તરુરાગ અને નદીસૂક્ત/બેઠી ચાલનો બેસણો
નાની નદીઓની વાત જ ન્યારી; એની શોભા જ નિરાળી. મોટી નદીઓ તો આંખમાં પૂરી સમાય નહીં; સામો તટ જ ક્યારેક તો ન દેખાય; ને આખી નદી આંખમાં ન આવે ત્યાં સુધી નદીરૂપે એનું પૂરું સૌભાગ્ય કેમ પમાય? નાની નદી તો તમારી આંખોમાં તો સમાઈ જાય; એને સામે કાંઠે તમારી આંખો સહેલાઈથી તરત ત્યાં પહોંચી જાય ને આપાર-ઓપારની અવર-જવર શરૂ થઈ જાય. આજે આવી એક નાની નદીની વાત કહેવી છે. એ નદીનું નામ છે બેસણો. આપણે ત્યાં કેટલીક નદીઓનાં નામ પુલ્લિંગમાં હોય છે - જેમ કે મેશ્વો, ઘેલો, ધુસ્કો, કાળવો. પેલી (કે પેલો?) બ્રહ્મપુત્ર પણ છે ને! ગામની દક્ષિણ દિશામાં થોડેક આઘે સાગના વનની વચ્ચેથી આ બેસણો વહે છે. ચોમાસામાં એને બે-કાંઠે વહેતો જોયો છે. ડહોળાં પાણી બહુ ઊંચા નહીં એવા કાંઠાને ઘસાઈને ધીર ગંભીર ગતિએ વહેતાં હોય; તાણ ઓછી, તરંગો ઓછા, ઊંડાઈ ઓછી, નિનાદ ઓછો - સમથળ વહેણ જોયા પછી એનું “બેસણો” નામ મનમાં બરાબર બેસી જાય. આવાં સાર્થક નામ બીજી નદીઓનાં પણ જડે. કોઈ નદીનું નામ ઉતાવળી હોય તો કોઈનું સૂકી, કોઈનું ભૂખી તો કોઈનું વળી વાંકી. જેવા ગુણ તેવાં નામ. આફ્રિકામાં એક નદીનું નામ લિમ્પોપો છે. “લિમ્પોપો” એટલે મગરની નદી. આફ્રિકા વિશેની એક ફિલ્મમાં એને જોયેલી; પાણી કરતાં તો એમાં મગર વધારે! નર્મદા નદીને ઘણાં નામ છે. એનું એક નામ છે “રેવા.” સંસ્કૃતમાં ‘રેવ્’ ધાતુનો અર્થ ઘોષ કરવો, હણહણવું, કૂદકો મારવો એવો થાય છે. વિંધ્યના પહાડોમાં રમતી-કૂદતી મહાઘોષથી દિશાઓને ગજવતી, કંદરાઓ ભરીને ઊભરાઈ જતી રેવાને કાલિદાસે મેઘદૂતની એક ઊછળતી પંક્તિમાં આબાદ ઝીલી છે :
रेवां पशयस्युपलविषमे विन्ध्यपादे विशीर्णाम् । બેસણો બેઠી ગતિએ ચાલ્યો જાય છે. એના પટમાં પથ્થર-રેતી ઝાઝાં નથી એટલે પાણી ડહોળાં, મટિયાળાં. ચોમાસામાં તો બેસણો એટલે વહેતી માટી. એને બન્ને કાંઠે ઊંચાં ઊંચાં સાગનાં વૃક્ષ ઊભાં છે. સાગની શોભા તો એને ફૂલ આવે ત્યારે. બરછટ પણ સોનેરી રંગનાં ફૂલ અંતરિક્ષમાં એક સુવર્ણનગરી રચી દે. એનાં લાંબાં પહોળાં પાન ઉપર જ્યારે વરસાદનાં ફોરાં પડે છે ત્યારે મજાનું કર્ણપ્રિય સંગીત ઝરે છે. ઓચિંતું જોરદાર ઝાપટું આવે ને તમે સાગ નીચે હો