સરળ અલંકાર-વિવેચન/નિદર્શના

From Ekatra Foundation
Revision as of 03:14, 27 June 2026 by Meghdhanu (talk | contribs) (bold text)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(૯) નિદર્શના :

જ્યારે બે વસ્તુ પરરપર અપ્રમેય હોય, અર્થાત્ બે વસ્તુઓ વચ્ચે જ્યારે કશો સંબંધ ન હોય ને છતાંયે દૃષ્ટાંતદ્વારા ઉપમાભાવ એમાં આરોપાતો હોય, અર્થાત્ દૃષ્ટાંતદ્વારા સંબંધ બંધાતો હોય, ત્યારે નિદર્શના અલંકાર બને છે. આમ નિદર્શના અલંકાર દૃષ્ટાંતને મળતો છે. દૃષ્ટાંત અલંકારમાં પહેલા ને બીજા વાક્ય વચ્ચે બિંબપ્રતિબિંબભાવ દ્વારા જેમ ઉપમેય– ઉપમાનપણું સરજાય છે તેમ અહીં પણ બને છે. પરંતુ નિદર્શનામાં બિંબ–પ્રતિબિંબભાવ હોતો નથી. એ જરા ખ્યાલમાં રાખવાનું છે. વસ્તુતઃ બે વાક્યો વચ્ચે કશો જ સંબંધ ના હોય ને છતાં જ્યારે ઉપમા જેવું કલ્પીને સંબંધ બંધાતો હોય, ત્યારે આ અલંકાર થાય છે. નીચેનાં ઉદાહરણો પરથી તે સ્પષ્ટ થશે : ક્યાં સૂર્યમાંથી ઉદ્ભવેલો રઘુઓનો મહાન વંશ ને ક્યાં અલ્પ-તુચ્છ વિષયોમાં વિચરતી મારી બુદ્ધિ ! ખરેખર, મોહથી પ્રેરાઈને નાનકડા તરાપા વડે દુસ્તર (તરી ન શકાય તેવો) સાગરને પાર કરવા હું મથું છું. અહીં બે વાક્ય વચ્ચે વસ્તુતઃ કશો સંબંધ નથી. બે સ્વતંત્ર વાક્યો છે; પણ બે વાક્યના ભાવ વચ્ચે એક કર્તાની ક્રિયાદ્વારા ઉપમાસંબંધ સ્થાપાયો છે ને તેથી નિદર્શના છે. મહાન રઘુવંશનું મારા જેવાએ વર્ણન કરવા મથવું તે નાનકડા તરાપાથી સાગરને તરવા જેવું છે એમ કવિ કાલિદાસ અહીં કહે છે. નિદર્શનાના ઉદાહરણરૂપે નીચેની ઉક્તિઓ જુઓ :

વૈભવ ભોગ તૃષ્ણામાં વ્યર્થ જન્મ ગયો નર્યો,
વેચ્યો મેં કાચના મૂલ્યે ચિંતામણિ અમૂલ્ય હા !

બે વાક્યો વચ્ચે દેખીતો સંબંધ અહીં નથી. પણ, ભોગ વૈભવ તૃષ્ણામાં મારો (કીમતી) જન્મારો આખો વ્યર્થ ગયો, એ કાચના મૂલે અમૂલ્ય ચિંતામણિ વેચી નાખીએ એના જેવું મૂર્ખાઈ ભર્યું છે, એમ કવિ કહેવા માગે છે ને માટે નિદર્શના અલંકાર બને છે. તે જ પ્રમાણે આ ઉદાહરણ જુઓ :

નિર્વ્યાજ આવું રમણીય રૂપ
જે યોજવાને તપમાહીં ઈચ્છે,
તે નક્કી નીલોત્પલપત્રધારે,
શમીલતાછેદનકાજ હા! મથે.

શકુંતલાનું આવું રમણીયરૂપ તપમાં કૃશ ને સૌન્દર્યહીન થઈ જાય, એ તો નીલ કમલની ધારથી કોમલ લતાને છેદી નાખવા જેવું છે એમ અહીં વિવક્ષિત છે; ને માટે આ પણ નિદર્શના બને છે. કેટલાંક બચ્ચાંની ચંચુ-કોટિ લાલ થવા માંડેલી તેથી જરા ઊઘડેલી પાંખડીઓને લીધે રાતાં થયેલાં મુખવાળી કમલકળીઓની શોભા ધારણ કરતાં હતાં.

(કાદંબરી)