[૧]
‘ક્લબમાંથી સાહેબ હજુ નથી પધાર્યા.’ લશ્કરી સલામ કરતાં, દરવાને પ્રશ્ન પહેલાં ઉત્તર આપ્યો. ‘તમારાં બાસાહેબ છે કે બહાર પધાર્યાં છે?’ ‘જી, સરોવર પર છે, સાથે મારાં બહેન પણ છે.’ જવાબ સાંભળતાં જ સ્વાર ઘોડા પરથી ઊતરી પડ્યો, લગામ દરવાનના હાથમાં આપી હુકમ આપ્યો : ‘મારે બંગલે તાર કરી સાઇસને બોલાવી ઘોડો મોકલી દે.’ વરંડા પર ચડી આયના સંમુખ ઊભા રહી સ્વાર કપડાં ઠીક કરતો હતો ત્યાં પટાવાળો પાણી તથા ટુવાલ લાવ્યો. હાથ-મોં ધોઈ મુખવાસ લઈ સરોવર તરફ તે ગયો. તેનું શરીર મજબૂત, કદાવર અને કસાયેલું હતું. કપાળ વિશાળ અને તેજસ્વી હતું. આંખો મોટી અને સંભેદક(piercing) હતી. મૂછનો ભરાવ સારો હતો. હડપચીનો ઘાટ કપાળની રેખા પેઠે તેનાં લક્ષણ પ્રકટ કરતો હતો. જોધપુરી બ્રીચીઝ અને હાફકોટ પહેર્યાં હતાં. માથે આસમાની રંગનો સાફો બાંધ્યો હતો. નાની સોટી ફેરવતો, વખતે સિસોટી વગાડતો અને વખતે બીડીના ધુમાડા કાઢતો, ફૂલોના ક્યારામાં થઈ, સરોવર ફરતી મેંદીની વાડ આગળ આવી ઊભો એટલામાં વાડના છિદ્રમાંથી પાણીમાં તરતી સુંદરી પર નજર પડી. પત્નીની મોજમાં ભંગ ન પાડતાં, તટસ્થ દૃષ્ટા થતો ત્યાં જ ઊભો રહ્યો. પ્રકૃતિ અને મનુષ્યના સમવાયી સૌંદર્યનું પાન કરવા લાગ્યો. બંગલાથી થોડે દૂર વહેતી નદી, તેમાંથી નહેર વાટે સરોવરમાં આવતાં પાણી પર રમતાં અસ્તમિત સૂર્યનાં કિરણો આકાશમાં વાદળાં સાથે ખેલતાં તેવી લીલા ખેલતાં ખેલતાં તરતી સુંદરીના શરીર પર ઘડીક તો ઘડીક તરવાથી હાલતી નાની વીચિપરંપરા પર દોડાદોડ કરી સુંદરીનું સૌંદર્ય વિવિધ રીતે પ્રગટાવતાં હતાં. પ્રકાશ અને છાયાનું એવું અદ્ભુત સંયોજન થયા કરતું અને તરનારીનાં અંગેઅંગનું લાવણ્ય એવું ઝબકાવતું કે તેનો પતિ તે નિહાળી નિહાળી કૌતુકાનંદમાં નિમજ્જન પામ્યો જતો હતો. સ્વર્ણસુંદરીને જલ સાથે કેલિ કરતાં અવનવી જ લહેર આવતી. થોડીવાર ચત્તીપાટ તરતી તો થોડીવાર ડૂબકી મારતી. ડૂબકી મારી ઉપર આવી ચત્તી થતી ત્યારે સંક્ષુબ્ધ થયેલું પાણી તેના વક્ષઃસ્થલ પર અથડાતું; માથા પર નાનાં મોજાંઓ ફરી વળી કાનમાંથી દવ ટપકતાં હોય ને, એવો જલકણખેલ રચતાં, સૂર્યનાં કિરણો તેમાં રમતાં અને આભૂષણનાં નીલમમાણેક સાથે સ્પર્ધા કરવા જલબિંદુમાં રંગ લાવતાં. એવામાં પવન છૂટ્યો. આઘે કોઈક સ્થળે વરસાદ પડવા માંડ્યો હોય તેથી ઠંડો થયેલો અને જલના સીકરથી ભરેલો પવન સરોવરનાં પાણીમાં ઊર્મિઓ નચાવવા લાગ્યો. પવનથી થયેલી ઠંડકથી સહેજ અને સહેજ પાણીની ગતિથી સુંદરીના શરીરમાં કંપ થયો એટલે અરણિકુમારને લાગ્યું કે પાણીમાં ઊઠતી ઊર્મિ શરીરમાં જ ઊઠી ન હોય! આનન પર રમતી કિરણાવલી કપાળનું તેજ ભભૂકાવતી, આંખમાંથી ફૂટતા અને આનન પર સર્વત્ર રમી રહેતા મુગ્ધ આનંદને ખીલવતી હતી. પત્નીનું ગતિમાન સૌંદર્ય નિરખતાં નિરખતાં અરણિકુમારને ભૂતકાળ સ્મરણમાં તરી આવ્યો. ચોમાસું રેલ્યું હતું, ગામની સીમનાં તળાવો એકાકાર થઈ દરિયા માફક જળથી ભરપૂર ગાજતાં હતાં. આ દરિયામાં ત્રાપો ફેરવી કાંઠેના રૂખડા સાથે નાંગરી ટેકરા પર ચડી સૂર્યાસ્તની લીલા અવલોકવા જતો હતો ત્યાં કેટલેક છેટે ચાર કન્યાઓને તરવા પડતી જોઈ. જલ સાથે પોતા જેવી લહેર ઉડાવતાં અન્યને જોતા તારાને જેવી ગમ્મત પડે છે તે તે જ જાણે છે! એક તરફ સૂર્ય જલમાં ઊતરતા હતા, અને પવન જલ ઊછાળતો હતો તેમાં જીવનની નિર્દોષ અને લલિત લીલા ગામનું કૌમાર્ય ભોગવતું હતું. આનંદને પણ અવધિ છે શું? આનંદ શાશ્વતકાલ ભલે ન ટકે પણ ક્ષણજીવી શાને થતો હશે? જલમાં છુપાયેલા રૂખડામાં એક કન્યાનો ચોટલો ભરાયો. તેમાંથી છૂટવા જતાં રૂખડાંના કાંટા તેને પીડવા લાગ્યા. પીડાથી સમતોલન નમ્યું અને કન્યા ડૂબવા લાગી. ઉઝરડાની વેદનાને બદલે મૃત્યુનો ભય આવી થરથરાવવા લાગ્યો. તરવાના નાદમાં મશગૂલ ગોઠણોને ચીસ પાડી વહારે બોલાવવા લાગી ત્યાં તો અરણિએ જલમાં ઝંપલાવ્યું અને સ્વર્ણકુમારીને બન્ને વિપદ્માંથી ઊગારી. આજે તે દૃશ્ય તાદૃશ સ્મરતાં હૃદય અવનવા ભાવોથી રેલવા લાગ્યું. ‘કાળ! આટલાં વર્ષોમાં તે સુકુમાર કળીનું યૌવન તેં કેવું ખિલાવી દીધું છે! પવનની પીઠે ચડી ફૂલનો પરાગ વાડીમાં ફરનારને ખુશમિજાજ કરે છે તેમ યૌવનનો પરાગ સમાગમમાં આવનારના હૃદયને રસભર નથી કરતો? અહા! આવા યૌવનનો, આવા સૌંદર્યનો હું માલિક છું! કેટલો ભાગ્યશાળી! સ્વર્ણા! તારો કુમાર આજ આટલો બધો તારામાં લીન છે એવું તું જાણે તો તારું હૈયું કેવું હૂલતું હોય! મારી કળી! ખીલ, ખિલાય તેટલું અને ભર, ભરાય તેટલો પરાગ મારા જીવનમાં. સાથે રહી ભોગવાશે –’ ઝાડની ડાળ તૂટવાના જબરા અવાજે ધ્યાન ખેંચ્યું. સરોવરની રેતીમાં ડાળી ડાંખળાંમાંથી નીકળવા મથતી હિમાનીને જોઈ. સહેજ ખસી વાડ ઠેકી અરણિકુમાર હિમાની પાસે જઈ ઊભો ત્યાં સ્વર્ણસુંદરી પણ ભીને જ વસ્ત્રે ને છૂટે વાળે સહિયરની વહારે દોડતી આવી. અકસ્માતથી થયેલો ગભરાટ પતિને જોતાં જ સરી ગયો અને શરીરમાં કસરતથી આવેલી સ્ફૂર્તિમાં પતિદર્શનનો ઉલ્લાસ અંગેઅંગ ઝબૂકવા લાગ્યો. ‘સ્વર્ણા! ઠંડો પવન વાય છે માટે વસ્ત્ર બદલી આવો. હિમાનીને હમણાં ‘હું છૂટાં કરું છું,’ ઝાડનાં ડાળાં ડાખળાં તોડતાં અને દૂર ફેંકી દેતાં અરણિકુમારે કહ્યું. પતિની વહાલભરી ચિંતા દૂર કરવા પત્ની પાછી ફરી એવામાં કેદમાંથી નીકળી હિમાનીએ વસ્ત્ર સમાં કરતાં કરતાં અરણિકુમારનું પ્રસન્ન હાસ્યથી સ્વાગત કર્યું. ‘કેમ, ભાભીસાહેબ! તરવાની લહેજત મૂકી ક્યાં દગાખોર હીંચકે ચડ્યાં? સખત વાગ્યું તો નથી ને? ગંધરાજને અને દાક્તરને તેડવા મોકલું?’ ‘રેતીમાં પડી એટલે બહુ વાગ્યું નથી પણ શરીર છોલાયું છે તેમ ક્યાંક ઉઝરડાયું છે. રેતી પર થોડીવાર સૂઈશ એટલે આરામ થઈ જશે. તમે ક્યારે આવ્યા? ત્રણચાર દિવસ હજુ રોકાવાના હતાં ને?’ ‘મૂળ ક્રમ એવો હતો પણ ધાર્યા કરતાં ઇન્સ્પેક્શન વહેલું પત્યું એટલે મારતે ઘોડે અહીં આવ્યો. હાથ દુખતો નથી? ઓશીકું મંગાવી આપું?’ ‘લ્યો આ લોખંડની ખુરસી પર બેસો. મુસાફરીથી ચડ્યો હોય તેટલો થાક ઉતારો. હિમાનીની માવજત મને સોંપી દો.’ સ્વર્ણસુંદરીએ સજ્જ થઈ આવી કહ્યું. એવામાં હિમાનીની દાસી ઓશીકાં, શાલ, ઉઝરડા રૂઝવવાનું તેલ વગેરે લઈ આવી. ખુરશી પર પડ્યો પડ્યો અરણિકુમાર ચીરૂટના ધુમાડા કાઢવા લાગ્યો. મન થઈ આવે ત્યારે નીચો વળી રેતી હાથે વેરતો. વિકૃષ્ટ થયેલું ચિત્ત સ્વસ્થ થતાં, તૂટેલી વિચારપરંપરા આગળ ચાલી. સ્વર્ણસુંદરી અને દાસી હિમાનીની સારવાર કરતાં હતાં, છોલાયેલાં અંગ ચાંપતાં હતાં. જલમાં પત્નીના સૌંદર્યનો જે બહાર જોયો હતો તેથી અધિકતર બહાર તેના હૃદયસૌંદર્યનો નિહાળતાં – સ્ત્રી માત્રમાં નિગૂઢ રહેલું જનનીત્વ સખીશુશ્રૂષામાં પ્રગટ થતું જોઈને રસાનંદના સાગરમાં તે તરવા લાગ્યો. પત્ની પર જ નજર ઠેરવી રાખતાં ગભરાતો કે રખેને હિમાની મજાક કરે! ચારે દિશામાં દૃષ્ટિ દોડાવતો પણ ચિત્ત ચોંટ્યું હતું ત્યાં ને ત્યાં જ તે વળતી. પણ જલ, પવન, પ્રકાશ, છાયા, ગતિ આદિની લીલામાંથી નિરાળું પડેલું સૌંદર્ય રફતે રફતે ઊણું લાગવા માંડ્યું. સ્વર્ણસુન્દરી અને દાસી નળે હાથ ધોવા ગયાં ત્યારે નજર હિમાની પર ઠરી. અવનવું જ દર્શન થયું. હિમાનીને ઘણીવાર જોઈ હતી. કૉલેજમાં સાથે ભણતાં ત્યારથી થયેલો સંબંધ ગંધરાજ અને હિમાનીનાં લગ્નથી વધારે ગાઢ થયો હતો. હિમાનીનો સ્નેહ મેળવવા ગંધરાજનો તે પ્રતિસ્પર્ધી હતો તે વખતથી જ હિમાનીના અંગલાવણ્ય અને આત્મવિભૂતિનો પરિચય પામ્યો હતો. ગંધરાજ સ્પર્ધામાં વિજયવંત નીવડ્યો એટલે અરણિકુમારે પોતાના ઇશ્કને કજળાવી મૈત્રીમાં અંતરાય નહોતો આવવા દીધો. હિમાનીથી જ પસંદ થયેલી સ્વર્ણસુંદરી પર આસક્ત થઈ જૂના સ્નેહને ભૂલી ગયો હતો. દિવસે દિવસે સંબંધ વધતો જવાથી ચારે જણ એક લોહીનાં કુટુંબી જેવાં થઈ ગયાં હતાં. અતિશય છૂટથી હળતાંમળતાં છતાં હિમાનીના મુખે આજે જેવી અસર કરી તેવી કદી કરી નહોતી. શરીરમાં થતી વેદનાથી આસાયેશ મેળવવા, રેતી પર સૂતી સૂતી તે મથતી હતી ત્યારે વેદનાથી તેની મુખલક્ષ્મીનું તેજ અજબ કલાપ્યું હતું. ક્ષિતિજ નીચે સૂર્યનારાયણ સરી પડ્યા હતા. અંધારું ઝપાટાબંધ રેલાતું જતું. ઝળઝળીયામાં એ મુખનું લાવણ્ય વીજની માફક ઝબક ઝબક થતું હતું, આંખો અનંત અવકાશ માપતી માપતી અંતરમાં વળતી હતી. કપાળ પર ઉઝરડાની વેદના રગરગતી હતી છતાં પ્રસન્ન ઉજ્જ્વળતા ફૂટી રહી હતી. દુઃખને ન ગણકારનાર સુખનું મોહક સ્મિત હોઠ પર તરવરતું હતું. મનના નિગ્રહને તિરસ્કારતું હૃદય ઊછળતું હતું. ‘હં! કયું સૌંદર્ય સરસ? ગતિમાન કે સ્વસ્થ? beauty in motion કે in repose? આનંદથી હિલોળતું કે વેદનાથી રુગ્ણ સૌંદર્ય?’ અરણિકુમારના હૃદયમાં આ પ્રશ્ને મૂંઝવણ ઊભી કરી. ઘડીકમાં હિમાનીને જુવે તો ઘડીકમાં સ્વર્ણસુંદરીને. બન્ને શરીરલાવણ્યનો મુકાબલો કરતો જાય અને અર્ધ ક્ષણ એકને તો બીજી ક્ષણ ઇતરને અનુપમ સૌંદર્યવતી લેખે. હિમાની પર વધારે દૃષ્ટિ ઠરતી તો સંકોચાતો – સ્વર્ણસુંદરી પર ઠરતી તો મજાકથી ડરતો. ‘શું શરીરમાં જ સૌંદર્ય રહ્યું છે કે શરીરથી પર તેનું કોઈ આધાન છે? શરીરના સૌંદર્યમાં રસલીન થવાથી ભોગૈષણાનાં ભયગર્તમાં તો ઊતરી નહિ પડાય!’ પણ – આવા આવા પાંડિત્યથી, પ્રજ્વલિત થયેલો ઇશ્ક હોલવાય ખરો? કેવા પ્રખર નિગ્રહથી સ્નેહની આહુતિ આપી હતી? ઈર્ષ્યાને–ભગ્નાશની વૈરવૃત્તિને કેવાં સખ્યમાં રૂપાંતર પમાડ્યાં હતાં? ‘સ્વર્ણા! તને તરતી જોવામાં તારા નાથને આજ એવી લહેજત પડી છે, કે તેમાં ને તેમાં મશગુલ થઈ નથી ખબર પૂછતા તારી તો પછી મારી તો વાત જ ક્યાં?’ હિમાનીનાં વચન સાંભળતાં જ સ્વર્ણસુંદરી શરમાતી મુંઝાતી– ઊંડા અંતરમાં હરખતી પતિ તરફ જોવા લાગી. ‘હિંચકતાં હિંચકતાં તમે પણ ઠીક ધ્યાન રાખ્યું હતું! એ અનુચિત વ્યાપારમાંથી તમને ખસેડવા જ ઝાડે ડાળ તોડી નહોતી ના? સ્વર્ણાને તરતાં જોતાં એના નાનપણનો એક પ્રસંગ યાદ આવ્યો હતો. કેમ સ્વર્ણા યાદ છે ને તળાવમાં ડૂબતી તને બચાવી હતી તે?’ પતિના વહાલથી ઉમળકાતી સ્વર્ણસુન્દરી કંઠનું માધુર્ય વહેવડાવા જતી હતી ત્યાં ગંધરાજ ફલંગ મારતો આવી હિમાનીને શરીરે હાથ ફેરવવા લાગ્યો. ‘કેમ છે હવે? કેટલું વાગ્યું છે? રેતીની ઠંડકમાં કેમ સૂઈ રહી છે? ચાલો બંગલામાં. અહો! અરણિ અને સ્વર્ણા પણ અહીં જ છો ને? તમે બંને છતાં મારી હિમને કેમ પડવા દીધી?’ ‘હું થડ હોત અને સ્વર્ણા ડાળી હોત તો ન પડવા દેત. રાજ! સરપાવ સારો આપે છે. બન્નેને હવે કલ્લોલવા દો. ચાલો આપણે આપણે ઘેર સ્વર્ણા!’ પતિનો હાથ ઝાલી ઊભી થતી હિમાની શાલ ઠીક કરતાં કરતાં બોલી : ‘એમ રિસાઈ મા જાવ, કુમારભાઈ! તમારું કલ્લોલ હજુ રાજને કહેવું છે. આટલા દિવસ સ્વર્ણા અહીં રહ્યા પછી અમારાં સૌભાગ્યોત્સવમાં સામીલ નહીં થાય? તમારે પણ અમારે ત્યાં જ જમવાનું છે.’ ‘અહો! વિસરી જ ગયો. આજે તમારી લગ્નતિથિ છે. હૃદયની શુભેચ્છા છે કે આવી તિથિ શતવાર આવો.’ શબ્દો ઉચ્ચાર્યા પણ લગ્નતિથિ જાણવાની સાથે જ ભૂતકાળનો ભડકો હૃદયમાં પ્રજ્વળી ઊઠ્યો. આશાઓમાં છુપાયેલી નિરાશા ફૂટી નીકળી. ‘કુમારભાઈ! તમારી શુભેચ્છા તમને ફળો. અમારે અપંગ વાર્ધક્યનો લહાવો નથી જોઈતો.’ પતિના ખભાને અવલંબી ચાલતી હિમાનીએ કહ્યું. અરણિકુમાર ક્યારે આવ્યો, ગામડામાં કેવી સ્થિતિ છે વગેરે સમાચાર ગંધરાજે ચાલતાં ચાલતાં પૂછ્યા. વચ્ચે વચ્ચે હિમાનીએ સરોવરમાં તરતી સ્વર્ણ સુંદરીને વાડ પાછળથી નિરખતા અરણિકુમારનો પ્રસંગ વર્ણવી ગમ્મત ઉપજાવી. વરંડા પર ચડી ખુરશી પર સૌ બેસવા જતાં હતાં ત્યાં પટાવાળો તાર લાવ્યો. ગંધરાજે તે ફોડી વાંચ્યો : ‘કુંવરસાહેબ કાલે સાંજે પધારે છે.’ ‘ચાલો હવે રોજ નવી નવી ગમ્મતો ઊડશે’ હિમાની બોલી. ટેબલ પર પડેલી ટપાલમાંથી પોતાના કાગળ તારવી પતિના તેના હાથમાં મૂક્યા. એક કાગળ સ્વર્ણસુંદરીના ખોળામાં નાંખી બોલી, ‘લે, કુમારભાઈનો કાગળ ઘેર જઈ નિરાંતે વાંચજે.’ પેલી બિચારીએ શરમાઈ કાગળ ગજવામાં મૂક્યો. આ જોઈ ગંધરાજને હસવું આવ્યું. ‘સ્વર્ણા! તું હિમાનીથી આટલી કેમ ડરે છે? અરણિ અહીં હોય એટલે એનો કાગળ નહીં વંચાય? શરમ લાગતી હોય તો બંગલાની અંદર જઈ વાંચ પણ આનંદનો લહાવો માણવાની તક ન જવા દે.’ ‘રાજ! તારી શિખામણ વાજબી છે. સ્વર્ણા! મુંઝાતી હોય તો લાવ હું વાંચું. હિમાનીની માથાની ક્યારે થવાની તું?’ વળી ઘી હોમાયું ભડકામાં, ‘હિમાનીથી સ્વર્ણસુંદરી કોઈ જ રીતે સરસી નહીં જ!’ ‘જમવાને હજુ વાર છે. શું રમશું કુમારભાઈ, નૌકાવિગ્રહ?’ ‘ચાલો એક તરફ તમે અને ગંધરાજ અને સામાં અમે બે – ચાલ, સ્વર્ણા તૈયાર થા, આજે હિમાનીને સખત શિકસ્ત આપવી છે.’ ‘આપી શિકસ્ત હવે! હું અને મારો રાજ જોતજોતામાં તમને મહાત કરીશું.’ ખરે જ બન્નેએ મહાત કર્યો હતો. ઊંડો ઊંડો નિઃશ્વાસ નીકળ્યો. રમતના રસમાં તે અજ્ઞાત અવસાન પામ્યો. આગબોટો અને ‘ટૉરપિડો’ દોડાદોડ કરવા લાગી. રમતની રસાકસી સાથે વાણીનો વિનોદ પણ ખીલતો. ‘હાશ! હિમાનીની આગબોટ સપડાઈ! કુમાર! ઝપટમાંથી છટકવા ન દેશો.’ ‘સ્વર્ણા! એમ હિમાનીને ડરાવીશ નહિ. અરણિની ટૉરપિડો હમણાં હું વિખેરી નાંખું છું. હિમાની! ઘરમાંથી કાઢ પેલી ટૉરપિડો અને ઊભી રહે આની પીઠે.’ ‘કાઢ્યા કરો કઢાય તેટલી ટૉરપિડો. જુઓ આ આમ ચાલી કે તમારો રસ્તો બંધ. હિમાનીની સામે અરણિકુમાર અને સ્વર્ણસુંદરીની સામે ગંધરાજ બેઠા હતા. રમતમાં સર્વે મશગૂલ હતાં તોપણ અરણિની નજર વારેવારે હિમાનીના મુખ પર ઠરતી; સરોવરકાંઠે કરેલા સૌંદર્યદર્શન વિશે કુતૂહલ વિશેષ અને વિશેષ ઉત્તેજાતું. ઘણી ઘડભાંગ કર્યા છતાં બે સૌંદર્યમાંથી કયું સરસ તેનો નિર્ણય નહોતો કરી શક્યો. એ નિર્ણય કરવા જતાં જૂનો સ્નેહ જાગૃત થવાથી જાગેલા તોફાનથી સંક્ષુબ્ધ હતો. ઉપરથી શાંત લાગતો પણ અંદર તોફાન ગાજી રહ્યું હતું. આથી રમતમાં ભૂલ થતી તેથી પત્નીનો ઠપકો અને મિત્રોની મશ્કરી સાંભળવાં પડતાં. ભાઈબહેનના સંબંધથી જુદો વિકાર ન થવો જોઈએ છતાં હિમાનીની મુખશ્રીએ આજ કેર વર્તાવ્યો હતો. હિમાનીની બે આગબોટો અને ગંધરાજની એક દુશ્મનને હાથ સપડાઈ. પતિની બેદરકારી ધ્યાનમાં લઈ સ્વર્ણસુંદરી એવી કુનેહથી રમતી હતી કે પોતાની કે અરણિકુમારની એકે આગબોટ હરીફોના પંજામાં જવા દીધી નહોતી. હારતી હોવાથી હિમાની હતાશ થઈ પણ ગમ્મતની રસિયણને વિષાદ કદી ગોઠતો નહીં. વેણીમાંથી બટમોગરાનું ફૂલ કાઢી પતિ સંમુખ ધરતાં બોલી : ‘લ્યો ગંધરાજ! તમારું નામેરી ફૂલ. પુષ્પનિવેદનનો વિધિ ઊજવવો રહી ગયો. લ્યો! કુમારભાઈ! તમે વળી વચકાશો. કૉલેજની આપણી ગમ્મતોનાં સંભારણાં માટે ચંપો.’ ચંપો લીધો પણ તેની પીમળ વિષ જેવી લાગી. હિમાનીના શબ્દો ઝેરી બાણ જેમ હૃદય છિન્નભિન્ન કરતા હતા. ‘જબરી છે હિમાની. હારવા બેઠી ત્યારે નવા જ બુટ્ટા ઉઠાવવા માંડ્યા. પણ જો! મારી ટૉરપિડોએ તારી આગબોટ લીધી. આઠ ‘પોઈન્ટ’ તો થયા. હવે જોતજોતામાં દશ કરી નાંખું છું.’ સ્વર્ણસુંદરી આત્મગૂંજન જેવું બોલી. ‘બાબાસાહેબ! જમાવાનો વખત થયો છે. નહાવા પાણી લાવું?’ દાસીની વિનંતિ સૂણતાં જ હિમાની ઊભી થઈ અને સર્વેને માટે સ્નાનની વ્યવસ્થા કરવાં વરધી આપી. ‘સ્વર્ણા’! ફરી વાર નહાવું છે?’ ‘ના! તું તારે નહાવા દોડ! લે તારી ટૉરપિડો સપડાઈ.’ રમત અધૂરી મૂકી સૌ નહાવા ગયાં. એકલી પડેલી સ્વર્ણસુંદરી જીત પર આવેલી બાજી આગળથી નિસાસા નાંખતી ઊઠી આરામખુરસી પર પડી વર્તમાનપત્ર વાંચવા લાગી. સ્નાનક્રિયા સમાપ્ત થતાં સૌ ભોજનખંડમાં ગયાં. રૂપા અને કાચનાં વાસણોમાં ખાદ્યો પીરસેલાં હતાં. ‘પુરુષ અને પ્રકૃતિના પ્રતિનિધિ સ્વરૂપ ગંધરાજ અને હિમાનીનો સૌભાગ્યોત્સવ એમની સર્વે અભિલાષાઓનો સાધક નીવડો.’ ‘હૃદય અને પ્રાણ જેવાં, આત્મા અને શરીર જેવાં, કવિ અને કવિતા જેવાં, અર્થ અને વાક્ જેવાંનો સંસાર સુખી નીવડો.’ પત્નીના પિયુરવમાં અરણિકુમારે પોતાનો કુહુરવ ભેળવ્યો. દંપતીએ ઊંડા આભારથી શુભ વાંછનાઓ સત્કારી. રેશમી વસ્ત્રમાં સજ્જ થયેલી, સ્નાનથી સ્ફુર્તિમાં આવેલી હિમાનીના હાસ્યભર્યા હાવભાવ, પતિની કાળજી રાખતો સ્નેહ, હરેક હિલચાલમાં ફૂટતો આનંદ, વાગ્વિનોદ, બુદ્ધિની વિશાળ પ્રખરતા, અંગલાવણ્યમાં દીપી નીકળતી આત્મવિભૂતિ સર્વેના અનુભવ પામતાં પામતાં અરણિકુમારનો હિમાની માટેનો ઇશ્ક ઊછળો હતો. સ્વર્ણસુંદરી પર વિશેષ લક્ષ આપવા – હૃદયનો સાગર તેના પર ઢોળવા જતો પણ તે આજે હિમાનીના ચુંબકત્વ(Magnetism)થી આકર્ષાઈ તેના તરફ રેલાતો. ‘થાક્યો છું. આરામ લેવો છે.’ એવું બહાનું કાઢી જમ્યા પછી ન રોકાતાં ગંધરાજની ‘મોટર સાઇકલ’ પર સવાર થઈ દંપતી સ્વનિવાસે ગયાં. રસ્તામાં પત્ની પૂછતી તે સવાલોના ટૂંકાટચ જવાબ દેતો પણ લહેરથી હંમેશ ઉડાવતો તેવી ગમ્મત નહોતો ઉડાવતો. ક્યાંથી ઉડાવે? નિર્દોષ સ્નેહાળ પત્નીને ક્યાં ખબર હતી કે પોતાના દ્વિતીય હૃદયમાં કેવો દાવાનળ પ્રગટ્યો હતો? રાત્રે સૂતો પણ નિંદ્રા આવી નહિ. જ્યાં જુવે ત્યાં હિમાની!
