તરુરાગ અને નદીસૂક્ત/નકશા બહારની નદી

From Ekatra Foundation
Revision as of 09:33, 5 July 2026 by Artimundra (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૨. નકશા બહારની નદી

ઓટલે ઊભા રહીને જોઈએ તો ઈશાનમાં બે-એક ગાઉ આધે ડુંગરાઓની એક હારમાળા દેખાય. એમાંના પહેલા બે ડુંગર તે કાનપુરિયો ને ઘેજગઢીઓ; બાકીના ઘનઘોર અરણ્યોમાં ડૂબેલા અનામી પહાડો. કાનપુરિયા ડુંગરમાંથી એક નાનકડી નદી નીકળે છે - ધુસ્કો. વિચિત્ર નામ છે, નહીં? કોણે પાડ્યું હશે ને કેમ પાડ્યું હશે આવું નામ? ન જાને. આમ તો આ પ્રદેશમાં બધા ડુંગરાઓ ને બધી નદીઓનાં નામ ન મળે. નામ પાડવા તે વળી કોણ નવરું હોય! આદિવાસીઓ તો રાત-દિવસના પરિચયથી નામ વગર જ એમને ઓળખે ને ઓળખાવે. કદાચ ‘ધુસ્કો’ નામ પણ થોડાક અમારા જેવા લોકો જ જાણતા હશે, બાકીનાને તો એ કાનપુરિયા ડુંગરમાંથી નીકળતું કોતેડું! What is there in a name? લખનાર શેક્સપિયર અહીં તો સાચો જ! પણ આ ધુસ્કાનું અમને નાનપણમાં ગજબનું આકર્ષણ. ગામને આરે કરડ નદી ઓળંગીએ ને નેળે પડીએ એટલે થોડીવારમાં આ ધુસ્કો ઓળંગવાનો આવે. એને સામે કાંઠે અમારા યજમાનોનું ગામ - પાલ્લી. વળી ઉત્તરમાં જરાક આગળ ઊભેલો મોરડિયો ડુંગર ચઢવો હોય કે અમારાં ખેતર જોવા જવું હોય તો ધુસ્કો ઓળંગવો જ પડે. કોતર બહુ રૂપાળું. રૂપા જેવી ચળકતી રેતીથી ભરપૂર. એના કાંઠા જાણે કોઈ નિષ્ણાતે માપ લઈને આંક્યા હોય એવા સમાન્તર ને બેય કાંઠે વનીકરણના કાર્યક્રમ અનુસાર રોપવામાં આવ્યા હોય એમ હારબંધ ઊભેલાં કણઝીના ઘટાદાર ઝાડ. સાંકડા પટવાળા આ કોતરનાં બે કાંઠાનાં ઝાડ ક્યારેક તો સામસામે હાથ મિલાવતાં કે એકબીજાને વળગતાં દેખાય. ધુસ્કામાં પાણી આવે ત્યારે આ પ્રવાહ ઉપર ઝૂકેલી કણઝીનાં ડાળપાંદડાં મેલાં થયેલાં દેખાય. કાનપુરિયા ડુંગર ઉપરથી ધુસ્કો એકદમ નીચે ભૂસકો મારે છે, ને પછી જરા સ્વસ્થ થઈ સપાટ જમીન ઉપર ચાલવા માંડે છે. બહુ દૂર જવાનું નથી. ત્રણ-ચાર ગાઉ ચાલીને કરડ નદીની ગોદમાં લપાઈ જવાનું છે, છતાં એની ચાલ તો જુઓ; બાળક જેવી, ઉતાવળી ને તોફાની. ક્યારેક તો એ ઊછળીને અધવચ્ચે જ કરડ નદીને મળી લે છે! અમે નાના હતા ત્યારે પાલ્લીને ઝાંપે ધુસ્કો ઊતરીને ગામમાં જઈએ. સાથે ઘણુંખરું તો દાદા હોય; પણ કોઈવાર ના ય હોય. એકવાર અમે બે - રમણભાઈ ને હું - કરડ ને ધુસ્કા વચ્ચેના જંગલમાં રખડવા નીકળેલા. શત્રુહરણી માતાના થાનક આગળથી પસાર થઈને અમે સીતાફળીના