ભાષાવિજ્ઞાન/ભાષાનો ઉદ્ગમ
/ભાષાનો ઉદ્ગમ
“The problem of the origin of language is outside the jurisdiction of the linguist. The problem is, in reality, bound up with that of the origin of man and of society, and it belongs to primitive human history. Language has evolved just in so far as the human brain has developed and society has been organized. It is impossible to say in what form human speech first took shape, but we can endeavour to determine the conditions which made speech possible. They are at once psychological and social.” – J. Vendryes, Language. ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ ભાષાવિજ્ઞાનની એક વિકટ સમસ્યા છે. આજનો મનુષ્ય એનાં માતાપિતા પાસેથી ભાષા શીખ્યો; એ એમનાં માબાપ પાસેથી શીખ્યાં હશે. પરંતુ આદિમ મનુષ્યે કોની પાસેથી ભાષા ગ્રહણ કરી હશે? ભાષાશાસ્ત્રીઓએ ભાષાની ઉત્પત્તિ સંબંધે જાતજાતની અનેક કલ્પનાઓ કરી છે અને સિદ્ધાન્તો બાંધ્યા છે. એ સિદ્ધાન્તોની ક્રમશઃ સમીક્ષા કરીએ. ભાષા ઈશ્વરદત્ત છે. જગતના કેટલાક ધર્મગ્રંથો અનુસાર જગતમાં મનુષ્યની ઉત્પત્તિની સાથોસાથ જ એકાએક દૈવી શક્તિ વડે એક સંપૂર્ણ સ્વરૂપવાળી ભાષા ઉત્પન્ન થઈ. જેમ માનવ સહજ રીતે શ્વાસોચ્છવાસ લેતો થયો તે જ પ્રકારે દૈવી શક્તિની પ્રેરણાથી તે ઇચ્છા વિના, સહજ રીતે, બોલતો થયો.૧[1] હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે તો ગીર્વાણગિરા સંસ્કૃત એ જ આદિ ભાષા છે, જેનું પરમેશ્વરે સૃષ્ટિને આરંભે ઋષિઓને જ્ઞાન આપ્યું હતું. એમાંથી કાળક્રમે અન્ય ભાષા-વિભાષાઓ ઉત્પન્ન થઈ. રોમન કૅથલિક મતાનુયાયી ખ્રિસ્તીઓ કહે છે કે યહૂદીઓની પ્રાચીન ભાષા હિબ્રૂ, જેમાં બાઈબલનો જૂનો કરાર ‘Old Testament’ રચાયેલો છે, એ જ માનવની આદિમ ભાષા હતી. એ માનવસર્જિત નહીં પરંતુ ઈશ્વરદત્ત વાણી હતી.ર[2] બૌદ્ધો પાલી ભાષાને અને જૈનો આગમોની આર્ય પ્રાકૃત કે અર્ધમાગધીને માનવની મૂલભાષા ગણાવે છે.૩[3] પ્રાચીન ગ્રીક દાર્શનિકોમાંથી કેટલાક ભાષા ઈશ્વરદત્ત છે એમ માનતા હતા, ત્યારે સોક્રેટીસ જેવા અન્ય પ્રસિદ્ધ દાર્શનિકો એ મતથી વિરુદ્ધ હતા.૪[4]
આ મતની અશાસ્ત્રીયતા સ્પષ્ટ છે.
ભાષાનું સર્વસંમતિથી, વિચારપૂર્વક સર્જન
ભાષાના ઉદ્ગમ સંબંધે એક મત એવો છે કે પ્રાચીન-પ્રાગૈતિહાસિક – કાળમાં પહેલાં તો મનુષ્ય સંકેતો વગેરેથી પોતાના મનોભાવ પ્રગટ કરતો. પરંતુ એથી જ્યારે એનું કામ નભ્યું નહીં ત્યારે તે સ્થળના સમસ્ત માનવ સમુદાયે એકત્ર થઈને નક્કી કર્યું કે આ પદાર્થને આ નામ આપવું, અન્ય પદાર્થને અન્ય નામ આપવું. આમ પરસ્પરની સંમતિથી સમસ્ત સમુદાયે પોતાના ઉપયોગ માટે ભાષા ઘડી કાઢી. આ મત ગ્રીક દાર્શનિકોના જેટલો પ્રાચીન છે.૫[5] આ મત પણ ઉપરના મત જેવો જ અશાસ્ત્રીય છે. પ્રથમ તો, જ્યારે માત્ર સંકેતોથી જ કામ નભતું હતું ત્યારે એ આદિમ માનવ સમાજ છેવટની સમજૂતી ઉપર આવતાં પહેલાં વાટાઘાટો કેવી રીતે કરી શક્યો, તેમ અંતિમ નિર્ણય શી રીતે પ્રગટ કરી શક્યો? પ્રત્યેક પદાર્થ વિષે વિચાર કરતાં કે બોલતાં મનમાં એની એક માનસપ્રતિમા (mental image) ખડી થાય છે. તો જ્યાં સુધી વસ્તુનાં નામો નક્કી થયાં નથી ત્યાં સુધી એ વિષે મનમાં વિચારો કેવી રીતે ઉદ્ભવી શકે? અને જો ભાષા વિના મનુષ્યમાં વિચાર કરવાની શક્તિ પ્રગટી હોય તો પછી એને ભાષાની જરૂર જ ક્યાં રહી?
માનવની સ્વાભાવિક આંતરપ્રેરણા દ્વારા ભાષાની ઉત્પત્તિ
પ્રસિદ્ધ જર્મન સંસ્કૃતજ્ઞ મૅક્સમ્યુલરે એમનાં ‘Lectures on the Science of Language‘ (ઇ. સ. ૧૮૬૧)ની પ્રથમ શ્રેણીમાં ભાષાના ઉદ્ગમના પ્રશ્નની વિચારણા કરી છે. મૅક્સમ્યુલર ભાષાની બાબતમાં ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદને સ્વીકારતા નથી. એ માને છે કે ભાષા પૂરતો પ્રાણી અને મનુષ્ય વચ્ચે મોટો ભેદ રહેલો છે. માણસમાં અમૂર્ત વિચારણા કરવાની શક્તિ છે, જે પ્રાણીમાં નથી. મૅક્સમ્યુલર એમ માને છે કે જગતના જુદા જુદા ભાષા પરિવારો મળીને શબ્દનાં મૂળ રૂપો (roots) ચારસોથી પાંચસો જેટલાં થાય છે. એ ધ્વનિઓ માનવી પ્રકૃતિમાં રહેલી એ પ્રકારની લાક્ષણિક નૈસર્ગિક શક્તિથી ઉત્પન્ન થાય છે. એ નથી ઉદ્ગારધ્વનિઓ કે નથી અનુકરણધ્વનિઓ. સમસ્ત પ્રકૃતિમાં પ્રત્યેક વસ્તુને ટકોરા વાગતાં એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. એમ માનવના મન ઉપર આઘાત થતાં એના મુખમાંથી ધ્વનિઓ નીકળી પડે છે. માણસ પોતાના મનના અમૂર્ત વિચારોને વાણીમાં વ્યક્ત કરવાની શક્તિ ધરાવતો હતો. આ શક્તિ એનામાં સહજોદ્ભુત (instinctive) હતી. પછી ધીમે ધીમે, એ શક્તિની જરૂર ન રહેતાં, એ ઘસાઈ ગઈ. મૅક્સમ્યુલરના આ સિદ્ધાંતની પાછળ અયોગાત્મક (isolating) ભાષાસ્વરૂપ એ જ સૌથી પ્રાચીન ભાષાસ્વરૂપ છે એ માન્યતા રહેલી છે.૬[6] આ દિવ્ય સહજોપલબ્ધિવાદનો અઢારમા સૈકામાં પુષ્કળ પ્રચાર હતો. ષ્ટાઇન્થાલ (Steinthal)૭[7], હુમ્બોલ્ટ (Humboldt), મૅક્સમ્યુલર, વુન્ટ (Wundt) વગેરે એના મુખ્ય પુરસ્કર્તાઓ હતા.
વુન્ટે ભાષા ઉપરના એના મહાન ગ્રંથમાં ભાષાની ઉત્પત્તિના પ્રશ્નની આવી રીતે વિચારણા કરી છે. વુન્ટ કહે છે કે ભાષાના ઉદ્ગમનો પ્રશ્ન ઉકેલવાને માટે માનવ સંવેદના (consciousness)ના વિકાસના સંદર્ભમાં હાલની ભાષાઓના વિકાસનો અભ્યાસ કરવો આવશ્યક છે. જેમ જેમ માનવ સંવેદના વિકાસ પામતી ગઈ તેમ તેમ એની અભિવ્યક્તિના સ્વરૂપમાં—સંકેતો અને ભાષામાં—વિકાસ થતો ગયો. ભાષા એ વિચારનું મહત્ત્વનું અંગ છે—વિચારના વિકાસની સાથે જ એનો વિકાસ સંભવે છે. માનવની વિશિષ્ટ સંવેદનાની અભિવ્યક્તિએ ભાષાધ્વનિઓનું સ્વરૂપ શી રીતે લીધું, અને એ ધ્વનિઓ વિચારના પ્રતીક કેવી રીતે બન્યા, એ પ્રશ્ન તો રહે જ છે. ભાષા આરંભમાં ઇશારાઓ (gestures) સાથે સંકલિત હોવી જોઈએ. પછી એ ક્રમે ક્રમે ઇશારાઓથી અળગી પડી ગઈ. ભાષાના ધ્વનિઓ પરિસ્થિતિની શારીરિક પ્રતિક્રિયા (reflex) સમા યાન્ત્રિક નથી; પરંતુ માનસિક અને શારીરિક ક્રિયાઓ દ્વારા સ્વૈચ્છિક(વિચારાદિકની) અભિવ્યક્તિરૂપના છે.૮[8] વુન્ટની આ ચર્ચા મનુષ્યે પોતાના ભાષાસાધનને કેવી રીતે વિકસાવ્યું એટલું જ માત્ર સમજાવવા મથે છે; ભાષાના ઉદ્ગમનાં કારણો દર્શાવવા એ સમર્થ નથી. મૅક્સમ્યુલરના મતની અશાસ્ત્રીયતા પણ સ્પષ્ટ છે. મૅક્સમ્યુલર જણાવે છે તેમ ભાષા મનુષ્યની વૈયક્તિક સિદ્ધિ નથી, પરંતુ માનવનો એક સામાજિક ગુણ કે લક્ષણ છે. સમાજના વ્યવહારને કારણે અને સમાજની સંમતિને પરિણામે જ ભાષા ઉદ્ભવી છે. મૅક્સમ્યુલરના સિદ્ધાંત અનુસાર ભાષા એક વૈયક્તિક સિદ્ધિ હોત અને માનવને સહજ રીતે પ્રાપ્ય હોત તો નિર્જનમાં ઊછરેલું એકાકી બાળક કોઇ વિશિષ્ટ ભાષા બોલી શકવા સમર્થ બન્યું હોત. પરંતુ વસ્તુતઃ, ઇતિહાસમાં નોંધાયેલા આ પ્રકારના પ્રયોગોમાં એમ બન્યું નથી.
પ્રથમ બોલતાં શીખવાનો આરંભ કરતા માનવશિશુના મુખમાંથી કયી ભાષા નીકળે છે એ જાણવાને બે સમ્રાટોના પ્રયોગો ઇતિહાસમાં નોંધાયા છે. પ્રસિદ્ધ ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસે (Herodotus) (ઇ. સ. પૂર્વે પાંચમી સદી) નોંધ્યું છે કે ફ્રિજિયન અને મિસરી (ઇજિપ્શ્યન) પ્રજામાંથી કયી વધારે પ્રાચીન છે એ જાણવાને મિસરના સમ્રાટ સેમેટિક્સે (Psammetichus) બે તરતનાં જન્મેલાં શિશુઓને માનવ સંપર્કથી સદંતર દૂર એકલાં રાખ્યાં. જ્યારે એમણે બોલવાનો આરંભ કર્યો ત્યારે એમના મુખમાંથી ‘બેકોસ’ (bekos) એટલો શબ્દ માત્ર નીકળ્યો. એ ફ્રિજિયન ભાષાનો શબ્દ હતો, જેનો અર્થ થાય છે ‘રોટી’ કે ‘ભાખરી’. એ ઉપરથી સેમેટિક્સે અનુમાન કર્યું કે ફ્રિજિયન વધારે પ્રાચીન ભાષા છે. પરંતુ, સંભવ છે કે, બાળકોએ એ શબ્દ પોતાના ફ્રિજિયન પહેરેગીર પાસેથી સાંભળ્યો હોય.૯[9] તેથી, તત્વતઃ, આ પ્રયોગનું વૈજ્ઞાનિક મૂલ્ય શંકાસ્પદ ઠરે છે; વિશેષ તો એ કારણે કે આ પ્રકારનો એક પ્રયોગ અકબર બાદશાહે ન્હાનાં શિશુઓ ઉપર કર્યો હતો તેમાં એ બાળકો મોટાં થતાં તદ્દન મૂંગાં નીકળ્યાં હતાં.૧૦[10] આ ઉપરથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે બાળકોને જન્મથી ભાષા સિદ્ધ હોતી નથી; પોતાની આસપાસના વાતાવરણમાંથી જ એ ભાષા શીખે છે. માનવ શરીરરચનાના વિશિષ્ટ વિકાસને કારણે ભાષાની ઉત્પત્તિ હેર્ડર અને ષ્ટાઈન્થાલે ભાષાની ઉત્પત્તિમાં માનવની ટટાર સ્થિતિ (erect posture) અને શ્વાસોચ્છ્વાસની ક્રિયા ઉપરના કાબૂએ કેટલો મહત્ત્વનો ભાગ ભજવ્યો હશે એ બતાવ્યું છે. એ જ રીતે કેટલાક વૈજ્ઞાનિકો શરીરવિજ્ઞાનના સૂક્ષ્મ અભ્યાસ દ્વારા માનવના મગજના વિકાસને તેમજ તેના મુખના વિકાસને ભાષાની ઉત્પત્તિમાં કારણભૂત માને છે. ઉદાહરણ તરીકે, બ્રોકાએ (Broca) ઇ. સ. ૧૮૬૧માં બતાવ્યું હતું કે મગજના ડાબા અર્ધગોળ (hemisphere)ના આગળના (frontal) ત્રીજા મંડળ (third convolution)ને ઈજા થતાં વાગભ્રંશ (Aphasia) થાય છે.૧૧[11] એ ઉપરથી મગજના આ કેન્દ્ર (Broca’s centre)ને કેટલાક વૈજ્ઞાનિકોએ૧૨[12] વાક્પ્રવૃત્તિનું કેન્દ્ર માન્યું હતું.
