રણજિતરામ ગદ્યસંચય – ૨/શંકાઓ અને સવાલો
વાલ્મિક કાયસ્થ ત્રૈમાસિકના બે અંક રા. રા. હીરાલાલ ઉમિયારામ મહેતાના ઉત્સાહી અને સ્તુત્ય પ્રયાસથી પ્રગટ થયા. સ્વાભાવિક રીતે આપણી નાતના ઇતિહાસ વિશે એ પત્રમાં લેખો પ્રગટ થયા છે. એ લેખો વાંચતાં થયેલી શંકાઓ વિશેષ ખુલાસા અને સ્પષ્ટીકરણ માટે લખી મોકલી છે. રા. રા. નાનાલાલ લાલભાઈ મહેતાના લેખના નિરીક્ષણ વખતે મારાં કરેલાં ટીપ્પણોમાંથી એકનો એમણે છેલ્લા અંકમાં ઉતારો આપ્યો છે. એ ઉતારામાં ઉલ્લેખ થયેલી પ્રશસ્તિ નીચે પ્રમાણે છે. સૌરાષ્ટ્રના સુબા મહમદશાહના વખતમાં ઉના ગામનું તળાવ પતા નામના વાલ્મિક કાયસ્થે વિ. સં. ૧૫૮૨(ઈ. સ. ૧૫૨૬)માં સમરાવ્યું. તેની પ્રશસ્તિ ત્યાંના વતની કોઈ નાગરે લખી. પતાની વંશાવલિ એ પ્રશસ્તિમાં નીચે પ્રમાણે આપી છે.

આ ઉપરથી એટલું તો સિદ્ધ થાય છે કે બાબરની પહેલાં આપણે ગુજરાતમાં વસતા હતા અને ટૉડરમલ આપણને ગુજરાતમાં લાવ્યો એ દંતકથા ઇતિહાસ વિરુદ્ધ ઠરે છે. બ્રહ્મક્ષત્રિયો પણ એમ જ માનતા હતા પણ એમના ત્રિમાસિકના છેલ્લા અંકમાં પ્રો. બ. ક. ઠાકોરે બીજાં સાધનોથી એ દંતકથા ખોટી ઠરાવી છે. ‘કીકી’ સુરત તરફ આપણી નાતમાં જ નહિ પણ બીજી નાતમાં પ્રચલિત અભિધાન છે. કાઠિયાવાડમાં બિલકુલ નથી એટલે પતા{સુરત તરફથી ગયેલો હશે. રા. રા. તનુભાઈ ખાનસાહેબે સંઘરેલી વંશાવલીઓ પ્રગટ થશે ત્યારે જોઈ શકીશું કે પ્રસ્તુત વંશાવલીમાં છે તેનાં નામો આપણે ત્યાં પડાતાં હતાં કે કેમ? અમદાવાદના નાગરોમાં ‘મટુ’ પુલ્લિંગે વપરાયેલું સાંભળ્યું છે, આપણામાં સ્ત્રીલિંગે વપરાતું સાંભળેલું છે. વિ. સં. ૧૩૩૦ ના શ્રીમાળમાં પ્રગટ થયેલા દાનપત્રમાં કાયસ્થનો ઉલ્લેખ છે પણ એ મારા જોવામાં નથી આવ્યું. આપણી નાતમાંથી કોઈએ કૂવા, તળાવ કે વાવ બંધાવ્યા કે સમરાવ્યાનું કોઈને યાદ છે? હોય તો તપાસ કરતાં સાલો જડી આવશે.
આપણે ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવ્યા છીએ એવી દંતકથા આપણામાં પ્રચલિત છે. મુસલમાનોની નોકરી, ફારસીનો શોખ, કેટલાક રિવાજો વગેરેથી આ દંતકથા સમર્થન થાય છે ખરી છતાં કેટલીક હકીકત ચોક્કસ કરવાની જરૂર છે. ઉત્તર હિન્દુસ્તાનમાં વાલ્મિક કાયસ્થો છે? છે તો ક્યાં ક્યાં છે? હાલ તેમના રીતરિવાજો કેવા છે? નથી તો શું બધા જ ગુજરાતમાં ઊતરી આવ્યા? જેઓ એ તરફ રહે છે અથવા મુસાફરી કરે છે તેમને મારી વિનંતિ છે કે પુરાવા સાથે તેમ જ શાસ્ત્રીય રીતે તેઓ આ પ્રશ્નોના ઉત્તર લખી મોકલશે તો આપણી તવારીખના લેખમાં સબળ અને સ્પષ્ટ હકીકત ઉમેરી શકાશે. કબૂતર–પૂજા, મકાનોમાં એકઠા થવાની ટેવ, વ્યવહારમાં ઉર્દૂ શબ્દો વાપરવાની ટેવ (ઇજન, ચલીયે, સાહેબ, પરસાદને વગેરે) વગેરે ગુજરાતની બીજી નાતોમાં કે ઉત્તરની કાયસ્થ નાતો અથવા કાયસ્થ સિવાયની નાતોમાં પ્રચલિત છે? આ વિશે જ્યાં લગી મુદ્દાસર શાસ્ત્રીય પ્રકાશ ન પડે ત્યાં લગી આ હકીકતો બહુ ઉપયોગી નથી. નાગરો અને બ્રહ્મક્ષત્રિયોમાં ઘરમાં કેટલાક ખાસ શબ્દોનો વપરાશ થાય છે. એવું આપણે ત્યાં છે? આપણામાંથી કોઈ કુટુંબોમાં ખાસ પૂજાઓ છે? વૈષ્ણવપૂજા સિવાયની દેવીપૂજા – પ્રાચીન કાળથી ઊતરી આવેલી? આપણા રિવાજો – જીવનના અનેક પ્રસંગે પ્રકટ થતા રિવાજો જેવા જ રિવાજો ઉત્તર હિન્દમાં વસતા કાયસ્થોમાં છે? બોરોડેલના ગ્રંથ અને રા. રા. નાનાલાલના લેખની મદદ લઈ ઉત્તર હિન્દમાં વસતો નાતીભાઈ આ વિશે કાંઈ લખી મોકલશે? અહીં આપણા, રિવાજો નાગર જેવી આપણી માફક મુત્સદ્દીગીરી કરનારી નાતના જેવા નહોતા. વેપારમાં અને દુકાનદારીમાં મચેલા વાણિયાઓ જેવા છે એનું કારણ શું?
