સરળ અલંકાર-વિવેચન/સસંદેહ
ભ્રાન્તિમાન અલંકારના મૂળમાં જેમ ભ્રાન્તિ રહેલી છે તેમ સસંદેહ અલંકારના મૂળમાં સંદેહ અથવા શંકા રહેલી છે. આ સંશય ઉપમેય અંગે વ્યક્ત થતો હોય છે ને એકથી વધુ સંશયો-જુદા જુદા ઉપમાનો દ્વારા પ્રગટ થતા હોય છે. મૂળ વર્ણ્ય વસ્તુ અહીં ઉપમેય હોય છે ને તેને અંગે સામ્યભાવથી પ્રેરાઈને કવિ વિવિધ ઉપમાનો શંકા દ્વારા વ્યક્ત કરે છે. ઉદાહરણોથી આ સ્પષ્ટ થશે : કવિ ન્હાનાલાલ તાજમહેલને વિશે વિવિધ શંકાઓ, સંદેહો રજૂ કરીને નીચે પ્રમાણે વિવિધ ઉપમાનો રજૂ કરે છે, માટે આ સસંદેહ અલંકારનું દૃષ્ટાંત છે એમ કહી શકાય.
આ એજ શું મંડપ નિત્ય લગ્નનો ?
કે ભસ્મરાશિ પિયુ-પ્રેમલગ્નનો ?
આ તાજ શું એ મુમતાજનો ? સખે!
કે સ્નેહના પંખીની વાસયષ્ટિ એ ?
અહીં તાજ વિશે સંદેહ દ્વારા ત્રણ ઉપમાનો રજૂ થયાં છે—લગ્નના મંડપનું, ભસ્મના રાશિનું ને સ્નેહના પંખીની વાસયષ્ટિનું. કવિ આગળ પણ એને વિશે બીજી કલ્પના કરીને સસંદેહાલંકાર દ્વારા કહે છે :
રસેન્દ્રના એ રસવારિને તટે
સૌન્દર્યનું પુષ્પ ખીલ્યું શું આ ? સખે !
આ કાવ્ય અનેક ઉપમાનો સંદેહરૂપે રજૂ કરે છે :
ધૂળની આંધી જામી કે મેઘાડંબર સ્હોયલો !
એવા આ અસ્થિરે વિશ્વે ઊગ્યો શું પ્રેમ-તારલો ?
વળી સંદેહ આગળ ચાલે છે ને કવિ પૂછે છે :
શું છે ક્હો વિશ્વના મ્હેલે? પ્રેમનો ચંદ્ર કે ચિંતા ?
જુઓ આવું જ બીજું ઉદાહરણ:
અંતરિક્ષે ખર્યું આ શું આંસુ કો અપ્સરાતણું ?
પ્રિયાની પાંપણેથી વા આત્મા કેરું અમીભર્યું ?
અહીં શરદપૂનમનો ચંદ્ર જોઈ કવિ સંદેહપૂર્વક કલ્પના કરે છે— આ ચંદ્ર શું અપ્સરાનું આંસુ છે, કે પ્રિયાની પાંપણેથી ખરેલું આત્માનાં અમૃત ભરેલું આંસુ છે ? આ દૃષ્ટાંતમાં પણ કવિ ધોધના અવાજને માટે જુદી જુદી કલ્પનાઓ સંદેહ દ્વારા કરે છે:-
એ તે શું નાદ કેરે અવિરત ઝરતો ધોધ આફાટ ફૂટ્યો
કે એ શું ગર્જનાઓ ત્રિભુવનદળનો ગેબી ગોળો વછૂટ્યો !
આ તે છે સર કે અગાધ અકળ્યું અસ્પૃશ્ય આકાશ એ !
એ જ પ્રમાણે નીચેના ઉદાહરણમાં જોગના ધોધનો ભીષણ અવાજ સાંભળીને લેખક જે કલ્પનાઓ કરે છે તેમાં પણ સસંદેહાલંકાર રહેલો છે : અહીં શું વાદળાં તૂટે છે, તોપો ફૂટે છે, પહાડના મોટા મોટા પથરાઓની ધાણી ફૂટે છે, કે નદી પોતાનું ધ્યાનમૌન છોડી મહારુદ્રનો સ્તવરાજ બોલે છે?
આ જાતની ઉક્તિઓ સસંદેહાલંકારને બદલે કેટલીકવાર પ્રતીયમાન ઉત્પ્રેક્ષા તરીકે પણ ઘટાવાય છે. જેમકે ‘અંતરિક્ષે ખર્યું. આ શું આંસુ કો અપ્સરાતણું ?’ એ પંક્તિમાં આમ તો સંદેહ જ રહેલો છે, પરંતુ કોઈ ‘શું’ ને કારણે પ્રતીયમાન ઉત્પ્રેક્ષાનું ઉદાહરણ પણ ગણે. જો કે ઉત્પ્રેક્ષામાં બહુધા પ્રશ્ન નથી હોતો, શંકા નથી હોતી, જ્યારે સસંદેહ અલંકારમાં પ્રશ્નદ્વારા સંદેહ વ્યક્ત થતો હોય છે, તેટલો એ બે વચ્ચે સ્પષ્ટ ભેદ છે.