જંગલમાં પ્રવેશ્યા. આમતેમ નિરુદ્દેશે રખડતાં ધુસ્કાને કાંઠે આવ્યા. ત્યારે હું આઠ-નવનો ને રમણભાઈ છ-સાતના હશે. બે જણના અભિયાનમાં હું આગેવાન. કાંઠો ઊંચો; નીચે મજાની રેતી; પડીએ તો જરાય વાગે નહીં એવી ને એટલી. મનમાં તરંગ જાગ્યો : ધુસ્કામાં ભૂસકો મારવાનો. તે દિવસે જ અનુભવ થયો તે અપૂર્વ કહેવાય એવો : ઉત્સાહથી પડતું તો મૂક્યું, પણ શરીર સાથે જીવ પણ જાણે અધ્ધર! શ્વાસ થંભી ગયો, હવે નીચે જમીન-રેતી આવશે જ નહીં એમ લાગ્યું. વચ્ચેથી જ જાણે પાતાળમાં ઊતરી પડાતું હોય, મગજ બહેર મારી ગયું હોય, ભાન ખોવાઈ ગયું હોય એમ લાગવા માંડ્યું. છેવટે પગ રેતીને અડ્યા! ઊભા થઈને મેં ઊંચેં કાંઠા ઉપર ઊભેલા રમણભાઈ ભણી જોઈને વિજયનું સ્મિત ફરકાવ્યું. રમણભાઈ પણ ઉત્તેજિત થઈને કૂદી પડ્યા. નીચે રેતીમાં આવ્યા પછી એમણે મારી સામું જોયું. મેં એમની સામે જોયું ને વચગાળામાં પેલો જે અનુભવ થયો તેનો મનોમન તાળો મેળવી લીધો. બેમાંથી કોઈ કશું બોલતા નથી; તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. મારા મનમાં ખોટું કર્યાનો પસ્તાવો ને થોડો અપરાધભાવ જાગેલો એવું સ્મરણ છે. રમણભાઈને મારા અનુભવ પછી ભૂસકો મારવાની હું ના પાડી શક્યો હોત, એમને અધવચ્ચે કંઈ થઈ ગયું હોત તો - એવા ખ્યાલથી મન ખિન્ન થઈ ગયેલું. બોલ્યાચાલ્યા વગર અમે થોડું ચાલ્યા ને પાછા અસલ મિજાજમાં આવી ગયા. ૧૯૨૭નું વરસ ગુજરાતમાં અતિવૃષ્ટિનું, રેલનું વરસ. એ ચોમાસામાં મહિનાઓ સુધી સૂર્યના દર્શન દુર્લભ. અમારાં ગામડાનાં કચરાની ભીંતોનાં ઘર, ઘણાંના ઘરની ભીંતો પડી ગયેલી. દિવસ-રાત ક્યારેક જોરથી તો ક્યારેક ટપટપ વરસાદ પડ્યા જ કરે. મોટે ભાગે ઘરમાં જ રહેવાનું. ઉનાળામાં ખાખરાનાં પાન લાવીને બાંધી રાખ્યાં હોય તે હવે છોડવાનાં. બા પતરાળાં કરે ને દાદા પડિયા. હવામાં એવું હીકળ હોય કે ઓઢવું પડે. મોટેરાં કહે : ‘ટાઢ સારી, પણ ટબકણું ખોટું; માંદા પડી જવાય.’ એ ચોમાસામાં મહિનાઓ સુધી નદીઓનાં પાણી ઊતરે જ નહીં. ગામ ગામ વચ્ચેના બધા વ્યવહાર બંધ. શ્રાવણ મહિનામાં પાલ્લીના અમારા યજમાનોને ઘેર કથા કરવાની હોય. ક્યારેક તો એકથી વધારે કથાપ્રસંગો પણ હોય. બાપુ બપોરના ઘેરથી નીકળે. યજમાનને ત્યાં સાંજે જમવાનું ને મોડેથી ઘેર પાછા ફરવાનું હોય. અમે છોકરાં જરા મોડાં પરસાદટાણે પાલ્લી પહોંચીએ. વહેલાં જઈ પડીએ તો ભાઈ-બહેનો એકલાં-એકલાં રમીએ. યજમાનનાં બાળકો તો બિચારાં અમારી પાસે ફરકતાં