પદ્મપુરાણમાંથી કાયસ્થોની ઉત્પત્તિ માટે જે હેવાલ ઉતારવામાં આવ્યો છે તે વાંચતાં એમ લાગે છે કે આપણે આર્યો નથી પણ આર્યો પછી આવેલા મ્લેચ્છો છીએ. સૂર્યોપાસક નાગજાતિ સાથે આપણો સંબંધ લાગે છે.– હિન્દુસ્તાનમાં હાલ કોઈ પણ કાયસ્થ નાતમાં સૂર્ય કે નાગની ઉપાસના પ્રચલિત છે? બીજું આપણે ક્ષત્રિય હોવાનો દાવો ખોટો રાખીએ છીએ. ક્ષત્રિયોની વાત તો જવા દઈએ પણ નાગર, બ્રહ્મક્ષત્રિય, ઔદિચ્ય, વગેરેની માફક કલમ સાથે તલવાર આપણે કોઈ દિવસ પકડી છે? તવારિખ કે દંતકથા કોઈ રડ્યુંખડ્યું દૃષ્ટાંત આપી શકે એમ છે? પદ્મપુરાણ પણ લેખણ આપણું ચિહ્ન ગણે છે – લેખણ સાથે તલવાર નહિ. બેશક ભૂલવાનું નથી કે બંગાળમાં કાયસ્થોએ રાજ્ય કીધું છે અને હાલ પણ મહારાજાની પદવીવાળી જમીનદારી તેઓમાંથી ઘણા ભોગવે છે. પણ વાલ્મિક કાયસ્થમાંથી કોઈએ રણક્ષેત્રમાં નામના મેળવી છે કે સિપાઈગીરી કરી છે? હિન્દુ સમાજના ઇતિહાસમાં ખળભળાટ કરે એવી હકીકત હમણાં શિલાલેખો પરથી પ્રગટ થઈ છે. હિન્દુસ્તાનમાં હાલમાં વસતી ઘણી નાતો પરદેશી છે અને આર્ય નથી. મેવાડના રાણાઓ પોતાને રામચંદ્રજીના વંશજ ગણાવે છે પણ તેમના વડવાઓએ લખાવેલા ઇતિહાસથી તેઓ વડનગરા નાગર બ્રાહ્મણોના વંશજ પુરવાર થયા છે. હવે એવી પણ કેટલીક હકીકત નીકળી આવી છે કે નાગરો શુદ્ધ આર્ય નથી પણ મ્લેચ્છમાંથી હિન્દુ થયેલા છે. તેમનાં કેટલાંક શર્મો અને બંગાળી કાયસ્થોનાં શર્મો મળતાં આવે છે તેથી બન્નેનું મૂળ એક હોવાની કલ્પના ઊપજી છે. આપણાં શર્મો છે? કોઈ તેનું લિસ્ટ છપાવશે? બંગાળી કાયસ્થોમાં બે ભાગ છે (૧) કાન્યકુબ્જ અર્થાત્ ઉત્તર હિંદુસ્તાનમાંથી ગયેલા (૨) બંગદેશજ એટલે ત્યાંના મૂળવતની. તેઓ સર્વે ત્યાં શુદ્ર લેખાય છે. વસ્તુસ્થિતિ આવી છે ત્યાં સંસ્કારો વૈદિક કે પૌરાણિક આપણા ગોરો કરાવે છે તેની ઘડભાંગ કરવી એ શું જરૂરનું છે? સંસ્કારોની જરૂર પહેલી સમજવી જોઈએ. પછી તે વૈદિક હોય – પૌરાણિક હોય કે યુરોપીયન હોય. ત્રૈમાસિકના તંત્રીસાહેબને મારી વિનંતિ છે કે આપણા ગોરો જે સંસ્કારો કરાવે છે તેનું શાસ્ત્રીય સ્વરૂપ અને આચારગત સ્વરૂપ સંસ્કૃતના ગુજરાતી તરજુમા સાથે પ્રગટ કરવું અને તેમાં નિરર્થક હોય તે દૂર કરવા અને નવું ઉપયોગી— જમાનાને યોગ્ય તત્ત્વ ઉમેરવા સરળ પણ યુક્તિપુરઃસર વિવેચન કરવું. જનોઈ પહેરવાથી હિન્દુ સમાજમાં આપણી પ્રતિષ્ઠા વધે ખરી પણ એ ચર્ચા શરૂ કરતાં પહેલાં જનોઈ શા માટે પહેરવી? એનો આર્ય સમાજમાં પ્રચાર થયાનો ઇતિહાસ, એની વિધિઓ વગેરે વિશે લેખો પ્રગટ કરવા અને તેમાં સમાયેલા ઉચિતાનુચિત તત્ત્વો વિશે વિદ્વાનોએ ચર્ચા કરી માર્ગનિર્દેશ કરવો. સંસ્કારની જીવનમાં જરૂર છે. પણ તે સમજીને થવા જોઈએ. તેનું મહત્ત્વ સમજીને. મહત્ત્વ સમજ્યા વિના ન કરીએ તો ચાલે – પોપટજી અચરે અચરે રામ કરવું એ તો આપણાં નીતિબળના હ્રાસમાં જ પરિણમવાનું.