[૨]
સવારે ઘણાં વહેલાં ઊઠી ખાણ તપાસવા ગયો હતો. તપાસણી ખડે પગે કરી હતી અને મારતે ઘોડે લાંબી મજલ કાપી હતી. આટઆટલી મહેનતનો શ્રમ ક્યાંય ઊડી ગયો હતો અને શ્રમથી આવતી નિદ્રા પણ રિસાઈ બેઠી હતી. શય્યામાં તડફડતો અરણિકુમાર પત્નીના તારુણ્યથી પ્રફુલ્લ અને પરિમલપૂર્ણ દેહને નિર્દોષ શાંતિથી સૂતેલો જ્યારે જોતો વા સ્પર્શતો ત્યારે વધારે ને વધારે બળી ઊઠતો. ઠંડક આપનાર ચંદન વિરહિણીને દાહક નીવડે છે તેનો આજે એને અનુભવ થયો. ઊઠી વાંચવા બેઠો પણ હિમાનીમાં પરોવાયેલું ચિત્ત પુસ્તકમાં ચોંટ્યું નહિ. નકશા દોરવા બેઠા તો ત્યાં પણ એ જ દશા. આખરે ઊઠી વાડીમાં ગયો અને એક બાંક ઉપર પડ્યો. પવન નહોતો છતાં ઠંડક હતી. કળીઓ ઊઘડી હતી અને સુરખી ફરફરતી ત્યારે પરાગ લહાતી. હિમાની સાથેની દોસ્તી દશ વર્ષની થઈ ગઈ. સ્વર્ણસુંદરી સાથે લગ્ન થયાંને પણ ચાર વર્ષ થઈ ગયાં. અંગનાં સૌષ્ઠવ અને લાવણ્યમાં સ્વર્ણસુંદરી હિમાનીને ઝાંખી પાડી દે છે. હૃદયની સમૃદ્ધિમાં કોઈ રીતે ઊતરતી નથી જ. હિમાની જેટલી કેળવણી પામેલી નથી તેથી એની બુદ્ધિ ઊંચા સંસ્કાર કે વિકાસ પામેલી નથી. અલબત્ત સહવાસથી અને અભ્યાસથી સ્વર્ણકુમારી પોતાની ન્યૂનતા દૂર કરવા મથે છે પણ સ્વભાવે બહુ જ શાંત, મૃદુ, કંઈક થોડાબોલી અને શરમાળ વિશેષ છે. નથી એનામાં હિમાનીના તનમનાટ, ચાંચલ્ય, જાજ્વલ્ય કે ચાતુર્ય. નથી ઉજ્જ્વલ અને પ્રખર બુદ્ધિનું આકર્ષણ, તેમ નથી પુરુષના હૃદયને મુગ્ધ કરતો પ્રભાવ. ‘આજ શાને આ મુકાબલો કરવા માંડ્યો છે? ગમે તેવી પણ મારી સ્વર્ણા છે. મારી જીવનસહચારિણી છે. હિમાની પરકીયા – મિત્રપત્ની – બહેન છે. ‘હિમાની વિના શી કમી છે મારે? કુલસ્ત્રી અને ગૃહિણી તરીકે સ્વર્ણસુંદરી મારા કુટુંબમાં, નાતજાતમાં અને ગામમાં પ્રતિષ્ઠા પામેલી છે. મારી સખી અને દાસી છે. માતાથી પણ વિશેષ મારી સંભાળ રાખે છે ત્યારે શા માટે એથી હું અસંતુષ્ટ છું?—અસંતુષ્ટ છું? આજે જ આવો અનુભવ થયો. ‘ગંધરાજને વરી હિમાનીએ જ્યારે મને હૃદયભંગ કર્યો ત્યારે કેવા ઉચ્ચ ઉપદેશથી, કેવા પુનિત હૃદયકથનથી ભૈરવજાપ જપવા જતા મારા જીવનને ઉદ્ધાર્યું હતું? સ્વર્ણા પણ એણે જ મેળવી નથી આપી? સહોદરા જેવી સ્વર્ણાને કરી નથી દીધી એણે? દેહના ઉપભોગ માટે તલસનારે તે દેહમાં વસતા હૃદય અને આત્માનાં કેવાં ભવ્ય દર્શન કર્યાં હતાં? સાયન્સના અભ્યાસે પ્રચલિત ઈશ્વરભાવના મારા ચિદાકાશમાંથી નિર્મૂળ કરેલી છતાં તે દિવસે મનુષ્ય દ્વારા દિવ્ય સત્તાનું અસ્તિત્વ કેવું અનુભવાયું હતું? તે પુણ્યદર્શનકાલે પ્રાપ્ત કરેલી શાંતિથી જ મારા વિકારોને હું નિગ્રહમાં રાખી શક્યો છું. અમારા સૌના જીવનપ્રવાહ કેવા સાધુ, સરલ, રસિક, ઉન્નત વહ્યા છે? અન્યને બોધક, ઉત્તેજક, કવચિત્ મત્સરોત્પાદક થયા નથી? ‘બે સૌંદર્ય સાથે ઘણીવાર નિરખ્યાં હતાં. છતાં આજે હિમાનીનું સૌંદર્ય સ્વર્ણાના સૌંદર્યને ઝાંખું પાડી કેવી ગેબી ભૂરકીમાં મને ભરમાવી રહ્યું છે? અગાઉ થતા મુકાબલા કરતાં આજનો મુકાબલો જુદો તો હતો જ. જંગલોમાં રખડી કંટાળી ઘરઘેલો થયેલો અહીં આવ્યો ત્યાં ઘરની મૂર્ત જીવંત પ્રતિમા દયિતાના અદ્વિતીય શરીરલાવણ્યનું મનોહર દર્શન થયું. આંખોમાં લાગણીઓનું નૂર વહ્યું. એ નૂરથી હિમાનીનું સૌંદર્ય જોયું. કેવું અદ્ભુત દર્શન! જિંદગીભરમાં આવો અનુભવ નથી થયો. ચંદ્રના આકર્ષણથી સમુદ્ર ઊછળતો હશે તેનાથીય વિશેષ જોરથી મારું હૃદય એ સુંદરીના દર્શનથી ઊછળે છે. ‘પણ સ્વર્ણાના ગતિગાન સૌંદર્ય કરતાં વેદનાથી આર્ત હિમાનીના સૌંદર્યમાં શું અધિક જોયું? પ્રકૃતિના અંકમાં વિહરતા સૌંદર્ય આગળ મનુષ્યની નિર્બળતા પ્રગટાવતું સૌંદર્ય વિશેષ આકર્ષક કેમ લાગ્યું? ‘બુદ્ધિ, તર્ક! તમારા પ્રયત્નો નકામા છે. વિવેક, સંયમ! તમારા અંકુશો નિર્બળ છે. થયું છે એ ચોક્કસ છે. શાથી થયું છે તે શોધવાની માથાફોડ શી? ‘સૌંદર્યદર્શનથી નરી તૃપ્તિ નથી. સૌંદર્યની પ્રાપ્તિ અને ઉપભોગ માટે જ લાલસા છે. આ પ્રબળ લાગણીના પૂરમાં વિચાર, વિવેક, વિદ્વતા, અનુભવ, ડહાપણ–બધું તણાઈ જાય છે. ગમે તેમ થાઓ પણ હિમાની જોઈએ છે. ‘પણ હિમાની મળશે? તને સારી રીતે ઓળખે છે. તારા કે કોઈના મોહમાં ફસાય એવી છે? અને ત્રાસ આપવા મથતા વિદ્યાર્થીઓ પર પોતાના રૂઆબથી અને કરડી આંખથી કૉલેજમાં કેવી એ કેર વર્તાવતી તે ભૂલી ગયો? દ્રવ્યની અને તેથી મળતા વૈભવની એને ખોટ નથી – પરવા નથી. ગંધરાજનો સ્નેહ પાતાળધોધ જેવો છે પછી સ્નેહની પણ તરસી ક્યાંથી હોય? ‘પણ જે સ્નેહે આ બન્નેને ગૃહસ્થાશ્રમી બનાવ્યા તે અસલ રૂપમાં જ ટક્યો હોય એવું નથી લાગતું મને. ઝીણી વિષમતા પ્રવેશેલી લાગે છે. આટલો અમારો ગાઢ પરિચય હોવા છતાં મને બન્નેમાંથી એકે પોતાનાં હૃદયકથન સંભળાવવાનું વિશ્વાસપાત્ર સ્થાન લેખ્યું નથી! જિંદગીનો વેશ એવી નિપુણતાથી અને શાણપણથી ભજવ્યાં જાય છે કે સ્વપ્ને પણ અન્યને એ વિષમતાની ઝાંખી થાય જ નહીં. સ્પષ્ટ અનુભવ યાદ કરી શકતો નથી તોપણ વિષમતા જન્મી છે એટલું નિઃસંશય છે. કાંઈ હરકત નહિ. શોધી કાઢતાં શી વાર? વિષમતા થવાનું કારણ સમજાયું કે બન્ને વચેનું અંતર વધારતાં સારું આવડે છે મને. ‘પણ સુખમાં મહાલતાં પંખીઓનું સુખ ઊડી જતાં અનીતિને માર્ગે પાછું સુખ મેળવવા તેઓ તત્પર થશે એની ખાતરી શી? ખાતરી અને બાતરી સ્ત્રીસ્વભાવમાં રહેલી છે. ભણીને એમ. એ. થઈ તોપણ આખરે સ્ત્રી છે અને પુરુષને આધીન થવા સર્જાયેલી છે. ‘પ્રભાત હમણાં થશે. ઝાડમાં પંખીઓ પોતાનું કંઠમાધુર્ય રેલાવી રહ્યાં છે. પુષ્પોનો પરિમલ, પક્ષીકંઠનું માધુર્ય અને પ્રભાતની હવાનું ચેતન મારી લાગણીઓને વધારે ને વધારે આવેશોત્કટ કરે છે. ઇંદ્રિય માત્રના વ્યાપાર સંકેલાઈ ગયા છે. હાથમાંથી છટકેલા પરિમલ ફરીથી ભોગવવાની તીવ્ર લાલસા દેહયમને ધગધગાવી રહી છે.’ માળીએ પાણી છાંટવા માંડ્યું એટલે ઊઠી ઘરમાં ગયો. મિત્રદ્રોહ, પત્નીદ્રોહ, વિશ્વાસભંગની પાપી વાસનાઓ અરણિકુમારને નરકમાં લઈ જતી હતી એટલું પણ તે ન જોઈ શક્યો. દુષ્ટ વિકારને વશ થઈ પોતાનું સુખ નષ્ટ કરવા, કોમળ કળી જેવી સ્વર્ણસુંદરીને દુઃખી કરવા, મિત્રનું દાંપત્યસુખ નિર્મૂળ કરવા, પતિવ્રતા સ્ત્રીનું શીલ ખંડિત કરવા, સમાજ કલુષિત કરવા અને ઈશ્વરના નીતિનિયમોનું ઉલ્લંઘન કરવા તે પ્રવૃત્ત થયો. શયનખંડમાં પ્રવેશી મોં ધોતો હતો તેવામાં, સ્વર્ણસુંદરીએ પ્રાતઃસ્તોત્ર ઉચ્ચારતાં આંખ ઉઘાડી. પ્રભુના સ્મરણોચ્ચાર સાથે પૃથ્વીના પ્રભુ પતિનું મુખદર્શન ન થવાથી વિરહિણી દૃષ્ટિ ખંડમાં ફરવા લાગી. ઇષ્ટની પ્રાપ્તિથી ઉલ્લસિત થતી હાસ્ય વેરતી સુંદરી ઊઠી. તેના મધુર કંઠસ્વરથી ખંડ, ભક્તે વગાડેલી ઘંટીથી ગાજતા દેવમંદિર જેવો લાગ્યો. દેવમંદિરને મલિન કરતો પિશાચ રાત્રિના ઉજાગરાથી અને દુષ્ટ વિકારના પ્રબળ વેગથી ભયાનક લાગતો હતો. સ્નેહ, વિશ્વાસ, નિર્દોષતા, તારુણ્ય, વૈભવ વગેરેના રસમાં નિમગ્ન દેવકન્યાને જોતાં જ અડદ છાંટવાથી ભૂત ભાગે તેમ અરણિકુમારના વિકારનો પ્રવાહ પાછો હઠ્યો. સૂતી હતી ત્યારે નિર્જન શૂન્ય લાગતા ખંડને પોતાની ગતિથી, સંગીતથી અને આંખોના નૂરથી, અખંડ રાસથી ચેતનવંતા ગોલોકમાં ફેરવી નાંખ્યો ન હોય એવું અરણિકુમારને લાગવા માંડ્યું. નિત્યનિયમ પ્રમાણે પ્રાતઃકાળના ક્રમથી પરવારી સ્વર્ણસુન્દરીએ ખંડે ખંડે વિરાજતી દેવમૂર્તિઓની કરમાયેલી માળા કાઢી ફેંકી દીધી અને તાજી પહેરાવી. પોતાના પતિદેવતાના હૃદયમાં પેઠેલા રાક્ષસને દેવ કરવાનું ચૂકી ગઈ; પણ અજાણ્યાનો દોષ શો? – સર્વત્ર ધૂપ કર્યો. પોતાના જીવનનું સૌરભ જાણે ઓછું પડતું હોય તેમ પુષ્પ અને ધૂપથી ખંડ સુવાસિત કરી દીધો. નિત્યના વ્યાપારમાં લીન થયેલીથી ખરો પતિવ્રતા ધર્મ ન સચવાયો. પતિનું દ્વિતીય હૃદય છતાં – પતિના જીવનપ્રવાહમાં પોતાનો જીવનપ્રવાહ ભેળવ્યા છતાં તે હૃદયપ્રવાહમાં આવેલા સર્પની ખબર એને ન પડી. શિરામણ કરવા બેઠા ત્યાં પતિના વર્તનમાં સહેજ ફેર લાગ્યો. પણ હોય એવા ફેર તો રખડપટ્ટીની નોકરી અને વિવિધ કામ કરવાનાં એટલે સ્વભાવ નિરન્તર એકધારો ક્યાંથી રહે? તોપણ પતિની સ્વાભાવિક પ્રસન્નતા અને વિનોદશીલતા ઉત્તેજવા જતી હતી એવામાં રાણીસાહેબના કામદારની ચિઠ્ઠી લઈ સવાર આવ્યો. રાજમહેલમાં અત્યારે સવારના પ્હોરમાં ઇજનેરસાહેબની ખાસ જરૂર પડી હતી. ઉતાવળે શિરાવી સજ્જ થઈ અરણિકુમાર નોકરી પર ચડ્યો. સ્વર્ણકુમારી ઘોડે ચડી હિમાની સાથે નદીકાંઠે ફરવા જવા ગઈ.
*
રસપટ્ટણની પશ્ચિમે વિશાળ ઘુઘવતી ખાડી છે. પશ્ચિમોત્તર કોણમાં સમુદ્રના જલથી પખાળાતી ધાર છે. અરણિકુમારની મોટરસાઈકલ જેમ જેમ ગિરિ પર ચડતી ગઈ તેમ તેમ રાજમહેલ અને પાછળ પથરાયેલો દરિયો – તેમ જ બન્ને ઉપર વિસ્તરેલું આકાશ દૃષ્ટિપથે આવવા માંડ્યાં. અપરિચિત સ્થળે જતાં ક્રમે ક્રમે થતાં દર્શનથી આશ્ચર્યાનંદ અનુભવાય છે તેવો આનંદ અતિપરિચિત સ્થાનો નિરખતાં અરણિકુમારને થવાનો સંભવ નહોતો. કદાચ ચોમાસાથી મરકતમય થયેલી ભૂમિ અને નવલરસથી કિશોરાવસ્થાની મુગ્ધ નિર્દોષતામાં મહાલતી વનસ્પતિ કે આકાશમાં સૂર્ય અને વાદળીની થતી ક્રીડા અને સમુદ્રમાં તેથી પ્રભા અને છાયાથી રમાતી ક્રીડા કે શાંત સરોવર જેવી ખાડીમાં રાક્ષસ જેવી ઊભેલી એકલવાઈ આગબોટને નિહાળવાથી કુતૂહલ ઉદ્દીપન પામત પણ દૃષ્ટિ સ્વતંત્ર નહોતી; નિકટનો વ્યાપાર મંદ કરી, સ્થલકાલના અંતરાય ભેદી, ગઈ સંધ્યાના પ્રસંગ સ્મૃતિ દ્વારા ઇશ્કના આતશથી પ્રેરાઈ હજીયે નિહાળતી હતી. કુદરતની લીલા માટે હૃદયમાં આવકાર નહોતો કારણ કે તે હિમાનીથી ભરાઈ ગયેલું હતું. સંત્રી, પટાવાળા, દાડિયા વગેરેની સલામો ઝીલતો વિહંગમંદિર આગળ જઈ પહોંચ્યો ત્યાં રાણીસાહેબ ઊભાં હતાં. શોભનપિચ્છ અને મધુરકંઠી પંખીઓને પોતાની જાતિદેખરેખ નીચે રાતબ અપાવતાં હતાં. તેમની ખુરશીની આસપાસ ધોળાં હરણો ગેલ કરતાં હતાં; એક જબરો શિકારી કૂતરો સૂતો સૂતો થાક ઉતારતો હતો. ગલૂડિયા જેટલો એક નાનો કૂતરો એક ખવાસણના હાથ પર લાડતો હતો. યૌવનની પૂર્ણિમામાં ગરાસણી સોળે કળાએ ખીલી રહી હતી. શરીર કદાવર અને કસાયેલું હતું. આંખો તીક્ષ્ણ, મોટી, રૂઆબી છતાં ઇશ્કી હતી. ભમરની કમાન, નાકનું અણિયાળું ટેરવું, હોઠની કમાન અને હડપચીનો સુઘટિત ઘાટ કંઈકંઈને વિહ્વળ બનાવી દે એવાં હતાં. ફ્રેંચ રેશમનો ઘાઘરો અને પોલકાશાઈ કમખો પહેર્યાં હતાં. ઉપર કોઈમતૂરી આસમાની પછેડો ઓઢ્યો હતો. કાનમાં હીરામાણેકના કાપ હતા, કંઠમાં મોતીની ત્રણચાર અને પાનાની માળા હતી. હાથમાં હીરા–નીલમની બંગડી, આંગળીએ હીરાની વીંટી અને પગમાં માણેક-નીલમનાં જડાવ સોનેરી કડલાં મખમલની સપાટ ઉપર પહેરેલાં હતાં. ઈજનેરે સ્વામિનીને નીચા નમી જય જય કર્યા. ડોક સહેજ નમાવી રાણીએ પ્રતિસત્કાર કર્યો. પ્રતિસત્કારમાં શિષ્ટાચારથી કંઈક અધિક અરણિકુમારને લાગ્યું. રાણીની આંખમાં તરવરતું તેજ અને હોઠ પર રમી રહેલું સ્મિત અપૂર્વ લાગ્યાં. સ્વર્ણસુંદરી કે હિમાનીના સૌંદર્યથી પણ વિશેષ આકર્ષક – મોહક રાણીનું રૂપ લાગ્યું. એક ક્ષણ બન્ને મૂંગાં રહ્યાં. ચતુર સ્ત્રી સમજી ગઈ કે જાળમાં શિકાર સપડાયો છે. ધાર્યો પાસો સત્વર પડવાથી ઉલ્લાસ અને તે પણ ઇશ્કનો ઉલ્લાસ તેને અરણિની આંખમાં વિશેષ અને વિશેષ મોહક બનાવવા લાગ્યો. કંઠ, અંગની ગતિ અને તે બન્ને દ્વારા આવિર્ભાવ પામતા હાવભાવોથી રાણીએ અરણિકુમાર પર પડેલો પ્રભાવ સ્થાયી અને પ્રબળ કરવા બનતું કર્યું. વિહંગમંદિર આગળથી રાણી, ઇજનેર અને વડારણ રાજમહેલમાં ગયાં. માર્ગમાં રાણીએ સ્વર્ણસુંદરીની ખબરઅંતર પૂછી; પોતાની વાડીમાં બંધાતું મંદિર ક્યારે પૂરું થશે તે જાણવા ઉત્કંઠા પ્રગટ કરી. વાત કરતાં દૃષ્ટિનાં, શબ્દનાં, શબ્દના ગર્ભમાં રહેલા ધ્વનિનાં અને સ્મિતનાં એવાં બાણ મારતી હતી કે અરણિકુમાર છિન્નભિન્ન થતો હતો. ચિત્તની સ્વસ્થતા, આવ્યો ત્યારે તો ચલિત હતી પણ હવે તો વિહ્વળ અને તોફાની થવા માંડી હતી. જે કામે બોલાવ્યો હતો તે જણાવે તો પતાવી આ ‘ગુલબંકાવળી’થી દૂર ભાગી જાઉં એવું એને થયું. પણ રાણી મુદ્દાનો પ્રસંગ છેડવા કરતાં આડીઅવળી વાતો કર્યા કરતી. રાજમહેલમાં પોતે નવી મંગાવેલી વસ્તુઓ બતાવતી, તેમની તારીફ કરતી અને અરણિકુમાર પાસે પ્રશંસાતિશયની અપેક્ષા રાખતી રાણી તેને સમુદ્રકાંઠે પડતી બારી આગળ લઈ ગઈ. બન્ને એકલાં જ હતાં. જાણીજોઈને કે કામને લીધે વડારણ બીજા ખંડમાં ગઈ હતી. ‘ઇજનેરસાહેબ, તમને વિશ્વાસુ ધારી ગુપ્ત કામ સોંપેલું છે.’ રાણીએ ગુફતેગો શરૂ કરી. શૃંગારી પ્રભાવમાં અવલંબન, વિશ્વાસની અધીરાઈ અને ઈંતેજારી અને કંઈક સંકોચ ભળ્યાં હતાં. ‘નિરાંતે સોંપો. ઇચ્છા હશે તેમ કરવા તૈયાર છું.’ અસ્વસ્થ અરણિકુમારે અર્ધસ્પષ્ટ – શિથિલ ઉત્તર વાળ્યો. આસપાસ નજર કરી, ખંડની નિર્જનતાની ખાતરી કરી, રાણીએ ગુપ્ત કાર્ય સોંપ્યું. ઇજનેર દગો તો નહીં દેને અને ધાર્યા પ્રમાણે કાર્ય સિદ્ધ કરી આપશે ને એવા દિલમાં ઊઠતા સંશયોને સંતોષવા ઇજનેરના મોં પર સંભેદક(piercing) દૃષ્ટિ ભોંકી. ‘તમારી મહેનતનો ઘણો સારો બદલો વાળીશ.’ રાણી રાણી મટી સ્ત્રી થતી જતી હતી. ‘ઘણો સારો’ શબ્દો બોલતાં કંઠ કંપ્યો હતો. ‘આપનો હુકમ ઉઠાવવો એ મારી ફરજ છે. નોકરને ઇનામ અકરામની લાલચ કરતાં સ્વામીનો વિશ્વાસ કર્તવ્યમાં પ્રેરવા બસ છે.’ વિકારના કેફમાંથી ખુંખારી અરણિકુમારે પોતાનું ખાસ તુખમ વિનયથી પ્રકાશ્યું. ‘જોજો મહારાજાસાહેબ કે દીવાનસાહેબને પણ ખબર નહિ પડે. તમારાં વહુથીયે છાનું રાખજો.’ અતિશય આર્જવથી રાણીએ વિનવણી કરી. અરણિકુમારે સ્ત્રી થયેલી રાણીને પુરુષના પ્રભાવથી રહસ્ય ગુપ્ત રાખવાની સંપૂર્ણ ખાતરી આપી. બારીથી પાછા વળી ખંડદ્વારમાંથી બહાર નીકળતાં સામેના આયનામાં પોતાની પાછળ અનિમિષ નજરથી રાણી જોતી હોય એવું જણાયું. વીજળીના આંચકાની પેઠે એની નજર પણ પાછી ફરી, રાણી પાછળ જ ઊભેલી. મળી દૃષ્ટોદૃષ્ટ.