તો સબ સલામત, કોરાકટ. આદિવાસીઓ તો રસ્તે જતાં વરસાદ આવે તો સાગનાં પાન તોડીને માથે ઓઢી લે. સાબરછાપ કે ઘોડાછાપ છત્રી પણ આટલી અભેદ્ય નહીં હોય. આ બાજુ દક્ષિણ ભણી અમારી અવરજવર ઓછી એટલે બેસણાનો બહુ પરિચય નહીં. અમારા ગામથી થોડે છેટે અગ્નિ દિશામાં આવેલી ટેકીઓમાંથી એ નીકળે છે ને કરડ નદીને મળી જાય છે. ચોમાસામાં જ એ નદી લાગે; બાકી તો જાણે એક પહોળો ગાડાચીલો. પણ અમને આવાં નદી-નાળાંનું ભારે કુતૂહલ. વરસાદ પડતો હોય ત્યારે ઘરમાં પડ્યા પડ્યા દાદાને પૂછીએ, “દાદા, કરડમાં કેટલું પાણી આવ્યું હશે? ધુસ્કો બે કાંઠે જતો હશે કે કેમ? બેહણામાં છાતીપૂર પાણી વહેતું હશે, કે કેમ?” દાદા રસથી પ્રશ્નોના ઉત્તર આપે ને અમારી જિજ્ઞાસા સંતોષે. ચોમાસામાં દાદા યજમાનવૃત્તિ અર્થે આજુબાજુનાં ગામોમાં ગયા હોય; પાછા આવે એટલે એમની પાસે, કોઈ ઝાડની, કોઈ જાનવરની કે કોઈ નદી-નાળાની રોમાંચક વાત હોય ને હોય જ. કહે : “ગામમાંથી નીકળી ઝાંપે આવ્યો કે અંધારેલો વરસાદ તૂટી પડ્યો. જોતજોતામાં બધે પાણી, જળબંબાકાર. પેલો બેસણો જો રમેણ્યે ચઢેલો! તાણ તો એવી કે ભલભલાં ઝાડ પણ ઊખડી પડે, વાઘ જેવો વાઘ પણ તણાઈ જાય. હું તો પેલા મહુડા હેઠળ કલાકેક ઊભો રહ્યો ને પછી કેડ સમાં પાણી ઊતરીને આવ્યો.” ઘરનાં બધાં આ કૌતુકકથા કાન દઈને સાંભળે, મન ભરીને માણે. એક વાર મોટાભાઈએ બેસણાને કાંઠે બનેલી આવી એક કૌતુકકથા કહેલી. દાદાના ગયા પછી મોટાભાઈ પરિવારના પુરુષવર્ગમાં સૌથી મોટા. એમણે જાતભાતનાં કામ કરવાનાં : જામીનજાગીર સંભાળવાની, ગોરપદું કરવાનું ને વળી સીમળિયાના ઠાકોરનું કારભારું સાચવવાનું. જીવ કવિનો, વન્ય આવેગોથી ભર્યોભર્યો. ભરજુવાની ને શરીર તંદુરસ્ત. દુનિયાદારીના બધા વ્યવહાર સાચવે, પણ અંદરથી અલગારી. એમનું વલણ કંઈક આધ્યાત્મિક ખરું. યોગ, ધ્યાન આદિ ક્રિયાઓમાં એમને રસ. એકલા એકલા એ બધું કર્યા કરે. આસપાસનાં જંગલમાં ને ડુંગરાઓમાં જઈને બેસે, ધ્યાન કરે ને ક્વચિત્ પ્રકૃતિસૌન્દર્યની કવિતા પણ કરે. એક વાર એમને ધૂન ચઢી તે રોજ સવારે વહેલા જંગલમાં ફરવા જાય, ત્યાં એકાન્તમાં વ્યાયામ કરે. અંધારામાં નીકળી પડે ને ચાલતા ચાલતા બેસણાને કાંઠે સાગના જંગલમાં જાય. પછી ત્યાં શીર્ષાસન, ધ્યાન, પ્રાણાયામ જેવી ક્રિયાઓ થાય. એક દિવસ વહેલી સવારે બેસણાને કાંઠે તેઓ આવી ક્રિયાઓ કરે. પરોઢિયાનું આછું અંધારું. ચારેબાજુ કોઈ નહીં, પંખીઓ પણ હજુ જાગ્યાં નહોતાં. ત્યાં તો થોડાંક આદિવાસી સ્ત્રી-પુરુષો ત્યાંથી નીકળ્યાં. મજૂરીએ જતાં હશે. માથે પોટલાં, કેડે છોકરાં ને હાથમાં ઠોબરાં. મોટાભાઈ શીર્ષાસનની સ્થિતિમાં સાગના સીધા સોટાઓ વચ્ચે સ્થિર ઊભેલા. આગળ ચાલતી એક બાઈએ આ દૃશ્ય જોયું ને એ તો ભડકી જ ગઈ! ગાભરી ગાભરી બોલી ઊઠી : “એ કિયો ઢૂંકવઈ રિયો છે?” (એ કોણ સંતાઈને ઊભું છે?) બધાં આદિવાસીઓ ઊભાં રહી ગયાં. મોટાભાઈ ધીમે રહીને આસનભંગ થયા ને પગ ઉપર ઊભા રહ્યા. ઊજળિયાત માણસને જોઈને બિચારા આદિવાસીઓ વધારે ગભરાયા. રખેને કોઈ અમલદાર હોય ને પકડીને થાણામાં પૂરી દે! પણ મોટાભાઈ તો મોટેથી હસી પડ્યા. કહેવા લાગ્યા : “એ તો કસરત કહેવાય, એમ કરવાથી શરીર સારું રહે, રોગ ના થાય, તાવતરીઓ ના આવે.” બિચારા આદિવાસીઓ! આખો દિવસ અર્ધા ભૂખ્યા રહીને તનતોડ મજૂરી કરવાની ને રાતે ઉઘાડામાં પડી રહેવાનું! એમને શી કસરત ને શી તંદુરસ્તી! અરે, તંદુરસ્તી વિશે, શરીર વિશે વિચાર કરવાની નવરાશ પણ બિચારા ક્યાંથી લાવે? સાંભળ્યું ના સાંભળ્યું, સમજ્યા ના સમજ્યા ને એમણે તો બેસણો ઓળંગી આગળ ચાલવા માંડ્યું. પાધોરા ગામ અમારા ગામથી દોઢ-બે ગાઉ આઘું. આ પ્રદેશમાં ગામ એટલે ટેકરીઓ ઉપર છૂટીછવાઈ છાપરીઓ. એવી બે છાપરીઓમાં બે વહોરાભાઈઓ રહે - અકબરઅલી ને મહમ્મદઅલી, દુકાન કરે. એમનું મૂળ ગામ ગોધરા, પંચમહાલ જિલ્લાનું વડું મથક. અહીં આદિવાસી મુલકમાં બે પૈસા કમાવા આવેલા તે એકલા પડી રહે, બૈરાં-છોકરાં ગોધરામાં. એક આદિવાસી ચાકર રાખ્યો હોય તે બધું સંભાળે. એ નાનકડી દુકાનો આજેય દેખાય છે : કાચની ને કચકડાની લાલ લીલી ભૂરી બંગડીઓના હારડા ભીંતે લટકે છે. નાના નાના પતરાના ડબ્બાઓમાં અનાજ ને મસાલા ભર્યા છે; ઘાસલેટ ભરીને સળગાવવાના પતરાના ખડિયા હારડો કરીને ભેરવ્યા છે. ચાળણીઓ છે ને ગળણીઓ છે. મારા બાપુને ખૂબ પ્રિય એવી ચાનાં “લિપ્ટનની ટી-ગર્લ હિન્દુસ્તાનની સુંદર ભૂકી ચા” એવા છાપેલા અક્ષરોવાળાં પીળાં રંગનાં પડીકાં જાડી દોરડીએ બાંધીને લટકાવેલાં છે; દિવાળી ટાણે દુકાનમાં જાતજાતની