તરુરાગ અને નદીસૂક્ત/અરણ્યનું મહિમાગાન

Revision as of 08:02, 5 July 2026 by Artimundra (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અરણ્યનું મહિમાગાન}} {{Poem2Open}} કવિ ઠાકુરે આપણી સંસ્કૃતિને અરણ્યમાં વિકસેલી સંસ્કૃતિ કહી છે. તેમણે કહ્યું છે કે યુરોપની સંસ્કૃતિ ઈંટ-ચૂનાની દીવાલો વચ્ચે વિકસી છે અને આપણે અરણ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અરણ્યનું મહિમાગાન

કવિ ઠાકુરે આપણી સંસ્કૃતિને અરણ્યમાં વિકસેલી સંસ્કૃતિ કહી છે. તેમણે કહ્યું છે કે યુરોપની સંસ્કૃતિ ઈંટ-ચૂનાની દીવાલો વચ્ચે વિકસી છે અને આપણે અરણ્યની પ્રગાઢ છાયામાં વિકસ્યા છીએ. અરણ્યમાં રહેનાર માણસને ખબર પડે છે કે પાંદડાં ખરી જાય છે ને નવા આવે છે; સંપૂર્ણ મૃત્યુ થતું જ નથી. આ જોઈને આપણાં મનમાં પુનર્જન્મ વિશેનો વિચાર દૃઢ થયો હશે. આપણી સંસ્કૃતિની એવી જ પાયાની વાત એ છે કે પ્રકૃતિ આપણી મિત્ર છે, તેના પર પ્રભુત્વ મેળવવાનું નથી, પણ તેની જોડે મૈત્રી કેળવીને રસ્તો કાઢવાનો છે. એટલે તો બધાં જૂનાં કુટુંબોમાં તુલસીને પાણી પાયા પછી જમવાનો નિયમ હતો. આજે ભલે શહેરી વિકાસના ગાંડપણમાં એ શક્ય ન રહ્યું હોય, પણ તે આપણા હાડમાં તો છે જ. આ તાંતણાને લંબાવીએ તો તે અહિંસા સુધી જાય છે. એટલે જ તે અરણ્યની સાથે આપણો તાંતણો જોડી આપે છે. અરણ્ય આપણા ઉપર ઉપકાર કરે છે, સહજ અને સાર્વત્રિક આનંદનો માર્ગ ખોલી આપે છે, મૈત્રી સ્થાપે છે. ભાઈ જયન્ત પાઠક આવા એક, કદાચ એક જ ગુજરાતી લેખક છે. તેમણે પોતાની કવિતાને ગદ્ય અરણ્યની નજીક વસેલા ગામડાની આજુબાજુની પ્રકૃતિ સાથે જોડ્યાં છે. અરણ્ય એટલે વૃક્ષ, નદી, નાળાં, પહાડ, ટેકરીઓ અને મોકળાશ. તેમના આ પુસ્તક ‘તરુરાગ અને નદીસૂક્ત’માં આનો આનંદદાયી અનુભવ થાય છે. શહેરો થાય એટલે આ અનુભવ થાય જ એવું નથી. ડેનમાર્ક કોપનહેગનની વસ્તી હું ત્યાં ગયો ત્યારે દસ લાખથી વધુ ન હતી; છતાં ત્યાંની મ્યુનિસિપાલિટીઓએ સર્વે કરાવ્યો કે ક્યાં ઘરોમાં નાનો એવો બગીચો પણ થઈ શકે એમ છે. અગાસીમાં મ્યુનિસિપાલિટી એ રંગબેરંગી વનસ્પતિ ખીલવવાની સગવડો આપી અને જે ઘરોથી બની શકે એમ નહોતું તેને નગરથી થોડે દૂર નાના બગીચા તૈયાર કરી, ફરતું રક્ષણ કરી આપી તેવા લોકોના હાથમાં મૂકી જવા-આવવાની ટિકિટનું ખર્ચ પણ ઉઠાવ્યું. આમ નાગરિકોનો વનસ્પતિ સાથેનો સંપર્ક કોમળ બને એવી વ્યવસ્થા કરી આપી છે. માણસ જ્યારે વનસ્પતિ સાથે રહે છે ત્યારે તેને જીવંતતાનો અનુભવ થાય છે. તેને ખબર પડે છે કે પાણી પાઈએ ત્યારે વનસ્પતિ ખીલે છે, પાણી ન પાઈએ ત્યારે કરમાય છે; આપણી જેમ જ એને હવાપાણીની જરૂર હોય છે એટલે કે આપણે એક મહાન કુટુંબના સભ્ય છીએ. જો પ્રજામાં આ સંસ્કાર દૃઢ થાય તો જંગલોનો આંધળો વિનાશને જમીન ધોવાણ થતાં અટકે, ભાઈ જયન્ત પાઠકે આછા આછા અરણ્યને જીવતું કર્યું છે. ગામના પાદરનો વડ, કોઠી, ઊંચે ઊંચે જતા તાડ – બધાંને તાજા કર્યાં છે. લેખક વડનું વર્ણન કરતાં લોકોના વહેમોનું વર્ણન કરતાં અચકાયા નથી. કોઈક ઝાડમાં વસતી ડાકણ કે ભૂતનો ઉલ્લેખ એમણે જીવંત ભાષામાં કરેલ છે. સાથોસાથ પોતાના ગામના એ વૃક્ષસમૂહનો નાશ થયો છે અને ખેતીના નામે ખેતીને જ પાણી લાવી આપનાર કે પાણી સંગ્રહ કરનાર વૃક્ષોનો છેલ્લાં વીસ વર્ષમાં નાશ થયો છે તેની વેદના પણ ઠાલવી છે. વૃક્ષો માત્ર છાંયડો જ નથી આપતાં, માત્ર ફળફૂલ જ નથી આપતાં, પણ પાણીને વહી જતું રોકી ભૂમિને ભીની ભીની રાખે છે, અને આપણે જે કાર્બન ડાયોકસાઈડ કાઢીએ છીએ તેમાંથી ઝેરી કાર્બન લઈ ઑક્સિજન આપણને પાછો આપે છે; તે અર્થમાં વનસ્પતિ નીલકંઠ છે. દુષ્કાળ સામેનો તો તે ખરો વીમો છે. પણ આ બધું જ્ઞાન જો વૃક્ષો પ્રત્યે પ્રેમ જ ન હોય તો શું કામનું? પ્રેમ હોય તો વધુ મીઠું લાગે. પ્રેમ જ જોડે છે. જયન્તભાઈના પુસ્તકમાં પહેલાં આ મીઠાશ અનુભવાય છે અને પછી ઉપયોગિતા. કેટલી બધી નાની નાની નદીઓના વળાંકો તેના ધૂના, તેનાં પૂર તેમણે તાદૃશ કર્યાં છે! કાકાસાહેબે મોટી મોટી નદીઓના વર્ણનો કરી લોકમાતાને પ્રતિષ્ઠા આપી છે. જયન્તભાઈએ પોતાના ભાંગી રહેલા ગામની આજુબાજુની સખી સમી નાની નાની નદીઓની પણ તેવી જ ઉપાસના કરી છે. શહેરમાં વર્ષોથી વસ્યા છતાં તેઓ એ ભૂલ્યા નથી કે શહેરોની આ શોભા ચાર દિનનું ચાંદરણું છે. ખરી શોભા તો એ ભાંગતા જતાં ગામોમાં છે. આપણા પૂર્વજોએ અરણ્યોના વર્ણનો કર્યાં છે, પણ અરણ્યવાસીઓને તેમના ખરા સ્વરૂપમાં ઓળખાવ્યા નથી. શબરી, નલ, નીલ, હનુમાન છે, પણ તેઓ રામનાં ભક્ત તરીકે; તેમના સ્વરૂપનું આપણને દર્શન થતું નથી. જયન્તભાઈએ પીપળાનાં લગ્ન પણ કરાવ્યાં છે. ઉત્તર હિંદુસ્તાની ભૈયા ને તેની ભાભીને ચિત્રિત કર્યાં છે. અડધા લુગડે આથડતા લોકોને લાકડાં વીણતા કે ચળિતરથી બીતાં ચીતર્યા છે, તેમને ભક્ત કે વીર પુરુષ તરીકે ચીતર્યા નથી અને છે પણ નહીં. એમ હોત તો તેમની આ દશા ન હોય. પણ પુસ્તક બારીકાઈથી વાંચે તો ખ્યાલ આવ્યા વિના ન રહે કે એમના હિતાહિતને એમની ગરીબાઈ તેમનું અજ્ઞાન – એ બધાંની જોડે આપણને સંબંધ છે. આપણે ગમે તેટલી ઇમારતો બાંધીશું, ટ્રેનો કે મોટરો દોડાવીશું પણ જે સરળ, સહજ અને સર્વાશ્રયી સંસ્કૃતિ અરણ્ય વિસ્તારમાં હતી અને છે તે આવી શકાશે નહીં. જરૂર તેનો પ્રકાશ લઈ જવાની છે. આ નહીં કરીએ તો શક્તિ જરૂર વધશે, સંગઠન વધશે, પણ પરસ્પરની ચિંતા કરનારો પડોશી સમાજ ઊભો નહીં થાય. આ તરફ ધ્યાન દોરવાનું જયન્તભાઈએ કર્યું. તે તેમની સેવા છે. થોકબંધ પ્રગટ થતાં શહેરી કે કૃત્રિમ ગ્રામસમાજનાં પુસ્તકો સામે આવાં જૂજ જ પુસ્તકો છે. ધન્યવાદ.

લોકભારતી
સણોસરા ,
૧૬-૧૧-૧૯૯૫

મનુભાઈ પંચોળી ‘દર્શક’