સરળ અલંકાર-વિવેચન/સાર

Revision as of 02:10, 24 June 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
(૧૮) સાર :

વસ્તુત: આ અલંકાર નિરૂપણની એક રીતિનું જ ઉદાહરણ છે. ઉપમેય અને ઉપમાન એક પછી એક આવતા જાય, તેમની વચ્ચે ઉત્તરોત્તર ચઢિયાતાપણું દર્શાવવામાં આવે ને એમ કરતાં પરાકાષ્ઠા આવે ત્યારે સાર અલંકાર બને છે. અંગ્રેજીમાં જેને Climax કહીએ તેને કંઈક અંશે જ આ અલંકાર મળતો છે. કંઈક અંશે એટલા માટે કે ઘણીવાર આ અલંકારમાં તુલના ગર્ભિત હોય છે. નીચેનાં ઉદાહરણોથી એ પ્રતીત થશે:-

ગિરિ મોટો, સિંધુ તેથી, તેથી યે મોટું છે નભ,
મન મોટું, મોટું બ્રહ્મ, આશા તો તેથી યે વડી.

અહીં પદાર્થોની પરસ્પર તુલના કરીને અંતે આશા સૌથી મોટી છે—બળવાન છે, એમ કવિએ દર્શાવ્યું છે. તુલનામાં આમ પરાકાષ્ઠા આવતી હોવાથી સાર અલંકારનું આ ઉદાહરણ છે. હવે આ ઉદાહરણ જુઓ:

હોય કાષ્ઠપેં કઠણ પાષાણ; પાષાણપેં કઠણ લોહ-નિર્માણ,
લોહપેં વજ્જર કઠણ લોક વદે: એ વજ્જર પેં કઠણ મારું હૃદે.

(રણયજ્ઞ)

લગભગ આજ ભાષામાં ઉપમાનનું ચઢિયાતાપણું પ્રેમાનંદ બીજે પણ બતાવે છે :

હોય કાષ્ટપેં પાષાણ કઠિન, તેથી કઠિન છે લોઢું,
વજ્ર તુલ્ય છે કાળજ મારું, શું દેખાડું મોહોડું રે ?

(દશમસ્કંધ)

અહીં છેલ્લા ઉપમાન (પોતાનું હૃદય)ની કઠિનતાની દૃષ્ટિએ શ્રેષ્ઠતા છે, તેથી આ સાર અલંકાર છે.