નારીસંપદાઃ વિવેચન/મોટિફઃ વિભાવના, સ્વરૂપ અને તેના પૂર્વવર્તી અભ્યાસો

From Ekatra Foundation
Revision as of 15:27, 20 May 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મૉટિફ : વિભાવના, સ્વરૂપ અને તેના પૂર્વવર્તી અભ્યાસો

પિનાકિની પંડ્યા

‘મૉટિફ’ સંજ્ઞાનાં મૂળ લેટિન ભાષામાં છે. લેટિન ભાષામાં to moveના અર્થમાં movere કે motum શબ્દ પ્રયોજાતો હતો. Lawlatinમાં અને ઈટાલિયનમાં motivus શબ્દ પ્રયોજાતો હતો. પણ જર્મન અને ફ્રૅન્ચ ભાષાઓમાં motif શબ્દ પ્રયોજાવા લાગ્યો હતો. આ સંજ્ઞા motive, incentive, underlaying, fact, incentivecause વગેરે અર્થચ્છાયાઓ પ્રગટ કરે છે. ગુજરાતી સાહિત્યના વિદ્વાનોએ ‘motif’ માટે કથાબીજ, કથાઘટક, ઘટકાંશ, કથાપ્રયુક્તિ, કથાયુક્તિ, કથાકરામત, પ્રયોજન, વસ્તુવળુ, કૌતુકમય પરિસ્થિતિ, ઘટક તત્ત્વ, ચણિયારું જેવી સંજ્ઞાઓ પ્રયોજી છે. હિન્દીમાં પ્રરુઢિ, પ્રયુક્તિ, અભિપ્રાય, કથાનકરૂઢિ, કથા કે કલાતંતુ, મૂલભાવ, કથાનક મૂલલક્ષણ, રૂઢિ જેવા પર્યાયો મળે છે. ‘Motif’ સંજ્ઞા પ્રેરક, પ્રવર્તક, ચાલક હેતુ, પ્રયોજન, નિયામક, નિબંધન, કાર્ય, રહસ્ય, કારણ-નિમિત્ત વગેરે અર્થચ્છાયાઓ પ્રગટ કરે છે. જ્યારે ગુજરાતી અને હિન્દીમાં પ્રયોજાતી સંજ્ઞાઓ આવી અર્થચછાયાઓ પ્રગટ કરી શકતી નથી. જ્યાં સુધી સંશા Motif માટેનો યોગ્ય પર્યાય ગુજરાતી ભાષામાં આપણે શોષી ન શકીએ ત્યાં સુધી ગુજરાતીમાં ‘Motif’ સંજ્ઞાને સ્વીકારવામાં વાંધો નથી. ‘Motif’ સંજ્ઞા માત્ર સાહિત્ય સંદર્ભે જ પ્રયોજાતી નથી, પણ પ્રત્યેક કલા સાથે તેને સંબંધ છે. આ સંજ્ઞા સાહિત્ય કરતાં તો વિશેષ અન્ય કલાઓ જેવી કે ચિત્ર, શિલ્પ, સંગીત આદિ - સંદર્ભે સૌ પ્રથમ પ્રયોજાયેલી છે. ભાતચિત્ર સંદર્ભે મૉટિફની વિભાવના તપાસતા જણાય છે કે, ‘a deco- rative design of pattern’૩ સુશોભિત ભાત કે તરેહ એટલે મૉટિફ. ભાતચિત્રમાં તે ભાત કે તેનાં સંયોજનોનું વિશિષ્ટ લક્ષણ કે પ્રભુત્વ ધરાવનાર વિચાર છે. ભાતચિત્રમાં રહેલા આકાર, ઘાટ વિશિષ્ટ અને આવર્તનક્ષમ હોય તો તે મૉટિફ બને છે. આમ, મૂળ ભાત, તેનું આવર્તન અને સંયોજન ભાતચિત્રનો મૉટિફ બને છે. પોશાક પરની કલાકારીગરીમાં રહેલા મૉટિફ વિશે કહેવાયું છે કે : ‘Am oornamental design or piece of decoration, an ornament of lace etc. Sewn separatly on a garment.’૪ વસ્ત્ર ઉપર અલગથી ટાંકવામાં આવેલ લેસ, ઝૂલ, વગેરેની સજાવટને મૉટિફ કહેવામાં આવે છે. આ ઉપરાંત, ‘recureing design, feature or melody ornament sewn on a dress etc’૫ને પણ મૉટિફ કહેવામાં આવે છે. આમ, આવર્તનક્ષમ ભાત, બાહ્ય દેખાવ કે સુમધુર અલંકાર કે જે વસ્ત્ર ઉપર હોય તે મૉટિફ બને છે. ઉપર્યુક્ત વિભાવનામાં મૉટિફની આવર્તનક્ષમતાનાં લક્ષણની નોંધ વિશેષ લીધી છે. સંગીતકલામાં ‘Short and easily recognizable fragment of music which may be associated with a particular character of idea’૬ને મૉટિફ કહેવામાં આવે છે. સંગીતમય વિચારનો એ લઘુતમ એકમ છે. સંગીતમય વિચાર સ્વરોના સંયોજન દ્વારા અને લયનાં આવર્તન દ્વારા અભિવ્યક્ત થતો હોય છે. લયનું આવું આવર્તન અને સ્વરનું સંયોજન મૉટિફ બને છે. તે સંગીતનું મહત્ત્વનું બંધારણીય એકમ છે. તેથી તેના વિશે કહેવાયું છે કે, ‘an arrangement of notes, forming a main part of musical work.૭ આ ઉપરાંત, પ્રત્યેક કલામાં મૉટિફને ‘thematic element’ તરીકે સ્વીકારાયો છે. તેનો સંબંધ કલાના કેન્દ્રવર્તી વસ્તુ કે વિચાર સાથે છે. મૉટિફનું આવું ગુણલક્ષણ અનેક વિભાવનાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. જેમકે : (૧) ‘A thematic element in a work of art, music or literature a dominant or recurring idea or central theme.’૮ પ્રભુત્વ ધરાવનાર, આવર્તક્ષમ વિચાર કે કેન્દ્રવર્તી વસ્તુ છે. (૨) ‘A recurring element forming a theme in a work of art literature.’૯ ઉપર્યુક્ત વિભાવનામાં મૉટિફની વસ્તુ તરીકે નહિ, પરંતુ વસ્તુને ઘડનાર આવર્તનક્ષમ તત્ત્વ તરીકેની ઓળખ મળે છે. (૩) ‘A theme or subject that is repeated with various changes as in a piece of music, a book etc.’