ભારે સંકોચ અનુભવે, ટગર ટગર કૌતુકથી અમને જોયા કરે. એક દિવસની વાત છે. જમણ પૂરું થયું. બાપુને તો પરવારતાં વાર લાગે એવું હતું એટલે અમને છોકરાંને વેળાસર ઘેર મૂકી આવવા માટે બે જુવાન યજમાનોને એમણે તૈયાર કર્યા. વરસાદ ઘડીમાં મુશળધાર તો ઘડીક ઝીણી ધારે પડ્યા જ કરે. ફળિયામાં પાણીના રેલા જાય; રેલામાં ફોરાંના ફોલ્લા ફૂટે, ફૂલ ઊઘડે. પરપોટા તરતા તરતા જરા આગળ જાય ને વાઝડીના મારાથી ફૂટી જાય. ડહોળાં પાણીમાં યજમાનનાં બાળકો ઉઘાડાં શરીરે ન્હાય. વચ્ચે વચ્ચે વીજળી થાય ને આખા ફળિયામાં અજવાળું થઈ જાય. વાદળ ગાજે ને શરીરમાંથી કંપારી પસાર થઈ જાય. છત્રી તો મળે નહીં. ત્યારે ઘરમાં એકાદ ભાંગીતૂટી છત્રી હોય - હરણછાપ કે ઘોડાછાપ, સોળ સળિયાની લાકડાના હાથાવાળી મોટેરાં વારાફરતી વાપરે; છોકરાંને તો પલળતાં જ ફરવાનું. અમને આની નવાઈ પણ નહીં; ઊલટું ગમે. વરસાદ પડતો હોય ત્યારે અમે કપડાં કાઢી નાખી ઘર બહાર નીકળી પડીએ, ઊગમણે. પાસે આવેલા મેદાનમાં દોડીએ, પાણીમાં આળોટીએ, કોતરની ધાર ઉપર સૂઈ તણાઈને કોતરમાં પડીએ. અંધારી ઘોર રાત, વરસાદ કહે મારું કામ. અમને પેલા બે યુવાનોએ ખંધોલે (ખભે) બેસાડ્યા. ઝાંપે આવ્યા ત્યાં તો ધુસ્કામાં પાણી ચઢે, કેડસમાણાં પાણી જાય, અંધારામાં કાળાં કાળાં દેખાય. ક્યારેક વીજળી થાય ને વહેતાં પાણીમાં વરસાદનાં ફોરાં પડતાં દેખાય. શરીર ઉપર તો ભીની ટપ ટપ થયા જ કરે. હેબતાઈ ગયેલા અમે ન બોલીએ, ન ચાલીએ. બધું પેલા યજમાનોને આશરે. ધુસ્કો તો હેમખેમ ઊતર્યા, પણ આગળ હજી કરડ નદી ઓળંગવાની. જુવાનો અંદર અંદર વાત કરે : ‘નદીમાં પાણી વધારે હશે તો ગોરદેવનાં આ છોકરાંનું શું થશે? કરડ ના ઊતરાય ને પાછું આવવું પડે તો ધુસ્કો ફેર (ફરી) ઊતરવો પડે. એટલામાં એ બે-કાંઠે થઈ ગયો તો? અંતરાઈ જઈએ. પછી તો માતાને ઘોડે થઈને કરડ ને ધુસ્કાની વચ્ચે આવેલા જેકણપુરા ગામમાં રાત રહેવું પડે’ અમે આ બધું સાંભળીએ; સમજીએ પણ ખરા કે ખરેખરી જોખમની ઘડી છે. મરી જવાશે એવો વિચાર તો ન આવે પણ અંધારું, પાણી ને ભૂતપ્રેતનો ભય આ ટાઢોડામાં શરીરને વધારે ટાઢું કરી મૂકે, કંપાવે. આખરે કરડને કાંઠે આવ્યા. ધોતિયાનો કાછડો વાળી, ઢોળાવ ઊતરી પેલા જુવાનોએ ધીમે રહીને, સંભાળીને પાણીમાં પગ ટેકવ્યા. અમને પણ બે હાથે બરાબર ઝાલ્યા. પણ… જેવું એક ડગલું આગળ મૂક્યું કે પાણી સીધું છાતી સુધી! તાણમાં જેમ તેમ સ્થિર થયા ને પાછું પગલું મૂકી કાંઠે આવી ગયા. અમારા