સરળ અલંકાર-વિવેચન/કવિતામાં અલંકારનું સ્થાન અને મહત્ત્વ

From Ekatra Foundation
Revision as of 02:49, 22 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કવિતામાં અલંકારનું સ્થાન અને મહત્ત્વ

વાણીને-વાણી દ્વારા વ્યક્ત થતા ભાવને-સચોટ બનાવવા જે જુદી જુદી શક્તિઓ અજમાવાય છે તેમાંની એક શક્તિ અલંકારનો ઉચિત પ્રયોગ પણ છે. તદ્દન સાદી સીધી ભાષા નકામી નથી; તેમાં યે ઘણું બળ આવી શકે છે. પણ ઘણીવાર એકાદ વાક્યમાં આપોઆપ આવી જતો અલંકાર ધાર્યું નિશાન વીંધે છે. એ રીતે જોઈએ તો આપણી ઘણુ કહેવતમાં, રૂઢિપ્રયોગોમાં, બોલચાલની ભાષામાં, અલંકારો ગુંથાયેલા જણાશે. જેમકે આંધળાની લાકડી, આંખોનું રતન, પેંગડામાં પગ ઘાલવો, ઊજળું દૂધ, કાળું મેશ, કૂંળુ માખણ જેવું-વગેરે પ્રયોગોમાં આમ અલંકાર ગુંથાઈ જતો જણાશે. અરે આપણને ખબરે ના પડે તે રીતે ઘણાયે પ્રયોગો આપણે એવા કરતા હોઈએ છીએ જેમાં અલંકાર-તત્ત્વ રહેલું છે. દા. ત. (૧) મારું મન સાવ ભાંગી ગયું. (૨) અમે તો ગરમીમાં એવા બફાઈ ગયા ! (૩) તેના મોં પરથી તેજ જ ઊડી ગયું છે. આ ત્રણે પ્રેગે અલંકારયુક્ત છે. પહેલા વાક્યમાં મન ભાંગી ગયું કહ્યું છે. પણ મન કાંઈ પત્થર, માટી કે કાચ થોડું જ છે જે ભાંગે ? ત્યારે એમ શા માટે કહ્યું? જેમ કોઈ સુંદર ચીજ કે વસ્તુ ભાંગી જાય ને તેના કકડા થઈ જાય તેમ મારું મન ભાંગી ગયું, તૂટી ગયું. જરા ખેદપૂર્વક કહેવાનો અહીં ઉદ્દેશ છે. હવે આટલો બધો ભાવ “ભાંગી ગયું” એ પ્રયોગમાં આવે છે તે બીજી કઈ રીતે ભાષામાં આવી શકત ? એ જ રીતે જોઈએ તો બટાકા કે એવી કોઈ વસ્તુ બફાય, પણ માણસ ક્યાંથી બફાય ? પરંતુ અતિશય ગરમીથી થતી વિપરીત અસર ‘બફાવા’ની ક્રિયા દ્વારા સચોટ રીતે અહીં વ્યક્ત થઈ છે તે જોઈ શકાશે. એવો જ ત્રીજો દાખલો. તેજને પાંખો થોડી છે કે ઊડી જાય અથવા પાંખો ફફડાવતું મોં પર આવીને બેસે? છતાં આમ કહેવાનો અર્થ એ છે કે પંખી જેમ દૂર ઊડી જાય તેમ મોં પર તેજ હતું તે સાવ ઊડી ગયું-કહેતાં કે તદ્દન ચાલ્યું ગયું. ઊડવાની ક્રિયા દ્વારા તેજનું અસ્તિત્વ અને તેનો સાવ અભાવ અહીં અત્યંત અસરકારક રીતે વ્યક્ત થયાં છે. આમ અલંકારનો પ્રયોગ એક રીતે કહીએ તે ભાષાના હાડમાં, ભાષાની નસમાં જાણે કે રહેલો છે. અલંકારનો ઉચિત ઉપયોગ કરવાથી વાણીમાં–ભાવમાં અસરકારકતા, સચોટતા આવે છે. એટલું જ નહિ, એથી વિસ્તાર ઓછો થાય છે ને લાઘવનો ગુણ આવે છે-ઉપરના ત્રણ દૃષ્ટાંતો દ્વારા તે જણાશે. તે ઉપરાંત અલંકારયુક્ત પ્રયોગથી વક્તવ્ય સુંદર ને આકર્ષક પણ બને છે. જેમકે “કપૂરના જેવું ઊજળું પ્રભાત આકાશમાં પથરાયું હતું.” “પોપટનાં પીંછાં જેવાં લીલાં લીલાં પાન ફરફરતાં હતાં.” આ ઉપરાંત, અલંકારના પ્રયોગથી એક જાતની ચિત્રાત્મકતા પણ સાહિત્યમાં આવે છે ને ભાવ આપોઆપ ગૌરવ પામે છે. જેમકે “બાળકો ધૂળમાં રમતાં હતાં” એવું સાદું સીધું વાક્ય આપણા મનમાં કેવો ભાવ ઉપજાવશે? વસ્તુતઃ આ વાક્યથી કોઈ સ્પષ્ટ ભાવ ઊઠતો નથી. ગમા કે અણગમાથી પર એવું કેવળ હકીકતકથન આ વાક્યમાં રહેલું દેખાય છે. પરંતુ તેને બદલે ન્હાનાલાલ જેવા કવિ જ્યારે એમ કહે કે “કાદવે કમળો જેવાં બાળ જ્યાં ધૂળમાં રમે” ત્યારે પેલું એક સાવ સામાન્ય કથન કેવો અજબ ઉઠાવ પામી મધુર ભાવથી શોભી રહે છે ! આમ અલંકારોનો ઉચિત પ્રયોગ વક્તવ્યને–ભાવને તીવ્ર, સુંદર, વેધક બનાવવામાં ઘણીવાર આવશ્યક જ નહિ, જાણે કે અનિવાર્ય બની રહે છે. પણ અહીં “ઉચિત” શબ્દ ઘણો મહત્ત્વનો છે. અલંકાર અલંકાર ખાતર જ આવે, કેવળ અલંકારમોહથી જ રચના કરવામાં આવે તો તે ખડકલો થઈ જાય-મારવાડણના દેહ પર, હાથ પર ચૂડીઓનો ખડકલો થઈ ગયો હોય છે તેમ! બીજી રીતે કહીએ તો અલંકાર એવી શક્તિ છે જે ગમે ત્યાં ગમે ત્યારે પ્રયોજી શકાય નહિ. જેમકે કેવળ આડંબરમાં તણાઈને “પોસ્ટ માસ્તરની જીવન-સાડી સળગી ગઈ” ન કહેવાય. કેમકે પોસ્ટ માસ્તર સાડી પહેરે ખરા ? તે જ પ્રમાણે “ભિખારીને મેં રોટલો આપ્યો ત્યારે તેનું મોં પૂર્ણિમાની જેમ પ્રકાશી ઊઠ્યું.” કહેવામાં પણ કશું ઔચિત્ય નથી. રોટલો મળતાં ભિખારીને શાંતિ થાય, સંતોષ થાય, તૃપ્તિ થાય, પણ “પૂર્ણિમાની જેમ મોં પ્રકાશી ઊઠ્યું” એમ કહેવું ઘણું વધુ પડતું છે. અલંકારની જ્યાં કશી આવશ્યકતા ન હોય ત્યાં અમસ્તો જ તે વેડફી નાખવામાં આવે તો તો પૈસાની જગ્યાએ સોનામહોર ફેંકી દીધા જેવું થાય. જેમ અત્તરનાં પૂમડાં હોય, કૂંડાં ના હોય, તેવું અલંકારનું છે. છૂપી છૂપી ક્યાંકથી સરકી આવતી રાતરાણીની મહેંક, આપણા ચિત્તને, રાત્રિના શાંત વાતાવરણમાં કેવું મઘમઘતું કરી મૂકે છે ? કોયલ આંબાડાળે છુપાઈને ટહૂકે છે, જોવા જઈએ તોયે ઘણુંખરું દેખાતી નથી, તેથી જ એ અણદીઠ કોયલનો ટહૂકો આપણા મનને કેટલું બધું મુગ્ધ કરી મૂકે છે! અલંકાર પણ કાવ્યમાં-વક્તવ્યમાં-એકાકાર થઈ ગયો હોય તોજ ભાવ વધુ વેધક ને આકર્ષક બની શકે; ને કાવ્યમાં આખરે તો આસ્વાદ્ય છે ભાવ જ ! એટલે ભાવની વિરુદ્ધ જતો અલંકાર ગમે તેટલો સુંદર હોય તો યે નિરર્થક છે. એક જ દાખલો પર્યાપ્ત થશે. “જમવાની હરીફાઈમાં વાઘજીભાઈ પહેલા આવ્યા. રમત રમતમાં તે કેટલું બધું ખાઈ ગયા ! વાઘજીભાઈનો લોખંડી હાથ શ્રીખંડ પર પડતો હતો ત્યારે એમની આંગળીઓ કમળની પાંખડીઓ જેમ નાચી રહેતી હતી.” જમવાની સ્થૂળ ક્રિયા, વાઘજીભાઈ જેવા ખાઉધરા માણસ, લોખંડી હાથ ને તેને વળી કમળની પાંખડીઓ જેવી આંગળીઓ! કશો જ મેળ છે ખરો ? ઉપર જોયું તેમ સામાન્ય રીતે અલંકારનું પ્રયોજન ઉક્તિને સુંદર બનાવવાનું છે. તેથી અલંકારના પ્રયોગથી ઉક્તિ ઊલટી અસુંદર બને એમ પણ ના થવું જોઈએ. જેમકે “હે રાજા ! ધોળાં હાડકાં જેવો, દહીં જેવો, લોટ જેવો, કોઢ જેવો તારો યશ શરદઋતુના ચંદ્રમાનાં કિરણોની જેમ ચળકી રહે છે.” એમ કહેવામાં પહેલાં ચારે ઉપમાનો—હાડકાંનું, દહીંનું, લોટનું ને કોઢનું—ઊલટી વિપરીત અસર કરે છે. હાડકાંની કદરૂપી ઉજ્જવળતામાં કશી સુંદરતા નથી; એટલે છેલ્લું એક જ ઉપમાન–ચંદ્રનાં કિરણોનું—સાર્થક છે એ સમજાશે. પણ સુંદરતાને બદલે કેવળ સચોટતા જ લાવવી હોય, સુંદરતા સર્જવાનો જ્યાં ઉદ્દેશ ના હોય, ત્યાં પણ અલંકારનો ઉપયોગ યોગ્ય રીતે થઈ શકે. જેમકે “ સરસ્વતીચંદ્રના સામી ફરિયાદો ગુમાનની શય્યા પર ઘીમેલોની પેઠે ઊભરવા લાગી. અંતે ઉધાઈ લાકડાને આરપાર કોતરી ખાય તેમ ગુમાનની નિષ્કંટક જીભે લક્ષ્મીનંદનના મસ્તકને નિઃસત્ત્વ કરી દીધું.” કવિ સુંદરમ્ નું ૧૩-૭ની લોકલ આ જાતની ચિત્રાત્મક સચોટ અલંકારશક્તિના ઉદાહરણ તરીકે જોવા જેવું છે. અખાના છપ્પામાં ઘણું બધા દૃષ્ટાંતો આ પ્રકારના મળી આવશે. આમ અલંકારનું કવિતામાં આટલું મહત્ત્વ હોવા છતાં અલંકાર વિના પણ કવિતા સંભવી શકે. અલબત્ત કવિતામાં, સર્જનમાત્રમાં, કલ્પનાશક્તિ ઊંચા પ્રકારની હોવી જોઈએ; ને અલંકાર તો કલ્પનાશક્તિની વેલે વેલે ફૂટતાં ફૂલ જેવા છે; એટલે કવિતામાં અલંકાર ઘણે ભાગે આવે જ. પણ અલંકાર ન હોય તો તે કવિતા જ નથી, એમ ન કહી શકાય. જેમકે કાન્ત નીચેની પંક્તિઓમાં જે વર્ણન કરે છે તે જુઓ :

