ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/અખો
ઉમાશંકર જોશી
૧. જ્ઞાનમાર્ગી કવિતાનું શિખર
૧. અખાનું સમન્વય દર્શન૧[1] – મધ્યકાલીન હિંદમાં ભક્તિનું પ્રચંડ મોજું આવ્યું. ખાસ કરીને ઉત્તર હિંદની ઉદીયમાન નવી નવી અર્વાચીન ભાષાઓને એણે નવપલ્લવિત કરી મૂકી. ભાષાઓમાં જે ભક્તિસાહિત્ય પ્રગટ્યું તેમાં સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિની એમ બે મુખ્ય ધારાઓ છે. સગુણ ભક્તિ રામાશ્રયી અને કૃષ્ણાશ્રયી એમ બે સ્વરૂપની જોવા મળે છે. ગુજરાતમાં રામાશ્રયી ભક્તિધારા ભાલણ, પ્રેમાનંદ, ગિરધર આદિમાં અને કૃષ્ણાશ્રયી ભક્તિધારા નરસિંહ, મીરાં, મધ્યકાળના અન્ય અનેક કવિઓ, સંતો અને દયારામમાં વ્યક્ત થાય છે. નિર્ગુણ ભક્તિના પ્રથમ પ્રબળ ઉદ્ગારો નરસિંહનાં `પ્રભાતિયાં’માં મળ્યા, ત્યાર પછી અન્ય કવિઓમાં એ મળતા રહ્યા છે. અખાના સમકાલીનોમાં, ખાસ કરીને જ્યેષ્ઠ સમકાલીન ‘જ્ઞાનગીતા’–કાર નરહરિમાં જ્ઞાનાશ્રયી કવિતાની એવી ભૂમિકા રચાય છે કે તે પછી જ્ઞાનમાર્ગી કવિતાનું શિખર અખો દૃષ્ટિએ પડે તો આશ્ચર્ય જેવું નથી. શાંકર વેદાંતનો જ નહીં, શંકર ઉપર જેમની અસર છે તે ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પણ અખાએ સબળ રીતે કવનમાં પુરસ્કાર કર્યો તે પહેલાં નરહરિએ પણ પોતાની રીતે કર્યો છે. નિર્ગુણ ભાવનો ઉદ્ઘોષ અખાથી, નરસિંહથી, કબીરથી પણ પહેલાં નામદેવ જેવા સંતો દ્વારા થતો રહ્યો છે. અખો ભક્તિની વિવિધ સાધનાથી સુપરિચિત છે. ‘નિર્ગુણ કથતાં કબીરને પ્રભવ્યો, સગુણ ગાતાં નરસૈ રે મહેતો’ એમ એ એક અપ્રસિદ્ધ પદ (ફાર્બસ ગુજરાતી સભા, હસ્તપ્રત ૧૪૯)માં કહે છે. ગુજરાતી સાહિત્યમાં જ નહીં, દેશના મધ્યકાલીન સાહિત્યમાં અખાનો અવાજ અનોખો છે. જો કોઈની સાથે ક્યારેક એનો અવાજ મળતો આવતો હોય તો તે કબીરના બ્રહ્મલલકાર સાથે. મધ્યકાળમાં કબીર અને અખાની જોડી તરત ધ્યાન ખેંચે એવી છે. આ બે જણા, સદ્ગત મહાદેવભાઈ દેસાઈએ મારી જોડે એકવાર વાતચીતમાં અખા માટે વાપરેલા શબ્દોમાં કહીએ તો, ‘સેમિનલ પોએટ’- વીર્યવંત કવિ છે. બંને કવનમાં જ્ઞાનને, નિર્ગુણ ભાવને, અધિકાંશે વધાવે છે. કબીરની જેમ અખો સમન્વયદર્શી છે. કબીરની પ્રતિભા કોઈ જ મુખ્ય સાધના તરફ પીઠ ફેરવતી નથી, અખાને દા.ત. યોગસાધનામાં રસ નથી. પણ કબીર જેટલી સર્વગ્રાહિતા અખાની સાધનામાંથી નથી તે છતાં કબીરની ને એની વચ્ચેના ગાળામાં દેશમાં વિશેષરૂપે ફાલેલી વલ્લભીય પ્રેમલક્ષણા ભક્તિ સાથે સમન્વય સાધવા અખાએ કરેલો પુરુષાર્થ એ હિંદની મધ્યકાલીન સંસ્કૃતિના ઇતિહાસનું એક ધ્યાનાર્હ પૃષ્ઠ છે. અખાના સમય સુધીમાં ભક્તિના જુવાળનાં ઉત્તમ સાહિત્યિક પરિણામો દેશની ભાષાઓમાં ઘણું ખરું આવી ચૂક્યાં હતાં. (મરાઠીમાં તુકારામ-રામદાસ આવવા હજુ બાકી છે એટલું.) ચૈતન્ય મહાપ્રભુએ ગોપીભાવથી કૃષ્ણને ભજવાના ઉઘાડેલા માર્ગની અસરની અને ‘आत्मा वैं राधिका प्रोक्ता’ આત્મા એ જ પરમાત્મા (કૃષ્ણ)ની રાધા છે એમ બોધનાર શ્રીમદ્ વલ્લભાચાર્યના પ્રભાવની ઉત્તમ કવિતા–ફસલની લણણી થઈ ચૂકી હતી. હવે ભક્તિ જુવાળમાં ઓટ આવતાં વિલાસિતાના કીચડ જોવાના અખાના ભાગ્યમાં આવ્યા લાગે છે. ભક્તિ અને વેવલાઈ વચ્ચેનું અંતર લુપ્ત થયેલું એણે જોયું. કહેવાતા ભક્તો-વૈષ્ણવ નામધારીઓ ‘નાહી ધોઈને ફરે ફૂટડા, ખાઈપીને થયા ખૂંટડા’ જોઈ એ તંગ આવી ગયો. પોતે પણ ગોકુલનાથને ગુરુ કરી આવ્યો અને એમ સમાજમાં સગુરો કહેવાયો એ ભલે, પણ ગુરુને વાંકે નહીં પણ પોતાના વાંકે મનનો વિચાર તો નગુરો જ રહ્યો. અંતે આત્માનુભૂતિએ એને નિર્ગુણ ઉપાસનામાં સ્થિર કર્યો. તેમ છતાં ધ્યાનમાં લેવા જેવું એ છે કે અખાની નિર્ગુણોપાસના તેના એક મુખ્ય પ્રવર્તક શંકરની કે મધ્યકાળના કબીરની નિર્ગુણોપાસના કરતાં કાંઈક જુદી છે. કબીરની નિર્ગુણોપાસના ઇસ્લામીઓને ગ્રાહ્ય થાય એવા સ્વરૂપની થવા જાય છે. બીજું, તેમાં કબીરપૂર્વેના નાથપંથીઓના ધ્યાનયોગની અસરને પરિણામે રહસ્યવાદની છાંટ છે. અખામાં એવું ઓછું છે. શંકરાચાર્યે, કહેવાય છે કે, અંતઘડીએ શિષ્યોને નિર્ગુણમાં ચિત્ત ન ઠરે તો સગુણને સેવવાની સલાહ આપી હતી અને અપૂર્વ સ્તોત્રો રચી આપ્યાં હતાં. કબીર પણ સગુણ ભક્તિનો સમાદર કરે છે ત્યારે એમની વાણી અપૂર્વ હૃદયવેધકતાવાળી હોય છે : “વે દિન કબ આવેંગે ભાઈ, જા કારણિ હમ દેહ ધરી હૈ મિલિબો અંગ લગાઈ?’ અખાનું એમ કહેવું છે કે ચિત્ત સ્થિર કરવું તો નિર્ગુણમાં જ, પણ પછીથી સગુણને પણ સેવવો. દૂધમાં કુદરતી ખાંડ–મીઠાશ તો છે જ, પણ એમાં સાકર ઉમેરીએ તો વળી વધુ મીઠાશ આવે :
નિર્ગુણ થઈને સગુણમાં મળે, તો અખા જેમ દૂધમાં સાકર ભળે.
ગોકુલનાથજીના પિતાના અધ્યાપક, ‘અદ્વૈતસિદ્ધિ’કાર, પ્રખર શાંકરવેદાન્તી મધુસૂદન સરસ્વતી ‘कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने’ કૃષ્ણથી વધીને કશું નથી એવા અભિપ્રાય પર આવે છે એ અષ્ટછાપ કવિઓના સમયમાં ભક્તિરસની છોળોથી ભીંજવા ભાગ્યશાળી થનારા તત્ત્વદર્શી અંગે સમજી શકાય એવું છે. અખાને વચગાળામાં જામેલી સાંપ્રદાયિકતાએ એના નિજી વલણે એટલે સુધી જવા દીધો નથી. પણ અખો વચગાળાની ભક્તિચર્યામાં પ્રેમલક્ષણાનું તત્ત્વ પ્રકાશ્યું હતું તેને જતું કરવા તૈયાર નથી, જેમ કબીર નાથપંથીઓના ધ્યાનયોગને પડતો મૂકી શકતા નથી. દૂધ મીઠું છે તો પણ, તેમાં સાકર મેળવવાને લોભે નિર્ગુણોપાસનામાં આ પ્રેમલક્ષણાવાળી સગુણોપાસના એ ભેળવવા ચાહે છે. અખો આમ નિર્ગુણ ઉપર આવીને ઊભો રહે છે, તેમ છતાં પુરોગામી ધર્મચર્ચામાંથી મહત્ત્વનાં તત્ત્વો ઉપાડી લઈ તેનો સમન્વય યોજે છે. આ તત્ત્વોમાં પ્રેમલક્ષણા ઉપરાંત બીજું તત્ત્વ એ સ્વીકારે છે તે છે પુષ્ટિ અથવા પોષણ, પરમાત્માનો અનુગ્રહ. – पोषणं तदनुग्रहः । પરમાત્મા ઇચ્છે તેને પોતે પ્રાપ્ત થાય – यमेवैष वृणुते तेन लभ्यः । ‘અખેગીતા’માં વર્ણવવાના વિષયોમાં જ્ઞાન વગેરે ઉપરાંત ‘ને વળી પુષ્ટ્ય’ એ ગણાવે છે. આમ, એક રીતે, સમન્વયદર્શી અખાએ નિર્ગુણોપાસના અને તત્કાલીન સગુણોપાસનાનો ઝઘડો શમાવ્યો છે. મધ્યકાળમાં અખાનું સમન્વયદર્શન એ લગભગ છેવટનું છે.
૨. અખાનો મૃત્યુસંદેશ?૨[2] – કનૈયાલાલ મુનશીએ ‘અખાનો મૃત્યુસંદેશ’ (‘અખા’ઝ ગોસ્પેલ ઑફ ડેથ’)૩[3] એવું વર્ણન કર્યું છે. તે યુગની જીવનપરિસ્થિતિ એવી હતી કે અખા જેવા પરલોકાભિમુખતા તરફ ધકેલાય–એવું એમનું નિરીક્ષણ છે. ઈ. ૧૫૭૩માં અકબરે ગુજરાતને મુઘલ સામ્રાજ્યનો ભાગ બનાવ્યું તે પછી પ્રમાણમાં શાંતિ હતી. જીવન હતપ્રભ હતું તેથી પરલોકાભિમુખતા તરફ વળવાનું થયું એમ પણ નહીં કહી શકાય. રાજકીય પલટાઓથી પરલોક તરફનું વલણ વધી જતું નથી. અખાને સમાજની ખૂબ ટીકાઓ કરવી પડે છે. સમકાલીન પરિસ્થિતિથી એ અસંતુષ્ટ છે, એથી પ્રેરાઈને મુનશીએ આવું વધુ પડતું સરળ તારણ કાઢ્યું હોય. અખા જેવા જાગ્રત સાધકને કોઈ પણ જમાનામાં પૂરો સંતોષ ન થાય અને એનાં ટીકાશસ્ત્રો વણવપરાયેલાં રહેવા પામે નહીં. પરલોકાભિમુખતા એ કાંઈક ખરાબ વસ્તુ છે એવા અણગમાભર્યાં ખ્યાલથી પ્રેરાઈને આ જાતનું ચિત્ર મુનશીએ જોયું છે. પણ નરસિંહ કે અન્ય કૃષ્ણભક્તોના કવનમાં પરલોકાભિમુખતા હોવા છતાં કદાચ એવો અણગમો તેઓ નહીં બતાવે, કેમકે નરસિંહની અને બીજી કૃષ્ણવિષયક કવિતામાં ‘રસિકતા’ આગળ તરી આવે છે. અખામાં એમને કદાચ, આ ન જોવા મળતાં, એને ભાગે ‘મૃત્યુસંદેશ’ના વાહકનું આળ આવે છે.
ખરી વાત એ છે કે સૌ ભક્તકવિ, શું નરસિંહ, શું અખો, શ્વાસેશ્વાસે આમુષ્મિક જીવનની વાત કરનારા છે. બધાને ‘મૃત્યુસંદેશ’ વાહકની ગાળ દઈ શકાય. હકીકત એ છે કે તત્ત્વજ્ઞાનનું અને ધર્મગવેષણાનું તો કામ જ છે મૃત્યુસંદેશ સાથે કામ પાડવાનું. પહેલું તો, ‘મૃત્યુનો’ નહીં પણ ‘મૃત્યુએ આપેલો’ એ સંદેશો છે, જેમ કઠોપનિષદમાં નચિકેતાને સાક્ષાત્ મૃત્યુ મુખેથી મળે પણ છે. એ સંદેશો પ્રેય-શ્રેય-વિવેકનો છે, દેહભાવથી છૂટવાનો અને આત્મભાવથી વર્તવાનો સંદેશ છે, જેને સેવવાને પરિણામે માણસ अथ मर्त्योऽमृतो भवति, मृत्युमुखात्प्रमुच्यते, आनन्त्याय कल्पते – મર્ત્ય અમર્ત્ય બને છે, મૃત્યુમુખથી છૂટે છે, અનંતતાને પામે છે.
ગ્રીક ફિલસૂફ પ્લેટો જણાવે છે તેમ સૉક્રેટિસના હાથમાં ઝેરનો પ્યાલો છે ને શિષ્યવૃંદને સમજાવે છે કે જીવન એ સતત મૃત્યુક્રિયા છેઃ ‘જે આત્મા જાણીબૂઝીને સ્વેચ્છાથી કદી પણ શરીર સાથે સંપર્કમાં રહ્યો નથી અને પોતામાં જે નિર્ભર રહ્યો છે, આવી રીતે અલગ રહેવું (ઍબ્સ્ટ્રૅક્શન) એ જ જેનું સતત પરિશીલન રહ્યું છે, બીજા શબ્દોમાં જે ફિલસૂફીનો સાચો ઉપાસક બન્યો છે અને તેથી મરવાની પ્રક્રિયામાં જ દિનરાત લાગેલો રહ્યો છે –કેમકે ફિલસૂફી એ મૃત્યુનું જ શું પરિશીલન નથી? તે આત્મા અમૃતત્વને પામે છે.’
પ્લેટોના આ શબ્દો જાણે અખો વાંચી ન આવ્યો હોય એવા એના ઉદ્ગારો છે : ‘મરતાં પહેલાં જાને મરી... જ્યમ અણહાલ્યું જળ રહે નીતરી.’ પ્લેટોના ‘ઍબ્સ્ટ્રૅક્શન’નો જ આ શબ્દોમાં અનુવાદ મળી રહે છે. હરહમેશની મરણપ્રક્રિયાના વિચારનો પણ અખામાં સુંદર રૂપમાં ભેટો થાય છે :
પરમ પીયૂષ જને પાન કરવું, ક્ષણક્ષણે, જન્મ ટળે એવું, મરવું.
તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનકવિતા મૃત્યુસંદેશ અવશ્ય આપે છે. પણ એ ક્ષણેક્ષણે એવું મરવાનું કહે છે કે જેને અંતે અમૃતત્વ મળે.
પણ આવી ચર્ચાઓમાં જે એક વસ્તુ ભુલાઈ જાય છે તે એ છે કે આમુષ્મિક જીવનની વાત કરનાર તત્ત્વજ્ઞાનકવિતા, ધર્મકવિતા, ઘણીવાર જીવનને વસ્તુતઃ અગણિત બિંદુઓએ સ્પર્શતી હોય છે અને એવા ગાયકની ઇહજીવનની સૂક્ષ્મ જાણકારીની ચાડી ખાતી હોય છે.
૨. જીવન
૧. સાધાર હકીકતો –૪[4] અખા વિશે માત્ર એની કૃતિઓમાંથી થોડીક હકીકતો મળે છે : (૧) એનાં કેટલાંક પદોને અંતે નામનિર્વચનમાં ‘સોનારા’ એવો ઉલ્લેખ છે, જે એ સોની હતો એમ દર્શાવે છે. (૨) ‘છપ્પા’ (પ્રપંચઅંગ ૧૬૭-૮) પ્રમાણે એણે ગોકુળનાથને ગુરુ કર્યા હતા. (૩) એની કૃતિઓમાંથી ‘પંચીકરણ’ની હસ્તપ્રતો અને ‘ગુરુ-શિષ્ય સંવાદ’ની પણ કોઈક હસ્તપ્રત રચનાસાલ સં. ૧૭૦૧ (ઈ. ૧૬૪૫) અને ‘અખેગીતા’ની હસ્તપ્રતો રચનાસાલ સં. ૧૭૦૫ (ઈ. ૧૬૪૯) આપે છે.
