય છે. રામ! અમને ગાંડાં ન લેખશો. અથવા તમે પુરુષોને આ દર્શનનો અધિકાર નથી માટે અંતર્ધાન પામો અને મારા ઊમળકાને પોતાનો કળશ ભાસ્વતી પર રેડવા દ્યો.’ ‘કિશોરી! અધિકારી આગળ સર ઝુકાવું છું. તારી હેતાળ દોસ્તી જોઈ મને ઓછો આહ્લાદ નથી થતો. ધન્યભાગ્ય હોય તો જ આવી રુચિર મમતા જોવાય છે. મારી છાયા તમારા આશ્લેષને અપવિત્ર લાગતી હોય તો આ ચાલ્યો પેલા ફુવારા કને. પરવારો ત્યારે આવજો ત્યાં; અને ભાસ્વતીબહેન! સેનાબહેનની રાષ્ટ્રીય રસિકતાનું પ્રથમ નિદર્શન નીરખજો.’ ‘ગાંડી! ગાંડી! રે ગાંડી! સંકલ્પા! તારા સંકલ્પો પણ ઉત્કટ ને ઉન્મત્ત. ચાલ! વહેલી. સૌ આવવા માંડશે તો બધું જોવાનો આવો મજાનો લાગ છટકી જશે.’ આવી બુદ્ધિરસિક વાત કરતાં તેઓ સૌ ફુવારા પાસે ગયાં. ફુવારામાંથી ધારા ઊંચે ઊડતી હતી. પાછી નીચી પડતી ધારા પાત્રોમાં ઝિલાતી અને હાથીની સૂંઢમાં થઈ તળે ચશ્મામાં પડતી. એક સ્થળે સૂંઢમાં કમળ પકડેલું હતું. તેની પાંખડીએ પાંખડીમાંથી પાણીની ધારા સરતી હતી. બીજે સૂંઢમાં વાંસળી હતી અને તેના છેદમાંથી પાણી નીસરતું ત્યારે ઝીણો કલધ્વનિ નીકળતો. જ્યાંથી ધારા ફૂટતી ત્યાં મહાદેવની સુઘટિત યોગનિષ્ઠ મૂર્તિ હતી અને જટામાંથી ગંગાજીની સેરો ફૂટે તેમ જલધારા ઊંચે ઊડતી. જલમાં સૂર્યપ્રકાશથી રચાતા મેઘધનુષ્યમાં સ્ફટિકની મૂર્તિ એવી તો અદ્ભુત સુંદર લાગતી હતી કે ત્રણે જણાં સ્તબ્ધ જોતાં જ ઊભાં રહ્યાં. હોજમાં આસમાની અને લાલ કમળ ખીલેલાં હતાં. જલધારામાં થઈ વહેતો સમીર શીત અને શીકરમય થતો થતો અને જોડે જોડે કમલનાં સૌરભને શીકરના ગર્ભમાં લેતો લેતો વાડીમાંની વનસ્પતિને, પક્ષીને અને મનુષ્યને રોમાંચિત કરતો હતો. ધારાપાત્રમાં સૂડા અને હોલાને પોતપોતાની પ્રિયતમા સાથે નાહવાની મઝા પડતી હતી. હોજના ધોરા પર ફરતાં વિલાયતી ફૂલોનાં કૂંડાં ગોઠવ્યાં હતાં. રંગ અને આકૃતિ અને કુમાશની રહી જતી ખોટ લાગતી નહિ. એક જ ઇંદ્રિયને નહિ પણ ચાર ઇંદ્રિયને ફુવારો ઉલ્લાસિત કરતો હતો. ‘કર્ણાવતંસ અને લીલા કમળની ફેશન વહી ગઈ છે છતાં લ્યો આ કમળકલિકા’ ધોરાની નજીક પાણીમાંથી તોડી બાલરામે બન્ને સુંદરીને અકેકી આપી. ‘ફેશન કાલસ્ત્રોતમાં વિલીન થઈ છે પણ તેનું સહોદર દાક્ષિણ્ય સનકાદિકની પેઠે વૃદ્ધ છતાં શાશ્વતકુમાર છે. કેમ, ભાસ્વતી! કળી હાથમાં રાખીશ કે વેણીમાં ભેરવીશ?’ ‘ટાંકણી આપે તો બાંય પર ભેરવવી છે. સફેદ કપડા પર આસમાની ઝાંય સારી લાગશે. સુગંધ એવી મનોહર છે કે જ્યાં હરીશ-ફરીશ ત્યાં કસ્તુરીમૃગની જેમ છૂપી મને નહિ રહેવા દે. પણ સંકલ્પા! વગર પરવાનગીએ ફૂલ તોડવાં એ શિષ્ટાચાર ખરો કે?’ ‘ભૈરવનાથનો નિવાસ જલાશય જેવો છે. ત્યાંથી કોઈ તરસ્યું જતું નથી અને આગ્રહથી પ્રાપ્ત અધિકારને અહીં વિહરવાની સદર પરવાનગી છે. આ ફુવારો એ જ સૂચવે છે. સદાશિવની જટામાંથી વહેતી ગંગાનું જળ સર્વને માટે છે.’ બાલકરામે આરોપનું નિરસન કર્યું. ‘બંગલો નદીને કાંઠે છે એટલે હશે એવી પરવાનગી.’ ‘ફુવારાની આસપાસ હરીઆળીનું શાદ્વલ એની રમણીયતા વિશેષ દીપાવે છે. અંદર કેવી ભિન્ન ભિન્ન આકૃતિઓ ફૂલોથી ઝકી રહી છે અને રંગનાં હેલિયાં ઉડાવી રહી છે!’ ‘કાલીદાસની અલકામાં જેમ સર્વે ફૂલો ઊગતાં હતાં તેમ અહીં છે. દ્રૌપદીના અક્ષયપાત્ર જેવી સેનાની ફૂલવાડી છે.’ બાલકરામે રસપાંડિત્ય દાખવ્યું. ‘બધાં જ વિલાયતી ફૂલો રંગનો બહાર ભભૂકાવી રહ્યાં છે. કેમ, તમારી રાષ્ટ્રીય સંસ્કારિતાએ એનો બહિષ્કાર નથી કર્યો?’ ‘દાવ આવ્યે સોગઠી ઠીક મારી લે છે!’ ‘જિજ્ઞાસાનો અવળો અર્થ મા કર, સંકલ્પ!’ ‘બારીકાઈથી તપાસશો તો જોઈ શકશો કે રંગીન ફૂલોમાં ઘણાં દેશી છે ને તે પણ આપણા ગુજરાતમાં ઊગતાં. ભાસ્વતીબહેન! તમે આ વાડીમાં જરાયે હર્યાંફર્યાં નથી. હજુ તો આ ઉપવન રચાતું જાય છે. ધ્યાનમાં છે ને ‘ઉપવનનો આકાર?’ બાલકરામે પૂછ્યું. ‘કાંઈક વાંકચૂંકો છે. શેને મળતો છે, સંકલ્પા?’ ‘હૃદયનો જેવો આકાર છે તેવો.’ ‘જરા વિચાર્યું હોત તો જણાત કે હૃદય અને હિંદુસ્તાનની આકૃતિ સરખી છે.’ બાલકરામે સૂચના કરી. ‘શું કહો છો? હૃદયમાં વસેલી મૂર્તિનું રૂપ વજીફાને આપ્યું છે સેનાએ?’ આશ્ચર્ય, આનંદ અને પૂજ્યભાવમાં ડૂબતી ભાસ્વતીએ ઉદ્ગાર કાઢયા. ‘ઉપવનના ખંડ પાડ્યા છે. તેમાં બંગવાટિકા અને ગુર્જરારામ સમૃદ્ધિથી ઝૂકે છે. બીજા ખંડ હજુ તૈયાર થતા જાય છે. અત્યારે વખત નથી. પણ અવકાશ મેળવી ફરશો તો ફરવા જેવું છે. આ બે દેશમાં ખાસ થતાં ફળફૂલ ત્યાં વાવવામાં આવ્યાં છે. ભૂતલની ઘટના પણ તે તે દેશને મળતી રાખવા બનતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એવી વ્યવસ્થા છે કે એકે ઋતુ ફળફૂલ વિના રહેતી નથી. એ વનસ્પતિનાં મંદિરોમાં પ્રત્યેક દેશનાં મધુરકંઠી અથવા શોભનપિચ્છ પંખીઓ લાવી વસાવવામાં આવ્યાં છે. લતાગૃહો ઠેર ઠેર આરામ, વિનોદ અને ઉત્કર્ષને માટે બાંધવામાં આવ્યાં છે. તેમાં તમે દેશની નરવિભૂતિનાં દર્શન કરતાં કલ્યાણ સાધવાનાં જ.’ ‘ગુજરાતના ખંડમાં કોની મૂર્તિઓ છે, ભાઈ?’ ‘શ્રીકૃષ્ણ, નેમિનાથ, વનરાજ, સિદ્ધરાજ, હેમાચાર્ય, વિમળશાહ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ, દયાનંદ સરસ્વતી, ગોવર્ધનરામ, રણછોડલાલ છોટાલાલ, પ્રેમચંદ, રાયચંદ, સર જમશેદજી જીજીભાઈ, જમશેદજી ટાટા, દાદાભાઈ નવરોજી, મોહનદાસ ગાંધી, સર સયાજીરાવ ગાયકવાડ વગેરે ઘણાની મૂર્તિ છે. જાવા બેટમાં ગુજરાતીઓનું સૈન્ય લઈ જનાર રાજકુમારની. સિદ્ધરાજ કુમારપાળના વખતમાં ગુજરાતની આણ અજમેરથી કોકણ લગી ફેરવનાર ગુર્જર સેનાપતિઓની, બગદાદના ખલિફાના મહેલો લૂંટી આવનાર ગુજરાતી વહાણવટીઓની, વગેરે વગેરેની નામ વગરની મૂર્તિઓનો પણ સુમાર નથી. ‘પણ એ મૂર્તિઓ ગ્રીક કે ઇટાલિયન જેવી સુષ્ઠુ અંગવાળી નહિ હોય! વિલાયતથી તૈયાર કરાવી મંગાવી હશે તો અમેરિકામાં મનુની મૂર્તિ અંગ્રેજ જેવી છે તેવી બધી હશે અને અહીંના સલાટો પાસે કરાવી હશે તો માલ વગરની હશે.’ ભાસ્વતીએ સૂર્યના ડાઘા બતાવવા પ્રયાસ કર્યો. ‘બહેન! નજરે જોયા વિના કુતર્ક ઉઠાવવા માટે બુદ્ધિ મળી નથી.” સંકલ્પકિશોરીએ કચવાઈ કહ્યું. ‘જે મૂર્તિવિધાયકે ગુજરાતની મૂર્તિઓ ઘડી છે તેણે ગુર્જરસુંદરીની જે અનુપમ પ્રતિમા સૃજી છે તે ચાલો જોવા. અને પછી જે મત બાંધવો હોય તે બાંધજો.’ બાલકરામે રસ્તો કાઢ્યો. ‘ત્યારે શું, બંગાળની મૂર્તિઓ એણે નથી ઘડી?’ ‘ના, સઘળી મૂર્તિઓ બંગાળામાંથી ઘડાઈ આવી છે. ત્યાં ચિત્ર અને મૂર્તિવિધાનનું અભિનવ ચરણ પ્રકટ્યું છે તેની તો તમને ખબર હશે જ. એ ચરણના પ્રમુખ કલાવીરની દેખરેખ નીચે કામ થયું છે.’ આમ વાતો કરતાં તેઓ ગુર્જરસુન્દરીની પ્રતિમા પાસે પહોંચ્યાં. દૂરથી જોતાં જ ભાસ્વતી ચકિત થઈ ગઈ. ‘શું આ કોઈ ગુજરાતીનું નિર્માણ?’ ‘હા, તારા જેવીનો ગર્વ ઉતારવા ફિડીઆસ ગુજરાતમાં અવતર્યો છે.’ સંકલ્પકિશોરીએ ભાસ્વતીને બનાવી તેમ ચડાવી. ‘આખરે ફિડીઆસને જ આંગણે પડ્યો ને?’ ટકોરની સામે ટકોર ભાસ્વતીએ કરી. ‘અરે! પાઇથેગોરાસ જેમ શિષ્ય થઈ આપણા ગુરુકુળમાં ભણી ગયો હતો તેમ ઉર્વશી જેવું સૌન્દર્ય સૃજનાર નારાયણમુનિ જેવાની સેવા ફિડીઆસે યુગોના યુગો કરી ત્યારે ગુજરાતની પુણ્ય ભૂમિમાં એનો અવતાર થયો.’ ‘હવે! બન્ને બેનપણીઓ, રમુજની ઝપાઝપી ઓછી કરો. મહેમાનો ભરાવા માંડ્યા છે ને વખત થવા આવ્યો છે.’ ‘બરાબર છે. આ પ્રતિમાનું વિધાન એવું અદ્વિતીય છે કે તેનું આબેહૂબ વર્ણન કરવા શક્તિ જ નથી મારામાં. કોઈ કવિ અત્યારે હાજર હોત તો કેવું ભાગ્ય!’ ‘પ્રણયરાજ બહારગામ ગયો છે આજે, નહિતર પકડત એને તમારે માટે ભાસ્વતીબહેન! વિવેચકની વાણી સાંભળવી હોય તો સંભળાવવા સેવક તૈયાર છે.’ બાલકરામે કહ્યું. ‘ભાસ્વતી! ગીત ઉપાડીશ હું. બાકીનું ભલે એ પૂરું કરે.’ ‘એ તમારે અંદર અંદર સમજવાનું છે. મારે તો સાંભળવું છે. જેને સંભળાવવું હોય તે સંભળાવે.’ ‘ગુજરાતની અખિલ સૌન્દર્યવિભૂતિ આ મૂર્તિમાં ભરી છે.’ સંકલ્પકિશોરીએ ગીતનો રાહ આલાપ્યો. ‘ગુજરાતમાં સુંદરમાં સુંદર સ્ત્રીઓ કોણ છે?’ બાલકરામે ઝીલ લીધી. ‘નાગરાણીની કે ખતરાણીની તોલે કોની ખૂબસૂરતી છે?’ ‘નાગરાણીઓ દેખાવડી હોય છે કબૂલ, પણ પોતાની જાત ખૂબસૂરત હોવાની શેખી કરતાં ક્યારનું શીખી?’ સંકલ્પકિશોરીએ લીધી ઝપટમાં ભાસ્વતીને. ‘તમે પવનની લહેરે લહેરે લડો એવાં છો. ભાસ્વતીબહેનનું કહેવું સાવ ખોટું નથી પણ અધૂરું છે. ભાટીઆણી, ગરાસણી, શ્રાવિકા, ખોજણ, પારસણ વગેરે નાગરાણીથી કે ખતરાણીથી ઓછી ફૂટડી નથી હોતી.’ ‘ભૂલી. સખત ભૂલ ખાધી. આ બધાંની આગળ મારા આદર્શ સાવ ઝાંખા પડશે જ.’ ‘સલાટે બધી સુંદરતાના સુંદરતમ અંશ લઈને એવું સુગઠન કર્યું છે કે જુદાપણું ઓળખાતું નથી; ઓર એકતાનું ભવ્ય અને ઉન્નતરૂપ એવું આણ્યું છે કે ક્ષણે ક્ષણે નવતા પામતી રમણીયતા મૂર્તિમંત થઈ આવી હોય એવો અનુભવ નથી થતો? જુઓ પાસે જઈ, જુઓ આઘે જઈ, જુઓ સામે ઊભા રહી, જુઓ ખૂણેથી, જુઓ બાજુ પરથી, અંગેઅંગેની ઉન્નતાવનત રેખા ઉત્કીર્ણ થઈ છે તે? તમારી ગ્રીક ભાવનાને સંતોષ શું પણ ગૌરવ આપે એવું વિધાન નથી?’ ‘ખરે જ! સલાટના ટાંકણાએ ગ્રીસની કલા ગુજરાતમાં ઉત્પન્ન કરી છે. આફરીન છું એની શક્તિ પર. કેવાં કેવાં રત્નો છે આપણા દેશમાં!’ ભાસ્વતી બોલી. ‘હવે સ્વસ્થ થઈ ધ્યાનપૂર્વક નિહાળો. મૂર્તિ પરનો ભાવ પાશ્ચાત્ય કળામાં નથી હોતો એવો કંઈક લાગે છે?’ ‘એટલે?’ ‘મુદ્રા યોગનિષ્ઠ લાગે છે? સમગ્ર દેહ પ્રકૃતિનું પ્રતિબિંબ હોવા કરતાં પ્રકૃતિથી પર કશાનું સૂચન કરે છે? ગુજરાતના દેહ કરતાં આત્માનું આરસમાં વિધાન કરવામાં સલાટે સફળતા મેળવી હતી?’ ‘પ્રતિમા નરી પ્રતિકૃતિ તો નથી જ. અખિલ દર્શન કલ્પનાની એવી પેગામી સૃષ્ટિપરંપરા ઉપજાવે છે કે અનંત, સનાતન, વિશ્વનિષ્ઠ તત્ત્વને સાંત, નશ્વર, વિશિષ્ટ કર્યા છતાં પણ અનંત, સનાતન, વિશ્વનિષ્ઠનો સચોટ અનુભવ થાય છે.’ ભાસ્વતી વિચાર કરતી હોય એમ બોલી. ‘પાશ્ચાત્ય કલાનો ઉદ્દેશ અનુકરણ છે. ભિન્ન ભિન્ન સ્થળે જે ઉત્તમોત્તમ હોય તે પસંદ કરી તેનું સુશ્લિષ્ટ સંયોજન કરવામાં એની કુશળતા સમાયેલી છે. અંગસૌષ્ઠવ જેમ રમણીય વિશેષ તેમ ઈશ્વરી અંશ પણ વિશેષ. ગ્રીક કલાએ ઘડેલી ઉત્કૃષ્ટ પ્રતિમા મલ્લના દેહ પરથી અને રોમન કલાએ ઘડેલી ઉત્કૃષ્ટ પ્રતિમા રાજ્ય પુરુષ(Senator)ના દેહ પરથી ઘડાઈ છે.’ ‘ખરી વાત છે.’ ‘અનુકરણ કે પસંદગી કરતાં કલાનો ઉદ્દેશ ઊંચો છે એવું આપણા પ્રાચીન કલાવીરોનું માનવું હતું, સ્થૂલ દેહ કરતાં સૂક્ષ્મ દેહ—અંગના લાવણ્ય કરતાં આત્માની વિભૂતિ પૂરેપૂરી સર્જવી અશક્ય છે છતાં પણ જેટલી સૂચવી શકાય—કાવ્યમાં જેવો ધ્વનિ નીકળે છે એવો ધ્વનિ નિશ્ચેતન પથ્થરમાંથી નીકળે તેમાં જ હિંદુ કલાવીરની કલા છે. ઇન્દ્રિયો કરતાં કલ્પનાને એ વિધાન નિરખવાનું છે. અપાર્થિવ, અધ્યાત્મ, અમૂર્ત વસ્તુ(abstraction)ને વાસ્તવ કરવાનું છે.’ વિચાર કરતો કરતો, ઊંડા ધ્યાનમાં ઊતરતો ઊતરતો બાલકરામ બોલતો હતો, ‘હિંદુ પ્રતિમાનો આદર્શ યોગી છે, નથી મલ્લ કે રાજપુરુષ. આખી પ્રજાનું અંતિમ લક્ષ્ય વૈરાગ્ય હતું. બ્રાહ્મણ સંન્યાસી થતો, રાજા પુત્રને ગાદી સોંપી વનવાસ લેતો, વૈશ્ય વેપારમાંથી નીકળી સાધુ થતો ત્યાં યોગી એ જ આદર્શમૂર્તિ હોય ને?’ સમગ્ર પ્રજાની જે ભાવના તેને જ કલા મૂર્તિમંત કરે છે. આપણા દેશની સર્વોત્કૃષ્ટ પ્રતિમા બુદ્ધદેવની ગણાય છે અને એ પ્રતિમામાં તમે યોગીનું સુંદર અધ્યાત્મ સ્વરૂપ જોઈ શકશો.’ ‘આ વાડીમાં જ બુદ્ધદેવની મૂર્તિ છે. એક પ્રાચીન કલાશ્રેષ્ઠ મૂર્તિ પરથી ઘડવામાં આવી છે એવું સેનાબહેન કહેતાં હતાં.’ સંકલ્પકિશોરીએ ગંભીર વાતચીતમાં માહિતી ઉમેરી. ‘યોગીનું વિધાન કરવામાં કદી પણ એના સ્થૂલ દેહની આબેહૂબ નકલ કરવામાં નથી આવતી. પણ યોગથી એના આંતરજીવનમાં થયેલા પરિવર્તનને બાહ્ય સામગ્રીથી જેટલું પ્રકટ કરી શકાય તેટલું કરવા પ્રયત્ન કરવામાં આવે છે, શુદ્ધ સાત્વિક આત્માને લાયક દેહ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગુર્જર સુન્દરીની પ્રતિમામાં પૂર્વ-પશ્ચિમનો સમન્વય કરવાનો સલાટે પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. અંગસૌષ્ઠવ ઉત્કીર્ણ કરવામાં સહેજ પણ ઓછપ નથી રાખી તેમ આત્માનો વૈભવ આવિર્ભૂત કરવામાં અજબ શક્તિ વાપરી છે.’ ‘આજે ઘણો નવો પ્રકાશ પડ્યો. ધ્યાનથી પ્રતિમા નિહાળવી પડશે.’ ભાસ્વતી બોલી. ‘આ પ્રતિમામાં પૂર્વ-પશ્ચિમની શ્રેષ્ઠ કલાનો સમન્વય છે એટલું જ નહિ, પણ અભિનવ ગુજરાતનો દેહ એવો ઊભો કર્યો છે કે કોમળ ચામડીમાંથી લોહીની ગતિ નિરખાય તેમ જોવાની આંખ હોય તો એ દેહમાં વસતા આત્માનાં દર્શન થશે. કેવી રીતે? ફ્રાન્સના જગપ્રસિદ્ધ સલાટ રોડિને ખ્રિસ્તી સંત જોહુ —જેને વિશ્વાસીઓ યોહાન કહે છે તેની જે મૂર્તિ ઘડી છે, તેમાં જે અભિનવતા છે, અશ્રાંત ઉત્સાહશક્તિ છે, પૃચ્છક ચહેરો છે, સમર્થ વ્યક્તિવિશિષ્ઠતા છે. અને અદ્ભુત તાદૃશ ગઠન છે તે પાશ્ચાત્ય જીવન અને કલાવિષયક વિચારણાનો આત્મા જેવી મનોહર રીતે બતાવે છે તેવું જ મનોહર દર્શન આ પ્રતિમા કરાવે છે; શાંતિ છે, સ્વસ્થતા છે, સાથે સાથે ઉત્સાહપ્રવૃત્તિનો વેગ છે; સ્થૂલ સંસારના સ્વામી થઈ તે સંસારની સર્વે સમૃદ્ધિ તેના ઉદ્ધાર અને પ્રગતિને અર્થે વાપરી તેમાંથી વિરક્ત થતી વૃત્તિ છે. આખા વિશ્વનું પોષણ કરનાર, ક્ષણે ક્ષણે ભક્તની વહારે ધાનાર, વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષશય્યા પર સૂતા હોય અને એમને દરકાર નહિ છતાં લક્ષ્મી અને બ્રહ્મા એમનાં સેવા-સ્તવન કરતાં હોય એવું લાગે છે ને?’ ‘એટલે? નાથ? તમારું રૂપક મારાથી સમજાતું નથી.’ સંકલ્પકિશોરીની બુદ્ધિ મુંઝાઈ ગઈ. ‘અનંત ક્ષીરસાગર, મણિમય શેષનાગ, લક્ષ્મી અને સૃષ્ટિ-વિધાયક બ્રહ્માના સ્વામી છતાં ઉપભોગમાં વૃત્તિ નહિ પણ પરહિતમાં જ વ્યાસંગ, ભાવિ ગુજરાતનો એ આદર્શ છે. વેપારથી, કલાથી, પરોપકારથી ગુજરાત સમૃદ્ધ હતું અને થશે.’ ‘બાલકરામભાઈ! કૉલેજમાં તો આનું શિક્ષણ મળતું નથી છતાં ક્યાંથી આવી સંસ્કારી રસિકતા?’ ‘ભૈરવનાથ શેઠનો એ સહુ પ્રતાપ. મારા સુપ્ત સંસ્કાર એમણે જાગૃત કર્યા છે અને કેળવ્યા છે. આવતા વર્ષે આપણા નગરમાં કલાભવનની સ્થાપના એમના દ્વારા થવાની છે અને ગ્રેજ્યુએટ થયા પછી હું એ ભવનમાં કલા શીખવાનો છું; એટલે આ વિષય મેં ખાસ વિચાર્યો છે.’ પ્રશંસાના પડતા ઝબકારામાં બાલકરામનું ભવિષ્ય પ્રસિદ્ધ થઈ ગયું. ‘બૅન્ડ વાગવા માંડ્યું. ચાલો મહેમાનો આવ્યા હશે.’ ‘હા! હા! સંકલ્પાબહેન! મારી તો દૃષ્ટિ જ ફરી ગઈ. કેવી દુરાગ્રહી હું! જો તો ખરી ધ્વજપતાકા પણ ધ્યાનપૂર્વક આપણે જોઈ નહોતી. ‘યુનિયન જેક’ ઉપરાંત હિન્દુસ્તાનના નકશાવાળી પતાકા છે. આ તોરણ આગળ તો ઘણી સરસ ખૂબી છે. રાજેન્દ્ર અને હિંદમાતાની તસ્વીર જોડે ગોઠવી છે. અને બાજુએ Loyalty(રાજ્યનિષ્ઠા) Patriotism(દેશવાત્સલ્ય)ના મુદ્રાલેખ છે. નાની નાની વસ્તુઓમાં પણ કેવો ધ્વનિ ભર્યો છે. ધન્ય છે કરનારની બુદ્ધિને!’ ભાસ્વતીએ હૃદયનો ઊમળકો કાઢ્યો. ‘અવનીન્દ્રનાથ ઠાકુરે ચીતરેલી હિન્દમાતાની તસ્વીર તમે લાવ્યા હતા તેવી આ છબી તો નથી, સેનાબહેને નવી ચીતરાવી છે?’ સંકલ્પકિશોરીએ પૂછ્યું. ‘તમારી ઠીક નજર ગઈ. એ છબી નવી જ ચીતરાઈ છે. શેઠસાહેબ સામેથી આવે છે. ચાલો આપણે પણ જઈ પ્રણામ કરીએ.’ બાલકરામે કહ્યું.

[૪]