૧૦ આવો વિચાર કે કેન્દ્રવર્તી વસ્તુ આવર્તનક્ષમતાનો ગુણ ધરાવે છે પણ તેનાં આવર્તનોમાં પણ વૈવિધ્ય હોવું જોઈએ, તેવું ઉપરની વિભાવના દ્વારા સ્પષ્ટ થાય છે. આથી તો એકનો એક મૉટિફ કૃતિ બદલાતાં એકવિધતાનો અનુભવ કરાવતો નથી. (૪) મૉટિફ કથાવસ્તુ સાથે જ નહિ, પરંતુ કૃતિના બંધારણ સાથે સંકળાયેલું તત્ત્વ છે. ‘In painting, sculpture, architect decoration etc., a constitucent feature of a compositions.’૧૧ કલાસંયોજનનું એ બંધારણીય લક્ષણ છે. (૫) એક કાર્યઘટક તરીકે પણ તેનો સ્વીકાર થયો છે. ‘an influence or stimulus promting to action ’૧૨ કૃતિનું તે પ્રભાવોત્પાદક તત્ત્વ છે. આમ, દરેક કલામાં મૉટિફને પ્રભુત્વ ધરાવનાર, ચાલકબળ, કેન્દ્રવર્તી વસ્તુ કે વિચારને ઘડનાર, કાર્યઘટક કે બંધારણીય એકમ તથા આવર્તનક્ષમ તત્ત્વ તરીકે સ્વીકાર્યો છે. સાહિત્ય સંદર્ભે મૉટિફ વિશે જે વિચારાયું છે તેના દ્વારા સાહિત્યિક મૉટિફની લાક્ષણિકતાઓ જાણી શકાય છે : (૧) ‘A plot is a series of motifs. A motif develops into a plot by plot. I mean a theme in which different situations motifs are involved.’૧૩ કથાવસ્તુનું ઘડતર અનેક મૉટિફની હારમાળાથી થાય છે. જુદી જુદી કૃતિઓમાં પ્રયોજાયેલ મૉટિફ કથાનો અંતરંગ ભાગ બની કથાનો વિકાસ કરે છે. (૨) ‘A motif is an indecomposable narrative unit.’૧૪ મૉટિફ સ્થિર બંધારણ ધરાવતો કથન-એકમ છે પરંતુ આ વિભાવના સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે મૉટિફ decomposed થઈ શકે છે. ધારો કે, મૉટિફ તરીકે પ્રયોજાયેલ અસાધારણ પાત્ર તરીકે અપરમાં હોય તો, આવું જ અસાધારણ પાત્ર સમાન કથાનક ધરાવતી કૃતિમાં ભાભી કે અપર પિતાનું હોઈ શકે છે. તેથી તે સ્થિર બંધારણ ધરાવતો કથન એકમ નથી. તેમાં પરિવર્તનની શક્યતા રહેલી છે. (૩) A motif is the smallest element in a tale having a power to persist in tradition. In order to have this power it must have something unusual and striking about it.’૧૫ મૉટિફ કથામાંનું નાનામાં નાનું તત્ત્વ છે. જેમાં પરંપરાને જાળવી રાખવાની ક્ષમતા છે. પરંતુ આ ક્ષમતા જાળવી રાખવા માટે તેનામાં કશું અસામાન્ય કે અસાધારણ તત્ત્વ હોવું જોઈએ, (૪) ‘A main element idea feature etc, specially in art, literature and a main theme or subject to be elaborated on.’૧૬ અન્ય કલા અને સાહિત્યકલાનું મુખ્ય કથાવસ્તુ અથવા વિષયનું મુખ્ય તત્ત્વ, વિચાર કે લક્ષણ મૉટિફ કહેવાય છે. (૫) ‘It must be remembered that in order to become a real part of tradition. An element must have something about it that will make people remember and respect it. It must be more than common place. A mother as such is not a motif. A cruel mother become one, because she at least thought to be unusal the ordinary processes of life are not motifs.’૧૭ પરંપરાનો ભાગ બનવા માટે એ યાદ રાખવું ઘટે કે તેમાં કશુંક એવું તત્ત્વ હોવું જોઈએ જેને કારણે લોકો તેને યાદ રાખે અને સન્માને. તેનામાં કશુંક અસામાન્ય કે અસાધારણ હોવું જોઈએ. ‘માતા’ મૉટિફ ન બની શકે, પણ ‘સાવકી માતા’ મૉટિફ બની શકે, કારણ કે તેમાં અસામાન્ય તત્ત્વ છે. (૬) ‘A word or pattern of thought that recurs in a similar situation or evoke a similar mood within a work in various works of a genre.’૧૮ એક જ કૃતિ અથવા વિવિધ કૃતિઓમાં એક સરખી પરિસ્થિતિ માટે પ્રયોજવામાં આવેલો એક જ શબ્દ અથવા વિચાર જે દરેક કૃતિઓમાં એક સરખો મિજાજ જગાવતો હોય છે. (૭) ‘In literature or folklore, a particular of recurrent event, situation, theme, character etc.’૧૯ સાહિત્ય અથવા લોકવિદ્યામાં આવર્તન પામતી કે આવર્તન ન પામતી ઘટના, પરિસ્થિતિ, કેન્દ્રવર્તી વિચાર કે પાત્ર મૉટિફ કહેવાય છે. (८) ‘Where an image, incident or other element is re- peated significantly within a single work. It is more com- monly referred to as a leitmotif.’૨૦ મૉટિફ આવર્તન પામતો હોય તો તેને ‘leitmotif કહેવામાં આવે છે. દા.ત., આયર્લૅન્ડની The son of the king of Ireland’ કથામાં રાજકુંવર સાથે જોડાતાં સહાયક પાત્રો એક જ સરખી શરત રાજકુંવર સમક્ષ મૂકે છે. આમ, શરતનો મૉટિફ પાંચ વખત પુનરાવર્તન પામ્યો છે. તેથી તેને ‘leitmotif કહી શકાય. (૯) ‘A basic conception characterising an artistic pro- duction.’