સરળ અલંકાર-વિવેચન/વિસ્તૃતિપમા-સંતતોપમા

Revision as of 01:49, 23 June 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વિસ્તૃતોપમા અથવા સંતતોપમા :

આ પ્રકારની ઉપમામાં ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ એમ ચાર તત્ત્વો ઘણું ખરું હોય છે. પરંતુ સંતતોપમા અથવા વિસ્તૃતોપમાની ખૂબી એ છે કે એમાં ઉપમાનને માત્ર દર્શાવીને કવિ અટકતો નથી પણ ઉપમાનને સારી પેઠે વિસ્તારે છે, જેથી એનું કથન તીવ્રતા પામે છે ને વિશેષમાં વિસ્તૃત ઉપમાન દ્વારા એક પ્રકારનું મનોરમ ચિત્ર પણ ઊભું થાય છે. જેમકે : હસતાં હસતાં કુમુદસુંદરીએ નાજુક હથેલીમાં ફૂલ લીધાં. લાંબા કરેલા, રૂપેરી પાણીવાળી નદી જેવા હાથમાં ફૂલ શ્વેત કમળ જેવાં લાગવા માંડ્યાં.

(સંક્ષિપ્ત સરસ્વતીચંદ્ર)


અહીં માત્ર ‘નદી જેવા હાથમાં’ કહીને લેખક અટકતા નથી, પણ નદીનું સુંદર વર્ણન, ‘રૂપેરી પાણીવાળી’ શબ્દો દ્વારા કર્યું છે, માટે આ વિસ્તૃતોપમા કહેવાય. બીજો દાખલો જુઓ : ગીતને અંતે વીણા બંધ કરી, શાંત પડેલા મધુકરના મધુર ગુંજારવાળી કુમુદિની જેવી તે ઊઠી.

(કાદંબરી-કથા)


અહીં ‘કુમુદિની જેવી તે’ (મહાશ્વેતા) એટલું જ ન કહેતાં ‘શાંત પડેલા મધુકરના મધુર ગુંજારવાળી કુમુદિની જેવી તે’ એમ કહ્યું છે માટે આ વિસ્તૃતોપમા કહેવાય. સાધારણ ધર્મનો ઘણીવાર અહીં લોપ પણ થતો હોય છે.