ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/બીજી આવૃત્તિનું નિવેદન

From Ekatra Foundation
Revision as of 15:23, 14 July 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બીજી આવૃત્તિનું નિવેદન

ગુજરાતી સાહિત્ય પરિષદે ઈ. ૧૯૬૭માં, ગુજરાતી સાહિત્યના બૃહદ ઇતિહાસની યોજના હાથ ધરી એ પછી ઈ. ૧૯૭૩થી ૧૯૮૧ સુધીમાં એના ચાર ગ્રંથો પ્રકાશિત થઈ ગયા હતા, ને સમયના ક્રમે મધ્યકાળના આરંભ(આશરે ઈ. ૧૧૫૦)થી ‘ઝવેરચંદ મેઘાણી’ સુધી પહોંચાયું હતું. એના પ્રકાશનનાં ૨૦-૨૫ વર્ષો પછી આ ચારે ગ્રંથો અપ્રાપ્ય બન્યા છે – પહેલા બે ગ્રંથો તો વર્ષોથી અપ્રાપ્ય હતા. એટલે પરિષદે આ ચારે ગ્રંથોની બીજી આવૃત્તિઓ પ્રકાશિત કરવાનું વિચાર્યું અને એના શોધન-સંપાદનની જવાબદારી મને તથા પરામર્શનની શ્રી ચિમનલાલ ત્રિવેદીને સોંપવામાં આવી. કેવળ પુનર્મુદ્રણને બદલે નવી આવૃત્તિઓ કરવાના પરિષદના નિર્ણય પાછળનું મહત્ત્વનું કારણ એ છે કે આ ચારે ગ્રંથોમાંની કેટલીક (ગ્રંથ-૨માંની તો ઘણી) સામગ્રીની ફેરતપાસ જરૂરી બની હતી. ઈ. ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદે ‘ગુજરાતી સાહિત્યકોશ’ની કામગીરી આરંભી હતી ને એમાં ઘણાબધા સંદર્ભોની તુલનાત્મક ચકાસણીને પરિણામે જે અધિકૃત વિગતો તારવવામાં આવી હતી એના પ્રકાશમાં સાહિત્યકોશપૂર્વે પ્રકાશિત થયેલી સાહિત્યના ઇતિહાસ, સંશોધન અને વિવેચનના ગ્રંથોમાંની કેટલીક સામગ્રી તથ્યોની દૃષ્ટિએ ફેરવિચાર ને સંમાર્જનને પાત્ર ઠરી હતી. કર્તાઓનાં નામોના, એક જ નામના એકાધિક કર્તાઓના ને એમના કર્તૃત્વના; કર્તાઓના સમય-નિર્ધારણના; રચનાકારો(રચિયતા) અને લેખનકારો(લહિયા)નાં નામોની સંદિગ્ધતા અને ભેળસેળના; કૃતિઓના રચનાસમયના – કેટલાક પ્રશ્નો ઉપર તરી આવ્યા હતા. ઇતિહાસ-ગ્રંથોની આ નવી આવૃત્તિને, એ બધા સંદર્ભે, અદ્યતન(અપડેટેડ) કરવાનું વિચાર્યું છે. વળી મધ્યકાલીન તેમજ અર્વાચીન કર્તાઓ પરનાં વિવિધ લેખો/પ્રકરણોને જીવનસંદર્ભો અને સાહિત્યકાર્યના પ્રમાણના સંદર્ભમાં પણ જોઈ લેવાનું ને એ લેખોનું, જ્યાંજ્યાં ને જેટલું આવશ્યક હોય ત્યાં એટલું સંપાદન(એડિટિંગ) કરી લેવાનું પણ આ નવી આવૃત્તિ વખતે વિચાર્યું છે. વિવિધ વિદ્વાનોના હાથે સમયાનુક્રમી પ્રકરણોરૂપે આ ઇતિહાસગ્રંથો તૈયાર થયા હોવાથી, શૈલીની ભલે નહીં પણ લેખનપદ્ધતિની શક્ય એટલી એકવાક્યતા ઊભી થાય તો એનું માળખું વધુ શાસ્ત્રીય ને એકરૂપ કરવાનું બની શકે, એ દૃષ્ટિકોણથી પણ સંમાર્જનો કરી લેવાનું રાખ્યું છે. જુદેજુદે હાથે, સમયાનુક્રમી પ્રકરણોરૂપે, તૈયાર થતા સંકલિત-સંપાદિત