‘આવો બહેનો! સેનાને મળ્યાં? બાલકરામ! સાહેબરામને દીઠા ક્યાંય? શેઠે ત્રણેના પ્રણામ સ્વીકારતાં જયજય કરી પૂછ્યું. ‘અમે આવ્યાં ત્યારે સાહેબરામ ઘેર ગયા અને સેનાબહેન સજ્જ થવા બંગલામાં ગયાં હતાં. બાલકરામે સર્વેની વતી ઉત્તર આપ્યો. ‘તમે સૌ ત્યારે એકલાં જ ફરતાં હતાં અને જાતે જ મળે તેવું આતિથ્ય સ્વીકારતાં હતાં?’ ‘હું તો આજે જ આપની વાડીમાં થોડુંક ફરી અને તેની રચનામાં જે જે ભાવો મૂર્તિમંત કરવામાં આવ્યા છે તે વિશે બાલકરામભાઈ પાસેથી વર્ણન સાંભળી અજાયબ જ થઈ ગઈ છું. આપની વાડી મહેમાનોનું સ્વાગત એવું મજાનું કરે છે કે ખોટ જ નથી પડતી. આપણા નગરની શોભામાં આથી વધારો થયો છે. સારો દિવસ એમાં ફર્યા કરીએ તોપણ દિલ તલસ્યા જ કરે ફરવાને.’ ભાસ્વતીએ કહ્યું. ‘ભાસ્વતીબહેન! તમારી પ્રશંસા માટે પાડ માનું છું. આ નગરમાં જીવન હવે મારે વ્યતીત કરવાનું હોવાથી લોકોદ્ધારક અનેક કર્તવ્યો મારે કરવાનાં છે. સુશિક્ષિત નાગરિકો તેની કદર કરે તો પોરસ વિશેષ ચડે છે. હજુ બગીચો પૂરે-પૂરો તૈયાર નથી થયો. થશે એટલે સાર્વજનિક કરવા મારો વિચાર છે.’ આમ બોલતાં બોલતાં ભૈરવનાથ અને બાલકરામ અને બે સુન્દરીઓ બંગલા નજીક ગયાં ત્યાં સેના વસ્ત્રાલંકારથી પ્રસાધિત થઈ તેમની સંમુખ સરી આવી. ‘બહેનો! જરાક મોડું થઈ ગયું. ચાલો હવે મારી સાથે અભ્યાગત સુન્દરીઓની સરભરા કરવા.’ ‘બહેન! શાસ્ત્રીમહારાજ પધાર્યા. અહો! સાહેબરામ તમે પણ આવી પહોંચ્યા!’ ભૈરવનાથ બોલ્યા. સર્વેએ શાસ્ત્રીમહારાજને નમસ્કાર કર્યા. ભાસ્વતીએ ઇંગ્લિશ પદ્ધતિ પ્રમાણે ડોક સહેજ નમાવી, શાસ્ત્રીજીએ સૌને આશીર્વાદ આપ્યા. ‘શેઠજી! મધુપર્કની સર્વે સામગ્રી તૈયાર છે ને? મને સોંપી દેશો? લાટસાહેબ પધારશે હવે થોડી વારમાં.’ ‘આ સામે આપનું આસન છે. ત્યાં થોડીક વસ્તુઓ હાજર છે, બાકીની બંગલામાં જઈ નોકર સાથે મોકલાવું છું.’ સેના બંગલામાં ગઈ. ભાસ્વતી અને સંકલ્પકિશોરી અભ્યાગત સન્નારીઓમાં ભળી ઓળખીતી સાથે કલ્લોલ કરવા લાગી. બાલકરામ અને સાહેબરામ કૉલેજની બાતમીઓનો વિનિમય કરવા લાગ્યા. શાસ્ત્રીજી શેઠને સંસ્કૃત શ્લોક સંભળાવવા લાગ્યા. ‘સાહેબરામ! મધુપર્કના છાપેલા મન્ત્રો અને ભાષાન્તર શાસ્ત્રીજીને બતાવ્યાં?’ એકદમ યાદ આવ્યું હોય એમ શેઠ બોલ્યા. ‘જી, અબઘડી બંગલામાંથી લઈ આવું છું.’ ‘ચાલો, શાસ્ત્રીજી, બાલકરામ, ચાલો. ગુલાબદાસ, પ્રહલાદજી આવે છે.’ સૌ મહેમાન તરફ વળ્યા અને પદવી પ્રમાણે અન્યોન્યનો ઘટિત સત્કાર કર્યો. ‘અમરનાથ! આજ તમે ઠીક ઘૂમો છો.’ હસતાં હસતાં બાલકરામે અભ્યાગતનું સ્વાગત કરતા અમરનાથને શાબાશી આપી. એવામાં ધીરજરામ, માતાદીન, મુકુંદરામ, ડૉ. છન્નુલાલ, મુગટલાલ વગેરે ગમતી દોસ્તો આવી પહોંચ્યા. અમરનાથ અને બાલકરામ સાથે વાતે વળગી ગયા. ‘ઈશ્વરદાસ બેલીફનો આજ અહીં શો ખપ હતો?’ માતાદીને ઉદ્ગાર કાઢ્યો. સર્વેનું ધ્યાન તેના તરફ વળ્યું અને શેઠ ભૈરવનાથ અને ઈશ્વરદાસને વાતો કરતા સૌએ જોયા. ‘આજે અહીં ‘ઍટહોમ’ છે એવી ખબર પડી કે શેઠ પાસે આવી આમંત્રણ માંગી લીધું. બાકી કોઈના પર વૉરંટ બજાવવા નથી આવ્યો એ.’ હસતાં હસતાં અમરનાથે સૌને વાકેફ કર્યા. ભરતીની વખતે નાનું મોજું આવે, પાછળ મોટું આવે, તેની પાછળ મોટું આવે એમ આમંત્રિત સ્ત્રી-પુરુષોની ભરતી થવા માંડી અને સૌજન્યનું લહાણું થવા માંડ્યું. લોકબત્રીસી નાનાવિધની સારીનરસી વાતો કરવા લાગી. કોઈ મેળાવડાની પ્રશંસા કરવા લાગ્યા, શેઠની દીર્ધદૃષ્ટિ, રાજનિષ્ઠાની તારીફ કરવા લાગ્યા; કોઈ ગવર્નરની તારીફ કરવા લાગ્યા; ત્યાં ધીરજરામ ધીમેથી પોતાના મંડળમાં બોલ્યો : ‘સ્વાર્થ વગર કોઈ કાંઈ કરતું નથી. શેઠને ખિતાબ જોઈએ છે અને સરકારમાં મારી પ્રતિષ્ઠા છે એવું બતાવી એને એની મિલોના ડિબેન્ચર લોકોમાં ખપાવવા છે. કેમ ઈશ્વરદાસ, તમારો શો મત છે? અહીંના શેઠિયાનાં કામ તમારે રોજ કરવાનાં એટલે તમને વધારે ખબર હોય.’ ‘ધીરુ! તારી નિંદા સામે સખ્તમાં સખ્ત અણગમો બતાવું છું. તારી નજર દુર્યોધન જેવી છે. શેઠ ભૈરવનાથ આપણાં નગરમાં આગેવાન થવા પ્રયત્ન કરે છે. રાજા અને પ્રજાની મધ્યમાં રહી બન્નેના વિશ્વાસપાત્ર થઈ બન્નેનું શ્રેય સાધવું એ એમનો અભિપ્રાય છે. કૉલેજમાં કાલે જ મારે અને સાહેબરામને આ બાબત વાત થઈ હતી.’ માતાદીનનો મિજાજ જતાં નિંદાનો નિષેધ કરી ખરી હકીકત સૌ સન્મુખ તેણે રજૂ કરી. ‘સાહેબરામ! એને ધૂળની ખબર છે! વાંચવામાંથી, ભાષણો કરવામાંથી, રમવામાંથી એ કયે દહાડે નવરો થાય છે કે દુનિયાના વ્યવહારની એને આંટીઘૂંટી સમજાય? એ પૃથ્વી પર ફરતો નથી જ. ભાવનામાં જ રમણ છે એનું. માટે એની વાતોમાં લવલેશ પણ વિશ્વાસ રાખીશ નહિ.’ ધીરજરામે પોતાના મનથી ધાર્યું કે સાહેબરામની ઠીક ખંખેરણી કરી. પાછું યાદ આવ્યું હોય તેમ સહેજ અટકેલો બોલવા માંડ્યો : ‘હમણાં એનું ચિત્ત ક્યાં ઠેકાણે છે? ભાવનાવાળાઓનો ભરોસો જ નહિ. સ્ત્રીબહુમાનની વાતો કરે પણ અંદર દાનત જુદી જ. પેલી ભાસ્વતી પર ભાઈનું ચિત્ત સળક્યું છે. અમરનાથ સાવધ નહિ રહે તો એને પણ પસ્તાવાનો વખત આવવાનો છે.’ આ સાંભળી સર્વે ખડખડ હસી પડ્યા. शांत् पापम् शांतं पापम्। શું માંડ્યું છે તેં ધીરુ! સાહેબરામનું ઉજ્જવળ શીલ તારી ધૂળથી ઝાંખું નથી થવાનું. જરા તો વિચાર કર, તું ક્યાં બેઠો છે. હોઠે આવ્યું એટલું બોલતાં જ શીખ્યો છે. કોઈનું સારું તારાથી ખમાતું જ નથી.’ માતાદીનનો પિત્તો ઉકળ્યો અને લાલચોળ થઈ ગયો. ‘મહારાજ, બી. એ. થઈ શેઠની લાગવગથી સારે ઠેકાણે પડવું છે એટલે કરો ખુશામત સાહેબરામની. હું બધું જાણું છું. સાચી વાત કહેતાં હું કદી ડરતો નથી.’ ધીરજરામે માતાદીનને તડકાવી કાઢ્યો. ‘ધીરુ! આપણે જૂના દોસ્તો ન હોત અને આજે મેળાવડામાં ટપાટપી ન થઈ હોત તો માતાદીનને પંજે તને ધૂળ ચાટતો કર્યો હોત. હરામખોર! તું બહુ ફાટ્યો છે. પણ ચાખીશ કડવાં ફળ એક દિવસ તારી કુબુદ્ધિનાં. હવેથી તારે ને આપણે લેવા દેવા નહિ.’ એમ ક્રોધથી બોલી માતાદીન ચાલ્યો ગયો અને ધીરજરામની મેહફિલે હાહાહીહીથી આખો પ્રસંગ ગંભીર જ ન હોય એમ ગણી કાઢ્યો. સેના મધુપર્કની સામગ્રી લેવા બંગલામાં ગઈ હતી ત્યાં સાહેબરામ છાપેલા કાગળ લેવા આવ્યો. ‘કેમ, સંજીવનીભાભી આવ્યાં?’ ‘અવાય એવું નથી. મને તેમ જ એમને પણ ખેદ થયો. તને પણ થશે જ.’ સેના કારણ કળી ગઈ. ‘આવ્યાં હોત તો એમને લહેર પડત.’ વાતચીત કામ પૂરું થવાથી ટૂંકામાં પતી ગઈ. બંગલાના પ્રમુખદ્વારમાંથી તેમને નીસરતાં બાલકરામે નિહાળ્યાં. તપોવ્રત યોગીને અકસ્માત દિવ્ય જ્યોતિના પ્રકાશમાં અનુભવેલ પ્રતીતિ થાય તેવું દર્શન તેને થયું. દર્શને ઉદ્ભવી આવેલ વિચારથી ભડક્યો અને કોઈ આસુરી માયામાં ઝપટાયો હોય તેમ ક્ષણ અધક્ષણ મૂંઝાયો. ‘આથમતા સૂર્યના પ્રકાશમાં બંનેની મુખશ્રી કેવી ચળકે છે. આનનનાં અંગેઅંગ કેવાં સુષ્ઠુ અને સુંદર છે! આંખ અને હોઠની કમાનો કેવી ઘાટીલી છે! ઘાટ કેવો મનોહર છે! હોઠ પર સ્મિત કેવું સુરખી રહ્યું છે! આંખમાંથી કેવાં તેજનાં કિરણ ફૂટી નીકળ્યાં છે! કપાળ પણ કેવું ઝગઝગાટ મારે છે! તંદુરસ્તીના માંસલ ઘાટ અને તેજ કેવાં રમણીય છે. બન્નેની મુખશ્રીમાં પ્રતાપ, ગૌરવ, સ્નેહ, સાત્ત્વિકતા, કેવાં પ્રકાશે છે! છતાં જાતિ(Sex)નો ભેદ સામ્યમાં કેવું લાવણ્યમય વૈષમ્ય ઝીણું ઝીણું પાડે છે. વિષ્ણુ અને તેની શક્તિ હારે નહિ આવતાં હોય! પુરુષ ગમે તેટલો સુંદર હોય પણ સ્ત્રીની સુંદરતાની સુકુમારતા આગળ એનું સૌંદર્ય નિસ્તેજ પડી જાય છે. કેવું યુગ્મ છે! દેહમાં તેમ જ આત્મામાં પણ અન્યોન્યને માટે નિર્માણ થયેલું—અરે! નિર્માણ! નિર્માણ તો જુદું જ થયું છે. પણ આવો વિચાર હોય મારે! સાહેબરામના સ્વપ્નામાં પણ બહેનભાવ સરી જાય એમ નથી. હું આવો વિચાર કરું છું એવું જાણે તો એની પવિત્રતા કંપી ઊઠે અને ઘોરમાં ઘોર પ્રાયશ્ચિત્ત કરવા મંડી જાય. સેનાનો ભાવ ખબર નથી. અમરનાથથી એને સંતોષ નથી જ. અને હોય પણ ક્યાંથી? ગર્દભને માટે ગુલાબ હોય ખરું! પણ નાતોનાં કુંડાળાં જે ન કરે તે ઓછું. પણ ભૈરવનાથની આત્મજા અપવિત્ર વાંછના કરે એવી નથી. પડ્યું પાનું નિભાવી લે એવી છે. અમરનાથમાં સેનાના નાથ થવાની યોગ્યતા આવે માટે તો શેઠે સાહેબરામને એની કેળવણી સોંપી છે. સાહેબરામ માટે પિતાપુત્રીને અત્યંત સન્માન અને સંપૂર્ણ વિશ્વાસ છે અને એ છે પણ એ સર્વને યોગ્ય.’ આવા વિચારો સપાટાબંધ બાલકરામના મનમાં ઊઠ્યા. ‘કેમ બાલકરામ, આજનો સમારંભ અવનવો જ હશે. પૂર્વ પશ્ચિમ સંલય પામી અભિનવ સ્થિતિ પ્રાપ્ત કરશે. શેઠની રસશક્તિ અને દેશવત્સલતા અપૂર્વ છે.’ પ્રો. અભેદરાજે વિદ્યાર્થી સમક્ષ હૃદયનો ભાવ વ્યક્ત કર્યો. ‘જી હા. આમંત્ર્યની પસંદગીમાં, અભ્યાગતની સરભરામાં, સત્કારની વ્યવસ્થામાં — સર્વ વ્યવહારમાં જણાઈ આવે છે કે શેઠની અગ્રણી ભાવના કેવી છે.’ અમે કૉલેજમાં સાથે ભણતા ત્યારની એને લોકનાયક થવાની હોંશ હતી. પણ હૃદયનાથ શેઠના આગ્રહથી એને સરકારી નોકરી લેવી પડી. એક રીતે જે થયું તે ઠીક થયું. દશ વર્ષની નોકરીના અનુભવથી લોકસેવા અને રાજસેવા વધારે ઉપયોગી થઈ શકશે; અને અનુભવની પ્રતિષ્ઠા જુદી જ છે. તમે, સાહેબરામ વગેરે શેઠના સામંતો પણ અનુભવ મેળવી સાર્વજનિક કર્તવ્યો આદરશો તો સરળતાથી સફળ થશો. અલબત્ત શેઠ જેવા અનુભવીની તાલીમ અને દેખરેખમાં તમે ઓછા નિપુણ નહિ થાઓ.’ ‘જી, આપનું કહેવું વાજબી છે; પણ વિદ્યાર્થી ઘણીવાર અનુભવની ગરજ નથી સરતી?’ ‘સરે છે. વૅલિંગ્ટનનું વચન છે : ‘ઇટનની ક્રીડાભૂમિ પર વૉટરલૂનું યુદ્ધ જિતાયું હતું’ તેમ રાજ્યવહીવટમાં પડ્યા વિના પણ તેનો વિગતવાર અનુભવ મળી શકે છે. આપણા દેશમાં ગોખલેનો દાખલો મશહૂર છે.’ ‘સાહેબરામે તો વહીવટી લક્ષણો કૉલેજની રમતગમતોમાં, વિદ્યાવર્ધક મંડળીઓમાં અને નગરની અનેક હિલચાલના નિર્વાહમાં એવાં બતાવ્યાં છે કે સરકારી અમલદારો તાજુબ જ થઈ ગયા છે.’ ‘અભેદરાજ, તમે આવ્યા તેથી હું ઘણો જ ખુશ થયો છું. આજનું પ્રસાધન કેવું લાગે છે? સાહેબરામ, સેનાને બાલકરામની કૃતિનાં વિચાર અને નિર્વાહ કેવાં લાગે છે?’ ભૈરવનાથે આવી પ્રોફેસર સાથે હાથ હલાવ્યો. પ્રોફેસરસાહેબ જવાબ આપવા જાય છે ત્યાં પટાવાળો, દોડતો આવ્યો કે ગવર્નરસાહેબ પધારે છે. એકદમ ભૈરવનાથ અને આગેવાન નાગરિકો દરવાજે ગયા. દરવાજા પર વેલ, પાંદડાં, ફૂલ, અને ધ્વજાપતાકાનું ભવ્ય તોરણ રચવામાં આવ્યું હતું. પિત્તળ અને તાંબાના કુંભની માણ ગોઠવી તોરણના સ્તંભ રચવામાં આવ્યા હતા. દરવાજા આગળ ગાડી આવી એટલે ગવર્નર, લેડી શૅલી, કમિશનર અને લશ્કરી એ. ડી. સી. ઊતર્યા અને ભૈરવનાથ સાથે હસ્તધૂનન કર્યું. સેનાએ ગવર્નર અને લેડી શૅલીનાં મીઠડાં લઈ માથા પરથી લૂણ ઉતાર્યું અને કેવડાજળના અભિષેકથી દેશપતિ અને તેની વધૂની આતિથ્યાર્ચના કરી. પાછલી ગાડીમાંથી પ્રાઇવેટ સેક્રેટરી, કલેક્ટર, કમિશનર-પત્ની અને કલેક્ટર-પત્ની ઊતરી આવ્યાં અને યજમાન તથા યજમાનદુહિતાના વિવેકી સૌજન્યનું પાન કરતાં બગીચામાં સર્વની ભેગાં આવ્યાં. બંગલા નજીક આસનો ગોઠવવામાં આવ્યાં હતાં. ખુરસી અને કોચના ઘાટમાં દેશીવિદેશી નમૂનાનું વિલક્ષણ મેળવણ કરવામાં આવ્યું હતું. કોતરકામ ઝીણી વેલબુટ્ટીનું હતું તેમ જાનવરોનાં અંગોનું પણ હતું. ગાદી દેશી કિનખાબ, રેશમી કાપડ કે પરદેશી મલમલની હતી. સુગંધ અને રંગના બહાર બહલાવતાં પુષ્પ પાત્રો અને આકૃતિ, રંગ, રૂપની વિવિધતાથી આકર્ષતાં ફળ પાનરોપનાં કુંડાં આસપાસ ગોઠવવામાં આવ્યાં હતાં. દેશપતિ અને તેમનાં વધૂ આસનસ્થ થયાં એટલે શાસ્ત્રીજી અને તેમની શિષ્યમંડળીએ સામવેદના ગાનથી અતિથિના સત્કાર અર્થે કરવામાં આવતો મધુપર્ક વિધિ કર્યો. યજ્ઞહિંસા મધુપર્કમાંથી હવે નીકળી ગઈ છે, એટલે અહીં હોવાનો સંભવ જ નહોતો. લૉર્ડ અને લેડી શૅલીએ પ્રસન્ન ઉલ્લાસથી હિંદુ વિધિઓનો ઉપચાર સ્વીકાર્યો. ભૈરવનાથ શેઠે ત્યાર પછી નગરના આગેવાન વિદ્વાનો, શ્રીમંતો, વકીલ–દાક્તરો, વેપારીઓ, અમલદારો, સાધુ–સંન્યાસીઓ, શાસ્ત્રીઓ, વિદ્યાર્થીઓ વગેરેનો તેમને પરિચય કરાવ્યો. ગવર્નર મુલાકાત ઓળખવામાં રોકાયા હતા ત્યારે લેડી શૅલી સેના સાથે હરવાફરવા લાગ્યાં અને મળેલી સન્નારીઓ સાથે ભાંગીતૂટી ગુજરાતીમાં વાત કરવા લાગ્યાં. એમની મીઠી નજર પડવા માટે હરેક સન્નારી કૃતાર્થ થતી તેમ પોતાની રૈયતને મળવાથી લેડી શૅલી પણ કૃતાર્થ થતાં હોય એવો ચહેરો પ્રકાશ મારતો હતો. સુન્દરીઓના પહેરવેશ, પ્રસાધન, અલંકાર, અંગસૌષ્ઠવ, આનનભાવોની માતબર કે કૃપણ વિવિધતાનું પાન કરતાં લેડી શૅલીને આહ્લાદની સાથે અધિકારની જવાબદારી કેટલી ગંભીર અને વિશાળ છે તે સમજાયું. પાંચ વર્ષ માટે પોતાના પતિને જે પ્રદેશ પ્રવૃદ્ધિપથે લઈ જવા સુપ્રત થયો હતો ત્યાં પતિના અમલદારી ઉપાયો કેટલા બધા પત્નીના સહચાર, સહકારિતા અને સહાનુભૂતિ વિના ન્યૂનતાભરેલા અને અક્સીર નીવડ્યા વિના રહેવાના? પાંચ વર્ષની ટૂંકી મુદતમાં શું થઈ શકશે? અમલ સિદ્ધાર્થ થાઓ કે ન થાઓ પણ હિંદી સ્ત્રીજાતિની ઉન્નતિ અર્થે પોતાથી થઈ શકે એવી દીર્ઘાયુ હિલચાલ આરંભવાનો અને ઉદ્દેશની સરળ અને સફળ સિદ્ધિ અર્થે તેમનામાં હળીમળી તેમની સ્થિતિ, રિવાજ, હાજત વગેરેની ખરેખરી માહિતી મેળવવાનો તેણીનો સંકલ્પ હતો. પ્રભુપ્રીત્યર્થે મનુષ્યસેવાનો ઉત્તમ પ્રસંગ પ્રાપ્ત થવાથી તેનું ખ્રિસ્તી હૃદય ઉપકારનત બની સંકલ્પના નિર્વાહ માટે ઘણીવાર પ્રભુપ્રાર્થના કરતું હતું. આવા મેળાવડાઓમાં સર્વે સુંદરીઓ સાથે સંલાપ કરતાં કોઈ હિન્દી સુંદરીઓનાં બુદ્ધિ, હૃદય, સંસ્કારિતા એવાં અપૂર્વ અને હૃદયંગમ લાગતાં કે વિલાયતમાં અનુભવની ગેરહાજરીમાં બાંધેલા ખોટા ખ્યાલો માટે તેને પસ્તાવો થતો. આવી સંસ્કારી સુંદરીઓનો સમાગમ થવાથી તેનો ઉત્સાહ વધતો અને જનોદ્ધારનું કર્તવ્ય ઉજ્જવળતાથી થઈ શકશે એવી નિરાંત થતી. શાક્યસિંહ રાજમહેલમાંથી નીકળી કપિલવસ્તુની નગરચર્યા કરવા નીકળ્યા ત્યારે નાગરિકો જેવા પ્રસન્ન, સ્વસ્થ, ઉલ્લસિત, આરોગ્યવાન યુવાન, શ્રીમંત અને રાજભક્ત — શોક, ચિંતા, ઉદ્વેગ, રોગ, જૈફી, ગરીબાઈ, જુલ્મ વીસરી — થયા હતા અને તેમની વચમાંથી જતા શાક્યસિંહને વિશ્વનાં સંકટોથી અનભિજ્ઞ રાખવા શુદ્ધોદન રાજા તરફથી જેવી મહેનત લેવામાં આવી હતી તેવી જ મહેનત, દરકાર અને ખબરદારી ગવર્નરની નગરચર્યા વખતે કલેક્ટર અને કમિશનર લે છે અને પોતે પહેરાવેલાં ચશ્માંથી જેનું નિરીક્ષણ કરવા દેવું હોય તેનું કરવા દે છે. આ રવૈયો ફેરવવાની આકાંક્ષા ભૈરવનાથને વર્ષોથી હતી. ગઈ કાલે શહેરના એક આગેવાન તરીકે ગવર્નરની મુલાકાત કરવાનો શુભ અપેક્ષિત પ્રસંગ મળ્યો ત્યારે પોતાના બુદ્ધિવૈભવ અને અનુભવસામર્થ્યથી ગવર્નર પર પ્રતાપી પ્રભાવ પાડ્યો અને પોતાનાં નગર અને પ્રાંતની જરૂરિયાતોની વિગતો કરતાં મૂળતત્ત્વો સમજાવ્યાં અને રૈયતના સાચા પરિચયમાં લાવી જરૂરિયાતોની વિવિધતા અને તેમને પહોંચી વળવાના ઉપાયો બતાવવા પોતાને બંગલે પધારવા નિમંત્રણ આપ્યું અને અંગ્રેજ અમલદારોને ગમતી વાત ન હોવા છતાં તે તેમની સંમતિથી સ્વીકારાવ્યું. દરેક મહેમાન સાથે ગવર્નરને ઓળખાણ કરાવડાવી અને લેવીમાં કુરનીસમાં જ સમાપ્ત થતા ઓળખાણ પેઠે ન કરતાં મહેમાનોના જીવનવ્યવહારની ટૂંકી પણ મર્મલ હકીકત વર્ણવીને વ્યવહારના પ્રશ્નોથી ગવર્નરને વાકેફ કર્યો. ગવર્નરને થાક તથા કંટાળો ન લાગે માટે બગીચામાં ફરતા ફરતા વનસ્પતિ, મૂર્તિવિધાનકળા, પ્રસાધન, સંગીત, સૃષ્ટિસૌંદર્યની મઝા માણતાં માણતાં કુનેહથી અને આવડતથી હેતુ પાર પાડ્યો. સરકારમાં ‘સ્ટેટ્યુટરી સિવિલિયન’ તરીકે અને પહેલા વર્ગના દેશી રાજ્યના એડ્મિનિસ્ટ્રેટર તરીકે મળેલા વહીવટી અનુભવમાં વેપાર–ઉદ્યોગની તાલીમ અને અનુભવનો સંભાર ભળેલો હોવાથી તેમ જ વ્યુત્પન્ન વિદ્વત્તા તથા અભિજાત સંસ્કારિતાને લીધે ગવર્નરને પોતા પર એવો આફરીન કરી નાંખ્યો કે કલેક્ટર અને કમિશનર તો જોઈ જ રહ્યા. બુદ્ધિ માટે પ્રસાદનું લહાણું થતું હતું તેમ ઈન્દ્રિયો — સર્વે ઈન્દ્રિયોની તૃપ્તિ અર્થે ભિન્ન ભિન્ન તરેહની પણ લહાણી થતી હતી. બગીચામાં ઠેર ઠેર નાનાં ટેબલો અને ફરતી ત્રણ ત્રણ ખુરશીઓ ગોઠવ્યાં હતાં. સ્વચ્છ ધોયેલાં વસ્ત્રો પહેરેલા બ્રાહ્મણના છોકરાઓ હિન્દુઓને ઉપહાર જોઈએ તેમ તેમ પીરસતા હતા. યુરોપીયન અને મુસલમાનો માટે લાંબા ટેબલ પર ફિરંગીઓએ ઉપહાર પીરસ્યો હતો. ઉપહારમાં યુરોપીયન વાનીઓ ઉપરાંત અનેક દેશી વાનીઓ પણ પીરસવામાં આવી હતી. એ વાનીઓ યુરોપીયન મહેમાનોની પસંદગી પામી યજમાનને ધન્યવાદ અપાવતી હતી. દરવાજા પાસે લશ્કરી બૅંડ વાગતું હતું અને એક ફુવારા નજીક દેશી વાજિંત્રો અકબરખાનની ઉસ્તાદીથી બૅંડના જેવો સંવાદ ઉપજાવતાં હતાં. મનુષ્ય સમાગમથી અધિક કુતૂહલપોષક કે રસોત્પાદક કે વિનોદપ્રદ કાંઈ હોઈ જ શકે નહિ એવું માની ભૈરવનાથે મહેમાનોની મોજ ખાતર બીજો કાંઈ પણ બંદોબસ્ત નહોતો કર્યો. સંધ્યા પડતાં રોશની જાદુઈ ઝડપથી પ્રગટી નીકળી અને નૈસર્ગિક સૌંદર્યનો ભપકો પૂર મધ્યાહ્નમાં કરી દીધો. સાડાસાત આઠને સુમારે સંતોષ, આનંદ અને આભારથી ઉભરાતાં હૈયે ગવર્નર, લેડી શૅલી, અને બીજા મહેમાનો સૌ સૌને નિવાસે પધાર્યા. છેવટે આપ્ત હતાં તે રહ્યાં. ‘હરકોર શેઠાણી! આજ બહુ કૃપા કરી! બાળકો પર ઓછી મહેરબાની નથી કરી! આપનો પાડ કયે જન્મ વાળીશું?’ શેઠે આભારનો ઊમળકો કાઢ્યો. ‘ભાઈ, તમારી મમતા અને સેનાનું હેત એવાં છે કે અર્ધી રાતે બોલાવો તો હાજર થાઉં. તેમાં આજે તો લાટસાહેબનાં મડમની સરભરા કરવાની હતી. આપણે એમની રૈયત છીએ પછી આવ્યા વિના ચાલે? પાડ તમારો માનવાનો છે મારે. નહિ તો ક્યાંથી મડમને મળત હું? બહુ જ ભલી અને અશરાફ છે બાઈ. હું આવી પ્રૌઢ વયની છું છતાં એમને મળતાં જ માનું હેત સાંભરી આવ્યું. સાક્ષાત્ જગદંબા પૃથ્વી પર અવતર્યાં હોય અને પોતાની દીકરીઓને પાંખમાં લેવા ફરતાં હોય એવો ભાવ થયો, ભાઈ, માનશો? કેવું હેત! કેવો વિવેક! કેવી સુશીલતા! કેવું સૌજન્ય! ન હોય તો અમીરાઈ કહે છે કોને? ખાનદાન તે ખાનદાન. ઉમ્મરે છે નાની પણ અક્કલે છે મોટી. માતાજી એનું કલ્યાણ કરો અને અખંડ સૌભાગ્ય રાખો અને સો દીકરાની મા બનાવો.’ ડોસીમાનું, ઊમળકાના ટાયલાભર્યું ભાષણ સાંભળી ભૈરવનાથે તેની સરભરા કરવા માંડી : ‘શેઠાણી! આપે ઉપાહાર લીધો ને? અથવા ચાલોને આપણે સાથે બેસીએ. ક્યાં ગઈ સેના?’ ‘બીજે મેળાવડામાં ઉપાહાર લેતી નથી પણ અહીં તો ચોખ્ખી બામણિયા રસોઈ હતી એટલે પેટપૂર મેં તો ખાધું છે. માટે હવે તો રજા જ દ્યો. સેના ને ભાસ્વતી પણે ખાનગી ગુસપુસ કરે છે.’ શેઠે સેના, ભાસ્વતી, સંકલ્પકિશોરી, કુન્દલતા, અમરનાથ, સાહેબરામ, બાલકરામ, માતાદીન, શાસ્ત્રીજી વગેરે હાજર રહેલાંને ભેગાં કરી હરકોર શેઠાણીની હૂંફમાં રુચિ પ્રમાણે સૌને ભોજન કરાવ્યું. વાર્તાવિનોદ કરતાં સૌ છૂટાં પડ્યાં. સેના ભાસ્વતીને વળાવતાં વળાવતાં કાનમાં કહેવા લાગી : ‘પશ્ચાત્તાપ જાણ્યા પછી રોષ રાખીશ મા.’ તેણે પ્રત્યુત્તર દીધો : ‘તેં ખાતરી આપી એટલે થયું, બાકી એની પાસે આવી રીતભાતની આશા નહોતી રાખી.’ સહિયરો ગાડીમાં બેસવા જતી હતી પણ બાલકરામ માતાદીન સાથે વાતમાંથી નવરો નહોતો પડ્યો તે કુન્દલતાએ બૂમ મારી બોલાવ્યો. પાછાં વળતાં સેનાને કાને માતાદીનના શબ્દો અથડાયા : ‘સાહેબરામ ભાસ્વતીને ચાહે છે.’ હરકોર શેઠાણીને વળાવવા પિતાએ બોલાવવાથી ઝડપથી ચાલવા જતાં પછીના શબ્દો ન સંભળાયા. શાસ્ત્રીજીની સાથે સાહેબરામે પિતાપુત્રીની રજા લીધી. શાસ્ત્રીજીના સંસ્કૃત પઠનના રસમાં સેનાનું ઊતરી ગયેલું મોં તેણે જોયું નહિ તેમ બેઠેલો સાદ વિચિત્ર લાગ્યો નહિ.

[૫]

‘સાહેબરામ ભાસ્વતીને ચાહે છે.’ સંજીવનીને નાથ પવિત્ર સાહેબરામ પરકીયા ભાસ્વતીને ચાહે એ અસંભવિત છે. સૂર્ય રાતે ઊગે તોપણ સંભવિત નથી. સ્નેહનો કળશ ઢળી ગયો છે. ત્યારે માતાદીન શું કહેતો હતો? પણ ક્યાં માતાદીન અને સાહેબરામ વયસ્ક છે કે આવી વાતો અન્યેાન્યને જણાવી શકે? માતાદીન કરતાં તો બાલકરામ સાથે સાહેબરામને ગાઢ દોસ્તી છે. હશે ટીખળ પેલા ધીરજરામનું અને માતાદીન મારફત બાલકરામને આવી આવી અફવાઓ જણાવી હલકો પાડવા હશે સાહેબરામને. હા! સમજાયું. કાલે કૉલેજમાં ભાસ્વતી અને એની સહાધ્યાયિનીઓને ગવર્નર જોવા જતાં સાહેબરામ, ધીરજરામ વગેરે અંતરાય થઈ પડ્યા અને તેથી ભાસ્વતી ખાસ કરી સાહેબરામ પર ચીડાઈ અને સાહેબરામને ગફલત માટે પસ્તાવો થયો વગેરે બાબતોને મળવી જોઈએ તેથી વધારે પ્રસિદ્ધિ મળી છે. કાલે રાત્રે કીર્તનમાં પણ પશ્ચાત્તાપને લીધે સાહેબરામ ભાસ્વતીની સામે વારે વારે જોઈ બળતા હતા. તેનો આ નિંદાખોરોએ અવળો અર્થ કર્યો હશે. પણ સાહેબરામ પર તો ધીરજરામ આફરીન છે; સાહેબરામને માટે એને માન અને સ્નેહ છે. સાહેબરામની અપકીર્તિ ફેલાવે એવો એ નથી. પણ અપકીર્તિ ફેલાવવાનો દોષ શા માટે દઉં છું? સાચી વાત હોય તો અસાવધ સાહેબરામની ચેષ્ટા પરથી ધીરજરામ જેવો દુનિયાનો પીધેલ વસ્તુસ્થિતિ કળી કેમ ન ગયો હોય? પણ તું આ શું કરે છે? સાહેબરામને તું નથી ઓળખતી? એ પારદર્શક જીવનમાં કદી તેં મલિનતા જોઈ છે? સંજીવની પરની એની પ્રીતિનો તને ક્યાં અનુભવ નથી? સાહેબરામ પત્નીવ્રતમાંથી ચળે એવો નથી. વખતે આમ નહિ હોય? બિચારી ભાસ્વતી પાછળ આખું ગામ આદું ખાઈ પડ્યું છે. ઊંચી કેળવણી લેવામાં જાણે મોટો ગુનો ન કરતી હોય તેમ લોકો એને બેજાર અને હેરાન હેરાન કરી નાંખે છે. સાહેબરામ કરતાં એની બેઆબરૂ કરવાનો એના દુશ્મનોએ આ દાવ નાંખ્યો નહિ હોય? સંભવિત લાગે છે. એમનું શાસ્ત્ર પુરુષોને સ્ત્રી કરતાં અધિક છૂટ આપે છે. સ્ત્રીની નાની સરખી ભૂલ મહાપાતક સમાન લેખે છે. માટે આ કિંવદંતી સાહેબરામ સામે નહિ પણ ભાસ્વતી સામે જ લાગે છે. ભાસ્વતી પર મને દયા આવે છે. એને આવામાંથી બચાવવી જોઈએ. કાલે સાહેબરામ મળે કે તરત જ આ વાત કહી ભાસ્વતીને ઇન્સાફ અપાવીશ, અને એની પવિત્રતા જગમાં જાહેર કરાવીશ. પણ સાહેબરામ તારી યોજના અમલમાં મૂકશે? અલબત્ત મૂકશે જ. મારો બોલ પડ્યો રહેવા દીધો નથી અને મારી ઇચ્છાઓ આજ્ઞા પેઠે અમલમાં મૂકી છે. આજે જ ખીજવાયેલી ભાસ્વતીને શાંત પાડી સાહેબરામ પરનો રોષ દૂર કરાવ્યો. હવે આ અપવાદ એને કાને જાય તો પછી એ નાગણ કેવી છંછેડાશે? ને છંછેડાય તેમાં એનો શો વાંક? દુનિયાએ પજવી પજવી એને જનતાદ્વેષી(misanthrope) બનાવી દીધી છે. ભાસ્વતી અને હું સાથે અલક દલક રમતાં. અમારી મૈત્રી ઘોડિયામાંથી છે. સાહેબરામ મારા પિતાના અત્યંત વહાલા સામંત છે. ભાઈ વગરની સેનાના ભાઈ છે; સગા ભાઈથી પણ વધારે સગા ભાઈ છે. ભાઈ અને બહેનપણી વચ્ચે વૈમનસ્ય અને તે પણ કાંઈ પણ આધાર વગર થાય તે કેમ સાંખ્યું જાય મારાથી? બનતું કરી એખલાસ કરાવીશ બન્ને વચ્ચે અને નિંદાખોરોનાં કાળાં મોં શામળાં જ રહે એવી યુક્તિ કરીશ.’ રાત્રે સૂતા પછી આવા વિચારો સેનાને આવ્યા અને એની ધૂનમાં છેક મોડી રાતે ઊંઘી. સારા દિવસનો થાક પણ આ વ્યગ્રતામાં ક્યાં જતો રહ્યો તે જણાયું નહિ. શ્રાવણ કૃષ્ણપક્ષનો આરંભ હતો. સુભાગ્યે દિવસે વરસાદે ભૈરવનાથ પર મહેરબાની કરી એમનો મેળાવડો પલાળ્યો નહોતો. પણ મધ્યરાત્રિ થતાં વાતાવરણનું ઔષ્ણ્યમાન(temperature) ઊતરી ગયું અને એકદમ ઠંડક થઈ ગઈ. ભયંકર રાક્ષસી વાદળાંઓ ક્ષિતિજમાંથી નીકળી આવ્યાં અને ચંદ્રમા તથા નક્ષત્રોને ગળી રાહુ અને કેતુના ગ્રહણથી પણ વધારે ગમગીની ફેલાવાવા લાગ્યાં. ચંદ્રે પણ વાદળી સાથે ખેલ ખેલવા માંડ્યા. સ્થાને રહી, આવે તેની સાથે ભાત ભાતની વિનોદમોજ માણવા માંડી. કોઈ વાદળીના અંતરમાં સાવ સંતાઈ જતો તો કોઈ વાદળીમાંથી છૂપો છૂપો ઝાંખો થઈ ગયેલો દેખાતો. કોઈ વાદળી પર ખુશ થતો તો તેને આખી રૂપેરી બનાવતો તો કોઈના કોરછેડા રૂપેરી પ્રકાશથી ચળકતા કરતો. ભેજવાળી હવામાં તરતો તરતો પોતાની આસપાસ પ્રકાશનું કુંડાળું કરી જાણે એવી આગાહી આપતો હતો કે વરસાદ ખેંચી અહીં એકઠો કરવામાં આવ્યો છે અને હમણાં જ મારાં બાણ છોડું છું કે તરત વરસાદ તૂટી પડવાનો છે. અને થયું પણ તેમ જ, ફરફર શરૂ થઈ ન થઈ ત્યાં તો કાળી વાદળીઓ ધોધબંધ વરસવા મંડી. સર્વત્ર જળ અને પૃથ્વીના મેળાપથી ગીતનો નિનાદ ગાજી રહ્યો હતો તેમાં ગર્જના સોતા કડાકા અને વીજળીઓના ઝબકારા થવા લાગ્યા. નિમિષમાં વાદળાંઓના ઉદરને ચીરતી વીજળીની વાંકીચૂકી લતા ઝબકી અપૂર્વ દર્શન કરાવતી. જ્યારે વિદ્યુલ્લતાને બદલે વીજળીના ચંદરવો દુનિયા પર પથરાતો ત્યારે અંધકારમાં સંતાઈ રહેલી જડચેતનની સંસ્થિતિનું જેને દર્શન થતું તે એ દર્શનની ભવ્યતા અને અપૂર્વ સુંદરતા જોઈ આશ્ચર્યચકિત થતું. કામથી થાકેલી, છતાં મેળાવડાની વિજયસિદ્ધિથી ઉલ્લાસ પામેલી, કિંવદંતીથી ગભરાયેલી છતાં સ્નેહીઓનાં શીલ પરના વિશ્વાસથી શાંત થયેલી સેના સ્વપ્નથી વિચારશૂન્ય થઈ હોય તેમ સફાળી ઊઠી પલંગ પર બેસી રહી અને સામે બારીના કાચમાંથી જલધારા પડતી અને ચંદ્રપ્રકાશ તથા વિદ્યુતપ્રકાશને સાઠમારી રમતાં જોઈ રહી. એની ઇંદ્રિયો બહેર મારી ગઈ હોય તેમ સૂનમૂન બેસી જ રહી. કુદરતની સહચરી સેનાને આજે તેના સહવાસમાં ઊર્મિ ઊઠી નહિ. હાથે આંખો ચોળી જાગૃત કે નિદ્રામાં છું તેની ખાતરી કરતી હતી? પણ ત્યારે હાથે મોં ઢાંકી મગજમાંથી કાંઈ ખંખેરતી હોય તેમ ડોકું શા માટે આમતેમ હલાવતી હતી? આખરે જડ દેહમાં ચેતન આવ્યું. પલંગમાંથી ઊભી થઈ ખુરસી પરથી શાલ લઈ ઓઢી શયનખંડમાં ફરવા લાગી. ફરતાં ફરતાં ચિત્તની વ્યગ્રતા સ્પષ્ટ જણાતી હતી. બહાવરાપણું સંકેલી સ્વસ્થતા લાવવા બારી ઉઘાડી મેઘસૌંદર્ય નિહાળવા લાગી. પણ આજે ઇંદ્રિયો કોઈ અંતર્વ્યાપારમાં એવી ગૂંથાયેલી હતી કે બાહ્યવ્યાપારમાં તદ્દન બેપરવા જ નીવડી. આખરે મનના અને શરીરના થાકથી થાકી પડી ખુરસી પર. ઘડિયાળમાં બે ટકોરા થયા. કાલદંડે જાણે એની આંધી જાદુની ફૂંકથી ઉરાડી હોય તેમ આરામથી ખુરશી પર સૂતી સૂતી પોતાના વિચાર–શકલો સંકલિત કરી સ્વપ્ન સંભારવા લાગી. રફ્તે રફ્તે સ્વપ્નની વિગતે વિગત સ્મૃતિએ ઘાટવાર રૂપમાં ગોઠવી. ગોઠવાયેલા રૂપનું સમગ્ર વિમર્શન સેના કરવા લાગી. ‘આજ મારી વાડીની શોભા કેટલી બધી દિલપઝીર છે! પણ એ શોભા દર્શનમાં શી વ્યથા આ! સેના, તારામાં સ્નેહ છે? કેવો વિચિત્ર સવાલ! મારામાં સ્નેહ નથી? પૂછો મારા પિતાને. માડીની ખોટ પડવા દીધી છે મેં એમને? ગાંડી! પ્રવંચના જવા દે. પિતા – પુત્રીના સ્નેહનો પ્રશ્ન નથી. સ્ત્રીપુરુષના જાતિગત(sexual) પ્રણય-સ્નેહ વિશે સવાલ છે. સમજી. પણ–હિન્દુ સ્ત્રીના જીવનમાં આવો સવાલ સંભવે ખરો? પાછી પ્રતારણા. ચાલ સીધો સવાલ પૂછું. પાંસરે પાંસરો ઉત્તર આપજે. અમરનાથને તું ચાહે છે? અમરનાથ સાથે હું પરણી છું. તમને બંનેને મંગળફેરા ફરતાં દુનિયા આખીએ જોયા હતા એટલે એ કાંઈ ગુપ્ત વાત નથી કે તું પ્રકટ કરે છે. દાંપત્યજીવન ગાળ્યા અગાઉ હિન્દુ રમણીને સ્નેહની શી ખબર પડે? સેના! તું સાધારણ હિન્દુ રમણી છે? જરા પ્રામાણિકપણે તારું દિલ ખોજ. તારા દાદાના અવસાન પછી રાજ્યની નોકરીમાંથી તારા પિતાએ આવી આહીં નિવાસ કર્યો ત્યારથી અમરનાથ ઘણુંખરું તારે ત્યાં જ રહે છે ને? હા, રહે છે. અને મારા પિતાના હાથ નીચે તાલીમ લે છે. એ તાલીમમાં તારો સ્વાર્થ છે કે તારા પિતાનો એકલાનો છે? સ્વાર્થ? અલબત્ત છે જ. પતિ દૈવતની સંસ્કારિતા હિન્દુ રમણીના સૌભાગ્યને ઉજ્જવળ નથી કરતી? બડી બડી બાત રહેવા દે. ઝીણા સવાલ પૂછવા જ પડશે. તારા જેવી સુશિક્ષિત સંસ્કારી કન્યાને સ્નેહના સ્વરૂપની પિછાન જ નથી એવું કેમ મનાય? કબૂલ; અનુભવ નહિ હોય. પણ તારું જીવન સાધારણ હિન્દુ રમણી જેવું નથી. જ્યારે તેના હૃદયમાં સ્નેહનો આવિર્ભાવ થાય છે ત્યારે તેનું પાત્ર થનાર હાજર હોય છે. લગ્નથી સંબંધી થયેલા પતિ પર તેનો સ્નેહ આસક્ત થાય છે. મારો સ્નેહ જાગશે ત્યારે તે પણ તેનું કુદરતી પાત્ર શોધશે. શું ખરું કહે છે કે જાગ્યો જ નથી? ત્યારે શું ખોટું બોલું છું? તને તારા પિતાથી ભિન્ન કોઈનો સહવાસ અતિ પ્રિય છે? તેના આગમનથી પ્રભાતના સૂર્યોદયથી જેવી પૃથ્વી પ્રસન્નોત્સાહી થાય તેવી તું નથી થતી? ઘણીવાર આગમનની રાહ જોતી ઝંખતી નથી? જિંદગીની પળેપળ વિષયે-વિષયમાં તેનું સ્મરણ નથી થતું? થતું હશે પણ તેનું છે શું? અમરનાથ માટે તને આવું થાય છે? હજુ અમારો સમાગમ ઓછો છે. મારા વ્રતના પાલન માટે મને એટલો બધો આગ્રહ છે કે હાલ હું સમાગમ વધારતી નથી. રખેને નબળાઈથી વ્રતભંગ થાય તો? હિન્દુ રમણીનો ઇષ્ટદેવતા પતિ છે અને વ્રતસ્થ સ્ત્રી પતિથી દૂર ભાગે એ આજે સાંભળ્યું. શું? તમે આવી વાતો કરનાર છો કોણ? ભાગો અહીંથી. નથી વાત કરવી તમારી સાથે મારે.’ — આમ વચકાઈ હોય તેમ શાલમાં મોં ઢાંકી દીધું પણ વિચારો ધકેલ્યા ધકેલાય એમ નહોતું. અનિચ્છા છતાં તેમનો વેગ ચાલુ જ હતો. લાચારીથી તેમને વશ થઈ ભાગ્યપરાયણ પરિણામની રાહ જોવા લાગી. ‘મૂંઝાઓ મા. સેનાબહેન! કોનો અવાજ? સાહેબ — ના પણ અર્ધી રાતે મારા શયનખંડમાં ક્યાંથી એ? સેના? પકડાઈ તું. તારું રહસ્ય ખુલ્લું થઈ ગયું. તારું દિલ કોનું રટણ કરે છે? દિલને દગો ન દે. બસ, હવે કહેવાનું છે? કેવો હીચકારો આરોપ? નાનપણથી પિતાની હું સહચરી છું. તેના ઉચ્ચ-ગ્રાહો, અભિલાષો, વાંછનાઓની જેટલી હું વાકેફગાર છું તેટલું કોઈ નથી. એ સર્વને પોષે અને મૂર્ત કરે એવી શક્તિ સાહેબરામમાં પિતાએ જોઈ અને તેને પોતાના નિકટ સંબંધમાં લીધો. હવે સ્વાભાવિક રીતે મારા પિતાના સાથમાં અમે પણ પરિચયમાં આવીએ જ. અમારા પિતાપુત્રી જેવો જ એને ને મારે ભાઈ–બહેનનો સંબંધ જામતો જાય છે. વર્ષ પછી એ વિલાયત જશે અને હું પણ વ્રત સમાપ્ત થયે સંસારમાં પડીશ અને પતિ તથા અપત્યમાં સ્નેહ જાગશે ત્યારે તેની લહાણી કરીશ. મારા પતિની ઇચ્છા હશે તો લોકસેવામાં ઉદ્યુક્ત થઈશ અને થઈશ તો જ અમારો સમાગમ રહેશે. બાકી બંનેના માર્ગ નિરાળા છે. હું પરણેલી છું અને ભૈરવનાથની દીકરી છું. તે પણ પરણેલો છે અને પત્નીનો વહાલો નાથ છે. માટે આવા પાપી વિચારોને પાપનું કંદન કરનાર અંતઃકરણ! તું ક્યારનું સ્થાન આપતાં શીખ્યું? હું શીખ્યું નથી. કસોટી કાઢવા મારે સેતાનની સાથે પણ મહોબત રાખવી પડે છે. ઠીક, પણ તેથી અકળાવીશ મા મને!!’ ખુરશી પરથી એકદમ કૂદી પાસેના ખંડમાં જઈ મોં ધોયું અને વસ્ત્રો ઠીકઠાક કર્યાં. શયનખંડના ગાલીચા પર બેસી ગઈ અને ધ્યાનનિષ્ઠ થઈ સ્તોત્ર ગણગણવા માંડી. વરસાદ પણ મોળો પડ્યો હતો. કર્કશતા કોમળ મધુરતામાં ફેરવાઈ ગઈ હતી. નિનાદને સ્થાને મીઠા મંદ સૂર થતા હતા. સ્તોત્રપઠનમાંથી સેના પ્રાર્થના કરવા લાગી. ધ્યાનમાં એકતાર થઈ ગઈ. ‘હાશ! હવે સ્વસ્થ થઈ. મન પણ દુશ્મન જેવું છે. એક અપવાદ નિર્મૂલ કરવા તત્પર થઈ છું ત્યાં બીજો ઊભો કર્યો. પ્રભુએ શક્તિ આપી છે હવે મનની પણ સામે થવામાં. પ્રભુનું સહાય છે પછી જખ મારે છે સેતાન. અહો ચાર વાગશે? કલાક પછી તો ઊઠવાનો વખત. હવે સૂઈને શું કરું? ઊંઘ આવે તો સૂઈ જઉં અને વખત થયે જાગીશ. ઉજાગરાથી તબિયત બગડશે.’ નિશ્ચય પર આવતાં જ પથારી બરાબર કરી સૂતી. સૂતી ત્યાં જ નિદ્રા આવી અને એવી ગાઢ આવી કે પાંચના ટકોરા પણ સંભળાયા નહિ. ‘સાડા પાંચ થયા પણ સેના કેમ ન આવી હજુ? કાલનો થાક લાગ્યો હશે તેથી સૂઈ રહી હશે. થાક લાગો કે ન લાગો પણ સેનાનું નિયમિત જીવન નિયમભંગ કરતું નથી. તબિયત તો નહિ બગડી હોય?’ ચિંતા થતાં જ ભૈરવનાથ ગ્રન્થાલયમાંથી ઊઠ્યા અને પુત્રીના શયનખંડ ભણી ગયા. ત્યાં સર્વ શમશમાકાર હતું. ધીમે રહી બારણું ઉઘાડી અંદર પ્રવેશ કર્યો તો સેના શાંત નિદ્રામાં પોઢેલી હતી. નિદ્રાની શાંત પ્રસન્નતાને બદલે મોં પર વ્યગ્રતા હતી. સંતોષ ને અભિમાનથી પોતાની પ્રતિકૃતિ નિહાળતો પિતા ઊભો છે ત્યાં સેનાના હોઠ હાલ્યા : ‘સાહેબરામ’ સેનાને ઉઠાડવી જોઈશે. આજે અત્યારે સાહેબરામ અને એ બન્ને હોડીમાં જવાનાં છે. ભલું ઊંઘમાં એને યાદ રહ્યું છે. ‘બહેન! સેના! ઊઠો. પોણા છ થવા આવ્યા.’ ‘કોણ પિતાજી! પ્રણામ છે. આજે વેળાસર ઉઠાયું નહિ. રાતે ઊંઘ ઊડી ગઈ હતી.’ ‘રાતે વરસાદનું તોફાન જેવું તેવું નહોતું. ઊંઘમાં ખલેલ પડે એવું જ હતું. તબિયત સારી છે ને?’ ‘જી હા! પધારો આપ, હું નાહી ધોઈ સજ્જ થઈ આવું છું અબઘડી.’ ‘દાસી પાણી પણ ઊનું મૂકી ગઈ છે, તૈયાર થઈને આવ. સાડા છએ સાહેબરામ આવવાનો છે?’ ‘સાહેબરામ આવશે ત્યાં તો હું આવી પહોંચું છું.’ સેનાએ પિતાને વિદાય કર્યા. ‘છે શું? જ્યાં ત્યાં સાહેબરામની જ વાત? પાછી ભૂલ કરી ને? સાહેબરામ પર પિતાજીની એટલી બધી પ્રીતિ વધતી જાય છે કે એના રટણ વગર એમની એક ક્ષણ પણ નહિ જતી હોય. પણ સેના! તારા પિતાનું સ્નેહદ્રવ્ય લઈ લેનાર સાહેબરામ પર તને અદેખાઈ નથી આવતી? અદેખાઈ!’ ‘ભૈરવનાથના કુટુંબમાં તેનો વસવાટ જ નથી. સ્નેહની લહાણીમાં જેવી મઝા છે તેવી ઇજારામાં નથી.’ આ અને એવા બીજા વિચાર કરતી સેના નાહી ધોઈ પરવારી. વસ્ત્રો પહેરવાના ખંડમાં ગઈ. આજે શું પહેરું? ઠંડક છે. ગરમ કપડાં પહેરવાં પડશે. અરે વિસરી જ ગઈ. ‘રીગેટા માટે આજે અમારે ‘પ્રેક્ટિસ’ કરવાની છે ને? તેમાં જ પિતાજીએ કહ્યું કે સાહેબરામ હમણાં આવશે. જોઉં કેટલા વાગ્યા છે? સાડા છ થયા. આવી ગયા હશે, ઉતાવળથી કપડાં પહેર્યાં; અને દાસી પાસે પ્રસાધન ન કરાવતાં હાથે જ કરી લીધું. બહાર જવા બરાબર સજ્જ થઈ, નીચે ઊતરી ગ્રંથાલયની બાજુના ભોજનખંડમાં ગઈ તો પિતા પતિ અને સાહેબરામની રાહ જોતા બેઠા છે. અમરનાથ અને સાહેબરામને સાથે જોતાં જ રાતનાં ભૂત ઊભરાયાં. ઘણુંયે ચિત્ત ગમ્મતમાં રોકવા પ્રયત્ન કર્યો પણ અનાયાસે બંનેનો મુકાબલો થવા લાગ્યો. દરેક સરખામણી સાહેબરામના લાભમાં ઊતરવા લાગી. ‘કેમ! અમરનાથ! આવો છો જલની સહેલગાહે?’ સાહેબરામે પૂછ્યું. ‘ના, ભાઈ! આજની ઠંડી મારાથી સહેવાશે નહિ. ઠંડા પવનમાં હોડીમાં ફરવા આવું તો માંદો પડીશ પાછો.’ અચિંતવ્યું સેનાને હસવું આવ્યું પણ ચતુરાઈથી ખાળી રાખ્યું. સાહેબરામની તીક્ષ્ણ નજર જ તે ભાળી ગઈ. ‘તમે આજ ક્યાં લગી જવાના છો?’ શેઠે પ્રશ્ન કર્યો. ‘જી, આપણા ઘાટ પરથી નીકળી ફોર્બ્સ ઘાટ જઈશું અને ત્યાંથી બાલકરામને લઈ લેશું. અને શાસ્ત્રીજી તથા હરકોર શેઠાણી આવી શકશે તો તેમને પણ સાથે લેવા વિચાર છે. અમરનાથ આવશે તો મઝા વધારે પડશે.’ સાહેબરામે ઉત્તર વાળ્યો. ‘જાઓ, ફત્તેહ કરો. અમરનાથની તબિયત હમણાં જ કાંઈ ઠેકાણે આવી છે. એટલે આવવાની ના પાડે છે તે વાજબી છે. અમરનાથ! બરાબર સુવાણ થયે તમે આ કસરત કરશો તો શરીરને સારો ફાયદો થશે.’ ‘વૈદ્યરાજજી કહેતા હતા કે બહારની હવા! શરીરને સદતી નથી માટે. ઘરમાં ‘સેન્ડો’ની સહેલી કસરતથી શરૂઆત કરવી અને વધારે ખોરાક ખાવાની રુચિ થાય એવી દવા આપી છે. આજથી એ પ્રમાણે કરીશ. તરવામાં, હોડી ફેરવવામાં વળી જીવનું જોખમ રહ્યું છે.’ અમરનાથનું બીકણપણું જોઈ શેઠને ખેદ થયો છતાં શરીર સુધારવાની તેની કાળજી માટે ધન્યવાદ આપી તેની યોજનાને પોતાની સંમતિ બતાવી. સસરા–જમાઈ વાતે વળગ્યા તે દરમ્યાન સેના અને સાહેબરામ સૌને નમન કરી. બંગલા બહાર નીકળી ઘાટ પરથી ઊતરી નદીકાંઠે ડક્કા પર ગયાં.

