બહુરંગી/મરને ભી દો યારોં!
રિદ્ધિ દેસાઈ
આત્મહત્યા કરવી એ કાયરોનું કામ છે, એવું કો’ક કાયરે કહ્યું છે! મરવા માટેય બેશક હિંમત જોઈએ! પણ વિશ્વના મોટા ભાગના આત્મઘાતી સર્જકોએ મોટી વયે રામશરણ થવાનું પસંદ કર્યું છે, એ અમને નથી ગમ્યું. ઘડપણમાં અંજરપંજર ઢીલાં પડી જાય છે. પછી સુચારુ ઢબે મરી શકાતું નથી. એક મહાકવિનો દાખલો લ્યો! એંશી વરસની જર્જર કાયા. એ સમુદ્રને સોંપવા ગયેલા પણ સમદરે ઘસીને ના પાડી દીધેલી. વજન નહીંવત્ તે એ ડૂબ્યા જ નહીં. (કોને ડુબાડવા એનાય દરિયાના પોતાના નિયમો હોય છે) ઘણું મથવા છતાં કંઈ વળ્યું નહીં. એટલે એ તો નાહી-ધોઈને દરિયા વિશે એક સૉનેટ લખીને ઘેર પરત ફરેલા! આવા બધા લોચા ન વળે એટલે મેં તો સવેળા જ નિર્ણય લઈ લીધો છે. આજકાલ હાલાત પણ મરવા માટે સખ્ખત સૂટેબલ ચાલી રહ્યા છે..... તો હવે સહુ આઘા ખસો ને મને મરવા દો! જ્ઞાનીઓ કહી ગયા છે કે (જ્ઞાનીઓ કાળી બિલાડી જેવા હોય છે. દરેક જગ્યાએ આડા ઊતરે છે.) જીવતાં હિસાબની અને મરતાં સુસાઈડની નોંધ અચૂક લખવી. કાયદો તો પાછો ભારે - શંકાખોર, આત્મહત્યાને ઠેકાણે મારા ખૂનની શંકા જાય તો લાગતા-વળગતા નાહકના હેરાન થાય એમાં મારા ફેમિલીમાં તો એક-એકનાં મોઢાં મર્ડર કેસમાં પેરોલ પર છૂટીને આવ્યા હોય એવાં છે. એટલે એમના ઉદ્ધાર ખાતરેય એક સુસાઈડ નોટ લખવી જ રહી :
|| રામ બોલો ભાઈ રામ ||
શ્રીજીબાવાની અસીમ કૃપાથી અમારા મરણનો માંગલિક પ્રસંગ ૨૯મી ફેબ્રુઆરીના શુભ દિને નિર્ધારિત થયો હતો; પરંતુ ‘સુસાઈડ નોટ’ માટે ગુજરાતીમાં કયો શબ્દ લખવો? એ શોધવામાં મરણનો રંગારંગ કાર્યક્રમ છ મહિના આગળ ઠેલવો પડ્યો. એને લઈને શુભેચ્છકોને ઘણી અગવડ પડી હશે. એ બદલ ક્ષમા! ગઈ કાલે, મરવાની ઉતાવળ હોય એવા દેખાતા એક ભાષાશાસ્ત્રી ‘મરેલા’ એટલે કે મળેલા. હું શેને માટે ‘સુસાઈડ નોટ’નો અનુવાદ વાંછું છું એનું તદ્દન સાચું કારણ જાણ્યા બાદ એમણે હોંશે હોંશે એ શબ્દ કહેલો - સ્વઘાત નોંધ (આમ, તો ‘આત્મઘાત નોંધ’ પણ ચાલે; પરંતુ એ લખવામાં અને એથી મરવામાં બે સેકંડ વધુ લાગે, માટે મારે સ્વઘાત નોંધ’ શબ્દ જ લખવો એવી કડક સલાહ એમણે આપી હતી.) તો હે મારી મરણકથાના રસિક વાચકો! મારા મૃત્યુ માટે હવે આપ સહુ તૈયાર થઈ જાઓ! (મૃત્યુ માટે તૈયાર મારે થવાનું હોય, એમ?) મૃત્યુના કારણે નહીં, એની તો ફક્ત ક્ષણ જ હોય છે. એમાં ક્ષણને ઝડપીને જીતી