નાતનું ગૌરવ બતાવવા મોટા અમલદારોની નામાવલિ આપવામાં આવી છે પણ તેથી આપણી નાતની શ્રેષ્ઠતા મારી પામર વિવેકબુદ્ધિ પામી શકતી નથી. ભક્તિ, વિચાર, કળા, શૌર્ય, પરોપકાર, હુન્નર, શોધખોળ, ચારિત્ર્ય આદિના પ્રદેશમાં જેમણે પ્રતિષ્ઠા મેળવી હોય, આપણી નાતના જીવનને તે દ્વારા ઘડ્યું હોય તેનાં ચરિત્ર પ્રગટ થશે તો જ ગૌરવનું માપ કરી શકાશે બાકી ફુલાસથી રાચવાને સૌને છૂટ છે. નરસિંહ મહેતા જેવો કોઈ ભક્ત આપણામાં થયો છે? પ્રેમાનંદ કે ગોવર્ધનરામ જેવો સાહિત્યવીર થયો છે? બીલના કોશમાં ઘણા કાયસ્થો ઉર્દૂ અને ફારસી સાક્ષરો થઈ ગયાની હકીકત છે પણ તે સર્વે ઉત્તર હિન્દના. હાલ તો આટલેથી વિરમવું ઉચિત છે.
આપણી નાતનાં ચોપાનિયાના ગયા વર્ષના ત્રીજા અંકમાં તટસ્થવૃત્તિથી કરેલી શંકાઓ અને પ્રશ્નાવલિઓના એ જ વર્ષના ચોથા અંકમાં પ્રતિધ્વનિ રૂપે ખુલાસા અને જવાબો ભાઈ યુના તરફથી આપવામાં આવ્યા છે; તે વાંચતાં આનંદ અને ખેદ બન્ને અનુભવ્યાં છે. આનંદ એટલા માટે કે આપણી નાતના ઇતિહાસ અને અતીત ગૌરવનો અભ્યાસ એક વિદ્વાન નાતીભાઈ કરે છે અને પરિણામે એ પ્રદેશ વિશેનું આપણું અજ્ઞાન જવાનો સમય હવે નિકટ આવ્યો છે. ખેદ એટલા માટે કે મારા લેખમાં વ્યાપી રહેલી તટસ્થ અભ્યાસીની વૃત્તિ ન સમજાયાથી ભાઈ યુનાથી કટાક્ષમય ભાષા વપરાઈ છે; ઐતિહાસિક ચર્ચા માટે જોઈતી તટસ્થતા વગેરે જોઈએ એવાં રાખી શકાયાં નથી. મારા લેખના પાંચ ખંડ છે, પ્રતિધ્વનિમાં ૪ ખંડ છે. મારી બધી શંકાઓનો ખુલાસો કે મારા બધા સવાલોના જવાબો કે મારી સૂચનાઓનો ઉહાપોહ ભાઈ યુનાના લેખમાં નથી. આપણી નાતની વિશેષ ઉન્નતિ થાય એવા શુભ ઉદ્દેશથી જે જિજ્ઞાસુવૃત્તિ મારા દિલમાં ઘણા કાળથી વસી રહેલી છે તે વૃત્તિથી લખાયેલા લેખમાં ભાઈ યુના આક્ષેપ માની શક્યા એ અતિશય ખેદજનક છે. ખંડ પહેલામાં એક પ્રશસ્તિની સાલ આપી મેં એવો નિર્દેશ કર્યો છે કે આપણે ટૉડરમલ સાથે ગુજરાતમાં આવ્યા એ દંતકથા ખોટી છે, ઐતિહાસિક નથી. એ પ્રશસ્તિ જેને માટે લખાઈ તે પતાનું વતન દિલ્હી તરફ હતું એવો એ પ્રશસ્તિમાં ઉલ્લેખ નથી. દિલ્હી તરફ વાલ્મિક કાયસ્થોનું અસલ વતન જ્યાં માનવામાં આવે છે તે સ્થળનો નિર્દેશ કિંવા સરકારી વસ્તીપત્રકો પરથી ત્યાં હાલ વાલ્મિક કાયસ્થો વસે છે એવું ભાઈ યુનાએ બતાવ્યું નથી છતાં એમને મારો નિર્દેશ રુચ્યો નથી. ઐતિહાસિક પ્રમાણોથી નહિ પણ કાલ્પનિક ખુલાસાથી તેઓ મારો નિર્દેશ અવાસ્તવિક ઠરાવે છે. હાલમાં તીર્થસ્થળોએ અથવા પાટનગરોમાં ત્યાંના વતની નહિ એવા સખી ગૃહસ્થોએ બંધાવેલાં અથવા સમરાવેલાં મકાનો હોય છે તેમ પતાએ પણ પોતાના વતનમાં રહી ઉનાનું તળાવ સમરાવેલું.