પરંતુ બ્લૂમફીલ્ડે બતાવ્યું છે તેમ ભાષા એ બહુ સંકુલ પ્રવૃત્તિ છે, જે શરીરનાં અનેક અંગો ઉપર અવલંબેલી છે. એથી કેવળ મગજના એક વિશિષ્ટ મંડળને જ વાણીનું કેન્દ્ર ગણવું યુક્ત નથી.૧૩[13] વળી આ સિદ્ધાન્તોથી માનવ ધ્વનિઓનો શારીરિક આધાર (basis) માત્ર સમજાય છે, અને ધ્વનિઓના વિકાસની પ્રક્રિયાનો ખ્યાલ આવે છે; પરંતુ ભાષાની ઉત્પત્તિનું કારણ એથી સમજાતું નથી.
પ્રાકૃતિકધ્વનિ અને પ્રાણીધ્વનિના અનુકરણ દ્વારા ભાષાની ઉત્પત્તિ
કેટલાક ભાષાશાસ્ત્રીઓ જણાવે છે કે આદિમાનવ પશુપક્ષીઓના તથા પ્રકૃતિનાં અન્ય અંગોના ધ્વનિઓનું અનુકરણ કરીને બોલતાં શીખ્યો. ઉદાહરણ તરીકે, એણે કૂતરાનું ‘બાઉવાઉ’ ભસવું સાંભળીને એ ‘બાઉવાઉ’ ધ્વનિને કૂતરો તેમજ ભસવાની ક્રિયા બંનેની સંજ્ઞા તરીકે વાપર્યો હશે; અથવા કોયલનો કુહૂરવ સાંભળીને એનું નામ cuckoo (કે સં. कोकिल) પાડ્યું હશે; કે સરિતાનો ખળખળ નાદ સાંભળીને नदी કહી હશે. સં. मयूर, काक, सिंह (સરખાવો : પૂર્વ આફ્રિકાની ભાષાઓમાં ‘સિંબા’), અં. crow, cock, વગેરે પશુપંખીઓનાં નામો, કે સં. टक्कार, रणत्कार, झक्कार, અં. babbling, cooing, ગુજ. ખડખડાટ, બડબડાટ જેવાં ધ્વનિસૂચક નામોનું મૂળ આ પ્રકારના પ્રાકૃતિક રવાનુકરણમાં હશે એમ લાગે છે. આદિમ ભાષામાં આ પ્રકારે ઠીક ઠીક પ્રમાણમાં શબ્દભંડોળ તૈયાર થયો હશે. આ મતને શબ્દાનુકરણધ્વનિનો સિદ્ધાંત (theory of onomatopoeia) કહે છે. આ મત પ્રત્યે સૌથી ઉત્કટ રીતે ધ્યાન ખેંચનાર હેર્ડર (Herder) (ઈ. સ. ૧૭૭૨) હતો. મૅક્સમ્યુલર જેવા ભાષાશાસ્ત્રીઓ આ મતને અવહેલનામાં ‘બાઉ—વાઉ મત’ કહે છે.
ડાર્વિને પણ પ્રાણીઓના રવ અને પ્રાકૃતિક પદાર્થોના ધ્વનિના અનુકરણને ભાષાના ઉદ્ગમમાં એક મહત્ત્વનું કારણ લેખ્યું હતું.૧૪[14] વ્હિટનેએ (Whitney) એના ‘Life and Growth of Language’ (ઈ. સ. ૧૮૭૫) એ ગ્રંથમાં ભાષાની ઉત્પત્તિ સંબંધે ચર્ચા કરતાં અનુકરણવાદનો પુરસ્કાર કર્યો છે. વ્હિટને કહે છે કે પ્રાણીઓના ધ્વનિ સાહજિક હોય છે. એ પ્રકારના ધ્વનિઓમાંથી માનવભાષા ઉત્પન્ન થઈ. એમાં પ્રેરક કારણ અન્ય પાસે પોતાના વિચારની અભિવ્યક્તિ કરવાની ઈચ્છા હતી. રનઁ (Renan) કહે છે કે જેમ માણસ પ્રાણીઓનું અનુકરણ કરી શકે છે તેમ પોતાના સાથીઓનું પણ અનુકરણ કરી શકે છે. પ્રાણીધ્વનિ અને માનવ ભાષાના ધ્વનિઓમાં મૂલગત ફરક છે : પ્રાણીઓના ધ્વનિઓની પાછળ કશો વિશિષ્ટ અર્થ રહેલો નથી—એ માત્ર એમના સાહજિક ઉદ્ગારો જ છે; ત્યારે માનવના એ જ ધ્વનિઓની પાછળ વિશિષ્ટ હેતુ—એ પ્રાણીનું કે એના કાર્યનું અભિધાન કરવાનો—રહેલો છે. અર્થાત્, માનવના ધ્વનિઓમાં અર્થવત્તા છે, જે પ્રાણીઓના ધ્વનિઓમાં ક્યારેય નહોતી.૧૫[15] આમ, રનઁની માન્યતા અનુસાર ભાષા સામાન્ય રીતે અનુરણનાત્મક અનુકરણથી બનેલી છે. એ આદિમ ભાષામાં એક શ્રુતિવાળા શબ્દો સવિશેષ હતા.૧૬[16]
ડૉ. આલાઁ એચ. કેસ્લ દ મોંતિન્યીએ (Dr. Alan H. Keslo de Montigny) ‘How Did Language Originate’ એ લેખમાં પ્રતિપાદિત કર્યું છે કે ભાષાની ઉત્પત્તિ પ્રાણીધ્વનિઓ અને અનુરણનાત્મક શબ્દોમાંથી છે, જેમાંથી કેટલાંક આદિમ શબ્દમૂળ (roots) ઉદ્ભવ્યાં છે. એમાં પ્રાણીધ્વનિ કરતાં અનુરણનાત્મક રૂપોનું પ્રમાણ ઘણું વધારે છે. પછી જુદા જુદા માનવ સમૂહો પરસ્પર સંપર્કમાં આવતાં તે તે શબ્દોના સમાનાર્થ શબ્દો ઇતર સમૂહોએ અપનાવ્યા. એમાંથી આદિ માનવભાષાના ભાષાભંડોળનો વિકાસ થયો.૧૭[17] કેટલાક ભાષાશાસ્ત્રી—ઉ.ત. લાત્સારુસ ગાઈગર, ગુસ્ટાફ યાગર, ફ્રીડ્રીશ મ્યુલર, ઍલેકઝાન્ડર યોહોનસન, વગેરે—ભાષાના ઉદ્ગમ માટે શબ્દાનુકરણ ઉપરાંત ભાવોદ્ગાર આદિ કારણોને પણ જવાબદાર ગણે છે. એથી એમના સિદ્ધાંતોની ચર્ચા નીચે આપેલા ભાવોદ્ગારમૂલક સિદ્ધાન્તની સમીક્ષા પછી કરીશું.
આ મતનો કેટલાક ભાષાવૈજ્ઞાનિકોએ વિરોધ કર્યો છે. મૅક્સમ્યુલર કહે છે કે અનુકરણધ્વનિનો સિદ્ધાંત અતિ સંકુચિત છે; અનુકરણાત્મક શબ્દો (cuckoo અને cock જેવા) કૃત્રિમ ફૂલોની માફક મૂળરહિત હોઇ જે એક પદાર્થનું અનુકરણ કરે છે તે સિવાય અન્ય કાંઈ પણ વ્યક્ત કરવાને અસમર્થ છે. યેસ્પર્સન૧૮[18] મેક્સમ્યુલરની ટીકાને વધારે પડતી ઉગ્ર ગણે છે. એ બતાવે છે કે cuckoo અને cock એ અનુકરણાત્મક શબ્દોમાંથી cuckold અને coquet, coquetry જેવા કેટલાયે નવા શબ્દો બને છે. યેસ્પર્સનના મત પ્રમાણે પણ અનુકરણધ્વનિનો સિદ્ધાંત ભાષાના એક વિભાગની ઉત્પત્તિનું કારણ આપી શકે પણ સમગ્ર ભાષાનો ઉદ્ગમ સમજાવી શકે તેમ નથી.૧૯[19] સંસ્કૃત કે ગ્રીક અને લૅટિન જેવી પ્રાચીન સુવિકસિત ભાષાઓમાં પશુપક્ષીઓ કે અન્ય પદાર્થોના ધ્વનિના અનુકરણરૂપે બનેલા શબ્દો બહુ થોડા છે. એટલું જ નહીં પણ જગતની આદિમ અવસ્થામાં રહેલી અસંસ્કૃત જાતિઓની ભાષામાં પણ અનુકરણાત્મક અને અનુરણનાત્મક શબ્દોનું પ્રમાણ બહુ જ થોડું છે.૨૦[20]
ભાવાવેશ સમયના ઉદ્ગારોમાંથી ભાષાની ઉત્પત્તિ
અન્ય ભાષાવૈજ્ઞાનિકો તીવ્ર લાગણીઓને પરિણામે સહજ જ થઇ જતા ભાવોદ્ગારોને ભાષાનું મૂળ માને છે. સમગ્ર સૃષ્ટિમાં મનના ભાવો અને આવેશોને સમયે વિશિષ્ટ ધ્વનિઓ નીકળે છે. પંખીઓ આનંદોલ્લાસ, ભય, રોષ આદિ આવેશોને સમયે કે ભૂખને પ્રસંગે કેવો કલરવ કરી મૂકે છે તે જાણીતું છે. એ જ રીતે ગાયભેંશનું ભિન્ન ભિન્ન પ્રસંગે વિશિષ્ટ રીતે ભાંભરવું, કૂતરાનું ભસવું અને રડવું, બિલાડીનું ઘુરકવું કે ‘મ્યાઁઉં’ કરવું સુવિદિત છે. એ જ રીતે આદિમ મનુષ્ય ભિન્ન ભિન્ન ભાવો કે આવેશોને પ્રસંગે ભિન્ન ભિન્ન ધ્વનિઓ કાઢતો.૨૧[21] આવા ધ્વનિઓ બેવડાવતાં, વિસ્તારતાં, સ્વરના આરોહ-અવરોહ સાથે બોલતાં ધ્વનિઓના અભિધાનનું ક્ષેત્ર વિસ્તરતું ગયું.૨૨[22] ડાર્વિને એના ‘Expression of Emotions in Men and Animals’ એ ગ્રંથમાં ભિન્ન ભિન્ન લાગણીઓને કારણે મુખસ્થિતિમાં કેવી રીતે ફેરફાર થાય છે અને એ વિવિધ મુખભંગિઓને પરિણામે કેવી રીતે આપોઆપ ઉદ્ગારવાચક ધ્વનિઓ (નિર્વેદ કે તિરસ્કારથી pooh, fie ઈ૰ અને આશ્ચર્યથી oh વગેરે)૨૩[23] નીકળે છે એ દર્શાવવા પ્રયાસ કર્યો છે. ધીરે ધીરે મનુષ્યમાં ભાવો કે આવેશોની સ્થિતિ ન હોય ત્યારે પણ એવા ધ્વનિઓ કાઢવાની શક્તિ આવી ગઈ. આમાંથી ભાષાનો ઉદ્ભવ થયો. આ મતને ભાવોદ્ગારમૂલક સિદ્ધાંત (Interjectional theory) કહે છે. કેટલાક એના ‘pooh’ એ નિર્વેદસૂચક ધ્વનિને અનુલક્ષીને આ સિદ્ધાંતને તિરસ્કારમાં ‘pooh pooh theory’ એવું આડનામ આપે છે.
આ સિદ્ધાંતમાં યેસ્પર્સને૨૪[24] કેટલીક મહત્ત્વની ખામીઓ દર્શાવી છે. કેવળપ્રયોગી ઉદ્ગારો એ અકસ્માત્ થતાં સંવેદનો અને લાગણીઓને સહજ જ ત્વરિતપણે વ્યક્ત કરતા ધ્વનિઓ છે; એ ભાષાનું મુખ્ય અંગ નથી. વાક્યની અંદર એ આવતા નથી; એમનો સ્વતંત્ર છૂટો ઉપયોગ થાય છે. આમ ભાષાના સમગ્ર સ્વરૂપમાં એમનું સ્થાન અટૂલું (isolated) અને ગૌણ છે. ઉપરાંત કોઈપણ ભાષામાં આવા વિસ્મયબોધક ધ્વનિઓની સંખ્યા અતિ પરિમિત હોય છે. વળી આ ધ્વનિઓ પણ એવા સમૃદ્ધ નથી કે જેમાંથી વિકસિત ભાષાની વર્ણમાલા નીકળવાની કલ્પના કરી શકાય. ઘણાંખરાં ઉદ્ગારવાચક અવ્યયોમાં આવતા ધ્વનિઓ ભાષામાં અન્યત્ર ક્યાંયે વપરાયેલા જણાતા નથી. આમ પ્રાથમિક લાગણીઓના ઉદ્ગારો ભાષાના ઘડતરમાં કેટલેક અંશે કારણભૂત થયા હશે એ સ્વીકારવા છતાં એમાંથી જ પ્રધાનપણે માનવ ભાષાની ઉત્પત્તિ થઈ એમ માનવું શક્ય નથી.
ન્વારે (Noiré) નામના વિદ્વાને (ઈ. સ. ૧૮૭૭માં) એક નવીન જ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે. એ કહે છે કે મનુષ્યને અત્યન્ત શ્રમવાળું કામ કરતાં શ્વાસ જોરથી વારંવાર નીકળી એની સ્વરતંત્રી (vocal chords)ને ભિન્ન ભિન્ન રીતે કંપાવે અને એમાંથી અમુક પ્રકારના ધ્વનિઓ નીકળે એ સ્વાભાવિક છે. પ્રાથમિક દશામાં ઘણાં કામો સમૂહમાં થતાં અને એ કરતાં કરતાં આખો સમુદાય અમુક પ્રકારના ધ્વનિઓ સહજ જ કરતો. જેમકે મોટું લાકડું કે વજન ઊંચકતાં ધકેલતાં એ આદિ માનવસમૂહ yo-he-ho કે એવો અવાજ કરતો.૨૫[25] ક્રમશ: એ અવાજ એ ક્રિયાની સાથે જોડાઇને એને માટેની સંજ્ઞારૂપ બની ગયો.૨૬[26] આવી રીતે આદિ સમાજમાં ભિન્ન ભિન્ન શબ્દો ઘડાયા. આ સામૂહિક સહજધ્વનિ-સિદ્ધાન્તને કેટલાક yo-he-ho theory કહે છે.