[૩]
અરણિકુમાર અને સ્વર્ણસુંદરી ગયાં એટલે ગંધરાજ ‘ઑફિસ’માં જઈ ટપાલ વાંચવા બેઠો. હિમાની પાસેની ખુરશી પર બેસી સિતાર વગાડવા માંડી. આરામ, વિનોદ, સ્નાન, ભોજન અને સ્વજનની વહાલસોઈ માવજત અને સમાગમથી તેની રૂઝ મટી ગઈ હતી. સાંજે ઝાડેથી પડી જ ન હોય એવું એના ઉત્સાહ અને ઉલ્લાસથી લાગતું હતું. સ્વર્ણસુંદરી નિજગૃહે ગઈ અને પતિ નિત્યવ્યવહારમાં રોકાયા હતા ત્યારે ઉત્સાહ અને ઉલ્લાસ કેવી રીતે ઝીલનાર વગર આવિર્ભાવ પામે? સિતારના તારોમાંથી હૃદયમાં વસતા ભાવો જગવી સોબતની ગેરહાજરીથી લાગતી ન્યૂનતા નિવારી લેતી હતી. હૃદયમાં ઊંડું ઊંડું એવું થતું કે પતિ અમલદારી કામમાંથી હમણાં પરવારશે અને પોતે માણતી રસિક મોજમાં સામિલ થશે. ગંધરાજને હિમાનીનું વાદન હરકત ન કરતાં મંદમધુર વાતાવરણથી આવરી લેતું હતું અને હિમાનીના ઉલ્લાસને ઉત્તેજિત રાખતું હતું. ધીમે ધીમે વાદનમાં જ હિમાની તલ્લીન થઈ ગઈ. ભાવનું પૂર ઊભરાવા લાગ્યું. મસ્તીનો બહાર જામવા લાગ્યો. ગંધરાજ ખંડમાં છે તેનું જેમ ભાન ન રહ્યું તેમ આનંદના લહાવામાં સહભાગીની પણ અપેક્ષા જતી રહી. મંદિરમાં દેવ સમક્ષ ભક્તિમાં ગળી ગયેલી કન્યા, સંગીત દ્વારા ભજન કરતી, પ્રકૃતિ કે મનુષ્યસમૂહ – અરે દેવમૂર્તિ સુદ્ધાંને વિસરી પોતાના જ તાનમાં ગુલતાન – એકરસ થઈ જાય, અંતરના વ્યાપારોમાં સર્વે બાહ્ય ઇંદ્રિયવ્યાપારો અસ્ત પામી જાય એવું હિમાનીને જોતાં ગંધરાજને લાગ્યું. હૃદયેશ્વરીના આવા અધ્યાત્મ સ્વરૂપથી ઉલ્લસિત કે પ્રસન્ન થવાને બદલે કાગળો લખતાં લખતાં ગંધરાજે ઊંડો નિસાસો મૂક્યો. વસંતના કલ્હારમાં મદોન્મત્ત કૂજતી કોકિલા પર વીજળી પડે એવું હિમાનીને થયું. સિતાર હાથમાંથી પડી ગયો. સફાળી ખુરશી પરથી ઊઠી હૃદયનાથને કંઠાશ્લેષ કરતી, સ્નેહની ઉષ્માથી હૂંફાળી કોમળ હથેળી પતિના મુખ પર ફેરવતી આંખોમાંથી અજબ સ્નેહ તે વરસાવી રહી. ઉલ્લાસ ઊડી ગયો. પણ વિક્ષેપ માટે ગુસ્સો કે ખીજવાટ જન્મ્યાં જ નહિ; ઊલટું ચિંતાતુર થઈ પતિના નિસાસાનું કારણ નિર્મૂળ કરવા તત્પર થઈ. ‘મારા રાજ! કઈ નવી ચિંતાથી વ્યાકુળ થયા છો?’ છાતીમાં ગંધરાજને સમાવી દેતી હિમાનીએ વ્યગ્ર હૃદયે પ્રશ્ન કર્યો. ‘ખેડૂતોની નિકૃષ્ટ દશા મારું લોહી ઉકાળી મૂકે છે – આવી સ્નેહાળ દયિતાને તેના દોષ-ન્યૂનતા માટે અપરાધિની ઠેરવાય ખરી?’ ઉત્તર આપતાં અગાઉ ગંધરાજના દિલમાં નિસાસાના પ્રાયશ્ચિત્તરૂપે સંશય ઊઠ્યો. ‘રાજ! ખેડૂતોના પ્રશ્નથી તમે હંમેશ ચિંતાક્રાંત છો પણ અત્યારે તે ચિંતાથી નિસાસા મૂકવા જેટલા ભગ્નાશ કેમ થયા? કંઈ નવું પ્રકરણ જાગ્યું છે?’ પતિના ખભા પરથી ગરદન નમાવી, પતિની આંખ સાથે પોતાની આંખનું તારામૈત્રક રચી, પતિના દુઃખથી દુઃખી થયેલી હિમાનીએ મધુર, કંપતા સ્વરે પ્રશ્નો પૂછ્યા. ગંધરાજના હૃદયને છિન્નભિન્ન કરતો વ્યાધિ દયિતાના સ્નેહની સુધાથી કંઈક ધ્વસ્ત થતો લાગ્યો. માનવદુઃખથી થતો ખેદ, તે દૂર કરવામાં નડતા અંતરાયોથી થતી હતાશા, સૂર્યપ્રકાશથી તિમિર અને ઠંડી નાશ પામે તેમ સ્નેહના અભિષેકથી ઘડીભર અલોપ થયાં. ગંધરાજ પરદુઃખથી દુખિયો થતો થતો હૃદયેશ્વરીના હૃદયમાં લીન થઈ ગયો. સંસારમાંથી સ્વર્ગમાં સરી ગયો. શરીરનાં બંધનો તોડી આત્મા સ્નેહપ્રેર્યા એકએકમાં સમાઈ જાય છે ત્યારે કાળ પણ થંભી નથી જતો? સ્નેહની સમાધિ કેવા ભવ્ય અનુભવ કરાવે છે તે સ્નેહયોગી સિવાય કોણ કહી શકશે? મધ્યરાત્રિએ રોન ફરવા નીકળેલા સિપાઈઓ સાથે ચોકીદાર આલબેલના ધ્વનિ પ્રતિધ્વનિ જગાવવા લાગ્યા ત્યારે જ દંપતીને લાગ્યું કે સ્નેહને કાલની ગતિ રુદ્ધ થયેલી લાગતી હશે પણ વસ્તુતઃ તે અપ્રતિહત વહી જ જાય છે. સંસારમાં સ્થિતિ છે ત્યાં લગી તેનાં બંધનોને વશ થયા વિના છૂટકો ન હોવાથી દંપતી નિદ્રાધીન થયાં. ગંધરાજને સૂતાં જ ઊંઘ આવી પણ તે કુદરતી ઊંઘ નહોતી. થાકેલું શરીર બળવો કરી આરામ લેવા મથતું હતું. નિતાંત શાંતિ અને ક્ષોભશૂન્યતા જરૂરનાં છતાં મળતાં નહોતાં. મગજમાં પડેલી છાપો અન્યોન્યમાં ભેળસેળ થઈ એવું વિચિત્ર જગત ઉપજાવતી હતી કે સ્વસ્થતા પણ વિહ્વળ થઈ જાય. સ્તબ્ધ ઇંદ્રિયવ્યાપારોથી ગંધરાજ નિદ્રિત લાગતો પણ મગજમાં ભયંકર ભૂતાવળ ઘૂમતી હતી. વ્યાધિથી જન્મતી ભૂતાવળથી ત્રાસતો રોગી સ્વસ્થ થવા પછાડા મારે છે તેથી પણ વધારે મનોબળ વાપરી આકુળવ્યાકુળ કરતી ભૂતાવળને ભસ્મસાત્ કરવા ગંધરાજ પ્રયત્ન કરતો હતો. દેશજનની અવનતિથી થતો ઉદ્વેગ નિરંતર ભડભડ બળી આકુળવ્યાકુળ કરતો પણ આજે તો કોઈ વિચિત્ર માયાવી સૃષ્ટિ પરપોટા પેઠે પરંપરામાં ઊઠતી અને મુંઝવતી હતી. કલાક દોઢકલાક આમ પડી રહ્યો પણ આખરે કાયો. પથારીમાંથી ઊઠ્યો. પત્ની ભરનિદ્રામાં હતી. મુખ પર સ્ફૂરી રહેલું તેજ ગંધરાજને અસૂયાક્રાંત કરતું હતું. ‘મારા સ્વાર્થ ખાતર હિમાની! તને તારા ઉપવનમાંથી દારુણ અરણ્યમાં ખેંચી લાવવા શા માટે પ્રકાંક્ષુ છું? તારું સરળ, સાત્ત્વિક, સ્નેહાળ જીવન તને મુબારક રહો! જગતનું દુઃખ ઓછું કરવા મેં વ્રત લીધું છે તો આ સુખી સુંદરીને દુઃખી કરવા કેમ તલસું છું? ઉપભોગમાં સાથી જોઈએ – પણ યજ્ઞમાં તો જાતે જ હોમાવું જોઈએ! ઈશ્વરની સૃષ્ટિ વિશેષ સુંદર કરવા નિમિત્ત થવું છે – ઈશ્વરની ઇચ્છા સિવાય નિમિત્ત પણ થઈ શકાતું નથી તો પછી અન્યને પણ નિમિત્ત થયેલું જોવાની અસ્વાભાવિક ઊર્મિ કેમ ઊઠતી હશે? મારાં ધન્યભાગ્ય કે આવી સુશિક્ષિત અને સ્નેહાળ સખી મળી છે. મળેલા હીરાના અનુપમ તેજથી રાચવા કરતાં તેમાં લાંછન આરોપી તેને સરાણે ચડાવવા કેમ ઉદ્યુક્ત થાઉં છું? વિદ્વત્તા, અનુભવ! ખુલાસો કરશો કે પ્રશ્ન અનુત્તર જ રાખશો? શયનખંડનાં દ્વાર ઉઘાડી વરંડા પર આવ્યો. ત્યાંથી ઊતરી બગીચામાં ફરવા લાગ્યો. ઉપર આકાશ અસંખ્ય તારાથી ખચિત હતું. વાડીમાં ઊઘડતી કળીઓ રાત્રિના શીત પવનને પરિમલમય કરતી હતી. વિશ્વની અનંતતા અને નિઃસીમતા(immensity) અનુભવતાં, ટૅનિસનનું વિશાલતા(Vastness)નું કાવ્ય યાદ આવ્યું. ક્ષણછવી મનુષ્યજંતુના ક્ષુલ્લક પ્રયાસો કેવા નિર્બળ અને નિરર્થક છે! અનંતતાના પ્રમાણમાં એ ખરું છે છતાં મનુષ્યે પોતાને ઈશ્વરથી મળેલી શક્તિઓનો સદુપયોગ કરી સૃષ્ટિમાં મહત્ત્વના સુધારાવધારા કર્યા છે. ભલે વિશાળતામાં નિર્બળ અને નિરર્થક લાગે પણ અત્યારના નિકટવર્તી સંકુચિત પ્રદેશમાં તો સર્વે શુભ પ્રવૃત્તિ સમર્થ અને સાર્થક છે. મનુષ્યમાં ઈશ્વરનો અંશ છે – ભલે વિશાળ વિશ્વમાં મનુષ્યનું સ્થાન અલ્પ હોય પણ દિવ્ય અગ્નિથી સળગતો એ સ્ફુલ્લિંગ છે. ઈશ્વરી સંકેત સિદ્ધ કરવા ઈશ્વરેચ્છા પ્રમાણે એ સાધન થાય છે. મનુષ્યજીવન નિરવધિ નથી – ક્ષણિક છે માટે જ સત્યપ્રવૃત્તિલીન હોવું જોઈએ.’ હૃદયના ધબકારા જેવાં પગલાં પાછળ આવતાં સંભળાયાં. પાછું વાળી જોતાં ઝડપથી આવતી હિમાની દેખાઈ. ‘કેમ રાજ! તબિયત બગાડવી છે કે શું? મોડાં સૂતે છતાં આટલા વહેલા ઊઠી બગીચામાં કેમ ફરવા માંડ્યું છે? વહાલા! શું થાય છે તમને?’ ગંધરાજની બરાબર સામે ઊભી રહી તેનો ખભા પર હાથ મૂકી હિમાની ચિંતાકુલ, આંખ તેના ઉપર પાથરી રહી. ‘કર્તવ્યની પ્રતીતિ થયા પછી કર્તવ્યવિમુખ રહેવું ધર્મ્ય છે? દુઃખ, આધિ, અવનતિ ઘટાડવા જીવનની ક્ષણેક્ષણ વાપરવી જોઈએ ત્યારે નિદ્રા, આરામ, વિલાસ, વૈભવ તુચ્છકારવાં જ જોઈએ ને? પાણીના રેલા પેઠે વર્ષો વહી જાય છે – જિંદગીની અવધ ટૂંકાતી જાય છે.’ ‘પણ તમારો કાર્યક્રમ વ્યવહારુ કે તત્કાલમાં સિદ્ધ થાય એવો ન હોવાથી તમે પ્રવૃત્તિશૂન્ય છો એવું નથી લાગતું? પરિસ્થિતિથી તમારા આદર્શની સિદ્ધિ મર્યાદિત તો શું પણ કુંઠિત થાય છે એટલું સમજો તો તમારી પ્રવૃત્તિસ્તબ્ધતા તમને નહિ સાલે.’ બંને સાથે ચાલતાં ચાલતાં વૃક્ષવીથિઓમાં હૃદયમાં નિવાસતા ભાવોને ઉદ્ગાર આપવા લાગ્યાં. નિદ્રા ઊડી ગઈ. શરીર પણ મનને તાબે થઈ થાકથી શિથિલ થવાને બદલે અપાર્થિવ શક્તિથી પ્રસન્ન અને સબળ થઈ ગયું. દંપતી ગોષ્ટિમાં એવા મશગુલ થઈ ગયાં કે પ્રકૃતિનું સ્વાભાવિક કે મનુષ્યરચિત સૌન્દર્ય તેમની ઇંદ્રિયો પર સહેજ પણ પ્રભાવ પાડી શકતું નહોતું. સ્પર્શ વિના બે શરીર સાથે ચાલતાં હતાં પણ મન અને અંતઃકરણ જેવા વિશ્વાસ અને અન્યોન્યાશ્રયથી જીવનનો મહાપ્રશ્ન ઉકેલવા મથતાં હતાં. ‘હિમાની! પરિસ્થિતિનું એ બહાનું છે. પરિસ્થિતિને શરણ થવામાં નહિ પણ અનુકૂળ કરી લક્ષ્ય પ્રાપ્ત કરવામાં જ મનુષ્યત્વ છે. કર્તવ્ય સાધવા આગ્રહી ઇચ્છાશક્તિ અને સુખોપભોગ ત્યજવાનું સંકલ્પબળ હોય તો પછી અસાધ્ય કશું જ નથી.’ ‘સામાન્ય રીતે આ સૂત્રો સાચાં છે પણ રાજ! તમારી જીવનચર્યા અને કર્તવ્યક્ષેત્રની પરિસ્થિતિનું વિશાળ ગંભીર આલોચન કરતાં મને અમારું લક્ષ્ય અનેકધા અપ્રાપ્ત રહેવાનો ભય રહે છે. ઉત્સાહથી ઉન્મત્ત ન થાઓ પણ તમારા જીવનના નાનામોટા પ્રસંગો તપાસો. વીજળીના ચમકારા જેમ તમે અનેક કામો ઉપાડો છો. એક પાર ઊતર્યું નથી ત્યાં તમારો મોહ—’ ‘મોહ! હિમાની! મારા હૃદય! તું પણ જગતની પેઠે જ મારો ઈન્સાફ કરશે?’ ‘મારી પાસે ઈન્સાફ કરવા કરતાં તમારાં અંતઃકરણ બુદ્ધિ અને હૃદય પાસે તમારા જીવનનો ન્યાય કરાવો. એમનો અને મારો ચુકાદો જુદો નીવડે તો પછી આવી ફરિયાદ કરજો.’ ‘હિમાની! માફ કર મારા અન્યાયી આક્ષેપને. મારું દિલ તને પારદર્શક ન હોય તો કોને હોય? દુર્યોધનની જાંઘ જેવું મારા જીવનનું દૂષણ તેં પકડ્યું છે. પણ ભૂતકાળમાં સાથે આવીશ? સ્નેહથી આપણું જીવન અન્યોન્ય પ્રતિ આકર્ષાયા પછી મેં તારાં અને મારાં લક્ષણોનો મુકાબલો કર્યો હતો. મારી ઘણી ન્યૂનતાઓ તારાથી પુરાતી જોઈ મારી જાતને મેં ભાગ્યશાળી લેખી હતી.’ બોલતો બોલતો ગંધરાજ મીઠી અનિમિષ દૃષ્ટિથી હિમાનીને નિહાળતો હતો. ‘મારી ઇચ્છાશક્તિ નબળી છે, દૃઢ નથી, પણ તારી છે. મારો ઉત્સાહ ઓસરે ત્યારે તારા આગ્રહથી અને કાર્યકુશળતાથી મારા માર્ગમાં મને તું ટકાવી રાખીશ એવો ભરોસો મને છે.’ તરવારનો ઝાટકો વાગ્યો હોય એવું પતિના છેલ્લા શબ્દોથી હિમાનીને થયું. પોતાથી પણ દોષ થયો છે એવું ભાન થતાં પસ્તાઈ પણ દોષનો સ્વીકાર કરવો એ સહેલું નથી. તેનો નિષેધ કરવા અથવા પ્રતિદોષ આરોપવા એકદમ ઊર્મિ ઊઠે છે. ‘રાજ! સારો રસ્તો લીધો. પોતાનો વાંક બીજા પર ઢોળવાથી તમે પોતે મુક્ત નથી થતા.’ ‘મારા ગુનામાંથી હું છટકવા નથી માગતો પણ તે થવાનું એક અંશીભૂત કારણ બતાવું છું. સૌએ પોતપોતાની જ પાંખે ઊડવાનું છે.’ ‘તો રાજ! સ્ત્રી-પુરુષને પક્ષીની બે પાંખની કેમ ઉપમા આપી હશે?’ ગંભીરતાના પ્રસંગે આ મોજિલી સુંદરીને ટીખળ કરવાનું મન થયું. તેના સ્વભાવથી પરિચિત ગંધરાજ ક્ષોભ ન પામતાં ખડખડ હસ્યો. વાતો કરતાં કરતાં લતાકુંજમાં એકાન્તમાં આવી પહોંચ્યાં હતાં. સ્નેહીઓનો સ્નેહ આવિર્ભાવ પામ્યો. ‘ઘણીવાર સાલતો તારો વિનોદી સ્વભાવ અત્યારે મને વિશેષ ઉત્તેજિત કરે છે. રાત્રે સિતાર પરના તારા રમ્ય વાદનથી તારું વિલાસમગ્ન જીવન નિહાળી મેં નિસાસો મૂક્યો હતો.’ ‘હો હો! આખરે કારણ બહાર આવ્યું ખરું! તમારા નિસાસાએ મને ગભરાવી દીધી હતી.’ હાસ્યમાં ગંભીરતા પ્રવેશતી હતી. વિચારમાં ધીમે ધીમે સંક્રાન્ત થતી બોલી : ‘ઇષ્ટપ્રાપ્તિ અશક્ય હોય ત્યારે કુંજરા જેવું મ્લાન નિસાસીઉં જીવન ગાળવા કરતાં સંસારમાંથી મળે તેટલા સુખવિલાસ શા માટે ન માણવા?’ ‘એક ઇષ્ટપ્રાપ્તિ અશક્ય હોય તો શક્ય ઇષ્ટપ્રાપ્તિની સંખ્યાનો પણ સુમાર નથી.’ ‘મૂળમાં રોગ હોય ત્યાં ડાંખળીપાંદડાંમાં વ્યાપેલો વ્યાધિ નષ્ટ કરવાનો મિથ્યા પ્રયત્ન મારાથી નથી થતો. ગુજરાતના નકશામાં જ્યાં લગી સર્વત્ર લાલ રંગ નહીં થાય – પીળો ભાગ માત્ર જતો નહીં રહે ત્યાં લગી ગુજરાતનો ઉદ્ધાર નથી.’ સાચા આવેશથી બોલી. છાતી ધબક ધબક થતી હતી. આંખો આતશી નૂરથી સળગી રહી હતી. ‘તત્કાલમાં સિદ્ધ ન થાય એવા અવ્યવહારું લક્ષ્ય પર તમે પણ નિશાન નથી માંડ્યું?’ ‘અવ્યવહારુ? નિખિલ ભારતવર્ષ એક છત્ર નીચે આવી ધર્મ અને સમાજના જીવનમાં જેવું ઐક્ય સાધ્યું છે તેવું જ એકરસ રાષ્ટ્રીય જીવન સાધે એ ઈશ્વરનો સંકેત છે. પ્રસંગો(events) માત્રની ગતિ એ જ લક્ષ્યપ્રતિ છે, એ ગતિને વેગ આપવામાં કે રુદ્ધ કરવામાં કર્તવ્ય પળાય છે?’ ‘દેશી રાજાઓને તે ઉન્નત કરવાથી એ ગતિ વેગવંતી જ થવાની.’ ‘ભારતવર્ષના રાષ્ટ્રીય ઐક્યને દૃષ્ટિમર્યાદામાં રાખી એ ઉન્નતિ થાય એ શક્ય જ નથી. નાનાવિધના સ્વાર્થો ઉન્નતિગામી પ્રયાસોને ઊગતા જ બાળી નાંખશે. રાષ્ટ્રીય સેવા કરવી હોય તો ચાલો બ્રિટિશ રાજ્યમાં.’ ‘ગુજરાતનો નકશો જ્યારે જ્યારે જોઉં છું ત્યારે ત્યારે પીળાશમાં ભાત પાડતો લાલ ગલનો રંગ સર્વત્ર પ્રસરે એવો સંભવ હાલની વસ્તુસ્થિતિ જોતાં ન હોવાથી દેશી રાજ્યોના ઉદ્ધારમાં જ ગુજરાતનો ઉદ્ધાર છે એવી મને પ્રતીતિ થઈ છે. વળી રાષ્ટ્રીય જીવનની દરેકેદરેક પાંખડી ખીલવવી હોય તો દેશી રાજ્યો તરફથી જેટલાં આશ્રય, ઉત્તેજન અને સાહાય મળશે તેટલાં બ્રિટિશ રાજ્યમાં મળવાનાં નથી.’ ‘આ બધી મૃગતૃષ્ણા છે. રાજ! તમને તમારી વિદ્વત્તા કે દેશદાઝ ફસાવે નહિ, તે સંભાળજો. ‘દેશી રાજ્ય’ એ શબ્દો મોહક છે પણ વસ્તુતઃ નિરીક્ષણ કરતાં એમનાં અલ્પાધિક ક્ષેત્રફળો, વસ્તી, ઊપજ, સત્તા અને સંસ્કૃતિથી ઊભી થયેલી નાના પ્રકારની દીવાલો અને એ દીવાલોની અંદર મદોન્મત્ત મહાલતા એવા વારસામાં મળેલા હક્કો જ(Vested interests) દૃષ્ટિગોચર થાય છે. આ સ્થિતિ તમારાં સ્વપ્નાં તાદૃશ કરવા સમર્થ છે?’ એકીટશે હિમાની ગંધરાજ તરફ જોઈ રહી. ‘કાર્ય વિકટ હોય તેથી સિદ્ધ નહીં થશે એવું શા માટે માનવું? આ ચાર વર્ષમાં ભણતરને અનુભવનો પટ બેઠા છે. મહાપ્રાસાદ ન ચણાય માટે તે સારુ એક ઈંટ પણ ન પકવવી? અવ્યવહારુ ઉતાવળું(Rash) પગલું ન લેવાય એટલા ખાતર તો આટલાં વર્ષ વસ્તુસ્થિતિના અંશાંશથી વાકેફ થવામાં ગાળ્યાં. પુસ્તકગ્રથિત યોજનાઓને લોકગમ્ય કરવા જોઈતાં દૃષ્ટિબિંદુ, અનુભવ, સલાહ અને સામગ્રી મેળવ્યાં. કહે હવે શરૂ કરવું જ જોઈએ ને? રાહ કેટલી જોવી?’ ‘કેમ! હિમાની! આજ શાનું બન્નેએ જાગરણ ઊજવવા માંડ્યું છે?’ લતાગૃહમાં સ્વર્ણસુંદરીએ આવી પ્રશ્ન કર્યો. વાતમાં ને વાતમાં રાતે વીતી ગઈ, સૂર્યોદય થયો તેની દંપતીને બિલકુલ ફામ રહી નહીં. સવારે ફરવા જવા સ્વર્ણસુંદરી આવી ત્યારે પટાવાળા પાસેથી સહિયરને તેના પતિ સાથે બગીચામાં મધ્યરાત્રિથી ફરતી હોવાના સમાચાર જાણ્યા. ‘આવ બહેન! તું ગઈ એટલે જાગરણ ઊજવવું પડ્યું.’ ‘દહાડો ઘણો ચડી ગયો છે. હિમાની! ચાલો બંગલામાં. સ્નાન કરી લઈ ઉજાગરાનો થાક ન ચડવા દઈએ.’ સ્વર્ણસુંદરી દંપતીનાં મુખારવિંદ જોતાં જ અકલિત આનંદથી રોમાંચિત થઈ. લતાગૃહમાંની હવા પણ અપાર્થિવ લાગી. પ્રકૃતિના અનુપમ સૌંદર્યવતા મંદિરમાં જેવો ઈશ્વરસાક્ષાત્કાર થાય તેવો સાક્ષાત્કાર આ દંપતીની સંનિધિમાં આવતાં એને થયો. સર્વે લતામંડપમાંથી નીરવ નીકળ્યાં. ગંધરાજના હૃદયમાં સળગતા અગ્નિહોત્રનાં દર્શનથી હિમાની હર્ષિત થઈ હતી. દર્શને એના હૃદયમાં પણ અજબ વીજળી પ્રેરી હતી. બંગલાના ‘પોર્ચ’માં ઊભેલી ગાડીમાંથી ઊતરતી યુવતીને જોઈ ત્રણે સાથે સંબોધન કરી ઊઠ્યાં : ‘કોણ? હિંદ-ઉન્-નિશા? અચાનક ક્યાંથી?’
