તરુરાગ અને નદીસૂક્ત/જળ ખૂટ્યાં, જીવન ખૂટ્યાં

From Ekatra Foundation
Revision as of 09:16, 5 July 2026 by Artimundra (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૬. જળ ખૂટ્યાં, જીવન ખૂટ્યાં

મારું બાળકમન ત્યારે પૂછતું : ‘દાદા, નદીમાં આટલું બધું પાણી ક્યાંથી આવતું હશે?’ દાદા કહેતા : ‘બેટા પેલા ઉગમલા ડુંગરાઓમાંથી સાત કોતેડાં (નાની નદીઓ, વાંઘાં) નીકળે છે. બહુ વરસાદ પડે ત્યારે આ સાતેય કોતેડાંનું પાણી ભેગું થાય ને આપણી નદીમાં બોતાળ પાણી આવે.’ ત્યારે તે ડુંગરા દૂરથી જ દેખાવાના. દાદાએય નજીક જઈને તો ભાગ્યે જ જોયા હશે. અડાબીડ વગડો. ના મારગ, ના કેડો, ધોળે દિવસે અંધારું ઘોર. તેમાં વળી વાઘ, વરુ, રીંછ, ઝરખ ને ઝરખ જેવા આદિવાસીઓની વસ્તી. લંગોટી ને તીરકામઠાંવાળો એમનો કાળો કાળો દેહ જોઈને જ ટાંટિયા ભાંગી જાય. એટલે પેલાં સાત કોતેડાંનું સંગમતીર્થ ત્યારે તો માત્ર સ્વપ્નમાં જ જોયા કરવાનું. પણ હવે બધું ઉઘાડું થઈ ગયું છે. સૂરજ ચઢ્યો છે. ડુંગરાઓ, દવ લાગ્યો હોય એમ ઝળહળ થાય છે. પાધર થઈ ગયેલા વગડાની જમીન જોતજોતામાં તપી ઊઠે છે. જોજનો દૂરનું બધું ચોખ્ખુંચટ દેખાય છે. સંસ્કૃતિને પગલે પગલે અહીં હવે રાજમાર્ગો રચાયા છે, છેક પેલા સંગમ સુધી. આ બધાં કોતેડાંને ટેકરીઓ વચ્ચે આંતરીને એક સરોવર રચાયું છે. અમારી નદી કરડ હવે બહારના લોકોમાં ‘કરાડ’ (અંગ્રેજી ભાષાની જોડણીની ખૂબીથીસ્તો!) નામથી ઓળખાય છે ને એને બાંધનાર આ બંધ ‘કરાડ ડેમ’ નામથી. ઉનાળાના દહાડા છે, રસ્તાની બન્ને બાજુની પથરાળ જમીનમાંથી કાપી કાઢેલાં ખેતરો ઉજ્જડ છે. અહીં આમેય અનાજ કરતાં પથરા વધારે પાકે છે. ઉનાળામાં તો લીલારાનું નામોનિશાન ના મળે. આદિવાસીઓનાં ઠીંગણાં-દુબળાં પશુઓ નદીના ઊંચા-નીચા તળમાં ઘાસની શોધમાં ધૂળ-કાંકરા ફંફોસતાં દેખાય. અમે નાનકડો ચઢાવ ચઢી બંધની પાળ ઉપર પહોંચીએ છીએ. પહોંચતાં જ આંખમાં ટાઢકની છાલક વાગે છે. ઉગ્ર સૂરજ સરોવરમાં ઝબોળાઈને જાણે ટાઢો થયો છે. સામે વિસ્તરતા વિશાળ સરોવરમાં અનેક ટેકરીઓ ડૂબકાં ખાય છે. એમને માથે આદિવાસી કન્યાના જીંથરિયા વાળ જેવાં ઝાડીઝાંખરાં દેખાય છે, વાળમાં ચકચકતાં ચાંદીનાં ચકતાં મઢ્યાં હોય એવાં બગલાં બેઠાં