રણજિતરામ ગદ્યસંચય – ૨/નિવેદન

From Ekatra Foundation
Revision as of 01:51, 5 June 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિવેદન

ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતાનું આ જન્મશતાબ્દી વર્ષ છે. એ નિમિત્તે તેમનાં બે અપ્રાપ્ય પુસ્તકો ‘રણજિતકૃતિ સંગ્રહ’ (પ્ર. આ. ૧૯૨૧) અને ‘રણજિતરામના નિબંધો’ (પ્ર. આ. ૧૯૨૩) પરિષદ તરફથી ‘રણજિતરામ ગદ્યસંચય-૧’ રૂપે પુનર્મુદ્રણ પામ્યાં છે. રણજિતરામ અને તેમના સર્જન વિષે શ્રી કનૈયાલાલ મુનશીએ લખેલો બહુમૂલ્ય ઉપોદ્ઘાત તે ગ્રંથમાં જોઈ જવા વાચકોને વિનંતિ છે. તે ગ્રંથના નિવેદનમાં ઉલ્લેખ કર્યા મુજબ ‘વિક્રમ સંવતના ૧૮મા સૈકામાં ગુજરાતનું સાંસારિક અને ધાર્મિક દર્શન’ નામના શ્રી રણજિતરામે સર્વથી પહેલા લખેલા વિસ્તૃત લેખ સહિતનો આ ‘રણજિતરામ ગદ્યસંચય-૨’ પ્રગટ થાય છે. અગાઉ ગ્રંથસ્થ થવા ન પામેલાં તેમનાં મોટા ભાગનાં લખાણો આ ગ્રંથમાં સમાવી લેવા કોશિશ કરી છે. આ સદીના પ્રારંભના બે દાયકાઓમાં વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલાં અને કેટલાંક હસ્તપ્રતમાં જ જળવાઈ રહેલાં લખાણો પહેલી જ વાર અહીં ગ્રંથસ્વરૂપ પામે છે. ગુજરાતના એક સંસ્કારપુરુષ શ્રી રણજિતરામની જન્મશતાબ્દીના સુભગ અવસરે આ બીજા ગ્રંથનું પણ પ્રકાશન થઈ રહ્યું છે તે પરિષદને માટે તેના સ્થાપકનું ઋણ અદા કરવાના અદના ફાળા તરીકે લેખાશે. આ બધાં લખાણો–હસ્તપ્રત રૂપે કે સામયિકોમાં છપાયેલ સ્વરૂપે–વરસોથી કાળજીપૂર્વક સાચવી રાખનાર શ્રી લાભશંકર પ્રભુરામ ભટ્ટ શ્રી રણજિતરામના ભાવનગર–નિવાસ કાળના નિકટના મિત્ર હતા. મિત્રભાવે આ લખાણોને ગ્રંથબદ્ધ કરવાના મનોરથ લાભશંકરભાઈનું અવસાન થવાથી અધૂરા રહ્યા. શ્રી રણજિતરામ વિષેનું તેમનું લખાણ આ ગ્રંથને અંતે આપેલા પરિશિષ્ટમાં મૂક્યું છે. લાભશંકરભાઈના પુત્ર શ્રી બકુલભાઈ ભટ્ટે આ બધાં લખાણો પરિષદને માનપૂર્વક સોંપ્યાં તે માટે પરિષદ તેમની આભારી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપકની બહુમુખી પ્રતિભાને આ ગ્રંથનું વિષયવૈવિધ્ય અને વિષયને વફાદાર રહેવાની તેમ જ ઊંડા ઊતરવાની ચીવટને વાચકો જરૂર આવકારશે. પરિષદના અંતરંગ સ્વજન તેમ જ મુરબ્બી માર્ગદર્શક શ્રી અનંતરાય રાવળે આ ગ્રંથના પ્રકાશન અંગે કરેલાં ઉપયોગી સૂચનો માટે આભાર માનવાનો હોય નહિ, છતાં આટલો ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય. ગુજરાત રાજ્યના ભાષાનિયામકશ્રી તરફથી પચાસ ટકા અનુદાન આપવાની યોજનાનો લાભ આ ગ્રંથના પ્રકાશન માટે મળ્યો છે એ બદલ પરિષદ આભારની લાગણી વ્યક્ત કરતાં હર્ષ અનુભવે છે. ગુજરાતી ગદ્યચાહકોને રણજિતરામના પહેલા સંચયની જેમ આ બીજો સંચય યત્કિંચિત પણ ઉપયોગી થશે તો પરિષદની પ્રકાશન–પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે.

રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ
પ્રફુલ્લ ભારતીય, ધીરુબહેન પટેલ
મંત્રીઓ