– એ એ ભાઈનો ખુલાસો છે. જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ મોજૂદ છે ત્યાં analogyનો આશ્રય લેવો વાજબી નથી. ઉના કાઠિયાવાડમાં આવેલું છે. તે મેટું તીર્થ નથી તેમ સુબાગીરી કે ફોજદારીનું મથક તે હતું એવું મારા વાંચવામાં નથી આવ્યું. આજના જેવાં અવરજવરનાં સાધનો નહોતાં ત્યારે કાઠિયાવાડના ખૂણામાં આવેલા ગામમાં હજારો માઈલ દૂર પડેલો માણસ તળાવ સમરાવે એ અસંભવિત છે. એ યુગમાં એવું બનતું હતું – ખાસ કરીને આપણા લોકોથી–એવું શિલાલેખો, તામ્રપત્રો આદિ ઐતિહાસિક પ્રમાણોથી જ્યાં લગી ભાઈ યુના સાબિત નહિ કરી આપે ત્યાં લગી એમનો ખુલાસો ટકી શકશે નહિ. અકબર પહેલાં ઉત્તર હિંદુસ્તાનથી અમલદારો ગુજરાતની મુસલમાની સલ્તનત દરમ્યાન આવ્યા હોય એવું પ્રસિદ્ધ નથી. એટલે ઈ. સ. ૧૫૨૬ના અરસામાં પતો દિલ્હી તરફથી અમલદાર થઈને આવ્યો હોય એવું પણ સંભવિત લાગતું નથી. તેમ ભાઈ યુના એક મહત્ત્વની વાત ભૂલી જાય છે, પતાની માનું નામ કીકા છે. આ નામ ગુજરાત સિવાય ઉત્તરમાં પ્રચલિત છે? ન હોય તો ભાઈ યુના પતો ગુજરાતી નહિ પણ હિંદુસ્તાની હતો એવું કેવી રીતે સાબિત કરશે? ભાઈ યુનાના લેખમાં મારા નિર્દેશને પુષ્ટિ મળે એવું ઊલટું કથન છે. ‘વાલ્મિક કાયસ્થ બૃહદ્વંશાવલિ’ના સંશોધકને સંશોધન દરમ્યાન મળેલા વૃત્તાંત ઉપરથી જે પરિચ્છેદ એમણે એમના લેખના ખંડ પહેલાની છેડે આપ્યો છે એમાં લખ્યું છે કે ‘(અકબરે) દિલ્હી જઈ રાજા ટૉડરમલને ચોથ ઉઘરાવવા ગુજરાતમાં ઈ.સ. ૧૫૭૬માં મોકલ્યો. ગુજરાત આવતાં તેણે પ્રભાસપાટણ આગળ છાવણી નાંખી મુકામ કીધો, જ્યાં આપણે (વાલ્મિક કાયસ્થોએ) જઈ તેને આપણી વિપદ્ સ્થિતિનું યથાર્થ દિગ્દર્શન કરાવી આશ્રય આપવા વિનંતી કરી. ઉક્ત વિજ્ઞાપ્નાનો તેણે સ્વીકાર કીધો અને સંગાથે લીધા.’ આ વાક્યો ધ્યાનપૂર્વક વાંચતાં શું પ્રતીત થાય છે? દિલ્હી તરફ રહેનારા અને ત્યાંની પાદશાહતમાં મુત્સદ્દીગીરી કરનારા વાલ્મિક કાયસ્થો રાજા ટૉડરમલ જેવા મોટા અધિકારી પાસે પોતાનું દુઃખ ટાળવા પ્રભાસપાટણ જેવા ગુજરાતના ખૂણામાં જઈ વિનંતી કરે એ સંભવિત લાગે છે? અમદાવાદ સુરતમાં કે દિલ્હીમાં નહિ અને પ્રભાસમાં પ્રભાસપાટણ આગળ કાયસ્થો રહેતા હોય અને ખરાબ દશામાં આવી પડ્યા હોય તો જ ભાઈ યુનાએ અવતારેલો વૃત્તાંત બની શકે. પ્રભાસપાટણમાં કાયસ્થો(વાલ્મિક)ની વસ્તી હતી તેનો સાહિત્યગત પુરાવો મોજૂદ છે. ઈ. સ. ૧૪૭૩માં(વિ. સં. ૧૫૨૯) કેશવ હૃદેરામ નામના વાલ્મિક કાયસ્થે પ્રભાસપાટણમાં ભાગવતનો દશમસ્કંધ ગુજરાતી કવિતામાં લખ્યો છે. આ ગ્રંથની વિ. સં. ૧૭૮૭માં લખાયેલી નકલ ૧૬૫ પાનાંવાળી મુંબઈની ફાર્બસ સભા પાસે છે. વાલ્મિક કાયસ્થો ટૉડરમલ સાથે આવ્યા હોય તો ગુજરાતમાં તેમના આગમન થયા અગાઉ લગભગ સો વર્ષ પર (ટૉડરમલ ગુજરાતમાં ભાઈ યુનાના લખવા પ્રમાણે ઈ. સ. ૧૫૭૬માં આવ્યો અને કેશવે ઈ. સ. ૧૪૭૩ માં દશમ લખ્યો એટલે ૧૫૭૬માંથી ૧૪૭૩ બાદ જતાં ૧૦૩ વર્ષ રહ્યાં.) એમનામાંનો એક ગુજરાતી ભાષા શીખે અને ભાગવતના દશમસ્કંધ જેવા ભક્તિરસપૂર્ણ ગ્રંથના કાવ્યાનુવાદથી તે ભાષા સમૃદ્ધ કરે એવી કલ્પના ભાઈ યુના જાતે જ નિષેધશે. પ્રભાસપાટણ અને ઉના બહુ દૂર નથી એટલે પતો ત્યાંનો જ વતની હશે એવો મારો નિર્દેશ અવાસ્તવિક ન ઠરતાં સબળ થાય છે. જે અંકમાં મારો લેખ લખાયો છે તેમાં ભાઈ ઓચ્છવલાલ કાનુગાનો જે મહત્ત્વનો લેખ છે તે પણ ધ્યાનથી વાંચવાની ભાઈ યુનાએ પરવા રાખી નથી. ભાઈ ઓચ્છવલાલે જણાવેલી હકીકત વાસ્તવિક હોય તો વિ. સં. ૧૨૧૭ એટલે ઈ. સ. ૧૧૬૧માં આપણી કોમ પ્રભાસપાટણ અને ઉના જે રાજ્યને તાબે હતાં તે જૂનાગઢમાં વસતી માલૂમ પડે છે. પતાની પૂર્વે લગભગ સાડાત્રણસો વર્ષ ઉપર તેના નાતીલા તેની પ્રશસ્તિ જ્યાં લખાઈ ત્યાં વસતા હતા. આ હકીકતથી ભાઈ યુનાને ખાતરી થવી જોઈએ કે પતાએ દિલ્હી તરફ રહી ગોકળદાસ તેજપાળ કે રાયચંદ જેવી નામના નહોતી મેળવી. હવે દરૂગીરી અને મજમુદારીનો પ્રશ્ન રહે છે. મજમુદારી વિશે મને પુરતી ચોક્કસ ખબર નથી. અવકાશે તપાસ કરીશ. દરૂ એ સં ध्रुवનો અપભ્રંશ છે; ધ્રુવ, ધ્રુઅ, ધ્રુ, દરૂ. હાલ પણ નાગરો, ભાટિયા, મોઢવાણિયા વગેરેમાં ધ્રુવ કે ધ્રુની અટક પ્રચલિત છે. વલભીપુરનો જે ઇતિહાસ બૉમ્બે ગેઝીટીઅર વૉ. ૧લામાં આપ્યો છે, તે ભાઈ યુનાએ વાંચ્યો હોત તો તેમને જણાત કે વલભીના મૈત્રકોની સત્તાકાળે તલાટીને ધ્રુવ કહેતા હતા. આજે કચ્છમાં ગામડાનો વહીવટ કરનાર ધ્રુવ કહેવાય છે. એટલે ટૉડરમલે ધ્રુવગીરી ગુજરાતમાં નવી દાખલ કરી હતી એવું સાબિત નથી થતું. આપણે આપણી જાતને વાલ્મિક કાયસ્થ કહીએ છીએ. ગુજરાતમાં વસતી બ્રાહ્મણની એક નાત વાલમ બ્રાહ્મણ કહેવાય છે. શુદ્ધ ભાષામાં તેઓ પોતાને વાલ્મિક બ્રાહ્મણ કહે છે. તેઓ આપણા ગોર હતા એવો ઇતિહાસ પ્રસિદ્ધ છે. વાલમ, વાલ્મિક અને વલભીપુરને સંબંધ હોવો જોઈએ એવું કેટલાક વિદ્વાનોનું માનવું છે. જો આ મત વાસ્તવિક લાગે તો તેથી પણ સિદ્ધ થાય છે કે આપણે ટૉડરમલના આવ્યા અગાઉ ગુજરાતમાં વસતા હતા. આપણી નાતના ઇતિહાસ વિશે શોધખોળ કરવાની ઉત્કંઠાવાળા ભાઈ સન્મુખરામ સુરજરામ પણ ગયા અંકમા ‘કાસ્યથગોર’ વિશેના પોતાના લેખમાં મોગલાઈમાં આપણને પેશકારી મળી તે અગાઉ આપણે વલભીપુરમાં રહેતા હતા એવું માને છે.(પૃ. ૧૭, અં. ૪ વ. ૧ લું). બ્રહ્મક્ષત્રિયોનું પણ માનવું એવું જ હતું કે તેઓ ટૉડરમલ સાથે ગુજરાતમાં આવ્યા પણ એમને ત્યાંની વંશાવલીઓ વગેરે પરથી એમની દંતકથા પણ ખોટી ઠરી છે. ભાઈ યુના પાસેની બૃહદ્વંશાવલિમાંથી સાલો આપી તેઓ સાબિત કરશે કે ઈ. સ. ૧૫૭૬ પહેલાં કોઈ વાલ્મિક કાયસ્થ ગુજરાતમાં વસતો નહોતો પણ ઉત્તર હિંદુસ્તાનમાં સર્વ રહેતા હતા? આટલા વિસ્તૃત વિવેચન પરથી સુજ્ઞ અને વિવેકી નાતભાઈઓ જોઈ શકશે કે મારો સૂચવેલો નિર્દેશ અત્યારે તો વાસ્તવિક લાગે છે. અને ભાઈ યુનાની ટીકા ખોટી ઠરે છે, મારી બુદ્ધિ વક્રપંથે તો નથી જ ઊતરી ગઈ એટલો ઇન્સાફ વાચકબન્ધુઓ મને આપશે.