૨૧ કોઈ પણ કલાકૃતિનો પ્રધાન વિચાર એટલે મૉટિફ. ઉપરાંત, ગુજરાતી સાહિત્યમાં પુષ્કર ચંદરવાકર, સોમાભાઈ પારેખ, હીરાબહેન પાઠક, સરૂપબહેન ધ્રુવ વગેરે પાસેથી મોટિફની વિભાવનાઓ મળે છે. આ વિભાવનાઓ દ્વારા મૉટિફના સ્વરૂપનો પરિચય મળે છે. પુષ્કર ચંદરવાકરે તેમના ‘લોકવાર્તા’ પુસ્તકમાં જણાવ્યું છે કે, ‘લોકશાસ્ત્રમાં સમાવેશ પામતું કોઈ ને કોઈ તત્ત્વ લોકકથાના અંતઃસ્તત્ત્વના સ્થાને જડી આવે, તે તત્ત્વ લોકકથાનું આધારબીજ બને છે.’૨૨ તેઓ મૉટિફ માટે ‘આધારબીજ’ સંજ્ઞા પ્રયોજે છે. તેમણે સ્ટીથ થોમ્પસનના, ‘In folk-lore the term used to designate any one of the parts into which an item of folklore can be analysed.’ આ વિધાનને આધારે લોકતત્ત્વ ઉપર ભાર મૂક્યો છે. આવું લોકતત્ત્વ માન્યતા, લોકશ્રદ્ધા, લોકરિવાજ કે લોકસંસ્કૃતિ રૂપે મળે છે, તેમ તે માને છે. સોમાભાઈ પારેખના મત મુજબ, ‘વાર્તામાં નાનામાં નાનો, એક સાંસ્કૃતિક પરંપરાના ભાગ તરીકે લોકો લાંબા કાળ સુધી ફરી ફરીને યાદ કરે તેવો અસામાન્ય અંશ, જે વાર્તાના સમગ્ર સંકલનમાં અંકોડા રૂપે રહે અને છતાં સ્વયંપર્યાપ્ત સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે, કથાને નવો વેગ અને ઝોક આપે, વાર્તાનું ચાલકબળ, પ્રેરકબળ બની રહે તે ઘટક તત્વ.’૨૩ સોમાભાઈ પારેખે મૉટિફને ‘ઘટક તત્ત્વ’ની સંજ્ઞાથી ઓળખાવ્યો છે. કથામાં તેના સહિયારા અસ્તિત્વ અને સ્વતંત્ર અસ્તિત્વ ઉપર તેમણે આપણું ધ્યાન દોર્યું છે. હીરાબહેન પાઠકે મૉટિફ વિશે કહ્યું છે કે, ‘કૃતિગત કોઈ મહત્ત્વનો કહેતા વિશિષ્ટ અંશ અને તેથી દેશકાલબાધિત એવો પરંપરાથી પુનરાવૃત્ત થતો અંશ, તેને ઘટકાંશ કહી શકાય.’૨૪ હીરાબહેને મૉટિફમાં રહેલા પરંપરાના ગુણ ઉપર ભાર મૂક્યો છે. સરૂપબહેન ધ્રુવ મૉટિફની વિભાવના આપતાં જણાવે છે કે, ‘રસનિષ્પત્તિ માટે મહત્ત્વપૂર્ણ વિશિષ્ટ પરંપરાથી પુનરુક્ત, થતો ક્યારેક એક જ કૃતિમાં પ્રતીકાત્મક રીતે આવર્તન પામતો, મુખ્ય કથાવસ્તુને આકારતો, કથાને વળાંક આપતો, અસાધારણ પાત્ર, પ્રસંગ કે પ્રસંગો, પરિસ્થિતિ કે પરિસ્થિતિઓ અને પદાર્થ કે પ્રસંગ રૂપે યોજાતો તેમજ જો તે અમુક પ્રજાના લોકજીવનનો સંદર્ભ ધરાવતો હોય તો તે સમાજનું લોકતત્ત્વ ધરાવતો, તે સમાજની જીવન- પ્રણાલિકાના પૃથક્કરણાત્મક અભ્યાસ માટે ઉપયોગી મનાતો લઘુત્તમ કથાઘટક તે મૉટિફ.’ ૨૫ સરૂપબહેન ધ્રુવની મૉટિફ વિશેની આ વિભાવનામાં મૉટિફને ભારતીય મીમાંસાના આધારે રસનિષ્પત્તિ માટેના ક્રિયાશીલ ઘટક તરીકે ઓળખાવ્યો છે. મૉટિફની આવી ઓળખ અન્ય વિભાવનાઓમાંથી પ્રાપ્ત થતી નથી. ઉપર્યુક્ત વિભાવનાઓને આધારે મૉટિફની લાક્ષણિકતાઓ નીચે મુજબ તારવી શકાય : (૧) જેમ શબ્દ એ વાક્યનો બંધારણીય એકમ છે તેમ મૉટિફ કથાનો બંધારણીય એકમ છે. (૨) કલાકૃતિના સર્જન માટે ઓછામાં ઓછો એક મૉટિફ અનિવાર્ય છે. મૉટિફની વિશિષ્ટ ગોઠવણીથી કલાકૃતિનું બંધારણ રચાય છે. (૩) એક કે એક કરતાં વધારે મૉટિફ એક જ સંદર્ભમાં બંધાય ત્યારે કલાકૃતિનું સર્જન થાય છે. (૪) મૉટિફને ‘થીમ’ સાથે સંબંધ છે. તે વિષયવસ્તુ નથી, પણ તેને ઘડનારો એક ભાગ છે. (૫) મૉટિફ એ કલાકૃતિનો નાનામાં નાનો અંશ છે. જેમાંથી કથાનો અંકુર ફૂટે છે અને વિકસે છે. (૬) તે કથાનું કેન્દ્ર કે આધારબિન્દુ છે, તે કથાનું ચાલકબળ કે પ્રેરકબળ છે. તેનાથી કથામાં વળાંક આવે છે. કથા ગતિમય બને છે. (૭) માત્ર સાહિત્યમાં જ નહિ, અન્ય કલાઓમાં પણ તેનું અસ્તિત્વ છે.પરંતુ દરેક કલામાં તે આગવું વ્યક્તિત્વ ધરાવે છે. (૮) સમગ્ર કલાકૃતિમાં તે સહઅસ્તિત્વ પરાવતો હોવા છતાં તેનું આગવું અસ્તિત્વ હોય છે. (૯) તે પરંપરાની જાળવણી કરતું તત્ત્વ છે. (૧૦) તેનામાં આવર્તનક્ષમતાનો ગુણ રહેલો છે. (૧૧) પાત્ર, પરિસ્થિતિ, પદાર્થ અસાધારણ કે ચમત્કૃતિજન્ય હોય ત્યારે તે મૉટિફ બને છે. (૧૨) તે માત્ર સ્થિર બંધારણ ધરાવતો નથી, તેમાં પરિવર્તનશીલતાનો ગુણ પણ રહેલો છે. (૧૩) કલાકૃતિમાં વારંવાર પ્રયોજાતો વિશિષ્ટ અને નિયામક ઘટક છે. (૧૪) તે રસનિષ્પત્તિની પ્રક્રિયા માટે કાર્યાન્વિત હોય છે. (૧૫) પાત્ર, પરિસ્થિતિ કે પદાર્થ અસાધારણ હોય, પણ વાર્તામાં તેનું કશું કાર્ય ન હોય તો તે મૉટિફ બની શકે નહિ. દા.