[૪]
પ્રો. નરનારાયણ રંગે કાળા અને શરીરે એકવડા હતા. બહુ ઊંચા નહીં તેમ નીચા પણ નહોતા. પગમાં હરણની ચપળતા હતી. આંખમાં સાધુતા અને પરમાર્થનું મધુર તેજ ભર્યું હતું. કપાળ પરની રેખાઓ સંકલ્પબળ સૂચવતી હતી. દૃઢતા, આગ્રહ અને નિશ્ચય હોઠની કમાનોમાં વણાયેલાં હતાં. શરીરનો ઘાટ સાદો તેમ રહેણીકરણી પણ સાદી – તપસ્વિની હતી. વડવાઓનો અગ્નિહોત્ર કુટુંબમાંથી બુઝાયો હતો પણ ધર્મપરાયણતાનો પ્રખર અગ્નિહોત્ર પ્રોફેસરમાં નિરંતર સળગતો હતો. ઓરડાના અંધકારમાં, ખાંચામાંથી આવતી દુર્ગંધમાં અને ફળિયામાં વાતો કરતી સ્ત્રીઓના તથા રમતાં છોકરાંઓના ઘોંઘાટમાં પ્રો. નરનારાયણ સંધ્યા કરતા હતા. ખંડમાં સર્વત્ર સ્વચ્છતા અને શાંતિ હતી. એવામાં દાદરે દુહો લલકારાયો. માસ્તર હૃદયલાલનો પ્રોફેસરે આંખના પલકારાથી સત્કાર કર્યો. સંધ્યામાં ભંગ ન પડે માટે માસ્તરે લલકારવું બંધ કર્યું. ટેબલ પર પડેલાં પુસ્તકો તપાસી એક લઈ હીંચકા પર માસ્તર બેઠા. પણ વાંચવામાં ચિત્ત પરોવાયું નહીં. રૂસો અને પેઈનના અનન્ય ભક્ત માસ્તર હતા. બાયરનની કવિતામાં લીન રહેતા અને સ્વાતંત્ર્યના નિખાલસ હિમાયતી હતા. પ્રોફેસરની સંધ્યા જોતાં માસ્તરને હસવું આવ્યું. એ હૃદય દંભથી પરાઙ્મુખ અને પ્રામાણિક હોવાની સંપૂર્ણ ખાતરી હોવાથી તિરસ્કાર કે જુગુપ્સા થયાં નહીં. ‘નરનારાયણનાં ઇચ્છાશક્તિ, બુદ્ધિ અને હૃદયને આવા બાલિશ કર્મકાંડનો નિરંતર શો ખપ પડતો હશે? વિદ્યા અને અનુભવથી એમનો ઉજ્જ્વળ વિકાસ થયા છતાં સંધ્યા જ કેમ અધ્યાત્મ જીવન ગાળવા આવશ્યક લાગી છે? પ્રોફેસર હજુ રૂઢિની ઘરેડમાંથી બહાર નીકળી શકતા નથી. રોજનો કેટલો વખત –’ ‘કેમ માસ્તર સાહેબ! શા વિચારમાં પડી ગયા છો? મારા જેવો પ્રોફેસર હજુ પણ આચમનીનું પાણી પીએ અને નાકનું ટેરવું પકડે એ તમને અજાયબી પમાડે છે?’ ભોળા, સરલ હૃદયના નરનારાયણે પૂછ્યું. ‘પ્રણાલિકા જૂની છે. બાકી અનુભવ પ્રચલિત રૂઢિથી ગમ્ય છે તેવો નથી. નિરંતર દિવસમાં બે વાર ઈશ્વર સાથે યોગ સાધું છું અને નવું ચેતન મેળવું છું.’ ‘પણ ભાઈ! ઈશ્વર સન્નિધિમાં છે એવું અનુભવી કર્તવ્ય સાધ્યા જવું એ જ સંધ્યા અને યોગ. આવા નિષ્પ્રયોજન કર્મપ્રસ્તાર વહેલાં નાશ પામે તો બહુ સારું.’ ‘આ નિષ્પ્રયોજન કર્મપ્રસ્તાર નથી પણ અત્યંત આવશ્યક વિધિ છે. આથી કર્તવ્યોનો હિસાબ પ્રભુસાન્નિધ્યમાં કરું છું – નવાં કર્તવ્યોની દિશા મેળવું છું અને કર્તવ્યો સિદ્ધ કરવાનું બળ જીવનમાં ભરાય છે.’ ‘બીજું કોઈ કહેત તો આ બધું ગપાષ્ટક જ માનત. સંધ્યા પછી તમારા શરીરમાં ઓર જ ઉત્સાહ ઘણીવાર અનુભવ્યાં છે.’ ‘કદાચ તમે ન માનો પણ આથીય વિશેષ અવર્ણનીય અનુભવ થાય છે. આત્મા અને પરમાત્માનો યોગ પાર્થિવ વાતાવરણને ભસ્મ કરી એવો આનંદમય મને કરી દે છે કે અખંડિત યોગ સાધી રાખવા જ વૃત્તિ થયા કરે છે.’ પ્રોફેસરની આંખમાં યોગીનું નૂર ચમકતું હતું. દાદર-બારીમાંથી ડોકું કાઢી જપાએ કાગળ ફેંક્યો. ‘ઓટલે પટાવાળો ઊભો છે.’ એટલું બોલી રાંધવા માટે તે નીચે ઊતરી પડી. કાગળ વાંચી પ્રોફેસર બારીએ ગયા. ‘સલામ કહેજો સાહેબને’ કહી પટાવાળાને વિદાય કીધો. બારીથી પાછા વળી કાગળ માસ્તરના હાથમાં મૂક્યો. ‘આપણા ભારતીમઠ માટે જે જગ્યા પસંદ કરી હતી તે ગરાસિયા. બૉર્ડિંગને જોઈએ છે. આપણે બીજી શોધવી પડશે.’ પ્રોફેસર સચિંત બોલ્યા. ‘એ રજપૂતો ત્યાં નડતા આવે છે. ચૉરણાઓનો સિતારો સિકન્દર છે.’ ‘હોય જ. રાજ્યકર્તા છે ને! મુસલમાનો સામે પોતાનું સર્વસ્વ હોમી દેશની જેવી તેવી સેવા એમણે નથી કરી.’ ‘દેશસેવા?’ માસ્તરનો પિત્તો ઊકળ્યો, ‘કુળસેવા કરી છે. ખરી. કુળાભિમાન જાળવવા મુસલમાન સામે તેઓ લડ્યા હતા. હાલમાં જ્યાં ત્યાં રજપૂતોને દેશપ્રેમી વીરપુરુષો ઠરાવી દેવામાં આવે છે પણ એ વાત સાવ ઇતિહાસ વિરુદ્ધ છે.’ ‘તમારો મત મારાથી નથી સ્વીકારાતો.’ પ્રોફેસર આગ્રહથી બોલ્યા : ‘લગભગ પાંચસો વર્ષ લગી રણયજ્ઞમાં જૌહરથી અને કેસરીયાંથી સ્ત્રીપુરુષોનો સતત હોમ કોણે આપ્યો છે? કુલાભિમાનથી કે દેશાભિમાનથી કે ધર્માભિમાનથી ગમે તે કારણથી એ હોમ અપાયો હોય પણ એ અવિરત આહુતિ પ્રશસ્ય નથી? ગૌરવપ્રદાયિની શા માટે ન લેખવી?’ ‘મારા કહેવાનું પારખું જોવું હોય તો હાલ મંડાયેલા દેશોન્નતિના યજ્ઞમાં એઓ કેટલું બલિદાન આપે છે તે જ જુવોને?’ ‘ભૂતકાળમાં અપાયેલી આહુતિ જેવી આહુતિ નવા યજ્ઞમાં નકામી છે. અર્વાચીન કાળમાં જે બળો ઉત્પન્ન થયાં છે તેમના પ્રભાવથી રજપૂતો અજ્ઞાન, ખોટી મોટાઈ, દુરાચાર આદિને લીધે અંકાયા નથી એટલે દેશોન્નતિના યજ્ઞમાં આહુતિ થવાની વાત આઘે રહી પણ યજમાન કે ઋત્વિજ પણ તેઓ થતા નથી. ઊલટા રાક્ષસ થઈ યજ્ઞનો ધ્વંસ કરશે એવું મારું તો માનવું છે.’ ‘હવે ઠેકાણે આવ્યા! આપણા બન્નેના મતનું ફળ એક જ છે.’ ‘ના ઘણો ફેર છે. એમના ભૂતકાળના ઇતિહાસની તમે અવગણના કરો છો – હું નથી કરતો. એમના અવળા પ્રારબ્ધયોગે અર્વાચીન યુગમાં તેઓ આપણા આગેવાન નથી થઈ શકતા એ આપણાં તેમ એમનાં દુર્ભાગ્યની વાત છે. જ્યારે એમનામાં જ્ઞાન ફેલાશે અને એમનું ખરું તુખમ પ્રજ્વલિત થઈ ઊઠશે ત્યારે રણક્ષેત્રમાં જેવા દેહોત્સર્ગ કર્યા હતા તેવા જ પ્રચંડ સ્વાર્થત્યાગ કરી ભારતવર્ષના રાષ્ટ્રીય જીવનને સબળ વેગ આપશે.’ ‘હવે આપ્યો! તુખમ જ બળ્યું છે ને! ખરા રજપૂત છે ક્યાં? હમણાં મારા મોંમાંથી બોલાવશો કાંઈ!’ ‘એ પણ યુગ હતો ખરો; પણ વસ્તુસ્થિતિ સપાટાબંધ બદલાતી જાય છે. રાજકુમાર કૉલેજ, ગરાસિયા કૉલેજ, કૅડેટ કોર, રસાલા વગેરેમાં રજપૂતો એકત્ર નિવાસ કરે છે, નિવાસમાં જ્ઞાનનો પ્રકાશ પડતો હોય છે એટલે પોતાની સ્થિતિ સુધારવાની સહજ પ્રવૃત્તિ ઉદ્ભવે છે. આવી પ્રવૃત્તિ એમનું જાતિકલંક દૂર કરાવશે.’ ‘ગરાસણીઓ ભણશે નહિ ત્યાં લગી એ કલંક દૂર થવાનું નથી. મિંયાના પગને જૂતિયાં પહેરવાને હજુ બહુ વાર છે. બાકી હમણાં ફાટ્યા છે બહુ. જાણે તરવાર કે બંદૂક પકડવાનો પરવાનો એમને જ પરમેશ્વરે આપ્યો હોય તેમ રસાલામાં રજપૂત સિવાયના હિંદુઓને દાખલ જ નથી કરતા.’ ‘એમાં એમને શા માટે દોષ દો છો? તમારા બ્રાહ્મણો શું કરે છે?’ ‘બ્રાહ્મણોએ ગમે તેટલો કેર વર્તાવ્યો હશે પણ આર્યોની વિદ્યા એમણે સચેતન રાખી છે. આજે એ વિદ્યા પૃથ્વીપટે પ્રસરે છે. કહો તમારા રજપૂતોએ કેટલો વીરોદ્રેક જાળવ્યો છે? અંગ્રેજોના લશ્કરમાં કેટલા રજપૂત છે? શીખ, ગુરખા અને ડોગરાનાં વીરત્વથી ઝળહળિત થતા વર્તમાન ઇતિહાસના પટ પર બતાવશો તમારું સાતમે આસમાન ચડાવેલું રજપૂત વીરત્વ? કાઠિયાવાડમાં ગયા જમાનામાં અમરજી દીવાનની તોલે આવે એવો થયો છે કોઈ રજપૂત? તમારા કુંભોજી, સુલતાનજી અને વખતસંઘ એની હાકથી થરથરતા હતા. રબારી, કુંભાર અને આયર જેવી જાતોએ ઓછી બહાદુરી અને વફાદારી બતાવી છે? રજપૂતોથી કઈ રીતે શુરાતનમાં એઓ ઊતરે છે? પ્રસંગ આવ્યે બ્રાહ્મણ, વાણિયા પણ લડવૈયા થયા છે. પેશ્વાઓએ રજપૂતોને થોડી ત્રાહ્ય પોકરાવી છે?’ હૃદયલાલના ઘાંટાથી જપા રસોડામાં ગભરાઈ. પતિ અને માસ્તર મારામારી પર તો નથી આવ્યાને તે જોવા મેડી પર આવી. પણ બન્નેને શાંત રીતે પોતાનાં સ્થાનો પર બેસી વાત કરતા જોઈ ‘કેટલા વાગ્યા’ની ખબર કાઢી ચાલી ગઈ. ‘માણસ મુસલમાન થયો કે લડાયક થઈ જાય અને હિંદુ રહે તો બાયલો રહે એ ગણતરી હાનિકારક છે. આધુનિક રાજ્યવિદ્યા સાર્વજનિક વિદ્યાપ્રસારણની જેટલી અગત્ય સ્વીકારે છે તેથી પણ વિશેષ અગત્ય પ્રજાના સર્વે અંગોને યુદ્ધકળાવિશારદ થવાની સ્વીકારે છે. યુરોપમાં અત્યારે શું થાય છે? દેશ માટે લડવા લશ્કરી તાલીમ દરેક દેશજનને લેવી પડે છે. આથી બીજો મોટો ફાયદો છે. લશ્કરી જીવનથી પ્રજાની શરીરસંપત્તિ મજબૂત અને કસાયેલી થાય છે અને જીવનવ્યવહાર નિયમિત અને સરલ થાય છે.’ પ્રોફેસરે પણ લાંબો ઉત્તર આપ્યો. ‘ભારતીય મઠમાં વિદ્યાર્થીઓને ડ્રીલ કરાવવાનું નિયમિત ચાલુ છે?’ ‘અલબત્ત, કુમારસાહેબના પધાર્યા પછી વિદ્યાર્થીઓનું કિશોર-સૈન્ય(boy scouts) કરવાની સૂચના ગંધરાજે કરી છે. ભારતીય મઠને માટે જે જગ્યા આપણે પસંદ કરી હતી ત્યાં યુદ્ધકલાના સિદ્ધાંતોનો પરિચય મેળવાય એવાં સ્થળો(strategic positions) સારાં છે. પસંદગી કરવામાં આ પણ લાભ ધ્યાનમાં લીધો હતો. પણ એ જ લાભથી ગરાસિયાઓની દાનત સળકી છે.’ ‘નરનારાયણ! તમારાં મઠ સામે રાજ્યમાં વિરોધ બહુ છે એ શું?‘ નરસાની પડોશમાં સારું થતું હોય – નરસાંને જરા પણ કનડતું ન હોય છતાં તેને સારુ પોતાની સંજીવ અંગત ટીકા(living criticism) જેવું લાગે છે તેથી અને કેટલીકવાર (vested interests અને privileges ને) અમારી હિલચાલથી ધક્કો લાગ્યો છે તેથી વિરોધ જન્મ્યો છે પણ તે ઝાઝું ટકવાનો નથી. ‘કુમાર સાહેબ ગાદીનશીન થાય અને ગંધરાજ દીવાન થાય ત્યારે વિરોધ માત્ર નાશ પામશે, મને તો લાગે છે કે ગંધરાજ અને તમે મળી શિક્ષણનો નવો યુગ પ્રવર્તાવશો.’ ‘એ વખત આવે ત્યારે જે થવાનું હશે તે થશે. મને તો અત્યારે જે કર્તવ્ય સૂઝ્યું છે તે કરું છું. ગંધરાજની હૂંફ અને કુમક પૂરેપૂરાં છે. યોજના ઘડનાર એ છે – અમલમાં મૂકવા હું પ્રયાસ કરું છું.’ ગંધરાજ તો ગંધરાજ જ છે. એના આવ્યા પછી ખેડૂતો પર ગુજરતો જુલમ ઘણો ઓછો થયો છે. એકે ખેડૂત એવો નહિ હોય જેને ગંધરાજ નામથી નહીં ઓળખતો હોય. દરેકની સ્થિતિથી વાકેફ થવા બનતો પ્રયત્ન કરે છે. જે જે ગામડામાં હું ગયો છું ત્યાં ત્યાં એની તારીફ સાંભળી છે. કેટલેક સ્થળે નજરોનજર ગંધરાજ અને હિમાનીને ખેડૂતોના કુટુમ્બમાં ભળતાં જોયાં છે. લોકો એની પછવાડે ગાંડા છે. મારા જેવા એની પાસેથી ઘણી મોટી આશાઓ રાખે છે.’ ‘તમારી આશાઓ ફળીભૂત થશે જ. રૈયત ચેતનવંતી અને રાજ્ય આબાદ એના વડે થવાનાં જ. બાકી ઊંચનીચના ભેદ જઈ તમારા રૂસોએ કલ્પેલી સ્થિતિ લાવવા એનાથી પ્રયત્ન થવાના નથી.’ ‘ખરી વાત છે. દંપતી શોખીન અને વિલાસી છે. લોકસમૂહમાં ભળે છે પણ સમાન કરતાં શ્રેષ્ઠ રૂઆબથી.’ ‘પણ એમની અભિજાત સંસ્કારિતા (aristocratic culture) એ રૂઆબ કોઈને સાલવા દેતી નથી.’ ‘નાગરશાઈ તોર કે ખુમારી તો બિલકુલ નથી. સાચે, આ ગરાસિયામાં હવે વળી શુદ્ધ લોહીની ખુમારી આવતી જાય છે તે લક્ષમાં આવ્યું છે?’ ‘હા, ક્યારનુંયે. ખુમારી ન હોય તો જુદી બૉર્ડિંગ શા માટે સ્થાપત? આપણે ભેગા જ ભળત ને – પણ એવી ખુમારી આવવી એ આ જમાનાની તાસીર છે.’ ‘કેમ? સમાનતા, બંધુતા, અવશતા, સ્વતંત્રતાના મોક્ષમંત્રોથી વાતાવરણ અનુરસિત છે. આવી અસમાનતા, વિદ્વેશ એમાં કેવી રીતે વાસી શકે? એક આભડછેટ નાબૂદ કરવા માગીએ છીએ ત્યાં વળી નવો આભડછેટ જાગ્યો?’ ‘વિશ્વનિયંતાના નિયમો ગહન છે. વિરોધી તત્ત્વોના સંઘટનથી સંસાર ચાલે છે. વળી તમારા મોક્ષમંત્રો અપૂર્ણ છે. બુદ્ધિની અસમાનતા જ્યાં લગી છે ત્યાં લગી નાના પ્રકારની વિષમતાઓ સંસારમાં રહેવાની જ. વળી વસ્તુસ્થિતિનો વિચાર કરો ને. આપણો આખો સંસાર આ જન્મપ્રાપ્ત અસમાનતાથી રચાયો હતો પણ સુઘટિત વ્યવસ્થા એવી હતી કે એ અસમાનતા સાલતી નહોતી. બુદ્ધિ, જ્ઞાન, દ્રવ્ય, સત્તા, વય, અનુભવ, ભક્તિ, તપની પ્રકૃષ્ટતા જ્યાં પ્રગટતી ત્યાં સર્વનું સન્માન મેળવતી.’ પ્રોફેસરે ભાષ્ય કરવા માંડ્યું, ‘અંગ્રેજી રાજ્ય થતાં કાયદા અને કેળવણીથી અસમાનતાની જૂની દીવાલો તૂટવા લાગી. પણ राजा कालस्य कारणम्. સમાનતાનો બોધ કરવા છતાં અંગ્રેજ અમલદારો બ્રાહ્મણોથી પણ વિશેષ અલગ રહેવા અને સર્વતઃ પોતાને શ્રેષ્ઠ લેખવા લાગ્યા. એમની અસર સ્વાભાવિક રીતે લોકસમૂહ પર થાય છે. કેળવણી ફેલાવાથી અને દેશમાં સર્વત્ર સુલેહશાંતિ હોવાથી અનેક માર્ગથી લક્ષ્મીનાં વહેણ ઉભરાવાથી અભિજાત લેખાવાનો પવન ફેલાય છે. યુગોથી બંધાયેલા માનસબંધારણને અનુકૂળ નવી સમાનતાની ભાવના તો નહોતી જ, સ્વાર્થ ખાતર સ્વીકારાઈ હતી. એટલે સંયોગ આવ્યે સર્વ કોઈ અલગ થઈ પોતપોતાની ઉત્કૃષ્ટતા સાધવા – ઉત્કૃષ્ટતાને પોતાના દિલથી બાધક લાગતાં આવરણોનું છેદન કરવા દોડાદોડ કરે છે. આટ-આટલાં વર્ષ સાથે રહી હિન્દુઓના જેટલા સંસ્કાર પારસીઓ અને મુસલમાને મેળવ્યા હતા, એ સંસ્કારોને લીધે વિષમતાશૂન્ય એકતાનું સુખ સર્વે ભોગવતા હતા તે દૂર થયું છે. આ લોકશાસનના યુગમાં અભિજન્મનાં પોષણ અને નિરાળા હક માટે પ્રવૃત્તિ થાય છે એ હેતુપૂર્વક જ હશે. ઉત્કૃષ્ટ થવાની વૃત્તિ શા માટે ગર્હણીય ગણાવી જોઈએ? ઉત્કર્ષના થર પણ સરખી સપાટીના થશે તો સમાનતા સહજ રીતે આવશે.’ ‘મને તો એ બધું નુકસાનકારક જ લાગે છે. ગરીબોને રહેંસી તેમનું લોહી પી દંભીઓને મોટા થવું છે. લાવવું ભૂલી ગયો, મેં નવું કાવ્ય એ વિશે રચ્યું છે તે.’ ‘હવે આવો ત્યારે જરૂર લેતા આવજો. વારુ, માસ્તર, ભારતીમઠ માટે પેલાં ગીતો રચ્યાં કે?’ ‘ના, ભાઈ, હજુ નથી રચ્યાં. ઉપાધિઓ એવી મૂંઝવી દે છે મને કે જોઈતી નિવૃત્તિ મળતી નથી. ગંધરાજે પણ એ ગીતો જલદી માગ્યાં છે.’ ‘જમવાનું તૈયાર છે. આવો છો?’ જપાએ મંદ કોમળ સ્વરે પૂછ્યું. આ સાંભળતાં જ માસ્તર ઊભા થયા. પ્રોફેસર તદ્દન વેરાગી હતા. પાનસોપારી ખાવાની ટેવ નહોતી. માસ્તરને બે ત્રણ એલચી આપી. રસ્તામાં ચાલતાં માસ્તર વિચારવા લાગ્યા : ‘નરનારાયણ જન્મ્યો તે રાતે બીજાનો જન્મ જ થયો નથી. ગરીબ કુટુંબનો માણસ ભણી હોદ્દેદાર થયો. પૈસેટકે સુખી અને શ્રીમંત થવાનો પ્રસંગ આવ્યો; પણ ગરીબોની હાય એના દિલમાં વાગતી હતી. રૂપિયા ત્રણસોની નોકરી તરછોડી ભિખારી થઈ સંગીન કેળવણી આપવા ઉદ્યુક્ત થયો છે. એકલે હાથે મહાભારત કામ ઉપાડ્યું છે. ગંધરાજ સિવાય એકે અમલદારની સહાનુભૂતિ નથી. બધાં એને વેદીયું ઢોર ગણે છે. એની યોજના અવ્યવહારુ ગણે છે, પણ એનો આગ્રહ અને સંકલ્પબળ એવાં છે કે વિકટમાં વિકટ સંકટને એ પાર તરી જશે એવી મારી પાકી ખાતરી છે. બુદ્ધિ જેવી પ્રખર છે તેવી શક્તિ પણ છે. પોતાના કર્તવ્યમાં અનહદ શ્રદ્ધા છે.’ આટલે લગી આવેલી વિચારમાળા રસ્તામાંના ગડબડાટથી તૂટી. લોકોની મેદની જામી હતી. રસ્તે જતા ચિત્તાની થાપટથી લોહીલુહાણ થયેલા ખોલકાની દયાળુઓ સારવાર કરતા હતા. ચિત્તાના રખેવાળો હસતા હસતા આગળ ચાલ્યા જતા હતા. આ જોતાં જ માસ્તરનો પિત્તો ઊછળ્યો. રખેવાળોને ઊભા રહેવા હાકલ પાડી. રાજાના માનીતા મુસલમાનો રસ્તે જતા વટેમાર્ગુના રૂઆબમાં અંજાય એવા નહોતા. માસ્તરનો અવાજ સાંભળ્યો જ ન હોય તેમ તેમણે આગળ ચાલવું અટકાવ્યું નહીં. આથી માસ્તરનો રોષ અત્યંત વધી ગયો. મોટી ફલંગો ભરતા ભરતા માસ્તર ચિત્તાની સાથે થઈ ગયા. રખેવાળનું કાંડું પકડી માસ્તરે તેને ખૂબ ખખડાવ્યો : ‘ખબરદાર, હવેથી ભરવસ્તીમાં આવા ક્રૂર પ્રાણીને લઈ નીકળ્યો તો? આજ તો ગધેડું છે પણ કાલે કોઈ માણસને –’ એવામાં ચીસની સાથે પડવાનો અવાજ સંભળાયો. પાણી ભરી આવતી પનિયારી તરફ ચિત્તો જરા વળ્યો તેથી ગભરાઈ તેણે ચીસ પાડી. બીકની મારી ભાગવા જતાં ઠેસ વાગી એટલે જમીનસરસી ધબ દઈને પડી. માથા પરનું બેડું પણ ધબ દઈને પછડાયું. હવે માસ્તરનો મિજાજ હાથમાં રહ્યો નહિ. હાથમાંની ડાંગ ફેરવી ચિતાના માથા પર એવા જોરથી મારી કે પ્રાણી તમ્મર ખાઈ ભોંય પર પડ્યું. રખેવાળો પણ ખિજવાયા. માસ્તરને ગાળો દેતા દેતા, પોલીસને બૂમ પાડતા, ચિત્તાને પંપાળતા માસ્તરને મારવા જતા હતા. પણ માસ્તરનું રૌદ્ર રૂપ જોઈ ઊભા હતા ત્યાં જ સજડ થઈ ગયા. આઘે ખુરસી પર બેઠો બેઠો બીડી ફૂંકતો સિપાઈ ધીમે ધીમે મારામારીને સ્થળે આવ્યો. લોકો પણ ઉશ્કેરાયા હતા. રાજાથી બીતા હોવા છતાં, રાજા અને તેની સર્વ વસ્તુ પ્રત્યે સન્માન રાખતા હોવાં છતાં માસ્તરનાં આવાં ‘વગર વિચારના અને ઉતાવળના’ પ્રહારથી રાજકોપ ક્યાં અને કેવી રીતે ઊતરશે તે વિશે ક્યાસ કરતા અને તેમાંથી જાતે છટકી જવાય એટલી સાવધતા રાખતા હોવા છતાં લોકોને માસ્તરનો આવેશ પ્રજ્વલિત કરતો હતો. ‘મહારાજ, ભીખ માગતાં માગતાં પટો બાંધ્યો છે ને? કોટવાલીમાં જઈ સૂઈ જાઓ. આવામાં તમારો શો આશરો?’ આવાં આવાં તિરસ્કાર વચનથી પોલીસ વધાવાયો. પાડાની મંદ ચાલે આવતો સિપાઈ આજ ખીજવાયો. બેચાર છોકરાને ચાબકો લગાવ્યો. આ દુષ્ટ વ્યાપાર પર માસ્તરની નજર પડતાં જ તેમણે પોલીસ પર ડાંગ ઉગામી. ગભરાયેલો પોલીસ લોકોને ધક્કા મારતો જીવ લઈને નાઠો. ચિત્તા જેવા હિંસક પ્રાણીનું મૃત્યુ પણ હિંદુહૃદયને સાલતું. દયાળુઓએ આણેલું પાણી કેટલાક ખડતલો તમ્મર ખાઈ પડેલા પશુ પર રેડતા હતા. પોતાના પેટના દીકરાનું મોત થયું હોય એવા શોકથી રડતા રખેવાળો તેની મૂર્છા વાળવા પ્રયત્ન કરતા હતા. નાઠેલો પોલીસજમાદાર, ફોઝદાર તથા દશબાર પોલીસને લઈ આવી પહોંચ્યો. કાળા અને ખાખી ડગલાની ફોજ આવતી જોઈ મેદની પાણીના રેલા પેઠે વીખરાઈ ગઈ. સહેજ પણ ડર્યા વિના માસ્તર ઊભો હતો ત્યાં જ રહ્યો. ફોઝદાર એને ઓળખતો હતો. અમલદારની રીતે નહીં પણ દોસ્તની મીઠાશથી તેણે માસ્તરને ઠંડો પાડી બે શિખામણના કડવા બોલ કહી ઘર ભણી વિદાય કર્યો. ચિત્તાની કળ વળતાં તે પણ ઊભો થયો. રખેવાળોને નરમાશથી ઠપકો દઈ, વસ્તીમાંથી વહેલા જવાની તાકીદ આપી, ફોઝદાર બનેલા બનાવનો રિપોર્ટ ઉપરીને રોશન કરવા ગયો. જતાં જતાં માસ્તર પર નજર રાખવાનો હુકમ પણ આપતો ગયો.
[૫]
‘હાશ! આજ કેટલે મહિને દેહે આવું સ્નાન કર્યું.’ સંતોષના સુખનો આહ્લાદ- ભર્યો ઉદ્ગાર કિશોરીના મુખમાંથી નીકળતાં જ દાસીએ પ્રશંસાનો અભિષેક કર્યો : ‘બા! નહાવાથી કાંઈ તમારું રૂપ ખીલ્યું છે! આયનામાં તો જુઓ. પાંદડીની સુગંધ આખા શરીરમાંથી ફોરી રહી છે. મોં કેવું તેજ મારે છે! આંખની ભમર હવે કમાનના ઘાટમાં બરાબર આવી ગઈ.’ દાસીના શબ્દો કર્ણવિવરે અથડાતા હતા. બાકી કિશોરી પ્રતિબિંબ દ્વારા શરીરની સૌંદર્યવિભૂતિ નિહાળવામાં અને માણવામાં મશગૂલ હતી. અનુપમ વિભૂતિના સ્વામીત્વથી થતો ઉલ્લાસ થનથનાટ કરી રહ્યો હતો. આંખેના ગોબી ઊંડાણમાં અનિમિષ નિહાળતી સુંદરી, હૃદયમાં વસતા પ્રિયતમ ઉપર તરી આવી દર્શન આપશે એવી ઉત્કંઠાથી જડ જેવી ઊભી હતી. ‘બહેન! કપડાં પહેરવાં નથી? ઠંડી લાગશે. ટુવાલે પાણીથી ભીંજાઈ ગયો છે.’ દાસીએ પ્રણયના નંદનમાં મહાલતી સુંદરીને પૃથ્વી પર ખેંચી આણી સાથે સાથે અંતરમાં નિસાસો મૂક્યો ‘હવે આ ગુલાબ એકલું ક્યાં લગી ખીલશે?’ ‘ઠંડી જરાયે લાગતી નથી. સંમર્દન અને સ્નાનથી ઊલટી ઉષ્મા શરીરનાં ગાત્રેગાત્રમાં આવી છે. ઠીક, લાવ કપડાં. અત્યારે તો દેશી જ પહેરવેશ પહેરીશ.’ આરસા પરથી દૃષ્ટિ ફેરવી સુંદરી બોલી. આંખને ઊડીને વળગે એવું ‘વાયલ’ નું ગવન પહેર્યું. સાદી બાંયનો પોલકો પહેર્યો. ભીંજાયેલા કેશ કોરા કરી દાસીએ ઓળ્યા. ફૂલની ગજરી માત્રથી જ કેશનું શૃંગારપ્રસાધન કરી, કપાળમાં સુંદર અને મોહક ચાંદલો કરી સુંદરી પ્રસાધન શાળામાંથી વરંડા પર ગઈ. ‘મોટીબહેન ક્યાં છે?‘ ‘મધપૂડા જોવા પધાર્યાં છે.’ પટાવાળાએ બાતમી આપી. ‘મધપૂડા જોવા? કઈ જગાએ? વાડીમાં કે બહાર?’ ઉપરાઉપરી પ્રશ્નો પૂછ્યા. ‘પધારો. આપને જગા બતાવું? જોવા જેવું છે. બાસાહેબે ઘણી માખી પાળી છે.’ પટાવાળો પણ વાતોડિયો નીકળ્યો. પગથિયાં ઊતરી સુંદરીએ ચાલવા માંડ્યું. પટાવાળો આગળ થઈ તેને હિમાની પાસે તેડી ગયો. ખાંડનું શરબત જેવું કરી મધમાખને હિમાની ખોરાક આપતી હતી. તેની આવી સૂચનાઓ અમલમાં મૂકતો હતો. બહેનને જોતાં જ ઉમળકો આવ્યો, ‘ઠીક આવી પહોંચી. નહાઈ? સારી પેઠે સ્નાન કર્યું ને?‘ ‘હા. ઘણી મઝા પડી. શરીરમાં આવેલા ઉત્સાહનું પૂર આત્મામાં પણ ઉભરાવા લાગ્યું છે. બહેન! આ શોખ કે’દાડનો જાગ્યો?’ ‘શોખ? ગંધરાજને ત્યાં કર્તવ્ય એટલાં બધાં કરવાનાં છે ત્યાં શોખ કેવા?’ ‘ઠીક. ત્યારે આ તો ગંધરાજના ખેડૂતોને ઊપજનું નવું સાધન કરી આપવાની અજમાયશો ચાલતી હશે. દહેરાદૂનથી કુમારસાહેબે પણ મધમાખો મોકલી હતી નહીં?’ કિશોરીની આંખમાંથી અવનવું નૂર વહી મુખ પર હાસ્યની પ્રસન્નતા ચળકાવી રહ્યું. ‘હા. જો આ રહી’ હિમાનીએ બહેનને મધપૂડો બતાવ્યો. ‘નિસા! આ મધમાખીઓ ઉછેરવામાં મને અત્યંત રસ પડે છે. મનુષ્યજાતિને અલ્પ કીટ પાસેથી ઘણું ઘણું શીખવાનું છે.’ ‘પિતાજી સાથે મહાબળેશ્વર ગઈ હતી ત્યારે એમના એક દીવાનમિત્રના પુત્રે ઉછેરેલા મધપૂડા વારંવાર જોવાથી મધમાખના રૂદ્યોગી જીવનવ્યવહારનો સહેજસાજ પરિચય થયો હતો. પણ ત્યારે બાળક હતી એટલે પરિચય સ્થિર સ્થાયી નહોતો થયો. પણ તાજેતરમાં મેં મેટલિંક( Mactalinck)નું મધમાખ વિશેનું રસિક વર્ણન વાંચ્યું—’ ‘તેં એ ગ્રંથ વાંચ્યો? એ વાંચ્યા પછી જ ગંધરાજ પાસેથી આ માવજત મેં લીધી.’ ‘હા હં. મને યાદ આવ્યું. તારા એક કાગળમાં તમે બળાપો કાઢ્યો હતો કે ગંધરાજ રોજ નવી ને નવી ઉપાધિઓ વહોર્યા કરે છે, જાતે હેરાન થાય છે અને તમને હેરાન કરે છે.’ ‘પણ મુંઝાઈ હઈશ ત્યારે લખ્યું હશે.’ ‘પણ બહેન, આવાં કર્તવ્યેાથી તમારે તે વળી મુંઝાવાનું હોય?‘ માળી પોતાના ઈતર નિત્ય વ્યવસાયમાં વાડીમાં દૂર ગૂંથાયેલો હોવાથી બન્ને બહેનો ઝાડની છાયા નીચે એકલી જ હતી. બગીચાશાઈ લોખંડની ખુરશીઓ ઉપર બન્ને બેઠી હતી. નાની બહેન ઉંમરે નાની છતાં મોટી બહેનની ગુરુ હોય એવા રૂઆબથી તેના પ્રત્યે નિહાળી રહી હતી. ‘કર્તવ્યથી મુંઝાવાપણું નથી એ સિદ્ધાંત મોહક છે, પણ જિંદગીની ખરી જંજાળમાં પડીએ છીએ, સંસારના વિકટ અને ભયાનક ભમરાઓમાં ભરાઈ જઈએ છીએ ત્યારે મુંઝાઈએ નહીં તો શું કરીએ? બહેન એવો અનુભવ કોઈને ન થજો. પ્રભુ તારું ઊછળતું લોહી સદા ઊછળતું જ રાખજો!’ ‘તમારું કહેવું વિશેષ સ્પષ્ટ કરશો? તમારી સ્થિતિ હજુ પમાતી નથી મારાથી.’ ગુરુ મટી શિષ્યા થઈ વિનીત ભાવે નાની બેને પૃચ્છા કરી. ‘વસંતમાં વનસ્પતિસૃષ્ટિ નવાં ચેતનથી ફૂલી નીકળે છે તેમ યૌવનના મળસ્કામાં જીવન અનેક વાંછનાઓ – જાતે સુખી થવાની અને બીજાને સુખી કરવાની વાંછનાઓથી ઊભરાઈ જાય છે. પણ જ્યારે એ વાંછનાઓને વાંછનાઓ ન રાખતાં જીવનના વાસ્તવિક સ્વરૂપમાં સ્થાન આપવાના પ્રસંગો આવે છે ત્યારે ન કલ્પેલી એવી મુશ્કેલીઓ આવે છે કે મુંઝાયા વિના રસ્તો જ નથી રહેતો.’ ‘એવી તે કેવી મુશ્કેલીઓ હોય છે?’ ‘વાંછના પ્રગટે છે ત્યારે વિષયના સમગ્ર, સર્વતામુખી નિરીક્ષણમાંથી નથી પ્રગટતી. મનુષ્યસ્વભાવ મહેચ્છાઓ સિદ્ધ કરવાના પ્રયત્નોને કેવી રીતે કનડશે, મૂળમાં જ ભસ્મ કરવા આકાશપાતાળ એક કરશે તેના સંપૂર્ણ આબેહૂબ ખ્યાલ અનુભવીઓને પણ આવવો મુશ્કેલ છે તો મહેચ્છાથી પ્રેરાયેલી જુવાનીની શી વિસાત? મનુષ્યસ્વભાવને તમારી યોજના અનુકૂળ કરવાનું સહેલું નથી, સાધ્યની ખાતર સાધન ગમે તેવાં વાપરો એ નીતિ નથી છતાં ધારો કે વાપરો તોપણ યૌવને આંકેલી મહેચ્છાનો અંશાવતાર થવાનોયે સંભવ ઓછો હોય છે ત્યાં તેની સોળે કળા પ્રગટ થવાની તો આશા જ શી?‘ ‘પિતાજીએ જે સુંદર અને પવિત્ર ભવિષ્ય આપણાં અંતઃચક્ષુને ગોચર કર્યું હતું તે સંસારના અનેક તંતુમય સંકુલ વ્યવહારને લીધે આપણાથી સાકાર નથી થતું – આદર્શની એક પણ કળા ખંડિત થતાં કે રૂપાંતર પામતાં સહેવાતું નથી એ તમારી મૂંઝવણનું કારણ છે ને? કે માથે લીધેલા કામને માટે શક્તિ, અનુભવ અને યોગ્યતાની ન્યૂનતા સાલે છે?’ ‘શક્તિ અને યોગ્યતા? પિતાજીના અને ગંધરાજના પ્રતાપે એની ઓછપ સાલતી નથી. વિદ્યા અને સોબતથી મળે એટલો અનુભવ છે, પણ એ બસ નથી. પારકો અનુભવ માર્ગસૂચક માત્ર છે. સંગ્રામમાં જેમ ઝૂઝતા જઈએ, વિકટમાં વિકટ હથિયારબાજીમાં ઘૂમીએ તેમ તેમ અનુભવ મળવાનો. અનુભવનું ભાથું બાંધી સંસારની યાત્રાએ નીકળાતું નથી. શરીરના ગાત્રોની પેઠે, ચંદ્રની કળાની માફક દિનપરદિન એ વૃદ્ધિ પામે છે. અનુભવનું યૌવન સનાતન છે, નિરંતર વૃદ્ધિ છે, કુંઠિત થવાનો ભય નથી.’ ‘ત્યારે તમારી મૂંઝવણ શાથી છે? સ્તબ્ધતાની કે કાર્યના વેગને નડતા અંતરાયની?’ ‘દેશનું પ્રચલિત જીવન ફેરવી તેને સમર્થ, સુંદર, પવિત્ર સુખી કરવાનું વ્રત પિતાજીએ લેવડાવ્યું હતું તે વ્રતની સિદ્ધિ અતિશય વિકટ – વિકટતાથી ગભરાવાનું નથી પણ સિદ્ધિ અતિશય દૂર લાગતી હોવાથી સ્તબ્ધ થયો છે મારો ઉલ્લાસ અને આગ્રહ. ઉદયની હેલી જોઈએ ત્યાં સરવડાંનાં પણ સાંસાં હોય ત્યાં ઉમંગ ક્યાંથી ટકે? વળી એક મોટું તુમુલ તુફાન મારામાં મચી રહ્યું છે. મારો દૃઢ મત છે કે વૈરાગ્યથી પ્રજાનો ઉદય કે તેની સંસ્કૃતિના પ્રફુલ્લ વિકાસનો બિલકુલ સંભવ નથી. ઈશ્વરદત્ત સર્વે માનુષી વૃત્તિઓને તૃપ્તિ મળે તો જ પ્રયત્નો મનુષ્યમાં રહેલી નિગૂઢ શક્તિઓને પૂરેપૂરી ખીલવી જગતની પ્રવૃત્તિ ધપાવી શકે.’ ‘તૃપ્તિ સાત્ત્વિક હોવી જોઈએ. કોઈ પરમ ઉન્નતગામી ઉદ્દેશ્ય માટે પ્રેરાયેલી હોવી જોઈએ નહીં?’ ‘અલબત્ત. નહીંતર વિલાસ અને વિષયાસક્તિનાં દુઃખ, અવનતિ અને ધ્વંસ ઝઝૂમતાં હોય છે. મારા જીવનનું સમગ્ર વલણ વૈરાગ્યવિમુખ છે; આનંદ, ઉલ્લાસમાં રચીપચી સેવા શા માટે ન થઈ શકે? યજ્ઞ વિના, ઉલ્લાસ વૈભવની આહુતિ આપ્યા વિના, પરહિતને માટે સ્વહિતથી તદ્દન વિરક્ત થયા સિવાય લક્ષ્યની પ્રાપ્તિ અશક્ય છે એવો ઉપદેશ હાલ ચારે તરફથી કરવામાં આવે છે.’ ‘એ ઉપદેશ તમને ગેરવ્યાજબી લાગે છે? સ્વ ને પરનો ભેદ ભૂલી જઈ બન્ને એક જ છે એવું અનુભવી અવ્યભિચારિણી ભક્તિથી વિશ્વહિત સાધવા તત્પર થવામાં શું અયોગ્ય કે હાનિકર લાગે છે? ભેદ કાયમ રહેવા દ્યો તો તમારી આસુરી સંપત સ્વહિત મેળવવામાં અને તેથી મળતા ભોગથી રાચવામાં તમને એટલી મશગૂલ કરી નાંખશે કે પરહિત સાધવું છે એવું લક્ષ્ય તમારા જીવનમાંથી અદૃષ્ટ થઈ જશે. આહુતિ વિના ઉન્નતિ મળવી સંભવિત નથી, મળે તો ચિરસ્થાયી, સાત્ત્વિક કે સુંદર તો નહીં જ મળે.’ मत्कर्मकृन्मत्परमो मद्भक्त्तः सङगवर्जितः થઈ વિશ્વહિત સાધવાનું છે. આનંદ, ઉલ્લાસ, વૈભવ આદિ વિશ્વની પ્રગતિ માટે આવશ્યક છે ને? એ મેળવવામાં પ્રભુનું કર્મ ન કરી શકાય? કરી શકાય. પ્રભુભક્ત થઈ પ્રભુનું કર્મ કરીએ ત્યાં સઙ્ગાસક્તિ હોય જ શાની? જેમ વૈરાગ્ય સાધન છે તેમ વૈભવ પણ છે. પાશ્ચાત્યો જે વૈભવને શિખરે પહોંચ્યા છે તે વૈભવ આપણા દેશમાં પણ આપણે માણવો છે તો નર્યા વૈરાગ્યથી એ પ્રાપ્તિ અને એનું સુખ મળશે? નહીં જ. વૈભવાભિમુખ જીવનપ્રવૃત્તિ ઘડાશે તો જ આ જમાનાના આર્થિક સંગ્રામમાં આપણો વિજયટંકાર વાગશે. મારો આ અભિપ્રાય અને ગંધરાજના વૈરાગ્યપ્રેરિત પ્રયત્નો વચ્ચે તુમુલ વિગ્રહ જામે છે.’ ‘ગંધરાજના પ્રયત્નો નર્યા વૈરાગ્યપ્રેરિત છે?’ સંકોચાતાં નિસાએ પ્રશ્ન પૂછ્યો. ‘ના, ફેર છે. કર્તવ્યસાધનામાં એમનું એટલું બધું નિમજ્જન છે કે વૈભવમોઝ જરૂરી લેખે છે છતાં એમનો વ્યવહાર વિરક્ત જ થઈ જાય છે. વૈભવના વાતાવરણમાં વસે છે પણ જીવન સાધુનું ગાળે છે. એમની એક ક્ષણ એવી નહીં જતી હોય જેમાં દેશોન્નતિ માટે સંકલ્પો નહીં કરતા હોય. વિચાર અને આચારની સાઠમારી ચાલે છે કે કોણ શરતમાં જીતે છે!’ ‘અધિકાર નથી છતાં પ્રશ્ન પૂછું? આપણે બહેનો જ નહીં પણ સખીઓ પણ છીએ. એટલે સવાલ અનુચિત કે અસભ્ય તો નહીં જ લેખાય. તમારાં રહસ્યો જાણવાની આતુરતા નથી. તમે દુઃખી હો તો મારું દિલ બળવાનું. તમારે સુખે હું સુખી છું. કદાચ તમારું દુઃખ દૂર નહીં કરી શકું પણ—’ ‘બહેન! સંકોચાય છે શાને? સ્વર્ણસુંદરી સાથે મારે એકવાર વાત થઈ હતી. એણે તને મોંઘમ લખ્યું પણ હતું ને? તારાથી પડદો છે નહીં. આચારવિચારની ભાવના આમ ભિન્ન થતી જવાથી (અમારા સ્નેહસૌભાગ્યમાં) વિષમતાની પાતળી તસરો ઊપસવા લાગી છે. મને તે સાલે છે.’ ‘તમારો સંસાર કેવો સ્નેહપૂર્ણ અને સુખી છે તેનો મને જાતઅનુભવ છે. જગતમાં તેથી તમારી વાહવાહ જેટલી થાય છે તેટલી જ અદેખાઈ થાય છે. એમાં વિષમતા આવે જ શાને? એવું થવાનો વહેમ સરખોય પડે તો તમારું જીવન શતધા વિશીર્ણ થયા વિના રહેવાનું જ નહીં.’ ‘બહેન! પુષ્પની શય્યામાં સ્ફુલ્લિંગ પ્રવેશી ચૂક્યો છે. મારું થવાનું હશે તે થશે પણ મારા રાજની આશાઓ વિફળ ન જાય તો સારું.’ ‘તારા જેવી ધર્મસહચારિણી મળ્યા પછી ગંધરાજનાં સ્વપ્નાં તાદૃશ થયા વિના રહે શેનાં? શુભ સંયોગો નર્યા સુખના ઉપભોગ માટે જ મળતા નથી પણ કર્તવ્ય પાર પાડવા જોઈતું સામર્થ્ય અને સંકલ્પબળ કેળવવા મળે છે. તમારામાં વિદ્યા છે, અનુભવ છે; પિતા અને પતિના ઉત્તમ સંસ્કારોનું સાહચર્ય છે; પદવી છે, પ્રતિષ્ઠા છે, સંપત્તિ છે, સુખસૌભાગ્ય છે, તમારે શેની કમી છે બહેન! દેવો પણ તમારે ત્યાં આવી નિવાસ કરે એવો તમારો સંસાર છે. કર્તવ્યની સિદ્ધિ માટે પ્રયાસ કર્યા કરવો એ આપણો ધર્મ. ધારેલા ફળ માટે મિથ્યા આકાંક્ષા ત્યજી દેવી. એકનિષ્ઠાથી નિમિત્તભાવથી કર્તવ્યલીન રહીએ તો ઇષ્ટ પરિણામ આવવાનું જ. મગદૂર નથી એની કે દૂર રસળે. તમારા વૈભવોમાં ભલે તમે મહાલો પણ પિતાના અને પતિના અને તમારા વ્રતની સિદ્ધિ માટે એ વૈભવો છે એ મહાભૂલમાં તમારાં સંકલ્પબળને શિથિલ થવા દેશો મા. યુદ્ધ કરવા તૈયાર થયેલા સૈનિકો દારૂગોળાની ખાણ, ખાઈઓ, તોપોના બહાર કે ‘બેયોનેટ’ના મારથી જરા પણ ડર્યા વિના દુશ્મનોની છાવણીમાં રાક્ષસી બળથી ધસ્યા જાય છે એમ જવાનું છે. જાદુઈ ઇલ્મથી સંસાર ઘડાતો નથી. એનો વિકાસ સુઘટિત તેમ સુંદર અને સૂક્ષ્મ છે. સંકલ્પબળ મંદ અને નિઃસત્વ થશે તો ઇબ્સનના પેલા કાવ્યના નાયક જેવી દશા થશે. યાદ છે ને? ટેકરી ઉપર ઊભો ઊભો તે માણસ તળેટીમાં પોતાનું ગામ બળતું – તેમાંયે પોતાનું ઝૂંપડું બળતું અને તેમાં એ પોતાની માને બળતી જુએ છે પણ આગ ઓલવવા, માનું રક્ષણ કરવા જવા જેટલું એનું સંકલ્પબળ જોર કરતું નથી. ઇચ્છાશક્તિના પ્રેરકબળ વિના મૂઢ જેવો ઊભો રહે છે અને બધું ખાખ થઈ જવા દે છે. દેશમાં કેટલી અવનતિ છે – કેવી આગ સર્વત્ર સળગી રહી છે તે હોલવવા તમે નહીં ધસો તો કોણ ધસશે? તમારું વ્યક્તિત્વ નાબૂદ કરવા ગંધરાજે કદી સ્વપ્ને પણ ખ્યાલ નહીં આણ્યો હોત. તમને તમારા માર્ગ મુબારક છે. એની સહાનુભૂતિ અને મદદ તમારી તહેનાતમાં હંમેશ તૈયાર છે.’ ‘તૈયાર છે એ મારું અહોભાગ્ય છે. પણ મારે એના માર્ગે જવું છે. મારો અને એનો માર્ગ જુજવો હોવો જ ન જોઈએ. અમારા આત્મા અદ્વૈત પામ્યા પછી દ્વૈધીભાવ કેવો? તું અહીં રહીશ તે દરમ્યાન તારા ઉત્સાહથી ઉત્તેજિત થઈ જોઉં કેટલું સાધી શકાય છે.’ ‘બહેન! મોં પર પણ આટલી ગંદી કરમાશ કેમ છે? ક્યાં ગયું તારું સૌંદર્ય ને લજાવતું લાવણ્ય?’ ‘કાલે સાંજે ઝાડ પરથી પડી ગઈ હતી. મધરાતે ગંધરાજ ઊઠી વાડીમાં ફરતા હતા તે ચિંતાથી ઊઠી એમની પાછળ ગઈ અને હૃદયે હૃદયનાં મંથન મથ્યાં. અત્યારે આપણે પાછા એવી જ ગંભીર ગુફતેગો પર ચડી ગયાં. આથી મગજને થાક ચડ્યો છે. બપોરે થોડો આરામ લઈશ એટલે સુવાણ થઈ જશે.’ ‘ચાલો, ચાલો ત્યારે બંગલામાં.’ બન્ને બહેનો ઊઠી ચાલવા મંડી. થોડે જતાં તબેલાની હાર જણાઈ. ઢોરની ઓલાદ સુધારવા ગંધરાજે અહીં પ્રયોગો કરવા માંડ્યા હતા. ‘બહેન! આ બધો ખરચ તમારો કે રાજ્યનો?’ ‘અમારો, રાજ્યની વાત જ કરીશ નહીં?’ ‘તમારો વારસો આમાં તણાઈ જતો નથી ને?’ ‘મારો વારસો હવે કેવો? સર્વે મિલકત ગંધરાજની અને મારી છે. પિતાજીનું દ્રવ્ય એમને પ્રિય દેશોન્નતિમાં વપરાય એથી એમનું વધુ રૂડું શ્રાદ્ધ હું સારી શકું એમ નથી. આવો તે સવાલ હોય પૂછવાનો તારે? પણ મને પૂરેપૂરી નાણવી છે ને તારે? દ્રવ્યમાં જ ઊછરી છું એટલે દ્રવ્યની બિલકુલ અપેક્ષા નથી.’ વાત કરતાં બંને પ્રયોગશાળા પાસે આવ્યાં. ગંધરાજ બારી આગળ ઊભો ઊભો પ્રયોગ કરતો હતો, ખાતર વગેરેના સંબંધી રાસાયણિક પ્રયોગ કરવા, બીયાં નાણી જોવાં, અનાજને નુકસાન કરનાર જીવજંતુના જીવનવ્યવહાર અભ્યસવા અને તેમનો ઉપદ્રવ નાબૂદ કરવાના ઉપાયો શોધવા જોઈતાં સાધનોથી પ્રયોગશાળા સંપન્ન હતી. ગંધરાજ, હિમાની, અરુણિકુમાર અને સ્વર્ણસુંદરી એમની ઘણી નવરાશો અહીં ગાળતાં. હંમેશ એકબે કલાક ગંધરાજના તો અહીં જવાના જ. પત્નીના મુખ પરથી ગંધરાજને તેની તબિયત માટે ધ્રાસ્કો પડ્યો. પ્રયોગનો સામાન ટેબલ પર મૂકી બારીમાંથી કૂદી પત્ની સમીપ જઈ ઊભો એવામાં હિમાનીને એક બે તમ્મર આવ્યા. ગંધરાજે તેને પડતી ઝીલી લીધી. પોતાના માંસલ અને કદાવર બાહુમાં તેને ઊંચકી પોતાના ખભા ઉપર તેને સૂવાડી શયનખંડ ભણી ચાલ્યો. તમ્મર ધ્વંસ પામતાં સાવધ થયેલી હિમાની પતિના બાહુમાંથી મુક્ત થવા મથી પણ પતિના સ્નેહભર્યા આર્જવથી પતિના સ્નેહના આવિર્ભાવથી મળતા સુખનો લહાવો લઈ રહી.
[અપૂર્ણ]