૨. જનશ્રુતિ૫[5] – અખો અમદાવાદની દક્ષિણે દસ માઈલ દૂર આવેલા જેતલપુરનો વતની હતો અને પછીથી અમદાવાદ આવીને રહ્યો હતો. અમદાવાદમાં ખાડિયા દેસાઈની પોળમાં કૂવાવાળા ખાંચામાં એક મકાનના ખંડને ‘અખાનો ઓરડો’ કહે છે એમ નોંધી નર્મદાશંકર દે. મહેતા લલ્લુભાઈ ધોળીદાસના મત પ્રમાણેનું ‘મોઢે ઉતરાવેલું’ પેઢીનામું આપે છે.૬[6] ધોળીદાસના પિતા મગનલાલ, તેમના પિતા અનોપચંદ, તેમના પિતા ભૂષણ અને ભૂષણના પિતા ગંગારામ, અખેરામ અને ધમાસી એમ રહિયાદાસ સોનીને ત્રણ દીકરા હતા. અખાએ જુવાનીમાં પિતા ગુમાવ્યા. એકની એક વહાલી બેન પાછી થઈ. પત્નીનું અવસાન થયું. બીજી વારની પત્નીનો પણ મૃત્યુએ વિયોગ કરાવ્યો. સંતતિ હતી નહીં. એવામાં વૈરાગ્ય તરફ ચિત્તને ધક્કો આપનાર બે પ્રસંગો બન્યા. એક ધર્મની માનેલી બહેને ત્રણસો રૂપિયા અખા પાસે મૂકેલા તે ઉઠાવી લેવાની ઇચ્છાથી સોનાની કંઠી બનાવી આપવા એણે અખાને કહ્યું. અખાએ ગાંઠના સો રૂપિયાનું સોનું ઉમેરી કંઠી કરી આપી. સોની તો સગી બહેનનું ચોરે એ કહેવતથી દોરાઈ બાઈએ કસ કઢાવ્યો. એ ચારસોની નીકળી. કસોટી કરવા કાપ મૂકનારે ‘એ તો એનો મૂળ ઘડનારો જ હવે પહેલાં હતી એવી કરી શકે’ એમ જણાવતાં એ અખા પાસે ગઈ અને કંઠી ઉંદરે કાપી છે કહી સમારી આપવા કહ્યું. ‘કાપ ઉંદરનો નથી, સાચી વાત શી છે?’ – એમ પૂછતાં અખાને બધો ભેદ મળ્યો અને એને બહુ નિર્વેદ થયો. અખો અમદાવાદમાં ટંકશાળનો ઉપરી હતો ત્યારે સિક્કાઓમાં એ હલકી ધાતુ ભેળવે છે એવી કોઈએ રાવ ખાધી. તપાસ થઈ. થોડાક દિવસ કાચી જેલમાં રહી છેવટે અખો નિર્દોષ છૂટ્યો. આ બે પ્રસંગોથી અખાને સોનીના ધંધા પર ધિક્કાર આવ્યો અને ઓજારો કૂવામાં નાખી દઈ સંસારમાં સાચું શું છે તેની ખોળ કરવા એ નીકળી પડ્યો. ગોકુલમાં અખા ‘શેઠ’ની માનપાનથી આગતાસ્વાગતા થઈ. પણ ત્યાં મન ના માનતાં એ કાશી ગયો. ત્યાં મણિકર્ણિકાના ઘાટ પર બ્રહ્માનંદ કરીને સ્વામી રાત્રે શિષ્ય આગળ પ્રવચન કરતા તે, અંદર પોતાને કદાચ સાંભળવા બેસવાનો અધિકાર ન મળે એ ખ્યાલથી, પર્ણકુટીની બહાર લપાઈ રહીને એણે સાંભળ્યા કર્યાં. દિવસે દ્રવ્ય આદિ લાલચોથી સ્વામીની એ કસોટી કરતો. કંચનકામિનીમાં એમની આસક્તિ નથી એ જોતાં એમના બોધમાં એને વધુ રસ પડ્યો. થોડા દિવસ પછી એક રાતે શિષ્ય નિદ્રાની અસર નીચે હોંકારો ભરી શક્યો નહીં ત્યારે પ્રવચનમાં ભંગ પડશે એ દહેશતથી અખાથી હોંકારો ભરાઈ ગયો. સ્વામીએ બહાર આવી પૂછપરછ કરી, અખાની જ્ઞાનપિપાસા અને સમજણ જોઈ, એને અપનાવ્યો અને જ્ઞાન આપ્યું. કાશીથી પાછા વળતાં અખો ગોંસાઈજીના દર્શને ગયો. ‘હું અખો શેઠ છું’ એમ કહેવા ગયો ત્યાં દરવાને પરખાવી દીધું, ‘અખો શેઠ તો બડો પૈસાદાર હતો, તું ફકીર અખો શેઠ થઈ પડ્યો?’ બ્રહ્માનંદને બીજા ત્રણ ગુજરાતી શિષ્યો હોવાનું અને તેમનો નિર્દેશ નીચેના દુહામાં હોવાનું કહેવાય છે :
અખાએ કર્યો ડખો, ગોપાળે કરી ઘેંશ,
બૂટે કર્યો કૂટો, નરહરને કહે શિરાવા બેશ.
જંબુસર પાસે કહાનવા બંગલાના ભગવાનજી મહારાજ, જેમણે ‘સંતોની વાણી’ અને ‘અખાજીની સાખીઓ’નું પ્રકાશન કર્યું છે તે અખાની શિષ્યપરંપરામાં પોતે સાતમા (બ્રહ્માનંદથી આઠમા) છે એમ કહેતા.
૩. કવનકાળ – ગોકુળનાથજીનું અવસાન સં. ૧૬૯૭ (ઈ. ૧૬૪૧)માં થયું. ‘ગોકુળનાથ’ના ઉલ્લેખવાળા ‘છપ્પા’માંના ‘પ્રપંચઅંગ’માં જ અખો કહે છે કે ગુરુ કરવાથી કાંઈ વળ્યું નહીં, પણ પછી ‘આવી અચાનક હરિ પરગટ થયો... અખે ઉરઅંતર લીધો જાણ, ત્યાર પછી ઊઘડી મુજ વાણ,’ એટલે કે આત્મજ્ઞાનના પ્રભાવથી પોતાનામાં કવિત્વશક્તિ પ્રગટી. ઈ. ૧૬૪૫નું ‘પંચીકરણ’ એ ચારચરણી ૧૦૨ કડીની પ્રારંભિક રચના લાગે છે. એમાં આરંભની ૩૨ કડીઓ ‘છપ્પા’માંનું ૨૩ છપ્પાનું પંચીકરણ અંગ હોવાનું જોઈ શકાય છે. એટલે કે ઈ. ૧૬૪૫ સુધીમાં અખાએ પંચીકરણ જેવા એક શાસ્ત્રીય વિષયને કાવ્યબદ્ધ કર્યો છે અને છૂટક ‘છપ્પા’ની રચનાઓ પણ શરૂ થઈ ચૂકી છે. પાંચેક વરસથી ‘વાણ’ ઉઘડી હોય અને તે પહેલાંના કોઈ વરસમાં (ઈ. ૧૬૪૧ પહેલાં) ગોકુલનાથજીની પાસેથી ગુરુદીક્ષા લીધી હોય એવું બને. આમ જોતાં એના કવનકાળની પૂર્વમર્યાદા વહેલામાં વહેલી ૧૬૪૦ અંદાજી શકાય. ‘અખેગીતા’ ઈ. ૧૬૪૯માં રચાઈ છે. અત્યારે મળતી અખાની કૃતિઓમાંથી કોઈ ‘અખેગીતા’ પછી રચાયાનો સંભવ હોય તો તે હોઈ શકે ૪૦ કડીનું ‘અનુભવબિંદુ’ અને કદાચ ‘છપ્પા’નાં કોઈક અંગ. ‘પંચીકરણ’ના પોતની સરખામણીમાં ચાર વરસ પછી રચાયેલી ‘અખેગીતા’નું પોત પરિણતપ્રજ્ઞાનું છે એ જોતાં તેની પછી વખતે છએક વરસ કવન ચાલ્યું હોય. એટલે કે કવનકાળની ઉત્તરમર્યાદા ઈ. ૧૬૫૫ અંદાજી શકાય.
૪. જીવનકાળ – સોનીનો ધંધો હતો, અમદાવાદ પાસેના જેતલપુર ગામનો રહેવાસી અમદાવાદ જઈને ધંધામાં સ્થિર થાય, નામના મેળવે, જનશ્રુતિ છે તે મુજબ જહાંગીરની ટંકશાળનો અધ્યક્ષ બને, વૈરાગ્ય પામે, ગોકુલનાથજી પાસે દીક્ષા લે, આત્મજ્ઞાન મેળવે અને એ પછી ‘કવેતા’ (કવિયતૃ, કવિ) બને એ બધી આયુષ્યયાત્રા કોઈ शुचीनां श्रीमताम् धीमताम् गेंहे જન્મેલાની આયુષ્યયાત્રા જેવી ઝડપી ટૂંકી ન સંભવે. સહેજે ઓછામાં ઓછાં આયુષ્યનાં ચાલીસ વરસ તો વ્યતીત થયાં હોય એમ માનવું વધારે પડતું નથી. એટલે કે જીવનકાળની પૂર્વમર્યાદા ઈ. ૧૬૦૦ અંદાજી શકાય. ‘અખેગીતા’ પછી કોઈ રચનાઓ થઈ હોય તેનો કવનકાળ ઈ. ૧૬૫૫ સુધીનો હોવાની સંભાવના સ્વીકારીએ તો એવું માનીએ કે તે પછી પોતે પાંચેક વરસ હયાત હોય તો પણ છેવટનાં વરસોમાં અખાએ કશું લખવાનું રાખ્યું ન હોય – જે તદ્દન અસંભવિત નથી. જીવનકાળની ઉત્તરમર્યાદા વહેલામાં વહેલી ઈ. ૧૬૫૫-૬૦ લેખી શકાય. અખો ઈ. ૧૬૦૦-૧૬૫૫ દરમ્યાન હયાત હતો એમ માની શકાય. ‘બાવનપેં બુધ્ય આઘી વટી’ (છપ્પા ૨૪૩) ઉપરથી અખાને બાવન વરસે આત્મસાક્ષાત્કાર થયો અને તે પછી એણે લખવાનું શરૂ કર્યું એવી ગણતરી અંબાલાલ જાનીએ૭[7] કરેલી, પણ નર્મદાશંકર મહેતાએ ‘બાવન’ એ શબ્દ અહીં તેમ જ બીજે મૂળાક્ષરો માટે – આખા શબ્દપ્રપંચ માટે વપરાયો છે એ, યોગ્ય રીતે, બતાવ્યું છે. પણ ‘તિલક કરતાં ત્રેપન થયાં’ (છપ્પા ૬૨૮) એ પંક્તિ ઘણું કરીને પોતાને ઉદેશીને લખાઈ છે એમ નર્મદાશંકર મહેતા અનુમાન કરે છે.૮[8] આ ‘ત્રેપન’ ‘તિલક’ સાથે અનુપ્રાસમાં અને ઘણી ઉંમર ચાલી ગઈ એ સૂચવવા પૂરતું જ લાગે છે; જેમ એ જ છપ્પામાં ‘કથા સુણીસુણી ફૂટ્યા કાન’ એમાં ખરેખર કોઈના કાન ફૂટવાની વાત નથી – અખાના પોતાના કાનની હાલત વર્ણવવાનો તો ભાગ્યે જ એમાં પ્રયત્ન હોય, પણ બાહ્ય આચારમાં બહુ લાંબા સમય સુધી રચ્યાપચ્યા રહેવાયું એ અંગેનો જ ઉલ્લેખ છે. ૫. ‘ગુરુ કર્યાં મેં ગોકુલનાથ’૯[9] – ગોકુલનાથના ઉલ્લેખવાળા ઉદ્ગારોમાં અખાનો તેમની ટીકા કે નિંદા કરવાનો આશય છે? ગુરુનિંદા કે વૈષ્ણવનિંદા એને અભિપ્રેત છે? ગોકુલનાથનો ઉલ્લેખ બે છપ્પામાં આવે છે, ૧૬૭ અને ૧૬૮માં. ૧૬૭નો પ્રચલિત પાઠ ‘પછી ગુરુ કરવાને ગોકુળ ગયો’ હતો, પણ ‘છપ્પા’ની ૧૯૫૩ની મારી સંશોધિત આવૃત્તિમાં મેં બતાવ્યું છે કે તેને માટે ઉપયોગમાં લીધેલી આઠ પ્રતોમાંથી છ પ્રતો એ કડી આપતી નથી. એક પ્રતમાંથી આ આઠમી પંક્તિ છૂટી ગઈ છે અને બાકીની એક ‘ગોકુલનાથ ગયો’ પાઠ આપે છે, ‘ગોકુલ ગયો’ નહીં. પણ આ છપ્પામાં ગોકુલનાથને ગુરુ કરવાના અખાના આશય સિવાય બીજું કશું કહેવાયું નથી. તે પછીનો છપ્પો ચર્ચાસ્પદ છે. તેની આરંભની ચાર પંક્તિના જુદા જુદા પ્રચલિત પાઠ અને હસ્તપ્રતોમાં મળતા પાઠ જોવા જેવા છે :
(૧) નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી અને બૃહત્ કાવ્યદોહન-૧ નો પાઠઃ
ગુરુ કીધા મેં ગોકુલનાથ, ઘરડા બળદને ઘાલી નાથ,
ધન લે ને ધોકો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે?
(૨) સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની ‘અખાની વાણી’નો પાઠઃ
ગુરુ કર્યાં મેં ગોકુલનાથ, ગુરુએ મુજને ઘાલી નાથ,
મન ન મનાવી સદ્ગુરુ થયો, પણ વિચાર નગરાનો રહ્યો.
ઈ.સ. ૧૮૮૪માં પૂજારા કાનજી ભીમજીએ પ્રગટ કરેલ ‘બ્રહ્મસ્વામી અખા ભક્તના છપા’માં ઉપરનો જ પાઠ છે માત્ર એ ‘મનન’ આપે છે. એટલો ફેર છે. (૩) ઈ. ૧૮૫૨માં શિલાપ્રેસમાં છપાયેલ અમદાવાદની પુસ્તકવૃદ્ધિ કરનાર મંડળ તરફથી પ્રગટ થયેલ ‘અખાજીના છપ્પા’નો પાઠઃ
ગુરુ કર્યાં મેં ગોકુળનાથ, નગુરા મનને ઘાલી નાથ;
મન મનાવી સગુરો થયો, પણ વિચાર નગુરાનો નગુરો રહ્યો.
મેં ૧૯૫૩માં સંશોધિત કરેલી આવૃત્તિમાં ગુજરાત વિદ્યાસભાની હસ્તપ્રત (નં. ૫૮૨) અને વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિરની હસ્તપ્રતના આધારે પાઠ સ્વીકાર્યો છે તે ઉપરના (૩) પ્રમાણેનો છે, માત્ર ‘સગુરુ’ ને ઠેકાણે ‘સગુરો’ શબ્દ એટલો ફેર છે. (૧) ની પહેલી ૩ લીટીઓ ફાર્બસસભાની હસ્તપ્રત નં. ૨૬૭ માં અને કહાનવા બંગલાની હસ્તપ્રતમાં (જેમાં નામ ‘ગોકલીનાથ’ આપ્યું છે) અને ગુજરાત વિદ્યાસભાની હસ્તપ્રત નં. ૧૬૩૫માં મળે છે. ત્રણેમાં ‘લે’ ને બદલે ‘હરે’ છે. ‘ધન હરે ધોખો નવ હરે’ એ પંક્તિ છપ્પા ૩૦૦માં આવે છે અને એને યોગ્ય સ્થાન ત્યાં છે. ત્યાં એ ‘પ્રાપ્ત રામ કરે તે ગુરુ, બીજા ગુરુ તે વાગ્યાં વરુ’ એની પછી આવે છે અને ત્યાં ખોટા ગુરુની ટીકાને સ્થાન છે. ૧૬૮માં એ અસંગત છે. ૧૬૮નો બલકે આખા ‘પ્રપંચઅંગ’ (૧૬૩-૧૭૦)ના આઠેઆઠ છપ્પાનો સંદર્ભ જોવો જરૂરી છે. ‘પ્રપંચ અંગ’ ગુરુઓના પ્રપંચ અંગે નથી, પણ વાક્પ્રપંચ અંગે છે. ‘શ્લોક સુભાષિત મીઠી વાણ’ ગાનારા કવિઓને અખો કહે છે કે હું પણ મન મનાવવા એક મોટા માણસને ગુરુ કરી આવ્યો હતો, પણ એટલા માત્રથી આધ્યાત્મિક અનુભવ મળી જતો નથી. ત્રણ મહાપુરુષ (પહેલા ત્રણ વૈષ્ણવ આચાર્યો) ખરા, પણ ચોથો આપ (આત્મા) ‘જેનો ન થાયે વેદે થાપ’, તેને ‘અખે ઉરઅંતર લીધો જાણ, ત્યાર પછી ઊઘડી મુજ વાણ.’ આધ્યાત્મિક અનુભવ પામ્યા પછી પોતે મોઢું ખોલ્યું છે, કવવા માંડ્યું છે,– ચર્વિતચર્વણ કરવાનો વાક્પ્રપંચ પોતે કર્યો નથી. અંતે ઉમેરે છે : ‘જે નરને આત્મા ગુરુ થશે, કહ્યું અખાનું તે પ્રીછશે.’ સાચા ક્રાન્તદર્શી આધ્યાત્મિક કવિ થવા માટે આત્માને ગુરુ કરવાની જરૂર છે એ વાક્પ્રપંચ અંગેના આખા ‘પ્રપંચઅંગ’-નો મથિતાર્થ છે. આમ, મહાજનને ગુરુ કરવાથી આપણે સગુરા થયા એમ મન મનાવી શકાય છે, વિચારથી તો નગુરા જ રહીએ છીએ, એવો સ્વાનુભવ ‘પ્રપંચઅંગ’માં કવિએ ટાંક્યો છે. એમાં મહાજનનો નહીં, પણ બાહ્ય આચારમાં રાચતા પોતાના મનનો દોષ જોવાનો એનો આશય છે. એટલે કે ‘પ્રપંચઅંગ’નો આખો સંદર્ભ જોતાં એમાં અખાનો આશય ગુરુની નિર્ભર્ત્સનાનો નહીં પણ પોતાની નિર્ભર્ત્સનાનો છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. ‘ઘરડા બળદને ઘાલી નાથ’–એ પાઠ ત્રણ હસ્તપ્રતોમાં મળે છે અને એ પંક્તિ એ રીતે હોય તો પણ અર્થ તો એ જ ઉદ્દિષ્ટ છે કે ગુરુની દીક્ષા લઈને પોતે ઘરડા બળદ જેવો છે તેને કાંઈક અંકુશમાં આણ્યો–નાથ ઘલાવી. સાધકો આ જાતની ભાષા યોજે છે. દયારામ કહે છે : ‘મારું ઢણકતું ઢોર ઢણકે છે બહુ નગ્રમાં... વશ કરી રાખો નિજ પાસ માગું.’ અખા ઉપર જેનો નિઃશંક ખૂબ મોટો પ્રભાવ છે તે પુરોગામી માંડણ કહેવતો ગૂંથીને રચેલી ‘પ્રબોધબત્રીશી’માં એક કહેવત આપે છે : ‘એ તાં પછી સગુરુ શું કહઈ, જુ ગલીઉ ઢાંઢુ થઈ રહઈ?’ – જો તું ગળિયો બળદ થઈને રહે તો પછી સગુરો છે એમ કહીને શું? નિર્બળ અડિયલ મનવાળો સગુરો બને તે ઘરડા–ગળિયા બળદને નાથ ઘલાવવા જેવું છે. એમ કરવાથી એ કશું સિદ્ધ ન કરી શકે. ‘ઘરડા બળદને ઘાલી નાથ’ એ લીટી ખરેખર અખાએ લખી હોય એમ માનવામાં અર્થસંગતિનો વાંધો નથી. પણ એ પાઠવાળી હસ્તપ્રતો એ પંક્તિની પછી ૩૦૦મા છપ્પામાં પ્રસ્તુત એવી ‘ધન હરે’ વાળી પંક્તિ આપે છે અને પાંચમી છઠ્ઠી પંક્તિ તરીકે ‘અખા ગુરુ જ્ઞાની કરવા ખરા, જે હરિ દેખાડે સભરા ભર્યા’ આપે છે, જે ૩૨૨મા છપ્પામાં આવતી ‘તે માટે જ્ઞાની ગુરુ કરો, જે હરિ દેખાડે સભરા ભર્યો’ પંક્તિઓ જ છે. આમ ‘ઘરડા બળદ’વાળો પાઠ આપતી હસ્તપ્રતોમાં પછીની ચાર પંક્તિઓનો પાઠ પણ વીંખાઈ ગયો છે. વૈષ્ણવ આચાર્ય પ્રત્યે અખાની કહેવાતી ટીકાવૃત્તિને જનશ્રુતિએ ઉઠાવ આપ્યો લાગે છે, પણ તેને માટે કોઈ આધાર નથી. લેભાગુ ગુરુઓનો અખો તીખો ટીકાકાર છે, પણ ગુરુત્વનો એ વિરોધી નથી. સાત ‘વાર’ લખે છે ત્યારે એ ગુરુવારથી શરૂ કરે છે. ‘અખેગીતા’ના દરેક કડવાને અંતે આવતા ‘સેવો હરિ–ગુરુ-સંતને’ એ શબ્દો બતાવે છે કે જીવન્મુક્ત જ્ઞાની સંત એ જ ગુરુ છે, એ જ હરિ છે એવું સમીકરણ અખાએ અનુભવ્યું છે. અખાનો ગુરુ હાડમાંસના માનવ કરતાં વધુ તો માનવમાં પ્રગટ થતું પરમતત્ત્વ છે. એથી એ ગોકુલનાથના ઉલ્લેખવાળા છપ્પા પછી એક છપ્પા બાદ (૧૭૦માં) ‘આત્મા ગુરુ’ થવાની વાત કરે છે અને ‘ગુરુ થા તારો તું જ’ એમ ‘અનુભવબિંદુ’માં અનુરોધ કરે છે. પોતે ગોકુલનાથને ગુરુ બનાવી પોતાને સન્માર્ગે વાળવાનો પ્રયોગ કરી જોયો છે એ અંગે ‘પ્રપંચઅંગ’નો ગોકુલનાથવાળો ઉલ્લેખ છે. એ ઉલ્લેખ નિષ્ફળ અખતરાનો છે, જેમાં દોષ એણે પોતાનો જોયો છે. નિષ્ફળ સાધનાક્રમમાં એ જેમ અમુક માનવગુરુનો નામોલ્લેખ કરે છે, તેમ ‘આત્મા ગુરુ’ શી રીતે થયો (એ તો કહે છે કે ‘આવી અચાનક હરિ પરગટ થયો’) – એ સફળ સાધનાક્રમમાં ને સાધનોત્તર ક્રમમાં કોઈ માનવ ગુરુ હોય તો તેનો સ્પષ્ટ નામોલ્લેખ એણે કર્યો નથી.
૬. અખાના ગુરુ ‘બ્રહ્માનંદ’?૧૦[10] – ‘અખેગીતા’ની પ્રચલિત આવૃત્તિઓમાં પાંચમી પંક્તિને અંતે ‘બ્રહ્માનંદની’ શબ્દ આવે છે. એ ઉપરથી સસ્તું સાહિત્યની ‘અખાની વાણી’ની પ્રસ્તાવનામાં સ્વામી સ્વયંજ્યોતિ કહે છે કે ‘મંગલાચરણમાં એની ગુરુમૂર્તિના નામનો આમ એ ઉલ્લેખ કરે છે.’ નર્મદાશંકર દે. મહેતા સમાસ શબ્દનો અર્થ તો બ્રહ્મતત્ત્વનો આનંદ એવો કરે છે પણ ‘અખો શ્લેષછાયા વડે બ્રહ્માનંદ ગુરુનો ઉલ્લેખ કરે છે’૧૧[11] એમ કહે છે. સં. ૧૭૦૫માં રચાયેલી ‘અખેગીતા’ની મારા જોવામાં આવેલી જૂનામાં જૂની બે હસ્તપ્રતો ફાર્બસ ગુજરાતી વિદ્યાસભાની સં. ૧૭૭૩ની હસ્તપ્રત (નં. ૧૯૪) અને ગુજરાત વિદ્યાસભાની સં. ૧૭૭૪ની હસ્તપ્રત (નં. ૧૨૧૮) ‘બ્રહ્મનંદની’ પાઠ આપે છે. એટલે શબ્દ ‘બ્રહ્માનંદ–ની’ નહીં પણ ‘બ્રહ્મ–નંદની’ (બ્રહ્મની નંદિની –આનંદદાત્રી– દુહિતા, બ્રહ્મમાંથી પ્રસવેલી) છે. મધ્યકાળની કૃતિઓમાં આરંભે મંગલાચરણમાં સામાન્ય રીતે ગણપતિ, સરસ્વતી અને ગુરુનું, એ ક્રમે, વંદન કરવામાં આવે છે એ પ્રેમાનંદના સં. ૧૭૨૭માં રચાયેલા ‘ચંદ્રહાસાખ્યાન’ની પહેલી, બીજી અને ત્રીજી કડીમાં અનુક્રમે ‘પ્રથમ સમરું ગણપતિ...’ ‘સાર્ય કરો માતા સરસ્વતી..’ અને ‘નિજ ગુરુ કરું ધ્યાન ધરતાં...’ જોવાથી જણાશે. અખો ‘અખેગીતા’ની પહેલી પંક્તિમાં ‘ઓમ નમો ત્રિગુણપતિ રાયેજી’ અને ત્રીજી કડીમાં ‘ગુરુ ગોવ્યંદ, ગોવ્યંદ ગુરુ, નામ યુગ્મ રૂપ એક’ કહે છે. તે બે વચ્ચે બીજી કડી છે :
ચર્ણ ચીતવી સ્તુતિ કરું ચિદશક્તિ બ્રહ્મનંદની,
અણછતે અખો અધ્યારોપ કરે કથા નિજ આનંદની.
જોઈ શકાશે કે અખો મંગલાચરણની પહેલી કડીમાં ગણપતિ, બીજીમાં સરસ્વતી અને ત્રીજીમાં ગુરુને સંભારવાના ઉપક્રમને અનુસરવા કરી રહ્યો છે. એની બીજી રચના ‘અનુભવબિંદુ’ના મંગલાચરણમાં યોગેન્દ્ર ત્રિપાઠી પાસેની પ્રત મંગલાચરણની એક કડીનો ‘ઓમ નિર્ગુણ ગુણપતિ ધામ...’ થી આરંભ કરી તેની છેલ્લી પંક્તિઓ નીચે પ્રમાણે આપે છે:
સ્વર-વેણા ધરતિ થકી ચીદસક્તિ મહાસરસ્વતી,
તેહ અખો જમલ જાણી સ્તવે સર્વાતીત સર્વનો પતિ.
એટલે કે ‘અનુભવબિંદુ’ના મંગલાચરણની કડીમાં પણ ગણપતિ અને સરસ્વતીનું સ્તવન છે, અને એમાંની ‘ચીદસક્તિ મહાસરસ્વતી’ એ જ ‘અખેગીતા’માં ‘ચિદશક્તિ બ્રહ્મનંદની’ છે, એટલે કે ‘અખેગીતા’ની બીજી કડીમાં ‘બ્રહ્મનંદની’થી સરસ્વતીના ઉલ્લેખને અવકાશ છે, ‘બ્રહ્માનંદ’ના ઉલ્લેખને અવકાશ નથી. અદ્વૈતવાદી અખો ‘અનુભવબિંદુ’માં ગણપતિ અને મહાસરસ્વતીના સ્પષ્ટ નામોલ્લેખ કરે છે. ‘ઓમ નિર્ગુણ ગુણપતિ ધામ’ એમ ગણપતિના સ્મરણ પહેલાં જ નિર્ગુણને એણે આગળ ધર્યો છે અને ‘ગણપતિ’ને બદલે ‘ગુણપતિ’ રૂપ મૂકી ગુણપતિ અને નિર્ગુણની એકતા સૂચવી દીધી છે. ગણપતિ અને મહાસરસ્વતીનું સ્મરણ પોતે ભલે કર્યું, છેલ્લી પંક્તિમાં સ્પષ્ટતા કરી છૂટે છે કે એ બે રૂપોને ‘જમલ’–એકઠાં જાણીને સર્વાતીત સર્વેશ્વર પરમાત્મતત્ત્વ બ્રહ્મને જ પોતે સ્તવે છે. ‘અખેગીતા’માં તો દેવદેવીનાં છૂટાં નામ પણ અદ્વૈતવાદી કવિએ લીધાં નથી. આરંભમાં જ ‘ઓમ નમો ત્રિગુણપતિ રાયેજી’ કહ્યું તેમાં ત્રણે ગુણનો સ્વામી સમ્રાટ પરિબ્રહ્મ એને નમસ્કાર કર્યો છે, એમાં ‘ત્રિગુણપતિ’માં સમાવિષ્ટ ‘ગુણપતિ (ગણપતિ)નું સાથે સાથે સ્મરણ થઈ ગયું એ જ. ગણપતિનું સ્મરણ કરવાનો આ પ્રસંગ છે એનો પોતાને ખ્યાલ છે એટલું ‘ત્રિગુણપતિ’ શબ્દની પસંદગી દ્વારા એ સૂચવી દે છે. બીજી કડીમાં પણ બ્રહ્મનંદિની ચિત્–શક્તિની સ્તુતિ છે, ‘અનુભવબિંદુ’ની જેમ સ્પષ્ટ સરસ્વતીનો ઉલ્લેખ નથી. બ્રહ્મ-નંદિની, બ્રહ્મદુહિતા-બ્રહ્મમાંથી પ્રસવેલી ચિત્–શક્તિની અખો સ્તુતિ કરે છે, શ્લેષછાયાથી બ્રહ્માની દુહિતા સરસ્વતીની સ્તુતિ એમાં થઈ જતી હોય તો ભલે. ત્રીજી કડીમાં ગુરુનું સ્તવન છે તેમાં પણ ગુરુ તે ગોવિંદ ગોવિંદ તે ગુરુ, નામ જુદાં છે, નામ અંગે દ્વૈત છે, વાસ્તવમાં અદ્વૈત છે, એમ કહી ત્યાં પણ અખો પરમાત્મતત્ત્વનું જ સ્તવન કરે છે. આખા ગુજરાતી સાહિત્યમાં ‘અખેગીતા’ જેવું મંગલાચરણ નહીં મળે, જેમાં ગણપતિ-સરસ્વતી-ગુરુનું સ્તવન કરવાની પરંપરાને અનુસરવા કરતો કવિ વિચારપૂર્વક તે તે દેવ કે માનુષ વ્યક્તિથી ઊફરો જઈ એ ત્રણે જેનાં રૂપ છે તેવા એક માત્ર પરમાત્માને જ સ્તવી રહ્યો છે. ત્રીજી કડીને અંતે એ કહે પણ છે : ‘કરું બુધ્યમાને હું વિવેક.’– બુદ્ધિના માપથી પોતે વિવેક વાપરીને દ્વૈતને ટપી જઈ ‘રૂપ એક’ને પરમાત્માને જ સ્તવી રહ્યો છે. ‘નંદની’ શબ્દ કંઈક અપરિચિત હોઈ લહિયાઓના દોષથી પાછળથી કાનો ઉમેરાઈ ગયો લાગે છે. પણ બ્રહ્માનંદની’ પાઠ લેવા માગનારાઓએ પણ બીજી કડી જે સરસ્વતીસ્તવન માટે છે તેમાં એનો અર્થ બ્રહ્માની નંદિની-પુત્રી સરસ્વતી એવો સીધો સરસ્વતીનો ઉલ્લેખ જ જોવાનો રહેશે, ગુરુ (નામે બ્રહ્માનંદ)નું સ્તવન કરવાનો ત્યાં અવકાશ જ નથી, કેમકે ગુરુનું ‘નીચો નમી’ સ્તવન કરવા માટે તો આખી ત્રીજી કડી યોજાઈ છે જ. અખામાં બીજે ક્યાંય પણ ‘બ્રહ્માનંદ’ આવે ત્યાં બ્રહ્મનો આનંદ અર્થ કરવાને બદલે વિશેષ નામ જોવામાં આવે તો એવી રીતે નામનો જેમાં આભાસ હોય એવા ઘણા શબ્દો હક કરતા આગળ આવશે. ‘ગરવા ગુરુ મળ્યા રે સંત નિરંજન દેવ’ (પદ ૩) જોતાં નિરંજનને ગુરુ માનવાનો પ્રસંગ આવે. ‘નરહરિએ કીધી રાબડી, બૂટો કહે શિરાવા બેશ’ એવા પાઠાન્તરવાળા જનશ્રુતિના દુહાએ ચાર ગુજરાતી સમકાલીન કવિઓ થોડેવત્તે અંશે જ્ઞાનના ઉપાસકો છે એટલા પૂરતાં એ નામોને ભેગાં ગૂંથ્યાં છે અને એમાં તેઓની સારી નુકતેચીની થઈ છે. પણ એ ચાર એક ગુરુના શિષ્યો હતા એવું એમાં ક્યાંય સૂચન સરખું નથી. ખરી વાત એ છે કે ‘અખેગીતા’ રચાઈ તે જ અરસામાં ગોપાળે રચેલ ‘જ્ઞાનપ્રકાશ’ અથવા ‘ગોપાળગીતા’માં ગુરુનું નામ સોમરાજ આપ્યું છે. ‘સતગુરુ સ્વામી શ્રી સોમરાજ કૃપા થકી હવું ગ્રંથકાજ.’ એક ભજનમાં પણ પોતાનું અને ગુરુનું નામ એણે ગૂંથ્યું છે : ‘મેં મતવાલા રામ કા, અજર પ્યાલા પ્રેમ કા મુજ અસર આયા રે, મસ્ત ભયા ગોપાલિયા સોમરાજ પિવાડ્યા રે’.૧૨[12] અખા જેવા અખાની પણ ગાદી સ્થપાઈ! અને પહેલા ગાદીધર તરીકે બ્રહ્માનંદનું નામ મુકાયું! કહાનવા બંગલાનું ગુરુ-પેઢીનામું (‘અક્ષયવૃક્ષ’) મળે છે.૧૩[13] તે પરથી ત્રણસો જેટલાં વરસમાં સાત-આઠ ગુરુઓ ગાદી ઉપર આવ્યાનું ઠરે છે, જે પ્રતીતિકર નથી. લોહીની સગાઈની–સંતતિની પેઢીઓ પણ એટલા ગાળામાં વધુ થાય, જ્યારે ગુરુ વૃદ્ધાવસ્થામાં ગાદી પર આવે, થોડા વરસમાં સદ્ગત થાય, બીજા ગુરુ પણ પ્રૌઢ હોય, વળી થોડાં વરસોમાં ગાદીધર બદલાય, એ જોતાં પુત્રપેઢીઓ કરતાં શિષ્યપેઢીઓ તો ઘણી વધારે થાય. આ ‘ગાદી’ એટલું બતાવે છે કે અખાનાં લખાણોએ ઠીકઠીક રસ ઉપજાવ્યો હોવો જોઈએ. મને મહાદેવભાઈ દેસાઈ પાસેથી જાણવા મળ્યું હતું કે તેઓએ ઉમરેઠ–ડાકોર બાજુ અખાનાં ભજનો ગવાતાં સાંભળી તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે ત્યાં રીતસરની એક ‘અખામંડળી’ ચાલતી હતી, જેની પાસેથી તેઓને અખાનાં અપ્રસિદ્ધ એવાં કેટલાંક સુંદર પદ સાંભળવા મળ્યાં હતાં.૧૪[14]
૩. કૃતિઓ૧૫[15]
૧. ‘પંચીકરણ’ આદિ ગૌણ કૃતિઓ
‘પંચીકરણ’ અને ‘ગુરુશિષ્યસંવાદ’ સં. ૧૭૦૧માં અને ‘અખેગીતા’ સં. ૧૭૦૫માં રચાયાના તે તે કૃતિઓની હસ્તપ્રતોમાં ઉલ્લેખો મળે છે. પરિણતપ્રજ્ઞાની કૃતિઓમાં ‘અનુભવબિંદુ’ એ ‘અખેગીતા’ લખાયાના અરસાની, સંભવતઃ તેની પછીની કૃતિ છે અને ‘છપ્પા’, કોઈ કોઈ હસ્તપ્રતમાં મળતું એનું એક ‘પંચીકરણઅંગ’ પ્રથમ પ્રબંધ–રચના ‘પંચીકરણ’નો ભાગ બન્યું છે૧૬[16] એ જોતાં, સં. ૧૭૦૧ પહેલાં રચાવા શરૂ થયા છે અને ‘અખેગીતા’ પછીના સમય સુધી રચાતા રહ્યા હોવા સંભવ છે. છૂટક મળતાં ‘પદ’ અને ‘સાખી–દૂહા’ વગેરે પણ છૂટક છૂટક લાંબા સમયમાં એકઠાં થતાં ગયાં હોય. બાકીની કૃતિઓ ‘ચિત્તવિચારસંવાદ’, ‘કૈવલ્યગીતા’, ‘અખાજીનો કક્કો’, ‘સાતવાર’ અને ‘મહિના’, ‘અખાજીના કુંડળિયા’, ‘સંતનાં લક્ષણ’ અથવા ‘કૃષ્ણઉદ્ધવનો સંવાદ’, ‘અવસ્થાનિરૂપણ’ અને હિંદીમાં ‘સંતપ્રિયા’, ‘બ્રહ્મલીલા’, ‘એકલક્ષરમણી’, ‘અખાજીની જકડી’ અને ‘અખાજીના ઝૂલણા’ એ કૃતિઓ સામાન્ય રીતે સં. ૧૭૦૧ની બે કૃતિઓ અને સં. ૧૭૦૫ની એક કૃતિ એના વચલા ગાળામાં રચાઈ લેખી શકાય. કૃષ્ણલાલ મો. ઝવેરીએ ‘પંચદશીતાત્પર્ય’ અને ‘પરમપદપ્રાપ્તિ’ નામે બે ગ્રંથ અખાના હોવાનો નિર્દેશ કર્યો છે પણ તે હજી જોવામાં આવ્યા નથી.૧૭[17] ‘પંચીકરણ’૧૮[18] ૧૦૨ ચારચરણી ચોપાઈની સળંગ કૃતિ છે. છચરણી ચોપાઈની ૨૩ કડીઓનું ‘પંચીકરણ અંગ’ એ છપ્પાની ધાટીએ થયેલું એનું પ્રથમ ડોળિયું હોય. એમાં એને પંચભૂતની કડીઓ ટૂંકાવવી પડી છે, ચારચરણી કરવી પડી છે. કદાચ એને પછીથી એમ લાગ્યું હોય કે લાંબી રચના ચારચરણી ચોપાઈમાં જ રેલાવવી સુકર રહેશે. પછી બે સંવાદકાવ્યોમાં પણ એ પ્રયોગ એને ખપ લાગ્યો છે. પંચીકરણ જેવી શાસ્ત્રીય માહિતીની રચનામાં પણ અખાનાં સમજ, દૃષ્ટિ, વ્યાપ અને અભિવ્યક્તિલાઘવનો તેમ જ ક્વચિત્ ચમત્કૃતિનો અનુભવ થાય છે. શૂન્યમાં ઓંકારનો ધ્વનિ ઊઠતાં ત્રણ ગુણો જન્મે છે. પરાવાણી અવ્યક્ત છે, પશ્યંતી સત્ત્વગુણ (વિષ્ણુ) કક્ષાએ, મધ્યમા રજોગુણ (બ્રહ્મા) કક્ષાએ અને વૈખરી તમોગુણ (રુદ્ર) કક્ષાએ છે :
વસ્તુ વિષે સ્વભાવે શૂન્ય, તે માંહાં પ્રણવ ઉઠે ધૂન્ય,
તે ઓંકાર જાણે ત્રિવર્ગ, તત્ત્વ તે તેહેનો ઉપસર્ગ. ૪
તે ઓઅંકાર અવીક્ત અંકોર, તે ત્રીધા થાય અવાચ્યનિ જોર્ય,
પરા એ અવીક્ત છિં માઈ, પસંતી વિષ્ણૂં સમો ગૂંણ થાઈ. ૯
મધ્યમાં બ્રહ્મા રજોગુણરૂપ, વૈખરી રુદ્ર સંઘારણ ભૂપ,...૯૩
ચૌદ લોકમાં વિરાટ ફેલાયો છે તે ઉંબરાના ફળવાના સુરેખ દૃષ્ટાન્તથી એ વર્ણવે છે :
જ્યમ ઉંબર વ્રીક્ષ થડથો ફલિં, મૂલ ટોચ્ય સૂધાં ફલ નીકલિં,
ત્યમ ચૌદ લોક સૂધા સર્વ જંત, એ વૈરાટ ફલો છિં માંહિનો તંતૂં...૯૬
હસ્તપ્રતોની ભાષા-લખાવટ કેવી હોય છે તેનો અને અખાના સમયની ભાષાનો કાંઈક ખ્યાલ પણ ઉપરનાં અવતરણોથી આવશે. છિં, નીકલિં એ જૂની ગુજરાતી-‘મારુગુર્જર’-નાં રૂપો હજી ચાલુ છે, કાંઈ નહીં તો લખાવટમાં. લહિયાઓ જૂની ભાષાની નકલો કરે એટલે ભાષાની થોડીક અગાઉની કક્ષાને જાળવવા પ્રેરાવાના. ઉપર બંને ઠેકાણે ઉચ્ચારણ ‘છે’ ‘નીકલે’–(એટલે કે ‘એ’) છે. ‘ગુરુશિષ્યસંવાદ’૧૯[19] અને ‘ચિત્તવિચારસંવાદ’ સ્વરૂપ પરત્વે આપણે ત્યાંની સંવાદકાવ્યો લખવાની પરંપરાને અનુસરે છે. પ્રથમ કૃતિ સં. ૧૭૦૧ની છે (‘સંવત ૧૭૦૧ સતર પ્રથંમ હવો ગ્રંથનો ઉત્પન્ન, જ્યેષ્ઠ માસે કૃષ્ણપક્ષે નવમી સોમવાસર દિન’). ગુરુને દેહધારી તરીકે જોવામાં રહેલા ખતરા અંગે અખો એની લાક્ષણિક રીતે ટકોર કરે છેઃ
જોશે એંધાણ જો દેહ તણાં, તો તું ભટકીશ હજી ઘર ઘણાં. (૩.૭૧)
સંવાદ ગુરુ-શિષ્યની એકમયતા પ્રબોધી સાર્થનામ થાય છે. કૃતિના અંતભાગમાં ‘એમ કહી શિષ્ય લય થતો પ્રેમે કરે પ્રણામ, હું હુંને પ્રણમી કહું, નમો નમો નિજધામ’–એ શબ્દોમાં બંનેની એકતાનો ભાવ જે સચોટતાથી વ્યક્ત થાય છે તેવો ભાગ્યે જ બીજે ક્યાંય થયો હોય. ‘અનુભવબિંદુ’ના શરદઋતુવર્ણન દ્વારા થયેલા બ્રહ્માનુભવના સમુલ્લાસનો આછો ઇશારો અહીં મળે છે :
જ્યારે પ્રગટ્યું અનુભવઅંગ, ત્યારે ફરિયા સઘળા રંગ. (૪.૨૫)
શરદઋતુનો હવો પ્રકાશ, ત્યારે નિર્મળ જળ આકાશ. (૪.૨૬)
‘અખેગીતા’ના ‘નવનીતસરખું હૃદે કોમલ’ આદિ લક્ષણો ધરાવતા ભક્તના વર્ણનની યાદ આપે એવી મુમુક્ષુલક્ષણોની પંક્તિઓમાં અખાની કલમની લાક્ષણિક પ્રસાદી મળે છેઃ
મતપણું નહીં, અતિદીનતા ઉદધિકેરી ગંભીરતા,
મરાળ કેરી મન ચાતુરી, પય ગ્રહી નીર દિયે પરહરી. (૩.૧૦૫)
નિજ આત્મ દેખે સહુમાંય, કલ્પદ્રુમના જેવી છાંય. (૩.૧૦૬)
‘ચિત્તવિચારસંવાદ’૨૦[20]માં અખાનો વિચારમિનાર અને કાવ્યાભિવ્યક્તિ બંને ઝળકે છે. ‘અખેગીતા’નું ગુરુ-ગોવિંદ સમીકરણ અહીં અંતભાગમાં ચાલતી ગુરુ વિશેની વિસ્તૃત ચર્ચામાં તૈયાર થઈ ગયું છેઃ ‘ગુરુ કૈવલ્ય, કૈવલ્ય તે ગુરુ’ (૩૬૯). ‘અનુભવબિંદુ’(૧૦)માં સ્વપ્નસંસારનું હૂબહૂ વર્ણન છે તે અહીં (૧૬૭-૮) પ્રાથમિક રૂપમાં જોવા મળે છે, વહ્નિ-દીપક અને અર્ક–કિરણનાં દૃષ્ટાંતો પણ (અનુ. ૧૬, ચિત્ત. ૧૪૧). ‘છપ્પા’ સાથે ઘણાં સામ્યો દેખાશે. કેટલીક ‘ચિત્તવિચારસંવાદ’ની ઉક્તિઓ કરતાં ‘છપ્પા’ની વધુ સારી–વધુ સુરેખ મળશે. તે ‘છપ્પા’ કરતાં પહેલી લખાયેલી હોવી જોઈએ :
સુણ મન એ મોટું વાંકડું. અખો મોટું છે વાંકડું.