ત., ઊડતી મોજડી અસાધારણ ગુણલક્ષણ ધરાવે છે, પણ વાર્તામાં તેનું કાર્ય ન હોય ને માત્ર ઉલ્લેખ જ હોય તો તે મૉટિફ બની શકે નહિ. : (૧૬) કથામાં તે ચમત્કૃતિ લાવનાર, વેગ લાવનાર તત્ત્વ છે. (૧૭) તે લોકતત્ત્વનો અંશ ધરાવી શકે છે. (૧૮) તે સ્વયંપર્યાપ્ત નાની કથા પણ હોઈ શકે. (૧૯) તે કથાનો હેતુ નથી, હેતુ સાધવાનો કસબ છે. (૨૦) તે દેશકાલબાધિત તત્ત્વ છે. (૨૧) તેનામાં માનવજીવન કે જગતનું કોઈ રહસ્યમય તત્ત્વ પડેલું હોય છે. (૨૨) તે વિષયવસ્તુને મૂર્ત કરનાર કથનનો નાનામાં નાનો એકમ છે. (૨૩) કોઈ શબ્દ પણ મૉટિફ બની શકે ! (૨૪) તેમાં ચમત્કૃતિનો અંશ હોઈ શકે ! (૨૫) તે પ્રતીકાત્મક્તાનો ગુણ ધરાવે છે. આમ, અનેકવિધ લાક્ષણિકતા પરાવતા મૉટિફનો વિશેષ પરિચય કૃતિઓના અભ્યાસ દ્વારા જ થઈ શકે. વળી આ દિશામાં પશ્ચિમમાં અને ભારતમાં વિદ્વાનોએ કેવું કામ કર્યું છે, તેનો અભ્યાસ કરવો પણ જરૂરી છે. પશ્ચિમમાં લોકકથાનો અભ્યાસ સાહિત્યમાં તુલનાત્મક અધ્યયનની શરૂઆત થતાં થયો. ગ્રીમ બન્યુએ લોકકથાનું વર્ગીકરણ તુલનાત્મક પદ્ધતિથી જ કર્યું હતું. શરૂઆતના વિદ્વાનોએ લોકકથાનું બે રીતે વર્ગીકરણ કર્યું હતું : (૧) Animal tale (૨) Fairy tale. પણ આવી રીતે વર્ગીકરણ કરતાં જો એક જ કથામાં પરી અને પ્રાણીના પાત્રો સંકળાયેલ હોય તો તેને કયા વર્ગમાં મૂકવી ? બન્ને વર્ગમાં મૂકીએ તો ગૂંચવાડો પેદા થવાની સંભાવના રહે ! તેથી wundt નામના વિદ્વાને લોકકથાનું વર્ગીકરણ આ Biological tales (૪) Pure Fairy tales (3) Biological tales (૪) Generological tales (૫) Animal fables (૬) Jokes tales and fable પણ આવું વર્ગીકરણ કથાના વર્ગને આધારે હોવાથી વર્ગીકરણ કરવામાં ભૂલ થાય તો કથા સમજવામાં મુશ્કેલી પડે. શ્રીમતી બન્ર્સે આવા ૭૦ કથાવર્ગો તારવ્યા હતા. પણ લોકકથાના ક્ષેત્રમાં એન્ટી આર્નેનું ‘The types of the folktales’ પુસ્તક ખૂબ ઉપયોગી નીવડયું છે. તેમણે ૮૦૦ યુરોપિયન કથાઓનું વર્ગીકરણ કર્યું હતું. આ વર્ગીકરણને ધ્યાનમાં રાખીને જ યુરોપના દસથી વધારે વિદ્વાનોએ લોકકથાનાં વર્ગીકરણને લગતાં ‘કેટલોગસ્’ આપવાનો પ્રયત્ન કર્યો હતો. આ દશ વિદ્વાનોની કામગીરીનો તુલનાત્મક અભ્યાસ R. S. Boggs નામના વિદ્વાને ‘A comparative survey of the folktales of ten peoples’માં કર્યો છે. યુરોપિયન કથાઓનું કથનમાળખું આવી taletypes દ્વારા વર્ગીકૃત કરી શકાયું. પણ યુરોપની બહારના દેશની કથાઓ માટે આ tale-types (કથાવર્ગો) અમુક કથાઓને જ લાગુ પાડી શકાતા હતા. એટલે કે આખી ને આખી કથાઓ બીજા દેશની કથાઓ સાથે મળતી આવતી ન હતી. પરંતુ તેનો અમુક અંશ મળતો આવતો હતો. ઈ.સ. ૧૮૮૪માં સર આર. સી. ટેમ્પલ અને ફ્લોરા સ્ટીલે ‘Wide Awake Stories’માં ભારતીય લોકકથાઓની વિષયવાર ચર્ચા કરી. તેમાં તેમણે નોંધ સ્વરૂપે આવા સરખા લાગતા અંશો વિશે વાત કરી હતી. ઈ.સ. ૧૮૯૪માં એમણે ‘Folktales of Punjab’માં પંજાબની લોકકથામાં વિશિષ્ટ લાગતાં ‘Incidents and episodes’ પર ચર્ચા કરી હતી. આ પુસ્તકો દ્વારા આપણને મૉટિફના સ્વરૂપ વિશેની આછીપાતળી વિગતો મળે છે. ઈ.સ. ૧૯૦૫માં સોમદેવ કૃત ‘કથાસરિત્સાગર’નો અનુવાદ પશ્ચિમી વિદ્વાન સી. એન. ટૉનીએ કર્યો હતો. ઈ.સ. ૧૯૨૩માં ‘કથાસરિત્સાગર’ની કથાઓનો તુલનાત્મક અભ્યાસ The Ocean of story’ માં પેન્ઝરે કર્યો. તેના ગ્રંથમાં પેન્ઝરે દોહદ, પરકાયાપ્રવેશ, જાદુઈ પદાર્થ, સહાયક પ્રાણી, મૃત્યુપત્ર, ટેબૂ, સમસ્યા, સાંકેતિક ભાષા, જીવનજળ, જીવનપ્રતીક – જેવા મૉટિફ વિશે ચર્ચા કરી છે. પેન્ઝરના આ ‘The Ocean of Story’ પુસ્તકની પ્રસ્તાવનામાં બ્લૂમફિલ્ડે કથાના વિશિષ્ટ ઈન્સિકેન્ટ્સને મૉટિફ તરીકે ઓળખાવી, ભારતીય કથાઓના સંદર્ભે ‘મૉટિફ’ શબ્દનો પરિચય પ્રથમ વખત કરાવ્યો. બ્લૂમફિલ્ડની તુલનાત્મક અને પૃથક્કરણાત્મક પદ્ધતિથી પ્રેરાઈને એન્યુલેન્ગે અને તેમના અનુયાયીઓએ યુરોપિયન અને આદિવાસી પ્રજાની કથાઓના ‘મૉટિફ’નો તુલનાત્મક અભ્યાસ કર્યો. ઈ.સ. ૧૮૮૮માં કલોડે ‘ટોપ-ટીટ- ટોટ’ને મળતી આવતી કથાઓનો અભ્યાસ કર્યો, તો ઈ.