ઉપરના બંને સિદ્ધાંતોમાં કેટલીક આંતરિક અસંગતિઓ અને અપૂર્ણતાઓ રહેલી છે. આ વાદો ભાષાના ભિન્ન ભિન્ન ખંડોની ઉત્પત્તિ સમજાવી શકે છે, પણ સમગ્ર ભાષાસ્વરૂપના ઉદ્ગમની પ્રક્રિયા દર્શાવી શકતા નથી. આ વાદો જેમની ઉત્પત્તિની સમજૂતી આપે છે તે અનુકરણવાચક શબ્દો અને ઉદ્ગારવાચક ધ્વનિઓ એ ભાષાનાં ગૌણ અંગ છે, એટલે ભાષાના અન્ય પ્રધાન અંગોની ઉત્પત્તિ શોધવાની તો બાકી જ રહે છે. વળી ન્વારે સિવાયના અન્ય મતોમાં ભાષા એ એકલી વ્યક્તિની શોધ નથી, પણ માનવસમૂહે પરસ્પર વિચારાદિકનો વિનિમય કરવાને યોજેલું સાધન છે એ હકીકતનું વિસ્મરણ થયેલું છે. ઉપરાંત, આ સિદ્ધાન્તો એમ ગૃહીત કરીને ચાલે છે કે ભાષાની ઉત્પત્તિ અકસ્માત્ સહજ જ થઈ ગઈ, ને તે પૂર્વે માણસ મૂક હતો, જે વસ્તુસ્થિતિથી વિપરીત છે. યુગો સુધી ધીમે ધીમે ધ્વનિઓ કાઢતાં કાઢતાં જ માનવનો કંઠ વાણીવ્યવહાર માટે સમર્થ બન્યો હશે એમ માનવું સમુચિત છે. કેટલાક ભાષાવૈજ્ઞાનિકોએ ઉપરના બંને પ્રકારના મતનો આધાર લઈને ભાષાની ઉત્પત્તિ સમજાવવા પ્રયત્ન કર્યો છે. એમના મતની, ક્રમશઃ, સમીક્ષા કરીએ. લાત્સારુસ ગાઈગરે (Lazarus Geiger) પોતાના ભાષાની ઉત્પત્તિ વિષેના ગ્રંથોમાં જણાવ્યું છે કે ભાષા આદિમ સ્વરૂપમાં માત્ર પ્રાણીધ્વનિ સમી હતી. પરંતુ એ ધ્વનિની કેટલીક દૃશ્ય અસર નીપજતી હતી. માનવધ્વનિઓ પદાર્થના નિદર્શક હતા, જ્યારે પ્રાણીધ્વનિઓ ભય કે ઈચ્છા જેવી લાગણીઓ જ માત્ર વ્યક્ત કરતા હતા. માનવમાં દર્શનને શ્રવણ સાથે પ્રગાઢ સંબંધ છે. ગાઈગરના મત અનુસાર માનવનો અનુકરણાત્મક ધ્વનિ આસપાસના અન્ય માનવોમાં સમવેદન (sympathetic impression) જગાડતો અને એ યાદ રખાતો. આવા ધ્વનિઓના પુનઃપુનઃ ઉચ્ચારણથી ભાષાની ઉત્પત્તિ થઈ. ધ્વનિ અને જે પદાર્થના એ નિદર્શક છે એ બંને વચ્ચેનો સંબંધ કેવળ યાદૃચ્છિક હતો.૨૭[27]
જર્મન પ્રાણીશાસ્ત્રી ગુસ્ટાફ યાગરે (Gustav Jäger) (ઈ. સ. ૧૮૬૭) નીચેનો સિદ્ધાન્ત રજૂ કર્યો છે. માનવ ભાષાનો ઉદ્ગમ સમજવાને માટે આપણે પ્રાણીઓના ઉદ્ગારોથી આરંભ કરવો જોઈએ. આરંભમાં પ્રાણીઓના ધ્વનિઓની પાછળ કશો હેતુ હોતો નથી; માત્ર અમુક ક્રિયાઓની સાથે અમુક ધ્વનિઓ હમેશાં નજરે પડે છે અથવા તો પ્રાણી પોતાની લાગણીવશ સ્થિતિમાંથી એ ઉદ્ભવતા હોય છે. આ ધ્વનિ પછી આહ્વાન કે સંવનનધ્વનિરૂપે વિકસે છે. એ જ પ્રમાણે એ ચેતવણીના ધ્વનિ (warning cry)નું રૂપ પણ ધારણ કરે છે, જે પોતાની જાતિનાં તેમજ ઈતર જાતિનાં પ્રાણીઓ સમજી શકે છે. આમ પ્રાણીધ્વનિઓનું સ્વરૂપ એક રીતે માનવ સંગીતના જેવું, તો બીજી રીતે માનવ ઉદ્ગારધ્વનિઓ જેવું છે. આદિ માનવ જેમ સમૂહો બાંધીને રહેતો થયો તેમ તેને ભાષાની જરૂર સવિશેષ પડવા લાગી. એમાંથી ધ્વન્યાત્મક ભાષાનો ઉદ્ભવ થયો.૨૮[28] ફ્રીડ્રીશ મ્યુલરે (Friedrich Müller) (ઈ. સ. ૧૮૭૬–૧૮૮૭) એક એવા યુગની કલ્પના કરી છે કે જેમાં માનવજાતિઓ વસતી હતી, પરંતુ કોઈ પ્રજાઓ હજી બંધાઈ નહોતી. એ અવસ્થામાં માણસ પાસે આજના રૂપની ભાષા નહોતી. એની પ્રથમ વાણી પ્રાણીઓના ધ્વનિઓની માફક લાગણીના ઉદ્ગારરૂપની જ માત્ર હતી. પછી માનવ જાતિઓ પૃથ્વીના પટ ઉપર વિસ્તરી અને જુદે જુદે સ્થળે ભિન્ન ભિન્ન જાતિઓ સાથે આવીને એમાંથી પ્રજાનું ઘડતર થયું. તે સમયે સાચી માનવ ભાષાની ઉત્પત્તિ થઈ.૨૯[29]
આઇસલૅન્ડના પ્રોફેસર ઍલેક્ઝાન્ડર યોહોનસને (Alexander Jóhonnesson) ભાષાની ઉત્પત્તિ વિષે ‘Origin of Language’ (ઇ. સ. ૧૯૪૯) એ નામનું એક ન્હાનું પુસ્તક લખ્યું છે. એમાં એણે ભાષાનો ઉદ્ગમ ત્રણ મૂળ(sources)માંથી કલ્પ્યો છે : (૧) આનંદ, દુઃખ, રોષ ઈ૰ લાગણીના સ્વાભાવિક આવિષ્કારના ધ્વનિઓ; (૨) પંખીઓનાં ગાન, પવનના સૂસવાટ, સમુદ્રની ગર્જના, ઈ૰ પ્રકૃતિના ધ્વનિઓનું અનુકરણ; (૩) હાથના હલનચલન સાથે સંગત—જાણે એમની ગતિનું ધ્વન્યાત્મક અનુકરણ હોય એવા— મૌખિક ધ્વનિઓ (sounds produced by speech organs). આ છેલ્લા પ્રતિપાદનમાં એણે સર રિચર્ડ પૅજેટના શારીરિક સંકેતો (gestures) અને મૌખિક ધ્વનિઓ વચ્ચેના આંતર સંબંધના સિદ્ધાન્તનો આધાર લીધો છે. એમને મતે આદિ માનવ અનેક રીતના અભિનય વડે પોતાના મનોગતની અભિવ્યક્તિ કરતો; એ અભિનયની સાથે સાથે અનુરૂપ મૌખિક ધ્વનિઓ પણ સહજ રીતે નીકળતા. ધીરે ધીરે શ્રોત્રગ્રાહ્ય ધ્વનિઓ વક્તવ્ય પ્રગટ કરવા માટે વધારે અનુકૂળ પડવા લાગ્યા, તેથી તેની સાથેના શારીરિક સંકેતોનો ઉપયોગ બંધ પડ્યો. યોહોનસને પછી આ સિદ્ધાન્ત અનુસાર ભારત-યુરોપીય અને હિબ્રૂ ભાષાનાં કેટલાંક રૂપોની ઉત્પત્તિ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે.૩૦[30] સંકેત કે ચેષ્ટાઓમાંથી ધ્વન્યાત્મક ભાષાનો ઉદ્ભવ કેટલાક ભાષાવૈજ્ઞાનિકો સંકેતો કે ચેષ્ટાઓ (gestures)માંથી ધ્વન્યાત્મક ભાષા ઉત્ક્રાન્ત થઈ એમ માને છે. હેર્મન પાઉલે (Hermann Paul) પોતાના ભાષાતત્ત્વ વિષેના શકવર્તી ગ્રંથમાં ભાષાના ઉદ્ગમ સંબંધે નીચે પ્રમાણે વિચારણા કરી છે. જ્યારે ધ્વનિની સાથે અર્થનું સંકલન થાય છે ત્યારે ભાષા નિર્માણ થાય છે. પહેલી ધ્વન્યાત્મક ભાષાનો વિકાસ સંકેતભાષાની સાથોસાથ જ થયો હશે. ધીમે ધીમે સંકેતભાષાના સાહચર્યમાંથી ધ્વનિભાષા મુક્ત બની હશે. આદિમ માનવની સ્થિતિ પ્રથમ ભાષા શીખતા શિશુ કરતાં વધારે કપરી હતી. બંનેને ઈચ્છાનુસાર ધ્વનિઓ કાઢતાં શીખવું પડે છે; પરંતુ બાળકને એનાં મોટેરાંઓ એમાં સહાયકર્તા હોય છે, જ્યારે આદિ માનવને એમાં કોઈની સહાયતા મળતી નથી.
પ્રથમ માનવ ધ્વનિસમૂહો સાહજિક (instinctive) હશે, અને એ આદિ માનવસમૂહની સંઘટના (organization) કેવળ એકસરખી હોવાથી સૌને એ ધ્વનિઓ સમજાયા હશે. એવા માનવસમૂહમાં સમાન ઇન્દ્રિયસંવેદનોથી (sensory impressions) સમાન ધ્વનિઓ ઉત્પન્ન થતા હશે.૩૧[31] ડૉ. પાઉલ વિંગ (Paul Winge) નામના નૉર્વેજિયન મનોવિશ્લેષણશાસ્ત્રીએ પ્રતિપાદિત કરેલો નીચેનો સિદ્ધાન્ત (ઈ. સ. ૧૯૧૮) નૃવંશશાસ્ત્ર અને મનોવિશ્લેષણશાસ્ત્રના પાયા ઉપર મંડાયેલો છે. માનવે પ્રથમ ઇશારાની ભાષા વિકસાવી, જેની સાથે કેટલીક વાર અનુકરણાત્મક ધ્વનિઓ સંકલિત થયેલા હતા. પછી ધીમે ધીમે એમાંથી ધ્વન્યાત્મક ભાષા જ સવિશેષ કાર્યસાધક બની ગઈ. ધ્વનિ સાથે વિચારનું સંકલન કેવી રીતે થયું હશે એનું એક કાલ્પનિક ઉદાહરણ એ આપે છે. માનવને અતિ આદિમ કાળમાં વસન્તમાં કામાવેગનો ઉન્માદ આવતો હશે એમ માનવાને કારણ છે. ત્યારે પ્રાણીકક્ષાથી એનામાં ઊતરી આવેલી સંવનનક્રીડાઓ એ ખેલતો. આવી ક્રીડાઓએ એક વ્યવસ્થિત સંપ્રદાયનું સ્વરૂપ લીધું હશે જેમાં પ્રત્યેક માનવ લાગણીના આવેશમાં આવી જતો, જેનો એ પ્રકારનો પ્રત્યાઘાત એ સમૂહના સર્વ માનવીઓ ઉપર પડતો. એવે સમયે, આવી સમૂહકેલીના નેતાસ્થાને જે મનુષ્ય હોય તેના સંકેતો (gestures) અને ધ્વનિઓનું સમૂહ અનુકરણ કરતો અને એમાંથી વિશિષ્ટ અર્થો ઘટાવતો. આ પ્રમાણે એ સમૂહ દ્વારા એક અતિ પ્રારંભકાળની સંકેત અને ધ્વનિમિશ્રિત ભાષા સરજાઈ હશે.
