સરળ અલંકાર-વિવેચન/આક્ષેપ

From Ekatra Foundation
Revision as of 03:23, 24 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(૮) આક્ષેપ :

જ્યારે કોઈ વસ્તુ વિશે કે વ્યક્તિ વિશે વર્ણન કરતાં કરતાં, આ તો જાણીતું છે, માટે તેને શું વર્ણવવું અથવા આ તો કહ્યું જાય એમ નથી, કહીને તે અડધેથી અટકાવી દેવામાં આવે, ને એમ કરીને, અર્ધી કથેલી વસ્તુને અણકથી રાખીને આકાંક્ષા દ્વારા એક જાતની ઉત્સુકતા કે તીવ્રતા ઊભી કરવામાં આવે ત્યારે આક્ષેપ અલંકાર બને છે. ‘ઉત્તરરામચરિત’માં આવતો નીચેનો શ્લોક આ અલંકારનું પ્રસિદ્ધ ઉદાહરણ છે.

તું મારું જીવિત, તું તો હૃદય દ્વિતીય,
તું કૌમુદી નયનની, અમી અંગ—અંગે,
એવાં કંઈક વચને ભરમાવી મુગ્ધા
તેને જ-શાંત અથવા, શું વધુ કહ્યેથી ?

અહીં સીતા વિશે પહેલી બે પંક્તિમાં બતાવ્યા પ્રમાણે કહેનાર રામે સીતાનું શું કર્યું ? તેને ભરમાવીને કેવી તો રઝળતી મૂકી દીધી, એ સીતાને કહેવું છે; પણ રામ તે જાણે છે એટલે તેમ જ કથનની તીવ્રતા માટે આવી બીજા હૃદય જેવી સીતાની તમે શું વલે કરી તે અણકથ્યું રાખ્યું છે, માટે આક્ષેપ અલંકાર બને છે. એવું જ નીચેનું ઉદાહરણ છે :

અને અયિ તું સુંદર !
સમીરતણી મર્મરે મનતરંગની મોરલી
જતો બજવતો સુવર્ણમય શાંત સંધ્યા સમે,
શું તે તું અયિ તું જ
—હાય ! નવ કૈં હવે બોલવું.

*

‘મા જા’ શબ્દ મહીં અમંગલ, ‘ભલે જા’ શબ્દ નિ:સ્નેહ એ,

‘થોભો’માં પ્રભુતા, ‘કરો ગમતું તે’ એમાં ઉદાસીનતા;
‘જીવી હું ન શકીશ રે તુજ વિના એ સંભવે વા ન વા,
તો હે નાથ ! તમે જ ક્હો વદવું શું પ્રસ્થાન-કાલે ઘટે ?

—પ્રિયતમ (કૃષ્ણ) જાય છે તે વેળા ગોપીની સ્થિતિ કેટલી બધી વિષમ બની જાય છે તે ઉપરનાં વાક્યોમાં વિવિધ રીતે સૂચવેલું છે. મરણ અહીં ગર્ભિત છે તે પણ જણાશે. આક્ષેપ અલંકારનું આ સુંદર ઉદાહરણ છે.