સરળ અલંકાર-વિવેચન/દૃષ્ટાંતમાલા

From Ekatra Foundation
Revision as of 02:38, 23 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દૃષ્ટાંતમાલા :

જ્યારે ઉપમેયને માટે, વર્ણ્ય કે નિરૂપ્ય વસ્તુ માટે, એક કરતાં વધુ દૃષ્ટાંત આવે ત્યારે તે દૃષ્ટાંતમાલા કહેવાય. નીચેનું ઉદાહરણ જુઓ : શંભુના જટાજૂટને જેવી ચંદ્રકલા, વિષ્ણુના ઉરને જેવી કૌસ્તુભપ્રભા, સાગરને જેવી ભરતી, આકાશને જેવી તારાપંક્તિ, ચંદ્રને જેવી ચંદ્રિકા, તેવી તે રાજાને વિલાસવતી નામે રાણી હતી. (કાદંબરીકથા) અહીં ‘જેવી’ ઉપમાવાચક શબ્દ નથી તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કાન્તની કવિતામાં પણ આવી મનોહર દૃષ્ટાંતમાલા જોવા મળશે :

શોભે જેવી શુચિ નીસરતી માનસેથી મરાલી,
વર્ષા કેરાં વિમલ જલમાં નાચતી વા મૃણાલી,
ઓચિંતી વા તનુ ચમકતી મેઘથી જેમ વીજ,
બાલા તેવી બની ગઈ ખરે, અદ્ભુત સ્પર્શથી જ.

(પૂર્વાલાપ)

કેટલાક આને માલોપમા ગણે છે, પણ તે વસ્તુતઃ દૃષ્ટાંતમાલા છે. દૃષ્ટાંતને જ સ્ફુટ કરતા દૃષ્ટાંતવાચક શબ્દો પણ અહીં છે. “ઓચિંતી...મેઘથી જેમ વીજ” “બાલા તેવી બની ગઈ...” આમ અહીં ત્રણ દૃષ્ટાંતો બાલા માટે યોજ્યા હોવાથી આ દૃષ્ટાંતમાલાનું ઉદાહરણ છે.