છે. આટલા બધા પાણીમાં પેલી સાત નદીઓને ક્યાં શોધવી? એ બધી તો આ સરોવરમાં ડૂબી ગઈ. ક્યાં વહેતી નદીનું એ રૂપ, ને ક્યાં આ બંધિયાર સરોવર! આભજમીનનો ફેર. ગીત ગયાં, પડઘા રહ્યા. મન કલ્પનાએ ચઢી જાય છે. આ સામે ડુંગરાઓ દેખાય. કોઈ ઊંચા, કોઈ નીચા. ચોમાસું બેસતું હશે ને કાળાં કાળાં વાદળાંના ભડા, જાણે પહાડો પોતે જ ઊડતા હોય તેમ આકાશમાં ઊંચે ચઢતા હશે, ને પછી ધારાઓમાં પડતા હશે. આથમતા સૂરજના તેજમાં મેઘધનુષ્યનાં તોરણો બંધાતાં હશે. અડાબીડ ઝાડીમાં પલળતાં પંખીઓ મૂંગાં મૂંગાં ટપકતાં હશે. સાચું ગણો કે ખોટું, પણ મને તો અધ્ધર અવકાશમાં ઊડીને ઉઘાડી ચાંચમાં ટીપાં ઝીલતું ચાતક પણ દેખાય છે! આવા પહાડો પરથી ઉત્પન્ન નદીઓ વેગથી નીચે ઊતરતી હશે. પાણી ડહોળાં, માટીમેલાં. તોફાન હોય, આવેગ હોય, શક્તિ હોય ત્યાં થોડું ડહોળાણ પણ હોય, ને એવા ડહોળાણનું આકર્ષણ પણ - માત્ર જોનારને જ નહીં, ખુદ નવાણને પણ હોય. અનેક રેલાઓ ભેગા થઈને વહેળો બની વહે. લાખો-કરોડો વર્ષથી આમ ચાલતું હશે એવી કલ્પના જ મનને ભવ્યતાથી ભરી દે છે. પહાડો આમ પાણીથી તૂટતા રહેતા હશે. પથ્થરોમાં ને પછી રેતીમાં પલટાતા હશે એ વિચાર થકવી નાખે એવો છે. સાત સાત નદીઓ અહીં ભેગી થાય છે ને પછી ‘કરડ’ નામ ધારણ કરીને અમારે ગામ આવે છે. પટમાં ના સમાતાં એનાં પાણી ગામને આંટ મારીને, ગર્જનાઓ કરતાં રમણે ચઢે છે. અમારા ગામનાં બે ઘર-એક ભૂરી ડોશીનું ને બીજું પંડ્યાકાકાનું - કરડ નદીના કોતર ઉપર જ. મોટું પૂર આવે એટલે કોતર પાણીથી ભરાઈ જાય. ભૂરી ડોશીનું છાપરું ને પંડ્યાકાકાનું ઘર ત્યારે ભયથી થરથરતાં હોય. ક્યારેક કાનપુરિયા ડુંગરમાંથી નીકળતો ધુસ્કો ને કરડ નદી વચ્ચેની નેળમાં બેય નવાણનાં પાણીની ઠેલંઠેલા થાય, બે નદીઓ એક થઈ જાય. સાત કોતર ને કરડ નદી, ધુસ્કો ને ગોઠનાં પેલાં ઘર - સૌને ગઈકાલની વાત જ ગણવાની. આજની વાત તો જુદી છે. આજે તો બંધ ઉપર ઊભા રહીને આથમણી દિશામાં ઝીણી આંખે જોઈએ તોય નદી ના દેખાય! જે કરડ નદી અમારા ગામની શેરી સુધી આવતી હતી, અમારા પાણિયારે ચમકતી હતી તે કરડ નદી આજે તો શોધીય જડતી નથી. બંધમાંથી છૂટતાં પાણીનો અવાજ સંભળાય છે. એને આધારે નજર ટેકવીને જોઉ છું તો એક સાંકડી બાંધેલી નીકમાં