જવાનું એટલે કે મરી જવાનું હોય છે. અતઃ એના સઘન-વિઘન-દુર્ઘન અને ધનાધન કારણોની ચર્ચા માંડીવાળું છું. છતાંય મને મરવાની પ્રેરણાનાં પીયૂષ પા-પા કરનાર મહાનુભાવોને તે શેં ભુલાય? મારો જીવનદીપ બુઝાવવા, ઘણા બધાએ ફૂંકો મારવાનો અથાક પરિશ્રમ ઉઠાવ્યો છે. એમાં કેટલાકે તો મરડાવાળા પેટેય પૂરી પ્રાણશક્તિને કામે લગાડીને ફૂંકો મારી છે. એ સર્વની હું દિલોજાનથી આભારી છું. (ક્ષમા કરજો, દિલ અને જાન હવે પરવારવાની તૈયારીમાં છે. એટલે અહીં ‘આત્માપૂર્વક આભારી છું’ એમ વાંચવું.) મુજ મરણોત્સાહીઓ! એક ફાટતા ફીટતા બદબુદિયા (અતિ ઉત્સાહી) ફિલસૂફે લખ્યું છે . - “મૃત્યુ પણ એક ઉત્સવ છે. એટલે એની તૈયારી ય ધામધૂમથી થવી જોઈએ.” આવું વાંચીને હું તો ગેલમાં આવી ગઈ! ડઝનબંધ ફટાકડા લઈ આવી! એક તરફ મુજ દેહનો ફટાકડો ફૂટતો હોય ને બીજી તરફ ફટાકડાની લૂમો... તો એમાં જુગલબંધી જેવો આનંદ આવે! મરણની એન્જોય પાર્ટી નિમિત્તે મેં તો કેક પણ લાવી રાખી છે, પણ એ હમણાં નહીં. યમરાજ અને યમદૂતો ખાશે અને સહુ તાળી પાડી પાડીને ‘હેપ્પી ડેથ ડે ટુ યુ...’ ગાશે ત્યારે. સુંદર મઝાના સુસાઈડની વાત આવી એટલે મને ક્લિઓપેટ્રા, વર્જિનિયા વુલ્ફ, મેરલીન મનરો જેવી મરણાંગિનીઓ સાંભરી. ઇતિહાસ મારફતે જાણ્યું કે એ બધીઓએ માટીમાં મળતે પહેલાં સ્નાન કરેલું ને મને વાંધો ત્યાં જ પડ્યો! માટી ભેગા જ થવાનું હોય તો સ્નાન શું લેવા કરવાનું? ત્યાં કોઈ આપણને સૂંઘવા થોડું આવવાનું છે? (જેને યમ રાખે એને કોણ સૂંઘે?) મારો મરવાનો પ્રોગ્રામ અગાઉથી જ ફિક્સ હતો, એટલે હું તો ત્રણ મહિનાથી નાહી જ નથી! કદાચ મારી જ ગંધથી હું મરી જાઉં તો સુસાઈડ કરવાનીયે જરૂર ના પડે. છતાંય ઉત્સવનું ટાણું છે. ભાઈ, ઘર ધોળાવીએ નહીં, પણ એને સજાવીએ તો ખરા ને? ચિતા પર હું ચંદ્રમુખી લાગું એ સારુ બ્યુટીપાર્લરમાં જઈને ફેસિયલ કરાવ્યું. (ઉપર જઈને ભગવાનને મોં બતાવવાનું છે) મારું ડેડબૉડી લચીલું બને અને ત્વચા કાંતિમય બને એ વાસ્તે બૉડીમસાજ પણ કરાવ્યો. (તેરી કાયા કો કંચન બનાએ સખિયાં..) અલબત્ત, એના પૈસા ચૂકવવાના હજી બાકી છે, જે હું આવતા જન્મે ચૂકવીશ! મુજ મરણોત્સુકો! મરણની રમણીય વાતો ચાલતી હોય ને મુને સૉક્રેટિસ યાદ ન આવે એવું બને? ઝેર ગટગટાવતાં પહેલાં એમણે પત્નીને પાડોશી પાસે ઉછીની લીધેલી મરઘી પાછી આપવાનું યાદ દેવડાવ્યું હતું. આ ઘટના સમગ્ર માનવજાત માટે બોધરૂપ છે. મરતી વખતે ‘હે રામ’ કે ‘હે કૃષ્ણ’ કરવા કરતાં જૂની ઉધારીઓ યાદ કરી લેવી ઘટે. સુહૃદો, એમ તો મારેય મારા ‘પહેલાં સગાં’ - પાડોશીઓને ઘણી વસ્તુઓ પાછી આપવાની છે. મારા મૃત્યુ બાદ રૂપાબહેનને આઠ વંદા, મંગળાબહેનને છ ઉંદરડીઓ અને વિમળાબહેનને કચરાનો ઢગલો- (જે એ મારે આંગણે નાખી ગયેલાં) પરત કરશો. સંતોષીબહેને અડધા લિટર તાજા ગરમ મૂત્રમાં સંતોષ માનવો ઘટે, જે એમનો ટીકુડો મારે ઘેર વિસર્જિત કરી ગયેલો... મને કેમ વીસરે રે... ઉનાળામાં પાણીકાપ હતો ત્યારે બાજુવાળા ચંપકલાલ મારી કનેથી બે ડોલ પાણી ઉધાર લઈ ગયેલા એ પાછી માગીને એ પુણ્યસલિલે જ મારા મૃતદેહને નવડાવશો.. આપણા ઘરના પાણીનો બગાડ કરશો નહીં. પચાસ હજાર વર્ષ પછી પૃથ્વી પર પાણી રહેવાનું નથી. અત્રે એ યાદ રાખવું ઘટે. અહો... એક સલોની સંધ્યાએ ક્ષમાબહેને એમના બગીચામાંથી ગુલાબ ચોરવા બદલ મને બે ચ્હોડી દીધી હતી! મારા નિધન બાદ તેઓશ્રીને એક ગુલાબ અને સાથે બે અડબોથ પરત કરશો. વર્ષો પહેલાં, બ્રહ્મચારી બાબા છોટે બાંગડું મહારાજે મને લગ્ન થવાના તેમ જ શતપુત્રવતી થવાના આશીર્વાદ (?) આપ્યા હતા. અગમનિગમના ધોરીમાર્ગે એ ક્યાંક ઝલાય તો એમના આશીર્વાદ એમને જ આપશો. બસ! મરતા માણસ પાસે હવે આથી વધુ અપેક્ષા રાખવી એ ઘોર પાપ છે. રહી વાત મારા વીલ-વારસાની, તો એ બાબતે તો આપ બસ મુલાહઝા જ આટલું જ કહીશ :
“શું આપ્યું અમને એવી વારસાઈ વાત કરો મા,
આખેઆખું જગત છોડીને જાઉં છું, ઓછું છે?”
મિત્રો, જગત ઉપરાંત મારા સર્જનકાળનાં સાક્ષી એવા... ફાટેલી ડોલો, ટિચાયેલાં તગારાં, કાણાં માટલાં, હૅન્ડલ અને ચેઈન વગરની સૂટકેસો, હવાથી હાલી ઊઠે એવાં કબાટો, બે પાયાવાળો પલંગ, એક પાયાવાળી ખુરશી, પગ વગરનાં પાટલૂનો, કાચ વગરના અરીસા, પાંખ વગરના પંખા, કાપડ વગરની છત્રી તેમ જ દર બબ્બે કલાકે ભોજનનો દૃઢાગ્રહી એવો મારો પરિપુષ્ટ કૂતરો હું મારા ભાવકો માટે છોડી જાઉં છું. વાચકમિત્રો, લડાલડી કે પડાપડી કર્યા વગર મારી આ મિરાત સંપીને પ્રેમપૂર્વક વહેંચી લેશો એવી આશા રાખું છું. હાશ... જગત સાથેની લેણાદેણી અહીં પૂરી થઈ. હવે મૃત્યુની રંગીન દુનિયામાં પ્રવેશીએ? સંભવતઃ કો’ક એન્જિન ડ્રાઇવરે રચેલી પંક્તિઓ અત્રે સાંભરે છે :
છૂટી જશે, છૂટી જશે, જીવનની રેલ છૂટી જશે,
મૃત્યુનો ઘંટ વાગશે, જીવનની રેલ છૂટી જશે!