રૂધ્યું તે તે કેમ રહે માંકડું? જ્યમ કહ્યું વીંછીએ માંકડું.)
(ચિત્ત. ૧૪૪) (છપ્પા ૩૯
જાણે પડછંદાની પઠે, જ્યમ ષડછંદો નર માન્યો નરે,
તું જાણી બોલે છે હઠે. (૩૧૭) જ્યમ બોલે તેમ ઉત્તર કરે. (૫૯)
‘ચિત્તવિચારસંવાદ’ એ ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’ અને ‘છપ્પા’ના મહત્ત્વના ભાગ પહેલાં રચાયેલી કૃતિ છે. અને અખાની રચનાઓમાં ગુણવત્તાની દૃષ્ટિએ એનું સ્થાન આ ત્રણ કૃતિઓ પછી આવે છે. ‘બ્રહ્મલીલા’માં૨૧[21] દર્પણની અને દામિનીની પરિચિત ઉપમાઓ જોવા મળે છે. ‘સંતપ્રિયા’૨૨[22]માં બે વાર ‘ગુંસાઈ’નો ઉલ્લેખ છે, જે ઉપરથી નર્મદાશંકર દે. મહેતા અટકળ કરે છે કે એણે ‘પૂર્વાવસ્થામાં શ્રી ગુસાંઈજીનો વૈભવ પણ પ્રત્યક્ષ જોયો જણાય છે.’ બીજી કૃતિઓમાં ચર્ચાયેલા કેટલાક વિષયો આ કૃતિમાં સ્પર્શાયા છે. ખલજ્ઞાની ‘કર્મ અરુ બ્રહ્મ દોનોતેં જ્યું ર્ટ્યો’ એ વર્ણન અને ‘ગુરુ ગોવિંદ, ગોવિંદ સો હિ ગુરુ’ એ સમીકરણ તરત ધ્યાન ખેંચે છે. બીજી પરચૂરણ રચનાઓમાં ‘સંતલક્ષણ’૨૩[23] સામાન્ય કોટિનું છે, તો ‘સાતવાર’૨૪[24] ગુરુ-વારથી આરંભાય છે એ નાનકડી વિગતમાં અખાની ખાસિયત છતી થઈ જાય છે. ‘સાખીઓ’૨૫[25] – ‘દુહા’ એ મધ્યકાલીન સાહિત્યનો એક મહત્ત્વનો પ્રકાર છે. આખા ઉત્તર હિંદમાં કેટલીક સાખીઓ લોકજીભે ચઢી ગઈ હોવા સંભવ છે. અને કેટલાક ભાવો, વિચારો, ઉપમા, દૃષ્ટાંતો એકથી બીજી ભાષામાં, એક જ ભાષામાં પણ એકથી બીજા ભક્તસંતના ઉદ્ગારોમાં અને વિશાળ લોકસાહિત્યમાં પડઘાયાં કર્યાં હોય. ‘છપ્પા’નાં કેટલાંક વિચારબિંદુઓ આ દુહા-પ્રકારમાં પણ છેડાયાં છે. ‘અખેગીતા’ના ‘દેહવૈરાગ’નો મહિમા અહીં ‘બિનઅગ્નિ જલ જાયે’ (૪૮.૯). ‘અખા જાને બિરહકું કે જાને કિરતા’ (૪૮.૧૩) જેવી પંક્તિઓમાં થયેલો જોવા મળે છે. સાચી પ્રેમભક્તિમાં વચ્ચે ઓટ(આડશ)–અહંઓટ રહેવા ન પામે એ વડપ્રયોગની વાત અખાની મુદ્રાવાળી માર્મિક ઉક્તિઓમાં (૩૦.૧-૩) થઈ છે.
પિયા પિયા કર સબ ગાત હૈં, અંગ નચાય નચાય;
અખા ન બુઝે કોઈ પિયા, બીચ કોઈ બડી બલાય.
પ્રેમરસ નૈનન મિલન નિત્ય નવલ રંગ ભોગ,
દેખી ચાખી કહે અખા, સો કોઈ બડા પ્રયોગ.
પિયા પિયા સબ કહે, ઓટ ટરત નહીં બીચ,
અખા ભોગ તહાં કાયકા, બીચ બિન-પાણી કીચ.
વગર પાણીએ વચ્ચે કીચડ થયો છે, કારણ કે વચ્ચે ‘અખા ઓટ હૈ આપકી’–અહં-ઓટ મહારાજ’, – અહંતાનો પડદો છે.
જીવન અને મૃત્યુને અખો ચૈતન્યસાગરના તરંગો–રૂપે જુએ છે.
અખા, મરણ કા ભે નહીં, ઔર જીવણ કા ભી નાંહે.
મરણ-જીવન દો મોજ હૈ ચેતનસાગર માંહે, (૬૮.૧૯)
આ સાખીઓ કે દુહા (હસ્તપ્રતોમાં પરજીઆ દુહા તરીકે પણ તે ઓળખાવાય છે) કેટલાક ગુજરાતીમાં છે, કેટલાક સધુક્કડી હિંદીમાં છે. સત્યને એ લીલયા પકડે છે. તેની પાછળ યોગ્ય દૃષ્ટાંતપસંદગી કારણભૂત છે. ‘આશા વગુવે વિશ્વને’ એ બતાવવા કહે છે : ‘જ્યમ દડો દોટાવે નર અખા ક્ષણેક્ષણે હર્ષ શોક’ (૮૬.૧૭). અને ઇચ્છા કરવી એ જ બ્રહ્મદશાનો સ્વાદ બગાડવા જેવું છે એ બતાવવા એ કહે છે કે ‘અમૃતમાં સાકર ભળે, અખા તે દૂષણ સાર’ (૮૭.૭). અખો એની અતિમિતાક્ષરી માર્મિક શૈલીમાં કહી દે છે : ‘જાગ્યા વિના જાયે નહીં– એક સપનને સંસાર’ (૯૨.૧૫). ‘પદ’૨૬[26] આખા કવનકાળ દરમિયાન રચાયાં કર્યાં હોય તો નવાઈ નહીં. પણ પ્રમાણમાં પદોમાં કટાક્ષ ઓછો જોવા મળતો હોઈ અને ચરિતાર્થતાના ઉદ્ગાર આગળ પડતા હોઈ, સંભવ છે કે મળે છે તે પદોમાંનો મોટો ભાગ ઉત્તરકાળનો હોય. ‘સંતો રે વનસ્પતિ ફૂલી’, વારી જાઉં રંગબજાણિયા’, ‘સાંતીડું જોડીને સમજાવીએ’, ‘રામ રમે જુગ સારા, સંતો ભાઈ’, ‘આલમ ફૂલ આસમાનકા’, ‘જ્ઞાનઘટા ચઢ આઈ અચાનક’, ‘અકલ કલા ખેલે નર જ્ઞાની’, ‘બ્રહ્મરસ તે પીયે રે જે કોઈ બ્રહ્મવંશી હોય’ (જેનો પડઘો ગરબી-પદનિષ્ણાત દયારામના ‘પ્રેમરસ તેના ઉરમાં ઠરે જે કોઈ પ્રેમઅંશી અવતરે’માં સંભળાય છે)–જેવી રચનાઓ અખાને અચ્છા પદકાર તરીકે સ્થાપે છે. બ્રહ્મખુમારીના જેવાં જ પ્રેમખુમારીનાં પદો પણ અખા પાસેથી મળે છે. એના વૈષ્ણવી સંસ્કારનું એ એક ઉત્તમ ફળ ગણી શકાય. અને એમાં ‘કીચ’ નથી. ‘હરિ કું હેરતાં, સખી, મેં રે હેરાણી’ રસિક મૂંઝવણ વ્યક્ત કરે છે. ગુજરાત વિદ્યાસભાની હસ્તપ્રત ૧૨૧૮નાં વ્રજ ભાષાનાં અપ્રસિદ્ધ પદો૨૭[27] પ્રેમલક્ષણાના ઉત્કટ ઉદ્ગારો છે : ‘લાજૂ લાજ ન રહીએ, સહી એ, જાગણ તેરા નીંદ સરીખા, જો તું સાથીકંઠ ન લાગી રે’, ‘આલી સબ સખિયનમેં કવન શ્યામ? સબનમેં હરિ રહ્યો લુકાઈ, રસબસ ખેલત નિત્ય ફાગુ, સુરતસાગર કો નાંહી તાગ, કહેત અખા ભયો રંગરોલ, સદા નીરંતર હૈ જકોલ.’ ‘અખેગીતા’ના અંતિમ પદ ‘અભિનવો આનંદ આજ અગોચર ગોચર હતું એ’-માં અને ખાસ તો ‘આજ આનંદ મારા અંગમાં ઊપન્યો’ એ પદમાં અનુભૂતિના આનંદનો સ્પષ્ટ રણકો છે –
આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરિબ્રહ્મની મુને ભાળ લાગી....
તે રે વહાલો મુજ પાસથી પ્રગટિયો, સદ્ગુરુ શબ્દની ચોટ લાગી.
કોઈ કહે જીવ છે, કોઈ કહે શિવ છે, થાપઉથાપમાં કોઈ ન સીધ્યો,
આપ તે આપનો અમીરસ ઘૂંટવા શિવ તે જીવનો વેશ લીધો.
હાથથી નાખીને દૂર લેવા ગયો, જાણે શું વસ્તુ નવ હોય આઘી?
આવી અજ્ઞાનની આડ ઊભો રહ્યો, તારે માટે તું તો જોને જાગી.
હું ટળ્યો, તું ઠર્યો, કરતાર કરુણા કરી, સુખદુઃખ વૃક્ષની મૂળ દાઝી,
સુપન સમાઈ ગયું, જ્યમ હતું ત્યમ થયું, અખે નિજપદ લહ્યું સુખની ગાદી.
નરસિંહના ‘જાગીને જોઉં તો’ ને જાણે અહીં અખો આંબવા કરતો ન હોય! અંતના ‘સુપન સમાઈ ગયું’ માં અને જીવ-શિવના ઉલ્લેખમાં, છંદની પસંદગીમાં, આંતરપ્રાસમાં તેમ જ આખી કૃતિના સૂરમાં એ પ્રતીત થાય છે. માનભેર નરસિંહના પદની પડખે ઊભું રહી શકે એવું પદ અખો આપી શક્યો છે, જે જેવીતેવી વાત નથી.