[૬]

બે કાંઠાની મધ્યમાં નદીનો પ્રવાહ વહ્યો જતો હતો. કાંઠા પરનાં મકાનો અને વૃક્ષોની છાંયા જલહૃદય પર પડી હતી અને પવનથી હાલતા પાણીની સાથે હાલતી હતી. સૂર્યોદય થઈ જવાથી જલ પર પ્રકાશ પથરાઈ રહ્યો હતો. પ્રભાતનો ઉત્સાહ જડચેતન સૃષ્ટિમાં તનમનાટ ફેલાવી રહ્યો હતો. હલેસાં લઈ બન્ને સુહૃદ હોડીમાં બેઠાં. શયનખંડમાંથી નીકળી ડક્કા પર આવ્યાં ત્યાં લગી દરેક જણ વિચારનિમગ્ન હોય તેમ મૂગાં મૂગાં ચાલ્યાં. હલેસાંની પસંદગી વખતે વાણીનો વિનિમય થયો. શા વિચારમાં બન્ને લીન થયાં હતાં? અમરનાથે સહેલગાહે આવવાની ના પાડી તેથી સેના હસી તે સાહેબરામને રુચ્યું નહિ. સાહેબરામ કયા જમાનાનો હતો? સ્ત્રીને મન પતિ નિરંતર દેવ જ રહેવો જોઈએ? મનુષ્ય ન જ થવો જોઈએ? હાસ્યોત્પાદક અસંગતિના અનુભવકાલે હાસ્યને ખાળી જ રાખવું જોઈએ? પૂજ્યના ઉપહાસને વિનયપરાયણ જીવનમાં સ્થાન નથી. પણ સેનાનો સ્વભાવ હસમુખો અને ખુશમિજાજ નથી? અમરનાથને ઠેકાણે ભૈરવનાથ હોય તોયે હસ્યા વિના તે ન રહેત. ત્યારે દોષ શા માટે દઉં છું! સેના જેવી વિદુષી, વિદગ્ધ, સંસ્કારી, મહેચ્છુ, શક્તિમતી પત્નીનો દેવ થવાની યોગ્યતા અમરનાથમાં નથી તેથી સેના તેના તરફ બેદરકાર રહે છે. અલબત્ત તદ્દન ઉપેક્ષા તેની કરતી નથી એટલે તેનાથી છૂટવાનો — વિદ્રોહ જન્મવાનો — સમય દૂર છે. ભૈરવનાથની કેળવણીએ એ દૂર રાખવો જ જોઈએ. પણ સેના જેવી સંપન્ન સુંદરી પોતાની સ્થિતિ ઉલટાવી નાંખે અને અમરનાથને સ્થાને પોતાને મૂકે ને પોતાને સ્થાને તેને મૂકે — પછી અયોગ્ય પત્ની સાથે સંસાર માંડતા પતિની કલ્પના કરી લે તો? ત્યારે જ એની આંખ ઊઘડે અને અત્યારે વિષમ લાગતું જીવન કેવી રીતે શાંતિથી ગાળવું તેની સમજ આવે. અરે! ભૂલી કેમ જાય છે સ્ત્રી અને પુરુષના જાતિગત જીવનના ભેદમાં? વિષય વિષમ છે. એમાં પડીશ તો કર્તવ્ય થશે નહિ અને સાથે આવેલી સેના ચિત્તભ્રમ ધારશે. આમ અવાક્ આવવાનું અદાક્ષિણ્ય આજે જ આચરાયું. પણ સેનાને આજે સાથીનું મૌન સાલ્યું નહોતું. સાહેબરામ અને અમરનાથને સાથે જોતાં જ રાત સાંભરી આવી. જાતજાતના વિચારોમાં તે ગૂંચવાતી જતી હતી : હું પરણેલી છું. મારા પતિ સાથે મારે મારી જીવનયાત્રા ગાળવાની છે. કાળજીથી પિતાએ મને ભણાવી ગણાવી સંસ્કારી બનાવી છે. મારા પતિની કેળવણી અમારા જેવી અશિક્ષિત નાતમાં સાધારણ હોય એમાં નવાઈ નથી. પણ પિતાશ્રી એમને સંસ્કારી બનાવવા નાના પ્રકારના ઉપાય યોજે છે. ઉપાયોથી વવાયેલાં બીજ મારા સહવાસમાં પાંગરશે. પણ અત્યારથી જ કેમ તું ધ્યાન નથી આપતી? તારા પતિથી તું અસંતુષ્ટ છે એવો અપવાદ લોકોમાં કેમ ફેલાવા દીધો છે? ખરે જ! હું બહુ બેદરકાર રહી છું. પિતાએ આજ લગી આપેલા સહવાસે એવા સહવાસની રસીયણ બનાવી છે અને તેના વિના જરાયે ગોઠતું નથી. વળી પિતાની ઇચ્છા છે કે સ્વર્ગસ્થ માતાનું સ્થાન મારે પૂરવાનું છે. એમની મહેફિલમાં આવતાં સ્ત્રીપુરુષોનું વ્યાવહારિક જ નહિ પણ બુદ્ધિગત આતિથ્ય મારે કરવાનું છે. ગુજરાતના ઉત્તમ જનોને આકર્ષવાના છે અને તેમના બુદ્ધિહૃદયમાં રહેલી સંપત્તિનો વિકાસ કરાવી ગુજરાતની પ્રગતિ ધપાવવાની છે. પત્ની કરતાં પુત્રીના ધર્મો વિશેષ બજાવવાના છે મારે. વળી પતિના અધિક સહવાસમાં આવતાં વ્રતભંગ થવાની દહેશત છે. મારી સંસ્કારી વાંછનાઓ પિતાના શાગિર્દો(સાગરીતો) તરફથી જેવી સંતોષાય છે તેવી પતિ તરફથી સંતોષાતી નથી. સાહેબરામનો મારા પર અત્યંત પક્ષપાત છે. અને મારો સંસાર સુખી નીવડે માટે તે ઘણો આતુર છે. પતિને હંમેશાં મારા સહવાસમાં લાવવા અને મારી સંસ્કારવાંછના અને કર્તવ્યદિશાનાં સ્વરૂપ સમજાવવા તે એકે તક એળે જવા દેતો નથી. પણ કોણ જાણે! પતિ દુરના દુર રહે છે. શરમાતા હશે? અમારા બેના મધ્યસ્થ સખા હોય તો સાહેબરામ છે. પણ મારી મૂંઝવણો પુરુષો સમજી શકશે? સંજીવની મારફત સાહેબરામને એ સમજાવું તો? સંજીવની મારા સસરાની પડોશમાં ઊછરેલી છે એટલે એમના કુટુંબના પરિચયથી મને કાંઈ રસ્તો પણ બતાવશે. સેનાના જીવનના મહા પ્રશ્નની મીમાંસા હોડી પાસે આવતાં અને ખલાસી પાસેથી હલેસાં લેવાનો વખત આવતાં અટકી. કોઈ અકલિત યોજનાથી એ મીમાંસા અમુક નિર્ણય પર આવવાથી સંક્ષોભ રહ્યો નહોતો. પૂર ઉલ્લાસથી બન્ને હોડીમાં બેઠાં અને જળયાત્રા કરવા લાગ્યાં. સામસામાં બેસી હોડી ચલાવતાં એકએકનાં શરીરસૌંદર્યની છાપ અન્યોન્ય પર પડતી. ખીલતાં ફૂલ જેવી કુમારિકાનું યૌવન પ્રભાતના સૂર્ય પેઠે અંગેઅંગમાં પ્રકાશતું હતું. સાહેબરામ પણ જુવાનીના આંગણામાં હતો. બન્નેની ઉમ્મરમાં બે ત્રણ મહિનાનો જ ફરક હતો. વીશીમાં કોઈએ પગ નહોતો મૂક્યો છતાં વાન વળી ઘાટદાર માંસલ અને તાકાતદાર થયાં હતાં. સરખી ઉમ્મર, સરખી કેળવણી અને સરખા ઉદ્દેશોને લીધે સરખા વ્યવસાયમાં બન્નેને એવી મઝા પડતી! દેવનાં દર્શન કરવાથી સંસારની આધિવ્યાધિ સરી જાય તેમ સામસામાં દર્શનથી બન્નેના તર્કવિતર્કશીલ સંક્ષોભો પણ શાંત થઈ ગયા. પ્રભાતના પાવક વાતાવરણમાં પુનિત થઈ અવનવો સાત્ત્વિક ભાવ અનુભવવા લાગ્યાં. હોઠ બંધ હતા પણ આંખ ઊંડી ઊંડી વાતો કરતી હતી. છેવટે સાહેબરામનું દાક્ષિણ્ય પ્રકટ્યું અને પક્ષીઓના કલરવમાં મનુષ્યનો મધુર સ્વર ઉમેરાયો. ‘સેનાબહેન! સાઠમારીને માટે આપણી સંખ્યા નક્કી છે ને?’ ‘હા. નક્કી છે. પરમ દિવસે બધાં હાજર રહેવાનાં છે અને સાથે પ્રયોગ અજમાવી જોવાનો છે.’ ‘બાલકરામ અત્યારે આવ્યો હોત તો સારું. એનામાં સહેજ કચાશ છે તે હંમેશ પ્રેક્ટિસ કર્યા વિના જવાની નથી. પણ આજ આવ્યો કેમ નહિ?’ ‘સંકલ્પકિશોરીને હોડીનું જોખમ વહોરવું ગમતું નથી એટલે બહાનું કાઢી આજ એને આવવા નથી દીધો, પણ તમે જરા વિશેષ આગ્રહ કરશો તો રજા આપશે.’ ‘જોખમથી ડરતો હોય તો નકામો છે. શા માટે સંકલ્પકિશોરીને પણ તમે આ રમતમાં નાંખતાં નથી?’ ‘હું એ વિચારમાં છું. અમારું સ્ત્રીમંડળ બરાબર જામે એટલે નવી પનાઈ મંગાવી અમારી નોખી ટોળી કરવી છે. પણ બાલકરામ નહિ આવે તો શું કરશો?’ ’પ્રણયરાજને તમે ઓળખતાં હશો જ. એની કવિતાથી આજે કૉલેજિયનો મુગ્ધ છે.’ ‘હા, શા માટે નહિ? આપણે સાથે જ વાંચી હતી તે દિવસે? એમને વળી હલેસું પકડતાં આવડે છે? એમની સરસ્વતીને સત્યવતી સાથે માયા મહોબત છે કે શું?’ ‘અરે બડો ઉસ્તાદ વહાણવટી છે. આપણી નદીમાંથી અને ખાડીમાંથી વિશાળ સમુદ્રમાં પોતાની પનાઈનું શઢ ચડાવી સહેલગાહે એ નીકળી પડતો. શેઠસાહેબ સાથે એની મુલાકાત કરાવવી છે. મુંબઈથી કાલે સવારે આવવાનો છે.’ ‘ફાર્બસ ઘાટ પણ આવી પહોંચ્યો. શેઠાણી અને શાસ્ત્રીજી વાટ જોતાં ઊભાં છે ને? સાથે બાલકરામ પણ છે ને?’ ‘સંકલ્પભાભીએ પરવાનગી આપી લાગે છે. લ્યો હોડી કિનારા કને.’ હોડીમાં બન્નેને જોતાં જ કિનારાપરવાળાએ જયજય કર્યા જેનો હોડીમાં યોગ્ય પ્રતિધ્વનિ થયો. શાસ્ત્રીજીને ઝટાકો લાગ્યો હોય તેમ બોલ્યા : ‘શેઠાણી! એ સ્ત્રીપુરુષો અને તે પણ જુવાન સ્ત્રીપુરુષોને આમ સાથે હરવાફરવા શેઠસાહેબ દે છે તે શાસ્ત્ર વિરુદ્ધ છે, અનુભવવિરુદ્ધ છે. પ્રભુ કરે ને પરિણામ સારું જ રહે.’ ‘શાસ્ત્રીજી! આપનો ભય સાચો છે, પણ શેઠ બધી બાબતનો વિચાર કર્યા પછી જ પગલું લે છે. એમણે અનેક ઘાટનાં પાણી પીધાં છે તેથી સો ગળણે ગાળ્યા વિના કાંઈ કરતા નથી. પુત્રીને નાનપણથી એવી કેળવી છે કે પુણ્યના પંથેથી ફંટાઈ જવાનું પ્રલોભન એને વશ જ ન કરી શકે. સાહેબરામ પરણેલો છે, કુલીન છે, વિદ્વાન છે, સંસ્કારી છે, આબરૂદાર છે.’ ‘સાથે સાથે ફાંકડો અને રસિક છે. સુન્દરીઓનાં ચિત્ત પિગળાવે એવો પણ છે.’ શાસ્ત્રીએ સાહેબરામની ગુણગણના પૂરી કરી. ‘હશે. પણ ધર્મપરાયણ, વિનયી, સંયમશીલ, નીતિનિષ્ઠ પણ એટલો જ છે. હજુ છે તો નાનો પણ એના ગુણોની કીર્તિ સારા શહેરમાં પ્રસરી રહી છે. શેઠે એને નાણી જોયો છે. શુદ્ધ કંચન માલૂમ પડયું ત્યારે જ પોતાની દીકરીનો સાથી બનાવ્યો છે. પુત્રહીન શેઠના પુત્ર જેવો એ છે. ભાઈ અને બહેન છૂટથી હરીફરી ન શકે તો કોણ ફરશે?’ ‘આ શેઠાણીના પોતાના વિચાર હશે કે શેઠસાહેબના વિચારના પડઘા હશે?’ બાજુમાં દૂર ઊભેલા બાલકરામને સંશય ઊઠ્યો. સાહેબરામ અને સેનાબહેન જેવાં પવિત્ર અને આસ્તિક મળવાં મુશ્કેલ છે. છતાં આપણાં શાસ્ત્રો ઘી અને અગ્નિને નિકટ વસવાની મના કરે છે. આજકાલ આવેલું પાશ્ચાત્યશાસ્ત્ર મના નથી કરતું પણ અમારા પ્રાચીન મહર્ષિઓના અનુભવ અમારાથી ઉવેખાતા નથી.’ એટલામાં તો હોડી પાસે આવી પહોંચી. સાહેબરામે ઊભાં થઈ કિનારા પાસે સ્થિર રાખી બેસારુઓને હાથ આપી અંદર લીધાં. બાલકરામે સેના પાસેથી હલેસું લઈ તેનું સ્થાન લીધું. સેના અને શેઠાણી સાથે બેઠાં પણ સાંભર્યું હોય તેમ ઊઠી સેના સુકાન આગળ જઈ બેઠી. અને શાસ્ત્રી તથા શેઠાણી હોડીનાં વચગાળામાં રહ્યાં. હોડી પાછી નદીની મધ્યમાં ચાલી. શેઠની ખબરઅંતરો પુછાઈ. ‘શાસ્ત્રીજી! મારા જેવી ડોશી આવી સહેલ અમથી નથી કરતી. સેના એકલી પુરુષોના સહવાસમાં ન ફરે માટે એની પુરંધ્રી સંભાળ રાખવા હું બધે આવજા કરું છું. શેઠે મારા માથે એ કામ નાખ્યું છે.’ એક પારથી બીજે પાર દાડિયાને લઈ જતી હોડી સાથે પોતાની હોડી અથડાય નહિ તેની ગરબડમાં હલેસાંદારો અને સુકાનદાર પડ્યા હતા ત્યારે ધીમે અવાજે શેઠાણીએ ખુલાસો કર્યો અને શાસ્ત્રીને સ્વસ્થ કરવા પ્રયત્ન કર્યો. ‘શાસ્ત્રીજી, આવા નૌકાવિહારની લહેજત આપણા દેશમાં પૂર્વે મણાતી કે?’ બાલકરામે પૂછ્યું. ‘મણાતી હશે પણ સર્વસાધારણ તો નહોતી જ. શ્રીમંતો અને રાજવંશીઓ એવી મોજ ચાંદનીમાં લેતા હશે પણ કસરત ખાતર. હાલ તમે ગમ્મત લ્યો છો તેમ તો નહોતું જ.’ ‘તેમ કુલીન કન્યાઓ કે સ્ત્રીઓ એકલી કે પુરુષના સહવાસમાં નહિ જ આવો વિહાર કરી શકતી હશે?’ બાલકરામે શાસ્ત્રીને બીજો પ્રશ્ન પૂછ્યો. ‘અલબત્ત નહિ જ. ઘરમાં સ્ત્રીનું રાજ્ય છે. ત્યાં મહાલવા અને મઝા માણવા તેને પૂર્ણ છૂટ છે. કુટુંબનું સંરક્ષણ અને પોષણ તેનાથી છે અને કુટુંબ સમગ્ર પ્રજાનું બીજ જેવું અંગ છે. માટે વિલાસની તે અધિકારી નથી. કુટુંબસેવામાં આત્મવિલોપન કરવાનું છે અને વિલાસાહુતિ આપવાની છે. પતિ કુટુંબનો અંગભૂત હોવાથી દરેક અંગના જેટલી જ એની સેવા કરવાની છે. ધર્મસાહચર્ય સિવાય ઈતર સાહચર્યને અવકાશ નથી. વત્સલ માતા તરીકે એટલી બધી ફરજો બજાવવાની છે કે આવા વિહારો તેને આકર્ષી શકતા નથી.’ ‘શાસ્ત્રીમહારાજ! અમુક પરિસ્થિતિમાં એવું જીવન ધર્મ્ય હતું પણ અત્યારે એનો હ્રાસ નથી થયો? દેશમાં પ્રવેશતી નવી પરિસ્થિતિમાં કુટુંબજીવન પણ પલટાતું નથી? પરિણામે સ્ત્રીજીવનના આદર્શ પણ ફરવા નથી ઘટતાં?’ સેનાએ ગંભીરતાથી પૂછ્યું. ‘સંયુક્ત કુટુંબો વિભક્ત થવા લાગ્યાં, નગરોમાં વસવાટ વધવા લાગ્યો; સાયન્સથી વશ થયેલી કુદરતની શક્તિઓ મનુષ્યની સેવામાં હાજર રહેવા લાગી છે. અંગ્રેજી કેળવણીને લીધે કુટુંબજીવનની ભાવના બદલાઈ છે. રહેણીનું ધોરણ સાદું મટી વિશેષ રસિક, વિલાસી, એશઆરામી થતું જાય છે. ખર્ચો, મોંઘવારી અને રહેણીની પદ્ધતિ ફેરવવાથી વધ્યા છે. સ્ત્રીઓ કુટુંબજંજાળમાંથી એક રીતે મોકળી થઈ છે, અને બીજી રીતે પોતાનાં બાળકોનાં યોગ્ય ઉછેર શિક્ષણની જોખમદારી તેને શિર આવતી જાય છે. કેળવણીના વધતા જતા વેગની સાથે સ્ત્રીઓ રહી શકી નથી. નવરાશ, પદવી, લક્ષ્મી આદિનો જમાના મુજબ કરવો જોઈતો ઉપયોગ કરતાં તેમને આવડતું નથી. કુટુંબ કે નાત કરતાં વિશાળ અને ગંભીર દેશજીવનના પ્રશ્નો કુટુંબમાં હવે ઉકેલવાના છે. પુરુષોની સંસ્કારવાંછના ઉન્નત થતી જાય છે. જમાનાની અગવડસગવડની વ્યવસ્થા કરવાની છે, વગેરે વગેરે તરફ જોતાં પ્રચલિત જીવનવ્યવહાર બદલાવો જોઈએ, બદલાતો જાય છે. ફક્ત આપણે તેને યોગ્ય રીતે બદલીશું તો આપણે અને દેશ સુખી થશે.’ સાહેબરામે હલેસાં મારતાં સેનાના પ્રશ્નને સમર્થન આપ્યું. ‘આ ઉમ્મરે મને તો એવો અનુભવ થયો છે કે જમાનો બદલાયો છે એ બરાબર સમજી આપણે સુખી કેમ થઈએ તેના ઉપાય કેડ બાંધી યોજવા જોઈએ. હતું તે રહેવાનું નથી. રહે તેટલું રાખવું; બાકી નવું જેટલું સારું મળે તે લેવું. દેખાદેખીથી નકલ કરવા કરતાં આવશ્યક કેટલું છે તે વિચારી નાણી સ્વીકારવું.’ હરકોર શેઠાણીએ પણ ટાપસી પૂરી. ‘તમારી સૌની વાત સાચી હશે. યુગ તો બદલાયો છે. શાસ્ત્ર હડહડતો કળિયુગ બેસવાનું કહે છે. તમને અંગ્રેજી ભણેલાઓને સત્યયુગ બેસતો લાગે છે, તમારે બધું પાશ્ચિમાત્ય કરવું છે, અમારે અમારા મહર્ષિઓની સનાતન વ્યવસ્થા જાળવવી છે. એને તમે ધક્કો નહિ પહોંચાડો ત્યાં લગી આપણી તમને મદદ છે. અલબત્ત શેઠસાહેબ અને શેઠાણી જેવાના હાથમાં સુકાન છે ત્યાં લગી અમારા સંસારને બૂડવાનો ભય નથી.’ ‘શાસ્ત્રીમહારાજ! બાપુની પ્રેરણાથી હરકોર શેઠાણી નગરમાં સ્ત્રીમંડળ સ્થાપવાનાં છે. એ મંડળ દ્વારા અજ્ઞાન ફેડી જ્ઞાન ફેલાવવું છે. ગૃહવ્યવહાર સારી રીતે અને કસરથી કેમ ચલાવવો, બાળકો કેમ ઉછેરવાં, કસરત અને વિનોદથી શરીર અને મન તંદુરસ્ત કેમ રાખવાં, નવરાશ કેમ ગાળવી, રોગપરિચર્યા કેવી રીતે કરવી, ગૃહકલાઓનું સુંદર વિધાન કેવી રીતે કરવું, દેશનો ઉદ્ધાર કરે એવા દેશજન કેમ કેળવવા વગેરે વગેરે વિષયોનો અભ્યાસ તેમની પાસે કરાવવાનો છે. ગાયનો, ભાષણો, મેળાવડાઓ, કથા, કીર્તન વગેરે મારફત વિષયોનું જ્ઞાન ફેલાવવા ધારણા છે.’ સેના બોલી. ‘હા, શેઠસાહેબે વાત કરી હતી, કથા કરવાનું મને સુપ્રત પણ કર્યું છે. કથાઓ નવી ઢબ પર કરાવવા વિચાર છે. એક દિવસ ત્રણચાર કલાક સાથે ગાળી અમે કથાનું સ્વરૂપ નક્કી પણ કરવાનાં છીએ, શેઠ જેવા આસ્થાવાળા ધર્માત્માના હાથથી જે પુણ્યકામ નહિ થાય તે ઓછાં છે. મારી પાઠશાળાનો પણ અભ્યાસક્રમ ફેરવાવી તેને મોટા પાયા પર મૂકવાનો પણ એમનો વિચાર છે. જ્યાં લગી દેશમાં એમના જેવા નાયક છે ત્યાં લગી સનાતન ધર્મને લેશ પણ હાનિ નથી પહોંચવાની. તમારી યોજના વ્યવહારુ અને શાસ્ત્રસંમત છે.’ ‘મેં આખી જિંદગી ઘરમાં જ કાઢી છે. નોકરચાકરો પુષ્કળ હોવાથી કામકાજ હતું જ નહિ પણ હૃદયનાથ શેઠના સહવાસે વાંચવાની લત લાગેલી. પછી ભૈરવનાથની બુદ્ધિ જોતાં એના પર માયા થઈ અને અમે ઘણા ગ્રન્થો સાથે વાંચતાં. નોકરી પર જોડાયા પછી પણ કાગળપત્ર અમે લખતાં અને આવી બાબતો ચર્ચતાં. આથી હું વાંચી ઘણું શકી અને અવલોકનની ટેવ પાડી આપણા સંસારના ઘણા રોગ પારખી શકી. હવે ભૈરવનાથે મને આપણા નગરમાં હરોળમાં પડી સ્ત્રીઓની ઉન્નતિ અર્થે સેવા કરવાનો આગ્રહ કર્યો એટલે મારી નવરાશ, ભણતર, પૈસો, વગ બધું મારી બહેનોની તહેનાતમાં મૂકવા તૈયાર થઈ છું. ઘડપણમાં હું જુવાન થઈ છું. ઘરની દીવાલો ઓળંગી વિશાળ આકાશ નીચે આવી છું. શા માટે? હડહડતો કળિયુગ ક્યારનો બેસી ગયો છે. તેને દૂર કરી સત્યયુગ લાવવો જોઈએ. જેને પ્રભુએ એ કાર્યમાં નિમિત્ત કર્યા હશે તેને સેવા સાધવાની છે. માટે લાંબું પાંડિત્ય કરવા કરતાં કામ કરવું એટલું સમજી છું. સનાતન ધર્મ પ્રભુને વહાલો હશે તો મનુષ્યથી તે નાશ પામવાનો નથી. નહિ હોય તો આપણાથી સાચવ્યો સચવાવાનો નથી.’ હરકોર શેઠાણીએ આત્મકથા કહી. ‘આઠ વાગવા આવ્યા. પણે મારું ઘર આવે છે ત્યાં હું ઊતરી જઈશ. બાલકરામ, તમે સેનાબહેનને પહોંચાડી આવશો?’ સાહેબરામે સૌની વાતમાં જુદો જ સવાલ કર્યો. ‘ખુશી સાથે.’ બાલકરામે સ્વીકારની લાગણી દર્શાવી. ‘તમારું ઘર આવ્યું? ઠીક આટલામાં જ અંગ્રેજ કન્યાઓનું ગુરુકુળ છે ત્યાં મારે સાડા આઠે જવાનું છે. એટલે હું તમારા ભેગી કિનારે ઊતરીશ. આટલામાં ગાડી મળશે ને? ન મળે તો ટ્રામમાં જવાય છે ત્યાં?’ શેઠાણીએ પૂછ્યું. ‘અહીં ઊતરવાની જરૂર નથી. અમે હોડી થોડેક આગળ લઈશું એટલે એ ગુરુકુળનો ઘાટ આવશે ત્યાં તમે ઊતરી પડજો;’ સાહેબરામે રસ્તો બતાવ્યો. ‘સાહેબરામ! તમારા ઘર પાસે આ સુંદર મકાન શેનું છે? મસીદ છે કે રોજો?’ સેનાએ પૂછ્યું. ‘બહેન, મસીદ છે ને રોજો પણ છે. મિનારા જોયા? અમદાવાદમાં રાણી સીપ્રીની મસીદના છે તેથી પણ નાજુક અને ઘાટદાર છે. અને મસીદમાં ખુતબો પઢવાના તખ્ત પરના મહેરાબની જાળી ઘણી રીતે અમદાવાદની જગવિખ્યાત જાળીથી જરા પણ ઊતરે એવી નથી.’ સાહેબરામે પ્રશંસા કરવા માંડી. ‘શાસ્ત્રીજી, અત્યારે ક્યાંય જવું ન હોય અને અંગ્રેજોનાં મકાનમાં જવાથી અભડાતા ન હો તો ચાલોને મારી સાથે.’ ‘સંધ્યા-પૂજા કરી નીકળ્યો છું. ઘેર જઈને ફરી નહાવું તો પડશે જ. ચાલો તમે જાઓ છો ત્યાં વાંધો તો ન જ હોય. જીવ્યા કરતાં જોયું ભલું.’ શાસ્ત્રીજીએ શેઠાણીની દરખાસ્ત વધાવી લીધી. મડમઘાટ આવતાં હરકોર શેઠાણી અને શાસ્ત્રી ઊતર્યાં અને ગુરુકુળમાં પ્રવેશ કર્યો. હોડી પાછી ફેરવી સાહેબરામ પોતાના નિવાસ આગળ ઊતર્યો. સેનાએ સંજીવનીને જય જય કહેવડાવ્યા. ‘બહેન! તમારે હોડીમાં ન જવું હોય તો ટેલિફોન કરી ગાડી મંગાવું. સાથે ખારવા પણ આવશે.’ ‘ના, ના, મને હલેસાં મારવાની મોજ ઑર પડે છે. વળી બાલકરામભાઈને થોડીક પ્રેક્ટિસ પણ કરવાની છે, એટલે અમે સાથે હંકારી જઈશું. હું હવે કાબેલ થઈ ગઈ છું. ચિંતા રાખશો મા.’ જય જય કરી સ્નેહીઓ છૂટાં પડ્યાં. આજે સેનાએ સાહેબરામ પાછળ વળતી દૃષ્ટિ વાળી લીધી અને નગરશોભા કરતાં જયલક્ષ્મી જોવામાં ચિત્ત પરોવવા લાગી. સૂર્યનો કુમળો પ્રકાશ જલ પર સર્વત્ર છવાયો હતો. ‘સંકલ્પકિશોરીને સાથે કેમ ન લાવ્યા? સવારના પહોરમાં ખુલ્લી હવામાં ફરવાથી શરીરની તાજગી ઉજમાળી થાય છે. આપણી સ્ત્રીઓને હાલ એવી કસરતની જરૂર નથી?’ ‘જરૂર છે જ. સંકલ્પાનું શરીર પણ હૃષ્ટપુષ્ટ નથી કે વ્યાયામની દરકાર ન હોય. પણ ગજા ઉપરાંત કેટલીક વાંછનાઓ હોવાથી વાંછનાઓ જ રહે છે.’ ‘ભૂલી જ ગઈ. સવારમાં રાંધવા વગેરે ઘરકામમાંથી છૂટા ન જ થઈ શકાય. પણ સાંજે તો નદીકાંઠે કે બાગમાં તો જાઓ છો ને?’ ‘સાંજે નિરંતર જવાનું બની શકતું નથી. કૉલેજમાં રમવામાં રોકાઈ જવાથી ઘેર છેક રાતે જવાય પછી બહાર ફરવા સાથે ક્યાંથી તેડી જવાય? અને ઘરથી બાગ કે નદી કાંઈ ઢુકડાં છે? હજુ આપણી સ્ત્રીઓ એકલી ફરે એવી હિમ્મતવાન ક્યાં થઈ છે? પણ ઘરમાં નિયમિત કસરત કરી સ્નાયુઓનો વિકાસ કરવાનો રિવાજ રાખ્યો છે. પોળમાં ઘર હોવાથી શુદ્ધ ચોખ્ખી હવાની ખોટ રહે છે. બાકી સ્વચ્છતા, પૌષ્ટિક ખોરાક, નિયમિત જીવનવ્યવહાર વગેરેની કસરત જેટલી જ ઉપયોગી સોઈ સાચવીએ છીએ. આવા ખર્ચાળ વિનોદ પાલવે એમ નથી.’ ‘એ બધી અડચણો કંઈક અંશે દૂર થાય માટે પિતાજીને હરકોર શેઠાણીએ પોતાની મોટી હવેલી એ માટે સોંપી છે. ત્યાં નિશાળ, વ્યાયામશાળા, ઔષધાલય, ગ્રંથાલય, વિનોદાલય વગેરેની વ્યવસ્થા કરવાની છે. શેઠાણીથી તમે બહુ દૂર નથી રહેતા, નહિ?’ ‘શાખપડોશી જેવાં છીએ. મેં થોડીક વાત એમની પાસેથી, શેઠસાહેબ પાસેથી અને સાહેબરામ પાસેથી સાંભળી છે. નવરાશના વખતમાં આ સંસ્થાની સેવા કરવાનું સંકલ્પકિશોરીએ સ્વીકાર્યું છે.’ ‘એ સાંભળી હું બહુ રાજી થઈ. બીજી પણ યોજના છે. તમારી પડોશમાં માતાનું જીર્ણ મંદિર ને વાડી છે તે પણ તેના માલેક પાસેથી ઉપયોગમાં લેવાનાં છીએ. મંદિર સમરાવી અંદર રમણીય મૂર્તિ સ્થાપવાની છે અને વાડી હાલના બગીચામાં ફેરવી નાખવી છે. એ વાડીમાં ફુરસદે સ્ત્રીઓ અને બાળકો ફરી શકશે. કોઈ પણ પુરુષને ત્યાં જવા મના કરવામાં આવશે. વાડી વિશાળ છે તેમ ફુવારાની રચનાથી તથા સ્વચ્છ ઑક્સિજન વધારે મળે એવી કૃત્રિમ યોજનાથી ખુલ્લી ચોખ્ખી હવા લેવાની જોગવાઈ થઈ શકશે. ત્યાં હીંચકા બાંધવામાં આવશે તથા બેડમિન્ટન કોર્ટ કરવામાં આવશે. કથા-કીર્તન માટે પણ ઓરડા બાંધવામાં આવશે.’ ‘શેઠસાહેબના શહેરમાં આગમનથી શહેરીઓનાં ભાગ્ય ઊઘડ્યાં છે. પ્રભુ એમના જેવા શ્રીમંતને લોકસેવાના આવા જરૂરી રસ્તાઓ દેખાડે. પણ આમાં લોકોએ પણ આગેવાની લેવી જોઈએ.’ ‘બીજા એક ગીચ લતામાં સરકાર મ્યુનિસિપાલિટી અને સ્વામિનારાયણના મહારાજની મદદથી એક આવી જ વિશાળ વાડી રચવાની છે. આ બધું કામ જલદીથી અને કાબેલ દેખરેખ તળે થાય માટે ભાસ્વતીના વરની બદલી અહીં કરાવવા પિતાજીને જબરી લાગવગ વાપરવી પડી છે.’ સેના જાત પર જઈ વાતોડીયણ થઈ ગઈ. ‘જ્યોતિરિન્દ્ર અહીં આવશે તો ભાસ્વતીની એમ. એ. કે એલ. એલ.બી. લગી ભણવાની મુરાદ હાંસલ થઈ શકશે.’ હલેસાં મારતાં મારતાં બીજી વાતને અભાવે અગાઉ થયેલી વાત ચાલુ રાખી કાલક્ષેપ કરતાં હતાં ત્યાં ભાસ્વતીના નામોચ્ચારથી ગઈ રાત્રે ભાસ્વતી અને સાહેબરામના સંબંધમાં સાંભળેલી કિંવદંતી વિશે સાચી હકીકત મેળવવા સેનાને કુતૂહલ થયું. ‘કૉલેજમાં પરમ દિવસે ભાસ્વતી અને બીજી વિદ્યાર્થિનીઓને બારીએથી ગવર્નરનાં દર્શન કરવામાં સાહેબરામ અંતરાયરૂપ થયા તેથી જાણે કેવું પાતક કર્યું હોય તેમ એ ભલા માણસનો જીવ બળ્યા કરતો હતો. અંતરની વેદના એનાં પ્રામાણિક હૃદયે દિલસોજીની આશામાં જાહેર કરી પણ પરિણામ વિપરીત જ આવ્યું.’ ‘ત્યારે તમારે કાને પણ અપવાદ આવ્યો છે? પણ અપકીર્તિ પાપીનાં કલંક ધોવે છે, તો નિષ્કલંકની ઉજ્જવળતા વિશેષ પ્રકાશશે. આવા નજીવા પ્રસંગમાંથી ફલ ન નીપજવાં જોઈએ. સાહેબરામ પર ભાસ્વતીને હાડોહાડ રોષ વ્યાપ્યો છે એમ સાંભળ્યું છે.’ સેનાની જાળમાં બાલકરામ સપડાયો અને સાહેબરામ પરના પક્ષપાતે તેના પર આવેલાં વાદળને દૂર કરવા તેના બે સ્નેહી વચ્ચે વાતચીતરૂપી આવેલી તક સાંધી. ‘વસ્તુસ્થિતિ સમજાવી મેં એને શાંત પાડી છે, અને પિતાશ્રીએ પણ સાહેબરામની અનુતપ્ત વિહ્વળતા હોલવી છે એટલે બન્ને વચ્ચે વૈમનસ્ય નાશ પામ્યું છે. જ્યોતિરિન્દ્ર આવશે એટલે સાહેબરામ સાથે એને સારો સ્નેહ જામ્યા વિના રહેવાનો નથી. પણ અપવાદનો ભડકો બીજે સળગ્યો.’ હજુ મુદ્દાની વાત પકડાઈ નહોતી એટલે બાલકરામના શબ્દો પરથી મભમ ઉદ્ગાર કાઢ્યો. ‘ધીરજરામનું કુફરાન છે. પશ્ચાત્તાપથી બળતા સાહેબરામને એણે સ્નેહથી ઝૂરતો કલ્પી લીધો છે અને એની ટેવ પ્રમાણે પોતાના દોસ્તદાર ભાઈબંધોમાં યદ્વાતદ્વા બોલ્યો હતો પણ સાહેબરામની પવિત્રતાનો પ્રતાપ એવો સમર્થ છે કે માતાદીન જેવાનો પિત્તો ઊકળ્યો અને નિંદાનો તરત જ તેણે નિષેધ કર્યો. એ તો ધીરજરામને ઠેકાણે લાવતાં મને આવડે છે. નિંદા ફેલાવતાં તેમ નાબૂદ કરતાં પણ તેને આવડે છે. એ તો આ વખતે શીલ્ડ મૅચમાં કૅપ્ટન એને થવું હતું પણ બધાએ એકમતે સાહેબરામને કૅપ્ટન નીમ્યો તેથી સાહેબરામ પર પ્રીતિ હોવા છતાં એની હલકાઈ આમ કોઈ કોઈ વાર બહાર નીકળી આવે છે.’ ‘આવા માણસ સાથે સાહેબરામને અને તમને ફાવે છે ભલું?’ ‘ધીરજરામ જેવો ઉસ્તાદ બૉલર અને સચોટ વક્તા કૉલેજમાં નથી. તેમ દિલનો ઉદાર, અને સૌનું કામ કરી છૂટે એવો છે. જીભનો બહુ છૂટો છે ને કીર્તિ- અપકીર્તિ ફેલાવતાં જરાયે સંકોચાતો નથી. હોઠે આવ્યું તે બોલી નાખવું. ઊંડી અક્કલ ઓછી છે. દિલનો છે ભોળો.’ આમ વાત કરતાં સેનાનું નિવાસસ્થાન આવ્યું. ઊતરી બાલકરામ પણ પોતાને ઘેર ગયો.

