સરળ અલંકાર-વિવેચન/વ્યાજોક્તિ

From Ekatra Foundation
Revision as of 03:11, 24 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(૪) વ્યાજોક્તિ :

જ્યારે કોઈ એક મહત્ત્વની, છુપાવવા જેવી વસ્તુ, ઘટના કે રહસ્ય અચાનક ખુલ્લું પડી જવાનો ભય છતો થાય ને તેમ થતાં તેને છુપાવવા માટે ચતુરાઈ ભર્યો પ્રયત્ન થાય ત્યારે વ્યાજોક્તિ અલંકાર બને છે. આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ : પિતા : રમેશ ! આ શું? તારું મોં કેમ પડી ગયું છે ને આટલો બધો પરસેવો શેનો વળ્યો છે? તને પરીક્ષામાં કાંઈ ન આવડ્યું તેથી ગભરાઈ ગયો છે? રમેશ : ના, ના, પિતાજી. પરીક્ષામાં તો ઠીક કર્યું છે. પણ એક તો ઉજાગરો ને બીજું આટલી સખત ગરમીમાં પરીક્ષાની હાડમારી, તેથી તમને એવું લાગતું હશે. અહીં હકીકતે રમેશે પરીક્ષામાં બરાબર લખ્યું નથી. એનો ઘટસ્ફોટ તો થઈ જવામાં છે. પણ રમેશ ચતુરાઈથી બીજું કારણ દર્શાવી તેને ઢાંકવા પ્રયત્ન કરે છે, માટે આ વ્યાજોક્તિનું ઉદાહરણ બને છે, જો કે અહીં કશું જ કાવ્યત્વ નથી. બીજું કાવ્યમય આ ઉદાહરણ છે :

પોઢ્યો છે પિયુ, દીપ મંદ જલતો, સૌ શાંત હા શાંત છે,
ગોરું મોં મધુરું કંઈ મરકતું; ઘેલી બની જ્યાં નમે
ને જેવી અધરો ચુમે, નયનની લીલા વિલાસી રહે,
“જોતી ગાલ પરે શું આ તિલ સમું,” મુગ્ધા ચિરં ચુંબિતા.

અહીં પોઢેલા પિયુની કાંતિથી આકર્ષાઈ પ્રિયા ચૂમવા માટે જ્યાં નમે છે ત્યાં જ પ્રિયતમ જાગે છે ને ચોરી પકડાઈ જાય છે ! તેથી મુગ્ધ, લજ્જાળુ પ્રિયા બહાનું કાઢીને કહે છે—”હું તો નીચી નમીને જોતી હતી કે ગાલ પર આ તલ જેવું શું વિલસે છે?” પ્રિયતમ આવું બોલતી પ્રિયાને પ્રેમથી ચૂમે છે. આ પણ વ્યાજોક્તિ છે.