બાઘો! ટ્રેન ચલાવવામાં ધ્યાન આપવાને બદલે આવી પંક્તિઓ લખવા બેસે પછી જીવનની રેલ છૂટી જ જાય ને! જોકે જિંદગીની રેલને બીજા ય ઘણા રસ્તા છે. બેગર્સ હેવ નો ચોઇસ, બટ ડાયર્સ હેવ. સૂતેલા સિંહની પીઠ પર સુચારુ ધબ્બો મારીએ તો રેલ જ નહીં, સઘળું છૂટી જાય! (ટ્રાય કરી જોજો!) શરીર પર મધ ચોપડીને રીંછને આલિંગન આપવાથી એની સાથે તદ્રુપ થઈ જવાય છે, પછી આપણું અસ્તિત્વ મટી જાય છે. ગધેડાના વારંવાર ચરણસ્પર્શ કરવાથી અચાનક એક ઝબકાર જેવું અનુભવાય છે. પછી આપણો આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે, ગર્દભની જગ્યાએ અમુક સાધુ-મહાત્માઓ સાથે એમ કરવાથીય ઇચ્છિત પરિણામની પ્રાપ્તિ થાય છે. (પુરાવો - ટી.વી. ન્યૂઝ ચેનલોમાંથી શોધી લેશોજી.) અધ્યાત્મપંથીઓ, આપણી સાંસ્કૃતિક પરંપરાને છાજે એવા યૌગિક માર્ગે આમાં આગળ વધવાની સલાહ આપે છે. જેમ કે, ખુલ્લા વાલ્વવાળા સિલિન્ડર પર પદ્માસનની તપોમુદ્રામાં બેસીને હરિનામનો દીવો પ્રગટાવવાથી આપણું હરિઓમ્ થઈ જાય છે. ૮૪૦ વૉલ્ટવાળા પ્લગના છિદ્રમાં જીભનું ટોચકું નાખી દેવાથી બ્રહ્મરંધ્રસહિત શરીરનાં ષટ્રચક્રો વેગથી ફરવા માંડે છે, પછી શ્વાસ ફરતા બંધ થઈ જાય છે. હિમાલયન કાર રેલીના રસ્તામાં શીર્ષાસન કરવાથીય મંજિલે મકસદ મળી શકે છે; પરંતુ આ બધી કઠિન કલિંગડની જાત. નો ડાઉટ, આજે હોટલની થાળી કરતાં ઝેર સસ્તું મળે છે, પણ એમાં શુદ્ધતાની કોઈ ગૅરંટી નહીં. સાવ ઝેર જેવી વસ્તુઓ પર I.S.I. માર્કાઓ હોય છે, પણ ઝેર પર હોતો નથી. મિત્રો, છપ્પનભોગ જેવા વેરાયટીસભર સુસાઈડોની વિચારણા બાદ કઈ ઝૂલ લઉં, કયું ફૂલ લઉં....ની અવઢવ બાદ ફાઇનલી હું ડિસિશન પર આવી. હીંચકે ઝૂલવું મને બેહદ પ્રિય છે. હાથીની સૂંઢથી લઈને માણસની ટાઈ પકડીને હું ઝૂલી છું એટલે આપણા રામે તો ઝૂલતા ઝૂલતા જવાનું પસંદ કર્યું છે. જાગ્રત સુસાઈડ સ્પેશ્યિાલિસ્ટ મંડળના માર્ગદર્શન મુજબ એમાં સહુ પ્રથમ જગતથી ઊંચા આસને (સ્ટૂલ પર) આરૂઢ થવાનું, બજારમાંથી ડબલભાવે ખરીદેલા દોરડા સામે જોઈને હવે આના પૈસા વસૂલીને જ જંપીશ!’ એમ ત્રણ વખત બોલીને એને વિધિપૂર્વક પંખા સાથે બાંધી દેવું. તત્પશ્ચાત્ આપણે આપણું પોતાનું હારતોરાથી સન્માન કરતા હોઈએ એમ ગળામાં દોરડું પોરવી દેવું.. ને બીજી જ ક્ષણે જાણે માનપાનથી વિરક્તિ આવી ગઈ હોય એમ સિંહાસનને (તમે જેની ઉપર ચડ્યા છો તે - ‘સિંહાસન’) ઠોકર મારી દેવી! પછી વસંતના હિંડોળે ઝૂલતા હોઈએ એમ મોજથી ઝૂલ્યા કરવાનું. ઝૂલ બરાબર ઝૂલ શરાબી.. રસ્તામાં આમતેમ પડતા-અથડાતા શરાબીને શોધતા એના