ડૉ. વિંગનો સિદ્ધાન્ત સંકેત અને ધ્વનિ સાથે અર્થનું સંકલન કેવી રીતે થયું હશે એ સમજવા માટે ઉપયોગી છે. પરંતુ ભાષાના ઉદ્ગમ સંબંધે કેટલાક મૂલગત પ્રશ્નો એનાથી ઊકલતા નથી. પ્રથમ તો, માનવને અર્થયુક્ત છતાં મૂક (વાણીરહિત) સંકેતો શી રીતે પ્રાપ્ત થયા? વળી, વાસ્તવિક સ્વરૂપની ભાષાના ઉદ્ગમ વિના, જેમાં પ્રશ્નોત્તર દ્વારા વિચાર અને ભાવનું સંક્રમણ આવશ્યક હોય એવો, સંપ્રદાય શી રીતે સ્થપાય?૩૨[32] યોહોનસન, સર રિચર્ડ પૅજેટ અને દ. મોંતિન્યીએ પ્રાકૃતિક ધ્વનિઓના અનુકરણરૂપે શબ્દમૂળો નીકળવાનો સિદ્ધાન્ત રજૂ કર્યો છે. પ્રત્યેક ભાષામાં અનુકરણાત્મક તત્ત્વ મળી આવે જ છે. કેટલાક સુકુમાર સ્વરો (light vowels) (i જેવા) લઘુતાના નિદર્શક છે (જેમકે, અંગ્રેજી little, ફ્રેન્ચ petit [ઉચ્ચાર ‘પતિ’] ઇ૰ માં), તો કેટલાક પ્રબળ સ્વરો (dark vowels) (o જેવા) વિશાળતાના દ્યોતક છે. શારીરિક સંકેતો અને ધ્વનિઓ વચ્ચેનો સંબંધ હવે સર્વસંમત છે. પરંતુ એ ધ્વનિઓમાંથી કયે ક્રમે ભાષાના મૂળ શબ્દો ઉત્પન્ન થયા હશે એનો નિર્ણય કરવો અશક્ય છે. ૩૩[33]
* * *
ભાષાના ઉદ્ગમ વિષે આટઆટલા ભાષાવૈજ્ઞાનિકોએ ભિન્ન ભિન્ન દૃષ્ટિબિન્દુઓથી આટલી બધી સૂક્ષ્મ વિચારણા કરી છતાં એનો સંતોષકારક ઉકેલ આવી શક્યો નથી. એથી જ આગળની પેઢીના ભાષાવૈજ્ઞાનિકોએ ભાષાના ઉદ્ગમનો પ્રશ્ન પોતાના અધ્યયનક્ષેત્રમાંથી બાકાત રાખ્યો હતો, અને કેવળ ઉપલબ્ધ ભાષાઓની સમીક્ષામાં જ પોતાના અધ્યયનક્ષેત્રને મર્યાદિત બનાવી દીધું હતું. એમણે ભાષાની ઉત્પત્તિના પ્રશ્નને દર્શનશાસ્ત્રનો વિષય ગણ્યો હતો. પારિસના ભાષાવૈજ્ઞાનિક મંડળે (La Société de Linguistique de Paris) લાંબા સમય સુધી ભાષાના ઉદ્ગમ વિષે કોઇ પણ સંશોધનલેખ પોતાની બેઠકોમાં રજૂ કરવો નહીં એવો ઠરાવ કર્યો હતો.૩૪[34]
આજે ફરીથી આ વિષયમાં ગંભીર અન્વેષણ થઇ રહ્યું છે. આજે નૃવંશશાસ્ત્ર દ્વારા આપણને આદિમાનવ અને આદિસમાજ વિષે જે જ્ઞાન ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીને, તેમજ માનસશાસ્ત્રમાં જે અવનવું તાત્ત્વિક (theoretical) અને પ્રાયોગિક (experimental) સંશોધન ચાલી રહ્યું છે તેની સહાયતાથી, ભાષાવૈજ્ઞાનિકોએ ભાષાના ઉદ્ગમની સમસ્યા ઉકેલવાનો ફરી પ્રયત્ન આરંભ્યો છે.
નૃવંશશાસ્ત્રીય સિદ્ધાંત (Anthropological Theory)
ભાષાનો ઉદ્ગમ શોધવામાં ત્રણ વસ્તુઓ પથદર્શક નીવડે—બાલભાષા, આદિમ જાતિઓ(primitive races)ની ભાષા, અને ભાષાનો ઇતિહાસ. ઉત્ક્રાન્તિવાદીઓએ ગર્ભશાસ્ત્ર (embryology) ના અભ્યાસથી દર્શાવ્યું કે માનવજાતિની જે જે સ્વરૂપો દ્વારા ક્રમશ: ઉત્ક્રાન્તિ થઇને આજનું માનવરૂપ સિદ્ધ થયું તે સર્વમાંથી ગર્ભ પોતાના વિકાસકાળ દરમિયાન ત્વરિતપણે પસાર થઈ જાય છે અને અંતિમ માનવ આકૃતિને પામે છે. એ જ પ્રમાણે શિશુ જે રીતે ક્રમે ક્રમે ભાષા પ્રાપ્ત કરે છે એવા જ ક્રમ અને પદ્ધતિએ માનવજાતિએ ભાષા સિદ્ધ કરી હોવી જોઈએ એમ ભાષાવૈજ્ઞાનિકો તર્ક કરે છે. આ સિદ્ધાંતની એક મર્યાદા સમજી લેવી ઘટે. સમજણાં બાળકો પોતાનાં મોટેરાંઓ પાસેથી ભાષાજ્ઞાન મેળવે છે એ પ્રક્રિયા આદિમાનવની ભાષાસિદ્ધિથી જુદા સ્વરૂપની છે. સમજણું બાળક એક સિદ્ધ થયેલી બોલાતી ભાષા મોટેરાંઓના ધ્વનિ અને એ ધ્વનિ વડે વ્યક્ત થતા વિચાર એ બે વચ્ચેના સંબંધની સાંકળ પકડી લઈને એ અર્થવત્તાવાળા ધ્વનિનું અનુકરણ કરીને શીખી જાય છે; એમાં એ નવું સર્જન કરતું નથી.૩૫[35] આદિમ માનવે ભાષા કેવી રીતે પ્રાપ્ત કરી હશે એ જાણવા માટે હજી સમજણું ન થયેલું એવું એક વર્ષની અંદરનું ન્હાનું શિશુ જે નિર્હેતુક ધ્વનિઓ—ગણગણાટ, કૂજન, બડબડાટ૩૬[36] વગેરેમાં—કાઢે છે એનું અવલોકન કરવું જોઈએ. એ ધ્વનિઓ જ સાચા આદિમ નૈસર્ગિક ધ્વનિઓ૩૭[37] છે. આવા ધ્વનિઓમાંથી આદિમ ભાષા ઉદ્ગમ પામી હશે એમ માનવું અયુક્ત નથી. પછી જેમ સમજણું બાળકો અર્થહીન ધ્વનિસમૂહને૩૮[38] અમુક અર્થ આપી શબ્દ બનાવે છે તેમ આદિમ ભાષામાં પણ ક્રમશઃ શબ્દો બન્યા ગયા હશે. આજે જે આદિમ જાતિઓ (primitive races) મળી આવે છે એમની ભાષાના અભ્યાસ ઉપરથી પણ આપણને ભાષાના ઉદ્ગમ વિષે થોડીક કલ્પના આવી શકે. એ ભાષાઓનું સ્વરૂપ સભ્ય (civilized) ભાષાઓ કરતાં આદિમ ભાષાને વિશેષ મળતું આવતું હોવાનો સંભવ છે. માત્ર એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે આજની આદિમ જાતિઓની ભાષા સૈકાઓ થયાં વિકાસ પામતી આવી છે,૩૯[39] એટલે એમનું પ્રાચીન આદિમ ભાષા (primeval language) સાથે સામ્ય આંશિક જ હોઇ શકે.
ભાષાનો ઇતિહાસ એ આદિ ભાષાની વિચારણામાં સૌથી ઉપયોગી સાધન છે. આધુનિક ભાષાઓનું મૂળ શોધતાં શોધતાં પાછળ ચાલીએ અને એમની પ્રાચીન અને પ્રાચીનતર સ્વરૂપો સાથે સરખામણી કરતા જઈએ (અર્વાચીન અંગ્રેજીની પ્રાચીન અંગ્રેજી સાથે અને એની ગૉથિક સાથે, તેમ વર્તમાન ભારતીય ભાષાઓની સંસ્કૃત કે વૈદિક ભાષા સાથે) તો ભાષાવિકાસના કેટલાક ખાસ નિયમો તારવી શકાય, જેને પ્રાગૈતિહાસિક કાળ સુધી લંબાવતાં પ્રાચીન ભાષાના સ્વરૂપની કલ્પના મેળવી શકાય. અર્વાચીન ભારતીય ભાષાઓ કે અંગ્રેજી કરતાં સંસ્કૃત કે ગૉથિકમાં અમુક પ્રકારની ખાસ વિલક્ષણતા હોય તો આદિમ ભાષામાં એ વિશેષતા અતિ ઉત્કટ રૂપે હોવી જોઈએ એમ માનવું અયુક્ત ન ગણાય. આ ત્રણે પદ્ધતિ—શિશુધ્વનિ, અર્વાચીન આદિમ જાતિઓની ભાષા, અને ભાષાનો ઇતિહાસ—વડે પ્રાચીન આદિમ ભાષાના સ્વરૂપનો નિર્ણય કરવા યેસ્પર્સન જેવા કેટલાક ભાષાવૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યો છે, અને નીચે પ્રમાણે નિર્ણયો બાંધ્યા છે. ભાષાઓની ઉત્ક્રાન્તિનો ઇતિહાસ જોતાં એમ જણાય છે કે ઉત્તરોત્તર અઘરાં ધ્વનિમિશ્રણો છોડી દઈને ઉચ્ચારો આપોઆપ સરળ કરવા તરફ સ્પષ્ટ વલણ જણાય છે. પ્રાગાર્ય (Proto-Aryan) ધ્વનિમાલા ઘણી વધારે સંકુલ અને સમૃદ્ધ હતી, જેમાંથી આજે આશ્વાસધ્વનિ (inbreathed sounds)૪૦[40] કે ડચકાર (clicks)૪૧ [41] ઈ૰ જતા રહી માત્ર નિ:શ્વાસધ્વનિઓ (expiration sounds)૪૨[42] અવશિષ્ટ રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓની ભાષામાં ડચકારધ્વનિ (clicks) ખૂબ પ્રમાણમાં છે. આવી જ રીતે પ્રાચીન ગ્રીક, લૅટિન કે વૈદિક ભાષામાં જે સ્વરારોહાત્મક પ્રયત્ન (tone or pitch accent)૪૩[43] હતો તે એમાંથી નીકળેલી અર્વાચીન ભાષાઓમાં લુપ્ત થઈ કેવળ સ્વરાઘાત (stress accent) બાકી રહ્યો છે.૪૪[44] આફ્રિકાની આદિમ ભાષાઓમાં સ્વરારોહ (tone accent) વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આજે પણ સભ્ય ભાષાઓમાં લાગણીના ઉદ્રેકવાળા ઉદ્ગારોમાં અમુક પ્રકારનો સ્વરારોહ જણાય છે. આદિમ વતનીઓ (savages)ના જીવનમાં લાગણીના ઉદ્રેકનો પ્રસંગ વારંવાર આવતો. આદિમ જાતિઓના અભ્યાસીઓ નોંધે છે કે તેઓ જાણે ગીતના લયમાં જ બોલતા હોય એમ લાગે છે. આ ઉપરથી પ્રાચીન આદિમ વાણી ગદ્ય કરતાં ગીતના જેવી વધુ અંશે હશે એવું અનુમાન થાય છે. યેસ્પર્સન૪૫[45] તો એટલે સુધી કહે છે કે પ્રાચીન વાણી સંગીતમય જ હતી; ગીત અને ભાષા વચ્ચેનો ભેદ ત્યારે હજી અસ્તિત્વમાં આવ્યો નહોતો. પ્રાચીન ભાષાઓમાં લાંબા શબ્દો વિપુલ પ્રમાણમાં છે એ ઉપરથી કલ્પના થાય છે કે આદિમ ભાષામાં શબ્દો લાંબા, કષ્ટોચ્ચાર્ય ધ્વનિથી ભરેલા, અને વાચ્ય કરતાં ગેય રૂપના વધારે હશે.
