સરળ અલંકાર-વિવેચન/સમાધિ

From Ekatra Foundation
Revision as of 03:23, 27 June 2026 by Meghdhanu (talk | contribs) (bold text)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(૨) સમાધિ :

કોઈ એક કાર્ય એકાદ કારણને લીધે થતું હોય, ત્યાં ઓચિંતા બીજા કારણના યોગથી તે કાર્ય જો વિશેષ સરળ બને, તો સમાધિ અલંકાર થાય છે. અલબત્ત અહીં કાર્ય ને કારણ કવિકલ્પિત છે, એ ખ્યાલમાં રાખવાનું છે. જેમકે—

તેને મનાવવા માટે, પગે હું પડતો હતો,
ગગને ઘોર ગોરંભ્યું હાશ! ત્યાં ઘનગર્જન.

અહીં માનિની પ્રિયતમાને મનાવવા અપરાધી પતિ પગે પડી રહ્યો છે; ત્યાં જ આકાશમાં ઘનગર્જન થાય છે, એટલે એથી ભય પામીને પ્રિયા એનાં રીસામણાં છોડી દે છે. અહીં પ્રિયતમાના રોષને દૂર કરવા પતિ પગે પડવા જાય છે ત્યાં જ એ રોષ દૂર કરનાર બીજા કારણરૂપે ઘનગર્જન શરૂ થાય છે. આમ આ સમાધિ અલંકાર બને છે. દંડી આ અલંકારને મમ્મટની જેમ સમાધિ નામ ન આપતાં સમાહિત નામ આપે છે. બીજો દૃષ્ટાંત જુઓ :

પ્રીતિપ્રદીપ ઉરમાંહી પેટવી,
ઘનાંધકારે અભિસાર આદરી,
મૂગાં કરી નૂપુર સંચરે પ્રિયા,
સૌદામિની શી સળકી રહી તહીં!

અહીં ઘન અંધકારમાં પ્રેમથી પ્રેરાઈને સંચરતી પ્રિયાને આછી ઝબૂકતી વીજળી સહાય કરે છે, માટે આ સમાધિ અલંકાર છે.