૨. ‘અખેગીતા’૨૮[28]
આત્મવિદ્યા-બ્રહ્મવિદ્યા એ ‘અખેગીતા’નો વિષય છે. હસ્તપ્રતમાં આરંભમાં ક્યારેક अथ अखेगीता महामोक्षदायिनी लिख्यते – હવે પછી મહામોક્ષ આપનારી અખેગીતા લખવામાં આવે છે–એવા શબ્દો મળે છે. અખાએ જ કહ્યું છે કે ‘જીવ બ્રહ્મ માંહે ભળ્યાનો અખેગીતામાં ભેદ છે’ (૩૫.૯) અને એમાં ‘ચરણે ચરણે આત્મવિદ્યા’ (૪૦.૮) છે. ‘અખેગીતા’માં ૪૦ કડવાં અને ૧૦ પદમાં કર્તાએ કરેલા વિષયનિરૂપણનો આલેખ આ પ્રમાણે જોઈ શકાય :
૧. પ્રાસ્તાવિક, અદ્વૈત-અનુભવની ઇષ્ટતા કડવાં ૧ થી ૩
૨. માયાનો પ્રભાવ કડવાં ૪ થી ૮
૩. પરબ્રહ્મ–આરાધનાની અગત્ય, ભક્તિમહિમા, જીવન્મુક્તનું વર્ણન પદ ૨ કડવાં ૯ થી ૧૬ પદ ૪
૪. પરબ્રહ્મપદપ્રાપ્તિવિષયક કડવાં ૨૪ થી ૨૮, પદ ૭
૬. અન્ય મતોની ઊણપો કડવાં ૨૯ થી ૩૧
૭. ગુરુસેવનનો મહિમા કડવાં ૩૨ થી ૩૫
૮. અદ્વૈતાનુભવ કડવાં ૩૬ થી ૩૯
૯. ઉપસંહાર, અદ્વૈતાનુભવનો આનંદોદ્ગાર કડવું ૪૦, પદ ૧૦
‘અખેગીતા’માં નિરૂપાયેલી વસ્તુઓનો ઉલ્લેખ છેલ્લા કડવામાં છેઃ
એમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય છે, માંહે માયા નિરીક્ષણ દૃષ્ટય,
જીવન્મુક્ત ને મહામુક્તનાં ચિહ્ન ને વળી પુષ્ટય. (૪૦.૫)
એ બાબતો ‘અખેગીતા’માં ચર્ચાઈ છે એ વાત ખરી, પણ એ ક્રમે તે નિરૂપાઈ નથી. અખાનો તત્ત્વવિચાર બલકે અનુભવવિચાર સાદ્યંત સમજાય એ રીતે ‘અખેગીતા’માં નિરૂપાયેલી બાબતોનો પરિચય આ ક્રમે થઈ શકે: ૧. (અ) માયા-નિરીક્ષણદૃષ્ટિ કડવાં ૪-૮ (આ) જીવભાવ નાબૂદ થઈ બ્રહ્મભાવનું ઊઘડવું બ્રહ્મનું સ્વરૂપ ૧૭-૨૩, ૩૭-૩૮; જગતનું સ્વરૂપ ૭, ૧૯-૨૩; જીવનું સ્વરૂપ ૧૯-૨૦, પદ ૫ ૨. બ્રહ્મભાવ પામવાના ઉપાય વૈરાગ્ય ૯; ભક્તિ ૧૦-૧૧; જ્ઞાન ૧૨, પદ ૩, કડવું ૩૬, પદ ૯; ખોટાં સાધન ૧૫-૨૭, ૨૯-૩૧ ૩. બ્રહ્મભાવ પામેલી વ્યક્તિઓ જીવન્મુક્ત ૧૩-૧૬, પદ ૪; વિદેહી મહાત્મા ૨૮, પદ ૭, સદ્ગુરુ-સંત પદ-૨, પદ ૩, કડવાં ૩૨-૩૫, ૩૯; પુષ્ટિ ૩૪ ૧. (અ) અજ્ઞાનના પડળને કારણે જીવ આત્માથી ‘ઓતળીને’ ‘માયાવતો’ વિચરે છે, જાણે કે જાગ્રત સ્વપ્નમાં. માયા પંચપર્વા છે – એ જીવમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ નિપજાવે છે. પરિણામે માણસ પોતાનું આત્મત્વ, સ્વરૂપ ગુમાવી બેસે છે, – ‘એમ આપોપું નર ખુવે’. માયા ખાટકીની પેઠે જીવને ઘણા ઘણા ભક્ષ્યભોગ આપે છે પણ તે અંતે વધ કરવા માટે જ. ભિક્ષુક પાછળ રડવડતો મર્કટ માગતો ફરે છે તેવી માયાથી દોરવાતા જીવની સ્થિતિ છે. એનો દોરીસંચારો બહુ સૂક્ષ્મ હોય છેઃ ‘ચાલ્ય ચાતુરી ચૌદ વિદ્યા અવિદ્યા સર્વ સાધના, પંડિત જાણ કવિ ગુણી દાતા, – એ માયા કેરી આરાધના’. માયા મોટી નટી છે. ‘સમજી ન જાયે એવી’ છે, દેખાતી નથી, વસ્તુતઃ છે પણ નહીં અને તે છતાં ભારે સામર્થ્યવાળી છે. ૧. ચિત્-શક્તિ ૨. શૂન્યસ્વામિની અને ૩. પ્રકૃતિ રૂપે આ સચરાચર સૃષ્ટિની એ આદ્ય જનની છે. ચૌદે લોકને એણે જન્મ આપ્યો છે. ઓમ્કારની પણ પહેલાં એ હતી. ‘પંચીકરણ’માં અખાએ દર્શાવ્યું છે એમ –
વસ્તુ વિષે સ્વભાવે શૂન્ય, તે માંહાં પ્રણવ ઉઠે ધૂન્ય,
તે ઓંકાર જાણે ત્રિવર્ગ, તત્ત્વ તે તેહનો ઉપસર્ગ. ૪
–બ્રહ્મવસ્તુ તો સ્વ-ભાવે શૂન્ય છે, તેમાં પ્રણવની–ઓમ્કારની ધૂન ઊઠતાં ત્રણ ગુણો (ઓમ્-ના અ, ઉ અને મ્, અનુક્રમે સત્ત્વ, રજસ્ અને તમસ્) અને તેમાંથી મહાભૂતો આદિની સૃષ્ટિ સર્જાય છે. બ્રહ્મ ‘માયાસમલિત’ – માયાશક્તિથી શબલિત (કે સંમિલિત?) – થતાં આ નામ-રૂપવાળી સૃષ્ટિરૂપે વિલસે છે. જેમ ઠંડીને લીધે પાણીમાં જડતા પ્રગટે અને એ બરફરૂપે પ્રતીત થાય તેમ બ્રહ્મ જ માયા-શબલિત થતાં સૃષ્ટિરૂપે પ્રતીત થાય છે. જાગ્રત સ્વપ્ન જેવું, ચિત્તે પ્રકલ્પેલું, નામરૂપની સૃષ્ટિવાળું, માયાશબલિત બ્રહ્મનું રૂપ સાચા જ્ઞાનના પ્રભાવથી શમી જતાં, એ બધાથી પર ‘છવીસમો પરમાતમા’ (પરબ્રહ્મ) જેવો હતો તેવો, યથાસ્થિત, જેમનો તેમ અનુભવ-ગોચર થાય છે. નથી એમાંથી કાંઈ જન્મતું, નથી એમાં કશું પરિવર્તન થતું. આ રીતે અખો ગૌડપાદાચાર્યના અજાતિવાદ પ્રમાણેનું અને ઓમ્કાર અથવા પ્રણવ અથવા શબ્દબ્રહ્મ વડે જગતનાં સર્જન-સ્થિતિ-લય નિર્દેશતા પ્રણવાનુસંધાનના વિચાર પ્રમાણેનું પોતાનું દર્શન નિરૂપે છે. ગૌડપાદાચાર્યે નિરૂપ્યું છે : न कश्चिद् वस्तु जायते (ગૌડપાદકારિકા ૪.૨૨) - કશી વસ્તુ જન્મતી નથી. एतत्तदुत्तमं सत्यं यत किंचिन्न जायते (૩.૪૮) – કશાનો જન્મ થતો નથી એ જ ઊંચામાં ઊંચું સત્ય છે. अजातस्यैव सर्वस्य चितदृश्यं हि तद्यत: (૪.૭૭) – જેનો જન્મ થયો નથી તે સર્વ ચિત્તને ભાસે છે. માયાજગત ચિત્તે પ્રકલ્પેલું છે, વસ્તુતઃ નથી. मायामात्रमिदं द्वेतं अद्वैतं परमार्थत: (૧.૧૭) – આ દ્વૈત જે ભાસે છે તે તો માયામાત્ર છે, વસ્તુતઃ તો એકલું બ્રહ્મતત્ત્વ જ છે. અખાના શબ્દોમાં :
કૂટસ્થ આત્મા બ્રહ્મ કેવલ, તેહનો સર્વ સંસાર;
જેહને વિશેષણ એકે ન લાગે, તે વિલસી રહ્યો સંસાર. (૧૮.૮)
૧ (આ). માયાનિરીક્ષણદૃષ્ટિ લાધતાં બ્રહ્મ, ઈશ્વર, જગત અને જીવનું સાચું સ્વરૂપ સમજાઈ જાય છે.
છો કૈવલ્યસ્વામી તમો, દીસો ઈશ્વર માયા જીવ,
એ ત્રણ પ્રકારે થાઓ તદ્વત્ પણ સ્વભાવે તમો શિવ. (૧૯.૫)
કાચના મંદિર(૧૯)ની ઉપમાથી અખો કૈવલ્ય, માયા, ઈશ્વર અને જીવનો ખ્યાલ આપે છે :
જ્યમ કાચનું મંદિર રચ્યું નીલ પીત શુભ્ર શ્યામનું,
તે ઊપરે તપિયો સૂર જ્યારે, ત્યારે વિચિત્ર રૂપ થયું ધામનું. ૮
કૈવલ્યસૂર તમે સદા અને માયા તે મંદિર કાચ,
ઈશ્વર નામ તે તેહનું, જીવ થઈ માન્યું સાચ. ૯.
– રંગરંગી કાચના મંદિર સમા માયામંદિરની અંદર જીવ થઈને સૂર્યનું જે રંગાયેલું સ્વરૂપ અનુભવ્યું તે ઈશ્વર છે, પણ ઉપર જે રંગરહિત સૂર્ય તપે છે તે છે કૈવલ્યબ્રહ્મ. આ બધી સંસૃતિમાં ‘અણછતો જીવ હું હું કરે’(૧૯.૧૦). અખો ‘દરપણ મૂકીએ સામસામાં’ – એ દૃષ્ટાન્ત દ્વારા પણ પરબ્રહ્મરૂપી અરીસામાં ‘અજા આવી અણછતી આવી ભાસી’ (૨૨.૬-૯) એ દર્શાવે છે. આકાશમાં વિવિધ રંગનાં વાદળો ઊપજે છે ને વિલીન થાય છે, ‘પણ વ્યોમ ત્યમનું ત્યમ’. કપૂરનું દૃષ્ટાંત આપી કહે છે : ‘એ તો અરૂપ કેરું રૂપ બંધાયેલ, પાછું રૂપ અરૂપ થઈ જાય’. અને મૂળ વાત એ દૃઢાવે છે : ‘ભાઈ, જે છે તે તાં એ જ છે. બીજો વિચાર મનનો ઘડ્યો’ (अजातस्यैव सर्वस्य चित्तदृश्यं हि तद्यत:). પરબ્રહ્મ અને નરને અખો અનુક્રમે નર અને પ્રતિબિંબ સાથે સરખાવે છે : ‘અણછતો જીવ થાયે ઊભો... નરને ઉંછાંઈયો ક્યમ કળે તે હીડે બુદ્ધિમાંહાં આણવા’ (૨૦.૨), મન અશેષ થઈ જાય એટલે પછી કેવળ પરબ્રહ્મ રહે : ‘મન મૂઆ તબ હૈ સબ રામા’ (પદ ૫).
૨. બ્રહ્મ પામવાના ઉપાયમાં વિરહવ્યાકુલતાનું અખો મહત્ત્વ કરે છે –
આતુરતા મન અતિ ઘણી, જ્યમ મીન વિછર્યું નીરથી,
અજ્ઞાન-સીંચાણો લેઈ ઊઠ્યો, તેણે દૂર નાંખ્યું તીરથી.
તે તડફડે તલપે ઘણું વ્રેહનો સૂર ઉપર તપે,
સંસાર રૂપી ભૂમિ તાતી, નીરનીર અહર્નિશ જપે.
કાલ-સીંચાણો શિર ભમે તે તેની દૃષ્ટે પડે,
નીરવિહોણું વપુ દાઝે, ફાળ ભરે ને ફડફડે.
નયણે નીર દેખે નહીં, કળકળે કાળજ બળે,
પેટે પૂઠે કે પસૂઆડે જ્યમ પડે ત્યમ દાઝે ઝળે.
કામધેનુના પય વિષે જો કોઈ મૂકે તેહને,
તો-યે આપન્યા નોહે મકરને, વારિ વહાલું જેહને.
જળ ઝંખતા મત્સ્યની યાતનાના હૂબહૂ ચિત્રણમાં ગુજરાતી ભાષાની શક્તિનું — ખાસ કરીને ક્રિયાપદોની શક્તિનું (તડફડે તલપે, ફાળ ભરે... ફડફડે, કળકળે, દાઝે ઝળે) સુંદર દર્શન થાય છે. જળાશયથી ચ્યુત થયેલા મત્સ્યને કામદુધાના પયમાં નાખતાં પણ શાતા વળવાની નથી. આવો ‘વ્રેહ વિરાગ’ જેને વ્યાપ્યો હોય તે ‘જીવપણે જીવે નહીં.’ અખાએ સમકાલીનોમાં ભક્તિને નામે ચાલતી વેવલાઈ અને વિલાસિતા જોયાં હશે. એ તો જ્ઞાન અને વૈરાગ્ય જેની સાથે અંગાંગીભાવથી જોડાયેલાં હોય એને જ ભક્તિ તરીકે સ્વીકારવા તૈયાર છે. એક અદ્ભુત ઉપમાથી એ સંબંધ એ નિર્દેશે છે : ભાઈ, ભક્તિ જેહવી પંખિણી જેને જ્ઞાન-વૈરાગ્ય બે પાંખ છે. જ્ઞાન એટલે શું? જ્ઞાની તે, ‘જેને પ્રગટે પરમાત્મા.’
હૃદ-ગુહામાં રામ પ્રગટ્યો, તેણે પાલટો મનનો થયો.
માયાને ઠામ બ્રહ્મ ભાસ્યો, સંસારનો સંભવ ગયો. (૧૨.૨)
ખોટાં સાધનની અખો ખબર લઈ નાખે છે. ષડ્દર્શન આદિની મર્યાદાઓ ત્રણ કડવાં (૨૯-૧૦) ભરીને એણે આલેખી છે. ખાસ તો શૂન્યવાદીઓ ઉપર એને દાઝ ચડે છે, કેમ કે ‘તે પરપંચ મિથ્યા કહે, પણ રુદે જગત સાચું સહી’ (૨૬.૨) અને ‘દે’ સુધી તેની દષ્ટ્ય છે’ (૨૭.૧૦). આત્મઉદ્યોત વિનાની ચિત્રામણની જ્યોતથી શું વળે? એવા ‘અધમ શૂન્યવાદી’ તે ‘શૂન્યવાદીએ પૂરા નહીં’ એમ કહી અખો ઉમેરે છે કે સાચા શૂન્યવાદી અદ્વૈતમાં રમે છે. ‘ખરા શૂન્યવાદી તેહને કહીએ જે વસ્તુ વિશ્વ બે ન કરે સહી’ (૨૬.૧૦).
૩. બ્રહ્મભાવ પામેલી વ્યક્તિઓનું વર્ણન અખો ઉલ્લસિત ચિત્તે કરે છે. અધ્યાત્મસાધનાનો ખ્યાલ છેવટે તો અધ્યાત્મ જીવતી વ્યક્તિ કેવી હોય તેના વર્ણન દ્વારા વધુ સચોટ રીતે આપી શકાય. ગીતાએ સ્થિતપ્રજ્ઞ, ભક્ત અને ગુણાતીતનાં સુરેખ ચિત્રો આપ્યાં છે. અખો ઘણુંખરું કડવાને અંતે ‘સેવો હરિ-ગુરુ-સંતને’ એ શબ્દો મૂકે છે. એ ત્રણનો નિર્દેશ કરવા કરતાં વધુ તો એ હરિ=ગુરુ=સંત એ સમીકરણ સૂચવે છે. ‘નિત્ય રાસ નારાયણનો’ જોતા ભક્તજનનું અખાનું ચિત્રણ (૧૧.૩-૧૦) ગુજરાતી કવિતાસાહિત્યનું એક રત્ન છે :
ભક્ત તે જે એમ જાણે, જાણીને હૃદયા ધરે :
‘સ્વામી મારો રહ્યો સઘળે’, અહર્નિશ ચિંતન એ કરે.
‘ભુવન ત્રણમાં રહ્યો પૂરી પૂરણ સ્વેં પરમાત્મા,
પોતે તે પિઉજી નિરંતર, ભેદ દેખું હું ભ્રાંતમાં.
મારો રામ રમે છે સર્વ વિષે,’ – એમ હેતે હીસે મંન,
હરિ કહે, હરિ સાંભળે, હરિને સોંપે તંન.
નિત્ય રાસ નારાયણનો દેખે તે અનંત અપાર,
જ્યાં જેવો ત્યાં તેવો નારાયણ નર-નાર.
ગદગદ કંઠ ગાતાં થકે રોમાંચિત હોયે ગાત્ર,
હર્ષઆંસુ હેત હ્નદે, પ્રેમ કેરું તે પાત્ર.
નવનીત સરખું હૃદે કોમલ, કહ્યું ન જાયે હેત,
આંખમાં અમૃત ભર્યું, ભક્તિ કેરું તે ક્ષેત્ર.
ખાતો પીતો બોલતો દેખે તે સઘળે રામ,
વેધ્યું મન રહે તેહનું શિથિલ સંસારી કામ.
જ્યમ જાર-લુબધી જુવતી, તેનું મન રહે પ્રીતમ પાસ,
અહર્નિશ રહે આલોચતી, ભાઈ, એવું મન હરિદાસ.
જીવન્મુક્ત બાહ્ય ઉપાધિઓમાં ‘ભળ્યા સરખા ભાવ દેખાડે’ છે પણ અળગા રહેવાની ‘અકલ કલા માહંતને’ છે એ અનેક માર્મિક દૃષ્ટાંતોથી અખો દર્શાવે છે. મહામત્સ્યનું દૃષ્ટાંત ગતિશીલ અને ઊર્જિત છે :
જ્યમ મહાજલ માંહેનો મકર મોટો તે અંબુધ મધ્ય આઘો રહે,
ઊંચો આવીને અલ્પ વરતે, વળી મહાનિધે જાતો રહે. (૧૩.૬)
નિર્ગુણ બ્રહ્મ એ જ સગુણ સંતરૂપે વિચરી રહે છે : ‘પ્રત્યક્ષ રામ તે તત્ત્વવેત્તા વિષે’ (પદ ૮.૪). અગ્નિથી દીવો પ્રગટાવવા કરતાં દીવે દીવો પેટાવવો સહેલો પડે છે એ રીતે સંતની મદદથી ‘ભગવાન ભેટે જ વહેલો’. ગુરુ બ્રહ્મભાવ દૃઢાવવામાં સહાયભૂત કેવી રીતે થાય છે તે એક ઉત્તમ દૃષ્ટાંતથી અખો સમજાવે છે. કુંજલડી ઈંડાં મૂક્યા પછી દૂર દૂર ચારો ચરવા વિચરે છે પણ ‘તેહની સુરત રહે સરખી માંહોમાંહાં, તો અપત્ય ત્યાંહાં ઊછરે. વણસેવ્યે સેવાયે બાળક, ત્યમ કૃપા આવે ગુરુ તણી’ (૩૪.૯-૧૦). એક મોટું આશ્વાસન-વાક્ય અખો આપે છે : ‘જ્યમ ભક્તને ભગવાન વહાલા, ત્યમ ભક્ત વહાલા ભગવાનને’ (૩૫.૩). ‘અખેગીતા’ માં ‘પુષ્ટ્ય’ની – અનુગ્રહની વાત પણ કરવા ધારેલી છે. એનો અણસારો જૂના સાહિત્યમાં છે જ, પણ શ્રીમદ્ વલ્લભાચાર્યે, જેમણે તો પુષ્ટિમાર્ગ જ ચલાવ્યો, તેમની પછી આવનાર સમન્વયદર્શી અખામાં પુષ્ટિ પ્રધાનતા ન પામે તેની જ નવાઈ. પણ અખો પુરુષાર્થની કિંમત જરીકે ઓછી આંકવા માગતો નથી. એ અંગેની અખાઈ મુદ્રાવાળી બે પંક્તિઓ જુઓ :
જ્યમ છીપને રત્ય ખરી ઊપજે તો ઉપર આવે જળ માંહેથી,
તેહની સૂરતનો તાણ્યો તે પરજન્ય આવી વરસે ક્યાંહેથી. (૩૪.૩)
ગુજરાતી જ્ઞાનાશ્રયી કવિતાધારાના સંદર્ભમાં ‘અખેગીતા’ને જોવી રહે છે. અખાના પુરોગામીઓમાં એક ગણનાપાત્ર કવિ નરહરિ છે, બલકે એ જ્યેષ્ઠ સમકાલીન છે. એની ‘જ્ઞાનગીતા’ સં. ૧૬૭૨માં, ‘વસિષ્ઠસારગીતા’ સં. ૧૬૭૪માં અને ‘ભગવદ્ગીતા’ સં. ૧૬૭૭માં રચાઈ છે. નરહરિની ‘પ્રબોધમંજરી’ને અંતે આવતી પંક્તિ, ‘નિમિત્તમાત્ર તે નરહરિદાસ, કર્તા પુરુષોત્તમ અવિનાશ’ અને ‘જ્ઞાનગીતા’ની ‘મુને હરિએ કહેવરાવ્યું, તે કહ્યું... નરહરિને તે નિમિત્ત દીધું’ તે ‘અખેગીતા’ની અંતની પંક્તિ ‘અખાને શિર નિમિત્ત દેવું ઇચ્છા હુતી અનંતને’ની અને ‘સંતનાં લક્ષણ’ (જ્ઞા.૯)ની ‘તે હરિ બોલિ હરી સાંભલિ’ ‘અખેગીતા’ની ‘હરિ કહે હરિ સાંભળે’ની પૂર્વવર્તી છે. સંભવ છે કે જ્ઞાનાશ્રયી કવિતામાં આ જાતની શબ્દાવલિ રૂઢ હોયે. (‘પ્રબોધમંજરી’માં સંતનાં લક્ષણ આવે છે, પણ નરહરિએ તેર કડીનું સ્વતંત્ર ‘સંતનાં લક્ષણ’ કાવ્ય પણ આપ્યું છે – (જેમ અખાએ પણ ૩૨ કડીનું આપ્યું છે.) ‘જ્ઞાનગીતા’નું કાઠું શ્લોક, કડવાં, પદનું બનેલું છે. અખાના ‘ગુરુશિષ્યસંવાદ’ની એક પ્રતમાં ‘બસે ચાલીશ છે ચોપૈ, મધ સંવીતના શ્લોક ચૌદ’ એમ વચ્ચે સંમતિના ચૌદ સંસ્કૃત શ્લોક હોવાનો ઉલ્લેખ છે. આ રીતે શ્લોક આપવાની પણ પરંપરા હોય. નોંધવાનું એ છે કે અખો આ જાતની પરંપરાનો જાણકાર છે અને લાભ લેનારો છે. ‘જ્ઞાનગીતા’ સતત ‘અખેગીતા’-કારની નજર આગળ છે. ‘જ્ઞાનગીતા’માં સામાન્ય રીતે દરેક કડવાને અંતે ‘ગુરુભક્તિ કરતાં સંતસંગે વિરલે જયોગેન્દ્રે લહ્યું’ આવે છે તેમ દરેક કડવાનો અંત અખો ‘સેવો હરિગુરુસંતને’ એવા ઉદ્ગારથી લાવે છે. નરહરિના અંતિમ પદમાં પણ ‘હરિગુરુસંતે કૃપા કરી એ’ માં એ ત્રિપુટી એકસાથે નિર્દેશાઈ છે. અખામાં મળતા ગૌડપાદાચાર્યના અજાતિવાદને અગાઉ નરહરિએ ‘જ્ઞાનગીતા’ માં ‘જ્યમ છે ત્યમ’ (૧૨.૮,૧૫.૧૯), ‘ઇમ યથાર્થ જ્યમત્યમ થયું’ (૧૪.૨) આદિ દ્વારા પુરસ્કારેલો છે. પાણીમાંથી બરફ જામવાનું ને ફરી બરફનું પાણી થવાનું અખાનું દૃષ્ટાંત પણ એની અગાઉ નરહરિમાં પણ જોવા મળે છે : ‘જ્યમ પાણીથી પાલો હોવે, પાલો તે પાણીરૂપ’ (૧૬.૯). શબ્દો, વાક્યખંડો, ઉપમા દૃષ્ટાન્તો, બાનીની આખી ઇબારત અને કડવાં-પદનું રચનાકાઠું એ બધાં ઉપર વડેરા નરહરિની મુદ્રા ‘અખેગીતા’માં જોવી મુશ્કેલ નથી. તેમ છતાં, કોઈ ગુજરાતી કૃતિ અનુભવની ઉત્કટતા અને સ્પષ્ટતા — અને એને લીધે પ્રતીત થતી મૌલિકતા – વડે મંડિત હોઈ ભગવદ્ગીતાના કુળની એક સ્વતંત્ર ગીતારચના તરીકે સ્વીકારવાને પાત્ર હોય તો તે નિઃસંશય ‘અખેગીતા’ છે. ભગવદ્ગીતાની પેઠે ‘અખેગીતા’–માં કાવ્ય અને તત્ત્વજ્ઞાનનું આસ્વાદ્ય સંમિશ્રણ થયેલું છે. ‘અખેગીતા’ એ ગુજરાતી તત્ત્વજ્ઞાન-કવિતાનું એક ઉચ્ચશૃંગ છે.
