ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/નવલિકા
| ૧. | શીર્ષક | : | વાર્તાકાર હિમાંશી શેલત |
| સંશોધક | : | મનસુખ મારુ | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૯૯ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ સાત પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ શોધનિબંધમાં હિમાંશી શેલતની ટૂંકીવાર્તાઓને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રથમ પ્રકરણમાં ટૂંકીવાર્તાનાં સ્વરૂપ વિશે ચર્ચા કરી છે. બીજાં પ્રકરણમાં ગુજરાતી ટૂંકીવાર્તાની વિકાસરેખા આપી છે. જેમાં મલયાનિલથી માંડીને હિમાંશી શેલત સુધીના વાર્તાપ્રવાહને તપાસવાનો પ્રયત્ન થયો છે. ત્રીજાં પ્રકરણમાં હિમાંશી શેલતના જીવન અને સર્જનનો પરિચય અપાયો છે. ચોથાં પ્રકરણમાં હિમાંશી શેલતના પ્રથમ વાર્તાસંગ્રહ ‘અન્તરાલ’ની વાર્તાઓનું મૂલ્યાંકન થયું છે. પાંચમાં પ્રકરણમાં બીજા વાર્તાસંગ્રહ ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ની વાર્તાઓનું મૂલ્યાંકન થયું છે. છઠ્ઠાં પ્રકરણમાં ત્રીજા વાર્તાસંગ્રહ ‘એ લોકો’ની વાર્તાઓનું મૂલ્યાંકન થયું છે, સાતમાં પ્રકરણમાં હિમાંશી શેલતના ત્રણેય વાર્તાસંગ્રહોની વાર્તાઓનું નિરૂપણરીતિની દૃષ્ટિએ મૂલ્યાંકન કર્યું છે તથા વાર્તાકાર હિમાંશી શેલતની વિશેષતા અને મર્યાદાની વિચારણા થઈ છે. અંતે સંદર્ભસૂચિ આપવામાં આવી છે.
| ૨. | શીર્ષક | : | સરોજ પાઠકની વાર્તાઓ : એક અભ્યાસ |
| સંશોધક | : | પાનાચંદ આર. ચૌધરી | |
| માર્ગદર્શક | : | ડૉ. કપિલાબહેન પટેલ | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૨૦૦૨ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ ત્રણ ખંડમાં વિભાજિત છે. પ્રથમ ખંડ બે પેટાવિભાગમાં વિભાજિત છે. પ્રથમ વિભાગમાં સરોજ પાઠકનો જન્મ, ઉછેર, જીવનઘડતરનાં પરિબળો વગેરે મુદ્દાઓ આવરી લીધા છે. બીજા વિભાગમાં સરોજ પાઠકના સાહિત્યસર્જન વિશે વાત કરી છે. બીજા ખંડમાં ટૂંકીવાર્તાનાં સ્વરૂપ અને વિકાસરેખા વિશે વિચારણા થઈ છે. નવલિકાની વિકાસરેખામાં મલયાનિલથી માંડીને આજ પર્યંતના મહત્ત્વના વાર્તાકારોએ ટૂંકીવાર્તા ક્ષેત્રે કરેલા અર્પણનો આલેખ સંક્ષેપમાં પ્રસ્તુત કર્યો છે. ત્રીજા ખંડના ‘અ’ વિભાગમાં સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓનું કથાવસ્તુ રજૂ કર્યું છે. જ્યારે ‘આ’ વિભાગમાં સરોજ પાઠકની વાર્તાઓમાં આવતા પ્રત્યેક પાત્રનો અભ્યાસ પ્રસ્તુત કર્યો છે. અંતે ઉપસંહાર તથા સંદર્ભસૂચિ આપવામાં આવ્યા છે.
