તરુરાગ અને નદીસૂક્ત/રેતીની નદી

From Ekatra Foundation
Revision as of 09:17, 5 July 2026 by Artimundra (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૭. રેતીની નદી

દેવગઢ બારીઆનું દેશી રાજ્ય હતું ત્યારે અમને નિશાળમાં એ રજવાડાની ભૂગોળ ભણાવાતી. નકશો ખોલીને અમે મોટેથી રાજ્યની મુખ્ય નદીઓનાં નામ ગોખીએ : પાનમ, ગોમા, કરડ, હડબ ને મેશરી. એમ તો આ આખો મુલક જ પહાડી, નાના-મોટા ડુંગરાઓથી ભરચક; એટલે બીજી નાની નદીઓય ખરી-વાંકડી, ડોશી, કબૂતરી, સોગુણ, બેહણો ને એવી ઘણીય. અહીં ગામડાં કરતાં ટેકરીઓ વધારે ને રસ્તાઓ કરતાં નદી-નાળાં વધારે. ચોમાસામાં તો એક ગામથી બીજે ગામ જવું તે વિલાયત જવા જેવું અઘરું. વરસાદ ચઢે એટલે અમારી નિશાળના વિદ્યાર્થીઓ ખુશ ખુશ. જુદાં જુદાં ગામથી આવેલા એકસામટા બોલી ઊઠે : સાહેબ, ફલાણી કોતેડીમાં પાણી આવશે તો ઘરે નહીં પહોંચાય, ઢીંકળી નદીમાં પાણી આવશે તો અંતરાઈ જઈશું. પરિણામે માસ્તર સાહેબ ઘંટ વગાડી દેવાનું કહે ને નિશાળ બંધ થઈ જાય. વિદ્યાર્થીઓ પલળતાં પલળતાં પોતપોતાના ગામને રસ્તે ભાગે. ગોમા નદી આમ તો અમારા રાજ્યની, પણ મારો ને એનો પહેલવહેલો સંગમ થયો તે તો પરરાજ્યમાં, અંગ્રેજી રાજ્યના તાબાના પંચમહાલ જિલ્લાના કાલોલ ગામમાં. દસ-અગિયારની ઉંમરે કાલોલની અંગ્રેજી શાળામાં ભણવા આવ્યો ત્યારે પહેલી વાર એને આંખો ભરીને જોઈ. ઊંડી નેળમાંથી જેવું ગાડું નદીના પટમાં ઊતર્યું કે ગાડાનાં લોખંડના પાટા ચઢાવેલાં પૈડાંમાંથી કરરર કરરર અવાજ સંભળાયો. ભરપૂર રેતી પૈડાંથી વટાતી હતી. થોડાક છોકરાઓને હાથમાં સ્ટમ્પ ને બૅટ લઈને ગામ ભણી જતા જોયા. બાજુમાં બેઠેલાં મોટીબેને હસતાં હસતાં ને ઉત્સાહમાં કહ્યું, ‘કાલોલ આવી ગયું, આ બધા અંગ્રેજી નિશાળના છોકરા, તારા ભાઈબંધ થવાના.’ નદીકાંઠે ઘોડા નામનું ગામ, તેને પાદર મેદાનમાં ક્રિકેટની રમત રમાતી. ગાડામાં ઊભા થઈને મેં નદી જોઈ. ખાસ્સો પહોળો પટ, મારી કરડ નદી કરતાં મોટો, પણ પાણીનું નામ ન મળે. આ કિનારા ને ઓ કિનારા વચ્ચે નરી રેતી. નદીમાં જાણે રેતીનું પૂર ચઢ્યું છે! પ્રથમ દર્શને જ મનમાં છપાઈ ગયું. ગોમા એટલે રેતીની નદી ને કાલોલ એટલે ‘નદીની રેતમાં રમતું નગર.’ પછી તો નદીનો ને મારો રોજનો મેળાપ. નિશાળ છૂટે એટલે દોડતા ઘેર આવવાનું, બગલમાંનાં પુસ્તકો ઘરના દાદરના પગથિયે મૂકી દેવાનાં ને સીધા નીકળી જવાનું નદી ભણી. નદીકાંઠે ખુલ્લી જમીન. એને એક ખૂણે આંબલીનું મોટું ઝાડ. બધા એને વાળીનાથનો આંબલો કહે ને રમતના મેદાનને વાળીનાથ ગ્રાઉન્ડ. અહીં અંધારું થતાં લગી ક્રિકેટ રમીએ ને પછી નદીની રેતીમાં ઊતરીએ. ક્રિકેટની ઋતુ ના હોય ત્યારે ગામ વીંધીને પુસ્તકાલય સુધી જવાનું, ત્યાં બધા મિત્રોએ ભેગા થવાનું ને પછી હાલોલ-પાવાગઢ જતી સડકે ચાલતાં ભડીઆદરા પીર આગળ નદીમાં ઊતરવાનું. આ પીરનું થાનક એક જંગી લીમડાના ઝાડ હેઠળ. કોઈ કહે કે આ લીમડાની પેલી કબર ઉપર ઝૂકેલી ડાળનાં પાન મીઠાં લાગે છે. અમારો મિત્ર કંચન બક્ષી પાન તોડી લાવે ને પછી ચાવીને કડવું મ્હોં કરી થૂંકી નાખે. નદીની રેતીમાં નિરાંતે લંબાવીએ. જાતજાતની વાતો ચાલે. ક્યારેક નાસ્તો કરવાનું મન થાય. દરેકે પૈસો પૈસો કાઢવાનો. ત્યારે ચવાણું બે આને શેર! ગામમાં જઈને ચવાણું લાવે કોણ? અમારો સાથી કંચન નવનીત તૈયાર. જે ચવાણું લેવા જાય તે ડુંગળીનો ડચકો (કાંદો) પણ લેતો આવે, એણે ફાળામાં પૈસો નહીં આપવાનો. આ છૂટછાટનો લાભ અમારા કંચનભાઈ લે. દોડતા જાય ને દોડતા આવે. અંધારામાં કાગળનું પડીકું ખોલીને પાથરીએ ને ઊડી જતો રોકવા, કાગળની ચારે બાજુ નાના કાંકરા મૂકી દઈએ. તીખું તીખું ચવાણું ને કાંદાની કચુંબર ખાવાની મજા આવે, બહુ ભાવે. ચોમાસામાં ગોમા નદીમાં પૂર આવે, નદી બે-કાંઠે જાય. ક્યારેક ગામમાં ખડીઆટ સુધી પાણી આવી જાય. અમે ટેકરા ઉપર આવેલી નિશાળમાંથી જોઈએ. નદીનાં પાણી કાંઠે આવેલા ચોતરાવાળા લીમડાને ફરતાં ઘૂમરી લેતાં હોય, પાસેના સિદ્ધનાથ મહાદેવના થાનકમાં પેસી જતાં હોય ને એની ધર્મશાળામાં પડેલા મુસાફરો પોટલાં બગલમાં મારીને ગામ ભણી દોડી રહ્યાં હોય. પણ ગોમાનું આવું રૂપ વારંવાર ને બહુ વાર સુધી જોવા ન મળે; કલાક-દોઢ કલાકમાં તો પાણી ઊતરી જાય ને રેતીના ઢગ ડોકાં કાઢે. કોઈ વરસ બહુ વરસાદ થયો હોય તો નદીમાં ધરા પડે ને એમાંનું પાણી ઉનાળો દેખે ખરું. એક વરસે ખૂબ વરસાદ પડ્યો ને નદીમાં ભારે રેલ આવી. એમાં રાયણીએ આરે ને સામે કાંઠે દોલતપરા જવાના રસ્તે નદીમાં ઊંડા ધરા પડ્યા. ગામના છોકરાઓ આ ધરામાં ન્હાવા પડે. નદીકાંઠાના મેદાનમાં ક્રિકેટ રમવા જઈએ ત્યારે મને ઘેરથી બેનની ચેતવણી મળે : ‘જોજે, ધરા ભણી ના જતો, ન્હાવા ના પડતો.’ મને તો મારા ગામની કરડ નદીમાં ન્હાવાનો ઘણો અનુભવ, ને તરતાં પણ સારું આવડે, છતાં બેનની આજ્ઞાનું હું ચુસ્તીથી પાલન કરતો. ગોમા નદીમાં હું ક્યારેય ન્હાયો હોઉ એવું મને યાદ નથી. હા, એક કરુણ ઘટનાનો સાક્ષી જરૂર બન્યો છું. અમારા ફળિયામાં - જૂનાપરામાં અમારી ન્યાતના એક શિક્ષક સજ્જન પૂજાલાલ વશી રહે. તેઓ વિધુર, એમનો એકનો એક દીકરો નામે સોમો - સોમેશ્વર. વડોદરામાં કૉલેજમાં, મૅટ્રિકમાં પાસ થઈને પહેલા વર્ષમાં દાખલ થયેલો. ભણવામાં ઘણો હોશિયાર. દીકરાને બધી વાતે હોશિયાર બનાવવાના બાપને કોડ. ક્યારેક એ પૂજાલાલ વશી મારા બનેવીને કહેતા : ‘મારે તો સોમાને આઈ.