સ. ૧૮૯૩માં કોકે ‘સિન્ડ્રેલા’ની વાર્તાને મળતી આવતી કથાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો. પણ આવા ‘મૉટિફ’ને વર્ગીકૃત કરી તેથી ‘Index’ આપવાનું મૉટિફના ઇતિહાસનું મહત્ત્વનું કાર્ય આર્નેના શિષ્ય સ્ટીથ થોમ્પસને કર્યું. આર્નેએ એની ‘sThe types of the Folktales’i plots- types (કથાવર્ગ) તરીકે ઓળખાવી types-ને નંબર આપ્યા હતા. આર્નેના આ પ્રયત્નથી કથાના ‘મૉટિફ’ના વર્ગીકરણની ગાણિતિક પદ્ધતિનો પ્રાદુર્ભાવ થયો હતો, પણ આર્નેનું વર્ગીકરણ વૈજ્ઞાનિક રીતે થયું ન હતું. વળી, કથાવર્ગના વિભાગો સ્પષ્ટપણે પાડેલ ન હોવાને કારણે એક કથા એક કથાવર્ગમાંથી બીજા કથાવર્ગમાં વર્ગીકૃત થઈ જવાની સંભાવના રહેતી. એટલું જ નહીં, આનાથી કથાનું વર્ગીકરણ જ થતું, તેનું વર્ણન કે પૃથક્કરણ થતું ન હતું. બલકે, કથા આખી જ સમાન ન હોવાને કારણે પણ વિશ્વની તમામ કથાઓનું વર્ગીકરણ શકય ન હતું. તેથી આર્નેના સહાયક સ્ટીથ થોમ્પસને કથાવર્ગની અંતર્ગત રહેલા ‘મૉટિફ’ની ગૂંથણીમાં સામ્ય જણાતાં ‘મૉટિફ’નું જ વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. તેમના આવા પ્રયત્નોથી ઈ.સ. ૧૮૩૨-૩૯માં તેમણે Motif Index of Folk litera- ture’ નામનાં ૬ વોલ્યૂમ્સ આપ્યાં. તેમાં તેમણે ગુણધર્મોને આધારે મૉટિફનું A થી Z સુધી વર્ગીકરણ કર્યું. જેમકે, ‘A’માં પૌરાણિક મૉટિફ, ‘B’ પ્રાણીને લગતા મૉટિફ, ‘C’ ટેબુ, ‘D’ ચમત્કારી પદાર્થ વગેરે. આ વર્ગીકરણમાં પણ તેણે પ્રત્યેક મૉટિફને ગાણિતિક ક્રમ આપ્યો. જેમકે ‘ટેબૂ ભંગ થવાથી રૂપપરિવર્તન C960, ઉપદેશ આપતાં પ્રાણીઓ B140 વગેરે. આ ‘મૉટિફ ઈન્ડેક્સ’ની મર્યાદા એ છે કે તેના દ્વારા કથનકળાની દૃષ્ટિએ મૉટિફનું બંધારણીય મહત્ત્વ કે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ મૉટિફનું મહત્ત્વ પ્રાપ્ત થતું નથી. તુલનાત્મક દૃષ્ટિકોણથી લોકકથાઓનો અભ્યાસ વધુ થતાં, અનેક દેશોના વિદ્વાનોએ પોતાની આગવી ‘Motif Index’ આપવાનો પ્રયત્ન પણ કર્યો છે. જેમકે, કેલર (સ્પેન), ડૉ. બૉબેર્શ (આઈસલેન્ડ), મૅક કાય (નોર્થ વેસ્ટ હાઈલેન્ડ), ટી. પી. ક્રોસ (આયર્લૅન્ડ), ફલોવર (વેસ્ટ ઈન્ડિઝ), બ્રાઉન (નોર્થ કારોલિના) પાસેથી આવી ‘Motif Index’ મળી છે. આ ઉપરાંત, ચૉવીન નામના વિદ્વાને ઈન્ડિયા અને અરેબિયાની કથાઓનો અભ્યાસ કરી ‘Biblograpie des ourrages arabdes’ ગ્રંથ આપ્યો, માલાસેકરે બૌદ્ધ કથાઓની ડિક્શનરી આપી છે. બોડકરે ‘પંચતંત્ર’ ઉપર નોટ્સ લખેલ છે. જો કે, ઉપરોક્ત ગ્રંથોમાં થયેલા મૉટિફના અભ્યાસનો સ્ટીથ થોમ્પસના ‘The Motif Index of Folk literature’ પુસ્તકની ઈ.સ.૧૯૫૫ની આવૃત્તિમાં સમાવેશ થઈ ગયો છે. હવે તો આ મૉટિફ ઇન્ડેક્સ ‘E-Books તરીકે પણ ઉપલબ્ધ થઈ શકે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. સ્ટીથ થોમ્પસને ગુણધર્મોને આધારે ‘મૉટિફ’નું વર્ગીકરણ કરી તેની ‘Index’ આપી છે, તો Albert Weesslski એ તત્ત્વજ્ઞાનના આધારે તેમના ગ્રંથ Marchen des Milterlaters’માં મૉટિફનું વર્ગીકરણ કર્યું છે. જેમકે Mythenmotive, Gemeinschafls motive, Kulturmotive વગેરે. તેમણે મૉટિફની કથનકળાની દૃષ્ટિએ પણ ચર્ચા કરી છે અને મૉટિફને બદલે તેમણે ‘Motive’ શબ્દ પ્રયોજયો છે. તેમણે ગાણિતિક સંજ્ઞાઓ દ્વારા કથનકળાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. કથામાં જોવા મળતાં તત્ત્વોને તેમણે ‘ઓમેગા’ સંજ્ઞા આપી હતી. એક કથાની પદ્ધતિને - + a +b + c, બીજી પદ્ધતિને – +a+b+c + n એવી રીતે ત્રીજી-ચોથીને આ પદ્ધતિમાં મૂકી શકાય તેમ તેઓએ કહ્યું. અહીં ઓમેગા એટલે સાતત્ય ધરાવતાં તત્ત્વો, પણ તેઓ આવાં તત્ત્વોને સ્પષ્ટ કરી શક્યા ન હતા. તેમના સિદ્ધાંતની તે મર્યાદા છે. વળી, તેણે તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ કરેલ મૉટિફનું અર્થઘટન પણ નક્કર ન હતું. ત્યાર પછી Arthur Christensen ‘Motif of theme’ નામના પુસ્તકમાં મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી મૉટિફનું વર્ગીકરણ કર્યું હતું. જેમકે, elements de relation motifs, accessaries equiques theme જેવા વિભાગો પાડયા છે. લોકકથાનો અભ્યાસ એની વસ્તુઓ સામગ્રીને આધારે જ થતો હતો. તે જ સમયમાં એટલે કે ઈ.સ. ૧૯૨૮માં રશિયન વિદ્વાન વ્લાદીમીર પ્રોપે લોકકથાના Content ને બદલે લોકકથાના Form ઉપર દૃષ્ટિ કેન્દ્રિત કરી અને લોકકથાનો રૂપઘટનાત્મક ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ અભ્યાસ કર્યો, તેમણે આ દૃષ્ટિકોણથી રશિયન પરીકથાઓનું પુનઃ મૂલ્યાંકન કર્યું. પ્રોપના મંતવ્ય અનુસાર કથામાં પાત્ર, પદાર્થ અને પરિસ્થિતિ હોય તેટલા માત્રથી તેને મૉટિફ ન કહેવાય, પણ જો તે દ્વારા કંઈ ક્રિયા થતી હોય તો જ ‘મૉટિફ’નું પ્રયોજન સિદ્ધ થાય. એટલે કે કથામાં ‘મૉટિફ’ના વ્યાપારમાં કર્તા નહિ, પણ ક્રિયા મહત્ત્વનો વ્યાપાર હોઈ શકે. પ્રોપ મૉટિફને function કહે છે. તેમણે ઈ.