તરુરાગ અને નદીસૂક્ત/બુધાનો લીમડો

From Ekatra Foundation
Revision as of 09:26, 5 July 2026 by Artimundra (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫. બુધાનો લીમડો

બુધાનો લીમડો તે ગોઠ ગામમાં જેઠાકાકાના ઘર સામે ઊભેલો લીમડો. જેઠાકાકાના એક દીકરાનું નામ બુધો (બુધવારે જનમ્યો હશે તેથી કદાચ) એટલે અમે આ ઝાડને બુધાનો લીમડો કહીએ. નાનપણમાં અમે આ લીમડાના ભેરુ, પણ બુધાભાઈ ઉર્ફે નંદકુમાર પાઠક(જેઓ આકાશવાણીમાંથી નિવૃત થઈને હાલ અમદાવાદમાં વસે છે)ને તો જોયેલા જ નહીં, તેઓ તો મુંબઈમાં એમના મોટાભાઈને ઘરે રહે. અંગ્રેજી ભણે. પાંચ ઘરના આ ફળિયામાં ચારપાંચ આંબલીઓ અને એક શીમળા વચ્ચે આ લીમડો એની ગોળાકાર ઘટાળી કાયાથી નોખો તરી આવે. અમારે ઓટલેથી પશ્ચિમ દિશામાં જોઈએ તો પહેલો એ દેખાય; કાળી કાળી ડાળડાળીઓથી બાંધેલો, પવનથી પૃથ્વીને નંખાતો મોટોમસ વીંઝણો જ જોઈ લો! કોઈવાર જેઠાકાકાને મળવા કે થાણાના કામે આવેલા પરોળીના ઠાકોરનો કે પછી એરાલના કોઈ વાણિયાનો ઘોડો એનાં જાડા થડે બાંધેલો જોવા મળે. રમતા રમતા ઘણીવાર અને એ લીમડા હેઠળ જઈએ ને એને બાઝીએ. ક્યારેક કીડી-મંકોડાની ચઢઊતર કરતી હારનો ચટકો હાથને લાલચોળ કરી મૂકે, ખંજવાળ ઊપડે, ક્યારેક થડને વળગીને ગોળાકારમાં ઉપર ચઢતા કાચંડાને છાનામાના પથ્થરો મારી લઈએ; પણ અમારું ખાસ આકર્ષણકેન્દ્ર તો બે-ત્રણ ટચકા કરીને ઝમતું કરેલું એનું થડ, એમાંથી દ્રવતો રસ, ગુંદર. બાવળના ગુંદર જેવો મીઠો તો ન લાગે, પણ લાલ પીળા સફેદ રંગની ઝાંયવાળો એ અમારી આંખને મોહ પમાડે. અમને એ અમારા પગે વારંવાર થતાં ગુમડાં જેવો લાગે – ફૂટેલા ગુમડા જેવો. જેઠાકાકા તો ગામડામાં યજમાનવૃત્તિમાં ફરે ને એમનાં વૃદ્ધ, સદી એ પહોંચવા આવેલાં બા લક્ષ્મીડોશી બારણાં વાસી ઘરમાં પડી રહે, એટલે અમને કોઈની બીક નહીં. ગુંદર ઉખાડી ખાઈએ ને પતંગના દિવસોમાં એક કોડિયામાં ભેગો કરી ઓગાળી પતંગ બનાવવા-સાંધવામાં વાપરીએ. ઓટલેથી આ ઝાડના પીળાં પાન ખરખર ખરતાં જોવાની મજા આવે. એક સામટું જાણે કોઈ પીળી પાંખોવાળું પંખીટોળું હેઠે ઊતરી આવતું ના હોય! પીળાં પાન ખરવાથી લીમડો ઉઘાડો થાય ના થાય કે એનાં હાડ કુમળી કુમળી કૂંપળોથી ઢંકાઈ જાય ને વળી એક દિવસ લીલી પાંખોવાળા પંખીટોળાથી આખું ઝાડ ખીચોખીચ ભરાઈ જાય. પછી તો મંજરીઓની મહેક છેક ઓટલે આવીને અમારા ખાટલાને ઘેરી લે ને મળસ્કે જાગીએ ત્યારે ઉન્મત્ત શરીરમન સુગંધપાથર્યા પલંગમાં ક્યાંય સુધી આળોટ્યા વગર ઊભા ન થાય. પછી વળી કાગડા આંગણામાં પીળી પીળી લીંબોળીઓ લાવે. એમના કડવા મીઠા ચીકણા ગરને ચાખવાની મજા આવે; રાયણ ગણીને એને ખાઈએ. અમારા ઘરથી પશ્ચિમ દિશામાં ઊભેલો આ લીમડો વરસાદના દિવસોમાં મારું પરમ ધ્યાનકેન્દ્ર બની રહે. પવનના સૂસવાટામાં એની ડાળીઓ વીંઝાય, આડીઅવળી ઉપરતળે થઈ જાય; જાણે