કાંચનજંઘા/અનિશ્ચિત યાત્રા

From Ekatra Wiki
Revision as of 05:57, 26 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અનિશ્ચિત યાત્રા|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} આપણે ઘણી વાર પ્રવાસે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અનિશ્ચિત યાત્રા

ભોળાભાઈ પટેલ

આપણે ઘણી વાર પ્રવાસે નીકળીએ છીએ. નીકળતાં પહેલાં અનેક દિવસોથી તેનું વ્યવસ્થિત આયોજન કરીએ છીએ. કઈ તારીખે કેટલા વાગ્યાની ગાડીમાં નીકળીશું, કઈ તારીખે કેટલા વાગ્યે પ્રવાસનસ્થળે પહોંચીશું – ત્યાં ક્યાં ઊતરીશું? શું જોઈશું, પછી કઈ તારીખે કેટલા વાગ્યાની ગાડીમાં ત્યાંથી બીજે જવા નીકળીશું, કઈ તારીખે કેટલા વાગ્યે પાછા મુકામ પર આવીશું – આ બધાંનું સમયપત્રક તૈયાર કરીએ છીએ. એ પ્રમાણે અગવડ ભોગવ્યા વિના મુસાફરી કરી આવ્યાનો આનંદ લઈએ છીએ. આવા પ્રકારની મુસાફરીમાં એક નિશ્ચિતતા હોય છે કેમ કે તે લગભગ પૂર્વનિર્ણીત છે. અહીં બધું સમયસર થાય છે, યોજનાપૂર્વક થાય છે અને તેથી સફળતાથી સફર થાય છે.

પણ ક્યારેક દોરીલોટો લઈ નીકળી પડવા જેવું કર્યું છે ખરું? એકાએક ભ્રમણ કરવાની પ્રબળ ઇચ્છા જાગી આવે અને જે વહેલી મળે તે ગાડી પકડી નીકળી પડ્યા હોઈએ – જઈએ તો ગાડીમાં ભીડ છે, જગા મેળવવાની ચિંતા છે, પછી જગા મળે છે. કોઈ યાત્રાને સ્થળે ઊતરી, સ્ટેશનના ક્લૉકરૂમમાં સામાન મૂકી, ઉતારા માટે નીકળી પડીએ. ઉતારો મળતાં ત્યાં જઈએ – પછી આજુબાજુનાં દર્શનીય સ્થળો જોવા નીકળીએ – સ્થળ ગમી ગયું તો બે ત્રણ દિવસ વધારે રહી જઈએ અને પાછા ત્યાંથી કોઈ નવે સ્થળે પૂછતાં પૂછતાં નીકળી પડીએ. કશી યોજના નહિ, પૂર્વનિર્ણીતતા નહિ. અહીં નીકળવાની, રહેવાની, જોવાની, પહોંચવાની અનિશ્ચિતતા હોય છે, કશું સમય પ્રમાણે થતું નથી.

અને છતાં આ અનિશ્ચિતતાનો એક અનાઘ્રાત, અભિનવ અનુભવ હોય છે. અનિશ્ચિતતા ઉદ્વેગ પેદા કરે છે, તો સર્વત્ર પહોંચી વળવાની આત્મશ્રદ્ધા પણ જન્માવે છે. આવતી પરિસ્થિતિ પ્રમાણે મુકાબલો કરવાની શક્તિ વિકસાવે છે. સૌથી મોટી પ્રાપ્તિ તો અણધારી, અનપેક્ષિત રીતે આવી પડતી વસ્તુઓ પરિસ્થિતિઓના મુકાબલાનો રોમાંચકારી આનંદ છે. જેમ બહિર્જગતમાં નહિ કલ્પેલું સામે આવે છે, તેમ આપણા અંતર્જગતમાં પણ નહિ કલ્પેલું પ્રકટ થાય છે. નિશ્ચિતતાની સુખશય્યામાં જે અત્યાર સુધી પોઢી રહેતું, તે અનિશ્ચિતતાની કાંટાળી કેડી પર આપણી સાથે જ ચરણ માંડે છે અને ત્યારે આપણને પણ આપણો નવો પરિચય થાય છે, અને આ અંતર્યાત્રાનું સુખ, રોમાંચ કેટલાં તો, પેલી બાહ્ય યાત્રાના સુખ, રોમાંચ કરતાં લોકોત્તર બની રહે છે!

જીવનયાત્રાના માર્ગ પર હરહંમેશ યોજનાબદ્ધ રીતે સમયપત્રક અનુસાર ચાલવામાં સફળતાનાં દ્વાર ખોલી શકીશું – જેની નિશ્ચિતતા અને પૂર્વનિર્ણીતતા પ્રાપ્તિનો ઘણોખરો આનંદ લૂંટી લેતાં હોય છે. ચાલો, ક્યારેક યોજના વિના જ, કશીક અનિશ્ચિતતાની દિશામાં જઈએ અને અણદીઠેલી, અણધારેલી પરિસ્થિતિમાં તત્ક્ષણતાનો રોમાંચ અનુભવીએ – જીવવાનો રોમાંચ અનુભવીએ. ૧૯૭૫