[૭]

નદીના ઘાટની બરાબર સામે સાહેબરામનું મકાન છે. આસપાસ મંદિર અને સમાધ લીધેલા બાવાની દેવડીઓ જથ્થાબંધ છે. પીપળા, બીલી, ઉમરા, કોઠી, લીંબડા અને આંબા યથેચ્છ મંદિરોના વાડામાં ને દીવાલોમાં ઊગી નીકળ્યાં હોવાથી પક્ષીઓના નિવાસસ્થાન બન્યાં હતાં. કાગડા, કાબર, ચકલાં, સૂડા, હોલાં, ખિસકોલીનાં કર્કશ સ્વર અને કૂદાકૂદથી વૃક્ષો ગાજી ઊઠતાં તેમ રત પ્રમાણે પરવડીઓમાં દાણાપાણી ચૂગવા આવતાં ભાતભાતનાં પંખેરાંઓ મીઠા સૂરથી અથવા રળીયામણાં પીછાંથી આસપાસની વસ્તીનું કે નદીએ જતા રાહદારીમાંના રસિકોનું ધ્યાન આકર્ષતાં. સૂર સૂણતાં અનુભવ અવનવો જ થતો. સમળી જેવાં ક્રૂર પંખીના કંઠમાંથી એવો કંપતો પ્રલંબ મીઠો સૂર નીકળતો કે સાંભળનાર એ સૂરના કરનાર ભણી નજર ફેંકતા, સમળી જોઈ તાજુબ જ થઈ જતા. પંખીઓ ઘણીવાર કૂદે ચકલાંથી પણ નાનાં આવતાં. અરસિક નાગરિકો તેમનાં જુદાં નામ જાણવાની પણ પરવા રાખતાં નહિ. જરૂર પડ્યે ‘એક જાતની ચકલી’ કહી કામ ચલાવી લેતા. આવી બેદરકારીમાં પંખીઓનાં જીવન, નિવાસ, ટેવો, સૂર વગેરે વિશે માહિતી મેળવવાની ઉત્કંઠા ક્યાંથી હોય? અટકચાળા છોકરાઓ ગલોલ મારવા જતા તો નાહવા જતા ‘દયાળુ’ હિન્દુઓ તેમને ધમકાવતા અને લાગ ફાવે તો મારતા પણ ખરા. મંદિરમાં નાખેલા દાણા બકરાં ચરી જવાથી પૂજારીને ખોટ જતી એટલે બકરાંઓને તે ઝૂડતો અથવા પગ પકડી ઓટલેથી ફગાવી દેતો તે પેલા ‘દયાળુઓ’ સાંખી રહેતા અને બકરાંઓએ ગેરકાયદેસર કામ કર્યું હોય એવું દિલથી માનતાં. બારીએ ઊભેલી સંજીવની લોકોનાં વહેતાં વહેણને, ગાયો, બકરાં, કૂતરાંને તેમની પાછળ મરજીમાં આવે ત્યારે દોડતાં અથવા ગિલ્લીદંડા કે લખોટાઓ રમતાં છોકરાઓને જોતી હતી; કાબરોની લડાઈની કીકીઆરીમાં મંદિરોના ઘંટનો રવ ઉમેરાતો સાંભળતી હતી ત્યાં પોતાની માને તેની પડોશણો સાથે નદીએથી નહાઈને આવતી જોઈ. માદીકરીની આંખેઆંખ મળી એટલે મંદિરોમાં ભટકવાનું પડોશણોને સોંપી નંદન સાહેબરામની પરસાળમાં થઈ મેડી પર ગઈ. ‘બહેન! હું તો આજ તારા વરના ઢંગથી ટુંપાઈ ગઈ. એવું થયું કે ધરતી માગ આપે કે નદી પેટમાં સમાવી દે તો સમાઈ જાઉં. આ શું? સવારના પહોરમાં સેનાની સાથે હોડીમાં નીકળ્યા હતા. તે શેઠને, દીકરીને સહેલ કરાવવી હોય તો રાખે ખારવાઓ. તું બારીએ હતી તે જોયું હશે જ. તારો વર ને પેલો સુધારાવાળો બાલકરામ હલેસાં મારતા હતા. એ જોઈને ડાહી, અમથી, ઉજી અને પશીએ તો મને પીંખી નાખી – પીંખી નાખી. છે તારે કંઈ? બીજી હોય તો વરને રાખે કબજામાં. કાલે જ બિચારાં શેઠાણી કલ્પાંત કરતાં હતાં. પૈસાદારની ભણેલી દીકરી લાવ્યા ત્યારે ઘર જ માંડતી નથી તે દીકરાનેં લાલચ આપી ઘરજમાઈ તરીકે સસરો લઈ ગયો છે. સાસુ–સસરાની સેવાની શી પરવા છે છોકરીને? ‘હેં અલી! સાચી વાત છે? છોકરી તો વંઠેલ છે—વંઠેલ છે. સારો દિવસ ભાયડાઓમાં અને ભાયડામાં ભટક્યા કરે છે. એ ભણેલાઓના છંદ હોય નોંખા! ચેતજે! નહીંતર સાહેબરામ છે ભોળા તે ફસાઈ ન જાય—અરે! આ એ ચાલ્યા આવે. ઠીક થયું મળી ગયા તે.’ ‘કેમ, બા, છો તો ઠીક ને? બાપાજી પણ કુશળ છે ને? હમણાં ત્રણ ચાર દિવસ કામમાં રોકાઈ જવાથી એમનાં દર્શને પણ નથી અવાયું.’ સાહેબરામે ખંડમાં આવતાં જ સાસુનો વિવેકભર્યો સત્કાર કર્યો. ‘ઠાકોરજી અને ગંગામાતાજીના આશીર્વાદથી સૌનાં શરીર સારાં છે. એ તમને કાલે જ સંભારતા હતા. પણ મેં કહ્યું કે ગામમાં ગવન્ડર આવેલો છે તે ક્યાં હમણાં ફુરસદ મળે એમ છે! લોકો તો કહે છે કે ભૈરવનાથને સરકાર તરફથી ગામ ઇનામ મળ્યું તે સાચી વાત કે?’ ‘ગામગપાટા સાચા માનશો મા. ભૈરવનાથ શેઠે એવું શું કર્યું છે કે ગામ ઇનામ મળે? અંગ્રેજ સરકાર બહુ થાય તો ખિતાબ આપે. બાકી ગામ-ગરાસના દહાડા વહી ગયા.’ સાહેબરામે ખુલાસો કર્યો. ‘હશે. આ તો નદી પર વાત થતી હતી. આ પેલી ઉજી આવી. ચાલો. જાઉં છું. નવરાશ હોય તો સાંજે આવજે. અમારો વિચાર પાંચ–છ મહિનાની જાતરાએ જવાનો છે. ચારે ધામની કરવી છે. બહેન–સંજીવનીને મોકલો તો તેડતાં જવી છે.’ ‘ખુશીથી તેડતાં જજો. જાતરાયે થશે અને દેશ પણ જોવાશે.’ ‘જાઉં છું બહેન. નહાયા પછી આવી જજે એટલે જવાની તૈયારી કરીશું.’ સાસુ સવારમાં આવીને પોતાના સંસારના શાંત સરોવરમાં દારૂગોળાની ખાણ મૂકી ગયાનું સૂચન પોતાની પત્નીના મોં પરથી સાહેબરામને થયું. પણ એ ખાણ ફૂટવાને બદલે પાણીમાં જ કહોઈ જાય એવા હેતુથી પત્નીને કલાવવા મલકાતે મોઢે બોલ્યો : ‘ચાલો તમારે લહેર થઈ. દેશ દેશ ફરવાની સહેલ મળી. કૉલેજ બંધ હોત અને મ્યુનિસિપાલિટીનું ઇલેક્શન ન હોત તો હુંયે આવત. મને નોતરું નથી દીધું છતાં આવત.’ ‘હવે ખોટી વાત કરો મા. વિલાયત જશો ત્યારે તમારાં આ બધાં લફરાંનું શું થશે? પણ તમે વિલાયત જાઓ એવું મને લાગતું નથી.’ ‘કેમ? શા પરથી? બારિસ્ટરની પરીક્ષા હિંદુસ્તાનમાં લેવાવાનું ઠર્યું છે ખરું?’ ‘આ તમારી સેના આવડી મોટી થઈ પણ એના ભાયડાનું ઘર ક્યારે માંડવાની છે?’ સંજીવનીએ હૃદયમાં સળગતા અગ્નિનો તણખો જૂજવે રૂપે ઉડાડ્યો. ‘એકવાર મેં ખુલાસો કર્યો હતો છતાં આજે એ સવાલ ફરીથી કંઈ?’ અંતરમાં કચવાતાં છતાં મલકાતે હોઠે સાહેબરામે પ્રશ્નના રૂપમાં ઉત્તર આપ્યો. આક્ષેપનો ધ્વનિ સમજાતાં તેનો આત્મા કળકળી ઊઠ્યો. ‘એ તો અમરનાથની મસીઆઈ બેન અત્યારે નદીએ નહાવા આવી હતી તે ઘેર જતાં મને બારીએ ઊભેલી જોઈ ઉપર આવી હતી. અમે નાનપણમાં પાંચીકા રમેલાં એટલે બેનપણાં જૂનાં છે. મને કહે કે ‘બેન! આજ કેટલા દહાડા થયાં મળું મળું કરતી હતી—તારું જરૂરનું કામ છે.’ મેં કહ્યું કે, ‘કહેને બેન! એવું તે મારું શું કામ પડ્યું છે!’ ત્યારે ધીમે રહીને બોલવા લાગી : ‘બેન! આ અમારા અમરનાથની વહુ ચાર છોકરાંની મા થાય એવડી મોટી થઈ છે છતાં હજી વરનું ઘર નથી માંડતી, તેમ નથી કરતી ઘરડાં સાસુ–સસરાની સેવા. તારા વરને અને ભૈરવનાથને નાતો સારો છે તેથી માસી કહેતાં હતાં કે તારી મારફત દાણો ચાંપી જોવાય તો ઠીક. અધૂરામાં પૂરું છોકરાને પણ લઈ જઈ પોતાને ત્યાં ગોંધી રાખ્યો છે. હવે એને ભણીને શું કરવું છે? ભૈરવનાથને ક્યાં બીજી છોકરી કે દીકરો છે? એ નહિ હોય ત્યારે મિલો તો એ જ ચલાવવાનો છે ને? છોકરી ઘર નથી માંડતી તે અમને તો કાંઈ એમાં વહેમ પડે છે. ભણેલી છોકરીઓના ભવાડા જુદા જ હોય છે. માસી કહે કે અંદર અંદર સમજાવટ નહિ થાય અને વહુ–દીકરો મારે ત્યાં આવી નહિ રહેશે તો દીકરો મારો છે ને? ખાસડું ખંખેરું ત્યાં વહુ હાજર. એનો પૈસો અને એની દીકરી એને ઘેર ભલે સડે. મારું ઘર છે કુલીન. આંખના પલકારામાં બીજી પરણાવીશ વહુ મારા અમરનાથને.’ આવું આવું બોલી અને ખસી ગયેલું ચક્કર ગોઠવવાનું તમને સોંપવાનું કહી એ ગઈ નહિ હશે ત્યાં તો મારી બા આવી અને એણે પણ ચંચળકાકીના કલ્પાંતની વાત કરી. સાસુ બિચારી વહુ વહુ કરે અને વહુના શોખ મડમશાઈ. પોતાનો ભાયડો ન ગમતો હોય ત્યારે બીજાંના ભાયડાઓને તહેનાતમાં લેતાં સારું આવડે છે એને!’ સંજીવનીના બોલેબોલ ભાલાની પેઠે સાહેબરામને વીંધતા હતા. સૌજન્ય, વિવેક, ન્યાયવૃત્તિ, સત્યપ્રેમ, ભાવના, વ્રત આદિની નરી ઉપેક્ષા જ નહિ પણ ખૂન થતાં જોઈ, પોતાના સહવાસનું પણ સંજીવનીને કેળવવા કરેલા વિવિધ પ્રયાસોનું નિષ્ફળ આવેલા પરિણામ જેવું જ પરિણામ જોઈ, ભૈરવનાથ અને સેનાની જીવનભાવના ન સમજવાનો દુરાગ્રહ કે ન સમજાતો હોવાથી અજ્ઞાનથી થતો અન્યાય જોઈ, એ કુટુમ્બ સાથેનો પોતાનો ઘાડો સંબંધ સંજીવનીથી છાનો નહોતો. સેના સંજીવની પર અત્યંત મમતા રાખતી અને તેની સહિયર થવાના યત્નોમાં નાસીપાસ થતી છતાં પણ નિરંતર મમતા ગાઢ કરતી એ હકીકત સાંભરી આવતાં, સેનાના જીવનમાં વ્યાપેલી વિષમતા અને શેઠના આદર્શોની સિદ્ધિને જડમૂળથી બાળી નાંખે એવા કલહોનું કલ્પનાથી દર્શન કરતાં, હૃદયની ઊંડામાં ઊંડી ગુહામાં હિંદુ સંસારનાં બંધનોના જુલ્મો અનુભવતાં તેનાં રૂંવેરૂંવાં રોષથી ઊભાં થઈ ગયાં. સંજીવનીને ઠેકાણે કોઈ પુરુષ હોત, પછી તે ગમે તેટલું અંતરનું સગું હોત તોપણ તેને એક મુક્કીથી જમીનદોસ્ત કરી નાંખત. પરંતુ ઉગ્ર નરસિંહરૂપ શરીરમાં આવેશતું હતું ત્યાંયે મનોનિગ્રહથી વિષ્ણુની પ્રહસતી મુખમુદ્રા કરી નાંખી અને અજ્ઞાન તથા તેનાં ફરજંદોની ઉપેક્ષા કરી, તેમના ભોગ થઈ પડેલાં પર કરુણા લાવી, વત્સલભાવે સ્મિતનાં ફૂલ વેરતો હોય તેમ બોલ્યો : ‘આવું નિસ્વાર્થ, દૂતિપણું કરતાં તમને આવડે છે તે જોઈ તમને ધન્યવાદ આપું છું. જગતનું શ્રેય સાધવાનો પરગજુ સ્વભાવ તમારામાં જોઈ મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મારું ઘર તમારા જેવાનાં પગલાંથી પાવન થયું.—’ ‘ચાલો બનાવો અમને. અમે નહીં સમજતાં હઈશું. મુદ્દાની વાત કેવી ઉડાવો છો?’ ‘મુદ્દાની વાત જાણવી છે તો સાંભળો. તમે બૈરાંઓ વિધવિધનાં વ્રત લો છો ને?’ ‘હા. અગિયારસ કરવાનું, સોમવાર, મંગળવાર, શનિવાર વગેરે વારે એક ટાણું જમવાનું, ડુંગળી લસણ નહીં ખાવાનું એવાં વ્રત અમે લઈએ છીએ. આ જાતરાએ જઈશ ને ત્યાંથી આવ્યા કેડે મારે કાંઈ વ્રત લેવું જ પડશે. શેનું લઈશ તે સૂઝતું નથી પણ બાને પૂછી જોઈશ.’ ‘વ્રત લેવાનો સંકલ્પ સાંભળી રાજી થયો છું. જેવો તમને સૌને વ્રત લેવાનો અધિકાર છે તેવો સેનાબહેનને ખરો ને?’ ‘અલબત્ત ખરો જ ને? પણ એમનું વ્રત વિચિત્ર છે. એવાં તે વ્રત લેવાતાં હશે?’ ‘તે જ દિવસે તમે જ નહોતા કહેતા કે સંયમ વિના આજની સ્ત્રીઓનાં શરીર રોગી, કમતાકાત, નિસ્તેજ, વામણાં અને વરવાં થતાં જાય છે, પોતે જાતે હેરાન થાય છે અને જુવાનીમાં ઘડપણ ભોગવી ક્ષયાદિ રોગથી પીલાઈ પીલાઈ દેહ છોડે છે અને નિર્બળ બિનતંદુરસ્ત, ઠીંગણાં બાળકોને અનાથ કરી દે છે. આવી સ્થિતિ સુધારવા સ્ત્રીઓ જ સંકલ્પબળથી ઉપાય નહિ લે તો આપણી પ્રજાની શરીરસંપત્તિ હૃષ્ટપુષ્ટ થવાની નથી એટલું કબૂલશો કે નહીં? પરમાર્થ તો બાજુએ રહ્યો પણ શરીરે સુખી તો સુખી સર્વ વાતેનો સ્વાર્થ તો સિદ્ધ થાય ના? આપણી ઉપલી અગાસીમાંથી થોડા રોજ ઉપર આપણે પડોશની પાદરીની નિશાળમાં ભણતી અંગ્રેજ કન્યાઓને રમતી જોઈ તમે જ તેમનાં મજબૂત, નિરોગી, લોહીભર્યાં, તેજસ્વી શરીર, તેમની છટા, તેમની વેગભરી ગતિ અને ઉલ્લાસથી હસતા ચહેરા જોઈ, તાજુબ નહોતા થયા?’ શ્રોતાઓથી ભરાયેલા સ્થળમાં લાગણીઓ ઉશ્કેરી પોતાના સાધ્ય માટે સચોટ ઉત્સાહ જગાવવા વાક્પાટવ વાપરતો હોય તેમ સાહેબરામ સવિનય વ્યાખ્યાન કરવા મંડી ગયો. જે વસ્તુનું અહોનિશ ચિંતન થતું હોય અને તેની સિદ્ધિ અનેક શ્રમે કે ભોગે કરવી જોઈએ એવો દૃઢ આગ્રહ હોય ત્યારે જરાતરા ઉલ્લેખ થતાં તે વસ્તુનું નિરૂપણ ગંભીરતા, તન્મયતા, વિવેક કે આવેશ અને સચોટતાથી તેમાં રચીપચી ગયેલા કરવા મંડી પડે છે તેવી દશા સાહેબરામની થઈ હતી. ‘એ બધી વાત સાચી. પણ જુઓને મારી બા ત્રણ વર્ષની પરણી હતી અને નવ વર્ષથી મારા દાદાના બહોળા કુટુમ્બમાં સમાસ કરી રહી છે. તબિયત કેવી હજુ નક્કર છે. આટલી ઉંમરે પણ, બારે મહિના ટાઢ હોય, તડકો હોય કે મેહ હોય તોપણ સવારમાં નદી નહાવા આવ્યા વિના રહેવાની નહીં. તે તમારાં સેનાબેનનું શરીર તો છે. હિડિમ્બા જેવું – માસી પુતનાયે બિચારી ઝાંખી પડે એના શરીર આગળ, મને તો એની ચાલ અને દેહ નર્યાં ભાયડા જેવાં લાગે છે. હજુ તે કેટલું કદાવર થવું છે? જીમૂતમલ્લનાં પૂતળાં નથી છોડાવવાં ને? બિચારો અમરનાથ માયકાંગલા જેવો છે. જો શરીર મજબૂત કરવાનું હોય તો એનું કરવાનું છે. કેવો બિચારો! વાએ ઊડી જાય એવો છે.’ સંજીવનીએ પોતાનો સ્વભાવ ખીલવવા માંડ્યો. પુનરુક્તિ, મર્મોક્તિ, વક્રોક્તિ, હીનોક્તિ આદિથી પોતાની વાણી અલંકૃત કરી પ્રશાંત, ધીરપ્રકૃતિ, સંયમી પતિને બાળવાની તકનો થાય તેટલો ઉપયોગ કરવા મંડી. અવળે માર્ગે ચડેલી પત્નીના દૃષ્ટિબિંદુમાં અને પોતાના દૃષ્ટિબિંદુમાં એટલું બધું બુદ્ધિનું અંતર લાગ્યું તેમ જ સહાનુભૂતિ કે સ્નેહ તે અંતર પૂરી નાંખે એવો દૂર દૂર રહેલો સંભવ પણ ન લાગ્યો એટલે સાહેબરામે ઊંડો નિઃશ્વાસ મૂક્યો. પોતાના સંસારથી થતા અસંતોષને અનેકવાર ભસ્મીભૂત કરવા સબળ પ્રયત્ન કરેલા અને પ્રયત્નના કાળે હેતુ સિદ્ધ થયા જેવું લાગેલું છતાં આજે પાછો એ અસંતોષ ભસ્મમાંથી સજીવન થઈ આવ્યો. કેવી કેવી ભાવના, કેવી કેવી વાંછના, કેવા કેવા અભિલાષ, કેવાં કેવાં ઉડ્ડયન, કેવા કેવા ઉચ્ચગ્રાહ, કેવા કેવા ઉત્સાહના થનથનાટથી પોતાનું અખિલ જીવન તરવર તરવર થતું હતું તે એક તરફ રાખતાં અને કુટુમ્બમાં પોતાના દ્વિતીય – હૃદય જેવી અને પોતાની સંતતીની માતા ગૃહિણીના સહવાસમાં એ જીવન ખીલવાને બદલે કરમાય એથી તેને ઉન્માદક સંતાપ થયો. અસંતોષ સંતાપના ઉદ્વેગથી ક્ષુબ્ધ તો થયો પણ પોતાની સર્વ વૃત્તિઓને અંકુશમાં રાખવાની કેળવણી લીધેલી હોવાથી અને પોતાની પત્નીને હજુ પણ સંસ્કારી કરવાની આશા રહેલી હોવાથી એકદમ પ્રસન્ન થઈ ઉલ્લાસથી બોલ્યો : ‘તમે પણ વખતે વખતે ઠીક રમુજે ચડો છો. ટોળમજાક આવી સરસ કરતાં આવડે છે એ આવા કોઈ વિરલ પ્રસંગે જ જણાય છે. સેનાબેન પણ તમારા વિનોદી સ્વભાવનાં વખાણ કરતાં હતાં. અમરનાથ પણ નિયમિત જીવન ગાળશે, માફકસર કસરત કરશે અને પોળની ઝેરી હવાને બદલે નદીકાંઠાની ખુલ્લી ચોખ્ખી હવામાં રહેશે તેમ તેમ થોડાં વર્ષમાં તમે જ જોશો કે એનું શરીર કેવું માંસલ, લોહિયાળ અને સ્નાયુબદ્ધ થાય છે. તમને હું તો રોજ કહું છું કે પેલી ચોપડીમાં ચિતરેલી કસરતો નિયમિત રીતે કરો તો તમારું શરીર જોત-જોતામાં મારા જેવું લઠ્ઠ થઈ જશે.’ ‘અમારે હવે લઠ્ઠ થઈને કરવું છે શું? નાજુક બૈરાંમાં જતાં લાજી મરીએ.’ ‘લાજમાં જ તમારો ભવ બગડ્યો છે. તમારે માથે એવું કોઈ વડીલ નથી કે તમારે લાજમાં ને લાજમાં હું લઉં છું એવી મઝા ન મણાય. તે દહાડે બાઇસિકલ અપાવવા હું તૈયાર થયો ત્યારે કજીઓ આઠ દિવસ લગી કરી જડાવ લવીંગીઆ લેવામાં પૈસા ખરચી નાખ્યા અને તવંગરપણાનો રૂઆબ પાડવાનું શરીર તંદુરસ્ત કરવા કરતાં પસંદ કીધું. હોડીમાં ફરવા આવવા કેટલીયે વાર કાલાવાલા કર્યા હશે પણ તમે કાંઈ ને કાંઈ બહાનું કાઢી છટકી ગયાં છો. તાકાત વગરના દેહથી કેવી હેરાનગતિ ભોગવવી પડે છે તેનો તમને ક્યાં અનુભવ ઓછો છે! માથું દુખવાનું, પેટમાં દુઃખવાનું, તાણ આવવાનું જાણે તમારા નસીબમાં તમે સર્જ્યું હોય એવું માનો છો પણ આ તાલીમબાજ દેહમાં નખમાં પણ રોગ પેઠો જોયો કે સાંભળ્યો છે?’ ‘તમે સાજા નર્યા રહો એટલે બસ છે. કાળ સૌને માથે ફરે છે. રોગાદિ નિમિત્તથી જેની દોરી તૂટવાની હોય તેની તોડે છે. બધાનાં જ શરીર નિરોગ થાય તો પછી મરવાનું રહેત જ ક્યાં? – સૌ અમર જ થઈ જાય ને? પણ તમે લાંબું લાંબું ટાયલું કરો છો તે એટલું પણ સમજતા નથી કે પરણ્યા પછી બાયડી ધણીને પૂરેપૂરી તાબે રહેવી જોઈએ. પતિની આજ્ઞા વિના વ્રત લેવાય નહીં. સેનાબેને કુંવારી જિંદગીમાં વ્રત લીધું હોય તો તે ફોક જવાનું. બિચારાં અમરનાથનાં માબાપને આટલી ઉંમરે છોકરાને ત્યાં પારણાં ઝૂલતાં જોવાને ઓરીયો ક્યારે વીતશે? સેનાબેનને વીસ વરસ તો પૂરાં થવા આવ્યાં. હવે કાંઈ નાનાં છે? આપણે તો શી ખબર પણ મારાં પિયરની પોળમાં બધાં બૈરાંઓ વાતો કરે છે કે એ તો કોઈક સાહેબ સાથે પરણી છે અને વટલી જવાની છે. વિશ્વાસી થવાની છે. તે સાહેબ વિલાયત ગયો છે. વખતે સામાં વિલાયતે જાય. જોજો તમાસો ને પછી પસ્તાજો.’ પતિના સંબંધમાં માતાએ કરેલા ઈશારાનું તથ્યાતથ્ય પારખવા એક ગપગોળો સંજીવનીએ છોડ્યો. ‘સંજીવની! નથી ખમાતું હવે. કર્ણપરંપરાએ અથડાતી નરાતર ખોટી કિંવદંતીઓ આજ કેમ મને સંભળાવવા માંડી છે? તમારામાં અક્કલ નથી કે તને સાચી સ્થિતિ જાણવાના સંયોગો હોવા છતાં પણ તેનો તું ઉપયોગ નથી કરતી? અથવા કોઈએ તને ભંભેરી તો નથી ને? આમ કરીશ તો મારો આત્મા દુણાશે અને આ જિંદગાની ધૂળધાણી થઈ જશે. ઘર મારું સ્વર્ગ મટી જશે અને સંસારના અરણ્યમાં મારે ભટકવું પડશે. અત્યારે મારે મારો અભ્યાસ તૈયાર કરવો હતો પણ તેં મારા રોમેરોમમાં એવાં ઝેરી બાણો માર્યાં છે કે ઘડીભર પણ અહીં રહેવાતું નથી. જાઉં છું બહાર. ફાવશે ત્યારે આવીશ. દરમ્યાન શુદ્ધિ આવે તો મહેરબાની કરીને હવેથી કોઈની બદબોઈ ન કરવાનું વ્રત લેજે.’ આખરે મિજાજ ગયો. ‘ભલે, જાઓ. એ તો હું જાણતી જ હતી. ક્યાં તમારો પગ ઘરમાં ઠરે છે? ઘરનું વૈતરું કરવા આણી છે મને તે સારો દિવસ ઢસરડો કર્યા કરું છું ને પોતે જઈને કરશે હાહા ઠીઠી સેના સાથે, ને સેના નહીં મળે તો સંકલ્પકિશોરી અને તે નહીં તો વળી કોઈ ત્રીજી. તમારીયે ગામમાં થોડી વાત થાય છે? સાંભળીને લાજી મરીએ છીએ. હમણાં વળી થોડા દહાડા થયા કૉલેજમાં કોઈ ત્યાં ભણતી બાયડીની પાછળ તમે પડ્યા છો. ક્યાં તમારાં લક્ષણ હું નથી જાણતી.’ છંછેડાયેલી નાગણ જેવી સંજીવનીએ જરા પણ દબાયા વિના બીજો કારી ડંખ પતિને માર્યો, ને સેના પર પણ તે આસક્ત છે એવું ખાતરીથી માન્યું. ગુસ્સાથી સાહેબરામ લાલચોળ થઈ ગયો. આંખમાંથી આગ ભભૂકવા લાગી. પણ અંકુશનો આંચકો મારી ઘરમાંથી બહાર નદીના ઉપકંઠ પરના બગીચામાં ચાલ્યો ગયો. સંજીવની કપાળ કૂટવા લાગી : ‘દુનિયામાં સાચી વાત કહેતાં જ સૌને મરચાં લાગે છે. કેવી બૂરી લત લાગી છે? મારું નસીબ છે કંગાલ. પૈસો છે, સાસુ–સસરા ન હોવાથી બધો અખત્યાર છે ત્યારે ભાયડો આવો નીકળ્યો. ઘરમાં બાયડી પાસે બેઠા, ઊઠ્યા, હસ્યા જ કોઈ દહાડો? સારો દિવસ પારકી સ્ત્રીઓ પાછળ ભટક ભટક કર્યા જ કરવું. ડોળ સાધુનો પાછો. ભાષણો ન આપીએ તો ન ચાલે? લોકોના પ્રારબ્ધમાં હશે તો સુધરશે. આપણાથી વિધાત્રીનો આંક ફેરવાવાનો છે? કાજીજી ક્યૂં દૂબળા તો સારા શહેરકી ફીકર. બે પૈસા ડોસા મૂકી ગયા છે. ખાઓ પીઓ ને વાપરોને. ભણીનેય શું કરવું છે? પાછા વળી મને રોજ ભણવાનું કહ્યા કરે છે. એમને નોકરી કરવા જવું પડે એમ નથી તો મારે વળી થોડી જ કરવાની છે કે હું ભણું. બપોરે જરા આડા પડીએ કે પાડ–પડોશીમાં મળવા જઈએ કે બા–બાપાજીની ખબર લેવા જઈએ કે ભણવા બેસીએ? અંગ્રેજી ભણીને વહી નથી જવું મારે. મારી બાએ તે દહાડે મને એબીસીડી ઘૂંટતી જોઈ કેવી ખંખેરી નાખી હતી? પડી એમને તો ટેવ. જવું હતું બહાર ને બહાનું મળ્યું. આવશે પાછા ભૂખ્યા થશે ત્યારે. હુંયે ચાલ જાતરાએથી આવી લઉં સેના જેવું વ્રત પછી જણાશે પોત.’ આમ બડબડ કરતી પોતાની સાદડી પર પડી. રસોઈ કરવા આવેલો બ્રાહ્મણ પણ તમાસો જોઈ દિગ્મૂઢ થઈ ગયો અને ઘેર ઘેર માટીના ચૂલાની ફિલસૂફીથી પાછો પોતાની દુનિયામાં લીન થઈ ગયો. મનુષ્ય કેટલીક વાર એવા ચડસે ચડી જાય છે કે ગમે તેવી યંત્રણા ખમવી પડે તોપણ ચડસના કેફમાં તે તેને જણાતી જ નથી અને એ ચડસનો તેને પસ્તાવો પણ નથી થતો.

[૮]

બગીચો બહુ વિશાળ નહોતો, પણ જૂનો હોવાથી ઝાડોની ઘટા સારી હતી. રસિક બાગબાનીથી બગીચાની રચના તદ્દન સપાટ નહિ પણ ચઢતાં- ઊતરતાં રમણાંની કરવામાં આવી હતી. દરેક રમણાં પર હોજ હતો અને હોજની ડાબી બાજુએ શીતળ છાયા અને ભિનાશમાં ઊછરતા છોડો માટેના મંડપો રાખવામાં આવ્યા હતા. આમાં સુરભિ કરતાં ઠંડક શોખીનોને આરામ માટે વિશેષ લલચાવતી. નદીકિનારે વાડરૂપે વાવેલા ગુલાબોની મધુર પીમળ પવન સાથે મંડપમાં કોઈકવાર આવતી તો મઝા અનેરી જ પડતી. સાહેબરામે આવો એક નિર્જન મંડપ શોધી કાઢ્યો અને તેમાં આમથી તેમ તે આંટા મારવા લાગ્યો. શરીર આગથી ભભૂકતું હતું. વિચારનો પ્રવાહ પણ તોફાની થયો હોય તેમ અફળાતો, ફીણવાળો ને ડહોળાયલો થઈ ગયો હતો. આવી સ્થિતિમાં અર્ધો કલાક ફર્યા પછી કાંઈક સ્વસ્થ થયો. મંડપમાંથી બહાર નીકળીને એ બુચની રાજિ નીચે શાદ્વલ પર જઈ પડ્યો. ઝાડો તેના પર ફૂલોનો અભિષેક કરવા લાગ્યાં. ક્ષોભ માટે વિચાર નીતરવા લાગ્યો. રોષનો ઉન્માદ શમી જવાથી સાત્ત્વિકતાનું સામ્રાજ્ય સ્થપાયું. ‘કેવી મૂંઝવણ! આ સંસાર તે કેમ ચાલશે? પણ મારો જ વાંક છે એમાં. આખો દિવસ હું ઘર બહાર રોકાયેલો રહું છું. એને એકલાં ઘેર શી રીતે ગમે? તેમ પડોશ પણ એવો છે કે એની વાસનાઓ ઊંચી હોય તો નીચી બનાવે. એની અતીત જિંદગીની અને એનાં સગાંવહાલાંની અસર એના પર એટલી બધી છે કે કેમે કરી તેમાંથી તે મોકળી જ નથી થતી. દૂર દેશાવર ચાલ્યો જાઉં, પણ જાતરાએ જવાની છે હમણાં છે. તેથી વધારે વિફરીને આવશે. ના પાડી ચાલે એમ નહોતું. સાસુ ધાર્યું કરે એવાં છે. કંકાસ કરીને પણ તેડી જાત. સેનાબહેન માટે એવો વહેમ કાંઈ ભરાઈ ગયો છે કે તેમનાથી આઘી ને આઘી જ નાસે છે. હું પણ જરા લાડ વધારે લડાવું છું, છૂટ અને વ્યક્તિસ્વાતંત્ર્યના વિચારમાં આવાં કડવાં ફળ ચાખું છું. ફુંફાડાથી કામ લીધું હોત તો એ અને એનાં પીયરિયાં બધાં અત્યારે મારી મોરલીએ નાચત. આ અંગ્રેજી કેળવણી અમને એવાં દક્ષિણ બનાવે છે કે અમે ગમે તેવી સ્ત્રી હોય પણ તે સ્ત્રી હોવાથી તેના ભણી પૂજ્યભાવ રાખીએ છીએ અને તેમને ઉન્નત કરવાને બદલે અમે જ અવનત થઈએ છીએ.........પણ આ સંસાર આવો કડવો થવાનું કારણ? એની ઈર્ષ્યા અને બુદ્ધિવૈભવના લહાવા માટે પ્રકાંક્ષતું મારું જીવન. મારા સમગ્ર જીવનને વિહરવાનું એવું અનુકૂળ અને વિશાળ ક્ષેત્ર ઘર બહાર મને મળતું જાય છે કે ઘરમાં વસતું જીવન નરી પશુવૃત્તિ પોષવા સિવાય બીજી દરકાર રાખતું જ નહિ હોય! દેશસેવાનો મારો અગ્નિહોત્ર એવો દિવસે દિવસે પ્રજ્વળ બળતો જાય છે કે મારી ખરી ફરજોને અવગણાય છે. ખંત અને આગ્રહથી એને કેળવવાનો સંકલ્પ કીધો હોત તો અત્યારે તો કેટલી બધી સ્થિતિ હારે પડી હોત. અજ્ઞાનના ધ્વંસ વિના અને બુદ્ધિ હૃદયના વિકાસ વિના ઈર્ષ્યા નાશ નથી પામવાની અને મારું જીવનસૂત્ર યથાર્થ સમજી ખરો સહચાર સાધવા એ તત્પર નહિ થાય. સ્નેહ અને સ્વજન ભાવની છાયામાં જિંદગી ગાળવાનો મનસુબો એળે ગયો લાગે છે. પણ સમર્થ પ્રયત્ન કરી રસ્તો કાઢીશ જ. ખર્ચ વિશેષ થશે. ભલે થાય. એને વિલાયત જોડે લઈ જઈશ. વિલાયત જવા ભણવાનું શૂર એને ચડશે અને પડોશની જનાના નિશાળમાં અથવા તો હરકોર શેઠાણીના સ્ત્રીમંડળની નિશાળમાં ઊલટથી એ અભ્યાસ કરશે જ. હજુ બાળક છે, જ્ઞાન અને અનુભવવિહોણી છે. એટલે બાળપણના સંસ્કારમાંથી શી રીતે છૂટે? કુટુમ્બમાં અમે બન્ને એકલાં હોવાથી જેમ લાભ થાય છે તેમ હાનિ પણ ભોગવવી પડે છે. હજુ આપણે નવાં કુટુમ્બો જૂનાં જેવાં ઉપજાવી શક્યા નથી. પુરુષમિત્રો જેવા સહચાર સાધે છે તેવા સહચાર તેમનાં અખિલ કુટુમ્બો એક વિશાળ કુટુમ્બ થઈ હજુ સાધી શકતાં નથી. જિંદગીમાં એવા વાણાતાણા વણાય છે કે પરિણામ ખડબચડું આવે છે. ‘એ જાતરા જવાની છે તે જવા દેવી. દરમ્યાન એના ઉછેરની વ્યવસ્થા વિચારી કાઢીશ. લગભગ હોળી પર પાછી આવશે. ત્યાર પછી થોડા દિવસ અહીં ગાળી સાથે કોઈ ગિરિગ્રામ ચાલ્યાં જઈશું અને ઉનાળો ત્યાં ગાળી સાથે રહેતાં બનશે તેટલા સંસ્કાર એનામાં આણીશ......ચાલો નિર્ણય થયો. વિહ્વળતા પ્રસન્નતામાં પલટાઈ ગઈ. અગિયારના ટકોરા થયા. કૉલેજમાં જતાં મોડું થશે. જમ્યા વિના જ ચાલ્યો જાઉં કે વખતસર પહોંચી જવાય.’ ઘાસ પરથી ઊઠી વસ્ત્રો ખંખેરી ઠીકઠાક કરી બાગ બહાર નીકળી ટ્રામમાં બેસી કૉલેજ ચાલ્યો ગયો. કંકાસથી ભૂખ્યા રહેવાનો આજે પહેલવહેલો અનુભવ થયો હતો. કૉલેજના પગથિયા પર ચડતાં જ પટાવાળે વધામણી ખાધી : ‘ભાઈ તાર આવી ગયો. આજે સાંજે શીલ્ડમૅચવાળા આવે છે.’ ખબર સાંભળતાં જ પ્રિન્સિપાલની ઑફિસમાં જઈ તેને મળી મહેમાનો માટે કરવાની ગોઠવણ માટે સંતલસ કરી. રેસિડન્સીમાં જઈ અમુક ખંડ તૈયાર રાખવાની સૂચના સુપરિન્ટેડંટને આપી, પ્રેકિટસ માટે સર્વે ખેલાડીને કૉલેજ બંધ થયા પછી રમવા જવાનું ધીરજરામ મારફત કહેવડાવ્યું એટલામાં ઘંટ વાગતાં પ્રયોગશાળામાં હંમેશના કરવાના પ્રયોગમાં ગુંથાયો. પ્રયોગશાળા વિશાળ હતી. કાચના છાપરામાંથી અજવાળું પુષ્કળ રેલાતું હતું. ઍપરેટસ અને રાસાયણિક દ્રવ્યોથી ભરેલાં કબાટો આજુબાજુ ગોઠવેલા હતા. વિદ્યાર્થીઓના ટેબલો પર તેમને કરવાના પ્રયોગની સર્વે સામગ્રી તૈયાર હતી. ગ્યાસ ચૂલાઓ ઉપર દ્રવ્યો ઊકળતાં હતાં અને પૃથકૃત થઈ જૂજવી રીતે સંલય પામતાં હતાં. સાહેબરામ પોતાના ટેબલ આગળ નળ ઉઘાડી હાથ ધોતો હતો ત્યાં ભાસ્વતી આવી પોતાના ટેબલ આગળ જઈ પ્રયોગ આરંભતા આગમચ પોતાની નોટબુક ઉથલાવવા લાગી. ભાસ્વતીને જોતાં જ સાહેબરામે નમસ્કાર કર્યા; તેણે પણ સ્થિત પ્રફુલ્લવદને તે સ્વીકાર્યા. મૅચના ખબર અંતર ચર્ચતી હતી એવામાં નોટબુકમાંથી પોતાના સરનામાનું બંધ એન્વેલપ હાથમાં આવ્યું. સહેજ થડકતા હૈયે તે ફાડી કાગળ વાંચવા માંડ્યો. વાંચતાં જ ભવાં ફરી ગયાં. અંગેઅંગમાં ભડકા સળગી ઊઠ્યા. કાગળ પરથી નજર ઉખેડી સાહેબરામ ભણી ફેંકી જોયું તો તે ટેસ્ટટ્યુબમાં લીન થઈ ગયેલો જણાયો. ‘અક્ષર તો એના નથી. એ એવું કરે એવો નથી. તે દિવસે સહેજ અંતરાયરૂપ થવાયું તેથી કેટલો બધો પસ્તાવો થયો હતો? આ કૉલેજમાં બહાદુર થયા સિવાય કોઈ જંપવા દેવાનું નથી. લાવ કાગળ એને જ બતાવું. પાપ હશે તો એની મેળે પ્રગટ થશે. અને નહીં તો પાપીને શાસન કરવાનું એ માથે લેશે. પ્રભુ! અમે તે શાં પાપ કર્યાં છે કે આવી હાડમારી? હિન્દુસ્તાન આટલો બધો અધોગતિ પામ્યો છે તે આવી પામર દુષ્ટતા વિના હોય જ નહિ.’ ક્રોધ અને અફસોસનો નિસાસો નાંખી સાહેબરામના ટેબલ ભણી ગઈ ને કાગળ ખુલ્લો તેની સંમુખ પાથર્યો. ક્રોધથી તેનું આખું શરીર ધડકતું હતું. ટેસ્ટટ્યુબ હાથમાંથી મૂકી કાગળ વાંચવા માંડ્યો. જ્યોતિરિન્દ્રનો કાગળ ખાસ પ્રયોજનસર વાંચવા આપ્યો હશે એમ ધારી સંબોધનથી વહેમાયો નહીં, પણ જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ કાગળમાં અક્ષરબદ્ધ થયેલી દુષ્ટ વાસનાઓ, તેની તૃપ્તિ માટે અપાયેલી લાલચો, ધમકીઓ વગેરેથી કાગળ વંચાવવાનું પ્રયોજન કળી ગયો અને ભાસ્વતીને પજવનાર દુષ્ટતા પર રોષ વ્યાપી રહ્યો. ‘બહેન! તમારી આપદાઓથી તમે જેટલાં નહિ ત્રાસતાં હો તેટલો હું ત્રાસું છું. તમારી પાછળ જે જે હરામખોરો પડ્યા છે તેમને હું હવે જરૂર પકડી પાડી જાતે જ સજા કરીશ. ડ્યુએલ(દ્વંદ્વયુદ્ધ) હિંદુસ્તાન જેવા નિઃશસ્ત્ર દેશમાં ક્યાંથી થાય, નહિતર એ સર્વેને યમદ્વાર મોકલ્યા વિના રહું એવો નથી.’ ભાસ્વતીએ ઉપકારની લાગણી દર્શાવી ગવર્નરદર્શનના પ્રસંગથી પોતાથી થયેલા અન્યાય માટે દિલગીરી જણાવી. ટેબલ પાસે જઈ પ્રયોગ કરવા માંડ્યો પણ ક્ષુબ્ધ અને રુષ્ટ ધ્યાન ચોંટતું નહોતું. પાન ચાવતા ચાવતા પ્રોફેસરસાહેબ પ્રયોગશાળામાં આવ્યા એટલે મૅચના મિષથી સાહેબરામ જલદીથી પ્રયોગ આટોપી બહાર ચાલ્યો ગયો. ભાસ્વતીને પ્રયોગ ધ્યાનચલિત થવાથી બગડતો જતો હતો. જેમ જેમ વૃત્તિઓને સંયમમાં લાવવા જતી તેમ તેમ તે વિશેષને વિશેષ ઉશ્કેરાતી. આખરે માથું દુખવાનું બહાનું કાઢી પોતાના ખંડમાં ચાલી ગઈ. પ્રયોગશાળાની પાછલી ઓસરીમાં થઈ સાહેબરામ પાણીની ઓરડી આગળ ધીરજરામની ભાળ કાઢવા જતો હતો ત્યાં સામે વાંચનાલયમાંથી માતાદીનને નીકળતાં જોયો. સલામ કરી તે સાહેબરામની પાસે આવ્યો. ‘નવરા હો તો જરા પણે આવશો? ખાનગી બાતમી આપવી છે.’ આ શબ્દો સાંભળતાં ગતિથી સંમતિ દર્શાવી. કૉલેજના બગીચાના એક મંડપમાં બન્ને ગયા. ‘સાહેબરામ, ચાડી ખાવાની મને ટેવ નથી પણ નીતિ કે ન્યાયનું ઉલ્લંઘન હું ખમી શકતો નથી. ધીરજરામ અને હું લંગોટિયા ભાઈબંધ છીએ – તમારી અને ધીરજરામની દોસ્તીથી પણ પુરાણી અમારી દોસ્તી છે. નાનપણમાં છેક આવો નહોતો. એનો ટોળી મજાકખોર સ્વભાવ અમને સૌને ગમ્મત આપતો પણ એ નિર્દોષ મજાકમશ્કરીમાંથી હરામખોરી પેદા થવાની મેં કદી વકી નહોતી રાખી.’ સાહેબરામ અકળાયો. ક્ષણ વિચાર તો ઊઠ્યો કે મુદ્દાની વાત વિશે સવાલ કરું પણ ઠંડા પડી માતાદીનનું આખ્યાન વિક્ષેપ પાડ્યા વિના સાંભળ્યા કર્યું. ‘તે દિવસે જાણી જોઈને ભાસ્વતી તથા બીજી વિદ્યાર્થિનીઓને બારીએથી ગવર્નરનાં દર્શન ન કરવા દીધાં. શેઠ ભૈરવનાથની પાર્ટીમાં વળી એવો ગપગોળો ફેંક્યો કે તમે ભાસ્વતીને ચાહો છો —’ ‘હેં! માતાદીન, શું બોલો છો? કોણ છે એવો નીચ? મને કલંકિત ઠરાવનાર છે ક્યાં?’ સાહેબરામ લાલચોળ થઈ ગયો. લોહી જોરથી રગેરગમાં ધડકવા લાગ્યું. ‘અરે! એટલા માટે તો મારે ને ધીરજરામને શેઠની વાડીમાં સખત ટપાટપી થઈ. તમારા નિષ્કલંક પારદર્શક જીવનમાં દોષ આરોપાતો હું સાંખી શક્યો નહીં તેમ જ તે દિવસે ભાષણમાં તમે નહોતું કહ્યું કે ‘સ્ત્રી માત્ર પવિત્ર છે. તેને અપવિત્ર લેખવાનો આપણો અધિકાર નથી’ એ વિચારનો રણકાર જીવનમાં ગાજતો હોવાથી ભાસ્વતીને પણ પુણ્યાચરણી લેખી મેં ધીરજરામના અપવાદનો સખત નિષેધ કર્યો હતો. પાર્ટી ન હોત તો હું એને ધૂળ ચાટતો કરત.’ ‘ભાઈ! તમારી ઊંચી ન્યાયબુદ્ધિ અને સ્ત્રીબહુમાનવૃત્તિ માટે તમને ધન્યવાદ આપું છું. હવે જો કાંઈ તોફાન કરતો એ પકડાશે તો એને જોઈ લઈશું. ભાસ્વતીની સહેજસાજ મજાક કરતો ત્યારે મેં એને અનેકવાર વાર્યો છે છતાં એનો પીછો છોડતો નથી ને? એ તો ઠીક છે કે મને વરુણીમાં લીધો છે. અંતદર્શનથી જાણું છું કે મારું જીવન શુદ્ધ છે કે મલિન, ભાસ્વતી કે જ્યોતિરિન્દ્ર આવી અફવાઓ સાંભળે તો પરિણામ કેવું ભયંકર આવે?’ ‘અરે પણ એટલેથી ક્યાં એની હરામખોરી અટકી છે. હમણાં જ મુકુંદરામ – બિલાડીના પેટમાં ખીર રહેવી બહુ મુશ્કેલ છે–મારી આગળ અતિશય પાપી બાતમી આપી ગયો. ધીરજરામે ભાસ્વતી પર અધમ પત્ર લખ્યો છે અને પોતાને અનુકૂળ ન થાય તો જોરજુલમ વાપરવાની ધમકી આપી છે.’ ‘ક્યાં છે ધીરજરામ? એની સારી પેઠે ખબર લેવી પડશે. અરે! ધીરજરામ! ધીરજરામ! કેવા ગર્તમાં ગબડી પડ્યો છું, ક્યાંથી સેતાનનો સાથ તને લાધ્યો?—પત્ર વાંચતાં જ એનું નામ સૂઝ્યું હતું અને નીકળ્યું. પણ તેમ જ. દુષ્ટને આજે એવી સજા કરવી છે કે જન્મભરની ખોડ ભૂલી જાય. કૉલેજમાં – દેશનું જ્યાં યૌવન આવી વસે છે અને જ્યાં એ યૌવન ઉચ્ચ જીવન કેળવે છે, જ્યાં મનુષ્યજન્મનાં સાર્થક્ય કે નૈષ્ફલ્યનાં બીજ વવાય છે ત્યાં આવું ક્યાં લગી ચાલવા દેવાય? કન્યાઓ કે વિવાહિતાઓ આવી સ્થિતિમાં ઊંચી કેળવણી શી રીતે લઈ શકે? અને કેળવણી ન લઈ શકે તો દેશનો ઉદ્ધાર કેવી રીતે થશે? લાંબો વિચાર શો કરવો? ચાલો માતાદીન. ક્યાં છે એ દુષ્ટ?’ સાહેબરામનાં રૂવેરૂવાં ઊભાં થયાં હતાં અને આંખમાંથી ક્રોધના તણખા ઊડતા લાગતા હતા. તેનું રૂદ્ર સ્વરૂપ જોતાં જ માતાદીન પણ ગભરાઈ ગયો. ક્યાં આ નાગને છંછેડ્યો? અરે પિશાચ ધીરજરામ એ જ લાગનો છે. એવું વિચારી સાહેબરામને મંડપમાં ઊભો રહેવા દઈ પાણીની ઓરડી આગળ મહારાજને બનાવવામાં મશગુલ થયેલા ધીરજરામને સાહેબરામના નામથી મંડપમાં બોલાવી લાવ્યો. મેચની તૈયારીઓ ચાલતી હોવાથી કોઈ પણ પ્રકારના વહેમ વગર ધીરજરામ ઠંડે કાળજે પોતાના કાળ પાસે ગયો. માંડવામાં પેસતાં જ સાહેબરામની લાલચોળ કૃદ્ધ આકૃતિ જોતાં જ વિમાસણમાં પડી ગયો. સાહેબરામની નજર તેના પર પડતાં જ ફાળ મારી ધીરજરામ પર કૂદ્યો અને માંસલ સ્નાયુથી તેની ગળચી પકડી ચાર પાંચ લાત લગાવી દીધી. ધીરજરામ સમજી જ શક્યો નહીં કે શા માટે પોતાના મિત્રે તેનો આવો સત્કાર આજે કર્યો. ‘ધીરજરામ? તારા પર એટલો બધો ગુસ્સો ચડ્યો છે કે મારું ચાલે તો તને ચીરી નાખું. બોલ, આ કંગાલ કાગળ તેં લખ્યો હતો? કાગળ જોતાં જ પુષ્પાંજલિનો હેતુ સમજાયો, મારાથી થયેલી ગભરામણ ઊલટી વધી અને સાહેબરામના વજ્રપાશમાંથી છૂટવાનો પ્રયત્ન પણ શિથિલ થઈ ગયો. તેના પગમાંથી આય ઊડી ગઈ એટલે તેનું શરીર આધાર નમવાથી નમવા માંડ્યું પણ સાહેબરામે તેને જોરથી ટટાર રાખ્યું. ગળચી પકડવાથી બિચારાને શોષ ચડ્યો અને મોં વિકૃત થઈ ગયું. આ જોઈ માતાદીનને દયા આવી. વચ્ચે આવી સાહેબરામની ભીંસ છોડાવી. છૂટો થતાં જ શૂર આવ્યું હોય એમ સાહેબરામ પર ધસ્યો અને સાહેબરામ સાવધ થાય ત્યાં તો સજ્જડ તમાચો ચોડી કાઢ્યો. શરીરમાં સાહેબરામ કદાવર, માંસલ અને સ્નાયુબદ્ધ હતો અને ધીરજરામ પાતળો એકવડી કાઠીનો હતો, ચામડીમાંથી કસાયેલા સ્નાયુને બદલે હાડકાં દર્શન દેતાં છતાં તમાચામાં પોતાનું બધું જોર મૂકવાથી સાહેબરામના ગાલ પર પાંચ આંગળાં ઊઠ્યાં અને ગાલ લાલ કમળ જેવો થઈ ગયો. તમાચો મારવામાં ફતેહ મળવાથી ફૂલાતો ધીરજરામ માંડવામાંથી નાસી જવા જતો હતો ત્યાં સાહેબરામે કોટનો કાંઠલો પકડી ઊભો હતો ત્યાં જ એને ખોડી દીધો. સામ, દંડ, ભેદથી કાગળની બધી હકીકત જાણી લીધી. ખૂબ ઠપકો આપ્યો, અપાયો તેટલો ઉપદેશ પણ આપ્યો. પ્રિન્સિપાલને ખબર પડશે તો કૉલેજમાંથી બે ત્રણ વર્ષ પર્યંત કાઢી મૂકશે એટલે અભ્યાસ બંધ પડતાં રવડી મરવાની ભયંકર દશાનું ભાન કરાવ્યું. કાગળ પાછો આપી ભવિષ્યમાં આવાં પાપોમાંથી મુક્ત રહેવા ઈશ્વરનો અનુગ્રહ મેળવવાનો બોધ કર્યો. માતાદીનના દેખતાં સાહેબરામે પોતાને માર્યો, ભાસ્વતી સંબંધી પોતાની બદદાનત હોવાની વાત સાહેબરામને વાકેફ થઈ ગઈ અને હવેથી ભાસ્વતીને એનું હંમેશ શરણ રહેવાથી પોતાના હવસે એમના એમ રહેવાના વગેરે વગેરેને લીધે ધીરજરામનો વૈરાગ્નિ પ્રજ્વળી ઊઠ્યો. સાહેબરામનો ઉપદેશ, બોધ તથા તેણે બતાવેલી દયા આ ભડકામાં ભસ્મ થઈ ગયાં. સાહેબરામ અને માતાદીનના જવા પછી પણ તે મંડપમાં રહ્યો અને જીવ સાથે નાનાવિધની ઘડભાંગ કરવા લાગ્યો. ઓણની સાલની ટીમ હોશિયાર અને કાબેલ હોવાથી શીલ્ડ મળવાનો સંભવ સોએ સો વસા હતો. એમાં પોતાની બૉલિંગથી સંભવ સત્ય થાય એવી કીર્તિની આશા હતી. છતાં વૈર તૃપ્ત કરવા કીર્તિની આહુતિ આપવા સંકલ્પ કર્યો. ખોટું દાક્તરી પ્રમાણપત્ર મેળવી પરમ દિવસે સવારે અગિયાર વાગે બરાબર મેચમાં ઊતરવાની ના પાડવી તેમ જ બને તેટલા ખેલાડીને ખેરવી લઈ સાહેબરામની કપ્તાનગિરિને નામોશી અપાવવાથી જ વેર લેવાશે એવો નિશ્ચય કર્યો. કાગળ ભવિષ્યમાં ઉપયોગી થશે એમ ધારી પાટલૂનના ખિસ્સામાં મૂકી દીધો. માર ખાવાથી હાડકાં દુખતાં હતાં એટલે માંડવામાંથી નીકળી રેસિડન્સીમાં જઈ મુકુંદરામની ઓરડીમાં તેના પલંગ પર થોડી વાર આડો પડ્યો. તબિયત નાદુરસ્ત હોવાની ફરિયાદ કરી સાંજે પ્રેક્ટિસ કરવા ન ગયો તેમ સ્ટેશને પરોણાને તેડવા પણ ન ગયો. તેની પ્રકૃતિ નરમ હોવાનું સાંભળીને હરીફોને મોદ થયો. રાતે અને બીજે દિવસે પોતાની બધી લાગવગ, દોંગાઈ, જુઠાણું, આવડત વગેરે વાપરી અગિયારમાંથી પાંચ સારા ખેલાડીઓને ખેરવી નાખ્યા. ખેરવી નાખ્યા પણ મૅચનો પ્રારંભ થાય ત્યાં લગી દગો પ્રકટ ન થાય એવી વેતરણ રાખી પણ ચાલાક સાહેબરામને દગાની ગંધ આવતાં જ ઉસ્તાદ આગેવાનની માફક અણીના પ્રસંગ માટે જોઈતી વ્યવસ્થા કરી લીધી. ત્રણ સારા બૉલર, એક સારો હીટર અને એક સારો ફિલ્ડર ધીરજરામની શીખવણથી કહો કે માયાથી માંદા થઈ ગયા. મહેમાનોની સરભરામાં, પોતાની ટીમની કવાયતમાં અને દગો થાય ત્યારે ઓટને ભરતીમાં ફેરવવાની યોજના કરવામાં સાહેબરામના બે દિવસ વ્યતીત થયા. મૅચને દિવસે સવારે નવ વાગે ખબર આવ્યા કે મંદવાડથી, સ્મશાન જવાનું હોવાથી તેમ જ પરગામ જવાનું હોવાથી ધીરજરામ સુદ્ધાં છ ખેલાડી જતા રહ્યા. પણ સાહેબરામ ગાંજ્યો જાય એવો નહોતો. ગયા તેમને વહેતા મૂક્યા. ખુશામત ન કરી. રખેને આવીને ઊલટું બગાડે. ધીરજરામ પર એટલો બધો રોષ ચડ્યો હતો કે તેની માંદગી સાચી હોય તો ખબર કાઢવાનો મનુષ્યધર્મ પણ ન બજાવ્યો તેમ પોતાના નીચ વિકારની સિદ્ધિમાં વિક્ષેપ પડવાથી ધીરજરામે ધાંધલ મચાવી હોય તો કૉલેજની પ્રતિષ્ઠા ખાતર એને મનાવવા પણ ન ગયો. પ્રતિષ્ઠા કરતાં સદાચરણ શ્રેષ્ઠ લેખ્યું. પોતાના જ બાહુબળથી આ સાલ કૉલેજને શીલ્ડ અપાવવાનો સંકલ્પ કર્યો.

[૯]