૩. ‘અનુભવબિંદુ’૨૯[29]
છૂટક છૂટક, લાંબા સમય દરમ્યાન, રચાયેલા ‘છપ્પા’માં અખાની જે સમજણ સચોટ છતાં વેરાયેલી પડી છે, અને ‘અખેગીતા’ પ્રકરણગ્રંથમાં જે ક્રમબદ્ધરૂપે વિગતે નિરૂપાઈ છે તે કહો કે આચમનરૂપે ‘અનુભવબિંદુ’માં સાંપડે છે. એની ચાળીસ કડીઓમાં નીચે પ્રમાણે વિષયનો આલેખ જોવા મળે છે :
| ૧. | ગ્રંથારંભ-પ્રાર્થના | કડી ૧-૨ |
| ૨. | વિષયાનુક્રમનિર્દેશ | ૩ |
| ૩. | આત્મજ્ઞાન માટે અનુરોધ, ગુરુસેવન | ૪ |
| ૪. | બ્રહ્મ | ૫-૬ |
| ૫. | માયા-ઈશ્વર-જગત | ૭-૧૦ |
| ૬. | જીવ | ૧૧-૧૩ |
| ૭. | બ્રહ્મભાવદશા : જીવન્મુક્ત | ૧૪-૧૯ |
| ૮. | સાધનાને નામે આળપંપાળ : કર્મકાંડ, કીર્તન, પંડિતાઈ, સિદ્ધિઓ, વગેરે | ૨૦-૨૩ |
| ૯. | બ્રહ્મસ્વરૂપની સૂઝ, સમજ સાચું સાધન | ૨૪-૩૧ |
| ૧૦. | બ્રહ્માનુભવનો મહિમા | ૩૨-૩૬ |
| ૧૧. | ‘ફલશ્રુતિ’ | ૩૭-૪૦ |
અખો પોતાની ઉત્તરાવસ્થાની બે મુખ્ય રચનાઓ – ‘અખેગીતા’ અને ‘અનુભવબિંદુ’ – નાં મંગલાચરણ અનોખી રીતે કરે છે તે અગાઉ ‘બ્રહ્માનંદ’ અંગેની ચર્ચામાં જોયું છે. પ્રપંચથી જે પાર છે તે ‘તત્ત્વમસિપદ’ની વાત પોતે કૈવલ્ય, ઈશ્વર, જીવના ભેદ નિરૂપીને ‘અનુક્રમે’ કહેવા માગે છે એમ અખો પ્રસ્તાવ કરે છે. પાણીમાંના ચંદ્ર કરતાં આકાશનો ચંદ્ર અલગ અકળ ઝળક્યાં કરે છે તેમ પરબ્રહ્મ અલગ વિલસે છે. માયામાં પડેલું બ્રહ્મનું પ્રતિબિંબ તે ઈશ્વર. પૃથ્વી ઉપર વૃક્ષ, ધાતુ, પ્રાણીઓ એમ બહોળી સૃષ્ટિ છે પણ અંતે તો સૌ પૃથ્વીનાં જ છે, પૃથ્વી તે પૃથ્વી જ છે, એમ ચૌદે બ્રહ્માંડ આત્માનો આપવિસ્તાર માત્ર છે. સ્વપ્નમાં માણસ સંસાર માંડે ને જાગે ત્યારે કશું હોતું નથી, એક પોતે જ હોય છે, એમ સર્વાતીત એક આત્મા જ જે આ બધું દેખાઈ રહ્યું છે તેમાં સભરો ભરેલો છે. જીવનો ખ્યાલ આપતાં, રૂપકથી અખો કહે છે કે સમુદ્રનું પાણી ઊડી, વાદળરૂપે દૂર દૂર વરસી, નદીરૂપે વહી, સમુદ્રને પાછું આવી મળે છે, એમ જ શ્રીહરિરૂપી સાગરને ‘જીવ-નદી’ આવી મળે છે. આત્મા જીવ-ભાવ ધારણ કરતાં જંજાળમાં પડેલો છે. બ્રહ્મ સાથે સાયુજ્ય પામે છે ત્યારે જીવ સઘળે માત્ર હરિને દેખે છે. શરદઋતુના રૂપકથી બ્રહ્માનુભવની મહાદશાનું અત્યંત કાવ્યમય વર્ણન અખો આપે છે. અધ્યાત્મજ્ઞાન વગરનો કર્મકાંડ તો આકાશપુષ્પ વેચવાના ઉધામા છે. કીર્તન, વર્ણાશ્રમ–અભિમાન, હઠયોગ, મૂર્તિપૂજા એ બધું છાશ પીને પેટ ભરવા જેવું છે. ષડ્દર્શનજ્ઞાન, દાનવીરપણું, કીર્તિ, ત્રિકાલવેત્તાપણું, વગેરે સિદ્ધિઓ દ્વારા પણ માયા માણસોને મર્કટ બનાવે છે. તેથી બ્રહ્મ-સ્વરૂપની સાચી સૂઝ પ્રાપ્ત કરવા અખો અનુરોધ કરે છે. આત્માથી જુદું બીજું કાંઈ પણ જોવું એ જ વિઘ્ન છે. માયાનો પસારો સંકેલવો, – એમ એનું કહેવું છે. ત્રણ સુંદર ઉપમાચિત્રોથી અખો બ્રહ્મ જ એક છે એ વાત ઠસાવે છે : (૧) કાચનું ઘર હોય, તેમાં રહેલાને અનેક રંગો દેખાય, પણ ખરેખર તો સૂર્ય (કે ચંદ્ર) સિવાય કાંઈ નથી. (૨) વનમાં ગોપીઓ હાથી રૂપે ગોઠવાઈ કનૈયાને બેસાડીને લાવે છે તેવી ભાતવાળા ‘નારીકુંજરચીર’માં પૂતળીઓની બહુલતા દેખાય છે, પણ બીજી રીતે જુઓ તો હાથી જ દેખાય છે. પૂતળીઓની બહુલતા પ્રમાણે સંસારમાં જીવોની બહુલતા છે. હાથીની જેમ ઈશ્વર છે. પણ વસ્ત્રનું પોત જેમ બધે એક જ છે તેમ સંસારને જોતાં તેમાં એક કૈલ્યતા જ દેખાશે. (૩) જેમ કોઈ કોઈ મોટો પર્વત દસવીસ કોસ દૂર હોય છતાં નિકટ લાગે છે અને એનો પ્રૌઢ મહોરો દેખાય છે, નાની નાની વીગતો (શિલાઓ, ઝાડી, વૃક્ષ-પાંદડાં, ઝરણાં, ખીણ વગેરે) આગળ તરી આવતી નથી, બલકે ભળીને એકાકાર થયેલી હોય છે, તેમ બ્રહ્મ જ એક બધે, સહજજ્ઞાન થતાં, ભાસમાન થશે. આવી બ્રહ્મબુદ્ધિ ઊપજે તે માટે સાધન વિચારવું જોઈએ. આરંભની કડીઓમાં સદ્ગુરુનો મહિમા કરનારો અને ‘સગરો જાણે સંચ’ એમ સગુરા સાધકનું મહત્ત્વ કરનારો અખો અહીં ગુરુ અંગે સ્પષ્ટ દોરવણી આપે છે : ‘ગુરુ થા તારો તું જ.’ ગૌડપાદના અજાતિવાદની સમજ અખો આ કૃતિમાં પણ પ્રસ્તુત કરે છે. નિરંતર બધે બ્રહ્મ જ બ્રહ્મ છે, કશું એમાંથી જતું નથી, નીપજતું નથી. ‘જેમ છે તેમનું તેમ છે, અખા થયું ગયું કંઈ એ નથી.’ આનંદઘન આત્મા જ માત્ર છે, એ માનવીનું સ્વ-રૂપ છે. બ્રહ્માનુભવની વાત પ્રાચીન કાળમાં અનેકે બીજાઓને કહી છે. એ ‘મહાનુભવ’ મળે તો તેની આગળ બીજાં બધાં કૃત્ય કશા લેખામાં નથી તે રવિરથ ઉપર બેઠેલા બધું જ જોઈ શકે છે એ દૃષ્ટાંતથી અખો દર્શાવે છે. છેલ્લી કડીઓમાં ૧૭ વાર ‘અનુભવ’ શબ્દ આવે છે. (૧૫ પંક્તિઓ ‘એ અનુભવ’ થી શરૂ થાય છે અને બે વાર ‘મહાઅનુભવ’ શબ્દ વપરાયો છે), એટલે આ લઘુકૃતિને ‘અનુભવબિંદુ’ નામ મળ્યું લાગે છે. અખાએ પોતે એ નામ આપ્યું લાગતું નથી, હસ્તપ્રતોમાં એવું નામ મળતું નથી. ‘અથ અષાજીના ચાલીસ છપ્પા પ્રારંભ’, ‘ઇતિશ્રી અખાજી કૃત છપા સંપૂર્ણ’ એમ સં. ૧૮૭૨ની પ્રત કહે છે. ‘ચાલીસ છપા’ અથવા માત્ર ‘છપા’ નામથી કૃતિ પ્રચલિત હોવા સંભવ છે. અત્યારે ‘છપ્પા’ નામથી જાણીતી અખાની લોકપ્રિય કૃતિ હસ્તપ્રતોમાં ‘છપે’ નામથી ઉલ્લેખાતી હોઈ એનાથી જુદી પાડવા આ રચનાને ‘અનુભવબિંદુ’ નામ અપાયું હોય. પણ ‘અનુભવ’ શબ્દ ઉપર નજર રાખી કૃતિને જેણે પણ ‘અનુભવબિંદુ’ નામ આપ્યું હોય તેણે ભારે ઔચિત્ય દાખવ્યું છે. ‘બિંદુ’ નામ ધારણ કરનારી કૃતિઓ વિશે નર્મદાશંકર દે. મહેતા કહે છે : ‘અથર્વવેદનાં કેટલાંક ઉપનિષદોમાં અમુક વિષયનું એકીકરણ કરી ગંભીર અર્થ ટૂંકામાં જણાવે છે તેવાં ઉપનિષદોને બિંદુ એટલે કેન્દ્રભાવને પામેલો વિચાર એવું નામ આપવામાં આવે છે, જેમ કે ધ્યાનબિંદુ, અમૃતબિંદુ, નાદબિંદુ. પાછળથી વેદના શાસ્ત્રનું તાત્પર્ય જેમાં એકત્ર થયું છે એવા પ્રકરણને બિંદુ નામ આપવામાં આવે છે, જેમ કે શંકરાચાર્યની ‘દશશ્લોકી’ ઉપરની મધુસૂદન સરસ્વતીની ટીકાને ‘સિદ્ધાંતબિંદુ’ કહે છે... બિંદુ એટલે ટપકું નહીં, પરંતુ ગંભીર વિચારનું જ્યાં એકીકરણ છે એવા ગ્રંથ સમજવાનું છે.’૩૦[30] કેશવલાલ હર્ષદરાય ધ્રુવ યોગ્ય જ કહે છે, ‘પ્રાકૃત ઉપનિષદ જોવાની ઇચ્છા હોય તેણે ‘અનુભવબિંદુ’ વાંચવું. તેમાં ગુરુમુખે શિષ્ય પ્રત્યે સ્વરૂપાનુસંધાનનો બોધ છે. ‘સત્ય સત્ય પરમાત્મા, હું નહિ’ એ તેનો પ્રધાન વિષય છે. જેનો અનુભવ કરાવવા વેદાંતી લેખક – ‘ગુરુ થા તારો તું જ’ એમ શ્રીમુખે ભાખે છે. અને ‘અનુભવબિંદુ’માં – તેમ જ ‘અખેગીતા’માં ઉક્ત કથનના અન્વયે શ્રોતા પણ અખો છે અને વક્તા પણ અખો છે. બંને કૃતિ ચરમ ભૂમિકાએ પહોંચ્યા પછીના અંતિમ લેખ છે.’ અને તેઓ ઉમેરે છે કે ‘ઉપનિષદરૂપ નિર્દેશેલ ‘અનુભવબિંદુ’ એક અર્થગંભીર રમણીય ખંડકાવ્ય પણ છે.’ ૩૧[31] ‘અનુભવબિંદુ’માં પણ અખાની પદ્ધતિ ‘અખેગીતા’ને મળતી જ છે, મંગલાચરણ અને ફલશ્રુતિ પૂરતી જ નહીં, પણ વિષયનિરૂપણ અંગે પણ. અદ્વૈત-અનુભવની ઇષ્ટતા, માયાનો પ્રભાવ, બ્રહ્મ (અને ઈશ્વર, જગત, જીવ) નું સ્વરૂપ, બ્રહ્મભાવ પામેલા જીવન્મુક્તોનો મહિમા, અન્ય સાધનાઓની ઊણપો, ‘મહા-અનુભવ’નો – અદ્વૈતાનુભવનો આનંદ, – વિષયનિરૂપણનો આવો તંતુ બંનેમાં લગભગ એકસરખો જોવા મળે છે. અલબત્ત, ‘અનુભવબિંદુ’માં સંક્ષેપ હોય એ સ્વભાવિક છે. આતમસૂઝ કરાવવામાં અખાને કવિત્વશક્તિ ખૂબ ખપ લાગે છે. ‘અનુભવબિંદુ’માં છપ્પાની પહેલી ચાર લીટીઓમાં વચ્ચે પ્રાસ–સાંકળી યોજવાથી નીપજતો લયહિલ્લોલ રચનામાં એક સાથે સંયમ અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે.
જ્યમ વૃષાકાલ હોય ગત્ય, રત્ય જ્યમ રૂડી દીસે,
દ્યૌનું ડોહોલ, પલાય, વાયુ મંદ હલુઆ હીસે;
ચાસન ચમકે ચંદ ધંધ સર્વ મનનો ભાગે,
ત્યમ ભાગે ભવભ્રાંતિ કાંતિ હુતી જ્યમ આગે.
વાયુ વિમલ હોય વેગે ચતુર લિંગ લેખે લહે,
ચિદાકાશ ચિદમય અખા ધ્યે-ધ્યાતા સમરસ રહે. ૧૫
શરદઋતુના સમુલ્લાસના આલેખ દ્વારા અખો બ્રહ્માનુભવના સમુલ્લાસનું સૂચન હૃદયંગમ રીતે કરી શકે છે. ‘વાયુ મંદ હળવા હીસે’ માં આખો આનંદ પ્રગટ થઈ જાય છે. ‘ચાસન (ઉઘાડો) ચમકે ચંદ’માં નિરવરોધ આત્મપ્રતીતિના ઉલ્લાસનો ઉદ્ગાર છે. બોલચાલનો સચોટ શબ્દ રચનામાં આવતોકને સહેજે યથાસ્થાને ગોઠવાઈ જતો હોય છે, અખાને આયાસ કરવો પડતો નથી. વર્ણસગાઈ જેવા અલંકારો પણ પોતાનો ફાળો આપી છૂટે છે. મુખ્યત્વે તો ઉપમાઓ, રૂપકો, દૃષ્ટાંતો દ્વારા અખો કામ કાઢી લે છે. શરદઋતુના દૃષ્ટાંત જેવું જ હૃદયંગમ ‘વચ્ચે જીવ-નદી થઈ વહી’ (૧૧) એ રૂપક છે. કાચના મંદિરનું રૂપક અખાની મૌલિક પ્રતિભાની મુદ્રાવાળું છે –
જ્યમ મોટા મંદિર માંહે ત્યાંહે છે કાચ જ ઢાળ્યા,
નીલ પીત બહુ રંગરંગના ભેદ જ ભાળ્યા;
ત્યાં ઊગ્યો શશી કે સૂર, દૂરથી અંતર ઝળકે,
તે બહુ દેખાડે રૂપ, ધૂપ વિવિધ પેરે ચળકે.