| ૩. | શીર્ષક | : | મોહન પરમારની વાર્તાઓ : એક અધ્યયન |
| સંશોધક | : | નરેશ એમ. મગરા | |
| માર્ગદર્શક | : | ડૉ. ધ્વનિલ પારેખ | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૨૦૦૯ | |
| પ્રકાશન વર્ષ | : | ઈ.સ. ૨૦૧૨ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ સાત પ્રકરણમાં વિભાજિત છે. પ્રથમ પ્રકરણમાં સમગ્ર શોધનિબંધની સમીક્ષા કરવામાં આવી છે અને ભૂમિકા સ્વરૂપે આલેખન કર્યું છે. બીજાં પ્રકરણમાં દલિત સાહિત્યનો પરિચય આપીને ગુજરાતી દલિત વાર્તાની વિભાવના, વિવિધ મરાઠી, હિન્દી, ગુજરાતી ભાષાના સાહિત્યકારોના મત દર્શાવ્યા છે. ત્રીજાં પ્રકરણમાં ગુજરાતી દલિત વાર્તાની વિકાસરેખા આપીને તેમાં મુખ્ય દલિત વાર્તાકારો અને અન્ય દલિત વાર્તાકારોની તારવણી કરી છે. ચોથાં પ્રકરણમાં મોહન પરમારની વાર્તાઓમાં દલિતચેતના પ્રગટ કરતી ૨૪ વાર્તાઓની સમીક્ષા કરી છે. પાંચમાં પ્રકરણમાં મોહન પરમારની અન્ય વાર્તાઓમાં મુખ્ય બે પેટાવિભાગ પાડ્યા છે - નારીકેન્દ્રી વાર્તાઓ અને માનવસંબંધોની વાર્તાઓ. છઠ્ઠાં પ્રકરણમાં મોહન પરમારની વાર્તાઓનું વિષયવસ્તુ, પાત્રસૃષ્ટિ, સંવાદકલા, ભાષાશૈલી, પરિવેશ, સંઘર્ષતત્ત્વ, આરંભ અને અંત અને શીર્ષકની યથાર્થતાની વાત કરીને વાર્તાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કર્યું છે. સાતમા પ્રકરણમાં સમગ્ર રીતે મોહન પરમારની વાર્તાકાર તરીકેની વિલક્ષણતા-મર્યાદાઓ દર્શાવાઈ છે.
| ૪. | શીર્ષક | : | ’સુન્દરીસુબોધ’ સામયિકમાં પ્રકાશિત લેખિકાઓની વાર્તાઓ : એક અધ્યયન (ઈ.સ. ૧૯૦૩ થી ઈ.સ. ૧૯૨૩ના વિશેષ સંદર્ભમાં) |
| સંશોધક | : | સતીષકુમાર એસ. પટેલ | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ૨૦૧૦ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ છ પ્રકરણમાં વિભાજિત છે. આ શોધનિબંધમાં ‘સુન્દરીસુબોધ’ સામયિકમાં પ્રકાશિત લેખિકાઓની નવ્વાણું જેટલી વાર્તાઓ વિશેનો અભ્યાસ રજૂ થયો છે. પહેલાં પ્રકરણમાં ટૂંકીવાર્તાની સંજ્ઞા, વ્યાખ્યા, સ્વરૂપ અને વિકાસરેખાની વિચારણા થઈ છે. બીજાં પ્રકરણમાં ગુજરાતી સામયિકોમાં ‘સુન્દરીસુબોધ’નું સ્થાન દર્શાવાયું છે. ત્રીજાં પ્રકરણમાં ‘સુન્દરી સુબોધ’ સામયિકમાંથી નવ્વાણું વાર્તાઓ પસંદ કરી તેનું વસ્તુલક્ષી અધ્યયન રજૂ થયું છે. ચોથાં પ્રકરણમાં ‘સુન્દરીસુબોધ’ સામયિકની વાર્તાઓનું સ્વરૂપલક્ષી વિવેચન થયું છે. પાંચમા પ્રકરણમાં વાર્તાઓનું કળાદૃષ્ટિએ સમગ્રદર્શી મૂલ્યાંકન થયું છે. છઠ્ઠા પ્રકરણમાં સંશોધનના તારણો અને ઉપસંહાર રજૂ થયાં છે.
