સરળ અલંકાર-વિવેચન/અર્થાન્તરન્યાસ
(૧) અર્થાન્તરન્યાસ :
જ્યારે એક વાક્યમાંની ઉક્તિનું બીજા વાક્યની ઉક્તિ દ્વારા સમર્થન કરવામાં આવે, વિશેષ વાક્યનું સામાન્ય વાક્ય દ્વારા અથવા સામાન્ય વાક્યનું વિશેષ વાક્ય દ્વારા, ત્યારે આ અર્થાન્તરન્યાસ અલંકાર થાય છે. દૃષ્ટાંત અલંકાર કરતાં આ અલંકાર જુદો એ રીતે પડે છે કે અહીં દૃષ્ટાંત અલંકારની જેમ બિંબ-પ્રતિબિંબભાવ નથી હોતો, પણ સમર્થ્ય-સમર્થકભાવ હોય છે; વળી અહીં એક વાક્ય વિશેષ વાક્ય હોય છે, તો બીજું સામાન્ય વાક્ય હોય છે. નીચેના બંને પ્રકારના દૃષ્ટાંતોથી આ સ્ફુટ થશે. સામાન્યનું વિશેષદ્વારા સમર્થન :
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થો નવ સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે.
અહીં પહેલા વાક્યમાં એક વ્યાપક-સામાન્ય વિધાન વ્યાપ્તિરૂપે કરવામાં આવ્યું છે. તે પછી તેના સમર્થનમાં મોતી હોય તો યે માછલાં ખાનાર બગલાનું વિશેષવાક્યરૂપે વિધાન કરવામાં આવ્યું છે. વિશેષનું સામાન્ય દ્વારા સમર્થન :
હૈયે વડવાનળ જલે તો યે સાગર ગાય,
હસી રમી જગ ઝેર પી જાણે તે યૌવન કહેવાય.
અહીં પહેલા વાક્યમાં સાગરના પેટાળમાં રહેતા વડવાનળની સ્થિતિ દર્શાવી યૌવન વિશે એ જાતનું વ્યાપક વિધાન કર્યું છે. પહેલું વાક્ય આમ વિશેષ વાક્ય ગણીએ ને બીજું યૌવન વિશેનું વ્યાપક વાક્ય, તો અહી સમર્થનનો ભાવ હોવાથી અર્થાન્તરન્યાસ અલંકાર થાય. એ જ પ્રમાણે આ ઉદાહરણો જુઓ:
અવની પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં
ટૂંકું કર્મ ટૂંકું રહેવાને સરજેલું આ ધરતીમાં.
અહીં વિશેષ વાક્યનું સામાન્ય વાક્ય દ્વારા સમર્થન થયું છે. અથવા આ ઉદાહરણો જુઓ : ઊંચનીચની લડાઈમાં નીચને કાંઈ ખોવાનું નથી, હારે તો કાંઈ જતું નથી, અને એ જેટલું જીતે એટલું ઉચ્ચને બેવડું હારવાનું. પાણી ને કચરાનો સંગમ થતાં કચરો ધોવાશે નહીં અને ધોવાશે તોયે પાણી તો મેલું થવાનું જ એ ઈશ્વરની લીલા છે.
કોઈ આ ઉદાહરણ દૃષ્ટાંત અલંકારનું ગણવા પ્રેરાય. પણ અહીં પહેલી પંક્તિમાં વ્યાપ્તિ રહેલી છે ને બીજીમાં પાણી વિશે વિશેષ વાક્યરૂપે વિધાન કરેલું છે, માટે અર્થાન્તરન્યાસ ગણીએ તો વધુ યોગ્ય છે. એ જ પ્રમાણે નીચેનું ઉદાહરણ પણ અર્થાન્તરન્યાસ અલંકારનું છે; અહીં આવતું છેલ્લું વાક્ય વ્યાપ્તિના સમર્થનમાં આવતું વિશેષ વાક્ય છે. સ્નેહ પોતાનું માણસ પૃથ્વીના પડમાં સંતાયેલું હોય ત્યાંથી શોધી કહાડે છે. ચર્મચક્ષુ છેતરાય પણ હૃદયની ઓળખવાની શક્તિ ઓર જ છે. બાહુક દમયંતીથી ઢાંક્યો ન રહ્યો. (સરસ્વતીચંદ્ર) કલાપી, નાનાલાલ વગેરે કવિઓમાં આવાં અર્થાન્તરન્યાસી વાક્યો થોકબંધ મળશે. નીચેનાં થોડાંક ઉદાહરણો જુઓ :
પ્રેમઘેલી સતી સુહિણીનું જ કાચા ઘડાને આશરે આવા પ્રવાહમાં પડવાનું હૈયું ચાલે. પ્રેમનો પ્રવાહ, પ્રેમનો વેગ અને પ્રેમના પરિણામ વિશેનો નિરાદર મહાસિંધુ કરતાં પણ મોટો જ હોય.
*
આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી,
એ અમૃતે શું ઝેરનાં બિંદુ ભર્યાં વિધિએ નથી ?
અમ એ જ જીવિત, એ જ મૃત્યુ એ જ અશ્રુ ને અમી,
જે પોષતું તે મારતું, શું ક્રમ નથી એ કુદરતી ?
(કલાપી)
*
દઈ તાલ સાયકપાતથી કર ગાન એ પણ ઇષ્ટ છે,
આ પ્રેમ પારાવારમાં ન્હાતાં મરણ પણ મિષ્ટ છે.
(બોટાદકર)
આયુષ્યની ઉજમાળી સ્મૃતિઓ કોને નથી સતાવતી ? સુખનાં
સ્મરણોમાં ઊંડું દુઃખ છે, દુઃખનાં સ્મરણોમાં ઊંડું સુખ છે.
ઊર્ધ્વગામીનું જવુંયે ધન્ય છે,
અધોગામીનું જીવવુંયે ધૂળ છેઃ
જગત્યાત્રામાં જીવન ને મૃત્યુ
ઉભય તમે ધન્ય કર્યાં.