મારા લેખના પહેલા ખંડના અંતિમ ભાગમાં આપણી નાતના સુખીજનોએ બંધાવેલાં કામો તથા તેની સાલો વિશે મેં જે સવાલ કર્યો હતો તેનો ભાઈ યુનાએ ઉદાહરણથી જવાબ આપી મને તેમજ આપણી નાતને ઉપકૃત કીધી છે. પોતાને મળેલી બધી જ સાલો એમણે આપી છે કે વાનગી દાખલ થોડી આપી છે એ એમના લખાણથી સ્પષ્ટ નથી થતું. એમને મળેલી સાલોનો આધાર એમણે આપ્યો નથી. તેમ એ સિવાય બીજી સાલો ઉપલબ્ધ નથી અથવા મળશે નહિ એવો જહાંગીરી નિર્ણય એમણે બાંધી દીધો છે. જ્યાં નાનાવિધની શોધખોળને અવકાશ છે ત્યાં આવો નિર્ણય બાંધવો એ વાજબી નથી.
મારા લેખના બીજા ખંડમાં પૂછેલા સવાલો વિશે ખુલાસો અથવા માહિતી ભાઈ યુનાએ આપ્યાં નથી. ત્રીજા ખંડ વિશે કરેલી ચર્ચાની સમીક્ષા કરતાં પહેલાં પાંચમા ખંડમાં કરેલી વિનંતિ અનુસાર આપણી નાતના કવિઓ વિશે મને પોતાને આજ લગી નહિ ખબર એવી તદ્દન નવી માહિતી એમણે આપી છે તે માટે એમને જેટલો ધન્યવાદ આપીએ તેટલો થોડો છે. એ હકીકત પરથી આપણી સાહિત્યસેવા ઉપરાંત આપણી ધર્મનિષ્ઠા પ્રતીત થાય છે. આશા છે કે આવી જાણવાજોગ અને ઉપયોગી હકીકત વધારે વિસ્તારથી આપણા ત્રૈમાસિકમાં ભાઈ યુના પ્રગટ કર્યે જશે. ભાઈ યુના જેવા સંશોધક અભ્યાસી પાસેથી આવી હકીકત મારો લેખ કઢાવી શક્યો તો એ લેખમાં મારી બુદ્ધિ વક્રપંથે ઊતરેલી શી રીતે મનાય? લેખને અંતે સ્વર્ગસ્થ ગોવર્ધનરામની ‘દૂધીચણાદાળ’ પંક્તિઓ ટાંકી યુનાએ આત્મસંતોષ માન્યો છે. ‘ઘર દીવડા’થી સંતોષ માનનારી પ્રજાઓ ઉત્કર્ષ સાધી શકતી નથી. આપણી નાત પણ એથી સંતૃપ્ત ન થતાં દુનિયામાં નામના કરે એવા વિચારકો અને સાહત્યવીરો નાતભાઈઓમાંથી જાગે એવો ઉચ્ચગ્રાહી અભિલાષ પોષશે.
હવે મારા લેખના ત્રીજા ખંડમાં મેં જે હકીકત નોંધી છે તે વાંચતાં થયેલી ગેરસમજને અંગે ભાઈ યુનાએ કરેલી ચર્ચા તેમ જ નાતભાઈઓ અંદર અંદર એ હકીકત વિશે જે ટીકાઓ કરે છે તેનો પરિહાર કરીશું. પ્રથમ મારું લખેલું વધારે સ્પષ્ટ અને વિશદ કરીશ. મારા લેખના ત્રીજા અને ચોથા ખંડ સાથે વાંચવાના છે. સંસ્કાર કેવા કરવા એ પ્રશ્ન છે? સંસ્કારની જરૂર મેં ચોથા ખંડના અંતમાં સ્વીકારી છે. આપણને હાલ આપણા ગોરો પૌરાણિક સંસ્કારો કરાવે છે—વૈદિક નથી કરાવતા. આપણને શૂદ્ર લેખી તેઓ દ્વિજના સંસ્કાર નથી આપતા. આપણે આપણી જાત શૂદ્ર નહિ પણ ક્ષત્રિય છે એવું સ્થાપી દ્વિજના સંસ્કાર મેળવવા ઉત્સુક છીએ. આ ઉત્સુકતા સારી અને ઉન્નતિજનક છે. આવી સ્થિતિમાં બને તેટલું સારામાં સારું મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. દ્વિજના સંસ્કારોમાં પણ જે જે અનિષ્ટ અંશો છે (એ સંસ્કારોનો અભ્યાસી એમાં એવા ઘણા અનિષ્ટ અંશો જોઈ શકશે) તે ત્યાગવા અને દુનિયાની આગળ વધેલી પ્રજાઓના જે જે સદંશો આપણે એ સંસ્કારો દ્વારા પ્રાપ્ત કરી શકીએ તે તે અંશો નવા સંસ્કારમાં ઉમેરવા મેં સૂચના કરી છે. આ સૂચના નાતની ઉન્નતિ વાસ્તે થયેલી છે – અવનતિ માટે નહિ એવું ઉદાર અને પ્રગતિપ્રિય નાતભાઈઓ જોઈ શક્યા હશે. મારી સૂચના [સબળતાથી સમજાવવા મારે ઇતિહાસનો આશ્રય શોધવો પડ્યો. અને એ આશ્રય આધારભૂત સ્થળેથી મેળવ્યો અને એનો સારાંશ મારા લેખમાં છાપ્યો. એ આશ્રયનું યથાર્થ સ્વરૂપ તટસ્થતાથી અને રાગદ્વેષ વિના ભાઈ યુનાથી તપાસાઈ શક્યું