પ્રાચીન ભાષાઓમાં એમાંથી ઉદ્ભવેલી અર્વાચીન ભાષાઓને મુકાબલે રૂપાખ્યાનો ઘણા વિપુલ પ્રમાણમાં હોય છે, અને એમાં એક જ શબ્દ સ્વકીય અર્થ ઉપરાંત કેટલાંક ગૌણ તત્ત્વો દર્શાવવા સમર્થ હોય છે. જેમકે अगच्छत् એ રૂપ ‘જવું’ એ પોતાના સ્વકીય અર્થ ઉપરાંત નજીકનો નહીં એવો ભૂતકાળ (preterite), કર્તરિ પ્રયોગ, કર્તાનો ત્રીજો પુરુષ અને એકવચન વગેરે દર્શાવે છે. ક્રમશઃ આ સંકુલતા ઓછી થાય છે અને શબ્દો પ્રત્યયાદિકના નિયંત્રણમાંથી મુક્ત થઈ જાય છે, અને પ્રત્યયોને સ્થાને સાહાય્યકારક ક્રિયાપદો અને અનુગોનો ઉપયોગ શરૂ થાય છે. પ્રાચીન આદિમ ભાષાઓમાં તો શબ્દ પોતાના અર્થ ઉપરાંત અનેક વિશિષ્ટ સંબંધો સૂચવતો હશે. ક્રિયાપદનાં રૂપમાં સેમિટિક ભાષાઓમાં કર્તાની જાતિ પ્રમાણે રૂપાન્તર થાય છે; અમેરિકન ઇન્ડિયન ભાષાઓમાં એનો કર્મ સાથે અન્વય થાય છે; તો બાસ્ક ભાષામાં જેને ઉદ્દેશવામાં આવે છે એ વ્યક્તિની માનાર્હતા પ્રમાણે એમાં ફેરફાર થાય છે. આ ઉપરથી લાગે છે કે પ્રાચીન આદિમ ભાષામાં એસ્કિમો અને ઉત્તર અમેરિકાના આદિમ વતનીઓની ભાષાની માફક શબ્દ વાક્યની ગરજ સારતો; એ બન્ને વચ્ચે આજની ભાષાઓ જેવી સ્પષ્ટ ભેદરેખા અંકાઈ નહોતી. આદિમ જાતિઓની ભાષાઓમાં પૂર્વગ અનુગાદિકનું બાહુલ્ય (આંડામાનીમાં), બહુવચનરૂપોનું વૈપુલ્ય (આફ્રિકન ભાષાઓમાં), અર્થચ્છાયાના પ્રભેદો દર્શાવતી રૂપસમૃદ્ધિ (સાંથાલી ભાષાઓમાં), વિસ્તૃત ગણયોજના ઑસ્ટ્રેલિયન ભાષાઓમાં), આખ્યાતરૂપોનું અત્યંત પ્રાચુર્ય (બાસ્ક ભાષામાં), ઇ૰ પુષ્કળ સંકુલતા નજરે પડે છે. એમાં શબ્દની અને અન્વયની અનિયમિતતાઓનો પાર નથી હોતો. નિબિડ વનમાં ગીચોગીચ ઊગેલાં વૃક્ષોના જેવી રૂપાખ્યાનોની ઝડી, લાંબા અને દુરુચ્ચાર્ય શબ્દો, કઢંગી અન્વયરચનાથી ભરેલા એ પ્રાચીન ભાષારૂપમાંથી ક્રમશઃ આજની સરલ, ટૂંકાં રૂપોની વ્યવસ્થિત યોજનાવાળી અર્વાચીન ભાષાઓ ઉત્ક્રાન્ત થઈ છે.૪૬[46]
અર્વાચીન આદિમ જાતિઓનો શબ્દકોશ તપાસતાં જણાય છે કે ભાષા આદિકાળમાં પ્રત્યક્ષ અને વિશેષ પદાર્થો માટે શબ્દો યોજે છે; સામાન્ય અમૂર્ત વિચારો માટે શબ્દ યોજવાનું સામર્થ્ય ઘણા લાંબા કાળના વિકાસ પછી જ આવે છે. ઉ. ત. ટાસ્માનિયાના વતનીઓની ભાષામાં પ્રત્યેક જાતના વૃક્ષ માટે એક સ્વતંત્ર નામ છે પણ વૃક્ષ માટેનું સામાન્ય નામ નથી; મેક્સિકન લોકોની ભાષામાં જુદા જુદા પદાર્થો કાપવાની ક્રિયા માટે જુદા જુદા શબ્દો છે, પણ કાપવાની સામાન્ય ક્રિયા માટે એકેય શબ્દ નથી; તો ઝૂલૂઓની ભાષામાં રાતી ગાય, ધોળી ગાય વગેરે માટે ભિન્ન ભિન્ન શબ્દો છે, પણ ‘ગાય,’ માટે સામાન્ય એકેય શબ્દ નથી. મૅલેનેશિયન લોકો ભિન્ન ભિન્ન સંખ્યાવાળા પદાર્થો માટે ભિન્ન ભિન્ન શબ્દો યોજે છે: જેમકે, ‘a buku niu’ (બે નાળિયેર), ‘a buru’ (દસ નાળિયેર), ‘a koro’ (સો નાળિયેર); પણ સ્વતંત્ર સંખ્યાદર્શક શબ્દો એમની ભાષામાં મળતા નથી. આવી જ રીતે પ્રાચીન ગૉથિક કે વૈદિક કવિતામાં એક જ અર્થ વ્યક્ત કરવાને જે ભિન્ન ભિન્ન સમાનાર્થક શબ્દો મળે છે તે મૂળમાં વિશિષ્ટ અર્થચ્છાયાવાળા હશે એમ માનવું પડે છે. અંગ્રેજીમાં ભિન્ન ભિન્ન પ્રાણીઓનો સમૂહ દર્શાવવાને flock, pack, herd, bevy, shoal વગેરે ભિન્ન ભિન્ન સમૂહવાચક શબ્દો વપરાય છે તે મૂળમાં વિશિષ્ટ અર્થદ્યોતક હશે એવું અનુમાન થાય છે. અર્વાચીન ભાષાઓમાં શબ્દોમાં અમૂર્ત વિચાર અને નિશ્ચિતતા પ્રકટ કરવાની શક્તિ છે તો એમાં મૂર્તતા, રંગતત્ત્વ પ્રમાણમાં ઓછાં છે. પ્રાચીન ભાષાઓમાં શબ્દોમાં વધારે મૂર્તતત્ત્વ, સૂચકતા, એક પ્રકારની ચિત્રાત્મકતા હતી, જે ગદ્ય કરતાં કવિતાને વધુ અનુરૂપ હતી. આમ ગદ્યની ભાષા કરતાં કાવ્ય કે પદ્યોચિત ભાષાનો ઉદ્ગમ વહેલો થયેલો કલ્પાય છે. આમ હાલની આદિમ જાતિઓની ભાષા અને ભાષાવિકાસનાં વહેણો તપાસતાં એવો નિર્ણય સ્વાભાવિક લાગે છે કે આદિમ યુવાનો અને યુવતીઓની પ્રેમકેલિના ધ્વનિઓમાં આદિ માનવભાષાનો ઉદ્ગમ થયો. એમાં સ્પષ્ટ અર્થદ્યોતકતા નહોતી, જેમ અર્વાચીન માતાના પોતાના સ્તંનધય શિશુ સાથેના આલાપમાં નથી હોતી તેમ. એનાં કૂજન અને સંગીત આનંદ આપતાં, અને એથી જ એ વાણી પ્રવર્તતી. આમ રમતરૂપે આરંભાયેલી વાણીએ માનવ વાચાયંત્રને વિકસાવ્યું, જે ધીમે ધીમે સંપૂર્ણ બન્યું. વાણીનો આરંભ વિચારથી નહીં પણ ઊર્મિ પ્રેરણા દ્વારા જ થયેલો સંભવે. અને એ વૃત્તિ ક્ષુધાતૃષાની કે જીવન-કલહની ન જ હોય, જેનો હેતુ માત્ર એકાક્ષરી ઉદ્ગારોથી પરિપૂર્ણ થઈ રહે; પણ એ પ્રેમની જ વૃત્તિ હોઈ શકે. પ્રેમી પોતાની પ્રેયસીને મધુર ધ્વનિથી આકર્ષવા રિઝવવા પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે. પ્રેમના પ્રબળ આવેગમાંથી જ ગીત અને આલાપ (song and music)નાં ઝરણો ફૂટે. ગીતના ધ્વનિઓમાંથી ધીમે ધીમે ભાષા ઉત્ક્રાન્ત થાય. આ પ્રમાણે માનવજાતિની સંવનનક્રિયામાંથી ભાષાની ઉત્પત્તિ થઈ એમ યેસ્પર્સન માને છે.૪૭[47] પછી તો અન્ય આનંદદાયક પ્રવૃત્તિઓ પણ ગીત પ્રેરવા લાગી. પક્ષીઓનાં સંગીત કે શિશુનાં કૂજનની માફક આ આદિ આલાપ નિજાનંદથી પ્રેરાયેલો હતો; એમાં અન્યને પોતાનો અમુક વિચાર કે સંવેદન દર્શાવવાનો હેતુ નહોતો. અર્થવ્યક્તિનું તત્ત્વ એમાં પછીથી પ્રવેશ્યું. ધ્વનિની સાથે અર્થનું સંકલન અનેક ભિન્ન ભિન્ન રીતે થયું હશે જે જાણવાનું આજે અશક્યવત્ છે.
કોઈ મનુષ્યના અમુક ધ્વનિઓ લાક્ષણિક હોય, ફરી ફરીને એવા ધ્વનિઓ કાઢવાની એને ટેવ પડી ગઈ હોય, તો એના સહચારીઓ સ્વાભાવિક રીતે જ એ ધ્વનિઓ એના વિશેષનામ તરીકે વાપરે. આમ વિશેષનામો ઘડાયાં પછી એમાંથી કેટલાંક સામાન્ય રીતે પ્રયોજવાં શરૂ થઈ સામાન્ય નામો બન્યાં હોય. આદિમ ભાષામાં અનેકપદઘટિત વાક્યનું અસ્તિત્વ નહીં હોય, એકાદ લાક્ષણિક શબ્દ૪૮[48] વાક્યની ગરજ સારતો હશે. અકસ્માત્ ઉચ્ચારાયેલા ધ્વનિઓ વારંવાર૪૯[49] પ્રયુક્ત થતાં સર્વને ગ્રાહ્ય જણાતાં શબ્દરૂપ બની ગયા હશે. ધ્વનિઓના દ્વિર્ભાવથી (બેવડાવવાથી), લંબાવવાથી, આરોહ-અવરોહથી ભિન્ન ભિન્ન અર્થ વ્યક્ત કરતા શબ્દો બન્યા હશે. અનુકરણાત્મક શબ્દો (onomatopoeia)થી એમાં સારી પેઠે વૃદ્ધિ થઈ હશે. પછી સર્વને ગ્રાહ્ય થયેલા શબ્દો, બેશક મૂળ શબ્દભંડોળમાંથી શોધિતવર્ધિત કરેલા, ઉમેરાયા હશે. આવા શબ્દો ને વાક્યબીજોમાંથી વિકાસ પામીને વધુ વ્યવસ્થિત, શુદ્ધ અને બલિષ્ઠ રૂપો સિદ્ધ કરતાં કરતાં ભાષાની ઉત્ક્રાન્તિ થઈ હશે. નૃવંશશાસ્ત્રના પાયા ઉપર મંડાયેલા યેસ્પર્સનના સિદ્ધાન્તથી પણ ભાષાવૈજ્ઞાનિકોનું મન માન્યું નથી. અન્ય પ્રતિપાદનો કરતાં એમાં અનેક ભિન્ન ભિન્ન ભાષાસ્વરૂપોનું ઊંડું જ્ઞાન અને સર્વગ્રાહી અવલોકન હોવા છતાં એમાં કેટલીક ત્રુટીઓ રહેલી છે.
ઉદાહરણ તરીકે, ગ્રાસ દ લાગુના (Grace de Laguna) યેસ્પર્સનના સિદ્ધાન્તની સમીક્ષા કરતાં જણાવે છે કે એમાં પૂરતી શાસ્ત્રીયતા નથી. યેસ્પર્સને આલેખેલું આદિ માનવીના સુખસભર જીવનનું ચિત્ર અવાસ્તવિક રેખાઓથી અંકિત થયેલું છે. ઉપરાંત, વ્યક્તિવાચક નામોથી ભાષાનું પ્રારંભિક પુદ્ગલ બંધાય એ બહુ સંભવિત લાગતું નથી. વળી, બાલભાષાના વિકાસક્રમનું સાદૃશ્ય પણ ક્યારેક ભ્રામક નીકળવા સંભવ છે; કારણ કે બાળકને આસપાસની વ્યક્તિઓ પાસેથી ભાષા શીખવાની સુવિધા છે, જેનો આદિમ મનુષ્ય માટે લેશમાત્ર સંભવ નથી.૫૦[50] મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત (Psychological Theory.) ભાષાના ઉદ્ગમ સંબંધે નૃવંશશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની સહાયતાથી, પરંતુ પ્રમુખતયા મનોવિજ્ઞાનને આધારે કેટલાક સમર્થ ભાષાતત્ત્વવિદોએ મીમાંસા કરી છે, એનું અહીં સંક્ષેપમાં અવલોકન કરીએ. પ્રથમ, મહાન ફ્રેન્ચ ભાષાવિદ્ વાઁદ્રેના મતની સમીક્ષા કરીએ. વાઁદ્રેના મત પ્રમાણે ભાષાના ઉદ્ગમનો પ્રશ્ન તત્ત્વતઃ ભાષાવિજ્ઞાનના ક્ષેત્રની બહાર ગણવો ઘટે છે. એક જ ભાષાનો ઉદ્ગમ શોધવો એમાં અને સમગ્ર માનવજાતિની સર્વ ભાષાઓના મૂળની—આદિમ ભાષાની–શોધ કરવી તેમાં ઘણો ફરક છે. આદિમ ભાષાના ઉદ્ગમનો પ્રશ્ન વસ્તુતઃ માનવની અને સમાજની ઉત્પત્તિના પ્રશ્ન સાથે સંકળાયેલો છે. એ આદિમ માનવઇતિહાસનો એક વિભાગ છે. જેમ જેમ માનવના મગજનો વિકાસ થતો ગયો અને જેમ જેમ માનવ સમાજ બંધાતો ગયો, તેમ તેમ માનવભાષા પણ ઘડાતી ગઈ. એનું આદિમ સ્વરૂપ કેવું હશે એનો નિર્ણય કરવો અશક્ય છે; પરંતુ એની ઉત્ક્રાન્તિમાં કયાં સામાજિક અને મનોવૈજ્ઞાનિક બળો કારણભૂત થયાં હશે એની કલ્પના કરી શકાય તેમ છે.