પરિવારજનો આવી પહોંચે એમ થોડી જ વારમાં યમરાજ આપણને શોધતા આવી પહોંચે. બટ ગો અવે! યમરાજ એમનો પાડો પાઠવશે તો હું હરગિઝ જવાની નથી. જિંદગી આખી હડદોલા ખાડામાં પડી ગઈ ને મર્યા પછીયે હડદોલા? અહીં કડવા લાગે છતાં ઈશ્વરને ઠપકાના બે બોલ કહેવા પડશે. ‘તું ઈશ્વર છે, ધરતીઆભ વચ્ચે એક લિફ્ટ મુકાવી ન શકે, અમારે દોડ્યે રાખવું બસ નીચે-ઉપર?’ ઇતિ અલમ્... અને – બસ હવે મહાપ્રસ્થાન હંસા પંખ પસાર... નીચેનાં બંધનો ધીમે ધીમે છૂટી રહ્યાં છે. આત્મા ઘટાકાશને છોડીને પટાકાશમાં વિલીન થવા તત્પર છે.. ઉંહ... બારી સ્હેજ ખુલ્લી રહી ગઈ છે.. સામેવાળો નીતિન મારા ઘર ભણી જુએ છે... પણ હવે... માણસોની પ્રાકૃતવાસના રહી નથી.... હવે તો ઉપર.... હેન્ડસમ દેવો જ..... જગતના પરિતાપો શમી રહ્યા છે... સામે, ચિદાકાશ જેવું કંઈક તેજોમય દેખાય છે... ઓહ એ તો ટ્યૂબલાઇટ છે.... બંધ કરવી ભૂલી ગઈ છું.. ત્રણ મહિનાથી લાઇટબિલ ભર્યું નથી... હવે એનાથી મુક્તિ... મૃત્યુ તરફ હું આગળ વધી રહી છું... બસ.... હવે સાત પગલાં પછી હું આકાશમાં ...! આત્મા પરમાત્મા સાથે એકાકાર થવા તડપી રહ્યો છે. .... નીતિન તડપી રહ્યો છે?... પણ .. હવે તો મારો આકાર જ.. ક્યાં છે ..... ઓહ! હું ઉદ્ગ્રીવ ... દૃષ્ટિ કરું છું... કશું શૂન્ય નથી ભાસતું... ફાંસીનો ગાળિયો ભાસે છે... કવિઓ જૂઠડા હોય છે, બધું જુઠ્ઠું છે.... મૃત્યુ જ સત્ય છે! સ્કૂલ ઉપર મારું મહાભિનિષ્ક્રિમણ! હવે દુનિયાના અવાજો સંભળાવા બંધ થઈ રહ્યા છે. પેટમાંથી અવાજો આવે છે. ચાર સમોસામાં આત્મવિલોપન! અંતઘડી નિકટ આવી રહી છે. ઉદરમાં જતાં શ્વાસનો કુંભક પ્રાણાયામ વડે નિરોધ કરીને પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થિર કરીશ. પછી ૐકારની અલખ જગાવીને અનંત શૂન્યમાં ફંગોળાઈ જઈશ... પરીક્ષામાં પણ શૂન્યમાં ફંગોળાઈ જતી.... આ પણ એક પરીક્ષા છે.. અંતિમ પરીક્ષા... ઓહ સૂ સૂ લાગી ગઈ! પણ એ હવે ઉપર... નંદનવનમાં... કાંપતી કરાંગુલિઓ... કંઠે ભુજંગી ગાળિયો.. શિવોઽમ્ શિવોઽમ્? હું જ શિવ છું… શિવ હું છે. શિવ અજરઅમર છે.... હું અજરઅમર છું... વાહ! આ તો મૃત્યુના ઉંબરે જીવનનું સમીકરણ રચાઈ ગયું! રજ્જુમાં સર્પની પ્રાણપ્રતિષ્ઠા નાહકની કરી! ચલ હટ્! હવે આ દોરડું મારું કંઈ બગાડી શકશે નહીં : લેખક કદી મરતો નથી... સદા જીવિત છે. એના યશ શરીરે એ ચિરંજીવી છે. બસ, બહુ થયું, હવે ઝટ તૈયાર થઉં, બાજુવાળા ચિરંજીવીકાકા ક્ષણજીવીય રહ્યા નથી. એમના બેસણામાં જવાનું છે.
રિદ્ધિ દેસાઈ
‘નવનીત સમર્પણ’ સામયિકમાંથી