સ. ૧૯૨૮માં Morphology of Folktale’ નામનો ગ્રંથ આપ્યો. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ ઍલેન ઠંડીસે કર્યો છે. ઈ.સ. ૧૯૫૮માં પ્રાપ્ત થયેલા આ અંગ્રેજી અનુવાદના પુસ્તકમાં ઠંડીસે પ્રોપે આપેલ રૂપઘટનાત્મક ભાષાવિજ્ઞાનની પારિભાષિક સ્પષ્ટતા કરી, ઉપરૂપઘટક, રૂપઘટકની જેમ Allomotif, Motifeme એવી સંજ્ઞાઓ સમજાવી છે. જેમકે, જાદુઈ મોજડી Allomotif ગણાય અને તેના દ્વારા થતું ઉડ્ડયન Motifeme ગણાય ! આમ, લોકકથાનો તુલનાત્મક અભ્યાસ કરતાં કરતાં કથાવર્ગો વિશે અભ્યાસ થયો અને તેમાંથી મૉટિફ વિશેના અભ્યાસો પશ્ચિમમાં થયા. આ માટે તુલનાત્મક, પૃથક્કરણાત્મક કે રૂપઘટનાત્મક ભાષાવિજ્ઞાનની પદ્ધતિઓ આ વિદ્વાનોએ ઉપયોગમાં લીધી. એટલું જ નહિ, મૉટિફનો માત્ર ગુણધર્મોને આધારે જ નહિ, પરંતુ મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન અને કથનકળાને આધારે અભ્યાસ થયો. આજના વૈજ્ઞાનિક યુગમાં ખનીજ તત્ત્વો, વૃક્ષો કે પ્રાણીઓને એના સ્વરૂપને આધારે નિશ્ચિત રીતે વર્ગીકૃત કરી કે વર્ણવી શકાય, પણ સાહિત્યની કથાને એના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરી કે વર્ણવી શકાય, તે હજુ પણ અઘરી બાબત છે. તેથી પ્રોપ જેવા સ્વરૂપવાદીઓ ઝાઝા સફળ થયા નથી.. ભારતીય ભાષામાં હિન્દી સાહિત્યમાં હજારીપ્રસાદ ત્રિવેદી, ડૉ. કનૈયાલાલ સહલ, ડૉ. સત્યેન્દ્ર, ડૉ. સાવિત્રી સરીન, ડો. શ્યામચરણ દૂબે, શ્રી કૃષ્ણાનંદ ગુપ્ત, શ્રી અગરચંદ નાહટા, રવીન્દ્રનાથ ભ્રમર, મનોહર શર્મા, કૃષ્ણદેવ ઉપાધ્યાય જેવા વિદ્વાનોએ હિન્દીમાં મૉટિફના પર્યાય આપવાના પ્રયત્ન કર્યા છે. તદ્ઉપરાંત, કેટલાક વિદ્વાનોએ મૉટિફની વ્યાખ્યા આપી, હિન્દી કથાસાહિત્યના મૉટિફનું પૃથક્કરણ કરી તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હિન્દી સાહિત્યમાં ડૉ. સત્યેન્દ્રનું પ્રદાન મૉટિફ ક્ષેત્રે નોંધપાત્ર છે. તેમણે ‘વ્રજલોક’કા સાહિત્યિક અધ્યયન’માં મૉટિફનું વિવરણ કર્યું છે અને ‘લોકસાહિત્ય વિજ્ઞાન’માં મૉટિફની વ્યાખ્યા આપી, તેનું પ્રયોજન સમજાવ્યું છે. શ્રી હજારીપ્રસાદ દ્વિવેદીએ વૈદિક કથાનાં બીજોનું આદિ રૂપ શોધવાના પ્રયત્ન કર્યા છે. ડૉ. સરીને સ્ટીથ થોમ્પસનની મૉટિફ ઈન્ડેક્સ અનુસાર મૉટિફનું સૂચિકરણ કર્યું છે. આ સૂચિમાં તેમણે દેવનાગરી લિપિના મૂળાક્ષરો અનુસાર ક્રમ આપ્યો છે અને ૬૦૦ જેટલા નવા મૉટિફ શોષ્યા છે. કનૈયાલાલ સહલે ‘લોકકથા કી કુછ પ્રરૂઢિયાઁ’ અને ‘રાજસ્થાની લોકકથાઓ કે મૂલ અભિપ્રાય’ પુસ્તકમાં મૉટિફના અર્થઘટનો આપ્યાં છે. આસામ, મહારાષ્ટ્ર, બંગાળ અને ઓરિસ્સામાં પણ મૉટિફ ક્ષેત્રે વિદ્વાનોએ અભ્યાસ કર્યા છે. A study of Orrisan folkloreમાં કુંજબિહારી દાસે લોકકથાના મૉટિફને વર્ણનાત્મક અને તુલનાત્મક દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કર્યો છે. "The Folk literature of Bengal’માં દિનેશચંદ્ર સેને બંગાળી લોકકથાના મૉટિફને તારવીને ગ્રીક લોકકથાઓ સાથે તેની તુલના કરી છે. પ્રફુલદત્ત ગોસ્વામીએ આસામી લોકકથામાંથી ‘દૂધ સ્રવતી ગાય’નો મૉટિફ સંશોધ્યો અને થોમ્પસને આપેલા પશુ મૉટિફના વિવિધ પ્રકારો કરતાં આ મૉટિફ અલગ છે. તેમ પોતાના લેખમાં સ્પષ્ટ કર્યું. પણ મારા મતે ‘દૂધ સ્રવતી ગાય’નો મૉટિફ સ્ટીથ થોમ્પસનની ‘મૉટિફ ઈન્ડેક્સ’ અનુસાર D1652.3.1 : Cow with Inexhuastible milk અને B103.4.3: Cow gives milk without cessation ક્રમાંક હેઠળ વર્ગીકૃત કરી શકાય! આવો મૉટિફ માત્ર આસામની જ નહિ, પંજાબની લોકકથા ‘The son of the seven mothers માંથી પણ પ્રાપ્ત થાય છે. ‘મરાઠી લોકસાહિત્યની રૂપરેખા’માં દુર્ગાબાઈ ભાગવતે મરાઠી લોકકથાના વિશિષ્ટ મૉટિફને તારવી આપીને મૉટિફના પ્રકારો સમજાવ્યા છે, તો શરદચંદ્ર મિત્રે ‘સાંથાલી’ અને ‘બિહારી’ લોકકથાનો અભ્યાસ કરી કેટલાક નવા મૉટિફ તારવી આપી તેનો સ્ટીય થોમ્પસનની ‘મૉટિફ’ ઈન્ડેક્સ’માં સમાવેશ કરાવ્યો છે. ગુજરાતી સાહિત્યમાં લોકકથા અને મધ્યકાલીન કથા સાહિત્ય સંદર્ભે ‘મૉટિફ’ અંગેનો અભ્યાસ વિદ્વાનોના હસ્તે થયો છે. આ અભ્યાસમાં ત્રણ પ્રકારનું કામ થયેલ છે : (૧) ગુજરાતીમાં મૉટિફના પર્યાય સૂચવવાનું, (૨) મૉટિફની વિભાવના સ્પષ્ટ કરવાનું અને (૩) કથાસાહિત્ય સંદર્ભે મૉટિફનો તુલનાત્મક