માનવભાષાનું સ્વરૂપ કેટલેક અંશે ‘પ્રાણીભાષા’ને મળતું આવે છે, જો કે ‘પ્રાણીભાષા’ કરતાં એની કક્ષા ઘણી ઊંચી છે. પ્રાણીઓ કાંઈ વાક્યપ્રયોગ કરી શકતાં નથી. એમના રવમાં એ કદી પરિવર્તન કરી શકતાં નથી; જ્યારે માનવ પોતાની ભાષામાં શબ્દોનાં અનેક પરિવર્તનો કરી શકે છે. પ્રાણીધ્વનિ એ માત્ર સાહજિક રવ (cry) હોય કે પછી સંકેત (signal) રૂપનો હોય તોપણ એની કશી સ્વતંત્ર વસ્તુગત (objective) અર્થવત્તા (value) નથી. પ્રાણીધ્વનિની પાછળ પરસ્પરના સંપર્કથી ઉદ્ભવેલી કોઈ અર્થસંકેતની પરંપરા નથી, તેથી એમાં કદાપિ પરિવર્તન કે વિકાસ થવાની શક્યતા નથી.૫૧[51] આદિ માનવનું મગજ આપણા કરતાં ભાષાવ્યવહાર માટે ઓછું સમર્થ હતું એમાં શંકા નથી.પર[52] આદિમ યુગમાં માનવવાણી કેવળ લાગણીના ઉદ્ગારમય હશે. પ્રાણીની વેદનાની કે ભયની ચીસની માફક, કે એની હર્ષની કે ભૂખની બૂમની માફક, માનવ ભાષાનો ઉદ્ગમ થયો હોય; અથવા તો, નૃત્યમાં કે કૂચ કરતાં કદમ મિલાવતી વખતે, કે હાથથી એકધારું કામ કરતી વેળા સાદા ગુંજન (chant) રૂપે એનો ઉદ્ભવ થયો હોય. પછી એ બૂમ કે ચિત્કાર કે ગુંજને સાંકેતિક અર્થ ગ્રહણ કરી લીધો હશે અને વખત જતાં બીજાઓ પણ એ પ્રકારનો અર્થ વ્યક્ત કરવા માટે ઈચ્છાનુસાર એ ધ્વનિઓ કાઢવા સમર્થ બન્યા હશે. માનવે આ ધ્વનિનો ઉપયોગ પોતાના સાથીઓ સાથે અનુભવના વિનિમય માટે કે એમનામાં અમુક પ્રકારની ક્રિયાઓ પ્રેરવાને માટે કર્યો હશે.૫૩[53]
આદિ માનવ સમાજની સમાજવ્યવસ્થાના નિયમાનુસાર ભાષા પણ સ્થિર (fixed) થઈ ગઈ હશે. સામૂહિક વિધિઓમાં એક મુખ્ય વ્યક્તિની સાથેસાથે, અથવા એના ગીતમાં અંતરે અંતરે ધ્રુવપંક્તિઓના સમૂહગાન (‘કોરસ’– chorus) રૂપે એકસરખા ધ્વનિઓ કાઢવાનું આવશ્યક બન્યું હશે. આ રીતે કોઈ રવ કે સંગીતના ધ્વનિઓને સાંકેતિક અર્થ (symbolic value) પ્રાપ્ત થયો, જેનો સૌ સભ્યો ઉપયોગ કરી શકતા હતા. ધ્વનિઓને આમ જે સાંકેતિક અર્થો પ્રાપ્ત થયા એ પરંપરાગત હતા, સ્વરૂપગત કે પ્રકૃતિજન્ય નહોતા.૫૪[54] આવી કોઈક રીતે આદિમ સૃષ્ટિને ઉષઃકાળે માનવે વાણી સિદ્ધ કરી હશે એવી કલ્પના થઈ શકે છે. અહીં માત્ર એટલું યાદ રાખવું આવશ્યક છે કે ભાષાવિજ્ઞાનનાં અનેક સંશોધનો છતાં આદિમ પ્રાણી-સદૃશ ધ્વનિઓ અને માનવભાષાના પ્રાચીનતમ સ્વરૂપ વચ્ચે એક અતિ વિશાળ અંતર રહેલું છે.૫૫[55] હંગેરિયન-ડચ માનસશાસ્ત્રી જી. રેવેત્સે (G. Révész) પોતાના ‘The Origins and Prehistory of Language’ એ ગ્રંથમાં ભાષાના ઉદ્ગમ સંબંધેના અન્ય મતોની સમીક્ષા કરી પોતાનો ‘સંપર્કનો સિદ્ધાન્ત’ (Theory of Contact) નીચે પ્રમાણે પ્રતિપાદિત કર્યો છે. સંપર્કના બે પ્રકાર છે : પ્રાથમિક સંપર્ક, જેનો ઉદ્દેશ માત્ર લક્ષ્યરૂપ વ્યક્તિની પાસે પહોંચવાનો હોય છે (જેમકે, સંવનનધ્વનિ);૫૬[56] અને સાર્વત્રિક સંપર્ક, જેમાં સર્વ પ્રકારની સંગતિ (associations)—વિચારસંક્રમણ સુદ્ધાં—સમાવિષ્ટ થાય .(ઉ. ત. ચેતવણીનો રવ). પ્રાણીઓના ધ્વનિઓમાં બે પ્રકાર સ્પષ્ટપણે નજરે પડશે. એમાંનો એક છે પ્રાણીનો સાહજિક રવ (cry), જે સાહજિક (instinctive) છે, અશબ્દ (inarticulate) છે, અને અમુક ઈચ્છાની તૃપ્તિ અર્થે છે. બીજો છે આહ્વાનધ્વનિ. એ પણ સાહજિક અને અશબ્દ છે, પરંતુ એનો હેતુ જુદો છે. એ અમુક વિશિષ્ટ વ્યક્તિ પ્રત્યે ઉદ્દેશાયેલો હોય છે, અને એને અમુક અશબ્દ સંકેત આપવાનો એનો હેતુ હોય છે. સાહજિક રવ સાહજિક પ્રેરણામાંથી ઉદ્ભવે છે, જ્યારે આહ્વાનધ્વનિનું મૂળ વ્યક્તિગત અનુભવ છે.૫૭[57] પ્રાણીના સાહજિક રવ અને આહ્વાન વચ્ચે પ્રથમ દૃષ્ટિએ બહુ ફરક જણાતો નથી છતાં તાત્ત્વિક રીતે બંને વચ્ચે મૂલગત ભેદ રહેલો છે. સાહજિક રવ માત્ર પરિસ્થિતિથી ઉદ્ભવે છે, જ્યારે આહ્વાનધ્વનિ સ્પષ્ટપણે વિશિષ્ટ વ્યક્તિઓને જ ઉદ્દેશાયેલો હોય છે. એનું સ્વરૂપ આમ સંબોધન જેવું હોય છે. એ ઉપરાંત આહ્વાનધ્વનિનું સ્વરૂપ ઉત્કટપણે ભાષાના આજ્ઞાર્થતત્ત્વ જેવું હોય છે.૫૮[58] બ્રેઆલ વગેરે ભાષાવિદોએ દર્શાવ્યું છે તેમ આજ્ઞાર્થ તત્ત્વ ભાષામાં અતિ પ્રાચીન છે. એમાં બહુધા એક શબ્દનાં વાક્યો બનેલાં હોય છે, અને એ શબ્દ પણ ભાષાના ટૂંકામાં ટૂંકા મૂળરૂપનો બનેલો હોય છે. આ આજ્ઞાર્થ-રૂપોની સાથે સંબોધનરૂપો (vocative forms) આવ્યાં, અને પછી આજ્ઞાર્થ ઘસાઈને વિધ્યર્થ બન્યો. નિશ્ચયાર્થની ઉત્પત્તિ છેલ્લે થઈ.૫૯[59] આ રીતે પ્રાણીકક્ષાના આહ્વાન-ધ્વનિઓમાંથી માનવ ભાષા નીકળવાની કલ્પના થઈ શકે છે.
ભાષાનો ઉદ્ભવ કેવળ આંતરિક જરૂરિયાત (inner neccesity) માંથી જ થયો નહીં હોય. એટલું જ માત્ર જો ભાષાની ઉત્પત્તિનું કારણ હોત તો ઈતર પ્રાણીઓમાં પણ ભાષાના ઉદ્ભવનો સંભવ હતો. માનવની વિશિષ્ટ મનોવૃત્તિઓ, ખાસ કરીને ઉત્કટ સર્જનશીલતા, એ ભાષાના ઉદ્ભવમાં એક મહત્ત્વનું પ્રેરક બળ છે. રેવેત્સની વિચારણા બહુધા માનસશાસ્ત્ર ઉપર જ અવલંબેલી છે. ભાષાના ઉદ્ગમનાં વાસ્તવિક કારણોની સમીક્ષા એમાં પ્રાપ્ત થતી નથી.૬૦[60]
ગ્રાસ દ લાગુનાએ (Grace de Laguna) ભાષાના ઉદ્ગમ વિશે નીચેનો મહત્ત્વનો સિદ્ધાન્ત સ્થાપિત કર્યો છે. ભાષા એ એક એવું માધ્યમ છે કે જેના વડે સમૂહમાં રહેતો માનવ પરસ્પર સહકાર સાધવા સમર્થ બન્યો છે. પ્રાણીઓનો રવ કેવળ લાગણીની અભિવ્યક્તિમાં સમાપ્ત થતો નથી; એ જુદી જુદી વ્યક્તિઓમાં અમુક રીતે વર્તન પ્રેરે છે અને એ વર્તનનું નિયમન પણ કરે છે. માનવ ભાષા ઘણી રીતે પ્રાણીધ્વનિની સમાન છે; એ કેવળ બોલનારના ભાવ કે લાગણીમાં પરિબદ્ધ નથી. માનવ ભાષાની ઉત્પત્તિના સંયોગો કેટલેક અંશે આવા હશે. માનવ વૃક્ષો ઉપરથી ઊતરીને જમીન ઉપર નિવાસ કરીને રહેતો થયો ત્યારે એના પગ એના હાથ કરતાં લાંબા બન્યા, એની ગતિ ઊભી ટટાર બની, અને એનું મુખ સામે આગળ જોઈ શકતું થયું. વૃક્ષો ઉપરથી ઊતરીને જમીન ઉપર નિવાસ કરવાનું કારણ અતિશય ઠંડી કે દુષ્કાળાદિને કારણે વૃક્ષોનો નાશ એ જ હોઈ શકે. આ નવીન પરિસ્થિતિમાં માનવે બે લાક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી—એક, ભાષા; અને બીજી તે ઓજારો (implements). ભાષા ઓજારો સાથે સંકળાયેલી છે. આ નવીન પરિસ્થિતિમાં વધારે ને વધારે સંકુલ સંયોગો માનવ સામે ઉપસ્થિત થતા ગયા, જેનો સામનો કરવાને પ્રાણીઓના જેવી સાદી સાહજિક ક્રિયાઓ અપૂરતી હતી. આ સંયોગોમાં માનવે પોતાનો જે સર્વતોમુખ વિકાસ સાધ્યો તેનો એક અંશ તે પ્રાણીધ્વનિમાંથી માનવભાષાની ઉત્ક્રાન્તિ. ઝાડ ઉપર આદિ માનવસમૂહ વસતો હશે ત્યારે બહુધા પોતાનું સંરક્ષણ કરવાનો પ્રશ્ન જ એને હલ કરવાનો રહેતો. આવા સાદા, સંરક્ષણાત્મક (defensive) સમૂહજીવનમાં ભાષાની જરૂર નહીં જણાઈ હોય. જમીન ઉપર વસવાટ કરતા આદિ માનવના જીવનમાં શિકારનું સ્થાન ઘણું મહત્ત્વનું હશે. શિકાર માટે સમૂહની વ્યક્તિઓ વચ્ચે અત્યંત સહકારની આવશ્યકતા રહે. મનુષ્ય પ્રકૃતિએ કાંઈ શિકારી પ્રાણી નથી. પ્રકૃતિએ એને શિકાર માટે કોઇ વિશિષ્ટ શક્તિ આપી નથી, તેથી એને જાતજાતની તરકીબો લડાવવી પડી હશે, અને વ્યૂહો (strategy) ગોઠવવા પડ્યા હશે. એમાં શ્રમસંવિભાજન (division of labour) આવશ્યક બન્યું હશે. એ માટે, તેમજ સમૂહને માટે આશ્રયસ્થાન તૈયાર કરવા માટે, બચ્ચાંઓનું રક્ષણ કરવા માટે, તેમ અન્યાન્ય હેતુઓ માટે, ભાષાની જરૂર પડી હશે.૬૧[61] ઉપરની સર્વ વિચારણાના નિષ્કર્ષનો ઉપયોગ કરીને સ્તુર્તવાઁએ ભાષાના ઉદ્ગમ સંબંધે નીચે પ્રમાણે પ્રતિપાદન રજૂ કર્યું છે.૬૨[62] ભાષાનો ઉપલબ્ધ ઇતિહાસ, તેમજ તુલનાત્મક પદ્ધતિએ એના પ્રાગૈતિહાસિક આદિમ સ્વરૂપનું રેખાંકન પણ વસ્તુતઃ તો ભાષાના વિકાસના બહુજ થોડા અંશને, અને વિશેષતઃ અંતિમ કક્ષાને જ સ્પર્શે છે. ભાષાનું ગમે તેટલું પ્રાચીન સ્વરૂપ ભાષાશાસ્ત્રી તપાસે તોપણ એને અત્યંત વિકસિત ભાષાસ્વરૂપ જ સાંપડવાનું. એમાં કશું આદિમ તત્ત્વ હશે નહીં.૬૩[63]
