ભાષાવિજ્ઞાન/પ્રાસ્તાવિક

Revision as of 14:43, 9 June 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રાસ્તાવિક

છેક ૧૯૫૮માં છપાવવાનું શરૂ થયેલું કામ આજે આટલે વર્ષે પૂર્ણ થાય છે. વચ્ચે વચ્ચે મુદ્રણની અનેક મુશ્કેલીઓ આવી, નવા ખાસ ટાઇપો પડાવવા આવશ્યક બન્યા, સંખ્યાબંધ બ્લૉક તૈયાર કરાવવા પડ્યા, ઇ૰ કારણોથી કામ ખૂબ જ લંબાયું. વિદ્યાર્થીઓની, અધ્યાપકોની અને સૌથી વિશેષ તો પ્રકાશક-સંસ્થા એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.ની ધીરજની ખૂબ કસોટી થઈ. છેવટે અંગત દેખરેખ નીચે વિસનગરમાં છાપવાનું શરૂ કર્યું ત્યારે કામ સંપૂર્ણ થયું. પુસ્તક આમ તો ૧૯૬૪ના માર્ચમાં પૂર્ણ થયું હતું. એ પછી ગ્રંથસૂચી (bibliography), પારિભાષિક શબ્દસૂચી, (glossary of technical terms), વિગતવાર વર્ગીકૃત અનુક્રમણિકા (classified index) ઇ૰ આપવાની બાકી હતી. પરંતુ, એ પહેલાં જ એમ. એ.ના વિદ્યાર્થીઓના અત્યાગ્રહથી થોડીક નકલો ગ્રંથસૂચી આદિ વિના જ, તદાવધિમુદ્રિત ભાગ બંધાવીને પુસ્તક જેમને માટે પ્રધાનતયા ઉદ્દિષ્ટ હતું એમને વેળાસર સુલભ કરી આપવું આવશ્યક બન્યું હતું. એ પછી ગ્રંથસૂચી, પારિભાષિક શબ્દસૂચી આદિ તૈયાર કરતાં અને આ સર્વ સંકુલ સાહિત્ય વ્યવસ્થિત રીતે છપાવવામાં આટલો વિશેષ કાલક્ષેપ થયો. પણ શાસ્ત્રીય સ્વરૂપના ગ્રંથમાં આ સર્વ સામગ્રી અનિવાર્ય હતી, એટલું જ નહીં પણ ડૉ. સુનીતિકુમાર ચૅટરજી જેવા ભારતના વરિષ્ઠ ભાષાવૈજ્ઞાનિકે પણ આ ગ્રંથ ઉપરના એમના ‘પુરોવચન’માં એની અભીષ્ટતા સૂચવી હતી. એથી આટલો કાલવિલંબ થવા દઈને પણ એ સર્વ અહીં સમાવિષ્ટ કરી છે. ભાષાવિજ્ઞાનનો આજે અસાધારણ વિકાસ થયો છે. એ સર્વના અભ્યાસીઓને લાભ મળે એ દૃષ્ટિએ આ ગ્રંથ બને તેટલો સર્વગ્રાહી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં અભ્યાસપાત્ર સર્વ સાહિત્ય જોયું છે, વિચાર્યું છે; અને નૂતન ભારતીય આર્ય (New Indo-Aryan)ની ચર્ચાના વિભાગોમાં શક્ય એટલી મૌલિક વિચારણા પણ કરી છે. અનેક વ્યવધાનોની, વિક્ષેપોની વચ્ચે તૈયાર થયેલી આ કૃતિ વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડી શકી, અને ડૉ. સુનીતિકુમાર ચૅટરજી ને ડૉ. બાબુરામ સકસેના જેવા સમર્થ ભારતીય ભાષાવૈજ્ઞાનિકોને અને ડૉ. ટી. એન. દવે અને ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા ગુજરાતના અગ્રણી ભાષાશાસ્ત્રીઓને સંતોષ આપી શકી એથી મારો આ દીર્ઘકાલીન પરિશ્રમ સાર્થક થયો સમજું છું. આ દુર્ગમ શાસ્ત્રમાં મને પ્રવેશ કરાવનાર અને વારંવાર પ્રેરણા આપનાર, ભારતના અગ્રગણ્ય ભાષાશાસ્ત્રી ડૉ. સુનીતિકુમાર ચૅટરજીએ પોતાના અમૂલ્ય સમયમાંથી ઠીક ઠીક વખત કાઢીને આ પુસ્તક આમૂલાગ્ર જોઇ જઇને મમતાપૂર્વક એનું પુરોવચન લખ્યું છે એ માટે હું એમનો અત્યંત ઋણી છું. એ જ રીતે અલાહાબાદ અને બનારસ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ, હાલ રાયપુરની રવિશંકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. બાબુરામ સકસેનાએ, તેમ ગુજરાતના પ્રખર ભાષાશાસ્ત્રીઓ ડૉ. ટી. એન. દવે અને ડૉ. હરિવલ્લભ ભાયાણીએ શ્રમ લઈને આ પુસ્તક ખૂબ ધ્યાનથી જોઇને એ વિષે પુરસ્કૃતિનાં જે વચનો