ઇતિહાસ-લેખનના પ્રશ્નો રહેવાના. એટલે એમાં સંપાદકની કામગીરી, ને એનું ઉત્તરદાયિત્વ પણ, વધી જવાનાં. આ ઇતિહાસગ્રંથોની પ્રથમ આવૃત્તિનું સંપાદન, તેમજ સહસંપાદન, ગુજરાતીના ઉત્તમ વિદ્વાનો-સારસ્વતોના હાથમાં સોંપાયેલું હોવાથી તેમજ એના સહયોગી લેખકો તરીકે પણ આપણા કેટલાક તજ્જ્ઞ અભ્યાસીઓની મદદ મળી હોવાથી સાહિત્યના ઇતિહાસને સમૃદ્ધ કરે એવા તેજસ્વી અંશો આ ગ્રંથોમાં અવશ્ય દેખાય છે. તેમ છતાં, ભલે દરેકની આગવી છતાં ભિન્નભિન્ન શૈલીઓના – ને ખાસ તો લેખનપદ્ધતિના – જુદાપણાનો સામનો કરવાનો તો આ બૃહદ ઇતિહાસને પણ આવ્યો છે. એ ઘણે અંશે સ્વાભાવિક પણ ગણાય એટલે આ શોધિત-વર્ધિતઆવૃત્તિમાં પણ પરિરૂપ ને લેખનપદ્ધતિની પૂરી એકવાક્યતા સુધી જવું તો શક્ય હતું નહીં છતાં અહીં યથાશક્ય, ને જરૂરી એટલી, એકવાક્યતા સાધવાની મથામણ કરી છે. અલબત્ત, એમ કરવામાં પણ, સ્વાભાવિક રીતે જ, ઘણી જહેમત લેવાની થઈ છે. પુસ્તકમાં લેખનપદ્ધતિની એકરૂપતા માટે આ મુજબનાં સંમાર્જન, ફેરફારો અહીં કરી લીધાં છે : ૧.૧ ‘લ/ળ’ના વિકલ્પવાળા શબ્દોમાં સર્વત્ર, ગુજરાતીમાં હવે રૂઢ થયેલા ‘ળ’ને જાળવ્યો છે. ઉ.ત. મધ્યકાળ, કુમારપાળ, સકળ વગેરે; પરંતુ કૃતિનામોમાં મૂળનો ‘લ’ જાળવ્યો છે. જેમ કે ‘કુમારપાલપ્રબંધ’. તત્સમ પ્રત્યયોવાળાં પદોમાં ‘લ’ રૂઢ રહ્યો છે એટલે ત્યાં પણ એને જાળવ્યો છે : મધ્યકાલીન, તત્કાલીન વગેરે. ૧.૨ દ્વિરુક્તોને સમાસ ગણીને એનાં પદોને છૂટાંછૂટાં ન લખતાં એકશબ્દરૂપ લખ્યાં છે. જેમકે, ‘ઠેરઠેર’, ‘લઈલઈને’ વગેરે. ૧.૩ સંદર્ભદર્શક નોંધો તે-તે પાના નીચે નહીં, પણ પ્રકરણને અંતે મુકાયેલી હોવાથી ‘પાદટીપ’ (ફુટનોટ્સ) શબ્દ રાખ્યો નથી, એને બદલે ‘સંદર્ભનોંધ’ શબ્દ મૂક્યો છે. એ રીતે, ‘એજન’નું પણ સર્વત્ર ‘એ જ’ એવું સ્પષ્ટ અર્થ-નિર્દેશક રૂપ મૂક્યું છે. ૨. કોઈ વિશેષ સંદર્ભ જરૂરી હોય એ સિવાયનાં સ્થાનોમાં બધે સંવતને ઈસવી સનમાં ફેરવીને વર્ષનિર્દેશો કર્યા છે. અલબત્ત, જ્યાં કૃતિનું રચનાવર્ષ વગેરે (એની પંક્તિઓનો આધાર લઈને) તિથિ-વાર-માસ-વર્ષ(સંવત) – એમ સર્વ વિગતો સાથે દર્શાવ્યાં હોય, કે એવા બીજા નિર્ણાયક બનનારા વિગતનિર્દેશો હોય ત્યાં તિથિ-માસ સમેત સંવત તથા ઈસવી સન બંને જાળવ્યાં છે. આ સિવાય બધે જ, સંવત ને ઈસવી સન સાથે સાથે દર્શાવ્યાં હોય એમાંથી ઈસવી સન જ જાળવ્યા છે. આંકડાકીય ભ્રાન્તિની સંભાવનાને ટાળનારી વિશદતાના સંદર્ભે આ ફેરફાર ઉપયોગી જણાયો છે. ગ્રંથમાં બધે જ સદી-નિર્દેશો તો ઈસવી સન પ્રમાણે જ થયા છે (જેમકે, ઈ.