મૃદુ મદભર્યાં ગાત્રો તારાં તજી ન શકું કદા,
વિરલ કચથી આચ્છાદીને પ્રસન્ન રહું સદા;
નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું,
અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહિ ગણું.

અથવા કવિ ન્હાનાલાલની નીચેની પંક્તિઓ જુઓ :-

એકલાં ઊગવું, સ્હોવું, એકલાં આથમી જવું:
સ્નેહથી છલકાતા આ સંસારે એમ શેં થવું ?

કોઈ સ્ફુટ અલંકાર અહીં ભાગ્યે જ દેખાશે. ‘સ્નેહના છલકાવા’માં અસ્ફુટ અલંકાર લાગે. એ તથા અનુપ્રાસની મનોહર રચના બાદ કરતાં, બંને ઉક્તિઓ કેટલી સરળ છતાં હૃદયસ્પર્શી છે? કલાપીની ઘણી પંક્તિઓમાં આવી નિર્વ્યાજ સરળતા ને મધુરતા દેખાશે. જેમકે :-

ઉર ઠલવવા શોધી કાઢ્યાં સખા, લલના, અને
ઉર ઠલવવા શોધ્યાં પુષ્પો, ઝરા, તરુઓ, વને;
ઉર ઠલવવા પાળ્યાં પંખી, સુણ્યાં મૃદુ ગાયનો,
 ઉર ઠલવવું એ તો ક્યાંયે બન્યું જ નહીં અહો !