પાણી જાય છે. આસપાસ ઝીણા ઝીણા ઘાસવાળી જમીન છે. નથી રેતી, નથી કાંઠો, નથી ઝાડ કે દારૂંડી-દરુંગડાના છોડ. ઊગી ગયેલાં ઘા-બાજરિયાંની સઘનતામાં પાણીનાં દર્શન પણ થતાં નથી. આદિવાસીઓનાં છોકરાં સાડલો કે ધોતિયું પાણીમાં ડુબાડી માછલાં શોધે છે. એકવાર અમે આ નદીના ધરામાં નહાવા પડતા ત્યારે, પગે કાયમ ગડગુમડવાળા અમને માછલીઓ કરડી જતી તે યાદ આવે છે. બંધથી બે-અઢી ગાઉ દૂર નીચવાસમાં અમારું ગામ આજેય ઊભું ઊભું તાપમાં તપે છે. એને ઠારનાર નદીમાં પાણી નથી, એને વીંઝણો ઢોળનાર વગડો નથી. અમે નદીએથી ઘર સુધી જતાં પથ્થરિયા રસ્તા ઉપર ચાલીએ છીએ. નદીકાંઠે ટેકરા ઉપર લીમડા નીચે બિરાજેલાં કુંવારકા માતા જોઈએ છીએ. એક બરછટ પથ્થર ઉપર જેવી તેવી મૂર્તિ. અમે નાના હતા ત્યારે પણ એ એવી જ હતી ને ત્યાં જ હતી. ઘણાં બધાં જાણીતાં ઝાડ પડી ગયાં છે. હું ગામને ઝાંપે પડેલા એક તોતિંગ સુક્કા થડને જોઈને ગામના જણને પૂછું છું : ‘આ પેલા પડી ગયેલા વડનું થડ તો નહીં?’ જવાબ મળે છે : ‘કયો વડ?’ હું મૂંગો થઈ જાઉ છું. ભાન જાગે છે કે એ વડ પડ્યો ત્યારે તો આ માણસ જન્મ્યોય નહીં હોય! આવા પ્રસંગે કાળનું ભાન રહેતું નથી. ચિત્રમાંનો આખો ભૂતકાળ વર્તમાન ભણી વહેતો આવતો હોય એવું લાગે ને બન્નેની સેળભેળ થઈ જાય. આપણેય જાણે અર્ધા અતીતમાં ને અર્ધા વર્તમાનમાં જીવતા હોઈએ એવું લાગે. કાળનું કટક ઝપાટાબંધ ચાલ્યું આવે છે. કેટલુંક એની ઝપટમાં આવી જાય છે તો કેટલુંક વળી અકબંધ રહી જાય છે. કાળ લોકક્ષયકૃત્ છે ને નિરવધિ પણ; નદીની જેમ એ નીચવાસમાં જ વહે એવું નથી; એ તો નીચવાસમાંથી ઉપરવાસ ભણી પણ વહે. એટલે જ તો વર્તમાનથી ભૂતમાં ને ભૂતમાંથી વર્તમાનમાં આવજા થાય છે ને! નદીને નજરમાં ભરી લેવાય એટલી ભરી લેવા માગું છું. આ પેલું કાંઠે ઊભેલું પુરાણું શિવાલય. ઉત્તુંગ ઘુમ્મટની ટોચે કળશ ઉપર લાંબા દંડને છેડે ભગવા રંગની ધજા ફરફરે છે. નજર મંદિરનો ઢોળાવ ઊતરીને નદીકાંઠાની સપાટ જમીન ઉપર આવીને ઠરે છે. આ મારા ગામનું સ્મશાન. સિત્તેરની ઉંમરે જન્મભૂમિમાં આવ્યો છું; જવાનો વખત થયો છે; હવે પાછા ફરી અહીં... ન જાને. સૂર્યના પ્રખર તાપમાં નવા બંધાયેલા સ્મશાનના છાપરાનાં પતરાં ઝળહળે છે - જાણે ચિતા બળે છે!