એ જ પ્રકારે ભાષાઓના તુલનાત્મક અભ્યાસથી પણ આદિમ ભાષાનું સ્વરૂપ સમજાવાનું નહીં. આમ બંને પ્રકારનો અભ્યાસ ભાષાના છેક પ્રાથમિક, આદિમ સ્વરૂપની કલ્પના આપવામાં અસફળ નીવડે છે. એ જ રીતે અસંસ્કૃત જાતિઓ કે આદિવાસીઓની ભાષા પણ ભાષાની ઉત્પત્તિ ઉપર પ્રકાશ ફેંકી શકતી નથી, કારણ કે અસંસ્કૃત જાતિઓની ભાષાઓમાં પણ કાળક્રમે પુષ્કળ પરિવર્તન કે વિકાસ થયો હોવાની પૂરેપૂરી શક્યતા છે. બાળકોની ભાષાનું અધ્યયન પણ આ બાબતમાં આપણને ઉપયોગી થશે નહીં, કારણ કે બાળકો એમની આસપાસ બોલાતી ભાષાનું અનુકરણ કરે છે. આ સંદર્ભમાં એટલું યાદ રાખવું ઘટે છે કે માનવ ચેષ્ટાઓ, નૃત્ય, અને સંગીતનો જે મન:સ્થિતિમાંથી ઉદ્ગમ છે તેમાંથી જ ભાષા ઉદ્ભવી છે. એથી એ ચારેય પ્રવૃત્તિઓની તુલના ભાષાના ઉદ્ગમના અધ્યયનમાં ઉપયોગી નીવડે છે. પરંતુ એથીયે વિશેષ ઉપયોગી તો છે પ્રાણીઓની પોતાની લાગણીઓ કે ઈચ્છાઓ વ્યક્ત કરવાની રીતિની (communicative behaviourની) માનવભાષા સાથે સરખામણી. પ્રાણીઓના ધ્વનિઓ અને માનવ વાણી વચ્ચે જે ઉઘાડું સામ્યવૈષમ્ય નજરે પડે છે તેની નીચે અછડતી ચર્ચા કરી છે. પ્રથમ તો માનવ વાણીમાં અપરિમિત વૈવિધ્ય કે પરિવર્તનશીલતા (variability) છે, જ્યારે પ્રાણીઓના રવ સદૈવ એકસરખા અપરિવર્ત્ય (invariable) હોય છે. પરસ્પરથી ભિન્ન એવી માનવ ભાષાની સંખ્યા નહીં નહીં તો સહેજે બે હજારથી ઉપર હશે. ઈટાલી જેવા દેશોમાં જ્યાં પહેલાં કેટલીયે ભિન્ન ભિન્ન ભાષાઓ બોલાતી હતી ત્યાં આજે મુખ્યત્વે એક જ ઈટાલિયન ભાષાની જુદી જુદી બોલીઓ બોલાય છે. એ પ્રમાણે સાઈબીરિયામાં રશિયન ભાષાએ બીજી ભાષાઓને હઠાવી દીધી છે, અને અમેરિકાનાં લૅટિન રાજ્યોમાં સ્પૅનિશ અને પોર્ટુગીઝ ભાષાએ, અને યુનાઈટેડ સ્ટેટ્સમાં અંગ્રેજીએ આદિમ ભાષાઓને ધીમે ધીમે હાંકી કાઢી છે. આવું સ્થળેસ્થળે બન્યું હશે. આમ પ્રાચીન કાળમાં તો ભાષાઓની સંખ્યા આજના કરતાં પણ ઘણી વધારે હશે. ઉપરાંત, પ્રત્યેક માણસ પોતાની ભાષાનો ઉપયોગ કરે છે તેમાં પણ જુદે જુદે સમયે ઘણું વૈવિધ્ય નજરે પડે છે. અમુક પરિસ્થિતિમાં માણસ શું બોલશે એ કદીએ અગાઉથી કલ્પી શકાતું નથી. એથી ઊલટું પ્રાણીઓની સમસ્ત જાતિના ધ્વનિઓ એકસરખા હોય છે. એક જાતિનાં જુદાં જુદાં પ્રાણીઓના ધ્વનિઓમાં, એમનો ઉછેર જુદે જુદે સ્થળે થયો હોય તોપણ, ખાસ ફરક પડતો નથી. એના અવાજ ઉપરથી આપણે કોઈપણ પ્રાણીને તરત ઓળખી કાઢી શકીએ છીએ. પ્રાચીન સાહિત્યમાં પ્રાણીઓના અવાજોના જે ઉલ્લેખો મળે છે એ ઉપરથી લાગે છે કે પ્રાચીન કાળથી અત્યારસુધીમાં પ્રાણીઓના ધ્વનિઓમાં કશો જ ફરક પડ્યો નથી. સામાન્ય રીતે પ્રાણીઓ સહજ રીતે એકબીજાનું અનુકરણ કરી શકતાં નથી. વાંદરાઓમાં અનુકરણશક્તિ વિશેષ જણાઈ છે, તોપણ, વાંદરાઓ પણ બીજા પ્રાણીઓના ધ્વનિઓનું અનુકરણ કરી શકતા નથી. મેનાપોપટ જેવાં પંખીઓ માનવ અવાજનું અનુકરણ કરીને માનવ જેવા ધ્વનિઓ કાઢી શકે છે. તે પણ સામાન્યમાં સામાન્ય કોટિના માનવીની સરખામણીમાં અત્યંત અલ્પાલ્પ શબ્દો જ બોલી શકે છે, અને તે શબ્દોને અમુક અર્થો હોઈ શકે એનું એમને મુદ્દલ ભાન હોતું નથી. છૂટથી માનવવાણી ઉચ્ચારતા પોપટની સાથે આપણે વાર્તાલાપ ચલાવવો તે શક્ય જ નથી. અમુક પરિસ્થિતિમાં માનવ શું બોલશે એ કદીએ કલ્પી શકાતું નથી, જ્યારે પ્રાણી અમુક પરિસ્થિતિમાં શો અવાજ કાઢશે એ લગભગ નિશ્ચિતપણે જાણી શકાય છે. જેમકે, ગાય વાછરડાને બોલાવવાને ભાંભરી રહી છે, કે કૂતરો અજાણ્યા માણસને જોઈને ભસી રહ્યો છે, એનો આપણને તરત જ ખ્યાલ આવી જાય છે. આ ઉપરથી અનુમાન થાય છે કે પ્રાણીઓ પરિસ્થિતિનું બાહ્ય, સામાન્ય સ્વરૂપ જ પોતાના ધ્વનિઓ વડે વ્યક્ત કરી શકે છે. ઉપરાંત, પ્રાણીઓના ધ્વનિઓ બહુધા તદ્દન સાદા હોય છે. પશુપંખીઓના રવ એક જ ધ્વનિમાં આરંભાઈને સમાપ્ત થાય છે. એ ધ્વનિમાં વચ્ચે પલટો ભાગ્યે જ આવે છે. પ્રાણીઓના ધ્વનિઓમાં વચ્ચે વૈવિધ્ય કે પલટો નહીં હોવાથી એ ધ્વનિઓથી ભાષાના જેવી ભિન્ન ભિન્ન અંગોના સંયોગથી બનેલી સંઘટના બંધાતી નથી. આ પ્રાણીધ્વનિઓ માનવ ભાષાનાં કેવળપ્રયોગી અવ્યયોને મળતા આવે છે. બંનેમાં સૂર (pitch) અને ઘાંટા(loudness)ના પ્રમાણમાં અત્યંત પરિવર્ત્યતા (variation) હોય છે. બંને પ્રકારના ધ્વનિઓનું શાસ્ત્રીય વિશ્લેષણ કરવું દુષ્કર છે. વિવિધ પ્રાણીધ્વનિઓથી શા શા અર્થ વ્યક્ત થાય છે એ સંબંધે તો માત્ર કલ્પના જ કરવાની રહે છે. તોપણ સામાન્ય રીતે અમુક પ્રાણીના અમુક પ્રકારના વિશિષ્ટ ધ્વનિ એ પ્રાણીના અમુક ધર્મ કે લાગણી સાથે હમેશાં સંકળાયેલા માલમ પડ્યા છે. પ્રાણીઓના કેટલાક ધ્વનિઓ રોષ કે ભયના સૂચક હોય છે, તો કેટલાક સંવનન ધ્વનિઓ (mating calls) હોય છે. એ ધ્વનિઓથી એ પ્રાણીની તે પરિસ્થિતિ કે લાગણી એ જાતિનાં અન્ય પ્રાણીઓને જણાઈ જાય છે, જો કે આ પ્રકારની અભિવ્યક્તિ(expression)નો ઉદ્દેશ ધ્વનિ કાઢતી વેળાએ પ્રાણીનો હોતો નથી. એ ધ્વનિઓ તે તે પરિસ્થિતિમાં એનાથી સહજ જ નીકળી જાય છે. એથી પ્રાણીના ધ્વનિઓ લાગણીનું પ્રકટીકરણ કરે છે એટલું જ માત્ર અનુમાન કરી શકાય. ઉપરાંત પ્રાણીઓના કેટલાક ધ્વનિઓ આજ્ઞાસૂચક (imperative) હોય એવી કલ્પના કરી શકાય છે. ઘેટાંના ટોળાંને વ્યવસ્થિત રાખવાને કૂતરાનું ભસવું, કે ગાયનું વાછરડાને બોલાવવાને ભાંભરવું, કે ભૂખી બિલાડીનું મંદ મંદ ઘુરકવું—આ સર્વ ધ્વનિઓનું સ્વરૂપ માનવ આજ્ઞાઓથી ખાસ નિરાળું નથી. પ્રાણીધ્વનિઓનું પ્રેરક તત્ત્વ પરિસ્થિતિ (કે વ્યક્તિ) નું જ્ઞાન (recognition) હોય છે. પ્રાણી ભક્ષ્ય જુવે, કે ભય ઓળખે, કે વિજાતીય વ્યક્તિને નિહાળે ત્યારે એના જ્ઞાનથી પ્રેરાઈને તે તે પરિસ્થિતિના સૂચક વિશિષ્ટ ધ્વનિઓ કાઢે છે. એથી પ્રાણીનો અવાજ પરિસ્થિતિ(કે વ્યક્તિ)ના જ્ઞાનનો નિદર્શક છે એમ કહી શકાય. માનવમાં લાગણીવશ સ્થિતિમાં અમુક ધ્વનિઓ નીકળવામાં આવું જ જ્ઞાન કારણભૂત હોય છે. જેમકે કાંઈક કરુણ દૃશ્ય જોતાં ચ્ચ଼ ચ્ચ଼ (અંદર શ્વાસ ખેંચાઈને નીકળતા આશ્વાસધ્વનિ) ઉદ્ગાર સહજ જ નીકળી જાય છે. તેમ આસપાસ બહુ અવાજ થતો હોય ત્યારે એ બંધ કરવાને આપણાથી આપોઆપ શ્શ଼ ઉદ્ગાર થઈ જાય છે. આ પ્રકારના આપણા ધ્વનિઓમાં પરિસ્થિતિનું ભાન અને લાગણીઓ સંમિશ્ર હોય છે. પણ આપણે લાગણી વિના પણ કેવળ પરિસ્થિતિનું જ્ઞાન ભાષા દ્વારા વ્યક્ત કરી શકીયે છીએ, જે પ્રાણીઓ માટે અશક્ય છે. આમ પ્રાણીઓના અવાજ લાગણી (emotions), સામાન્ય રૂપે, વ્યક્ત કરે છે. એમાં ભૂખ અને તરસ જેવી આકાંક્ષાઓ (desires) તેમજ ભયની લાગણીનો સમાવેશ થાય છે. જે પરિસ્થિતિમાં પ્રાણીઓ આવી લાગણીઓનો અનુભવ કરે છે તે પરિસ્થિતિમાં માનવ બહુધા આજ્ઞાસૂચક ભાષા(imperative)નો ઉપયોગ કરે. તો આપણે એમ કહી શકીએ કે પ્રાણીઓના ધ્વનિઓ પણ આજ્ઞા કે વિનંતિ રૂપના હોઈ શકે. પ્રાણીને થયેલું પરિસ્થિતિનું જ્ઞાન (recognition) એ ધ્વનિઓનું પ્રવર્તક કારણ હોઈ શકે. પ્રાણીના ધ્વનિઓ માત્ર આટલું જ વ્યક્ત કરી શકે છે. એ સિવાયની સમગ્ર અભિવ્યક્તિ (expression) માટે કેવળ માનવ વાણી જ સમર્થ છે. જો આપણે પ્રાણીઓના ધ્વનિઓને પ્રારંભબિન્દુ તરીકે ગણીને આગળ ચાલીએ અને એના સમાન સ્વરૂપના આદિ માનવધ્વનિઓમાંથી ભાષા ઉત્પન્ન થઈ એમ ગણીએ તો આપણી સમક્ષ જાતજાતના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એકસૂરીલા પ્રાણીધ્વનિઓમાંથી માનવ ભાષાઓનાં અતિ વૈવિધ્યભર્યાં, વ્યવસ્થિત સમૃદ્ધ ધ્વનિસંયોજનો શી રીતે પ્રગટ થયાં? ઘણાંખરાં ભાષાસ્વરૂપોમાં શબ્દના અર્થ યાદૃચ્છિક રીતે (arbitrarily) કેમ બંધાય છે? પ્રારંભકાળના સાદા કે જરાકમાત્ર વૈવિધ્યવાળા ધ્વનિઓમાંથી ભાષાતંત્ર કેવી રીતે ઘડાયું હશે? સામાન્ય રીતે એમ કહી શકાય કે જ્યારે પ્રાકૃતિક લાગણીના સહજ ઉદ્ગારોને માનવે બુદ્ધિપૂર્વક વિચાર કે ભાવના સંક્રમણ (communication) માટે યોજ્યા હશે ત્યારે ભાષાતંત્રનો ઉદ્ભવ થયો હશે.૬૪[64] પ્રાણીઓના લાગણી, ઇચ્છા કે પરિસ્થિતિ વ્યક્ત કરતા ધ્વનિઓ અને માનવ ભાષા વચ્ચે વિશાળ અંતર રહેલું છે. એ બે વચ્ચેની ખૂટતી કડીઓ હજી મળી શકી નથી. જ્યારે માનવીએ પ્રથમ પોતે શોધેલાં પાસેના ફળવૃક્ષ તરફ જવાનો અભિનય કરીને પોતાનાં સ્વજનને એ તરફ સહજ રીતે વાળ્યાં હશે, કે પોતાની સ્ત્રી પાસે ધારી વસ્તુ કરાવવાને પુરુષે પોતાને ગુસ્સો ન ઉપજ્યો હોવા છતાં સ્ત્રી સામે મુક્કો ઉગામીને કૃતકકોપ દર્શાવ્યો હશે, ત્યારે પ્રથમ ઇંગિત (= સંજ્ઞાઓની)ભાષાનો અવતાર થયો હશે એમ કલ્પી શકાય.૬૫[65] બધી સાચી લાગણીઓ કે હેતુઓ તો સહજ જ ધ્વનિ, ચેષ્ટા ઈત્યાદિ રૂપે આવિષ્કાર પામે છે. તેથી જ્યાં એવાં પ્રવર્તક કારણો વિના, સાહજિક રીતે નહીં પરંતુ ઈચ્છાપૂર્વકના પ્રયત્નથી, ધ્વનિ આદિ સંજ્ઞાઓથી અન્ય પાસે વિચાર કે ભાવ વ્યક્ત કરવામાં આવે ત્યાં એની પાછળનો હેતુ વાચ્ય વ્યક્તિને છેતરવાનો જ હોઈ શકે.૬૬[66] અને એક વાર આમ વિચારસંક્રમણ શક્ય બન્યું એટલે પછી મનુષ્ય અન્ય માનવો પાસે, લાગણીપ્રેરક પ્રસંગ ન હોવા છતાં, લાગણી વ્યક્ત કરતા ધ્વનિઓ વારંવાર અને ઉત્કટપણે કાઢવા પ્રવૃત્ત થયો હશે. એમાં પછી એવા વારંવારના ભાવપ્રકટીકરણની પાછળ અસત્યકથનનો હેતુ નહીં હોય પરંતુ વિચાર કે ભાવસંક્રમણનો જ હેતુ રહ્યો હશે.
