સરળ અલંકાર-વિવેચન/સ્વભાવોક્તિ

From Ekatra Foundation
Revision as of 03:00, 24 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(૨) સ્વભાવોક્તિ :

આ અલંકાર વસ્તુતઃ અલંકાર નથી; કેમકે સ્વભાવની ઉક્તિ એટલે કે વસ્તુ જેવી છે તેવી જ તેના કુદરતી રૂપમાં હૂબહૂ રજૂ કરી, સૌંદર્ય સ્ફુટ કરવું તેનું નામ સ્વભાવોક્તિ છે. અલબત્ત ગમે તે વસ્તુ જેવી છે તેવી, તે જ રૂપમાં, રજૂ કરવાથી સૌંદર્ય ન આવે. માટે પશુ, પક્ષી, બાળક, યુવતી, પ્રકૃતિદૃશ્ય વગેરેનું સાદું સ્વાભાવિક ચિત્રણ કરવામાં આવે, તેમાં બીજો કોઈ પણ અલંકાર ન હોય અથવા આગળ પડતો ન હોય, ત્યારે સ્વભાવોક્તિ બને છે. જેમકે કવિ કાન્તે ‘રતિને પ્રાર્થના’માં કરેલું પોતાની પત્નીનું વર્ણન:

મૃદુ મદ-ભર્યાં ગાત્રો તારાં તજી ન શકું કદા,
વિરલ કચથી આચ્છાદીને પ્રસન્ન રહું સદા;
નયન નમણાં ગ્રીવા ધોળી, લલાટ સુહામણું,
અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહીં ગણું.
(પૂર્વાલાપ)

કવિ કાંતે આ અલંકારનો બહુ જ કુશળતાથી ઉપયોગ કર્યો છે. એમની કવિતામાંથી નીચેનાં ઉદાહરણો પણ જુઓ :

ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય;
બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,
ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય.

શાખાઓમાં તરુવરતણી ચક્રવાકી છુપાતી,
શોધી કાઢે દયિત-નયનો, જોઈને હૃષ્ટ થાતી;
ચંચૂ ચંચૂ મહીં લઈ પછી પક્ષને પક્ષમાં લે,
ક્રીડા એવી કંઈ કંઈ કરે, મૌગ્ધ્યમાં દંપતી તે.

પ્રેમાનંદના ‘સુદામાચરિત’માં આવતું આ જાણીતું વર્ણન જુઓ; કેટલું તાદૃશ ને જીવંત છે !

ભાલ તિલક ને માળા કંઠે, મુખ રામ ભણતો જાય,
મૂછ કુછનું જાળું વાધ્યું, કદ્રુપ દીસે કાય,
પવને જટામાંથી ભસ્મ ઉડાડી, ધૂમ્ર કોટાનકોટ,
થાય ફટકફાટાં ખાસડાં, ઊડે ધૂળના ગોટેગોટ.

‘૧૩–૭ની લોકલ’માં કવિ સુંદરમે કરેલું વર્ણન–એનો આ એક નાનો જ ખંડ-જુઓ :

વળી કો ડોસીમા દૂરે, પોમચો તપખીરિયો
પહેર્યો છે, નાકમાં ફાકો ભર્યો છે તપખીરનો,
મૂક્યા છે હાથ બે માથે, કને છે મૂકી પોટલી:
અને બે હોઠથી બોખા રટે છે રામ-ગાળ કે.

અહીં છેલ્લી લીટીમાં ને તે પણ છેલ્લા ત્રણ શબ્દોમાં કેવી ચમત્કૃતિ કવિએ સાધી છે તે પણ જુઓ.