નથી એ અતિશય શોચનીય છે. હિન્દુઓની જુદી જુદી નાતોની ઉત્પત્તિ અનાર્ય, આર્ય અને મલેચ્છોમાંથી થઈ છે, એવું એ વિષયના અભ્યાસીઓને પ્રતીત થતું જાય છે. અનાર્ય એટલે હિન્દુસ્તાનના મૂળવતની; આર્ય એટલે વેદસંહિતા અને સંસ્કૃત વાણી પારસીઓથી છૂટા પડી જેઓ ભારતવર્ષમાં લાવ્યા અને અનાર્યોને વશ કરી સમગ્ર દેશ જેઓએ બધી રીતે પોતાને આધીન કર્યો તેઓ; મલેચ્છો એટલે આર્યોના પછી હિન્દુસ્તાનમાં જે પરદેશીઓ આવ્યા તે; તેઓ આર્યો પણ નહોતા તેમ અનાર્યો પણ નહોતા છતાં હિન્દુસ્તાનમાં આવ્યા પછી તેઓએ આર્યોનો ધર્મ, સંસારઘટના, વાણી વગેરે સ્વીકારી હિન્દુસમાજમાં પ્રવેશ કીધો. આ હકીકત વિશે મારો આધાર Risley’s People of India, Dr. Grierson’s chapter on Language in the All India Census Report 1901, Mr. Devadatta R. Bhandarkar’s lecture on ‘Foreign Elements in the Hindu Population.’ (Indian Antiquary, January 1911.) અને બૉમ્બે ગેઝીટીઅરના જે વૉલ્યુમમાં ભીમભાઈ કિરપારામે ગુજરાતની હિન્દુ વસ્તીનો વૃત્તાંત આપ્યો છે, તેમાં મિ. કેમ્પબેલે ‘ગુર્જરો’ વિશે જે પરિશિષ્ટ લખ્યું છે તે છે. ભાઈ યુના અથવા બીજાને આ ગ્રંથો અને લેખો જોઈ પોતાને હાથે નિર્ણય બાંધવાની છૂટ છે એટલું જ નહિ પણ તે વાંચવા આગ્રહપૂર્વક વિનંતિ છે અને વાસ્તવિક હકીકત જાણવા સૌ તત્પર થશે એવી આશા છે. મારો લેખ વાંચનાર જોઈ શક્યા હશે કે મેં આપણી નાતને એકલીને મ્લેચ્છમાંથી થયેલી નથી કહી પણ નાગરો જેવી ઉચ્ચ અને શ્રેષ્ઠ હિન્દુ કોમ પણ એવી જ રીતે જન્મેલી એવું સ્પષ્ટ કહેલું છે. નાતનું અપમાન કરવા ખાતર નહિ પણ ખરી ઐતિહાસિક હકીકત રજૂ કરવામાં આવી હતી એમ હવે સૌને ખાતરી થશે. મલેચ્છ શબ્દ આધુનિક રૂઢ અર્થમાં નહિ પણ તેના મૂળ અર્થમાં શાસ્ત્રીય પરિભાષા તરીકે વપરાયેલો છે એવું મારો લેખ ધ્યાનપૂર્વક વાંચવાથી જણાશે, છતાં સ્પષ્ટતાની ખાતર અવતરણો આપવાં આવશ્યક છે. ‘આપણે આર્યો નથી પણ આર્યો પછી આવેલા મ્લેચ્છો છીએ.’ પૃ. ૪ અં. ૩ પા. ૬-૭ ‘હિન્દુસ્તાનમાં હાલમાં વસતી ઘણી નાતો પરદેશી છે અને આર્ય નથી.’ એ વાદનું ઉદાહરણ આપતાં લખ્યું છે કે ‘મેવાડના રાણાઓ પોતાને રામચંદ્રજીના વંશજ ગણાવે છે પણ તેમના વડવાઓએ લખાવેલા ઇતિહાસથી તેઓ વડનગરા નાગર બ્રાહ્મણોના વંશજ પુરવાર થયા છે. હવે એવી પણ કેટલીક હકીકત નીકળી આવી છે કે નાગરો શુદ્ધ આર્ય નથી પણ મ્લેચ્છમાંથી હિન્દુ થયેલા છે. તેમનાં કેટલાંક શર્મો અને બંગાળી કાયસ્થોનાં શર્મો મળતાં આવે છે તેથી બન્નેનું મૂળ એક હોવાની કલ્પના ઊપજી છે. (આધાર Bhandarkar, Foreign Elements in Hindu Population, Indian Antiquary 1911). આમાંથી ભાઈ યુના સિવાય અન્યને મ્લેચ્છનો અર્થ અતિશૂદ્ર લાગશે નહિ, તે તો ચોખ્ખું સમજી શકશે કે મ્લેચ્છ શબ્દ પરદેશો માટે વપરાયેલો છે. મારા લેખમાં કાયસ્થોને શૂદ્ર કહ્યા નથી ત્યારે ભાઈ યુનાએ તે શૂદ્રત્વ નાસાબિત કરવા શી જરૂર છે? ભાઈ યુના નાતની ઉત્પત્તિ વિશે જે પ્રમાણો પર મદાર બાંધે છે તે સર્વ જોઈએ તેટલાં વિશ્વસનીય નથી. એકલાં સ્મૃતિપુરાણો પરથી જ નાતોનું મૂળ નક્કી થઈ શકતું નથી. Anthropometry, Comparative Ethology, અને Ethnologyની દૃષ્ટિએ પરીક્ષણ કરતાં