જેમ જેમ માનવ ધ્વનિઓ આદિથી લાગણીની અભિવ્યક્તિ ગમે ત્યારે સ્વેચ્છાપૂર્વક કરવા સમર્થ થતો ગયો તેમ તેમ બહિર્જગતનાં દૃશ્યો અને અવાજોનું અનુકરણ કરવાનું પણ શીખતો ગયો. એમ કરવામાં માનવને ખૂબ આનંદ આવતો હશે, આજે જેમ સંગીત નાટક કે કલામાંથી આનંદ આવે છે તેમ. પક્ષીઓના ધ્વનિઓનું અનુકરણ કરીને એ પક્ષીઓને ફાંસલામાં ફસાવતો કે સિંહની ગર્જનાના અનુકરણથી બીજા હિંસક પ્રાણીઓને ભડકાવી ભગાડી મૂકતો. કોઈ વખતે એને સિંહનો ભેટો થઈ જતાં એ ઘવાયો હશે તો એના સાથીઓને એનું કારણ બતાવતાં એણે સિંહની ગર્જનાનું અનુકરણ કર્યું હશે એમ કલ્પી શકાય. અહીં અનુકરણાત્મક ધ્વનિઓની સહાયતાથી માનવે લાગણીના પ્રસંગ વિના પોતાની માહિતી બીજા પાસે વ્યક્ત કરી. એથી એક ડગલું આગળ વધીને માનવ અભિવ્યક્તિના સાદા અંશોનું સંમિશ્રણ કરતાં શીખ્યો હશે. ધારો કે એક શિકારીએ કોઈક સ્થળે ખૂબ પ્રાણીઓ જોયાં. એથી એણે સાથીઓને શિકાર–આહ્વાનના ધ્વનિ વડે બોલાવ્યા. એના સાથીઓના મનમાં વિમાસણ થઇ હશે કે કયા પ્રાણીનો શિકાર કરવાનો હશે, અને એ માટે શાં હથિયાર લેવાં? એટલે પેલા શિકારીએ શિકારના પ્રાણીના અવાજનું અનુકરણ કરી બતાવ્યું. અહીં શિકારનો આહ્વાન–ધ્વનિ અને શિકારના પ્રાણીનો ધ્વનિ બંને મળીને ‘ચાલો એ પ્રાણીનો શિકાર કરો’ એવા ભાવાર્થના વાક્યના જેવું અર્થસંક્રમણ થયું. પછી આ પ્રકારના પ્રાણીધ્વનિઓ તે તે પ્રાણી માટેની સંજ્ઞા બની ગયાં હોય એવો સંભવ છે. વારંવાર હેતુપૂર્વક વિચારસંક્રમણ કરવાની ટેવ પડી ગયા પછી સંજ્ઞા રૂપ ધ્વનિઓ ધીમે ધીમે ટૂંકા (abbreviated) અને સંકેત રૂપ (conventionalized) બનતા ગયા. ઉ. ત. મૂળ ‘બિલાડી’ને માટે *mi-ãu-u (મિયાઁઉ) શબ્દ ટૂંકાઈને mew જેવો બની ગયો. ક્રમે ક્રમે ઘસાઈ ગયેલા આવા શબ્દરૂપ ધ્વનિસમૂહોનો અર્થ સાથે મૂળ અનુકરણાત્મક ધ્વનિઓ જેવો પ્રત્યક્ષ સ્વાભાવિક સંબંધ ન રહ્યો, પરંતુ કેવળ રૂઢિગત સંકેત રૂપનો સંબંધ રહ્યો. પછી તો બધા પ્રકારની સંજ્ઞાઓના અર્થમાં ઘણું પરિવર્તન થઈ ગયું. કેટલીયે સંજ્ઞાએ નવા અર્થો ગ્રહણ કર્યા. આ નવીન અર્થોના વિકાસથી માનવ ભાષાનું શબ્દભંડોળ ઘણું વધતું ગયું. આની સાથોસાથ બીજું પણ એક પરિવર્તન થયું હશે. પહેલાં કોઈક પ્રાણી વિષે કહેવું હોય તો એની આકૃતિનું ભાન કરાવતી ચેષ્ટાઓથી, કે એની ગતિનું અનુકરણ કરીને, કે એના જેવો અવાજ કાઢી બતાવીને, એનો ખ્યાલ આપી શકાતો. પણ આ સર્વમાં ધ્વનિનું અનુકરણ કરવું વધારે સુગમ અને વિશેષ ઉપયોગી જણાયું, કારણકે અંધારામાં કે વ્યક્તિ જોતી ન હોય તેવી સ્થિતિમાં પણ ધ્વનિ વડે વક્તવ્ય પ્રગટ કરી શકાતું. એથી વિચારસંક્રમણ માટે ઇંગિતો કે ચેષ્ટાઓનો ઉપયોગ ઓછો થતો ગયો, અને ધ્વનિનો ઉપયોગ વધતો ગયો. ભાષાના ઉદ્ગમમાં આ છેલ્લું મહત્ત્વનું સોપાન હતું. એક વખતે વિચારસંક્રમણ પ્રધાનપણે ધ્વન્યાત્મક બન્યું, ધ્વનિઓના અર્થ પરંપરાગત સંકેત અનુસાર નિર્ણીત થયા, અને વક્તવ્યનું અનુકૂળ અંશોમાં વિભાજન કરવાનું શરૂ થયું, એટલે વાસ્તવિક માનવ ભાષાનો આરંભ થઇ ચૂક્યો, જેના પછીના વિકાસનો ઇતિહાસ જગતની ભિન્ન ભિન્ન ભાષાઓએ સાચવ્યો છે.
* * *
આટઆટલા ભાષાવિદોની ઊંડી, માર્મિક ગવેષણા પછીથી પણ ભાષાના ઉદ્ગમના પ્રશ્નનો નિર્ણયાત્મક ઉકેલ આવી શક્યો નથી; છતાં, ભાષાની ઉત્પત્તિનાં પ્રવર્તક બળોનું આકલન થઈ શક્યું છે, અને એ બળોની પશ્ચાદ્ભૂમિનો—અતિ પુરાતનકાળની એ આદિમ પરિસ્થિતિનો—કાંઈક ખ્યાલ આવી શક્યો છે. બહુશ: નહીં તો ઠીક ઠીક અંશે, વાઁદ્રે, લાગુના કે સ્તુર્તવાઁએ આલેખેલું માનવભાષાની ઉત્ક્રાન્તિનું ચિત્ર વાસ્તવિક હોવા સંભવ છે.૬૭[67]
*
- ↑ ૧ સરખાવો Goetheનું નીચેનું કથન : “When man was first created as man by God, language was implanted in him just as was an upright gait. Just as he had to observe that he could walk and grasp, he had also to learn that he could sing with his throat and modify these tones in various ways with his tongue, gums and lips. If man was of divine origin, language was too.” —G. Révész, The Origins and Prehistory of Language, 1956, p. 79.
- ↑ ૨. જુઓ : મંગલદેવ શાસ્ત્રી, भाषाविज्ञान, પૃ. ૧૪૬.
- ↑ ૩. જુઓ : બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, પૃ. ૧૪.
- ↑ ૪ સરખાવો : “Plato lets Cratylus contend that the original names had been attached to the things by some divine power; but Socrates refutes this supposition.” —Alf Sommerfelt, ‘The Origin of Language—Theories and Hypotheses, Journal of the World History, Vol I, No 4; April 1954, p. 886.
વળી સરખાવો : Bloomfield, Language, p. 4. - ↑ ૫ સરખાવો : “Some (Greek philosophers) held that language had come about by arbitrary determination whereas others thought it had risen naturally.”
- ↑ ૬ જુઓ : Alf Sommerfelt, op. cit., p. 891.
- ↑ ૭ સરખાવો ષ્ટાઈન્થાલનું નીચેનું કથન : “Speech is a spiritual organ. The origin of speech must therefore be sought in the origin of the spirit from nature, that is from the lower activities of the soul.”
- ↑ ૮ A. Sommerfelt, Ibid., p. 892-93.
- ↑ ૯ જુઓ : Vendryes, op. cit., p. 9.
- ↑ ૧૦ જુઓ: બાબૂરામ સકસેના, सामान्य भाषाविज्ञान, પૃ. ૧૫.
- ↑ ૧૧ જુઓ : Bloomfield, Language, p. 36.
- ↑ ૧૨ જેમકે : B. Naunyn વગેરે વૈજ્ઞાનિકો. જુઓ A. Sommerfelt, op. cit., p. 895.
- ↑ ૧૩ જુઓ: Bloomfield, Ibid, p. 37.
- ↑ ૧૪ સરખાવો : “Darwin thinks language must have developed out of imitation by men of natural sounds, sounds produced by other animals and the instinctive sounds of man himself, with modifications supported by signs and gestures.” —A, Sommerfelt, Ibid, p. 888.
- ↑ ૧૫ જુઓ : Jesperson, Language (1934), p. 414.
- ↑ ૧૬ સરખાવો : “Renan’s idea, which he shared with the linguists of his time that the oldest form of language must have been monosyllabic and non-flexional is explained by the theory, current at his time, that language always passed through the isolating, agglutinative and flexional stages.” {{right|–Alf Sommerfelt, Ibid, p. 887.}
- ↑ ૧૭ A. Sommerfelt, Ibid, p. 897.
- ↑ ૧૮ Language, p. 414.
- ↑ ૧૯ ઉ. ત. અંગ્રેજી ‘grunt’ અનુકરણાત્મક હોઇ શકે; ‘grant’ નહીં.
- ↑ ૨૦ જુઓ : સક્સેના, सामान्य भाषाविज्ञान, પૃ. ૧૭.
- ↑ ૨૧ એજન, પૃ. ૧૮
- ↑ ૨૨ જુઓ : મંગળદેવ શાસ્ત્રી, भाषाविज्ञान, પૃ. ૧૬૫.
- ↑ ૨૩ વર્તમાન ભારતીય આર્યભાષાઓમાં છિઃ છિઃ, છટ્, હટ્, ઓ, વગેરે ઉદ્ગારો પણ આ પ્રકારના જ છે.
- ↑ ૨૪ Language, p. 415.
- ↑ ૨૫ આજે પણ અતિ શ્રમવાળું કામ કરતાં મજૂરો ધીમા વિલંબી સૂરમાં ગાતા જણાય છે.
- ↑ ૨૬ ઉ. ત. આ yo he-ho ધ્વનિમાંથી નીકળેલા શબ્દોનો અર્થ અંગ્રેજી ‘heave’ કે ‘haul’ જેવો બંધાયો હશે એવી કલ્પના આ ભાષાવિદો કરે છે. જુઓ : Jesperson, op. cit., p. 416; સક્સેના, એજન, પૃષ્ઠ ૧૮.
- ↑ ૨૭ જુઓ : A. Sommerfelt, op. cit., p. 888
- ↑ ૨૮ Ibid, p. 889.
- ↑ ૨૯ Ibid, p. 891.
- ↑ 30. Ibid, p. 897.
- ↑ ૩૧ Ibid, p. 892.
- ↑ ૩૨ Ibid, p. 894.
- ↑ ૩૩ Ibid, p. 899.
- ↑ ૩૪ જુઓ : Sturtevant, op. cit., p. 40.
- ↑ ૩૫ સરખાવો : “The child returns to us only what he has received; he works only upon the elements furnished by his surroundings and constructs his words and sentences out of them. His is a work of imitation, not of creation; it lacks all spontaneity.”
- ↑ ૩૬ Murmuring, crying and babbling.
- ↑ ૩૭ First real nature-sounds.
- ↑ ૩૮ જેમકે મમ્, તાતા, ઈ૰.
- ↑ ૩૯ સરખાવો : “Some of their languages are as complex as the most complex of our own, while others possess a simplicity that our most simple languages might well envy............If there is a difference between the languages of so-called civilized peoples, and those of savages, it lies rather in the ideas expressed than in the expression itself.” —Vendryes, Language, p. 6.
- ↑ ૪૦ આપણે ગાયને બોલાવવા જે અવાજ કરીએ છીએ, ‘હા’ કહેવા જે બુચકારો કરીએ છીએ, કાંઈ ખરાબ થયું હોય તો(ચ્ચ଼ ચ્ચ଼ જેવો) ડચકારો કરીએ છીએ (જેમાં જીભ ઉપરના દાંતનાં મૂળને સ્પર્શ કરે છે), તે તથા clicks (ડચકારધ્વનિ)—એ સર્વ આશ્વાસધ્વનિઓ (inbreathed sounds) છે.
- ↑ ૪૧ જેમાંથી થોડાક આજે tut, છિ:, ચ્ચ ચ્ચ, રૂપે લખાતા થોડાક કેવલપ્રયોગી ઉદ્ગારોમાં જળવાયા છે.
- ↑ ૪૨ નિશ્વાસ કે ઉચ્છ્વાસ સાથે ઉચ્ચારાતા; અર્થાત્, સ્પર્શ વર્ણો.
- ↑ ૪૩ સરખાવો : इन्द्रशत्रुः અને इन्द्रशत्रुः જેમાં એક જ શબ્દમાં સ્વરારોહ ફરી જતાં અર્થમાં આમૂલ પરિવર્તન થઈ જાય છે.
- ↑ ૪૪ અર્વાચીન ભાષાઓમાં વાક્યગત સ્વરારોહ (sentence tone) તો હોય છે જ. જુઓ પાછળ પ્રકરણ ૧, પાદટીપ ૨.
- ↑ ૪૫ “There once was a time when all speech was song or rather when these two actions were not yet differentiated.” “Thus Nature drove us; warbling rose Man’s voice in verse before he spoke in prose.” —Jesperson, Language, pp. 420; 432.
- ↑ ૪૬ મૅક્સમ્યુલર જેવા ભાષાશાસ્ત્રીઓની ટૂંકા ધાતુરૂપમય આદિસ્વરૂપમાંથી સંકુલ પ્રત્યયાત્મક ભાષાસ્વરૂપ ઉદ્ભવવાની કલ્પના અત્યારના નૃવંશજ્ઞાનની દૃષ્ટિએ અપૂર્ણ અને અશાસ્ત્રીય લાગે છે.
- ↑ ૪૭ સરખાવો : “Language was born in the courting days of mankind.”—Jesperson, Language, p. 434.
- ↑ ૪૮ જેમકે tut, છટ્, ધિક્, અરે, ઈ૰.
- ↑ ૪૯ જેમકે mamma, મમ, વાહ, છિ:.
- ↑ ૫૦ A. Sommerfelt, op. cit., p. 893.
- ↑ ૫૧ જુઓ : Vendryes : Language, pp. 11–12.
- ↑ પર Ibid, p. 13
- ↑ ૫૩ Ibid, p. 13
- ↑ ૫૪ Ibid, pp. 14-15.
- ↑ ૫૫ Ibid, p. 16.
- ↑ ૫૬ જુઓ : G. Révész : The Origins and Prehistory of language, trans. by J. Butler; 1956; p. 153.
- ↑ ૫૭ Ibid, p. 162.
- ↑ ૫૮ Ibid, p. 187.
- ↑ ૫૯ Ibid, p. 191.
- ↑ ૬૦ સરખાવો : “Outside the scope of this work are the later development of language in general and in detail; its modification, differentiation and individualization............and all the historical and psychological problems of language.” Révész, Ibid, p. 192.
- ↑ ૬૧ જુઓ : A. Sommerfelt, The Origin of Language, Journal of World History, Vol I, no. 4; April 1954; pp. 899–901.
- ↑ ૧૨ જુઓ : Sturtevant : An Introduction to Linguistic Science, pp. 40–50.
- ↑ ૬૩ સરખાવો: Vendryes, op. cit., p. 5.
- ↑ ૬૪ સરખાવો : W. D. Whitney: The Life and Growth of Language, p. 283.
- ↑ ૬૫ જુઓ : Sturtevant, Ibid, p. 48.
- ↑ ૬૬ સરખાવો : “So voluntary communication can scarcely have been called upon except to deceive; language must have been invented for the purpose of lying.”—Sturtevant, Ibid, p. 48.
- ↑ ૬૭ સરખાવો : “It is obvious that it is impossible to prove by evidence any theory of the origin of language. What we can do is to set and delimit the problem and conceive, in the light of our present knowledge of the nature and history of man, how it happened that he acquired the system of communication which together with the tool has rendered the development of his culture possible.”