વસ્તુઓ ગોઠવાય છે : ફટાકડાનાં ફડકિયાં ને તડતડિયાંની ડબ્બીઓ; ટીકડીઓ ને તારામંડળ, હવાઈ ને વાંદરાં. એક છાબડામાં બીડીઓ ને દિવાસળીનાં બાકસ છે. આદિવાસીઓ મગફળી, અનાજ કે કોળાં-કંટાળાં લઈને આવે છે ને જાતભાતની વસ્તુઓ વહોરે છે. આ બન્ને વોરાભાઈઓને બાપુએ રૂપિયા ધીર્યા છે. એટલે અમારે પણ ચા, ખાંડ, ઘાસતેલ જેવી ઘરવપરાશની ચીજો અહીંથી જ લેવાની. ઘણીવાર અમે ભાઈબહેનોએ માથે ખાંડનું પોટલું કે ઘાસતેલનો ડબ્બો મૂકીને આ દોઢ-બે ગાઉનું અંતર કાપ્યું છે. પાધોરા જતાં રસ્તામાં બેસણો આવે; ત્યાં બેસવાનું. અહીં એનો કાંઠો જરા ઊંચો છે. પટમાં પાણી વહેતું નથી, પણ આદિવાસીઓએ એમાં વીરડા-વેરી ગાળ્યાં છે - પાણી ભરવા, ઢોરબકરાંને પાણી પાવા. અમને છોકરાંને અહીં આવીએ એટલે અચૂક તરસ લાગે. આદિવાસીએ ગાળેલી વેરીનું પાણી અમે ઉલેચી નાખીએ કે પછી નવી વેરી બનાવીએ; બ્રાહ્મણ ખરાને! રખે વટલાઈ જઈએ! પોશેપોશે મીઠું મધ જેવું પાણી પીએ. બેસણાની ઊંચી ભેખડોના છાંયડામાં પાણી પીને આરામ લેતાં લાલ-કાળાં બકરાં ને કાબરચીતરાં ઢોર આજેય નજર સામે તરે છે. બેસણા જેવી નાની, ક્યારેક તો નામ વગરની નદીઓની યાદ આવે છે ત્યારે એક વિચિત્ર લાગણી થાય છે. બાપડાં આ નાનાં નદી-નાળાં, વાઘાં, કોતર! ન કવિતામાં ને ના નકશામાં - કશામાં નહીં! પૃથ્વીમાં આવી નામ વગરની નદીઓ જ વધારે હશે, પણ બહુમતીનો કોઈ અવાજ નહીં! વરસાદ પડે ત્યારે છલકાવું - મલકાવું ને પછી સૂકાંભઠ્ઠ! સિન્ધુ કે સરસ્વતી જેમ વેદોમાં એમનાં સૂક્તો નહીં; નર્મદાષ્ટક કે ગંગાલહરી જેવાં એમનાં સ્તોત્રો નહીં. ગંગા કે યમુના જેવી પવિત્રતા તો એમનાં ભાગ્યમાં હોય જ ક્યાંથી? મારા જેવો કોઈ એવી એકાદ નદી વિશે લખે તો એને Nostaliga કહીને વર્ણવવામાં આવે. કહેવામાં આવે કે માણસને ભૂતકાળમાં જવાની કે જીવવાની સહજ વૃત્તિ હોય છે. જેઓ વર્તમાનથી અસંતુષ્ટ હોય, સાંપ્રત જીવનવ્યવસ્થામાં બરાબર ગોઠવાઈ શક્યા ન હોય તેઓ, બાળક જેમ સલામતી ને હૂંફ માટે વારંવાર માને વળગવા જાય તેમ અતીતને વળગવા જાય છે. ખરું હશે, Nostaligaનો બચાવ કરવાનો ન હોય. કહેવું છે તે તો એટલું જ કે “તમારે મન માને તે કહેજો, નેહ લાગ્યો મને ઊંડો રે!!” બસ, નેહ લાગ્યાની વાત છે. ૭-૪-૧૯૯૨