આખું ઝાડ ભોંય સુધી ઝૂકીને અમળાઈને પાછું ઊભું થઈ જાય! ગામનાં કોઈ કોઈ બૈરાંને ભોંય ઉપર બેઠાં બેઠાં કાળો સાડલો ઓઢીને ધૂણતાં જોયેલાં, ભય અને કૌતુકના મિશ્ર ભાવથી. આ લીમડો પણ જાણે એવી કોઈ જીવંત વ્યક્તિ શરીરને અવનવા વળાંકો આપી ધૂણતી હોય એવો લાગે. ને વરસાદ પણ પહેલો આ લીમડાને માથે પડે ને લીમડાનો આકાર ધારણ કરે. ક્યારેક ઝીણું ઝાપટું તો ક્યારેક વળી જાડી ધારાઓ. કોઈ કોઈવાર તો ધારાઓ પાછળ લીમડાનાં અંગોપાંગ અદૃશ્ય થઈ જાય ને કેવળ એક ગોળાકાર શ્વેત ઘટા જ જણાય. ‘નાગો’ વરસાદ પડે ત્યારે જાણે આખો લીમડો પ્રવાહી સોનું થઈને દદડતો જણાય. મારે માટે તો આ ઝાડ તે વર્ષામાપક યંત્ર પણ ખરું. ગામ બહાર પાણી જાય એટલો વરસાદ થયો કે ક્યારડા ભરાય એટલો, નેળમાં પાણી આવે એટલો થયો કે નદીએ પૂર આવે એટલો – આ બધું વરસાદની આરપાર લીમડો કેવો ને કેટલોક દેખાયો તે ઉપરથી મને કળાય. પછી દાદાને પૂછીને મારા અનુમાનનું સમર્થન મેળવવાનું. હજી આજે પણ વરસાદને કોઈને કોઈ વૃક્ષના આકારમાં જ જોવાનું ને માપવાનું મને ફાવે છે. ઝાડ નીચે પડેલાં પીળાં પાન જરા આમતેમ કરીએ એટલે ભીની માટીની અને પાનની મિશ્ર મહેક આવે. મુંબઈથી નંદકુમાર વેકેશનમાં આવે ત્યારે આ લીમડા નીચે ભમરડાની રંગત જામે. પેલો ગુલાબી, છેલ્લી આંગળી જેવડો લાંબી આરવાળો ભમરડો આજેય દેખાય છે. એને માથે એક રંગીન કાગળની ફૂદડી ચોંટાડી છે. ભમરડો ફરે, ઊંઘ લે ત્યારે એ ફૂદડી ફરતા ભમરડા ઉપર સ્થિર દેખાય તેનો ભારે અચંબો! અમે નાના, આવડી લાંબી આરવાળો ભમરડો અમને ફેરવતાં ના ફાવે. નંદકુમાર એ ફેરવીને હથેળીમાં લઈ અમારી હથેળીમાં મૂકે ત્યારે અમારે એને જમીન ઉપર નાખી દેવો પડે; તીણી આર જાણે હથેળીની આરપાર ઊતરી-નીકળી જશે એવું લાગે. આ લીમડા હેઠળ ઉનાળામાં વળી ખાટલો પાથરીને મોડી રાત સુધી જેઠાકાકાના કુટુંબના બે-ત્રણ યુવાનો બેસે ને ગામગપાટા મારે; ચાંદની રાત હોય તો પાનાં રમે. ઘણે વર્ષે, મોટા થયા પછી એક કાવ્યમાં લખ્યું : ‘ચાંદની ફળિયામાં લીમડો ચીતરે.’ આ પંક્તિ જ્યારે જ્યારે વાંચું છું, ત્યારે ત્યારે મારી આંખો સામે ચાંદની રાતમાં ડોલતો ને એમ પોતાની છાયાને ડોલાવતો આ લીમડો જ ઊભો હોય છે. હા, ઊભો હોય છે. ઝાડને સ્થિતિ હોય છે, ગતિ નથી હોતી. એટલે તો જેઠાકાકા ગયા, નંદકુમાર અમદાવાદમાં વસ્યા ને હું સૂરતમાં છું, પણ એ લીમડો તો ત્યાંનો ત્યાં જ છે. અમને જેમ એની માયા તેમ એને અમારીય હશેસ્તો; પણ શું થાય? મૂળિયાં જ્યાં નાખ્યાં ત્યાં નાખ્યાં. ધારો કે મૂળ લઈને એ લીમડો નીકળી પડ્યો તોય તે ફરી એમ ક્યાંય ઊભો થઈ કે રહી શકે ખરો કે? છતાંય ધારો કે એમ એ એના ને મારા વતનમાંથી હિજરત કરે તો મને ખાતરી છે કે એ અમદાવાદ ભણી નહીં. સૂરત ભણી જ ચાલી નીકળે ને અહીં મારા વાડામાં જ આવીને ઊભો રહે. એવી સઘન, ઘટાદાર અમારી ભાઈબંધી!