વિદ્યાર્થીવિશ્વમાં ‘શીલ્ડ મૅચ’ ઉત્સાહક તહેવાર તરીકે વધાવાતી. શહેરની તમામ ગુજરાતી તથા અંગ્રેજી નિશાળો બંધ કરવામાં આવી હતી. કૉલેજ આગળ મેળો હોય તેમ વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં દશના સુમારમાં ભેગાં થવા માંડ્યાં અને સાહેબરામ, ધીરજરામ, માતાદીન, ફરેદુન અને મુસ્તફાના વખાણ કરતા પોતપોતાના પ્રિય વીરની પ્રશંસા કરવા જતાં વાગ્યુદ્ધો પણ થતાં. ક્રીડાક્ષેત્રની સીમાથી થોડેક આઘે તંબુઓ ઊભા કરવામાં આવ્યા હતા તેમાં કૉલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને શહેરના સંભાવિત ગૃહસ્થો બેઠા હતા. એક તંબુ ખાસ રમનારાઓ માટે જ હતો. તેમાં બન્ને ટીમના સ્કોરર આગળ બેઠા હતા. અમ્પાયરો ચીરૂટોના ધુમાડા કાઢી સજ્જ થતા હતા. કેટલાક બૅટ પકડી સ્નાયુઓ કસતા હતા. કેટલાક ખુરશી પર ઘોડો પલંગી પીઠના તકીયા પર ટેકી ટોળ ગમ્મત કરતા હતા. વિશાળ વડ નીચે ધીરજરામે ઇંદ્રસભા જમાવી હતી. સાહેબરામે મૅચમાંથી એને કાઢી નાંખ્યો માટે એને બહુ જ લાગ્યું હતું અને વેર લેવાની વૃત્તિ સબળ ઉશ્કેરાઈ હતી. પોતાની કૉલેજ અગિયાર વિકેટનો માર ખાવાની છે એવી અપશુકનિયાળ આગાહી તે પોતાના મંડળમાં ચર્ચતો હતો. એની સમજાવટથી ખરી ગયેલા અને સાહેબરામે ખુશામત કરી મનાવેલા ન હોવાથી તેમના હુંપદને અપમાન લાગવાથી તેઓ પણ ઉશ્કેરાયેલા હતા. શાળાનું અભિમાન સરી પડ્યું હતું. ખુદ પોતાની લાગણીઓની પરિતૃપ્તિ માટે વાંછના હતી. વિઘ્નસંતોષીઓ તરેહતરેહનાં ગપ્પાં મારતા હતા અને પ્રતિપક્ષીઓના વખાણ કરતા અને પોતાના હમશરીકોના દોષો – ઝીણી ખોડખાંપણોને મોટું રૂપ આપતા. સાહેબરામે એવી કુનેહથી કામ લીધું હતું કે ધીરજરામની ટોળી ખસી જવાનું ખરું કારણ પ્રિન્સિપાલ સિવાય કૉલેજમાં પણ પૂરેપૂરું પ્રસિદ્ધ થવા નહોતું પામ્યું તો પ્રતિપક્ષીઓમાં તો ક્યાંથી પ્રસિદ્ધ થયું હોય? તેમણે બતાવેલું મિષ સાચું લેખાયું હતું એ તેમને બહુ સાલતું હતું. સાહેબરામને હલકો પાડવા એમણે આકાશપાતાળ એક કર્યાં પણ સાહેબરામની નિષ્પક્ષપાત પ્રામાણિકતા, શાળાનું અભિમાન, નિખાલસ અને મળતાવડો સ્વભાવ, સ્નેહના ઉમળકાથી ઉભરાતું હૈયું અને રમતોમાં નિષ્ણાતતા, એટલાં બધાં કૉલેજમાં અને શહેરમાં પ્રસિદ્ધ હતાં કે તેની પ્રતિષ્ઠાને આંચ આવે એવું નહોતું. ભાસ્વતીથી સળકેલી પોતાની હરામ દાનત હાંસલ કરવામાં સાહેબરામ વિઘ્નરૂપ નીવડશે એવું ધીરજરામને સ્વતઃ પ્રતીત થયેલું હોવાથી ભાસ્વતી અને એનાં નામ વિશે કલંકિત ચર્ચા ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો પણ માતાદીન જેવાના વિરોધથી એ પાસા અવળા પડ્યા. કૉલેજ બંધ થવાનો સમય સમીપ આવતો હોવાથી દુષ્ટતા ધીરજ સાંખી શકી નહીં અને આંધળિયાં કરી કૂદી પડી. પુત અને કસમ બંને ખોવાં પડ્યાં. શીલ્ડમૅચમાં રમી અમર થવાનો – સચિત્ર વર્તમાનપત્રોમાં ઇલાકાના કુશળ બૉલર તરીકે છબી દ્વારા એને ઢાલ પર નામ કોતરાવવાથી પ્રખ્યાતિ મેળવવાનો પ્રસંગ હાથમાં આવેલો ઝૂંટાઈ ગયો. મૅચની સવારે પ્રિન્સિપાલ પાસે જઈ સાહેબરામ સામે ચાડી ખાધી અને મૅચમાંથી નીકળી જવાનો સર્વ દોષ સાહેબરામને માથે નાખ્યો. પાછા મૅચમાં દાખલ થવાની આડકતરી વૃત્તિ પણ સૂચવી, પરંતુ પ્રિન્સિપાલ સર્વે હકીકતથી વાકેફ હોવાથી ધીરજરામને શી સજા કરવી તેના વિચારમાં હોવાથી એટલો જ જવાબ દીધો : ‘મૅચ પૂરી થયા પછી તમારી ફરિયાદ વિશે તપાસ ચલાવીશ. રમવું હોય તો તમારા કપ્તાનને જઈ મળો.’ સાહેબરામને મળવા છાતી ચાલતી નહોતી એટલે નાસીપાસ થઈ પોતાનું વેર કેવી રીતે લેવાય તેની ખટપટમાં પડ્યો. વેરની લાગણી જાગે છે ત્યારે માણસ પાપના એક ખાડામાંથી વધારે ઊંડા ખાડામાં ઊતરી પડે છે. વિવેકબુદ્ધિ હ્રાસ પામે છે. અગ્નિ જે હાથ આવ્યું તે ભક્ષ કરી જાય છે તેમ વૈરવૃત્તિ જે સપાટામાં આવે તેને હેરાન કરે છે. સાહેબરામ પર વેર લેવાયું નહીં ત્યારે પોતાની હીન દશાનું કારણ ભાસ્વતી પર વેર લેવાનું સૂઝ્યું. સ્ત્રીજાત એટલી બધી કાવલી છે કે જનસમાજ તેને ભંગુર લેખ્યા વિના રહેતો નથી. ભાસ્વતી માટે એણે જાતે અને પોતાના દોસ્તો મારફત અનેક લતીફા ફેલાવવા માંડ્યા. અમરસત્ર નાટકના પિશુન પેઠે, પિશાચી આવડથી એણે ક્રીડાક્ષેત્ર પર નિંદાની માણ વગાડી અને હૃદયે હૃદયમાં એનો રણત્કાર ઘોરાવ્યો. ખુદ ભાસ્વતીની પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ ગંધર્વનગર જેવાં કલંકો વિશે હસતા હસતા રસથી વાતો કરવા લાગ્યા હતા. ભાસ્વતીની પાસે બેઠેલી સેનાએ આ સાંભળ્યું ત્યારે તેને ભાસ્વતીની ભયંકર સ્થિતિનું અને વિદ્યાપ્રાપ્તિ માટે જે જે સંકટો અને આધિઓ તે સહેતી હતી તેનું તેને ભાન થયું. તેના સત માટે પોતાના દિલમાં અભિમાન પ્રગટ્યું અને પોતાની બહેનોની આવી સ્થિતિ એકદમ ભગીરથ પ્રયત્નો સુધારવા તેણે સંકલ્પ કર્યો. એવામાં ભૈરવનાથ શેઠ આવવાથી સાહેબરામ તેમના શુભાશીર્વાદ માટે આવ્યો અને તે લઈ સેના અને ભાસ્વતીને લટક સલામ કરી ક્રીડાક્ષેત્રમાં ગયો. લટક સલામના જવાબમાં બન્નેએ રક્ષણની જે દૃષ્ટિ ફેંકી તે ઉતાવળમાં જોઈ શક્યો નહિ તો સમજી તો ક્યાંથી શકે? શેઠના આવવાથી તેમ જ મૅચ શરૂ કરવાની તૈયારી થવાથી નિંદા બંધ પડી અને ખેલાડીઓના ગુણદોષની ગંભીર તેમ ઉપરચોટી ચર્ચા થવા માંડી. ધીરજરામ, મુકુંદરામ, ચિંતામણરાવ, મુસ્તફા વગેરે ચુનંદા ખેલાડીઓ રમનાર ન હોવાથી પ્રતિપક્ષીઓ ઉલ્લાસમાં આવી ગયા હતા. કૉલેજિયનોને સો વસા ખાતરી હતી ત્યાં હવે સખત ટપાટપીનો સંભવ લાગ્યો—વખતે હાર ખાવાનો ભય પણ લાગ્યો. કૉલેજનો કીર્તિધ્વજ આજ સાહેબરામ કેવો ફરકાવે છે તે જોવા સૌ ઉત્સુક થઈ ગયા હતા. વખત થતાં બંને પક્ષના કપ્તાનો ક્ષેત્રના મધ્યમાં ગયા અને રૂપિયો ઉછાળી પહેલા રમવાનું ભાગ્ય નક્કી કર્યું. ભાગ્યદેવીનો કળશ સાહેબરામ પર ઢળ્યો. તેણે રમવાનું પસંદ કર્યું એટલે પ્રતિપક્ષીઓ દાવ આપવા ગયા. સૌથી પહેલા સાહેબરામ અને ફરેદુન ગયા. તંબુમાંથી બૅટ લઈ નીકળતા યોદ્ધાઓને દૃષ્ટાઓએ તાળીથી વધાવી લીધા. ઝાડોની ડાળીમાં લપાયેલા છોકરાઓએ પાંદડા ફેંકી અભિષેક કર્યો. રમત શરૂ થઈ અને બીજા જ બૉલને એવી રીતે લગાવ્યો કે સીમા ઉલ્લંઘી તે ગયો અને ૬ રન સાહેબરામને ખાતે ચડ્યા. જોતજોતામાં ત્રણેક ઓવરમાં રનનો આંકડો ત્રીસ પર ચડ્યો, ભરતીના અવાજની માફક તાળીઓનો અવાજ દિશાઓમાં ઘૂમવા લાગ્યો. જેમ જેમ તાળીઓ પડતી જાય તેમ તેમ ધીરજરામનું મોં વધારે ને વધારે શામળું પડતું જાય. એની માયાથી ખરી પડેલાઓને રમતનું ઘેન ચડવા માંડ્યું અને પોરસ ચડતાં આવા હાથ બતાવવાના પ્રસંગમાંથી બાતલ થવા માટે ખેદ થવા લાગ્યો. પણ એવામાં ઉલ્લાસની અવધિ આવી પહોંચી. ફરેદુનથી ઉતાવળમાં પોતાનું બૅટ સ્ટમ્પમાં મારી દેવાયું એટલે આત્મઘાતના આરોપથી એને જંગમાંથી છાવણીમાં પાછા ફરવું પડ્યું. એનું સ્થાન લેવા દરીઆલાલ આવ્યો. ઘણી મૅચોમાં એણે ૯૯ રન કરેલા હોવાથી એને ૯૯ નું બિરૂદ આપવામાં આવ્યું હતું. એને વધાવવા આખું ક્રીડાક્ષેત્ર ગાજી ઊઠ્યું પણ અફસોસ! ગયો તેવો જ તે પાછો આવ્યો. હીટ મારવા જતાં બૉલ પકડાઈ ગયો. આથી ખેલાડીઓમાં ઉત્સાહ મંદ પડી ગયો. બે ત્રણ ખેલાડીઓ વારાફરતી ગયા અને સ્કોર પચાસે પહોંચાડ્યો. એમની રમતમાં જીવ નહોતો. સાહેબરામ જ રમત રમતો હતો. રમત પણ મંદ પડી ગઈ હતી. એવામાં એક વાગ્યો એટલે આરામ તથા લંચનો વખત થયો. ખેલ બંધ પડ્યો. દૃષ્ટાઓ યથેચ્છ આહાર વિહાર કરવા વેરાયા. ધીરજરામની સભા પણ ઉપાહારના મંડપ તરફ ઊપડી. દરવાજામાં પેસતાં જ અમરનાથ મળ્યો. ધીરજરામે તેને મંડળીમાં સામેલ કર્યો. બધા દોસ્તોએ ભેગા બેસી ગમ્મત અને ઠઠ્ઠામશ્કરી કરતાં ચા, ચેવડો અને ગાંઠિયા ખાધા. જેમને ખપ્યું તેમણે પાઉં બિસ્કીટ ખાધાં. અમરનાથે સૌને ચૉકલેટ ખવડાવ્યાં. વળી બધાએ ચડાવી એની પાસે પૈસા કઢાવી અચ્છી મીઠાઈ લઈ સૌએ આરોગી. આમ ખાવામાં જ અવકાશ પૂરો થયો. રમત આરંભાતાં તે નિહાળવા સૌ પોતપોતાને સ્થાને દોડ્યા. જેમની જગ્યા પુરાઈ ગઈ હતી તેમને બીજી નવી શોધવી પડી. બરાબર અઢી વાગ્યે પ્રતિપક્ષીના ઉસ્તાદ બોલર ભાવાણીએ પહેલો દડો નાંખ્યો. સાહેબરામે જોરથી ફટકો મારી ચાર રન લઈ મંગલાચરણ કર્યું. સાહેબરામે એવો તો હાથ બતાવવા માંડ્યો કે પાટીઆ પર દર્શક ઝપાટાબંધ વધતા ચાલ્યા. અર્ધા કલાકમાં સંખ્યા પચાસ પરથી નેવું પર આવી. પ્રતિપક્ષીઓને ત્રણ તો બૉલર બદલવા પડ્યા. પણ એવામાં સાવધ સાહેબરામથી અસાવધ ખેલ ખેલાઈ ગયો. પ્રતીપક્ષીના અમ્પાયરે એલ. બી. ડબલ્યુ.નો ચુકાદો આપ્યો. એટલે સાહેબરામ રણક્ષેત્રમાંથી છાવણી ભણી વળ્યો. તેના નામ પર પોણોસો રન ચડ્યા હતા. ‘એલ. બી. ડબલ્યુ.’નો ચુકાદો પ્રતિપક્ષીનો અમ્પાયર કુશળ ખેલાડીને માટે આપે ત્યારે સ્વાભાવિક રીતે તે ખેલાડીના દોસ્તોમાં કચવાટ પેદા થાય છે અને નિર્ણય નિષ્પક્ષપાત અને સત્ય હોવા સંબંધી સંશય તેઓ ઉઠાવે છે. વિજયી યોદ્ધાને વધાવવાની તાળીની સાથે આ કચવાટનો પણ મંદ ધ્વનિ ઊઠ્યો. સાહેબરામે તંબુ પાસે આવી મોટેથી કહ્યું : ‘અમ્પાયરનો ચુકાદો વાજબી છે. લીટી પર મારો પગ આવી ગયો હતો.’ આથી કચવાટ શાન્ત પડ્યો. પ્રિન્સિપાલે એને શાબાશી આપી અને એના ભાઈબંધોએ એની પીઠ થાબડી. ભૈરવનાથ શેઠે એને પોતાની પાસે બોલાવ્યો; પણ ‘આવું છું’ કહી ખેલાડીઓના તંબુમાં ગયો અને બાકી રહેલા રમનારાઓને પાનો ચડવા લાગ્યો. કેવા બૉલ પડે છે, કેવી રીતે હીટ મારવી તેમ જ ફિલ્ડિંગ ક્યાં ક્યાં નબળી છે વગેરે માહિતી તેમને આપી; પણ કમનસીબે જે જાય તે બે ત્રણ બૉલ રમી પાછા આવવા લાગ્યા. ફક્ત માતાદીન બાર રન કરી આવ્યો. માતાદીન ખેલતો હતો ત્યારે સાહેબરામ શેઠ પાસે ગયો. શેઠે, સેનાએ અને ભાસ્વતીએ હૃદયના સાચા ઉમળકાથી વધાવ્યો. સેનાએ બહુ ઉજ્જવળ રીતે એની રમત વર્ણવી વખાણી, અણીને વખતે સારા ખેલાડીઓ ખરી જવા છતાં શાંત રહી પાણી બતાવવા માટે ભાસ્વતીએ ધન્યવાદ આપ્યો અને કૉલેજનું નામ રાખવા માટે ગર્વાનંદ દર્શાવ્યો. પણ સાહેબરામે પ્રશંસા અને ધન્યવાદના ખિન્ન મુખે ઉત્તર આપ્યો. ‘રન બહુ થોડા થયા છે. અઢીસો થવા જોઈતા હતા. ફરીને રમવું પડશે.’ અમરનાથને પોતાની મંડળીમાં લઈ જઈ પાનસોપારી ખવડાવી ખુશમિજાજ બનાવી ધીરજરામે સાહેબરામ અને સેનાના સંબંધમાં તેના મનમાં સંશય ઉત્પન્ન કર્યો. એવી કુનેહથી, એવા તટસ્થપણાથી અને એવા રસથી વ્યંગ્ય ધ્વનિ ઉઠાવતો ગયો કે અમરનાથ તો વિહ્વળ જ થઈ ગયો. આખરે સાહેબરામની ટીમ એકસો ને પંદર રન કરી આઉટ થઈ. સામા પક્ષને પછી દાવ આપવા માંડ્યો. ધીરજરામ અને મુસ્તફા જેવા ઉસ્તાદ બૉલરોની ખોટ લાગવા માંડી એટલું જ નહીં પણ ફિલ્ડિંગમાં પણ કચાશ લાગી. સાંજ પડતાં લગીમાં પ્રતિપક્ષીના ત્રણ ખેલાડીઓએ સવાસો રન કરી નાંખ્યા. કૉલેજિયનોના મોં ઊતરી ગયાં. ધીરજરામ અને એના મંડળનું ચડી વાગ્યું. પણ સાહેબરામના મોં પર હતું તેવું ને તેવું નૂર રહ્યું. સૌના વેરાયા પછી એણે પોતાના ખેલાડીઓને બોલાવી શાબાશી આપી અને આવતી કાલે કેવી રમત રમવાની છે તેની સમજણ પાડી તથા પોતાની કૉલેજની પ્રતિષ્ઠા જાળવવા તેમને અભિમાનનું ઉદ્‌બોધન કર્યું. ધીરજરામ અને સાહેબરામની ઘાટી મિત્રતા કૉલેજમાં મશહુર હતી એટલે બન્નેને વૈમનસ્ય થવાથી સાહેબરામે ધીરજરામને કાઢી મૂક્યો છે એવી વાત કોઈ માની શક્યું નહીં. ધીરજરામનું હૃદય નબળું હોવાના સબબે દાક્તરે તેને રમવાની મના કરી છે એ બહાનાને સૌએ સાચું લેખ્યું અને ધીરજરામથી રમતમાં ભાગ ન લેવાયો, માટે અફસોસ બતાવી તેના સૌ ખબરઅંતર પૂછતા. આવા સવાલ તેને ભાલાની પેઠે વીંધી નાંખતા અને તેના વૈરાગ્નિને વધારે ને વધારે પ્રજ્જ્વળ કરતા. બીજે દિવસે મૅચ શરૂ થઈ. સ્મશાનમાં જવું પડવાથી દરીઆલાલ ન આવ્યો. એને ઠેકાણે કોને લેવો? ધીરજરામની સાથે ખરી ગયેલાઓને મૅચમાં દાખલ થવાની સોનેરી તક આવી. તેઓ સાહેબરામની આસપાસ ભરાવા મંડ્યા પણ તેણે તેમને લક્ષમાં જ લીધા નહિ. માતાદીને ભલામણ કરી ત્યારે રોકડો જવાબ પધરાવ્યો : ‘એમને લેવાથી કદાચ કૉલેજની કીર્તિ જળવાશે. પણ એમણે જે અનીતિ કરી છે તે માટે એઓ ખરેખરા પસ્તાય નહીં અને જે સાધ્વીને હેરાન કરે છે તેની માફી માંગી તેની ભલામણ લાવે નહીં ત્યાં લગી હું એમને રમતમાં લેવાનો નથી. કીર્તિ પહેલાં નીતિ આદરણીય છે.’ આકરા દિવ્યની કસોટી પાર ઊતરવા તેઓનું દિલ ઢચુપચુ થતું હતું ત્યાં સેનાએ સાહેબરામને હાક મારી : ‘તમારી કૉલેજમાં ભણતી હોત તો હું અત્યારે રમવા ઊતરત. પણ અફસોસ છે કે એ લહાવો મારા ભાગ્યમાં નથી. પણ ભાસ્વતીબહેન રમવા તૈયાર છે. પ્રેક્ટિસ હાલમાં નથી પણ હૉકીમાં કાબેલ થયેલા સ્નાયુઓ ક્રિકેટમાં પણ પોતાનું બળ બતાવ્યા વિના નહીં રહે.’ સેનાની ભલામણ પહેલી ક્ષણે તો સ્વીકારી લીધી. પણ પાછો અનેક તર્કવિતર્કમાં પડ્યો. ભૈરવનાથ શેઠે પણ અનુમોદન આપ્યું. ‘ભાઈ! એમ નો ધારતા કે મેં ભાસ્વતીને મારીને મુસલમાન બનાવી છે. ગઈ કાલની એ તો રમતમાં ઊતરવા તલસ્યાં કરે છે. એને શરમ લાગી ત્યારે જ મેં પિતાજીની સંમતિથી ભલામણ કરી છે.’ ‘સાહેબરામભાઈ! મુંઝાશો મા. બૉલિંગ લેવાની મને ઉત્કંઠા છે. ફિલ્ડિંગમાં એવી દોડીશ કે તમે ખુશી થયા વિના નહીં રહો.’ ભાસ્વતીએ પોતાની ઉત્કંઠા મીઠા નર્મ વચનથી કહી. હજુ સાહેબરામ નિશ્ચય પર નહોતો આવ્યો એવામાં ભૈરવનાથના કહેવાથી પ્રિન્સિપાલ પણ પોતાની સંમતિ બતાવવા આવ્યો અને સાહેબરામના મનમાં ઊઠતા વાંધાઓ કલ્પી તેના રદીઆ આપી ભાસ્વતીને રમતમાં ઉતારી ક્રીડાક્ષેત્રમાં હોહા થઈ રહી. ધીરજરામની ઇંદ્રસભામાં કોલાહલ થઈ રહ્યો. છેલવેલી તક પણ હાથમાં ન આવી. સાહેબરામની લુચ્ચાઈ અને આપખુદ સત્તા પર તેમને બહુ રોષ ચડ્યો. સખતમાં સખત રીતે વૈર લેવાના સૌએ સોગન ખાધા, પ્રતિપક્ષીઓ પણ આભા જ બની ગયા. કાઠિયાવાડના વાતાવરણમાં જે ન જોયેલું, ન સાંભળેલું કે ન કલ્પેલું તે આજે પ્રત્યક્ષ જોયું. રમત શરૂ થઈ. ભાસ્વતીની ઈચ્છા પ્રમાણે તેને બૉલિંગ આપવામાં આવી. સારા બૉલ પડવાથી કે તેની સામા રમવાથી મુંઝાઈ જવાથી કે શરમાવાથી કે સ્ત્રી તરફનું મોહાંજન અજાંવાથી પ્રતિપક્ષીના ત્રણ સારા ખેલાડી ઊડી ગયા. આજે સાહેબરામે બૉલિંગ લીધી. ગભરાયેલા પ્રતિપક્ષીઓની એણે પણ વિકેટ લેવા માંડી, જોતજોતામાં વીસ રનમાં નવ વિકેટ પડી અને રમત પૂરી થતાં સામાવાળાનો સ્કોર એકસો ને પિસ્તાલીસ થયો. જે ભાસ્વતીને સૌ ફિટકારતા હતા અને નિન્દાથી કલંકિત અને દૂષિત ઠરાવતા હતા તે સર્વે એના ભક્ત બની જઈ દેવી તરીકે તેની પ્રશંસા કરવા લાગ્યા અને સાહેબરામની હિમ્મત પર આફરીન થઈ ગયા. સાહેબરામની ટીમ પાછી દાવ દેવા લાગી. પહેલા સાહેબરામ અને માતાદીન ગયા. બન્નેએ એવા સરસ ખેલ ખેલ્યા કે દૃષ્ટાઓમાં ઉત્સાહ, આનંદ, અભિમાન સર્વત્ર ફેલાઈ રહ્યાં. સાંજ પડી ત્યારે ત્રણ વિકેટ પડી હતી અને બસેં ત્રણ રન થયા હતા. બીજે દિવસે સાહેબરામ અને ભાસ્વતીએ રમત શરૂ કરી અને કલાકમાં રનનો સરવાળો ત્રણસોનો કરી નાંખ્યો. આટલા બધા રન થવાથી સાહેબરામે પોતાની ટીમનું રમવાનું રાજીનામું દીધું અને પ્રતિપક્ષીઓને દાવ આપવા માંડ્યો. પાછી આજે સાહેબરામ અને ભાસ્વતીએ બૉલિંગ લીધી અને જોતજોતામાં સિત્તોતેર રન આપી દસ વિકેટ પાડી નાંખી. કૉલેજમાં શીલ્ડ આવવાથી આનંદ આનંદ સર્વત્ર ગાજવા માંડ્યો. સાહેબરામ અને ભાસ્વતીને સેનાએ ફૂલના હાર પહેરાવ્યા. તેમના નામોચ્ચાર મુખે મુખે થવા લાગ્યા અને શાબાશીની દિશાઓ ચીરતા નિનાદથી તેની કીર્તિ ફેલાઈ. ધીરજરામથી આ ખમાતું નહોતું. આ ઉત્સવને હલકો પાડવા તેણે સહેજ ઉદ્ગાર કાઢ્યો ત્યાં એના જ મળતિયાઓ એના પર તૂટી પડ્યા અને પાણીથી પાતળો કરી નાંખ્યો : ‘તારા વગર કેવું ચાલ્યું! કેવી શીલ્ડ આવી’ એવા મહેણાંથી એને પીંખી નાંખવા લાગ્યા. આખરે બિચારો સતાવણીથી વધારે ને વધારે બળવા એટલો બધો લાગ્યો કે દીપક રાગથી જળતા તાનસેનની માફક મલ્હારની શોધમાં બાઇસિકલ પર બેસી નાસી ગયો. ભાસ્વતીએ સેનાને અથેતિ બધી વાત સવારે કહી હતી. સાહેબરામનું દાક્ષિણ્ય, શૌર્ય, પ્રભાવ, અગ્રણીત્વ, નિપુણત્વનો પ્રત્યક્ષ અનુભવ થતાં તેનું વહાલ સવિશેષ તેના પર ઉભરાયું. આવી કટોકટીમાં કૉલેજની પ્રતિષ્ઠા જાળવી અને અનીતિને શાસન કર્યું - વિરોધ, મુશ્કેલી, નિંદા, હારથી જરા પણ સંક્ષુબ્ધ કે ખિન્ન થયા વિના પોતાના બાહુબળથી તે ઝૂઝ્યો તેથી સેનાના આહ્લાદની અવધી જ ન રહી. હસતાં હસતાં સાહેબરામને સવાલ કર્યો : ‘આવા પ્રલયકાળમાં તમે ભલા, વિકારોની શાંતિ જાળવી શક્યા અને બુદ્ધિની પ્રખરતા ઉપયોગમાં લઈ શક્યા?’ સાહેબરામે પણ હસતાં હસતાં જ જવાબ વાળ્યો : ‘એનો ખુલાસો માતાદીને કર્યો છે.’ ‘શો ખુલાસો?’ ‘સાંભળવો જ છે? હિમાલય પર નિરંતર બરફ જ રહે છે.’ ‘એટલે?’ ‘હિમાલય જેમ ઊંચો પહાડ હોવાથી હિમાચ્છાદિત રહે છે તેમ હું ઊંચો હોવાથી મારું મગજ પણ શાંત રહે છે.’ આ સાંભળી સૌ ખડખડ હસી પડ્યા. ભૈરવનાથે શહેરના આગેવાનો સાથે મળી સાહેબરામને, એક બૅટ અને ભાસ્વતીને હીરામાણેકના જડાવ એરિંગ ઇનામ અપાવ્યાં. સાહેબરામે તે બૅટ પાછું આપ્યું અને તેની કિંમત પોતાના પક્ષના સર્વે ખેલાડીઓને વહેંચી આપવા વિનંતી કરી. આવી ઉદાત્ત વર્તણૂકનું ભાસ્વતીએ પણ અનુસરણ કર્યું. સર્વત્ર ધન્યવાદનો વરસાદ વરસવા લાગ્યો. કુરબાન થયેલા કૉલેજિયનોને તરત જ પોતામાંથી જોઈતી રકમ ભેગી કરી પોતાના વીરશ્રેષ્ઠનો મનોરથ પૂર્યો. સાહેબરામ, સેના, ભાસ્વતી, બાલકરામ વગેરે એવા ઉલ્લાસમાં આવી ગયાં હતાં કે લળી લળીને વિનોદ કરતાં હતાં. સંશયથી ફરી ગયેલી અમરનાથની આંખ આ નિર્દોષ વિનોદમાં અન્ય અર્થ જોવા લાગી.

[૧૦]

ભાગ્યો. ધીરજરામ જીવ લઈને ભાગ્યો. આગનો ભડકો પાછળ પડ્યો હોય કે કોઈ હિંસ્ર શ્વાપદે પૂઠ પકડી હોય કે ભૂત પ્રેતે કેડો લીધો હોય ને જીવ બચાવવા ત્રાસતો નાસે તેમ નાઠો. બાઇસિકલમાં પણ ઝનૂન આવી ગયું હોય એમ ગાઝીના જુસ્સાથી વાંધા અંતરાય ન ગણકારતાં તે પવનના વેગને પણ ટપવા લાગી. ધીરજરામ લાગણીઓના સંકુલ તુફાનથી એવો વિહ્વળ થઈ ગયો હતો કે અનુચર દુશ્મનોથી છાયાની માફક ગમે તેટલા વેગથી તે ભાગતો હતો, છતાં કેડો ન મૂકતા હોય એમ તેને લાગ્યું. પાંદડાના ખખડાટમાં, પવનની સુરકીમાં, બાઇસિકલની સાંકળની કટકટમાં, રાહદારીના ચહેરામાં, માર્ગની ધૂળમાં, વાડીનાં ફૂલોમાં, પંખીના કિલકિલાટમાં—સર્વત્ર એ પોતાના દુશ્મનને દેખવા લાગ્યો. વારંવાર બાઇસિકલની સાઠમારી એ રસ્તે થતી હોવાથી રાહદારીને કે માર્ગની બાજુમાં રહેનારાઓને આ ગતિપ્રદર્શનમાં નવાઈ ન લાગી. ચકરડું ફરતું ફરતું નદીકિનારે પહોંચ્યું. હવા ફરવાથી કે ઘણે દૂર નીકળી આવવાથી ધીરજરામના દેહમાં ઊઠેલી આગ શાંત પડવા લાગી. સડક અને નદીના જળની વચ્ચે લીલી હરિયાળીથી છવાયેલો બેટ નદીએ પાસું બદલવાથી પડ્યો હતો. હજુ ચોમાસું યૌવનમાં હોવાથી મખમલ જેવી સુંવાળી લીલોતરી બીછાઈ રહી હતી. નદીના કાંઠા ભરી દેતું જળ પણ વેગભર્યું વહેતું હતું. બાઇસિકલ પરથી ઊતરી પડી પગે ચાલતો જલ કિનારી પાસે ગયો. ઠંડા જળનો ખોબો ભરી મુખ પ્રક્ષાલન કર્યું અને બાહ્યોપચારથી અંતરની વેદના શમાવવા મથ્યો. વેદના એટલો બધો સંક્ષોભ અને ત્રાસ આપતી હતી કે તેની અનિમિષ આંખો કુદરતનું ચારુ સૌંદર્ય જોઈ શકતી નહોતી, તેની ઘ્રાણેન્દ્રિય જલની, જલવનસ્પતિની કે જલથી ભીંજાયેલી માટીની ખુશબો માણી શકતી નહોતી, તેનો શ્રવણ જલના કલકલ નાદથી કે જલપંખીના સૂરથી આહ્લાદ પામતો નહોતો. નદીકાંઠેનું વાતાવરણ તેના દેહયંત્ર પર અસર કરી શકતું નહોતું. ફક્ત તેના પગ ચાલ્યા કરતા હતા અને હાથ બાઇસિકલને સાથે ચલાવતા હતા. ‘ધીરજરામ! માણસને તરેહ તરેહના અભિલાષ હોય છે. દ્રવ્ય, સત્તા, કીર્તિ મેળવવાના અભિલાષ જેવો જ ઉત્કટ અભિલાષ સ્ત્રીને વશ કરવાનો હોય છે. મોજ માણવાનું સાધન સ્ત્રી કરતાં વધારે સારું કયું છે? મગદૂર છે એની કે પુરુષ ઈચ્છા કરે અને એ સામી થાય? હળવટ કે જળવટથી એને કબજે લઈ સુખ ભોગવવું જ જોઈએ, પછી ભલેને ચૂંથાયેલી ફૂલપાંદડી પેઠે નકામી થઈ પડે. સારું ફૂલ ચૂંટવા, સૂંઘવા કે માથે ચડાવવા કે પગે કચરવાની મનાઈ નહીં; રમણીય દૃશ્ય નિહાળવા આંખને પ્રતિબંધ નહીં, મધુર ધ્વનિ સાંભળવા કાનને સદર પરવાનગી તો પછી એ વિવિધ સૌંદર્યના આકાર સ્ત્રીને માણવામાં શા માટે અંતરાય? પુરુષોની ઈર્ષ્યા અને સ્વાર્થ ન હોય તો અંતરાય બંતરાય કેવા? સાહેબરામની નસેનસ હું જાણું છું. એની કુભારજા એને ઘેર જંપવા દેતી નથી. કાલા થઈને એણે બીજે હાથ નાંખવા માંડ્યા છે. કેટલો હરામખોર! કેવો સ્વાર્થી! જાણે દુનિયા એને માટે જ સર્જાઈ હોય. પણ બચ્ચાજી યાદ રાખજે! લાગ આવે હાથ બતાવીશ. દુષ્ટ! મારે ને તારે પેલા ભવની એવી તે શી દુશ્મનાવટ હતી કે મારા એકેક મનોરથ જમીનદોસ્ત કર્યા તેં? ભાસ્વતીને મારા પંજામાંથી છટકાવી. મૅચમાંથી મને બાતલ કર્યો અને શીલ્ડ જીતવાથી ભવિષ્યમાં મને થવાના લાભ લઈ લીધા. આટલું જાણે બસ ન હોય તેમ પ્રિન્સિપાલને પણ સાચુંખોટું ભરાવી આવ્યો છે. સાંભળ્યું છે કે પ્રિન્સિપાલ ‘રસ્ટિકેટ’ કરવાનો ઇરાદો રાખે છે. જો એમ થયું તો બાર જ વાગી જવાના. આખી જિંદગાની ધૂળધાણી અને ફનાફાતિયા થવાની. ધીરજરામ! પરમેશ્વર પણ તારા પર રૂઠ્યો છે કે શું? તારા જેવા અદ્વિતીય બૉલર વિના કૉલેજ શીલ્ડ જીતી, પેલી ભાસ્વતીએ દડા નાંખ્યા અને તારી રમતનું વિસ્મરણ કરાવી દીધું – શું કરું? કેવી રીતે અભિલાષ સિદ્ધ કરું, વેર લઉં, ગયેલી પ્રતિષ્ઠા મેળવું અને જગતમાં જેટલું સર્વોત્કૃષ્ટ, અપ્રતિમ હોય તેટલું ભોગવું?’ કુદરતની ગોદમાં ફરતાં સાંત્વના થઈ અને સંક્ષુબ્ધ મન પ્રસન્ન થઈ શૃંખલાબદ્ધ વિચાર ગોઠવવા લાગ્યું. લાગણીઓના ગૂંચવાયેલા તંતુઓ નિરાળા થવા લાગ્યા. નિરાળા થતાં જ તેમનું જોર કમી થવા લાગ્યું. દૂર દૂર ક્ષિતિજમાં આકાશમાં ભળી જતી નદી અને તે સંગમ નિરખતાં વૃક્ષો અને વાદળાંઓ તરફ લાંબી દૃષ્ટિ પ્રેરી, મનઃસ્થિતિ આખી વિશદ થવાથી ત્રાસ સરી પડ્યો હોય અને સ્વાસ્થ્યનો ઉલ્લાસ આવ્યો હોય—અને તે ઉલ્લાસ અસ્ફૂટ સ્વર દ્વારા મૂર્તિમંત થતો હોય તેમ તે ગણગણવા લાગ્યો—ઝીણી ઝીણી સિસોટી વગાડવા લાગ્યો. આખરે ન રહેવાયાથી ઊંચે અવાજે ગાયન લલકારવા માંડ્યું. નદી, વનસ્પતિ કે આકાશ સિવાય કોઈ જેમ એનો મીઠો બુલંદ કંઠ સાંભળે એમ નહોતું તેમ એ ગાયનમાં ગાજતા વિકાર અને વિકારના આવેશમાં કરાતા સંકલ્પોનો પણ કોઈ સાક્ષી નહોતું. કેદ પુરાયેલી વૃત્તિઓને ગાયન ગાવામાં વિસર્જન માર્ગ મળવાથી ધીરજરામ વિશેષ સ્વસ્થ અને પ્રસન્ન થયો. ‘હા હા! કેવી મૂર્ખાઈ!’ એવું મોટેથી બોલી તે ખડખડ હસ્યો. ગાયન, હાસ્ય વગેરે જોનાર હોત તો એને ઉન્મત્ત, ભ્રમિત જ કોઈ ધારત. વળી મનોદશા બદલાઈ. મોઢું ચડી ગયું. હસવાને બદલે અફસોસ કરવા લાગ્યો. ‘અરર! કેવી મોટી ભૂલ, પહેલેથી સૂઝ્યું હોત તો આજે બધું હાથમાં આવી ગયું હોત, આ જમાનામાં સાવજ કરતાં પણ ગધેડાનું ચામડું ઓઢી ફરનારો સાવજ વધારે ફાવે છે. સર્વે સાથે મીઠા સંબંધો રાખ્યા હોત—કેળવ્યા હોત અને પછી મારી ભૂરકીથી ભરમાવી મનમાની મોજ માણી શકત. બસ, ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. હમણાં જ જઈને સાહેબરામની, ભાસ્વતીની, પ્રિન્સિપાલની અને ભૈરવનાથ શેઠ સુદ્ધાંની ખોટી હૃદયદ્રાવકતાથી માફી માગું છું અને સાવધતાથી, કુનેહથી અને દુરંદેશીથી વર્તું કે ભવિષ્યમાં આવી મુશ્કેલીઓ જ પેદા ન થાય. સાહેબરામ છે ભોળો; એને છેતરતાં વાર શી? સીધી વાતમાં એની સાથે ન ફવાય. ‘રિગેટા’માં એની માફી માંગી, પસ્તાવો બતાવી ખુશામત કરી—ગમે તે રીતે સામીલ થઈશ અને ક્રિકેટમાં ખોયેલી કીર્તિ મેળવીશ જ. પણ ભાસ્વતી હાથથી ગઈ. હાલમાં એને છંછેડવામાં સાર નથી, પણ શિકાર વગર જિંદગીમાં લહેજત શી? ભાસ્વતી પર ક્યાં મેખ મારી છે? એ નહીં તે એની બહેન સેના! હા! ઠીક નજરમાં આવી. છે પણ વધારે રૂપાળી અને તંદુરસ્ત. અમરનાથની સાથે મારે ઘણું સારું છે. એ વાંદરાને આજે મેં સીડીએ ચડાવ્યો છે, પણ ઉતારતાં શી વાર? દોસ્તી વધારે ગાઢ કરીશ. ભૈરવનાથ શેઠની પણ પુષ્કળ ખુશામત તથા તહેનાત ઉઠાવીશ, મારો ઉસ્તાદ કંઠ એમની લોકસેવામાં અર્પણ કરીશ. એમની જાહેર પ્રવૃત્તિઓ ઊપડશે એટલી ઉપાડી લઈશ અને સાહેબરામની સાથે મીઠાશ તથા સારપની હરીફાઈ કરી સેનાના વધારે ને વધારે પરિચયમાં આવીશ. કાળ છે, મારી શક્તિ છે અને મારા અભિલાષનું બળ છે—આ ત્રણને શું અશક્ય છે? આ ફાંકડાથી કોણ નહીં મોહે? બસ, બસ, એ જ રસ્તો. તાગ ન આવે એવાં ઊંડા ન થઈએ તો ફાવીએ કેમ?’ વિષયવાસના એટલી પ્રબળ હતી કે બીજી બધી વૃત્તિઓ એમાં શમી ગઈ. આ બળથી પ્રેરાયેલો પાછો બાઇસિકલ પર ચડ્યો અને નદીકાંઠે-કાંઠે થઈને ભૈરવનાથના ‘સેનાનિકેતન’ ભણી ગયો. મિલોના મજૂરોની સારવાર કરી ફરવા જતા ડૉ. છન્નુલાલનો રસ્તામાં ભેટો થયો. ખુશમિજાજ ડૉક્ટરે વાતમાં ને વાતમાં મજાક કરવા માંડી, ‘અલ્યા ધીરુ, બાયડીએ તારું નાક કાપ્યું. તારા જેવા મરદને ભૂલાવી દીધો. રિસાઈ બેઠો હતો તે ડૂબી મર હવે ઢાંકણીમાં પાણી ભરીને.’ સાંભળતાં જ એકદમ ઊછળ્યો. લુચ્ચાઈ વધારે સચોટ થાય માટે સાધુતાનો ધરવા ઇચ્છેલો સોંગ સરી જઈ એની ખરેખરી નગ્નતામાં પ્રગટ થવા જતો હતો ત્યાં અતિશય યત્ને મન કાબૂમાં રાખ્યું અને મજાક કહો કે ટાણો કહો તે પી ગયો. ડૉક્ટરની મજાકને પણ ભુલાવી દે એવી મજાકમાં ઊડ્યો અને ઊલટું પોતાનો હવસ હાંસલ કરવા ડૉક્ટરને પેચમાં લીધો અને સીસામાં ઉતાર્યો.