અખા ઉપર અવિલોકતાં તે ત્યાં છે તેમનું તેમ છે,
ત્યમ ત્રિલોકી જાણજે વસ્તુ વડે એ એમ છે. ૨૭
નારીકુંજરચીરનું દૃષ્ટાંત વિષયને સ્પષ્ટ કરવામાં ઉપકારક નીવડે છે. દસવીસ કોસ દૂરના, પણ નિકટ ભાસતા, પર્વતનું દૃષ્ટાંત ભવ્યતાનો ઇશારો કરે છે અને અખાની મૌલિક કવિત્વશક્તિનો સુંદર પરિચય કરાવે છે. વિષયની ઊર્જિતતા આ આલેખન વગર કદાચ છતી થઈ શકી ન હોત. ઉપર સૂચવ્યું છે તેમ ‘અનુભવબિંદુ’માં કવિત્વશક્તિનો મુખ્ય ઉન્મેષ લયાન્દોલ. છેવટની કડીઓમાં ‘એ અનુભવ’થી અનેક પંક્તિઓ શરૂ થાય છે તેમાં ઉત્સાહનો એક પ્રબળ ધબકારો છે. લય દ્વારા એક પ્રકારનું સંમોહન જામે છે. ‘અનુભવબિંદુ’માં અખાની આતમસૂઝ તેમ જ કવિત્વશક્તિ ઘૂંટાયેલા સ્વરૂપે પ્રતીત થાય છે. ‘અનુભવબિંદુ’ એ ‘અખેગીતા’ પ્રકરણગ્રંથમાં મળેલી સફળતા પછી આખો વિષય હસ્તામલક કરી આપવા માટેનો અખાની પરિણતપ્રજ્ઞાનો પ્રયત્ન હોય. અખાને કોઈએ કહ્યું હોય, તમારી ગીતા ખરી, પણ અમને ઊંડા પાણીમાં ઉતાર્યાં વગર ઝટ સમજાઈ જાય એવું, બને તો કંઠસ્થ કરી પાઠ કરી શકીએ એવું, કાંઈક કાં ન આપો? પૂર્વાશ્રમના ઘાટરસિયા અખાએ ‘અનુભવબિંદુમાં આતમસૂઝના કુંદનને સુરેખ ઘાટમાં રજૂ કર્યું છે. ‘અનુભવબિંદુ’ એ ખરે જ ચિંતનરસનું ઘૂંટેલું એક મૌક્તિક-બિંદુ છે. તેમ છતાં હસ્તપ્રતોમાંનાં પ્રાસસાંકળીને અને છંદને વિચ્છિન્ન કરે એવાં પાઠાંતરો, કોઈ કોઈ મહત્ત્વના શબ્દો અંગે અચોક્કસતા, એને કારણે ‘અનુભવબિંદુ’ની છાપ કાંઈક દુરૂહ રચનાની પડી છે. વિષયનિરૂપણની પ્રતિજ્ઞાને કારણે જેમ ‘અખેગીતા’ તેમ ‘અનુભવબિંદુ’ પણ નિષ્ણાતો—વિશિષ્ટ સાધકો માટેની કૃતિ બની રહે છે. ‘અખેગીતા’ અને ‘અનુભવબિંદુ’ના વાચનને અંતે – તે શબ્દસૃષ્ટિ આત્મસાત્ કરવાને પરિણામે – છેવટને પલ્લે વાચકને મળે છે અનુભવ કરતાં વધુ તો અનુભવનો આલેખ. પહેલીમાં ‘નિત્યરાસ નારાયણનો’ જેવા કેટલાક ખંડકોમાં અને બીજીમાં શરદઋતુવર્ણન જેવા પ્રસંગોએ અનુભવસ્પર્શ થાય છે, પણ એકંદરે આ બંને કૃતિઓની રસાવહતામાં કાંઈક ઊણપ રહી જતી લાગે છે. ગુજરાતી ભાષાની તત્ત્વજ્ઞાન કવિતામાં અદ્વૈતાનુભવના સુરેખ સબળ નિરૂપણ તરીકે ‘અખેગીતા’ની જોડાજોડ ‘અનુભવબિંદુ’ પણ લાંબા સમય સુધી વંચાશે.
૪ છપ્પા૩૨[32]
અખાનો અનુભવસ્પંદ આપણા કાવ્યાનુભવસ્પંદ રૂપે પ્રતીત થવામાં ઓછામાં ઓછી મુશ્કેલી હોય તો તે ‘છપ્પા’માં. ‘અખેગીતા’માં અને ‘અનુભવબિંદુ’માં ક્રમબદ્ધ જે વિચારો મળે છે તે છૂટકછૂટક ‘છપ્પા’માં અખો વેરતો રહ્યો છે, જો કે એ બધા વિચારો પાછળ રહેલી દાર્શનિક ભૂમિકા લગભગ એકસરખી છે. ‘લગભગ’ એટલા માટે કે ‘છપ્પા’ વધારે લાંબા ગાળામાં રચાયા હોઈ અખાના મનમાં વિકસતી જતી વિચારભૂમિકાઓમાંથી તે તે ભૂમિકાનું પ્રાધાન્ય તે તે વખતે રચાયેલા ‘અંગ’માં હોઈ શકે. એકંદરે ‘છપ્પા’નું તાત્ત્વિક પોત એકસરખું છે. બ્રહ્મભાવ અંગેનું ‘છપ્પા’માં પોત જુદું અને તેની ઉપરની ભાત જુદી એવું રહેવા પામતું નથી, દર્શન અને કવિતા એકરૂપ થઈને, મોટાભાગે, પ્રગટે છે. ‘છપ્પા’ લોકપ્રિય છે તે એના દર્શનને કારણે કે કવિતાને કારણે? મનુષ્યમાં ધર્મતૃષા, તત્ત્વતૃષા તોષનારી કૃતિઓમાંથી સૌથી વધુ સૌન્દર્યતૃષા પણ હોય છે. ગુજરાતી લોકસમાજે, કોઈ વિવેચક પર પ્રશ્ન છોડવાને બદલે ‘છપ્પા’ને પોતાની છાતી સરસા રાખીને અખાની તત્ત્વતૃષા તોષનારી કૃતિઓમાં સૌથી વધુ સૌંદર્યતૃષા છિપવનારી કૃતિ એ છે એ જાહેર કરી દીધું છે. એની એ તત્ત્વની વાતો ‘છપ્પા’માં ઉદ્ગારાય છે, પણ ત્યાં એનો રણકો જ જુદો છે. બ્રહ્મ એક છે એ વાત અખાએ એક સાદા પ્રશ્નથી સૂચવી છે : ‘ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?’ (૩૮૫) વળી કહે છે : ‘અનુભવ કરે ત્યારે એક આતમા’ (૨૬૫). ખરું જોતાં ‘એક’ એવી સંખ્યા પણ ઘટતી નથી. એ વાત માર્મિક રીતે એ મૂકે છેઃ ‘એક નહીં ત્યાં બીજું કશું?’ (૮) ઉક્તિવૈચિત્ર્યથી અખો બાજી જીતી જાય છે. બ્રહ્મ યથાવત્, નિર્વિકાર, છે : ‘શાથી લઈને શામાં ભરું? ક્યમ અખંડ બ્રહ્મની ખંડણા કરું? અખા, એ તાં છે અદબદ’ (૨૬૯). ગૌડપાદાચાર્યના અજાતિવાદના પ્રભાવ નીચે ચૈતન્ય ‘ત્યમનું ત્યમ’ નિર્વિકાર રહે છે એ કહેતાં એ થાકતો નથી. ‘અરૂપી રૂપે બહુ થયો, સ્વસ્વરૂપે જ્યમનો ત્યમ રહ્યો’ (૧૫૬). [ઉપરાંત જુઓ ૬૬ઉ, ૧૪૭ઉ, ૨૫૭ઉ, ૩૦૯ઉ, ૩૪૦ઉ, ૩૪૬ઊ, ૩૪૮ઈ, ૫૧૮ઉ. (છપ્પાની પંક્તિઓને અનુક્રમે અઆઇઈઉઊ – થી નિર્દેશી છે.)] બ્રહ્મવસ્તુ વર્ણનક્ષમ નથી, અનુભવક્ષમ છેઃ
કાંઈ સમજ્યા સરખો છે મહારાજ. (૩૪૩)
જગત મિથ્યા છે, કારણબ્રહ્મનું કાર્ય છેઃ
સત ચૈતન્ય, ને મિથ્યા માય, અખા એમ દીઠો પરભાય. (૫૦૪)
લોક ચૌદ ચૈતન્યનો ઠાઠ, નીપજતા જાયે ઘાટેઘાટ. (૩૮૯)
જીવ બ્રહ્મ છે, બ્રહ્મથી જુદો નથી. ‘હું પૂરણ બ્રહ્મ ચૈતન્યધન એક’ (૫૯), ‘અખા, અક્ષર તું ક્ષરવસ્તુ નોહે’ (૪૦૬). સુંદર રૂપકથી અખો ઠસાવે છેઃ ‘તન તીરથ, તું આતમદેવ’ (૪૦૫). જીવ અણછતો, અછતો (‘છૂપો’, ‘ન દેખાતો’–એ અર્થમાં નહીં, પણ મૂળ અસત્ —‘જે છે જ નહિ એવો’–ના અર્થમાં) છે એમ વારંવાર અખો કહે છે ‘અણછતો જીવ તું કાં થાયે છતો?’ (૨૨૯) એ વાત સુંદર સમજાવટથી એણે ફરી મૂકી છે:
જે મુજ પહેલો હતો કિરતાર.
મુજ જાતે રહે છે હરિ, વચે હું રહ્યો માથે કરી.
અખા એમ વિચારી રહે, શીશ-પોટલો નાખી દે. (૩૦)
મધ્યે વ્યસન લાગ્યે કરી જીવ, અખા આદિ અંતે શિવ. (૨૩૬)
બ્રહ્મ તે પોત અને જીવો વગેરે તે ભાત. ‘થાય ભાત પણ સામર્થ્ય પોત’ (૧૫૫). જરીક શબ્દરમત કરી અખો સમજાવે છેઃ ‘પોત ન લહ્યું, તે પોતે થયા’ (૨૫૩). પોતાપણું ટળે તો પોતપણું લાધે. ‘સ્વેં થાય અખા, જો પોતે ટળે’ (૨૩૩). ‘પોતાપણેથી જે નર ટળે, તે અણઆયાસે હરિસાગર મળે’ (૬). અદ્વૈતભાવ-અભેદભાવ–નો સ્તંભ રોપી અડીખમ ઊભવા એ અનુરોધ કરે છે :
અહંબ્રહ્મ રોપી રહે થંભ...
એ સદાસર્વદા ચાલ્યું જાય, તું અણછતો ઊભો શાને થાય? (૩૭૬)
કામ સકળ મુજ પૂરણ થયાં, બ્રહ્મસાગર માંહે ગળી ગયાં.
હું હરિમાં અને મુજમાં હરિ, એમ અખા નખશિખ રહ્યો ભરી. (૨૩૯)
કૈવલ્ય, ઈશ્વર, જગત, જીવ એ બધાના પરસ્પર સંબંધનું વર્ણન શ્વેતાશ્વેતર ઉપનિષદના સમયથી ચાલી આવતી અને શંકરાચાર્યે ઉપયોગમાં લીધેલી માયા અને માયિનની ઉપમાથી ‘વિશ્વરૂપ અંગ’માં અખાએ કર્યું છે. ચામડાના ટુકડાની આકૃતિઓ દીવા આગળ ધરીને બતાવતો નટ તે ઈશ્વર, દીવો તે બ્રહ્મ.
આળા ચર્મ કેરાં બહુ રૂપ, નટ દેખાડે ભાત અનુપ.
છામખેડામાં બેઠો છપી, ૨મી રૂપ પાછાં વળે ખપી.
ખેલ ચાલે જે દીપક વડે, તેને અખા કાંઈ નવ અડે. (૧૫૧)
લક્ષચોરાશી ખાણે જંત, પડમાં નટ તે ઈશ્વર અનંત.
દીપક તે પરમ ચૈતન્યબ્રહ્મ, જે વડે ચાલે ઈશ્વરકર્મ. (૧૫૨)
જગત અને બ્રહ્મનું દ્વૈત શમતાં અખંડાકાર બ્રહ્મભાવની ભરતી અનુભવાય તેનાં વર્ણનો ઉલ્લાસ-ઊછળતાં છે :
ચિદઅર્ણવ સદા ભરપૂર, અખા ઉત્પત્યસ્થિતિલય લહેરી પૂર. (૪૪૩)
ચિદઅર્ણવ કેરા બુદબુદા, ઊપજે ખપે સ્વભાવે સદા. (૪૬૫)
ચૈતન્યબ્રહ્મ સદોદિત સદા, સહેજ કલ્લોલ કરે છે ચિદા. (૧૨૭)
આવી આતમસૂઝ પામ્યા પછી મુક્તિ અને એનાં સાધન–જ્ઞાન, કર્મ, ભક્તિ, વૈરાગ્ય એ બધા વિશેની નજ૨ જ બદલાઈ જાય છે. ‘મુકિત વાંછવી એ બંધન નામ’ (૬૬), કેમકે એમાં દ્વૈત-અધ્યાસ પ્રગટ થાય છે. ‘જીવ થઈ થાપે ભિન્ન ભગવંત, જીવ થઈ મુક્તિ મન માને જંત (૩૦૯). ધ્યેય અને ધ્યાતા જુદા ન હોય ત્યાં જાણણહાર–જ્ઞાની બનવાથી દ્વૈત જ વધે : ‘અખા અણલિંગી પદ અનુપ, જ્યાં ધ્યેય-ધ્યાતાનું ન રહે રૂપ’ (૧૬૦). ‘જાણપણું મેલીને જાણ, જાણ થયે જાણ્યું નહિ જાય. જાણણહારો બીજો થાય’ (૨૩૩). ‘સમજણહાર વિના સમજવું, કહે અખો હું એવું કવું,’ (૧૭૪). આત્મામાં જ્ઞાનકર્તૃત્વ એવો ધર્મ આરોપાય છે એટલું જ, અખો એની મર્માળી રીતથી પૂછે છે: ‘કોણ કળે ને કેને કળે’ (૫૧૪) ‘તું કલ્પદ્રુમ, કાં કલ્પી મરે?’ (૪૦૪) શંકરને અનુસરી જડ કર્મકાંડને ઉતારી પાડવામાં અખો આળસ્યો નથી. તીર્થાટન, દેહદમન આદિ અનિવાર્ય નથી : ‘ગોળે મરે કાં શોધે વખ, તપી ભમી કાં પામે દ:ખ?’ (૩૧) હરિમણિ કંઠે છે તેને શોધવા રસ્તાની ધૂળ ચાળે ત્યાં કર્મકાચની કણિકા જડે છે, એ ‘અલ્પ પ્રાપ્તિ ને અતિ આયાસ’ (૧૧૧) નો માર્ગ છે. ‘કર્મકંડુ’થી સંસાર વધે છે. એક સચોટ રૂપકથી ફળલિપ્સા અંગે સાવધ કરે છે : ‘કર્મ કરે ને ફળની આશ, એ તો હરિમારગમાં મેવાસ’ (૧૭૮). અખાને મતે ‘સાચું સાધન શુદ્ધ વિચાર’ (૨૯૫) એટલે કે જ્ઞાન છે. ‘સદ્-વિચાર વિના કરે જે ઘણું, પણ ધૂળ ઉપર અખા લીંપણું’ (૪૨૩). પ્રભુની જેમ જ, અંતરથી અકર્તા રહી કર્મ કરવાનો ગીતાબોધ્યો નિષ્કામ કર્મનો માર્ગ એ ચીંધે છે :
અંતરે રહે અકર્તા થઈ, તો કર્મ કરતાં લાગે નહીં;
જ્યમ ભાજે ઘડે સહેજે સંસાર, પણ અખા અકર્તા રહે કિરતાર. (૧૮૦)
અખાને મન ભક્તિ પણ જ્ઞાન-અંતર્ગત છે. ‘સદ્-વિચાર તે સાચી ભક્તિ’ (૪૧૭), ‘જ્ઞાન વિના ભક્તિ નવ થાય, જ્યમ ચક્ષુહીણો જ્યાં ત્યાં અથડાય’ (૩૨૨). વારંવાર એ કહે છે કે પહેલાં પ્રીછો, પછી ભજો : ‘ભક્ત તે, જે પ્રીછી ભજે’ (૧૮૯); અને પછી નર્મોક્તિથી ઉમેરે છે, ‘રામનામ પ્રીછ્યે ગુણ ઘણો.... વણસમજ્યે સૂડો નિત્ય કહે, સામું કઠપિંજરમાં રહે’ (૩૨૯). અભેદાનુભવીને ભક્તિ કરવા જેવું જ રહેતું નથી. પોતે જે કાંઈ વસ્તુ સમર્પવા જાય છે તે પ્રભુની જ નીવડે છે. બૃહસ્પતિપુત્ર કચ ધ્યાનમાંથી બહાર આવીને, कि करोमि क्व गच्छामि? आत्मना पूरितं विश्वम् – ‘હું શું કરું, ક્યાં જાઉં? ચારેકોર બ્રહ્મ ભરેલું છે,’ એવી વિરાટ મૂંઝવણને વાચા આપે છે. અખો તો અવાક થઈ જાય છે : ‘અખો જે જે કરવા ગયો, એ તો એમ અણબોલ્યો રહ્યો’ (૨૦૮). બે ઉપમાઓ એ યોજે છે. પ્રિયતમને પામ્યા પહેલાં એની રટણા સમજી શકાય, પણ સોહાગણને તો નિરંતર સ્વામી સાથમાં જ છે. વળી દ્વૈત જ નથી તો માણસ પોતાને સાદ કરે એ કેવું લાગે? –
કુંવારી લે વરનું નામ, પણ સદા સોહાગણ સંગે સ્વામ.
પોતે પોતાને કરવો સાદ, એ તો અખા ઘેલાનો વાદ (૨૮૯)
અને પછી અખો માર્મિક રીતે પૂછે છે : ‘હરિમાં રહે તે ગુણ શું ગાય?’ (૨૮૯) ‘અળગો જાણે તો લેવા જાય... તોય કંઈ તરસ્યું કહેતું ફરે?’ (૨૯૦) – પાણી કંઈ કહેતું ફરતું નથી કે હું તરસ્યું છું. આમ, અખાની ભક્તિ સગુણની ન રહેતાં નિર્ગુણોપાસનામાં અંતર્ગત થઈ જાય છે : ‘વિચારે ભક્તિ થાયે વણ કરી’ (૪૨૨). નવધા ભક્તિથી પર જવા એ સૂચવે છે : ‘જેની ભક્તિ એક્યાસી પૂરણ થઈ, બ્યાસીએ બુધ્ય આવી રહી’ (૭૯). નવધાની પાર પ્રેમલક્ષણા છે અને જ્ઞાનદશા છે. અખો નિર્ગુણોપાસનાને પ્રેમલક્ષણારૂપે જુએ છે. હસ્તપ્રતો બહારના, અંતના, છપ્પાઓમાં એક બહુ સુંદર છપ્પો મળે છે :
જ્ઞાની વિહારી ગોપી જશા, તે જ જ્ઞાની જેને ગોપીની દશા.