પગ પણ થોડા પાણીમાં બોળાયા. બરાબર આજેય યાદ છે એ પુરના પાણીનો ભયાનક સ્પર્શ. કરડ નદીમાં પૂર ચઢતું હતું. અમે ધુસ્કો પાર કરી પાછા પાલ્લીમાં પહોંચી ગયા. બાપુએ નિરાંત અનુભવી; રાત પાલ્લીમાં જ રહેવાનું નક્કી થયું. ધુસ્કાનો એ નાનકડો રેતાળ પટ હજી આંખોમાં ચળકે છે, ને પેલો બે કાંઠાને અડીને પડેલો મહાકાય પથ્થર, ખડક પણ. પાલ્લી જતાં ડાબે હાથે ધુસ્કાના નીચવાસમાં જરા આગળ જઈએ તો આ કાળો ડિબાંગ પથરો દેખાય. જોયું તો નથી, પણ અનેકવાર કલ્પના કરી છે કે કોતરમાં જ્યારે મોટું પૂર આવતું હશે ત્યારે આ ખડક આગળ કેવો દેખાવ થતો હશે! ડહોળાં પાણીના તરંગ તોફાની બાળકની જેમ પથ્થરને બરડે ચડવા જતા હશે, ચડતા હશે ને વળી લસરીને પડતા હશે, પાછા ચડતા હશે. એમના ફીણિયા હાસ્યની છોળથી કાળો કઠ્ઠણ પથ્થર થોડો ઊજળો ને નરમ લાગતો હશે. ક્યારેક માથેથી કૂદીને પેલા તરંગો સામે પાર પડતા હશે ને નાચતાં નાચતાં આગળ જતા હશે. આવડા સાંકડા વહેળામાં ધોળી ધોળી રેતી વચ્ચે કાળો કાળો આવડો મોટો પથ્થર ક્યાંથી આવ્યો હશે? તણાઈને તો ન જ આવે, એ કદાચ અહીંની ભોંયમાંથી ઊગી નીકળ્યો હશે. આસપાસની પથરાળ ભોંય પાણીથી ખણાઈ ખોદાઈને ખડકરૂપે નીકળી આવી હશે; કે પછી કોઈ કાળે પૃથ્વીનું પેટાળ ખળભળી ઊઠ્યું હશે, મોટો વિસ્ફોટ થયો હશે ને બાજુની નવાગામની પેલી ટેકરી સાથે આ પહાડ જેવો પથ્થર ઊડીને અહીં પડ્યો હશે. ગમે તેમ નદી વચ્ચે નિર્ભયપણે ઊભેલો આ ખડક અમારો ખેદ હરી લે છે, અમારું મન અચંબાથી ભરી દે છે. આષાઢના દિવસો છે. દસે દિશાઓ વાદળાંથી ઘેરાઈ ગઈ છે. હું હીંચકા ઉપર બેઠો છું. હાથમાં ‘મેઘદૂત’ છે. મંદાક્રાન્તી કાલિદાસીય પંક્તિઓમાં તરું છું, તણાઉ છું. એ વિદિશા ને દશાર્ણ, રેવા ને સિપ્રા, ઉજ્જયિની ને અલકા : મહાકવિએ ઇતિહાસ-ભૂગોળને કવિતામાં કેવાં મઢી લીધાં છે! કવિતાની પાંખે કવિ કેવા આખા ઓતરાખંડની જાત્રા કરાવે છે! મન ભીનું ભીનું છે, વિરહ વગર વિરદ્ભાવથી ગદ્ગદ છે. ને વિરહ નથી એવુંય કેમ કહેવાય? પેલા યક્ષ જેવો કાન્તાવિરહ ભલે નથી, પણ વતનથી વિખૂટો છું, શૈશવથી દૂર પડી ગયો છું. વાદળાં ઘેરાયાં છે, ટપટપ ફોરાં પડી રહ્યાં છે. ભીની માટીની ગંધ સાથે મનની માટે સ્મરણોની ગંધથી તરબતર છે. ‘મેઘદૂત’ના શ્લોકે શ્લોકે વાદળ સાથે મન વતનભણી ઊડી રહ્યું છે. સાગનું વન ટપકે છે, ધુસ્કો બે-કાંઠે જાય છે. ભ્રૂવિલાસથી અનભિજ્ઞ એવી કાલિદાસની જનપદવધૂઓમાં મારા વતનની વનકન્યાઓ ભળી જાય છે.