*

ભાસ્વતીનો હર્ષ હૈયામાં માતો નહોતો. આજે જિંદગી સાર્થક થઈ હતી. નિંદા, ત્રાસ, અપમાનને સ્થાને ધન્યવાદ, મમતા, પ્રતિષ્ઠાની ધારા ચારે મેરથી વર્ષવા માંડી હતી. કૉલેજનું નાક પોતાથી રહ્યું એવા અભિમાનથી ફૂલાતી હતી. સાહેબરામે કરેલા ઉપકારના ઋણમાંથી મુક્ત થવાની નિશ્ચિંતતા અનુભવતી હતી. દુષ્ટ યાતુધાન ધીરજરામને કચરી સદંતર પાયમાલ કરવાની જોગવાઈ આવવાથી વેર લેવાયું એમ માની રાચતી હતી. સેનાનો આનંદ છલકાઈ જતો હતો, પિતાના વિશ્વાસ અને આશાના આસ્પદ પોતાના સમવયસ્ક અને સમબુદ્ધિમંત સખા સાહેબરામનાં વિજય, નિપુણતા, પ્રયોજકશક્તિ, નાયકકલા આદિનું પ્રત્યક્ષ દર્શન કરી તે ખુશ ખુશ થઈ ગઈ હતી. પોતે કાંઈ વીરપરાક્રમ ન કર્યું હોય એવા ઉલ્લાસથી એનું લોહી ધબકતું હતું. બચપણની ગોઠિયણ ભાસ્વતીની વિજયસિદ્ધિથી પણ એટલો જ આનંદ એને થતો હતો. બીજાને આનંદે એ આનંદી અને સુખી થતી. પોતાના સામંતના ગુણોએ બતાવેલા પાણીથી ભૈરવનાથ શેઠને ઓછી ખુશાલી નહોતી થઈ. જિંદગીમાં આવો પ્રસન્ન ઉત્સાહભર્યો ઉલ્લાસ એમણે માણ્યો નહોતો. ‘સાહેબરામ! સંકલ્પાએ કહેવડાવ્યું છે કે તમે ખસુસ જીતવાના છો. મારે ત્યાં ગળ્યું મોં કરી તમારી વિજયસવારી ઘેર પધારશે તો તમારો પાડ જિંદગીભર નહીં ભૂલું.’ આવો સંદેશો બાલકરામે પહોંચાડ્યો અને સાહેબરામે સ્વીકાર્યો. સાહેબરામને હજુ મહેમાનોની સરભરા કરવાની હોવાથી એ અને બાલકરામ રોકાયા. શેઠ અને સેના ભાસ્વતીને એના નિવાસે ઉતારતાં ગયાં. ઘરમાં પ્રવેશતાં જ એનો નાનો ભત્રીજો દોડતો આવ્યો. ‘ફોઈબા! તમે તો જીત્યાં; તમે તો જીત્યાં‘ એમ બોલતો બોલતો વળગી પડ્યો. ભાસ્વતીએ તેને ઊંચકી તેના કપાળ પર બોકી લીધી. છોકરો ફોઈને ગળે વળગી પડ્યો. ફોઈ ભત્રીજાએ એકમેકને ખૂબ વહાલ કર્યું. હાથ છોડી કંઠેથી સરી પડ્યો. પણ એવામાં યાદ આવ્યું હોય તેમ પાછો ફરી વિનીત ભાવે બોલ્યો, ‘ફોઈબા! તમે પ્રાર્થના કરી?‘ ‘ના ભાઈ! કૉલેજમાંથી પરભારી ચાલી આવું છું.’ ‘તમે જીત્યાં માટે પ્રભુને ઉપકાર માનવા પ્રાર્થના ક્યારે કરશો?’ ‘હમણાં જ, ભાઈ. કપડાં બદલી હાથપગ ધોઈ લેવા, દે.’ ભાસ્વતી ભત્રીજાની આંગળી પકડી પોતાના ખંડમાં ગઈ અને બહારનો મેલ તથા થાક ઉતાર્યા પછી ફોઈ–ભત્રીજો પ્રાર્થના કરવા મંડ્યાં. પ્રાર્થના કરતાં ભાસ્વતીનો ઉલ્લાસ મરી ગયો. અનેક વૃત્તિઓ પાપમય લાગી. પાપનું ભાન થતાં જ શોધન કરી વિશુદ્ધ સાત્ત્વિક વૃત્તિઓનું જ સેવન કરવાનું અને અધમનો નાશ કરવાનું બળ પ્રાર્થ્યું. પ્રાર્થનામાં લગભગ પોણો કલાક વ્યતીત થઈ ગયો. પાંચેક મિનિટ પ્રાર્થના કર્યા પછી ફોઈ ઊંઘી ગયાં કે શું એવું લાગવાથી બાળક એના રમવાના ઘોડા પર ચડી રમવા લાગ્યો. વૃત્તિનો નિરોધ થયો અને શરણની શાંતિ આવી એટલે ભાસ્વતી ટટાર થઈ નિમિષને જોવા લાગી તો તે એની નિર્દોષ બાળચેષ્ટામાં મશગુલ હતો. પાપના ગર્તમાં પડતી પોતાને બચાવવા માટે તેના ભક્તહૃદયનો પાડ માનતી ઇગ્લિંશમાં ઇશસ્તવન ગાતી ગાતી પોતાની માતા પાસે ગઈ. રાત્રે સૂતાં સૂતાં પ્રાર્થ્યું : ‘પ્રભો! ધીરજરામને સુબુદ્ધિ આપો. એને વિપથે જતાં બચાવો.’

[૧૧]

મહેમાનો હારથી તદ્દન વિષણ્ણ ન થઈ જાય માટે મિજબાની, જલસો આદિથી સરભરા કરવાની વ્યવસ્થા કરી સાહેબરામ બાલકરામની સાથે નીકળ્યો. ‘બાલક! આજના વિજયમાં ધીરજરામ ભાગીઓ થયો હોત તો કેવું સારું! રમત સારી ખેલાઈ હતી પણ એની બૉલિંગનો બહાર જુદો જ હતો.’ ‘સાહેબરામ! સ્વાભાવિક રીતે આપણને સૌને એનું દુર્ભાગ્ય સાલવું જોઈએ. પણ એની હરામખોરી માટે એને સજા નહોતી થવી જોઈતી? ઈશ્વરની પણ ગહન ઘટના છે. ભાસ્વતીએ કેવો રંગ રાખ્યો! સેનાબહેન હોય નહીં અને ભાસ્વતીને પાનો ચડે નહીં. જંગમાં ઊતરવાને સેનાબહેનના હાથ બહુ ચળવળતા હતા.’ આમ આડી તેડી વાતો કરતા કરતા બાલકરામના આંગણામાં જઈ પહોંચ્યા. ગાડીનો ખખડાટ પોતાના જ દ્વારા આગળ અટકવાથી સંકલ્પકિશોરી મહેમાનોને ઓળખી ગઈ અને સ્વાગત માટે સામી ચાલી આવી. સાહેબરામના ગળામાં સુગંધી ફૂલોનો હાર પહેરાવ્યો. સાથે બે જણ આવેલા છતાં સ્વાગત એકનું જ થયું એ જોઈ સાહેબરામ બાલકરામના સ્વાગતની ચિંતામાં પડ્યો. ત્રણે જણ આગલા ખંડમાં ખુરશીઓ પર બેઠાં છતાં સંકલ્પકિશોરીએ બાલકરામનું સ્વાગત ન કર્યું ત્યારે તેને ઠપકો દેવા સાહેબરામ જતો હતો ત્યાં પતિ પત્નીની આંખોમાં અજબ પ્રકાશ જોઈ ખચક્યો. વૃત્તિ પણ પલટાઈ ગઈ. ‘સંકલ્પભાભી! તમે જબરાં જાદુગર લાગો છો, બાલકરામની આંખમાં કેવા આંજણની ભૂરકી નાંખી કે આજ સારો દિવસ – એની કૉલેજ ઢાલ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થઈ ત્યારના મંગલ અને પુણ્ય પ્રસંગે પણ જે તેજ એની આંખમાં નહોતું તે તમને જોતાં જ પ્રગટી આવ્યું.’ આ સાંભળતાં જ સંકલ્પકિશોરી હસી પડી. ‘દંપતીજીવનનાં એ રહસ્યો અધિકાર પ્રાપ્ત થાય ત્યારે આપોઆપ સમજાય છે.’ ‘સાહેબરામ પણ અધિકારી છે એટલું જ નહીં, ઋતંભરા પ્રજ્ઞાથી સંપન્ન છે એટલું વિસરી મા જતી. મૅચના સવિસ્તર સમાચાર સાંભળ્યા?’ ‘સ્વામી વિષય બદલે ત્યારે પતિવ્રતાએ પણ અનુકૂળ વર્તન કરવું જોઈએ; ફળિયાના છોકરાઓ પાસેથી ઘણી હકીકત સાંભળી છે. આજે સાહેબરામ, તમારો ગર્વાનંદનો દિવસ છે તેવો અમારે પણ છે.’ ‘હોવો જ જોઈએ. ભાસ્વતી સ્ત્રી જાત છે ને પાછી તમારા પંથની. મશ્કરી નથી કરતો પણ ખરાં દિલથી કહું છું કે આપણા ગુજરાતની સુન્દરીઓના ઉન્નતિક્રમણના ઇતિહાસમાં પહેલવહેલાં આ મૅચ સોનાના પટાથી અંકાશે. આપણા ઇલાકામાં ગુજરાતીઓ પહેલવહેલા આ ઢાલ જીત્યા છે; ભાસ્વતી હોય નહીં ને આ મૅચ જિતાય નહીં.’ ‘પણ તમે ક્યાં કાચા રમનાર છો. ખરું પાણી તો તમે બતાવ્યું છે. જ્યાં ત્યાં તમારી તારીફ થતી સાંભળી છે. તમારી હીટો પર આખું શહેર કુરબાન થઈ ગયું છે.’ પહેલે દિવસે સામવાળાની હીટો ક્યાં ઓછી હતી? ભાસ્વતીની બૉલિંગ વગર આપણે હારત, પણ કદાચ.’ ‘ના, ના, વિજયનાં મુખ્ય કારણ તમારો કૉલેજનો કીર્તિધ્વજ ફરકાવવાની અભિલાષાનો જુસ્સો, અને દુષ્ટ ધીરજરામને બતાવી આપવા—‘ ‘અન્યાય કરો મા ભાભી! ધીરજરામની દુષ્ટતા માટે મેં એને રમવા ન લીધો બાકી કોઈ પણ જાતની સરસાઈ વૈરવૃત્તિથી બતાવવા ક્ષણ પણ વિકાર ઊઠ્યો નથી.’ ‘કેવું કૂણું અને સાત્વિક હૃદય છે,’ એવી લાગણી દંપતીને થઈ. ‘ચૂકી, ખરેખર ચૂકી. તમારો સ્વભાવ જાણતી હોવા છતાં કેમ ચૂકી? સ્વગત બોલતી હોય તેમ અસ્ફૂટ શબ્દ ઉદ્ગારતી સંકલ્પકિશોરી અફસોસ કરવા લાગી. ‘ભાભી! આ વર્ષે ઢાલ જીતવાની પૂરેપૂરી ખાતરી જ હતી. આ વર્ષે ન જિતાય તો બીજે કયે વર્ષે જિતાય? કેટલા મહિનાથી અમે તૈયારી કરી રાખી હતી? પણ છેવટે ધીરજરામ વગેરે કુશળ ક્રીડાકારો ખરી પડ્યા અને સુઘટિત સંકલના તૂટી ગઈ.’ ‘પણ એવી આફતોથી મુંઝાઓ એવા ક્યાં છો? તમે એક ફેરા સંકલ્પ કર્યો તે પાર પાડવાના જ.’ જ્યારે જ્યારે સાહેબરામ અને સંકલ્પકિશોરી મળતાં ત્યારે ત્યારે બાલકરામ શાંત શ્રોતા થઈ જતો. સાહેબરામનું હૃદય પારખવામાં પોતાની પત્નીની નિપુણતા જોતાં તેને અજાયબીનો આનંદ થતો. નિકટ સહવાસ છતાં જે વસ્તુસ્થિતિ પોતે પામી ન શકતો તે સંકલ્પકિશોરીને સહેજોપલબ્ધ થતી જોઈ તેનો ગર્વાનંદ છલકાઈ જતો. ‘અલબત્ત! ધાર્યું સિદ્ધ કરવાનો જ. રમનારાઓ જતા રહેવાથી નહીં પણ આવી રમતમાં તેઓ સામીલ ન થઈ શક્યા માટે મારું દિલ બળતું હતું. બીજી પાસથી ભાસ્વતી માથે ગુજરેલા સિતમથી મન વિહ્વળ થઈ ગયું હતું. જંગમાં લડાઈનો પાનો ચડતો, ચડતો અને ઓસરી જતો. કારણ એકાગ્રતા નહોતી. પણ ભાસ્વતી રમવા આવી એટલે અલૌકિક શુરાતન છૂટ્યું. મનની વિહ્વળતા શમી ગઈ અને એના શાળભિમાને મારા અભિમાનને સતેજ રાખ્યું.’ જેટલા વહાલથી, ઉમળકાથી, મગરૂરીથી બહેન ભાઈની વાત સાંભળે તેવી જ રીતે સંકલ્પકિશોરી સાહેબરામની આત્મકથા સાંભળતી હતી. બન્નેને વિનોદની ગમ્મત માણવાની જબરી ટેવ હતી. ગંભીર વાતમાં ટીખળ કરવું એમાંથી એ ટેવ તૈયાર થઈ. ‘તમે તે સાધુ કે દંભી? અંગ્રેજીમાં મગરનાં આંસુ સારવાનું કહે છે તેવું કરો છો.’ ‘હા, ભાભી. તમારો સવાલ ખોટો નથી. પણ મારા હૃદયમાં જે તુમુલ તોફાન જામ્યું હતું—જામેલું છે કારણ કે હજુ પણ તદ્દન શાંત નથી પડ્યું તેનો સાક્ષી ઈશ્વર છે. આપણા સમોવડિયા, કૉલેજની કીર્તિ ઝળહળવામાં પોતાનું સર્વસ્વ આપનારાઓ આવા વિકટ જંગ અને તેના ફળ વિજયના સહભોગમાંથી નિષ્કાસિત થયેલા જોવાથી વ્યથિત થતું ગોઠિયાપણું અને બીજી તરફ એક સ્ત્રીને દુષ્ટ રીતે હેરાન કરવાની અધમતાને શાસન કરવાની નીતિન્યાયવૃત્તિ—એ બંને વચ્ચે એવી રસાકસી ચાલી છે કે અનુભવ વગર સમજાય એવું નથી.’ હૃદયમાં થતી વ્યથા ઉદ્ગારમાં, અંગોના સંચલનમાં પ્રતીત થવા છતાં સંકલ્પકિશોરીએ વધારે છંછેડાટ કરી. ‘તમે કાંઈ ઈશ્વર છો કે દુષ્ટને શાસન કરવા પ્રવૃત્ત થયા?’ ‘હું ઈશ્વર નહીં હોઉં તોપણ તેનો અંશ છું. શાસન કરવાનો અધિકાર છે. તેનો દુરુપયોગ કરીશ એટલે તરત જ મારું ઈશ્વરત્વ ખંડિત થશે.’ ‘સવાર થશે તોપણ તમારી ચર્ચા પૂરી થશે નહીં. સંજીવનીભાભી જાણશે તો આપણને ઠપકો આપશે. માટે ગળ્યું મોં કરાવવું હોય તો કરાવો.’ પતિના શબ્દો સાંભળતાં જ સંકલ્પકિશોરી ઊઠી અને હસતે વદને બીજા ખંડમાં ગઈ. સંજીવનીનું નામ સાંભળતાં સાહેબરામને પોતાના અને મિત્રના જીવનનો અંતર સ્પષ્ટ થયો. એવામાં બાલકરામે શાંતિ ઉરાડી, ‘ગળામાં ગુલાબ છે તે કઈ વાડીનાં છે?’ ‘પોલીસખાતામાં નોકરી કરવી પડશે તો એ વિદ્યા શીખીશ. અત્યારે તો નથી આવડતી.’ ‘અમારી અગાસીમાંના રોપા તો જોયા છે કે નહી?’ ‘હમણાં જ પખવાડિયા ઉપર આપણે ત્રણ જણાં પતંગ ઉરાડવા ચડ્યાં હતાં અને સંકલ્પકિશોરીએ તારો પતંગ કાપ્યો હતો તે વખતે તારી ફૂલવાડી જોઈ હતી.’ ‘ત્યાર પછી આપણે ત્યાં નથી જ ગયા. સંકલ્પાનો બગીચો ફૂલ્યો છે. કૂંડામાં વાવેલા જાતજાતના ફૂલના રોપથી મનની ફૂલવાડી બની છે. તમારા હારમાંનાં ગુલાબ એના ઊછેરેલા છોડનાં છે.’ એવામાં સંકલ્પકિશોરી ઉપાહાર લઈને આવી. નાની નાની ટીપાઈ પર તે ગોઠવ્યો અને તેનું આસ્વાદ લેવા પતિમિત્ર અને પતિને વિનંતિ કરી. ‘ભાભી! તમને કેટલી શાબાશી આપું? જ્યારે જ્યારે તમારે ત્યાં આવ્યો છું—ઘણુંખરું હંમેશ આવું છું—ત્યારે ત્યારે આખા ઘરની વ્યવસ્થા, સ્વચ્છતા, આરામ એવાં દિલપઝીર હોય છે, તમારી રસોઈ એવી સ્વાદિષ્ટ હોય છે કે શા શબ્દોમાં આ બધી આવડતનાં વખાણ કરું? ઘણી ભણેલી સ્ત્રીઓનાં ઘર મેં જોયાં છે. એમનું એદીપણું બતાવતી હોય તેમ જાજમ પર, ખુરશી પર અને ટેબલ પર પડી પડી ધૂળે મારાં કપડાં મેલાં કર્યાં છે. ઘણાં કહેવાતાં સુધરેલાં કુટુંબોમાં ગયો છું પણ કપડાંની ટાપટીપ સિવાયની બીજી ગૃહ્ય વ્યવસ્થા જોઈ નથી. મેં તમારા જીવનનું બારીક નિરીક્ષણ કર્યું છે. નિયમિતતા, મહેનતાણું અને હોંશનો આગ્રહ એ તમારા જીવનના મંત્ર છે.’ ‘મારાં વખાણ સાંભળવા નોતર્યા નથી. પણ તમારા વિજયથી થયેલા આનંદનો લહાવો લેવા. આ ઘરમાં તમને જેટલું રુચતું હોય તેટલું માન મારા રામને ઘટે છે. શાબાશી આપવી હોય તો એમને આપો.’ આમ વિનોદ આલાપ કરતાં ઉપાહાર લેવાયો. પ્રસન્નચિત્તે આભાર અને આનંદની લાગણી દર્શાવી સાહેબરામ ઘેર જવા ઊભો થયો. ‘જેવી વિજયસિદ્ધિ આજે થઈ તેવી ભવિષ્યમાં ગુજરાતને દુનિયામાં આગળ પાડવાની તમારી પ્રવૃત્તિને મળો.’ ‘ભાભી! તમારો આશીર્વાદ પ્રભુ સફળ કરે! માતાઓના અભિલાષ અભિલાષ નથી રહેતા.’ સાહેબરામના ગયા પછી બાલકરામે રસની સુકુમારતાથી લડવૈયાના ઉત્સાહથી અને પરાક્રમના ઉન્માદથી સારા દિવસનો વૃત્તાંત અથેતિ વર્ણવ્યો. શાળામાં નિયમિત ઉચ્ચ શિક્ષણ લેવાનો અવસર સંકલ્પકિશોરીને નહોતો મળ્યો છતાં વાંચનથી તેમ જ પતિ અને તેના મિત્રો સાથે દરેક વાતમાં રસથી ભાગ લઈ તેણે પોતાનું જ્ઞાન વધાર્યું હતું. બાલકરામને એવી રસિક આદત હતી કે રાત્રે સૂતા અગાઉ પત્ની પાસે આખા દિવસમાં બનેલા પ્રસંગો તપસીલવાર વર્ણવી જાય. આથી સંકલ્પકિશોરીની માહિતી વધી હતી, વર્તમાનપત્રો, ક્રમિકપત્રો અને પુસ્તકોના વાંચનથી આવી માહિતી તે વધારતી. બાલકરામના જેટલા ખાસ દોસ્તો આવતા તેટલા તેના એકલાનો નહીં પણ તેની સંસ્કારી પત્નીનો સહવાસ લઈ શકતા. આવા પ્રસંગો પર વિનય, વિવેક, સહૃદયતા, માધુર્ય અને પ્રેરણાથી સંમેલનનું વાતાવરણ તે ભરી દેતી, ગમે તેવો પ્રચંડ બુદ્ધિવાળો દોસ્ત આવ્યો હોય—ગમે તેવી ગંભીર લાગણીવાળો આવ્યો હોય તોપણ તે સર્વેની વાતમાં એવો સરળ ભાગ લેતી કે તેમને સહેજ પણ ક્ષોભ થતો નહીં અથવા તેમને એની ઉપેક્ષા કરવી પડતી નહિ. મહેમાનોના ગયા પછી જે હકીકત ન સમજાઈ હોય તે પતિને પૂછી પોતાની ઊણપ પૂરી દેતી. સાહેબરામ ઘણુંખરું વાંચવા બાલકરામને ત્યાં આવતો. તેમને વાંચનનો થાક ચડ્યો હોય ત્યારે પોતાનું સીવવાનું કે ભરવા-ગૂંથવાનું લઈ તેમની નિકટ જઈ બેસતી અને તેમના વાંચન વિષે ચર્ચા ચલાવી પોતાનું જ્ઞાન વધારતી અને તેમને તાજા બનાવતી. કેટલીકવાર પોતાનો મધુર કંઠ ખોલી તેમને અવનવી સૃષ્ટિમાં લઈ જતી. આજકાલ જિંદગીના લહાવો માણવાની ભાવના પલટાતી જાય છે. મલાજો કાઢી નાંખી સ્ત્રીપુરુષો અન્યોન્યના સહવાસમાં વિશેષ ને વિશેષ આવવા ઉત્કંઠિત હોય છે. વ્યવહારના અને લાગણીના સાધારણ પ્રસંગોમાં મળતાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે કોઈ જાતનું અંતર જણાતું નથી. પણ કેળવણી અને સંસ્કારિતાથી સ્ત્રીઓ પુરુષ જેટલી સંપન્ન ન હોવાથી બુદ્ધિના અને બુદ્ધિથી રંગાયેલા વ્યવહાર લાગણીના પ્રસંગે વાતચીતથી પુરુષોને સંતોષ આપી શકતી નથી. ઘણી વાર તો આલાપિત વિષયનું સ્વરૂપ જ સમજાતું નથી, આવે વખતે શાંત રહેવાનું શાણપણ કેટલીક સ્ત્રીઓ બતાવે છે. જાતે મેળવેલી સ્વતંત્રતા કરતાં અન્યે મહાનુભાવથી આપેલી સ્વતંત્રતા અતંત્રતા થવાનો અનુભવ પતિના મિત્રોના સહવાસમાં આવેલી અસંસ્કારી સ્ત્રીઓ ઘણી વાર કરાવે છે. સાહેબરામને આવા કડવા અનુભવ ઘણા થયા હતા. પૂર ઉત્સાહમાં હોય ત્યારે એવી વક્રોક્તિ કે દોષારોપણનું ઉચ્ચારણ એકાદ સ્ત્રીનાથી થતું અને ઘણીવાર તેની ઉષ્મા ઠંડી પડી જતી. ઠોકર ખાતાં આવી સ્થિતિમાં સૌજન્ય સાચવી પોતાની લાગણીનું પૂર કેવું વહેવડાવવું અથવા બુદ્ધિની લીલા કેવી રીતે ખેલવી તે તે શીખ્યો હતો. સેના અને સંકલ્પકિશોરીના નિરંતરના સહવાસથી પોતાનાં સ્ત્રીમિત્રો પાસેથી જેવા પ્રકારની સંસ્કારિતાની તે અપેક્ષા રાખતો તેવી સર્વત્ર ન મળવાથી હજુ પણ ઘણી વાર તે નિરુત્સાહ થઈ કચવાતો—બહુ કચવાતો ત્યારે કેટલીક વાર બાલકરામને ત્યાં ચાલ્યો જતો અને સંકલ્પકિશોરી સાથે વાતોથી, રમતથી, અથવા સંગીતથી નિસ્તેજ થયેલો તેજસ્વી થતો. બાલકરામ એટલો બધો સ્ત્રીવત્સલ હતો કે ઘણુંખરું ઘરમાં જ હોય અથવા બહાર ગયો હોય તો સાથે પત્નીને લઈને. સાહેબરામના આગ્રહથી કહો કે જોહુકમીથી એણે થોડીક મરદાની રમતોમાં ભાગ લેવા માંડ્યો હતો. બાકી ઘરમાં રમાય એવી અનેક રમતોમાં એણે સારી ઉસ્તાદી મેળવી હતી. મનની મોજ આવે ત્યારે દંપતી પુષ્કળ વેળા અગાસીમાં ચઢી પતંગ ચડાવતાં, શેતરંજ ખેલતાં, ગંજીફાના તરેહતરેહના દાવ ખેલતાં, ગાયનવાદન કરતાં અથવા નૃત્ય નાચતાં. દિનચર્યાનો ઇતિહાસ સાંભળ્યા પછી પોતાના નગરમાં બનેલા અપૂર્વ બનાવથી સંકલ્પકિશોરીનાં રોમાંચ એટલાં બધાં હર્ષથી ઊભાં થઈ ગયાં કે પતિના ખોળામાંથી માથું ઊંચકી બેઠી થઈ. ‘વહાલા! લાગણીઓ એટલા જોશમાં ઉભરાય છે કે તેમને વહેવા માર્ગ નહીં મળે તો મુંઝાઈશ.’ ‘સિતાર લઈ ગાઓ બજાવો. લાગણીઓને વહેવાનું એથી વધારે યોગ્ય સાધન કયું છે?’ ‘જેવી આપની ઇચ્છા—કે આજ્ઞા કહું?’ આંખમાં, હોઠ પર અને સમગ્ર આનનમાં તોફાન કરતી ઊઠી અને પતિને પણ હાથ પકડી ઊભો કર્યો. હાથથી અન્યોન્યનો કંઠાશ્લેષ કરી દંપતી માળ પર ગયાં અને સંકલ્પકિશોરીએ સિતાર સજ્જ કરી વગાડવા માંડ્યું. બાલકરામે નરઘાં–તબલાં પર હાથ ફેરવવા માંડ્યો. બન્ને બરાબર તાનમાં આવી ગયાં. ‘કેમ આજ કંઠની મીઠાશ બહાર કાઢવી જ નથી. ને?’ ‘વેશ્યામાં મારે ખપવું નથી. પાડોશીઓ મને ટૂંપી ખાય.’ ‘સુધારાવાળાઓમાં એટલું બધું આત્મબળ અને પ્રભુ પરની શ્રદ્ધાથી વિપત્તિઓ સહન કરી લક્ષ્ય પ્રાપ્ત કરવાની ઉજમાળી આશા હોય છે કે તેઓ લોકનિંદા કે ત્રાસથી ડરતા નથી. તમારું નામ જ સંકલ્પ. તો પછી તમારી સંકલ્પની સિદ્ધિને અંતરાયથી અટકવાનું હોય?‘ ‘કાયરને શુરાતન ચડાવે એવા વચનથી પાનો ચડે છે પણ હેત તેને ઉતારી દે છે. વહાલા! આજ તમે નહીં ગાઓ?’ ‘સાહેબરામ કે ધીરજરામ જેવો હું સારો ગવૈયો નથી.’ ‘ભલે નહી હોં! આપણું જીવન સંગીતના સંવાદ જેવું હોય તો મારા વાદનને અનુરૂપ તમારું ગાયન નીકળ્યા વિના રહેવાનું જ નથી. ભલા! આજ ગાઓ! આ સખીના શુકન ખાતર.’ બાલકરામે ગાવા માંડ્યું. બે–ત્રણ ચીજો ગવાતાં દંપતી એવા તાનમાં આવી ગયાં કે ઊભાં થઈ નૃત્ય કરવા લાગ્યાં. ત્રણેક જાતના અંગ્રેજી નાચ નાચ્યાં. બાલકરામને નાચનો બહુ જ શોખ હતો. નાનપણથી તેણે ઉસ્તાદ ગવૈયાની જેટલી મિજલસોમાં હાજરી આપી હશે તેથી વધારે હાજરી નાચમુજરામાં આપી હશે. પણ સંકલ્પકિશોરી જેવી સુધારિકા સાથે લગ્ન થવાથી એને ગણિકા નૃત્ય તરફ તિરસ્કાર થયો—તિરસ્કાર થયો પણ નૃત્ય પરની પ્રીતિ લગીર પણ મોળી પડી નહિ. આથી એણે સતત મહેનત લઈ પત્નીને નૃત્ય શીખવ્યું. એટલા બધા નાચ જોયા હતા એને તેમની ચર્ચા – તપસીલથી અને સિદ્ધાંતથી કરી હતી કે ઘણા નાચો એને નાચતાં નહિ પણ શીખવવા જેટલા તો આવડતા હતા. શિક્ષણમાં વળી ઓર મજા પડી. એકલી સંકલ્પકિશોરી શા માટે નાચે? બાલકરામ પણ નાચતાં શીખ્યો. દંપતીને સાથે નાચવા(દેશી ઉપરાંત) ઘણાં વિદેશી નૃત્યો શીખવાં પડ્યાં. જ્યારે જ્યારે આનંદના શિખરે પહોંચતાં ત્યારે ત્યારે તેઓ આ સંસ્કારી ક્રીડા ખેલતાં, ફક્ત એમના સિવાય એ ક્રીડા નિહાળવા સાહેબરામ એક વખત ભાગ્યશાળી થયો હતો. બન્ને વિદગ્ધ, સંસ્કારી અને વ્યુત્પન્ન હોવાથી નૃત્યકલા ખીલવવા પ્રયાસ કરતાં દેશી નૃત્યનાં ખૂબીદોષ જેવાં પારખતાં તેવાં જ યુરોપીય નૃત્યનાં પણ તપાસતાં. ખૂબી વિશેષ કેમ દીપી નીકળે અને દોષ કેમ ઓછા થાય એવા હેતુથી અનેક અજમાયશો પણ કરતાં. દેશીવિદેશી નૃત્યની કલાને સંલીન કરી નૃત્યનું કોઈ અભિનવ રૂપ પ્રગટાવતાં. આ પ્રયોગમાં સિદ્ધિ મળતી તેમ પરાજય પણ થતો. કેટલીક વાર હાસ્યજનક સ્થિતિ પણ જન્મતી. આવે વખતે તેમની ખુશનુમા તબિયત ઓર જ લહેરમાં ઊડતી. ગાયન કે વાદન વિના નૃત્ય વિસંવાદી લાગતું ત્યારે સંકલ્પકિશોરીના નૃત્યની સાથે બાલકરામનું વાદન સંવાદ જમાવતું. અંગોની લયબદ્ધ ગતિથી ભાવને, ઉત્સાહને કે આતશી આવેશને સંકલ્પકિશોરી એવી મનોરંજન રીતે મૂર્તિમંત કરતી કે વાદ્ય પર બાલકરામનો હાથ સ્તંભી અને સૌંદર્યના આવિર્ભાવને પીવામાં તે લીન થઈ જતો. પુરાયેલી લાગણીઓનું પૂર હજુ ઠલવાઈ રહ્યું નહોતું. સંકલ્પકિશોરીએ એકલાં નૃત્ય કરવા માંડ્યું અને બાલકરામે વીણા લીધી. વિદ્યાવિલાસિની અને વિનેચટની હરીફાઈ જેવી સ્પર્ધા ચાલી. પવનની મંદ સુરખી ફરકે ને પાંદડાં ભમરાની માફક દૂર ઊડે, પાછાં આવે, ઝાડનાં પાંદડાં સુરખીથી આછેરાં હાલે નમે, વહી જતી સુરખીના ગાનથી ખેતરની વનસ્પતિ નીચી વળી મૂર્છિત થાય, સમુદ્રના જલમાં ઊર્મિપરંપરા જાગે એવા પ્રકૃતિના રાસ જેવું લાસ્ય તેનાં અંગ નાચતાં. નાચમાં પગ જ હાલતા નહિ પણ સર્પ જેવા ઊર્મિલ હાથ, લાલિત્યના સૌકુમાર્યથી સ્થિત સુંદર માથું, શુક્રને ઝાંખા પાડે એવાં મધુર શીતલ નયનો, વીચિ જેવી ધબકતી સુઘટિત માંસલ છાતી તેના આત્મામાં આંદોલિત થતા સંક્ષોભોથી સંક્ષુબ્ધ થઈ એવી ગતિમાં આવતાં કે ગતિનું કોઈ અપૂર્વ કવિત્વ ખીલી નીકળતું. બાલકરામના વાદનના સહવાસમાં કવિત્વ જાજ્વલ્ય થતું અને કવિત્વના સહવાસમાં વાદન જાજ્વલ્ય થતું. આખું સાવિત્રીચરિત્ર સંકલ્પકિશોરી નૃત્યથી અભિનીત કરતી. આજે એ જ નૃત્ય અંગો નાચવા મંડ્યાં. યમ પાસેથી પતિનો આત્મા મેળવવા પ્રાર્થતી સાવિત્રી ગતિના કવિત્વે એવી અનુપમ રીતે ઇંદ્રિયગોચર કરી કે બાલકરામ સૌંદર્યદર્શનમાંથી સ્નેહના ઊમળકામાં સંક્રાન્ત થયો. વીણા મૂકી દીધી અને ‘યમસદનમાંથી આ પાછો આવ્યો તારો સત્યવાન,’ કહી કાન્તાને આશ્લેષી પડ્યો. બંનેની લાગણીનું પૂર આશ્લેષ દ્વારા પરિવર્ત્યું. પણ કાન્ત-કાન્તાના આશ્લેષમાત્રમાં કદી લાગણીઓ શાંત થઈ છે? જેનાં પ્રેર્યા આલિંગનબદ્ધ થાય છે તે નરમ પડી નથી ત્યાં તો આશ્લેષથી નવી લાગણીઓ જન્મે છે. જૂનો અનુભવ આજ દંપતીને પાછો તાજો થયો. નિદ્રાએ પોતાની પાંખ પાથરી ત્યાં લગી એ અનુભવમાં મહાલ્યા કર્યું.

[૧૨]

