સરળ અલંકાર-વિવેચન/અસંગતિ
કવિત્વમય રીતે રજૂ થતો કાર્ય-કારણનો સંબંધ જ્યાં સંગતિ વિના-એટલે કે અસંગતિથી-અવળી રીતે રજૂ થતો હોય, ત્યાં અસંગતિ અલંકાર જન્મે છે; અર્થાત્ સામાન્ય રીતે જ્યાં કારણ હોય ત્યાં જ કાર્ય સંભવતું હોય છે, તે છતાં કારણ ને કાર્ય જ્યારે જુદે જુદે સ્થળે બતાવાય ત્યારે અસંગતિ અલંકાર બને છે. અસંગતિમાં આમ વિરોધનું તત્ત્વ છે ખરું. પરંતુ અસંગતિ અલંકાર વિરોધ–મૂલક હોવા છતાં, વિરોધ અલંકારમાં બે વસ્તુનો પરસ્પર વિરોધ દેખાય છે, ત્યારે અહીં બે વસ્તુઓનો કાર્યકારણ સંબંધ અવળી રીતે-હોવો જોઈએ તે કરતાં જુદી રીતે રજૂ થાય છે, ને માટે અસંગતિ અલંકાર બને છે. આપણે થોડાં ઉદાહરણો જોઈએ : અરે ભાઈ, ચંદુભાઈની તે શી વાત કરવી ? વરસાદ પડે મુંબઈમાં ને એ છત્રી ઉઘાડે મોરબીમાં! અહીં ખરું જોતાં જ્યાં વરસાદ પડે ત્યાં જ, મુંબઈમાં જ છત્રી ઉઘાડી શકાય, તેને બદલે મોરબીમાં છત્રી ઉઘાડવાની વાત કરી છે માટે અસંગતિ અલંકાર છે. ચીનુભાઈ! તમે તો કેવા છો! બોંબ પડે મલાયામાં ને તમે થથરી ઊઠો મુંબઇમાં !
પૃથ્વીની પટરાણીની લજ્જા રક્ષાઈ દૈવથી,
ખેંચાતાં દ્રૌપદી-વસ્ત્રો નવસ્ત્રા કીર્તિ કૌરવી.
(વસુધા)
અહીં દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચાતાં દ્રૌપદી ન-વસ્ત્રી ન બનતાં કૌરવોની કીર્તિ નવસ્ત્રી બનતી દર્શાવી છે, માટે આ અસંગતિનું ઉદાહરણ છે.
વ્રણ જેને પડે તેને વેદના થતી, ખોટું તેઃ
દંતક્ષત વધૂ કેરા કપોલે, દુઃખ શોક્યને !
અહીં પત્નીને કપોલે દંતક્ષત થાય છે ને (ઈર્ષ્યાથી) દુ:ખ થાય છે શોક્યને ! આમ કાર્ય-કારણ-સંબંધ અહીં જુદી જ રીતે દર્શાવાયો છે માટે આ પણ અસંગતિ છે. અલબત્ત કાર્ય કારણભાવ કુદરતી રીતે જ જ્યાં જુદે જુદે સ્થળે હોય ત્યાં અસંગતિ ન કહેવાય. જેમકે “વીંછી પગે કરડવા છતાં તેની આંખો ચકરાય છે ને અંધારાં આવે છે.” અહીં વીંછીની અસર આમ જ પગથી માથા લગી થતી હોય છે, એટલે અહીં અસંગતિ ન ગણાય.
ખલભુજંગનો કેવો છે વિચિત્ર વધક્રમ !
કરડે કર્ણ કોઈના, ને જાયે પ્રાણ અન્યના !
આ દાખલો અસંગતિનો છે; કેમકે ખલરૂપી સર્પ ડસે છે કોઈકને ને પ્રાણ જાય છે કોઈ બીજાના જ ! ખલ-કપટી પુરુષ આ રીતે કપટ કરતો હોય છે, એમ કવિ દર્શાવવા માંગે છે. અસંગતિ અલંકાર દ્વારા કવિની વાણી વેધક અને વિશિષ્ટ બને છે, માટે આ અલંકાર પ્રયોજાય છે.