જે હકીકત ફલિત થાય તે પણ લક્ષમાં લેવી પડે છે. હિન્દુ સમાજમાં આપણને પ્રવેશ મળ્યા પછી આપણી રહેણીકરણી પ્રમાણે આપણે ક્ષત્રિય અથવા શૂદ્ર હિન્દુસ્તાનના ભિન્ન ભિન્ન સ્થળમાં લેખાયા છીએ. હાલ ક્ષત્રિય ગણાતી અસંખ્ય નાતે મ્લેચ્છ(પરદેશી) છે એમ સાબિત થતું જાય છે. એટલે જ હિન્દુ સમાજમાં પ્રવેશ પામ્યા અગાઉ આપણે પરદેશી–મ્લેચ્છ હતા અને રહેણીકરણીથી હિન્દુ થયા હતા એવો મારો લખવાનો આશય છે. જેમ તે કાળે આપણે સારા સંસ્કારો લીધા તેમ હવે પણ વધારે ઉન્નત સ્થિતિ પ્રાપ્ત કરવા એકલા હિન્દુ દ્વિજોના નહિ પણ જગતની સર્વે મહાન પ્રજાના દ્વિજોના સંસ્કારોમાં રહેલા સારા અંશો ગ્રહણ કરવા જોઈએ. ઉન્નતિને માર્ગે ચડેલાને માટે તે કોણ હતો? એવો ભૂતકાળ બહુ કામનો નથી. વર્તમાન અને ભવિષ્યનું આચરણ ઊર્ધ્વગામી છે કે નહિ એ જ મહત્ત્વનું છે. દ્રિજ માત્રના ગોત્ર છે. વૈશ્ય પણ દ્રિજ હોવાથી તેમનાં ગોત્રો છે. ગોત્રોનો ઇતિહાસ ઉકેલવાની ભાઈ યુનાને અભિલાષા હોય તો તેનાં સંબંધીનાં પુસ્તકો અને જુદી જુદી નાતોમાં પ્રચલિત ગોત્રો વિશે હકીકત મેળવી અભ્યાસ કરવા કમતરીન પણ નેક સૂચના છે. ભીમભાઈ કીરપારામના ગ્રંથમાં દરેક નાતની ઉત્પત્તિનો જે હેવાલ આપ્યો છે તે વાંચતાં ભાઈ યુના જોઈ શકશે કે કેટલી બધી નાતો ક્ષત્રિયમાંથી ઊતરી આવ્યાનો દાવો કરે છે? અંતે મારું નમ્ર માનવું એવું છે કે ફક્ત બાહ્ય સંસ્કારોથી જ નહિ પણ સાચા આંતર સંસ્કારોથી આપણી ઉન્નતિ થાય એવા પ્રયત્ન આપણે આદરવા જોઈએ. સંસ્કારો સમજવા સંસ્કૃતનો અભ્યાસ સર્વત્ર સ્ત્રીપુરુષથી થવો જોઈએ. ક્રિયાઓ વિશુદ્ધ અને ઉન્નત સ્વરૂપ પામી જીવંત બની આપણે જ હાથે —ગોરોને હાથે નહિ—પળાવી જોઈએ. અવકાશના તેમ જ સાધનના અભાવે ભાઈ યુનાના લેખનો હજુ પણ વધારે વિસ્તારથી હું જવાબ આપી શક્યો નથી. વળી જે લેખ મેં શિષ્યની પૃચ્છક અને જિજ્ઞાસુ વૃત્તિથી લખ્યો હતો તે લેખમાંથી પોરા કાઢી અર્થનો અનર્થ કરી બતાવી આક્ષેપ નાંખી મારી શંકા અને સવાલોને પ્રેરનાર Hypothesis મારી પાસે જ સબળ કરાવનારનો હું ઉપકાર માનું છું.
આપણી નાતનું પત્ર નીકળ્યું ત્યારથી જ મને દહેશત હતી કે નાતની ઉત્પત્તિ, નાતની ખામીઓ આદિના વિવેચન ઉદારતાથી કે તટસ્થતાથી નહિ થાય, મારી દહેશત મેં રા. રા. હીરાલાલ ઉમિયારામને જણાવી પણ હતી. એમણે ખાતરી આપી હતી કે એવી દહેશત રાખવાની જરૂર નથી છતાં એ દહેશત ખરી પડી છે એવું ભાઈ યુનાના લેખથી સહેજ પુરવાર થાય છે. યુનાના લેખથી મને અંગત કાંઈ લાગ્યું નથી કારણ કે યુનાએ કરેલો સત્કાર સેવકને માટે નવો નથી. પણ ઉતાવળ અને ગેરસમજથી લખાયેલાં લખાણથી પત્રની પ્રતિષ્ઠાને ધોકો પહોંચે અને તેનાથી કરાવા ધારેલી શુભ ઉન્નતિપ્રેરક અસર ઊલટું જ રૂપ પકડે. હજુ પણ મારા લેખમાં કરેલા નિર્દેશો બાબત ભાઈ યુના અથવા ઈતર જ્ઞાતિબંધુને સંદેહ અથવા વાંધો હોય તો તેઓ તરફથી સભ્યતાપૂર્વક ત્રૈમાસિક અથવા ખાનગી પત્રવ્યવહાર મારફત મારા પર તે મોકલવામાં આવશે તો યથાશક્તિ ખુલાસા કરવા તૈયાર છું. જ્ઞાતિબંધુઓ પાસેથી નાતના ઇતિહાસ, ગૌરવ, રીતરિવાજ, શક્તિ આદિ વિશે હું તો શીખવા માગું છું. તેમને શીખવવા જેટલું જ્ઞાન મારામાં નથી. મારી શંકા અને સવાલોનો ઉદ્દેશ જ્ઞાન મેળવવાનો હતો.