બાલકરામને ત્યાંથી ઘેર જતાં સાહેબરામને રસ્તામાં પ્રણયરાજ મળ્યો. તેણે શાબાશીથી અભિનંદ્યો અને પોતાની કવિતાઓ વંચાવા આમંત્રણ કર્યું. ઘર આગળ પહોંચ્યો ત્યાં આંગણામાં ગરબા ગવાતા સાંભળ્યા. જરા અજાયબ થયો. સંજીવની પડોશની કુમારિકાઓ પાસે રાસડો ઝીલાવતી હતી. શેરીનાં બાળગોપાળ સૌ ત્યાં એકઠાં થયાં હતાં અને પતાસાં ખાતાં હતાં કે સવારે ચામાં ખાવા હાથમાં રાખી પરસેવાને ચાસણીદાર બનાવતાં હતાં. મેડી પર જઈ કપડાં ઉતાર્યાં. સંજીવનીએ તેને જોયો હતો પણ ગાવામાં એટલી બધી લીન થઈ ગઈ હતી કે રાસડો પૂરો કર્યા વિના ઘરમાં ગઈ નહીં. સાહેબરામ પત્નીની રાહ ન જોતાં નોકર પાસે પાણી કઢાવી નાહી રસોડામાં ગયો ત્યાં પત્ની આવી. બન્ને જમવા બેઠાં. ‘તમારી જીતની વધામણીમાં મેં ગરબા ગવડાવ્યા અને પતાસાં લાહ્યાં, જમવાનું પણ મિષ્ટાન્ન રાંધ્યું છે.’ ‘આથી આજના મારા આનંદમાં વધારે આનંદ ઉમેરાયો. તમારું રૂસણું ઊતરી ગયું એથી રૂડું શું? કૉલેજમાં ઢાલ જીતવામાં ખરી ફતેહ નથી મળી પણ તમારું રૂસણું સરકાવવામાં મળી છે એમ મારે માનવું પડશે.’ ‘તમે જીતો ત્યારે અમને આનંદ ન થાય તો કોને થાય? જ્યાં ને ત્યાં તમારી વાહવાહ બોલાતી સાંભળી હૈયાનો વેગ છાતીમાં માતો નથી. મારી બા પણ એવી રાજી થઈ કે મંદિરે ભેટ મૂકી આવી.’ ‘પછી તમારે જાત્રાએ જવાનું શું થયું?’ ‘દસ પંદર દહાડામાં બધી તૈયારીઓ થશે. ચંચળ શેઠાણી પણ આવવાનાં છે. સેનાભાભી આવે તો છોકરા-વહુને સાથે જાત્રા કરાવવાનો એમને કોડ છે. મારી ગેરહાજરીમાં તમને કશી વાતની અડચણ ન પડે એવો ઘરમાં મેં બંદોબસ્ત કરવા માંડ્યો છે.’ રખેને જવાળામુખી ફાટશે અને અંદરથી બળતા પથ્થર ઊડશે એવી દહેશતથી સાહેબરામ જરા કંપ્યો; પણ જ્વાળાઓ ફાટી નીકળી નહીં એટલે પ્રભુનો પાડ માન્યો. જમી ઉપર જઈ સાહેબરામ નિત્યનિયમ પ્રમાણે પત્રો તથા રોજનીશી લખવા બેઠો. સંજીવની પરવારી આવી હીંચકે બેઠી. દોરાનો રૂમાલ ગૂંથતી જતી હતી અને શેરીના, નાતના, મંદિરના અને વખતે શહેરના સમાચાર ખરા કે ગપગોળા વર્ણવી જતી હતી. ‘મારી વાતમાં તમને બહુ રસ પડતો જણાતો નથી. લખ્યા જ જાઓ છો. સ્વસ્થ થઈને વાત કરવી છે?’ ‘રસથી સાંભળું છું. ફક્ત આ કામ હંમેશનું હોવા છતાં જરૂરી છે અને રોજ રાતે એ કર્યા વિના હું સૂતો નથી.’ ‘અત્યારે તમારા દોસ્તદાર ભાઈબંધ આવ્યા હોત તો લખવા બેસત કે વાતો કરવા? મને ઊંઘ હમણાં આવશે. પછી નિરાંતે સવારોસવાર લગી લખ્યા કરજો ને.’ ‘ઓછું લગાડશો મા. આજે આખો દિવસ એક પગે રહ્યો છું. વહેલા આરામ લેવા ઇચ્છા છે માટે જલદી આ પતાવી લેવું છે. સૂતાં સૂતાં તમારી વાતો સાંભળીશ અને એવા રસથી સાંભળીશ કે તમારી વાતો ખૂટશે પણ મારો રસ નહીં ખૂટે.’ આમ બોલી પાછો લખવા મંડ્યો. એવામાં ઓટલા પરનું કમાડ ખખડ્યું. સંજીવનીએ બારીએ જઈ પૂછ્યું : ‘કોણ છે?’ ‘સાહેબરામ છે? હું ધીરજરામ છું.’ અજાયબ થયો છતાં વિવેકમાં નિપુણ સાહેબરામ નીચે ગયો અને ધીરજરામને ઉપર તેડી લાવ્યો. સંજીવની શયનખંડમાં ચાલી ગઈ. ‘આજના ઉજ્જ્વળ વિજય માટે તમને અને કૉલેજને અંતઃકરણપૂર્વક મારી મુબારકબાદી છે. સાહેબરામ! હું તમારી માફી માગવા અને આભાર માનવા આવ્યો છું. તમારી સોબતમાં રહેવા છતાં મારામાં ક્યાંથી પાપી વાસનાઓ આવી? પાપનો પસ્તાવો થાય છે. તમે મને ડૂબતો બચાવ્યો છે. અપરાધ માફ કરો.’ ‘તમારો અહુરમઝદ આખરે ફાવ્યો. આજના આનંદઉત્સવના દિનની પૂર્ણાહૂતિ આવા શુભ આનંદથી થવાનું નિર્માણ ઓછું સુંદર નથી. ભવિષ્યના વર્તનથી પસ્તાવો સિદ્ધ થશે તો તમારી સાથે પૂર્વનો વ્યવહાર ચાલુ રાખવા લગીર પણ વાંધો નથી. ભાસ્વતીની તમારે લેખિત માફી માગવી પડશે. અંતરના સાચા પશ્ચાત્તાપ અને વર્તનના પરિવર્તન આગળ આવી માફી કશી વિસાતમાં નથી છતાં કાગળ લખ્યો હતો તો માફીપત્ર પણ લખશો.’ ‘તમે જે રસ્તો બતાવશો તે સ્વીકારીશ. ભૈરવનાથ શેઠ પાસે જઈ પસ્તાવો જાહેર કરી દીલાસો લઈ આવ્યો છું. સાહેબરામ! આ મૅચમાં તમે કાંઈ રમ્યા છો!‘ ‘ત્રણે દિવસે તમે મને સાંભર્યા છો. આવી સરસ મૅચમાંથી તમારા જેવા કુશળ રમનાર બાતલ રહે એ મને અતિશય ખૂંચતું હતું. ચાલો કાલે આપણે અમસ્થી મૅચ ગોઠવીશું. લ્યો પાન-સોપારી ખાઓ.’ ધીરજરામ પછી ઊઠી ઘેર ગયો. સાહેબરામ લેખનકાર્ય પૂરું કરી શયનખંડમાં ગયો તો પત્નીને ભરનિદ્રામાં દીઠી. સંકલ્પકિશોરીએ પહેરાવેલો હાર તેની છાતી પર હતો. આ જોતાં જ વહાલનો ઊમળકો આવ્યો અને યોગ્ય રૂપે મૂર્તિમંત થયો. કપોલ પર પ્રિયતમનો સ્પર્શ થવા છતાં સુન્દરીની નિદ્રા ભ્રંશ પામી નહીં. ઇષ્ટદેવતાનું નામસ્મરણ કરી સાહેબરામ સૂતો. શરીર થાકેલું હતું–આસાયેશની રાહ જોતું હતું પણ શરીરનું માલિક મન આરામની પરવાનગી આપતું નહોતું. પોતાના જીવનવ્યવહાર વિશે સંબદ્ધ કે અસંબદ્ધ વિચારપરંપરાથી મન ઉભરાવા લાગ્યું. ઊભા થઈ ખંડમાં આમતેમ ફરવા માંડ્યું. બુદ્ધિના પ્રભાવથી વિચારો ક્રમબદ્ધ કરી તેમનું પૃથક્કરણ કરી વાસ્તવ સ્થિતિ નિરૂપી, પાછા સેજમાં પડ્યો. ‘અંગ્રેજોએ અમને કેળવણી શા માટે આપી હશે? અંગ્રેજી સાહિત્યનો સહવાસ શા માટે કરાવ્યો હશે? આ સ્નેહની રઢ તો ન લાગત અમને? કેટલાં જીવન ધૂળધાણી થાય છે? – ધૂળધાણી થતાં હશે તેમ કેટલાં બધાં જીવનનો ઉદ્ધાર, ઉત્કર્ષ પણ નથી થયો?–સ્નેહ એટલે શું? શું મળે તો સ્નેહ મળ્યો કહેવાય? અમારે ક્યારે સ્નેહ જોઈએ છીએ? લગ્ન પહેલાં? હિંદુ સંસારની ચાલુ સ્થિતિમાં એ શક્ય છે? લગ્ન પછી? પરિણીત દંપતીમાં સ્નેહ ન ઉદ્ભવે તો? व्यतिषजतिपदार्थान् आन्तरः कोपि हेतोः નો સંભવ પરણ્યા પછી હંમેશ થાય તેનો શો ભરોસો? સ્નેહભાવથી જ સંતુષ્ટ થાય કે બુદ્ધિના વૈભવ, આચારની સંસ્કારિતા, જ્ઞાનના વૈવિધ્ય અને આવડતની સમૃદ્ધિ વિના – નર્યા ભાવથી સંતોષ નથી પામતો? ગિરિહૃદયમાં ગુપ્ત વહેતાં ઝરણાં જેવો સ્નેહ આદર પામે છે કે સૂર્યપ્રકાશમાં ચળકાટ મારતાં પૃથ્વી પર વહેતાં વહેળા જેવો? સ્ત્રીને હૃદય છે–હિંદુ સ્ત્રીનું હૃદય ઓછું હેતાળ નથી પણ અમારાં હૃદયને જે ભાવસમૃદ્ધિ અને બુદ્ધિવૈભવની તૃષ્ણા છે તે એ છિપાવી શકશે? આ ઉપરાંત શૃંગાર, સંસ્કૃત સાહિત્યમાં પરિકીર્તિત છે એેવો શૃંગાર ભોગવવાની લાલસા પણ ખરી ને? –એ લાલસાએ કેટલી સ્ત્રીઓને ભરજુવાનીમાં, અરે જુવાનીના મળસ્કામાં યમદ્વારે પાઠવી છે?– એક સમૂહ સ્નેહનો તરસ્યો છે, કામનો પણ તરસ્યો હોય છે. બીજી પાસ કામુકતા અવનવું જ પરિણામ લાવે છે. કામવાસનાને કેટલાક સ્નેહથી ભિન્ન અનુભવી જ શકતા નથી. એ તૃપ્ત કરનાર પાત્રથી તેઓ એટલા બધા રાચે છે કે સ્નેહની પરાકાષ્ઠા તેમનામાં જુએ છે. હૃદયની સાધારણ સમૃદ્ધિ તેમની મજનુશાઈ આંખને દિવ્ય લાગે છે. હિંદુ પ્રજાનું મનોબંધારણ ધર્મના સંસ્કારથી એવું રંગાયેલું છે કે વિદ્રોહ અને તોફાનને બદલે સંયમ અને સમર્પણની ભાવના પોષાય છે. કામને ભસ્મ કરી સ્નેહ પોષવા ઉપદેશ થાય છે; જીવનનું લક્ષ્ય વિલાસ કરતાં સેવા છે એવો બોધ દેવાય છે. શાંત હિંદુઓ ‘ખાટી દરાખ’ના ન્યાય પ્રમાણે મન મનાવી લે છે અથવા વાસ્તવ ન ભોગવાણા ભોગ કલ્પનામાં ભોગવે છે. કેટલેક સ્થળે સ્નેહના અભાવે, ઉત્કટ લાગણીઓ સામેથી ઝિલાતી ન હોવાથી કેટલાં બધાં ઉદાત્ત, સમર્થ, ભાવસ્નિગ્ધ જીવનો હ્રાસ પામ્યાં છે, ખંડિત થઈ ગયાં છે? — સાહેબરામ! તારી પોતાની શી સ્થિતિ છે? જેવા સ્નેહની અપેક્ષા છે તેવો સ્નેહ સંજીવની નથી આપતી. જે મળે તેથી ચલાવી લઈશ? ચલાવી લેવું જોઈએ પણ ચલાવી લેવાશે એની ખાતરી નથી. ત્યારે તું વ્યભિચાર નથી કરતો? ભયંકર સવાલ છે. જેના પર ભાવ રહે અને વધે એવો સંભવ ઓછો છતાં તેની સાથે તારો સંસાર ચલાવે એ નીતિયુક્ત છે? શરીરની પાયમાલી સાથે તેના આત્માનો પણ ધ્વંસ નથી કરતો? સંતતિ દ્વારા ઉત્પન્ન થતી ભવિષ્યની પ્રજાને આવા વિષમ વ્યવહારથી તું કેવો નઠારો વારસો આપી જઈશ? તારી બધી લાલસા છોડી દે અને પડ્યું પાનું નિભાવી નહિ, પણ વધાવી લે. લાલસાની પરિતૃપ્તિ ન હોવા છતાં રખાતો વ્યવહાર વ્યભિચાર ગણાય તો સંયમ અને ત્યાગના લેબાશમાં રખાતો વ્યવહાર પણ એવો જ ગણાવો જોઈએ ને? તલાક અપાતી લેવાતી હોય તો કેમ? પણ ભલા! આ પ્રશ્નને બીજા દૃષ્ટિબિંદુથી જો. પુરુષોની સ્થિતિમાં રહી જે જે મુંઝવણોથી તું ત્રાસે છે તેવી જ મુંઝવણોથી ત્રાસતી સ્ત્રીઓને કલ્પ. અથવા વિશ્વદર્શનની શક્તિ હોય તો એવી સ્ત્રીઓનાં જીવન નિહાળ. કેટલા બધા જબ્બર ત્યાગથી, કેવી સર્વવ્યાપીની આહુતિથી તેઓ પોતાનો સંસાર બીજાને માટે સુખી બનાવી જિંદગી જે લહાવો આપે તે માણી લે છે? બનાવો એમને તમારી ગુરુ અને ચાલો તેમને પગલે. તમારે છૂટવાની બારી છે. પત્ની ન ગમતી હોય તો સંસ્કારી મિત્રો કે મિત્રોની સગી સંસ્કારી સ્ત્રીઓનો સહવાસ મેળવશો પણ પતિના અને પોતાના જીવનમાં વિચાર લાગણીનું વિશાળ અંતર હોય એવી સ્ત્રીએ કેવી રીતે પોતાને અનુરૂપ પુરુષ સહવાસ મેળવી યોનિબુભુક્ષા(Sex hunger and not Sexual appetite) મટાડવી? આ બધી ખરી વાત. પણ અમે માણસો છીએ. મનુષ્યસ્વભાવને સહજ એવી ન્યૂનતાઓ અમારામાં છે, વૈરાગ્ય કરતાં રાગ અને વિલાસ અમારે વધારે માણવાં છે. દુનિયા અમે ઘડીએ તેવી થવી જોઈએ. અમને દુનિયા ઘડે એવા અમારે થવું નથી. જીવનના એક પ્રદેશમાં નહીં પણ સર્વ પ્રદેશોમાં જેની સાથે મંગળ ફેરા ફર્યો છું તેથી સંતોષ ન થાય તો છૂટાં પડવું જ જોઈએ. જે સ્ત્રી સખી નથી થઈ શકતી તેને દાસી અને રખાયત તરીકે ચલાવી લેવામાં પાપ છે. છૂટા થયા પછી એકાકી જીવન ગાળવું, મનુષ્યતાના અમુક પ્રવાહ વાળી લઈ કેદ પૂરવા નીતિબળ કેળવવું, કારણ કે ઈતર વ્યવહાર પાપમય હોય તો— પણ પ્રચલિત સંસાર બગાડનાર તો નીવડે જ એવા ભયથી તેનો સ્વીકાર સંભવિત જ નથી.’ આ વિચારપરંપરા ચાલતી હતી તેવામાં ગુલાબના હારનો સ્પર્શ થવાથી તેનાં મધુર સૌરભ અને સુકુમાર અને કોમળ સ્પર્શ સાથે સાહેબરામ ખેલન ખેલતો હતો તે ખેલન વિચારની સમાપ્તિ સાથે પૂરું થયું. શય્યામાંથી ઊઠી જળથી આંખ મોં ધોયાં, જળ પીધું, એવામાં સંજીવની પણ જાગી. ‘મોં ધુવો છો તે મળસ્કું થયું! ઊંઘમાં રાત ક્યાં ચાલી ગઈ તે ખબરે ન પડી.’ ‘હજુ તો મધરાત છે. સવાર પડવાને બહુ વાર છે; નિરાંતે સૂઈ જાઓ.’ ‘ત્યારે તમે કેમ અત્યારમાં ઊઠ્યા? વાંચવુંલખવું છે?’ ‘સૂતું છે કોણ કે ઊઠવાની વાત કરો છો? ઊલટો સૂવાની તૈયારી કરું છું.’ “હેં! સૂતા જ નથી? ચાલો સૂઈ જાઓ. ઉજાગરો સારો નહીં?’ ‘સંજીવની! ઊભી થઈ બારીમાંથી નજર તો નાંખ. આકાશમાં કેવાં વાદળાં ઘૂમે છે અને તારાઓ તે નિરખે છે.’ ‘હવે રહેવા દ્યો વાદળાં ને તારા જોવા. ચાલો તમને સૂવાડી દઉં.’ યોગલીન કચે દેવયાનીની વિધુલક્ષ્મી જોવાની ઇચ્છા બર ન આણી તેને જેવી ઝાંખી કરી નાંખી હતી તેવો ઝાંખો સાહેબરામ થઈ ગયો. પત્ની બિચારી તેનું ઉડ્ડયન સમજી શકી નહીં. પણ વહાલથી તેને લઈ શયનમાં સુવાડ્યો અને ઊંઘાડવાના ઉપાય કરવા લાગી. પોતાના રસિક જીવનમાં જરાયે રસ ન લેતી પત્નીનો બીજી જાતનો સ્નેહ અનુભવતાં સાહેબરામ અવનવા જ વમળોમાં ગૂંચવાતો ઊંઘી ગયો. સ્વપ્નમાં સેના, ભાસ્વતી, સંકલ્પકિશોરી, સંજીવની જૂજવી જૂજવી રીતે તેની પાસે આવવા લાગી અને અનિંદ્ર હાલતમાં આવેલા વિચારો સળકાવતી હોય, મુશ્કેલીઓ ઊભી કરતી હોય કે ગૂંચ ઊકેલતી હોય એવું લાગવા માંડ્યું. આઘે આઘે એક શિખર પર બેઠેલા પ્રણયરાજને આ બધી લીલા નિહાળતો અને કવિતાબદ્ધ કરતો જોયો. દૂર દૂર શેઠ ભૈરવનાથ ફરતા હતા; નિઃશ્વાસ નાંખતા હતા અને દિલાસા માટે ફફડતા હતા. પ્રાતઃકાળમાં ઊઠી પતિના મુખનું દર્શન કરતી પત્નીના શ્વાસથી તેની નિદ્રા ગઈ અને સાથે સ્વપ્નનું ગાંધર્વનગર પણ સૂર્યપ્રકાશ આગળ ધુમ્મસ ઊડી જાય તેમ ઊડી ગયું. છતાં મીઠી નજરથી પત્ની સામે જોઈ રહ્યો અને પ્રાતઃકાળમાં તેના મુખનું દર્શન કર્યું. આમ પત્ની પર વહાલ ઢોળાતું તોપણ કોઈક ઊણપ એવી ખૂંચતી હતી કે પ્રકાશને મેઘાચ્છન્ન કરી દેતી.

[૧૩]

ચારેક વાગ્યાને સુમારે સાહેબરામના ઘર આગળ સેનાની મોટર આવી ઊભી. અવાજ સાંભળતાં જ સંજીવનીએ હીંચકા પરથી ઊઠી બારણા આગળ આવી જાળી ઉઘાડી. ‘પધારો સેનાભાભી! તમારા ભાઈ હજુ કૉલેજથી આવ્યા નથી.’ ‘ભલે ન આવ્યા હોય, ભાઈને નહીં પણ ભાભીને મળવા આવી છું.’ એમ બોલતી સેનાએ પરસાળમાં પ્રવેશ કર્યો. સેના આજે તદ્દન હિંદુ પોષાકમાં હતી. સફેદ રેશમી સાડીથી તે શોભતી હતી. પોલકું તસતસતું પહેર્યું હતું. પગમાં આસમાની મખમલનાં સપાટ હતાં. સુવર્ણની જડાવ લછા પાનીના ગૌરવર્ણ પર ભાતભાતનાં કિરણો પ્રસરાવી રહ્યાં હતાં. હાથમાં શનિ અને પાનાની બંગડીઓ હતી. આંગળી પરની વીંટીનો હીરો અજબ ઝબકારા મારતો હતો. કંઠની મોતીમાળા પોલકાના ગુલાબી રંગમાં દીપી નીકળતી હતી. નાક અને કાનમાં પણ જડાવ આભરણ હતાં. રત્નખચિત અલંકારોથી નીસરતા પ્રકાશથી તેનું સૌન્દર્ય અદ્ભુત ખીલ્યું હતું. સાહેબરામના અતિથિસત્કારખંડમાં એના પ્રવેશથી જેવો અલંકારનો પ્રકાશ કિરણવા લાગ્યો —એના શરીર અને વસ્ત્રમાંથી પરિમલ ફોરવા લાગી તેવાં જ અપાર્થિવ પ્રકાશસૌરભ ખંડના અદૃશ્ય વાતાવરણમાં પ્રગટ્યાં હોય એવું સંજીવનીને મળવા આવેલી પલ્લવકુમારીને લાગ્યું. સેનાની પ્રતાપી વિભૂતિ જોઈ બંને સુંદરીઓ એવી દંગ થઈ ગઈ કે તેને આસન પર બેસાડવાનો વિવેક કરવો રહી ગયો. પોતાનું જ ઘર હોય એવા ઉમળકાથી સેના લેલીનવાળી અયેશદાર ખુરશી પર બેઠી. ‘સંજીવનીભાભી! તમારાં બહેનપણી સાથે ઓળખાણ કરાવશો કે?’ ‘કવિ પ્રણયરાજનાં વહુ પલ્લવકુમારી, આજે જ મળવા આવ્યાં છે. પલ્લવભાભી સેનાબહેનને તે ઓળખો છો ને?’ ‘એમની તારીફ અમારે ત્યાં રોજ થતી સાંભળી છે, આજે નજરે જોવા પામી.’ પછી ત્રણે સ્ત્રીઓ સાધારણ વાતચીતો કરવા લાગી. સંજીવની તો સેનાથી અંજાઈ જ ગઈ, પોતાના પિયરના પડોશમાં સાંભળેલી હકીકતથી તદ્દન ઊલટો જ અનુભવ થયો. પૈસો, વિદ્યા કે શેઠાઈનો સહેજ પણ છાક ન લાગ્યો. પોતાની બીજી સહિયરો અને પડોશણ કરતાં જરા પણ ફરક ન લાગ્યો. ‘સંજીવનીભાભી! મૅચની છબીઓ લાવી છું. સાહેબરામને જોવામાં તમને રસ પડશે. છેલ્લા ત્રણ દિવસમાં ખેલના જે જે આકર્ષક પ્રસંગો લાગેલા તેની છબીઓ’ – એમ બોલી તેણે બતાવી. ‘આ બાયડી રમે છે ને?’ પલ્લવકુમારીએ આશ્ચર્યનું કુતૂહલ પ્રગટ કર્યું. ‘કૉલેજમાં એ ભણે છે, એનું નામ ભાસ્વતી છે. એણે રમી આપણે સ્ત્રીઓ માટે જેવી તેવી નામના નથી મેળવી. મારી એ બાળપણની સખી છે, એના આ પરાક્રમનો ઉત્સવ પાળવા આપણી બહેનોને હું આમંત્રવાની છું. તમે આવશો? આવશો તો મળાશેહળાશે.’ ‘એમની આજ્ઞા હશે તો આવીશ.’ પલ્લવકુમારીએ જવાબ આપ્યો. સામે ઘડિયાળ પર નજર પડતાં પોતાને ઊઠવાનો વખત થયો લાગવાથી તેણે ઘેર જવાની રજા માગી. સેના અને સંજીવની તેને ઓટલાના પગથિયા લગી વળાવી આવ્યાં. ‘નથી વસ્ત્ર કે અલંકારની દીપ્તિ. નરી સરળતાની જ મૂર્તિ છે, મોં પર કેવું શિરીન નૂર છે! આંખમાં મમતા કેટલી ઊંડી ભરી છે!’ એવો વિચાર સેનાને આવ્યો. ‘સંજીવનીભાભી! આ છબીઓ તમારે આ ખંડમાં ટાંગવી પડશે.’ એમ બોલતાં ઓરડાની ભીંતો પર નજર કરી તો તરેહતરેહનાં ચિત્રો જોઈ આનંદાશ્ચર્ય પામી, ઊભી થઈ દરેક ચિત્ર નિહાળવા લાગી. રવિ વર્માનાં ‘શકુંતલાજન્મ’, ‘મોહિની’, ‘માલતી,’ ‘તારાદેવી,’ ‘શંકરાચાર્ય,’ ‘રાધાકૃષ્ણ’ આદિ ચિત્રો હતાં. ભગવદ્ ગીતાનું ધુરંધરે ચીતરેલું એક ચિત્ર, એક ઇંગ્લિશ મૂલર ચિત્રકારે ચીતરેલ ‘ગંગાવતરણ,’ ‘સાબરમતી પર સવાર,’ ‘નર્મદાનો સુરપાણેશ્વરના ઘોધની હરણફાળ’, ‘બોરતળાવ પરની સંધ્યા’, ‘સંધ્યાકાળે પુલ પરથી દેખાતી તાપી’, ‘ચોમાસામાં ઊછળતો ચોરવાડનો દરિયો’, ‘ચરોતરની અમીરાઈ’ નામનાં ચિત્રો, બંગાળી ચિત્રકારોએ ચીતરેલ ‘મહાભિનિષ્ક્રમણ’, ‘શાહજહાનનું મૃત્યુ’, ‘વાલ્મીકિ અને નિષાદ’ આટલાં રૂચિર ચિત્રો હતાં. લેડી બટલરચિત્રિત યુદ્ધો, હલ્લા, ઘેરા આદિનાં ચાર-પાંચ ચિત્રો હતાં; ‘જવનિકાનું છેદન’, ‘સૌમનસ્ય ગુફામાં’, ‘સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી’, ‘બિંદુમતી’, ‘ઘેલી મારી કુસુમ’, ‘ઇન્દુકુમાર અને કાન્તિ,’ ‘કચ અને દેવયાની,’ ‘ભદ્રંભદ્ર,’ ‘સિદ્ધરાજ અને રાણકદેવી,’ ‘સુદામાની ઝૂંપડી’, ‘નરસિંહ મહેતાનું મામેરું,’ ‘નળ અને દમયંતી’, ‘નંદબત્રીસી’, ‘વિદ્યાવિલાસિની અને વિનેચટ’, ‘વ્રજવહાલું વૈકુંઠ નહિ આવું, ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું’ વગેરે ચિત્રો પણ તેમનું સૌન્દર્ય, તેમની કારીગીરીમાં ઊંચા પ્રકારની કુશળ સિદ્ધિ સેનાને ન લાગી. ભેદવારે ફોટોગ્રાફી મારફત સર્જેલી ‘ત્યાગમાળા,’ પણ આ સંગ્રહમાં હતી. ચિત્રો જોવામાં મશગુલ થયેલી સેનાને સંજીવનીએ આલબમ આપ્યું. તેનાં પાનાં ઊથલાવતાં મનુષ્યોની અને સ્થળની દેખાવડી તસ્વીરો જોવામાં આવી. રાજા રામમોહનરાય, કેશવચંદ્ર સેન, વિવેકાનંદ, બંકિમચંદ્ર, રવીન્દ્રનાથ, રાનડે, તેલંગ, દાદાભાઈ, સર ફિરોજશાહ, ગાંધી, રવિ વર્મા, સુરેન્દ્રનાથ, આગાખાન, મદનમોહન માલવીય, ગોવર્ધનરામ, શેક્સપિયર, વર્ડ્ઝવર્થ, શૅલી, ટૅનિસન, ઍમર્સન, કાર્લાઈલ, ગેટી, કેન્ટ, હ્યુગો, ટૉલ્સ્ટૉય, ઇબ્સન આદિની તસવીરો હતી. સ્થળોમાં મુંબઈ, સુરત, અમદાવાદ, દિલ્હી, લાહોર, આગ્રા, કાશી, કલકત્તા, પૂણા વગેરેનાં દૃશ્યોની હતી. આ સર્વ જોતાં જોતાં સેનાને અપૂર્વ લાગણીઓ ઉભરાતી પણ સંજીવની તે બરાબર ઝીલી શકતી નહોતી. સાહેબરામની પ્રિયતમા એની સહચરી નથી એવો ઝાંખો ઝાંખો અનુભવ થયો. ‘તમારા ભાઈને અતિશય ચિત્રોનો શોખ છે. બજારમાં કે પ્રદર્શનમાં સારું ચિત્ર જોયું કે ખરીદવાના જ.’—આ સાંભળી સેના ઉલ્લાસ પામી—’છબીઓ ટાંગવામાં કાંઈ સુખ છે? કરોળિયા જાળાં જ્યાં ત્યાં બાંધવાના અને ધૂળ છબીની આસપાસ(બાઝી) ભેગી થવાની, એમાં માંકડ, મચ્છર, ભરાઈ ન રહે તો ભાગ્ય.’ આ સાંભળતાં જ ઉલ્લાસ ઊડી ગયો. ‘આ શું, સાહેબરામની પ્રેમપાત્ર રસિકા બોલે છે?’ એવો સંદેહ ઊપજ્યો. પણ એકદમ સમાધાન કર્યું : ‘ઉપયોગિતાનું દૃષ્ટિબિંદુ અનાદરપાત્ર નથી.’ સાહેબરામના નિરંતર સહવાસથી સેનાને તેના પર અજબ મમતા થઈ હતી. તેના સંસ્કારી, ઉદાત્ત, અભિલાષી આત્માની ઘણી ગલીઓમાં તે પ્રવેશ કરી શકતી હતી. છતાં એનું ગૃહજીવન–દાંપત્યજીવન નિહાળવા તે બહુ ઉત્સુક હતી. પોતાના પ્રેમપાત્રનું સુખ જોઈ રાચવા? એનાં જીવનને હલમલાવતાં બળોને તેમના પોષણપ્રદેશમાં વિશેષ ઉત્તેજિત કરવા તે ઉત્સુક હતી? જીવનના ઘણા માર્ગો પર તેઓએ સાથે ક્રમણ કરવા માંડ્યું હતું છતાં આ માર્ગો પર તે જઈ શકતી નહોતી – જવાની ઇચ્છા પણ થવી ન જોઈએ છતાં થતી તો દબાતી દબતી નહોતી એવી સ્થિતિ હોવાથી હતાશાથી કે અદેખાઈથી તે સાહેબરામનો સંસાર નિરીક્ષવા આવી હતી? સેનાએ પોતાની વૃત્તિઓનું સમીક્ષણ કર્યું નહોતું એટલે આવા સવાલો ઊઠ્યા નહોતા. ઊઠ્યા હોત તો એની દશા કેવી થાત? પણ મનમાં મુંઝાવા–અકળાવા તો લાગી, એવામાં સંજીવની દ્વારા પોતાના વર અને સાસરાની સંસ્કારવાંછના જાણવાની મુરાદ યાદ આવી. પણ વિશેષ પરિચય બંધાયા વિના–મમત્વ જામ્યા વિના, – સાહેબરામની પત્ની સંજીવની હોવાથી સેનાને તો તેના પર જેવું તેવું મમત્વ નહોતું, પણ તે સહાનુભૂત થયા વિના અંતરના આગળા ખોલવા હિંમત ચાલી નહીં. વૃત્તિઓ પર અંકુશ રાખી બંનેને મજા આવે એવો વિષય વાત માટે શોધવા જતાં જાતરાનો જડ્યો. ‘સંજીવનીભાભી! ક્યારે યાત્રાએ જાઓ છો? સાંભળ્યું છે કે તે લાંબી છે.’ ‘હા! લગભગ છ મહિના થશે. દસપંદર દિવસમાં સંઘ ઊપડશે, તમેયે આવશો ને? તમારી સાસુને એટલો ઓરીઓ તો વિતાવશો?’ સાંભળતાં જ સેના ઝબકી પણ સાવધ રહી સંજીવનીને પોતાની વિષમ સ્થિતિ કળવા ન દીધી. એવામાં જાળી ઊઘડી અને સાહેબરામને જોતાં જ નિરાંત થઈ કે વાત પતી પણ સાથે પતિને જોતાં વાત ખટકી. ‘અહો આજે તો સેનાબહેને અમારા નિવાસ પાવન કર્યા છે ને! કેમ અમરનાથ ઊભા રહ્યા છો? લ્યો આ ખુરશી.’ ‘સંજીવનીભાભી ન આવ્યાં ત્યારે હું આવી. આવી તો બેવડો લાભ થયો. પ્રણયરાજની પત્નીની પણ ઓળખાણ થઈ. પ્રણયરાજને ક્યારે બંગલે લાવો છો? પિતાજી કહેતા હતા કે આપણે મળવા જઈએ તો શું?’ ‘હમણાં ફુરસદ જ મળતી નથી અને એને ત્યાં જવાતું નથી. જઈશ ત્યારે વખત નક્કી કરતો આવીશ. પણ આ છબીઓ શાની? હં, મૅચની છબીઓ. જુઓ તો ખરા અમરનાથ!’ એમ બોલી છબીઓ એક પછી એક ઉઘાડી જોવા માંડી અને જોયેલી અમરનાથના હાથમાં મૂકવા માંડી. સાહેબરામના હાથમાંની છબીમાં નજર નાંખતી સેના સાહેબરામની રમતની નર્મ મશ્કરી મારફત તારીફ કરતી ખૂબ હસતી અને કલ્લોલતી. આ નિર્દોષ ગમ્મતની અસર અમરનાથ અને સંજીવની પર જુદી જ થતી હતી. ‘કેમ સંજીવની! અમરનાથ અને સેનાનો સત્કાર કરશો ને? તમારા પડોશીઓ અને મારાં મિત્રો – સોનું અને સુગંધ બેય છે પછી ઊણપ જરાયે રહેવી જોઈએ?’ પતિના શબ્દો સાંભળતાં જ પત્ની રસોડા તરફ ગઈ. ‘સાહેબરામ! તમારી ફતેહ અને ફતેહ મેળવવા દાખવેલી કાબેલિયતથી પિતાજી ઘણા જ આફરીન થયા છે. આ ફૂલની પાંખડીથી તમને, મુબારકબાદી આપવાનો પેગામ પણ લેતી આવી છું.’ સેનાએ પોતાના ગજવામાંથી ઘડિયાળ કાઢી સાહેબરામ સમક્ષ ધર્યું. ‘શેઠસાહેબની કૃપા ઉવેખાતી નથી પણ મેં એવો મોર નથી માર્યો કે આવા કિંમતી અનુગ્રહની જરૂર હોય.’ ‘જરૂર તમારે જાણવાની નથી. હવે તમારી બહેન પાસેથી ફૂલની પાંખડી નહિ પણ પરિમલ સ્વીકારશો? આ મુદ્રિકાને તમારી અંગુલીમાં પહેરાવી તમારા પરાક્રમનું સ્મારક બનાવશો? ‘શેઠસાહેબની પાંખડી લેવી કે ન લેવી તેની ઘડભાંગ થતી હતી પણ તમારો પરિમલ સાનંદ સ્વીકારું છું. બહેનની ભેટ પાછી વાળવાના અવસર અનેક આવશે પણ તમારા પિતાશ્રીની મહેરબાનીનો શો બદલો વાળીશ?’ ‘આ કાંઈ ઋણ નથી કરતા કે તેના શોધનની ચિંતામાં પડો છો. આ વૃત્તિ અનીતિમાન છે.’ ‘અલબત્ત સ્નેહ વેપારીશાહી વહેવાર નથી છતાં નર્યો સ્વીકાર, કોઈપણ પ્રકારનાં પ્રતિદાન વિના નીતિનો ઉત્કર્ષક નથી. પણ તમારી પિતા–પુત્રીની ભેટ સ્નેહાદરથી લઉં છું. કિંમતી ભેટો કરતાં પણ અધિક મૂલ્યવાન તમારો સ્નેહ હોવાથી એ સ્નેહની ઉપેક્ષા કરી શકતો નથી.’ આંગળીમાંથી પોતાની વીંટી કાઢી સેનાની વીંટી પહેરે છે. ભૈરવનાથની ઘડિયાળ વેસ્ટના ગજવામાં મૂકે છે. આ જોઈ સેના પ્રસન્ન થાય છે. ‘જરા બેસશો? અબઘડી હું આવું છું.’ ‘ભાભીને બતાવવા જતા હશો. સુખે જાઓ.’ સાહેબરામ સ્મિત કરતો રસોડામાં ગયો. ભેટો પત્નીને બતાવી હર્ષ તથા ઉપકાર પ્રદર્શિત કર્યો. અમરનાથ તો શાંત ખુરશી પર બેઠો બેઠો ચિત્રો જોતો હતો અથવા છતનાં પીઢિયાં ગણતો હતો તેવો જ સાહેબરામના જવા પછી પણ બેસી રહ્યો. સેના ખુરશી પરથી ઊઠી હીંચકે બેઠી. પતિ સામું જોયું. પતિ પત્નીને સંલાપ્ય વિષયની ખોટ હોય – ન હોય છતાં સેના વિષય શોધતી ચૂપ બેસી રહી. અમરનાથ વાત ઉપાડશે એવી આશા લગીર પણ બર આવી નહિ. ‘હીંચકો કોણ દેશે રાજ! કો મુજને ઝુલાવશે મહારાજ!‘ આ ભયંકર પ્રશ્ન પાછો ઊઠ્યો. ઊઠ્યો તેવો જ દાબવા પ્રયત્ન કર્યો. હીંચકા ખાતાં ખાતાં રવિવર્માનાં ‘રાધાકૃષ્ણ’ પ્રત્યે પતિનું લક્ષ ખેંચ્યું. ‘જુઓ તો ખરા ચંદ્રમાનો પ્રકાશ કેવો ખીલતો અને પથરાતો લાગે છે! જેમ હીંચકો આઘો જાય છે તેમ તેમ જમુના પર ચાંદની રેલાતી દેખાય છે. આવો આમ ને જુઓ તો ખરા.’ શરમાતો શરમાતો પણ સ્નેહ પાથરતો અમરનાથ ઊઠ્યો. હીંચકા પર બેઠો. દંપતી હીંચકા ખાતાં જતાં યમુના પરની પૂર્ણિમા નિહાળવા લાગ્યાં. પાછળ સાહેબરામ આ જોઈ ખચક્યો. દંપતીને રસસાહચર્ય ભોગવતાં જોઈ આહ્લાદ પામ્યો અને પોતાને ત્યાં આ પ્રસંગ થવાથી કૃતકૃત્ય થયો. આ રસોયગમાં ભંગ પાડવાથી રખેને શાપિત થવાય એવી દહેશતથી તે પાછો ફર્યો પણ તેનાં સપાટે અવાજ કર્યો, સેનાનું ધ્યાન ખેંચાયું. દંપતી શરમાઈ ગયાં, સેના હીંચકેથી ઊતરી રસોડામાં ગઈ. ‘સાહેબરામ! અમે પારકાં નથી કે અમારી સરભરા માટે સંજીવનીભાભીને રસોડાના કાળા પાણીએ મોકલ્યાં. ભાભી! ચાલો બહાર. નોકર ચા કરી લાવશે.’ ‘સેનાભાભી! તમે, અમરનાથ અને તમારા ભાઈ જાઓ બેસો અને હું આંખના પલકારામાં આવું છું. તમે આવો ત્યારે અમારે યોગ્ય સત્કાર કર્યા વિના ચાલે?’ પત્નીનો ઉત્તર સાંભળી સાહેબરામની આતુર મૂંઝવણ પડી ગઈ. ‘તમારે રસોડામાં જ રહેવું હોય તો હું તમારી મદદે આવું છું’ એમ બોલી પાટલો લઈ બેસી ગઈ. સાહેબરામ અને સંજીવનીની જીદ્દી આનાકાની તદ્દન નહિ ગણકારતાં તે પૂરી વણવા લાગી અને તળવા મંડી. સંજીવની તો આ જોઈ આભી જ બની ગઈ. મોટાઈ બિલકુલ મળે જ નહીં તેમ આવડત પણ કેવી મઝાની. પૂરી એવી વણાતી હતી કે ફૂલવાથી તેનો આકાર આંખ હરતો અને જીભનાં પાણી છોડાવતો. સાહેબરામ ચા બનાવવા બેઠો. અમરનાથ ખુરશી પર પડ્યો પડ્યો ધીરજરામે આપેલી બાતમીઓ વિશે વાગોળતો હતો. બધું તૈયાર થતાં સૌ બહાર આવ્યાં અને ચારે જણાં આરોગવા બેઠાં. ‘સાહેબરામ! ઇલેક્શનનો સમય નિકટ આવતો જાય છે, પિતાજી કહેતા હતા કે સાઠમારી જબરી છે.’ ‘અલબત્ત કટોકટી છે પણ આખરે ફતેહ શેઠસાહેબની છે. બીજું કોઈ ફાવે એમ નથી. ઈશ્વરદાસ બેલિફે સારી જેહમત ઉઠાવી આપણે માટે પુષ્કળ વૉટ મેળવ્યા છે. આજે રાત્રે કાછીયાની વાડીમાં ગંજાવર સભા છે; શેઠસાહેબ વતી બાલકરામ, શાસ્ત્રીજી અને હું ભાષણ કરવા જવાના છીએ. મગદુર નથી કમલસીની કે શેઠ સાહેબનો પ્રભાવ ઝાંખો પાડે.’ ‘બળ્યું! આ તે શી ધમાધમી આખા ગામમાં થાય છે. ઇલેક્શન અને વોટની વાતો ઘેરેઘેર થાય છે. મારી માસીને વોટ આપવો તે છે શું તે કેટલાયે જણા રોજ એને બારણે ધક્કા ખાય છે. બિચારી મુંઝાઈને મારી બાની સલાહ લેવા આવી હતી.’ સંજીવની બોલી. ‘સંજીવનીભાભી!. તમારાં માસી અકળાતાં મુંઝાતાં હોય તો વોટ આપવાની જ ના કેમ નથી પાડતાં?’ ‘એ તો જુવોને સેનાભાભી! મારી માસી કહે કે વોટ આપવાથી ધર્માદો થાય છે.—’ ‘ધર્માદો થાય છે કેવી રીતે?’ સેનાના વિવેકી સંસ્કારોએ હાસ્યને જિજ્ઞાસામાં પલટાવી નાંખ્યું. ‘સેનાબહેન તદ્દન અજ્ઞાત લાગે છે ઇલેક્શનના નાટકથી. તમે વોટ આપ્યો તો તમે કહો તે—

[અપૂર્ણ]