અભ્યાસ કરવાનું. આવા અભ્યાસની શરૂઆત લોકસાહિત્ય ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર ઝવેરચંદ મેઘાણીના હસ્તે જ થાય છે. તેમણે ૧૯૪૮માં ‘રંગ છે બારોટ’ પુસ્તકમાં ’ મૉટિફ’ના પર્યાય તરીકે ‘કથાકરામત’ જેવો પર્યાય પ્રયોજયો છે. એટલું જ નહિ, આ પુસ્તકમાં તેમણે સાંકેતિક ભાષા, બોલતાં પક્ષી જેવા મૉટિફ વિશે ચર્ચા પણ કરી છે. વળી, ગુજરાતી લોકકથાનો તેમણે બંગાળી.. અરબી અને જર્મન લોકકથાઓના મૉટિફ સાથે તુલનાત્મક અભ્યાસ પણ કર્યો છે. ‘મધ્યકાળના સાહિત્ય પ્રવાહ’માં કનૈયાલાલ મુનશીએ કથામાં રહેલા સામ્ય પરથી પ્રજાનો ઈતિહાસ, મૂળ સ્થાન, વાર્તાઓનું મૂળ, વાર્તાના પ્રસરણથી તેમાં આવેલા પરિવર્તન વિશે અભ્યાસ થવા જોઈએ તેવું સૂચન કર્યું છે. જે મૉટિફના અભ્યાસમાં ઉપકારક બને તેવું છે. મંજુલાલ મજમુદારે પુરુષદ્વૈષિણી સ્ત્રી, રત્નપરીક્ષા, મૃતસંજીવન, કાષ્ઠનો ઘોડો, પ્રથમ દૃષ્ટિનો પ્રણય વગેરે મૉટિફની ચર્ચા કરી છે. આ ઉપરાંત, તેમણે ‘આકાશગમન’ને લગતી કેટલીક વાર્તાઓનું સંપાદન કર્યું છે અને આકાશગમનને લગતા મૉટિફ વિશે ચર્ચા કરી છે. ભોગીલાલ સાંડેસરાએ મૉટિફ માટે ‘પ્રયોજન’ શબ્દ પ્રયોજયો છે. તેમણે ભારતીય સાહિત્યના મૉટિફ પર અભ્યાસ કરતી લંડનની વનરબુગ સંસ્થાના અધ્યક્ષ સાથે મળીને ‘પંચતંત્ર’ના મૉટિફ વિશે ચર્ચા કરી છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે ગ્રીસ અને હિન્દી પ્રાણીકથાઓ વચ્ચેની સમાનતાનો અભ્યાસ કર્યો છે. તેમણે મૉટિફનો પર્યાય ‘ચણિયારું’ સૂચવ્યો છે જેના વડે વાર્તા હાલેચાલે અને અવલંબિત રહે. સોમાભાઈ પારેખ ‘ઘટક તત્ત્વ’ શબ્દ મૉટિફના પર્યાય તરીકે સૂચવે છે. તેમણે ‘પંચદંડ’ની વાર્તાના અભ્યાસ નિમિત્તે પ્રચ્છન્ન શ્રવણ, બોલતાં પક્ષી, જાતીયપરિવર્તન, આકાશ ઉડ્ડયન, જાદુઈ દંડ, તેમજ જાદુઈ અંતરાયના મૉટિફના મૂળ વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. રણજિત પટેલે તેમના મહાનિબંધમાં ‘સિંહાસન બત્રીસી’નાં ચૌદ પાઠાંતરોનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. જોકે, તેમણે ’ મૉટિફ’ વિશે ચર્ચા કરી નથી. અનંતરાય રાવળે મોટિફ માટે ‘વસ્તુવળુ’ તેમજ ‘કૌતુકમય પરિસ્થિતિ એવા પર્યાય પ્રયોજ્યા છે. તેમણે ‘મોટિફ’ વિશે જણાવ્યું છે કે કલાકૃતિમાંથી પ્રાપ્ત થતો આનંદ માત્ર મોટિફને કારણે જ પામી શકાતો નથી. તેમણે પૂર્વજન્મ સ્મૃતિ, અદશ્યવિદ્યા, પરકાયાપ્રવેશ, મૃતસંજીવન જેવા મોટિફની ચર્ચા કરી છે. મૉટિફના અભ્યાસ ક્ષેત્રે ગુજરાતી સાહિત્યમાં હરિવલ્લભ ભાયાણીનું પ્રદાન ઘણું નોંધપાત્ર ગણી શકાય ! તેમણે કથાયટક, કથામુક્તક, કથારૂઢિ, કથાકરામત, કથાયુક્તિ જેવા પર્યાયો મૉટિફ માટે પ્રયોજ્યા છે. તેમણે ‘મૉટિફ’ના સ્વરૂપ વિશે સૈદ્ધાંતિક કે તાત્ત્વિક ચર્ચા કરી નથી પણ મધ્યકાલીન અને લોકકથાના મૉટિફને શોષીને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ કથાઓમાં તેનાં મૂળ શોધવાનું કાર્ય કર્યું છે. ‘શોષ અને સ્વાધ્યાય’, ‘લોકકથાનાં મૂળ અને કુળ’, ‘મધ્યકાલીન કથાકોશ’માં તેમણે આવો અભ્યાસ કરીને ભાડૂતી વર, ડાકણનું આળ, ઠગારું માગણું વગેરે મૉટિફનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. ભારતીબહેન વૈધે ‘રાસસાહિત્ય’ મહાનિબંધમાં અપરમાનો આરોપ, ગુરુશિષ્ય પ્રણય, સંકેતના અમલમાં ભૂલ વગેરે મૉટિફનો રાસસાહિત્યની દૃષ્ટિએ અભ્યાસ કર્યો છે. જનક દવેએ પણ તેમના મહાનિબંધમાં શામળની ‘સિંહાસન બત્રીસી’ની ચાર વાર્તાઓના મૉટિફનું પૃથક્કરણ કરી તેના વિશે પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં છે. હીરાબહેન પાઠકે ‘ચંદ્રચંદ્રાવતી’ની વાર્તાના મૉટિફનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત, ‘વિદ્યાપીઠ’ (નવે., ૧૯૭૧) અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખમાં તેમણે Motive (રહસ્ય), Motif (ઘટકાંશ) અને Motivation (કાર્યપ્રયોજન) આ ત્રણે તત્ત્વોનો આંતરસંબંધ તપાસ્યો છે. આ લેખમાં તેમણે જણાવ્યું છે કે, ‘કૃતિનું કાર્યપ્રયોજન અને પટકાંશોના વિષયગત વૈવિધ્યને કારણે સમાન મૉટિફ ધરાવતી કૃતિઓ એકબીજાથી જુદી પડે છે.’ તેઓ મૉટિફને ‘ઘટકાંશ’ કહે છે. પુષ્કર ચંદરવાકરે ‘મૉટિફ’ને ‘આપારબીજ’ તરીકે ઓળખાવી તેની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત, તેમના ‘લોકવાર્તા’ પુસ્તકમાં લોકપરંપરામાં વણાઈ ગયેલા તત્ત્વ રૂપે મૉટિફની ચર્ચા કરી છે અને ‘સ્વામીભક્ત સેવક’ તેમજ ‘સ્વર્ગીય બાલા’નો મૉટિફ ધરાવતી વાર્તાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. ‘મૃગાવતી ચરિત્ર ચોપાઈ’ના સંપાદક રમણભાઈ શાહે ‘મૃગાવતી ચરિત્ર ચોપાઈ’ના મૉટિફ, જેવા કે દોહદ, ભારંડ પક્ષી દ્વારા અપહરણ, આભૂષણ દ્વારા ઓળખ, શુકન-અપશુકનને તારવી તેનો અભ્યાસ કર્યો છે. હસુભાઈ યાજ્ઞિકે ‘મધ્યકાલીન પ્રેમકથા’ અને ‘મધ્યકાલીન કથાસાહિત્ય’ પુસ્તકમાં પ્રણય સ્ત્રીચારિત્ર્ય, પૂર્તતા, ચતુરાઈ અને મૂર્ખતા વગેરેને લગતાં કથાચક્રોનો અભ્યાસ કરી તેનાં મૉટિફ તારવી આપ્યા છે. ‘મધ્યકાલીન પ્રેમકથા’માં તો મૉટિફ તારવીને સ્ટીય થોમ્પસનની ’ મૉટિફ ઇન્ડેક્સ’ અનુસાર મૉટિફ ક્રમાંક આપવાનો પ્રયત્ન પણ કર્યો છે. તેમનું આ કામ પ્રશંસનીય છે. વળી, પ્રમોદકુમાર પટેલ, કનુભાઈ જાની જેવા વિદ્વાનોએ લેખો દ્વારા મૉટિફ વિશેના પોતાના અભ્યાસોને રજુ કર્યા છે તો કનુભાઈ શેઠે મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનાં સંપાદન આપી મૉટિફની તારવણી અને તુલનાનું મૂલ્યવાન કામ કર્યું છે. જ્યારે સોમાભાઈ પારેખની જેમ સરૂપબહેન ધ્રુવે મૉટિફને કેન્દ્રમાં રાખીને ‘મહાનિબંધ’ લખ્યો છે. તેમાં તેમણે અન્ય વિદ્વાનોની મૉટિફ વિશેની વિભાવનાઓને તપાસી મૉટિફની પોતીકી વિભાવના આપવાનો પ્રયન કર્યો છે. તેમણે શામળ કૃત ‘પંખીની વારતા’નો પ્રોપના અભિગમથી રૂપઘટનાત્મક ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત, સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જયશ્રી કડિયા (સમયસુંદર રાસ પંચકના કથાઘટકો : એક અભ્યાસ), આરતી પટેલ (શામળની જોગણની વારતા સાથે સમાનતા ધરાવતાં કથાનકો), વિજય મકવાણા (ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓમાં મૉટિફ : એક અભ્યાસ), મનુમિયાં કાઝી (ગુજરાતની લોકકથામાં ચમત્કારના મૉટિફ : એક અભ્યાસ), કીર્તિકા ચૌહાણ (કંઠસ્થ પરંપરાની લોકવાર્તાનો તુલનાત્મક અભ્યાસ), કામિની ચાવડા (ગુજરાતની લોકકથાના કેટલાક મૉટિફ : એક અભ્યાસ), તારીફ મલેકે (મુર્ખકથાના મૉટિફ ) ધવલ સોલકી (પંચતંત્રની પ્રાણીકથાના મૉટિફ) હિતેશ મકવાણાએ (ટૂચકાના મૉટિફ) કેન્દ્રમાં રાખીને એમ.ફિલ.ની પદવી માટેના લઘુ શોધનિબંધો તૈયાર કર્યા છે. આમ, ઈ.સ. ૧૯૪૮થી ઝવેરચંદ મેઘાણીથી આરંભાયેલું આ દિશાનું કાર્ય આપણી નવી પેઢીના વિદ્યાર્થીઓને પણ આ દિશામાં અભ્યાસ કરવા પ્રેરે તેવું છે.

નં. ગ્રંથશીર્ષક લેખક/સંપાદક પાન નંબર
1 Man and his Symbol Carl Jung 153
2 Green man William Anderson Oxford 10
3 Oxford Dictionary D.K. Illustrated 539
4 The Oxford reference Dictionary Joyce M. Hawkins 546
5 The Oxford guide to the English Language Joyce M. Hawkings 421
6 Collier’s Dictionary Judith S. Levey 663
7 Longman New Generation Dictionary Longman School 443
8 Longman New Generation Dictionary Longman School Edition 995
9 Longman New Generation Dictionary Longman School Edition 638
10 Webster’s New Word Dictionary Editor David B. 314
11 The Oxford English Dictionary - Vol. VI 695
12 Webster Third New International Dictionary Philip Bab Cock 1475
13 Poetika-11 A.N. Veselovski 59
14 Poetika-11 A.N. Veselovski 59
15 The Folktales Stith Thompson 81
16 Webster Illustrated Contemporary (1966) Sidney / Landay 473
17 The Folktales Stith Thompson 81
18 Dictionary of Word literary Terms J.T. Shipley 137
19 The new Shorter Oxford English Dictionary Lesley Brown 1838
20 The Concise Oxford Dictionary of Literary Terms Baldick 142
21 The Authentic Senior Dictionary (Anglo-Hindi) B.C. Pathak / C.S. Pathak 941
22 લોકકથા : ઉદ્ભવ પ્રકાર અને વિકાસ પુષ્કર ચંદરવાકર ૭૪
23 પંચદંડની વારતા સોમાભાઈ પારેખ ૩૭૮
24 વિદ્યાપીઠ (નવેમ્બર, સામયિક, ૧૯૭૧) હીરાબહેન પાઠક ૩૭૧
25 મોટિફનો અભ્યાસ અને કેટલીક પસંદ કરેલી ગુજરાતી
લોકકથાઓમાં તેની તપાસ
સરૂપ ધ્રુવ ૯૩૩
26 Celtic Gods Celtic Goddesses R.J. Stewart 48
27 Celtic Gods Celtic Goddesses R.J. Stewart 48

(પૃ. ૨૬૩-૨૭૭ ‘લબ્ધિ’ (૨૦૦૯) સં- નરેશ વેદ, મણિલાલ હ. પટેલ, ભગીરથ બ્રહ્મભટ્ટ)