સી.એસ. સુધી ભણાવવો છે.’ આ બાપ-દીકરો તે દિવસે દોલતપરા ભણી એમનાં ખેતર જોવા નીકળેલા. ધરા પાસેથી જ દોલતપરા જવાનો રસ્તો જાય. પાછા ફરતાં સોમાને ઘરમાં ન્હાવા પડવાનું મન થયું. વહાલા દીકરાને બાપ તો ના પાડે જ શાના? સોમો પાણીમાં ઊતર્યો, ઊંડે ને ઊંડે જવા લાગ્યો તે છેક કાંઠાની ભેખડના ખૂબ ઊંડા પાણી સુધી. એણે ગળચિયાં ખાવા માંડ્યાં ને થોડી વારમાં ધરાને તળિયે ગાયબ થઈ ગયો. હાહાકાર મચી ગયો. ગામના લોકો દોડી આવ્યા, મૃતદેહને કાઢ્યો, બે માણસો એને ઊંચકીને ગામના સરકારી દવાખાને લઈ ચાલ્યા. પાછળ ઉતાવળે પગલે ચાલતા, કલ્પાંત કરતા પૂજાલાલ વશી આજે પણ નજર સામે દેખાય છે. લોકો વાત કરે છે : ‘ગોમા તો સૂકી જ સારી, એમાં જ્યારે જ્યારે પાણી રહે છે ત્યારે એ કોઈ ને કોઈનો ભોગ લે છે.’ આ રેતીની નદીએ પાણીથી ભલે નહીં પણ રેતીથી તો ગામને ન્યાલ કરી નાખ્યું છે. એની અઢળક, અખૂટ રેતી બાંધકામમાં વપરાશ માટે મશહૂર, એટલે ગામેગામથી ટ્રકોનો કાફલો રાતદિવસ નદીમાં આવતો રહે છે. રેતી રાતદિવસ ઉલેચાય છે, કાલોલની પંચાયતને ટંકશાળ પડે છે, ને કોન્ટ્રેક્ટરોને પણ તડાકો. આજેય હજી રેતી તો ઉલેચાય છે, પણ હવે પહેલાં જેટલી રહી નથી. પટમાં હવે ક્યાંક ક્યાંક બાવળ જેવાં કાંટાળાં ઝાડ ઊગી નીકળ્યાં છે. પહેલાં જે ‘છીણી’ નામની વનસ્પતિ ઊગતી હતી તે હવે દેખાતી નથી. પટમાં માટીનું પડ દિવસે દિવસે જાડું થતું જાય છે, એમાં ઊગી નીકળેલું ઘાસ ઘોડાં-ગધેડાં ખાય છે. ગામની વસ્તી વધી છે, એટલે નદીમાં ગંદકી પણ વધી છે. એક વાર અમે જ્યાં ધોળી ફૂલ જેવી રેતીમાં આળોટતા હતા ત્યાં હવે ગંધાતા પાણીનાં ખાબડાંમાં ભૂંડ આળોટતાં જોવા મળે છે. અમે નાના હતા ત્યારે ગામથી નદી ભણી જતો ઢોળાવ જે કેડો કહેવાતો હતો તે ઊતરીને ખડીઆટ વટાવી, રેતી ખૂંદીને સામે પાર જતા. નદીના બન્ને કાંઠે હાથલા થોર(અમે એને ‘થોરેણો’ કહીએ)નાં સઘન વન. થોરનાં હથેળી જેવાં કાંટાળાં પાનને લાલ લાલ ફળ બેસે. એનાં ફળ થોડાં ગળ્યાં લાગે. કાંટ્યમાં ક્યાંક કંથારાં પણ હોય. જાંબલી રંગનાં નાનાં ગોળ ફળ ખટમધુરાં; ખાઈએ એટલે મોં જાંબલી રંગથી રંગાઈ જાય. અહીં સામે કાંઠે વડ ને આંબલીની અડાબીડ ઝાડીમાં એક જૂનો કૂવો છે. એ કૂવાના થાળામાં અમે ક્યારેક બેસતા. બાજુમાં એક બંગલો, ખખડધજ, ભંગાર હાલતમાં; લોકો એને ભૂત બંગલો કહે. આસપાસ કબ્રસ્તાન એટલે મધરાતે અહીં જીન ને ઝંડ ફરે છે એવી લોકવાયકા હતી. કેટલાક તો કહેતા કે અમે સગી આંખે ધોળો બગ ડગલો પહેરીને ઝંડને બંગલામાં આંટા મારતો જોયો છે. લોબાનની ગંધ પણ ક્યારેક નદીનો પટ ઓળંગીને ગામ સુધી આવે છે. મૂળ તો આ બંગલો ડાક બંગલા તરીકે, સરકારી ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગમાં લેવાતો. ત્યારે જિલ્લાના કલેક્ટર મોટે ભાગે ગોરા જ હોય. તેઓ જ્યારે પ્રવાસે નીકળે ત્યારે આ બંગલામાં મુકામ કરે. હવે તો અમલદારોનો ઉતારો ગામ ભણીના કાંઠે આવી ગયો છે એટલે આ સ્થળ ઉજ્જડ ને વહેમવાળું બની ગયું છે. કાલોલમાં હું મૅટ્રિક સુધી ભણ્યો. પૂરાં સાત વર્ષ રહ્યો. આ રેતીની નદીમાં, નદીની રેતીમાં રમ્યો, આડો પડ્યો ને આળોટ્યો. ઊગતી જુવાનીની કેટલીક ખટમીઠી વાતો મિત્રો સાથે કરી. ધોળી ફૂલ જેવી રેતીને આંગળીઓમાં રમાડતાં રમાડતાં ભાવિનાં અનેક સ્વપ્નો સેવ્યાં. અહીં જ સૂકી કકરી જીવનપટની રેતીને પહેલી વાર ભીંજવતી મુગ્ધ પ્રીતિની સરવાણી અજાણ્યા એવા ભૂમિતલમાંથી ફૂટતી અનુભવી. રૂપાળી કન્યા ને વાંકવળાંકમાં વહેતી નાની નદી એકરૂપ દેખાવા લાગ્યાં તે પહેલવહેલાં અહીં જ. પચાસ-સાઠ વર્ષ પહેલાંની વાત. દરમિયાન ગોમા નદીમાંથી કેટલાંય પાણી મહીસાગરમાં વહી ગયાં; કેટલીય રેતી સરી ગઈ! હમણાં અમારા એક વારના બારીઆ રાજ્યના શિમળિયા ગામ આગળ ગોમા નદીને જોવાનું બન્યું : કાલોલની ગોમા કરતાં દેખાવમાં સાવ જુદી! અજાણ્યાને તો ઓળખાય પણ નહીં. અહીં રેતી ઓછી ને પથ્થર વધારે. પટની વચ્ચે એક પાતળી સેર ચાલે. ગોવાળિયા છોકરા ઝાડ નીચે બેઠા છે; બકરાં આગલા પગના ઢીંચણ ઉપર નમીને પાણી પીએ છે. જોતાં જ મને મારા ગોમાતટે કાલોલમાં ગાળેલા દિવસો યાદ આવે છે. છતાં જ નદી; એને તો હજારો-લાખો વર્ષનું આયુષ્ય એટલે મરણની ચિંતા જ નહીં, સમયની ગણતરી જ નહીં! મારે તો હવે થોડાં જ બાકી રહ્યાં. શૈશવ ગયું, યુવાની ગઈ, પ્રૌઢત્વ ગયું, હવે તો વૃદ્ધત્વ ધીમે પગલે મરણ ભણીની વાટે ચાલી રહ્યું છે. એ કાલોલ ગામ, ગામની નિશાળ, નિશાળના ગોઠિયાઓ, ગોઠિયાઓ સાથેની એ ગપ-ગોષ્ઠિઓ, રમતગમત - બધું ચિત્રવત્ પ્રત્યક્ષ થયું. મનમાં ‘ઉત્તરરામચરિત’માંની પેલી સીતાની ઉક્તિઓ ફરકી ગઈ : अहो जानामि तस्मिन्नेवप्रदेशे, तस्मिन्नेव काले वर्ते જાણે એ જ સ્થળ ને એ જ કાળમાં ન હોઉ! ૩-૪-૧૯૯૧