અથવા

હાસ્ય છે માત્ર ઘેલાઈ, રોવું તે નબળાઈ છે,
વિશ્વની મિષ્ટતા કિંતુ, રે રે! ત્યાં જ સમાઈ છે!

આમ સાદી છતાં સુંદર કવિતા હોઈ શકે ખરી; ને તે છતાં અલંકાર કાવ્યમાં જ્યારે જ્યારે આવે ત્યારે મમ્મટે કહ્યું છે તેમ તેનું મહત્ત્વ શરીરને શણગારતા હારાદિવત્—હાર વગેરેની જેમ તો હોય જ છે; પણ અલંકાર સાર્થક તો પૂરેપૂરો ત્યારે જ બને જ્યારે અલંકારથી માત્ર કાવ્ય-શરીર નહિ પણ કાવ્યનો આત્મા પણ શોભી ઊઠે; અર્થાત્ રસની કે ભાવની ચારુતામાં જે વધારો કરે તે જ અલંકાર સાર્થક થયો કહેવાય. તેથી બીજી રીતે કહીએ તો સૌભાગ્યવતી સુંદરીના લલાટ પર સોહતો ચાંલ્લો, જેમ સ્ત્રીને માત્ર શોભાવતો જ નથી પણ તેના સૌભાગ્યનું જ પ્રતીક બની જાય છે, તેવું અલંકારનું અલંકારત્વ હોવું જોઈએ. કર્ણનાં કવચકુંડળ જેમ જન્મજાત હતાં, તે સહેજે કાઢ્યાં કાઢી શકાય તેવાં ન હતાં, તેવું જ અલંકારનું છે. બીજું એક દૃષ્ટાંત લઈએ તો મોરના પિચ્છકલાપમાં ચળકતા ચંદ્રકો જેમ બહારથી ચોઢેલા નથી હોતા, જન્મથી જ એ સૌંદર્ય મોરને મળેલું છે, અથવા તો ઇંદ્રધનુના રંગોમાં જે સૌંદર્ય છે તે જેમ ઇંદ્રધનુની સાથે જ આવે છે ને જાય છે, ઇંદ્રધનુ એ રંગો વિનાનું જેમ અસંભવિત છે, તેવું કવિતામાં અલંકારનું પણ હોવું જોઈએ. ક્ષેમેન્દ્ર નામનો ૧૧મી સદીમાં થઈ ગયેલો વિવેચક યોગ્ય જ કહે છે :–”કાવ્યનું જીવિત-જીવન-ઔચિત્ય છે; તે જે શોધતાંયે ના જડે તો પછી કાવ્યના અલંકારોથી અને મિથ્યા ગણાવેલા ગુણોથી શું વળવાનું હતું? અલંકારો માત્ર અલંકારો છે, ગુણો માત્ર ગુણો છે, પણ ઔચિત્ય જ રસસિદ્ધ કાવ્યનું સ્થિર જીવિત છે.” આટલા માટે જ એણે કહ્યું છે કે કસ્તૂરીવાળા ચંદનનું તિલક ધારણ કરતી યુવતી જેવી સોહે છે તેવી ઉચિત પદ ધારણ કરતી કાવ્યોક્તિ શોભે છે. એક બીજું દૃષ્ટાંત લઈએ :

સૌ અળવીતરાંની એ ક્ષમાઓ તાત! આપજો;
ન જોશો માટીને દેવા! માનજો પંક પંકજો.

‘માનજો પંક પંકજો’ જેવી ‘પિતૃતર્પણ’માં આવતી ન્હાનાલાલની આ પંક્તિમાંથી અલંકાર દૂર કરી શકાય તેમ જ નથી, કેમકે આવી રીતે આવતા અલંકારો કવિની વાણીમાં જાણે કે લોહીની જેમ ભળી જતા હોય છે. He thinks in metaphors, he feels in metaphors; ને તેથી જ અલંકારોની વાદળીઓ આવી કવિતામાં જ્યારે વરસતી હોય છે ત્યારે આપણા હૃદયને ભર્યા ભાવથી ભીંજવતી હોય છે.