કહ્યાં છે એ માટે હું એમનો ખૂબ જ આભારી છું. મુંબઇ યુનિવર્સિટી લાયબ્રેરીના ગ્રંથપાલ શ્રી ડી. એન. માર્શલે જ્યારે જ્યારે મને જરૂર પડી ત્યારે ત્યારે એમના સુસમૃદ્ધ ગ્રંથાલયમાંથી મને પુસ્તકો ધીર્યાં કર્યાં છે અને ઠીક ઠીક લાંબા વખત સુધી અભ્યાસ માટે એ મારી પાસે રહી શકે એ માટે અગવડ વેઠી છે એ માટે એમનો હું અત્યંત આભારી છું. મહત્ત્વનાં અનેક પુસ્તકો આ રીતે સુલભ થયાં એથી જ અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ આ પુસ્તકની રચના માટે ઉત્સાહ રહી શક્યો હતો. આવું જ મહત્ત્વનું ઋણ મારે શિરે ગુજરાત યુનિવર્સિટીનું છે. આ પુસ્તકના પ્રકાશનમાં ગુજરાત યુનિવર્સિટીએ ઉદાર મને જે આર્થિક સાહાય્ય કરી તેથી જ આઈ.પી.એ.(International Phonetic Association)ના ધ્વનિસંકેતોના નવા ટાઇપો પડાવી શકાયા અને સંખ્યાબંધ બ્લૉકો તૈયાર કરાવી શકાયા. એ માટે ગુજરાત યુનિવર્સિટીનો હું ખૂબ ઋણી છું. પ્રકાશક એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. ની આ પુસ્તકે ખરેખર કસોટી કરી છે. એમની સાથેની ઘનિષ્ઠ અંતરંગ મૈત્રીને કારણે આટલો અસાધારણ, અકળાવનારો વિલંબ એમણે સ્નેહપૂર્વક ઉદારતાથી સહી લીધો, અને ભિન્ન ભિન્ન વિક્ષેપોથી અટકી જવાનું થતાં મને પુનઃ પુનઃ પ્રોત્સાહન આપ્યાં કર્યું. એમનો મારા પ્રત્યેનો પરમ સદ્ભાવ અને સ્નેહભાવના આ ગ્રંથને આ સ્વરૂપે પ્રકાશિત કરવામાં કારણભૂત છે. વિસનગર પ્રિન્ટરીના મૅનેજર કવિ-લેખક શ્રી દેવશંકર મહેતાએ ધીમે ધીમે પણ ચોકસાઇથી અને સાવધાનીથી આ કઠિન ગ્રંથનું સંતોષકારક રીતે મુદ્રણ કર્યું એ માટે એમનો આભારી છું. આ પુસ્તકના બ્લૉકનાં ચિત્રોના આલેખન માટે વિસનગરના ખૂબ આશાસ્પદ યુવાન કલાકાર શ્રી મનુભાઇ ગોરધનદાસ સુથાર A.M. નો, અને મારી હસ્તપ્રત ઉપરથી મુદ્રણ માટે સુઘડ પ્રેસ-કૉપી તૈયાર કરવા માટે વિસનગર કૉલેજના મારા સાથી પ્રો. મહેન્દ્ર અ. દવે, અને મારા ભૂતપૂર્વ યશસ્વી વિદ્યાર્થી પ્રો. સોમાભાઇ છગનલાલ પટેલનો હું આભારી છું. આ પુસ્તકમાં નૂતન ભારતીય ભાષાઓના ધ્વનિઓનું પ્રતિલેખન કરવામાં નવા સંકેતોનો ઉપયોગ કર્યો છે. તેના ટાઇપ International Phonetic Association અનુસાર ખાસ તૈયાર કરાવેલા છે. પુસ્તકમાં પ્રયુક્ત પરિભાષા ઘણે અંશે નવી જ યોજવી આવશ્યક થઇ છે, કારણ કે હિંદી આદિમાં આ પ્રકારના ગ્રંથોની પરિભાષા નિરર્થક ક્લિષ્ટ અને ગુજરાતી અભ્યાસી માટે દુર્ગ્રાહ્ય જણાઇ છે. પ્રયુક્ત ગુજરાતી પરિભાષાની સાથે એનો મૂળ અંગ્રેજી પારિભાષિક શબ્દ, ઘણુંખરું કૌંસમાં દર્શાવ્યો છે જ, તેમજ ગ્રંથના અંતભાગે, પરિશિષ્ટમાં ‘પારિભાષિક શબ્દસૂચી’માં ડૉ. સુનીતિકુમાર ચૅટરજીના સૂચન અનુસાર ગુજરાતી પરિભાષાની સાથે તેના મૂળ બિંબરૂપ અંગ્રેજી પારિભાષિક શબ્દનો કોશ સંગૃહીત કર્યો છે. આ રીતે ગુજરાતી ભાષામાં આ વિષયના આ પ્રથમ ગ્રંથને બને તેટલો વ્યવસ્થિત અને પ્રમાણભૂત છતાં વિશદ અને સુવાચ્ય બનાવવા શક્ય સર્વ પ્રયત્ન કર્યો છે. હવે સહૃદય વિદ્વાનો જ કહી શકે કે લેખકને એમાં કેવી સિદ્ધિ મળી છે.

શરદપૂર્ણિમા, ૨૦૨૦
૧૦-૧૦-૧૯૬૫
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ અને
એ. એમ. પી. લૉ કૉલેજ, રાજકોટ


કાન્તિલાલ બ. વ્યાસ