સરળ અલંકાર-વિવેચન/અપહ્‌નુતિ

From Ekatra Foundation
Revision as of 02:22, 23 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(૪) અપહ્નુતિ :

જ્યારે ઉપમેયનો નિષેધ કરીને-છુપાવીને-તે ઉપમાન હોવાનું કહેવામાં આવે ત્યારે અપહ્નુતિ અલંકાર થાય છે. રૂપકમાં જેમ ઉપમાન સાથે અભેદ દર્શાવાય છે તેવું જ અહીં પણ છે; પરંતુ તે અભેદ અપહ્નુતિમાં નિષેધ દ્વારા પ્રગટ થતો હોય છે; અથવા વધુ સાચું તો એ છે કે રૂપકમાં અભેદ દર્શાવાય છે. પણ અહીં તો એક વસ્તુ બીજી જ હોવાનું કવિત્ત્વયુક્ત પ્રતિપાદન થાય છે. જેમકે—આ મુખ નથી ચંદ્ર છે. પ્રેમાનંદની આ ખૂબ જાણીતી પંક્તિ જુઓ :

નારી તારી નાસિકાનો મોર, નો’ય ભૂષણ, ચિત્તનો ચોર.

(ઓખાહરણ)

અહીં નારીની નાસિકાનો મોર કોઈ ઘરેણું નથી, એ તો ચિત્તનો ચોર છે, એમ કહ્યું છે; હકીકતમાં જે છે તેનો નિષેધ કર્યો છે ને કવિત્વયુક્ત પ્રતિપાદન કર્યું છે, માટે આ અપહ્નુતિ અલંકાર છે. અપહ્નુતિ અલંકારનો આજનો કવિ કેવો માર્મિક ઉપયોગ, માત્ર કલ્પના-મઢ્યા નિરૂપણમાં નહિ પણ તીવ્ર સંવેદન પ્રગટ કરવામાં કરે છે, તે માટે નીચેનું દૃષ્ટાંત જુઓ :

ને સાંભળો જે સ્વર આ ફુલેકે;
તે ના વાજાં બેન્ડનાં, કિંતુ મારી
ભૂંડા દર્દે આમળા લૈ ગયેલી
આંતર્ડીઓ ત્રાસની ચીસ નાખે !

(શેષનાં કાવ્યો)

નીચેના દૃષ્ટાંતમાં વત્સલનાં નયનો નયનો નથી પણ સ્નેહ સરોવરમાંના સારસ (કમળ) જેવાં છે, એ તો જખમી દિલનાં શયનો છે, એમ કહ્યું છે, માટે અપહ્નુતિ ઠરે છે.

નહિ તે કંઈ દોષ ભર્યાં નયનો: પણ નિર્મલ નેહ-સરોવરસારસ
યુગ્મસમાં પરિપૂર્ણ દયારસઃ એ જખમી દિલનાં શયનો!

(પૂર્વાલાપ)

એ પ્રમાણે નીચેના ઉદાહરણમાં પણ સૂર્યનાં ઝગમગતાં કિરણો તે કિરણો નથી પણ કાળિ નાગની ફણા પર જડેલો મણિ છે, એમ કહેવામાં આવ્યું છે માટે અપહ્નુતિ અલંકાર છે.

કોટિ કોટિ જે બધી ઝગમગ થતી તેજ:કણી,
એ ના નથી તુજ શિર પરે ઝૂમી રહ્યા ચંડાંશુની;
એ તો અહા !
કાળિનાગ તણી ફણાપે ઝગમગંત જડ્યો મણિ !