ની ૧૨મી સદી, વગેરે) – એ જોતાં પણ ઉપર મુજબના ફેરફારની (=એકવાક્યતાની) ઉપયુક્તતા સમજી શકાશે. ૩. વિગતોની શુદ્ધિ (કર્તાનામ/કૃતિનામ/કર્તૃત્વ/સમય આદિની શુદ્ધિ), આ ખંડમાં, મુખ્યત્વે ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ : ૧(૧૯૮૯)ને સામે રાખીને કરી છે. અલબત્ત, ક્યારેક, જ્યાં બંને વિગતો શંકાસ્પદ લાગી ત્યાં ‘જૈનગૂર્જર કવિઓ’ વગેરે બીજા સંદર્ભોની મદદ લઈને વિગતશુદ્ધિ કરી લીધી છે. આવી વિગતશુદ્ધિઓ/વિગતફેરની કોઈ નોંધ ગ્રંથમાં તે-તે સ્થાને (કે અહીં) કરી નથી. અભ્યાસીઓ આ શોધિત-વર્ધિત આવૃત્તિની વિગતોને આજસુધીની યથાશક્ય પ્રમાણિત વિગતો તરીકે સ્વીકારી અને મૂલવી શકશે. અલબત્ત, આવાં વિગતશુદ્ધિનાં સ્થાનો ખંડ : ૧માં ઓછાં છે; ખંડ : ૨માં એવાં સ્થાનો વધારે નીકળવાનાં. ૪. સંદર્ભનોંધો દરેક લેખકે પોતાની જરૂરિયાત ને પદ્ધતિ અનુસાર કરી છે – એમાં ઝાઝા ફેરફારને અવકાશ નથી. માત્ર, ગ્રંથનામ-સંક્ષેપો દરેક શબ્દના આદ્યાક્ષરથી દર્શાવેલા છે ત્યાં છેલ્લો શબ્દ પૂરો કરી લીધો છે. જેમ કે, ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’નો સંક્ષેપ ‘ગુ. રા. સાં. ઇ.’ હતો એને બદલે ‘ગુરાસાંઇતિહાસ’ કરી લીધો છે. એથી વાચકોને સંક્ષેપ-વાચનમાં સુગમતા રહેશે. સંદર્ભનોંધોમાં ગ્રંથનામો ઇટાલિક ટાઇપમાં કરી લીધાં છે. ૫. ગ્રંથને અંતે મૂકેલી સંદર્ભગ્રંથસૂચિમાં, બિબ્લીઓગ્રાફીની હાલ પ્રચલિત પદ્ધતિ-અનુસાર, વિગતક્રમની એકવાક્યતા નિર્દેશતી, ફેરગોઠવણ કરી લીધી છે. ૬. આ પહેલા ખંડમાં, એના વિદ્વાન લેખકોનાં લખાણો ઘણાં સમૃદ્ધ ને સંગીન હોવા ઉપરાંત સઘન રૂપમાં મુકાયેલાં છે એથી સામગ્રીમાં તો ભાગ્યે જ થોડાંક સ્થાનોએ કાટછાંટ(એડિટિંગ) કરવાની જરૂર પડી છે. ક્યાંક, ખાસ કરીને જૂની ગુજરાતીની કૃતિઓમાંથી ઉદ્ધૃત કરેલી પંક્તિઓના અનુવાદ/સાર-અંશોને સ્પષ્ટ સમજૂતી અને વિશદતાની દૃષ્ટિએ, લેખકની સંમતિપૂર્વક, સંમાર્જિત કરી લીધા છે. સાહિત્યકોશના સંપાદનકાર્યનો અનુભવ આ કામમાં પણ બહુ ઉપયોગી નીવડ્યો છે. ખાસ તો પદ્ધતિ અંગેની ચોકસાઈ ને શિસ્તના સંદર્ભમાં. આ ગ્રંથોના પરામર્શક આદરણીય ચિમનભાઈની, સંપાદન અંગે કેટલાક નિર્ણયો લેવાના થયા ત્યાં સંમતિ મળી છે. આ ગ્રંથોની પ્રથમ આવૃત્તિ વખતે, સહાયક સંપાદક તરીકે એમની ઘણી સક્રિય ભૂમિકા રહેલી. એથી, આ બીજી આવૃત્તિમાં એ પરામર્શક હોય એ સર્વથા ઉચિત હતું. એમનાં સૂચનો બહુ ઉપયોગી રહ્યાં છે અને એમણે મને હંમેશાં મોકળાશ પણ આપી છે. પરિષદે આ સંપાદન સોંપ્યું એથી સાહિત્યના ઇતિહાસને નવેસરથી ને નિકટથી જોવાની તક મળી. પરિષદનો એ માટે આભારી છું.

વડોદરા; ૧૫, ઑક્ટોબર ૨૦૦૧

– રમણ સોની