| ૫. | શીર્ષક | : | વાર્તાકાર વિનોદિની નીલકંઠ, સરોજિની મહેતા અને સુમતિ મહેતા : એક અધ્યયન |
| સંશોધક | : | યોગેન્દ્રસિંહ રાઠોડ | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ૨૦૧૦ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ છ પ્રકરણમાં વિભાજિત છે. આ શોધકાર્યમાં ત્રણ સ્ત્રીવાર્તાકારોના વાર્તાસંગ્રહને આધારે શોધકાર્ય કરેલ છે. પહેલાં પ્રકરણમાં ટૂંકીવાર્તાની વિભાવના આપી તેની વિકાસરેખા આલેખી છે. બીજાં પ્રકરણમાં વિનોદિની નીલકંઠ, સરોજિની મહેતા અને સુમતિ મહેતાના જીવન-કવનનો પરિચય અપાયો છે. ત્રીજાં પ્રકરણમાં ત્રણેય લેખિકાઓની વાર્તાઓનું વિશ્લેષણ કરી સ્ત્રી-પુરુષકેન્દ્રી વાર્તા, પરિવારકેન્દ્રી વાર્તા, નારીસમસ્યાકેન્દ્રી વાર્તા, સામાજિક સમસ્યાકેન્દ્રી વાર્તા અને પૌરાણિક તથા ઐતિહાસિક પાત્રકેન્દ્રી વાર્તાઓનો અભ્યાસ ક્રમશઃ રજૂ થયો છે. ચોથાં પ્રકરણમાં આ વાર્તાઓનું સ્વરૂપલક્ષી અધ્યયન થયું છે. પાંચમા પ્રકરણમાં વાર્તાઓનું કળાની દૃષ્ટિએ મૂલ્યાંકન કર્યું છે. અંતે છઠ્ઠા પ્રકરણમાં તારણો અને ઉપસંહાર અપાયા છે.
| ૬. | શીર્ષક | : | ગાંધીયુગની ટૂંકીવાર્તાનાં ક્ષેત્રે લેખિકાઓનું પ્રદાન : એક અધ્યયન (પ્રમુખ પાંચ લેખિકાઓના વિશેષ સંદર્ભે) |
| સંશોધક | : | અનોખી કે. પટેલ | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ૨૦૧૧ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ સાત પ્રકરણોમાં વિભાજિત છે. આ શોધનિબંધમાં ઈ.સ. ૧૯૧૫ થી ઈ.સ. ૧૯૪૦ સુધીના એટલે કે ગાંધીયુગના સ્ત્રી વાર્તાકારોનાં વાર્તાસંગ્રહોનો અભ્યાસ થયો છે. પ્રકરણ-૧માં સંશોધન શબ્દની વ્યુત્પત્તિ, વ્યાખ્યા, પ્રકારો, પ્રસ્તુત સંશોધનની સમસ્યા, મર્યાદા અને રૂપરેખા અને સીમારેખા આપવામાં આવ્યાં છે. પ્રકરણ-૨માં ટૂંકીવાર્તાનું સ્વરૂપ અને વિકાસ રજૂ થયો છે. તેમાં વાર્તાની વ્યાખ્યા, તેનાં ઘટકતત્ત્વો સંદર્ભે ટૂંકીવાર્તાની સમીક્ષા કરી છે. પ્રકરણ-૩માં ગુજરાતી સાહિત્યના ઈતિહાસખંડ ગાંધીયુગની મૂલવણી કરી અને ગાંધીયુગના લક્ષણો દર્શાવ્યા છે. પ્રકરણ-૪માં ગાંધીયુગના પાંચ સ્ત્રી નવલિકાકારો સરોજિની મહેતા, લીલાવતી મુનશી, લક્ષ્મીબહેન ડોસાણી, નીરૂ દેસાઈ અને લાભુબહેન મહેતાનો પરિચય આપ્યો છે. પ્રકરણ-૫માં આ લેખિકાઓના ગાંધીયુગમાં સમાવિષ્ટ થતાં સાત વાર્તાસંગ્રહની ૯૧ વાર્તાઓમાંથી પ્રસાર થઈ તેનું વિષયની દૃષ્ટિએ વર્ગીકરણ કર્યું છે. તેમાં સામાજિક, પારિવારિક, સ્ત્રી-પુરુષસંબંધી અને પ્રકીર્ણ વાર્તાઓની વિચારણા થઈ છે. પ્રકરણ-૬માં સમગ્ર વાર્તાઓને કળાદૃષ્ટિથી મૂલવીને તેમાં કથાવસ્તુ, પાત્રાલેખન, ભાષાશૈલી, વાતાવરણ વગેરે ઘટકતત્ત્વોની દૃષ્ટિએ તપાસ કરી છે. પ્રકરણ-૭માં અભ્યાસને અંતે પ્રાપ્ત તારણો અને ઉપસંહાર રજૂ થયા છે.