સરળ અલંકાર-વિવેચન/સહોક્તિ

From Ekatra Foundation
Revision as of 02:57, 24 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(ड) ઉક્તિવૈચિત્ર્યવાળા અલંકારો :

કારણમાલા, અન્યોક્તિ કે અપ્રસ્તુતપ્રશંસા, વિનોક્તિ, જેવા ઘણાયે અલંકારો સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ઉક્તિનું જ વૈચિત્ર્ય ધરાવે છે તે આગળ આપણે જોયું છે. ઉપરના વિભાગીકરણમાં જે અલંકારોનો સમાવેશ નથી થયો ને છતાં જે અલંકારો વસ્તુતઃ ઉક્તિનું વૈચિત્ર્ય ધરાવે છે, તેની ગણના અહીં કરેલી છે.

(૧) સહોક્તિ :

‘સાથે’ કે ‘સહ’ જેવા શબ્દના પ્રયોગથી (કવચિત્ તેનો લોપ પણ થયો હોય છે.) જ્યારે એક શબ્દ બે અર્થને વ્યક્ત કરે, ત્યારે સહોક્તિ અલંકાર બને છે. જેમકે— દિવસ અને રાતની સાથે તેના નિઃશ્વાસો વધે છે; મણિમય વલયોની સાથે તેનાં અશ્રુઓ ટપકે છે. હે સુભગ! તારા વિયોગથી ઉદ્વેગ પામેલી તે સ્ત્રીની જીવવાની આશા તેની તનુલતા સાથે નબળી પડતી જાય છે.—અહીં દિવસ અને રાત્રિના જેવા દીર્ઘ નિઃશ્વાસો છે, મણિવલયનાં જેવાં મોટાં અશ્રુઓ છે, પાતળી દેહલતા જેવી પાતળી તેની જીવવાની આશા છે, એમ ‘સહ’ શબ્દ દ્વારા સૂચવાય છે. ‘કાદંબરી’માંથી નીચેનું દૃષ્ટાંત જુઓ : ચંદ્રાપીડમાં યૌવનનો આરંભ થયો તેથી એ રમણીય કુમારની પણ રમણીયતા બમણી વધી ગઈ.... લક્ષ્મીની સાથે તેની છાતી વિસ્તાર પામવા લાગી; બંધુજનોના મનોરથની સાથે તેની જાંઘો ભરાવા લાગી. શત્રુઓની સાથે તેનો મધ્યભાગ ઓછો થવા માંડ્યો... પ્રતાપની સાથે રોમ-રાજિ ઊગવા લાગી. રિપુ-સ્ત્રીઓના કેશની લટો સાથે તેના હાથ નીચે લટકવા લાગ્યા. ચરિતની સાથે તેનાં નયન ધવલ થવા લાગ્યાં. આજ્ઞાની સાથે તેના ભુજનો ઉપલો ભાગ ભારે થતો ગયો. અને સ્વરની સાથે હૃદયમાં (પણ) ગંભીરતા પ્રગટ થઈ અહીં સહોક્તિ અલંકારની માળા રહેલી છે. એક કાર્યની સાથે બીજું કાર્ય થતું અહીં દર્શાવી કવિએ ચમત્કૃતિ, લાઘવ ને તીવ્રતા સાધ્યાં છે. જેમ જેમ છાતીનો પટ વધતો ગયો તેમ તેમ લક્ષ્મી પણ વધતી ગઈ. જેમ શરીરનો મધ્યભાગ ઓછો થતો ગયો તેમ તેમ શત્રુઓ પણ ઓછા થવા લાગ્યા—વગેરે માર્મિકતાથી કવિએ સહોક્તિ દ્વારા દર્શાવ્યું છે. ‘હિમાલયનો પ્રવાસ’માં એવો જ ‘સહપણા’ને ગર્ભિત રાખતો આ દાખલો જુઓ : “ચુલામાંથી ધુમાડો નીકળતો હતો ને બ્રાહ્મણના મુખમાંથી ગાળો.” અથવા આ ઉદાહરણ જુઓ :

સિંધુની ભરતી સાથે સ્નેહયે વધતો હતો,
ચંદ્રનાં રશ્મિની સાથે સુધા કૈં વર્ષતો જતો.