ગોપી ભૂલી ઘર ને બાર, ગોપી ભૂલી કુટુંબ પરિવાર;
પોતાની દેહ પણ ભૂલી ગઈ, અખા કામિની કુળવંત થઈ. (૬૯૫)
વૈરાગ્ય અખાને મન જ્ઞાનભક્તિથી ભિન્ન નથી : ‘ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક, ત્રણ નામ વિભાગ’ (૪૫૩). ‘અખેગીતા’ની જ્ઞાનવૈરાગ્ય–પાંખાળી ભક્તિપંખિણીનું વર્ણન કદાચ આ પંક્તિ પહેલાં જ થઈ ગયું હશે. અખો ‘જ્ઞાન’ શબ્દ કરતાં ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યને સમાવી લેતા અનુભવનું સૂચન કરવા માટે ‘શુદ્ધ વિચાર’, ‘સદ્-વિચાર’ વધુ પસંદ કરતો લાગે છે. પણ એનો સૌથી પ્રિય શબ્દ છે ‘સૂઝ’, ‘સમજ’ : ‘જ્ઞાતાને સાધન તે સૂઝ’ (૨૮૭), ‘પણ જ્ઞાન તો છે આતમસૂઝ’ (૩૦૮), ‘અખા સમજ તે સાધનરાજ’. આવા સૂઝ-સમજવાળા માણસ માટે અખાએ ‘છપ્પા’માં સૂઝાળો, અનુભવી, જ્ઞાની, હરિજન, સંત, મહાપુરુષ, સદ્ગુરુ, અણલિંગી, અમન નર, બ્રહ્મવેત્તા, જીવન્મુક્ત, જીવન્મૃત, તત્ત્વદર્શી – એવા શબ્દો યોજ્યા છે. ‘અણલિંગી’ (અલિંગી, અલિંગ, નલિંગ) ની સ્થિતિ એટલે ‘જે વડે કોઈ પણ પ્રાણી-પદાર્થની ફુટ થાય અથવા જુદા રૂપમાં ઊગી નીકળે અથવા જન્મે’૩૩[33] એવાં ફરી ફરી જન્મોની નવી ફૂટ કરાવનાર ભોગલિંગ (ઇષ્ટલિંગ), યોગલિંગ (પ્રાણલિંગ) અને જ્ઞાનલિંગ (ભાવલિંગ) ચોથા મોક્ષલિંગમાં શમે એવી નારાયણના સર્વાવાસવાળા ચિન્મય શરીરરૂપે મહામુક્તની સ્થિતિ. ‘અમન નર’ની દશા મનાતીતને જાણનારની છે. ‘ચૌદલોકરૂપે મન થયું, અખા મનાતીત જ્યમનું ત્યમ રહ્યું’ (૩૨૬), તેથી ‘અખા ફેરવવું છે મન’ (૧૩૧), ‘મન ઊભે, ઊભો સંસાર’ (૪૧૧). મનથી બ્રહ્મવસ્તુ અતિદૂર છે, અંતે તેમાં લીન થઈ ‘અમન’ થવાનું છે :
અતિ ઘણો આઘો પરમેશ, મન તણો ત્યાં નોહે પ્રવેશ.
અમન નર આઘેરો જાય. (૩૩૪)
વસ્તે અસ્ત પામ્યું મન જદા, (૫૨૦)
‘મૃત્યુ નામ પરપોટો મરે’–એવા નિરંતર ચિરંતન જીવનને – પરમ જીવનને પામ્યાનો આનંદ અખા જેટલા ઉલ્લાસથી અને તે પણ સરળ સોંસરી વાણીમાં ઓછાએ ગાયો હશે :
છીંડું ખોળતાં, લાધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ. (૨૪૨)
મારે મોટો હુનર જડ્યો, જે ઈશ્વરરૂપી જહાજે ચઢ્યો.
પંચ સહિત ઊતરિયો પાર, પગ ન બોળું જળસંસાર.
હું હસતો રમતો હરિમાં ભળ્યો. (૨૪૪)
શરીર છેસ્તો, પણ તે ‘રામરસ ભરવાનું પાત્ર’ (૪૦૧) છે. શરીરધારી (પંચસહિત) છતાં મુક્ત, જીવન્મુક્ત, અનુભવી, જ્ઞાની, તેની સરખામણી અખો ઊંચે ઊડી જતા પંખી સાથે કરે છે. પંખીનો પડછાયો જાળમાં સપડાય પણ પંખી એથી બંધનમાં આવતું નથી, એમ જીવન્મુક્ત માયાના બંધનથી નિરાળો વર્તે છે :
વાત અલૌકિક અનુભવ તણી, પ્રપંચ પારે રહેણી આપણી,
જ્યમ પંખીનો ઓછાયો પડિયો જાળ, પણ પોતે ઊડે નિલગ નિરાળ;
અખા જ્ઞાનીની એવી દશા, વર્ત્યા જાય તે ઉપરછલા. (૧૪૮)
મૌલિક દર્શન મૌલિક ઉપમા રૂપે–એકાકારે અહીં પ્રગટ થાય છે. આ પ્રકારની કવિત્વસિદ્ધિ અખાને ‘છપ્પા’માં ગુજરાતી ભાષાના એક અમર ગાયક તરીકે રજૂ કરે છે. ‘છપ્પા’ની કવિતાની ઊડીને આંખે વળગે એવી એક લાક્ષણિકતા તે એમાંની અનેક પંક્તિઓ લોકજીભે ચઢી જાય એવી છે – ચઢી ગઈ છે એ હકીકત છે. અખાની કેટલીક ઘૂંટેલી કાવ્યોક્તિઓ લોકોક્તિઓ બની ગઈ છે, તો કેટલીક લોકોક્તિઓ કાવ્યરચનામાં વણાઈ એનો ભાગ બની છે. પણ અખાથી દોઢેક સૈકા પહેલાં થઈ ગયેલા શિરોહીના માંડણ બંધારાની કહેવતકોશ જેવી ‘પ્રબોધબત્રીસી’નો એને સારી રીતે પરિચય લાગે છે અને લોકોક્તિઓ ઊંચકવા અંગે જ નહીં પણ છંદ અને કડીની પંક્તિસંખ્યા જેવી વસ્તુઓ અંગે પણ માંડણની એ કૃતિની અખાના ‘છપ્પા’ ઉપર સ્પષ્ટ છાપ પડેલી જોઈ શકાય છે.૩૪[34] ‘અવની રહી ઉખાણા ભરી, તે કિમ સકાઈ પૂરી કરી? ઈમ કરતાં જે જે સાંભર્યાં, તે તે ગ્રંથમાંહિ વિસ્તરા’ (૧૪૨) – એમ કહી માંડણ અસંખ્ય કહેવતોની વેરણછેરણ સામગ્રીને બત્રીસ વિષયમાં વહેંચી, ‘સાંભલતાં કર્ણરસ ઉપજઈ’ એ રીતે, પ્રત્યેક મથાળા નીચે વીસ કડીઓ આપી, ‘પ્રબોધબત્રીસી’ની રચના કરે છે. વળી ‘પ્રબોધબત્રીસી’ જોવાથી એ પણ દેખાશે કે ચોપાઈની છ પંક્તિનો ઘટક-‘છપ્પો’–એ અખાની સરજત નથી, માંડણની બત્રીસે–બત્રીસ વીશી એવા વીસવીસ છપ્પાની બનેલી છે. કહેવતોની અનેક પંક્તિઓ માંડણની રચનામાંથી સ્વીકારીને અખાએ પોતાના ‘છપ્પા’માં વણી દીધી લાગે છે. છપ્પો ૬૫૬ (જેની પછી બે પંક્તિ આગળ ‘છપ્પા’ની હસ્તપ્રતો અટકી જાય છે) તે બે ત્રણ શબ્દના ફેર સાથે આખો જ માંડણનો છપ્પો ૧૦૩ છે. બીજાં પણ છૂટક સામ્યો જોવા મળશે :
આગળ કવિ ગ્યા મોટા કવિ. કવિતા ઘણા કવિ કવી ગયા.
(માંડણકૃત ‘પ્રબોધબત્રીસી’ : ૧) (અખાકૃત ‘છપ્પા’: ૨૧)
જાણે તિલ કોદ્રવમાં ભલ્યા, જેમ તલમાં કોદરા ભળ્યા
તેહની ઘયસિ ન ઘાણી હોઈ. (પ્ર. ૩) ઘેંસ ન થાય, ન થાય ઘાણી. (છ. ૬૨૫)
સસરો અંધ નઈ વહુ સરઘટુ. (પ્ર.૧૪) આંધળો સસરો ને સણંગટ વહુ. (છ.૬૩૭)
તાહરી માયા તૂંહ જ લહઈ. (૨૦) તેની વાત તો તેહ જ લહે. (૬૦૫)
બાંધી પહાણ જાણ કિમ તરઈ? (૧૩૭) કંઠે પહાણ શકે ક્યમ તરી? (૧૨)
કમરિ કટારી ઢીક ઉપર શી? (૧૮૯) વઢે ઢીકે ને કટારી કડ્યે, (૨૯૬)
કોઈ ન કંધ ઉતારઈ ભાર. (૨૨૯) એને સ્કંધ લઈ ઉતારું સખા. (૨૪૪)
ખટદર્શનિ જૂજવા ધણી. (૩૬૭) ખટદર્શનના જુજવા મતા. (૩)
વિણ ઉખધ ગઈ વિરાધિ. (૫૬૬) ઔષધવોણી જાયે વ્યાધ્યા. (૫)
હવઇ મ પૂછીશ એ વલીવલી (૫૭૦) અખા રખે કો પૂછો ફરી. (૮૦)
ગુડિ મરિ તુ વિષ કાં દીઉ? (૧૬) ગોળે મરે કાં શોધે વખ? (૩૧)
કીધી વાત ગળી ચોપડી (૩૯૬) ગળી ચોપડી સઘળી વાત. (૫૮૦)
કાદી ફરઈ હુકમ ન ફરઇ. (૫૪૦) ફરે કાજી પણ ન ફરે કજા. (૩૦૬)
દેહરી દેહસું આતમ લંગ. (૨૧૪) તન તીરથ, તું આતમ દેવ (૩૦૪)
પૂજુ ગિરિ ગિરિવર પાષાણ. (૨૬૪) પથ્થર એટલા પૂજે દેવ. (૬૨૮)
બધાં જ સામ્યો ઉતારવાં જરૂરી નથી. આટલા નમૂનાઓથી એ પણ પ્રતીત થશે કે અખાએ છેડેલા વિષયો માંડણમાં પણ છે. તીર્થ, કથાવાર્તા, ભેખ, ઊંચનીચભેદ, ગુરુ, વૈષ્ણવ, મૂર્તિપૂજા–એ બધા બાહ્યાચારના વિષયો પરની પ્રચલિત લોકોક્તિઓ માંડણે વીશીવાર ગોઠવી છે. એ સારી એવી ટીકાત્મક પણ છે. અખાની ટીકા તદ્દન નવી જ ફૂટી નીકળતી વસ્તુ નથી. અખાના ‘છપ્પા’ની પીઠિકામાં માંડણની ‘પ્રબોધબત્રીસી’ને જોતાં અખાની મૌલિકતાની નિદર્શક ત્રણ વસ્તુઓ-૧. કહેવત જેવી ઉક્તિઓ, ૨. છચરણી ચોપાઈના ‘છપ્પા’ છંદનો ઉપયોગ અને ૩. સમાજની ઉગ્ર ટીકા–અંગે એ માંડણનો ઋણી જણાય છે. સાહિત્યના ઇતિહાસોમાં કાલિદાસ પૂર્વે ભાસઅશ્વઘોષ, શેક્સપિયર પૂર્વે માર્લો, તુલસીદાસ પૂર્વે જાયસી, પ્રેમાનંદ પૂર્વે નાકરવિષ્ણુદાસ એવો ક્રમ સામાન્યતઃ મળી આવતો હોય છે. માંડણની એક અસર અખા ઉપર પડી હોય તો સારું. અપૂર્વ સ્થાપત્યબુદ્ધિથી માંડણે કહેવતોના અસ્તવ્યસ્ત વનમાંથી જાણે કે બત્રીસખંડીય એક મનોરમ અર્થ-સુસંગતિયુક્ત સાહિત્યોપવનનું નિર્માણ કર્યું છે. અખાને એની પાસેથી કેટલું બધું આયતું મળે છે, છતાં વિષયનિરૂપણની દૃષ્ટિએ એકસૂત્ર રચના આપવા ઉપર એની નજર જ નથી. માંડણને પડછે એનું રચનાશૈથિલ્ય તરત ઉઘાડું પડે છે. અંગોની લંબાઈ વિષય બલકે કવિના મિજાજ ઉપર અવલંબતી લાગે છે. બે કડીનું અંગ પણ છે અને ૯૧નું પણ છે. અંગોનાં નામ પણ અંદરના નિશ્ચિત વિષયને સૂચવે છે એવું હંમેશાં નથી. ઘણીવાર પહેલા શબ્દ ઉપરથી પણ નામ પડેલાં છે, અને પછી આગળ સંગતિ ન હોય એવું જોવા મળે છે. ‘પ્રપંચઅંગ’માં છે તેવી આખા અંગમાં સંગતિ હોય એવું હંમેશાં બનતું નથી. અંગોનો ક્રમ પણ ક્વચિત્ જ એક ડાળીમાંથી બીજી ફૂટતી હોય એ રીતનો જોવા મળશે. આમ, ‘છપ્પા’નું છેલ્લું ‘ફુટકળ અંગ’ જ નહીં, આખી કૃતિ ફુટકળ – પ્રકીર્ણ રચના છે. અમદાવાદ જેનું જન્મસ્થાન મનાય છે તે દાદુ દયાલ (૧૫૪૪-૧૬૦૩)ની સાખીઓને એમના શિષ્ય રજ્જબે અંગોમાં વિભાજિત કરી ત્યારથી સાખીઓને અંગોમાં ગોઠવવાની પ્રથા શરૂ થઈ લેખાય છે.૩૫[35] કબીરની સાખીઓ ગ્રંથસાહેબમાં સલોકુ અથવા શ્લોક તરીકે ઓળખાઈ છે, બીજકમાં કોઈ વિભાજન થયું નથી પણ પાછળથી ‘ગુરુ કો અંગ’, ‘નિહકરમી પતિવ્રતા કો અંગ’ – એવાં અંગોમાં ભાગ પાડવામાં આવ્યા છે. એ ઉપરથી કબીરની સાખીઓનું અંગવિભાજન પણ રજ્જબે પ્રથા શરૂ કર્યાં પછી થયું હોવાની સંભાવના લેખાય છે.૩૬[36] અખો લખતો થયો ત્યાં સુધીમાં એ પ્રથા લોકપ્રિય થઈ ચૂકી હોવી જોઈએ. અખાએ પોતે ‘અંગો’ પાડ્યાં હશે કે પાછળથી કોઈએ, એ નક્કી કરવું મુશ્કેલ છે. ફાર્બસ ગુજરાતી સભાની બે હસ્તપ્રતો (૧૬૭ અને ૩૩૬) અંગોના વિભાગો અને નામો જુદી રીતનાં આપે છે.૩૭[37] કુલ ૪૫ અંગોની કૃતિમાં બે ‘દોષ અંગ’ છે. કેટલીક છાપેલી પ્રતો પ્રમાણે બે ‘વિચાર અંગ’ અને બે ‘સૂઝ અંગ’ મળે છે. આ બધા ઉપરથી એટલું સ્પષ્ટ થશે કે છપ્પા’માં એકસૂત્ર રચના આપવાનો અખાનો ઉપક્રમ નથી. સં. ૧૭૦૧ના ચારચરણી ‘પંચીકરણ’માં નિઃશંક છપ્પા’ના પંચીકરણ અંગની ધાટીની અખાની નામમુદ્રાવાળી છચરણી કડીઓ મળે છે. ખાસ કરીને ‘ફુટકળ અંગ’ના કટાક્ષના ઉદ્ગારો તો તેથી પણ પહેલાંના હોય, અને કેટલાક છપ્પા વળી પરિણતપ્રજ્ઞાના કાલના, કોઈક તો ‘અખેગીતા’–‘અનુભવબિંદુ’ પછીના પણ, હોઈ શકે. આમ અખાને હાથે લાંબા સમયપટમાં ખેડાયેલું આ કાવ્યસ્વરૂપ સંચયરૂપે જ જોવાનું રહે છે. ‘છપ્પા’ એ પ્રકરણરચના બની શકી નથી, છતાં એમાં એકાઈ હોય તો તે છે કવિના વૈયક્તિક અવાજને કારણે. અખાએ નિર્બંધપણે ‘છપ્પા’ રચ્યા એ જ કદાચ ઠીક હતું. તો જ એના અવાજની વૈયક્તિકતા નિર્ભેળ જળવાઈ શકી. માંડણ તંત્રબદ્ધ ન થાય તો આખી સામગ્રી એની પકડમાં આવવી મુશ્કેલ હતી. અખાને એવું કોઈ અવકુંઠન નથી. એ મુક્તપણે ચાલ્યો એમાં એના અવાજની મૌલિકતાને મદદ મળી છે. માંડણનું ઋણ હોવા છતાં, બલકે એ હોવાને કારણે, અખાની મૌલિકતા વળી વધુ ખીલી શકી છે. લોકવાણીની પાછળ માંડણની વાણી છુપાઈ ગઈ છે, જ્યારે અખાનો મૌલિક અવાજ ‘છપ્પા’માં સતત છતો થાય છે. પરંપરાની મદદ સ્વીકારવામાં જે ‘ચવ્યું ન ચાવે અખો’ તે અનુકરણ કરતો ભલે ભાસે, વાસ્તવમાં એની જે પ્રતિજ્ઞા છે કે બીજા પાસેથી આયતું મેળવેલું ફરી રજૂ કરવું નહીં, પણ પોતાની રગો ઉપર અનુભવેલું, પોતાની પ્રતીતિનો વિષય બનેલું, પોતે સાક્ષાત્કારેલું જ શબ્દબદ્ધ કરવું, તે ખરેખર ક્યારેય નંદવાતી નથી. સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના દંભો પર હલ્લો કરવામાં અખાએ દાખવેલી નિર્ભીકતા અપૂર્વ છે એટલું જ નહીં પણ આજના યુગમાં પણ એ વારંવાર ઠેરઠેર જોવા મળતી નથી,—એમાં જ અખાની આગવી પ્રતિભાનો પુરાવો છે. કહેવતો પણ માંડણની જેમ, અથવા કડીને અંતે કહેવત ગૂંથતા શ્રીધર, શામળ, દયારામની જેમ, કહેવત ખાતર નહીં, પણ કથયિતવ્યના એક અનિવાર્ય ભાગ તરીકે જ અખાની કૃતિમાં સ્થાન પામી છે. લોકો માટે લખતો હોઈ ચાલતી કલમે વાણી એવી સંક્ષિપ્તતા, સરળતા અને સચોટતા ધારણ કરે છે કે જે શક્તિ લોકોક્તિની જનની છે તેનાં તેમાં દર્શન થાય છે. સજીવ કલ્પકતા, અસાધારણ શબ્દપ્રભુત્વ અને વિશેષ તો નિખાલસ સહૃદયતા–એ બધાનું અદ્ભુત રસાયણ થતાં કથ્ય વસ્તુ લોકજીભે વસવા યોગ્ય બને છે. ‘પલકે પલકે પલટે ઢંગ’, ઊંચમાં રામ બમણો નથી ભર્યો’, ‘મૃત્યુ નામ પરપોટો મરે’, – આવા તો અખામાં કોડીબંધ નહીં પણ સેંકડો ઉદ્ગારો મળશે. લોકોક્તિની ટંકશાળ અખાના જેવા ગંજાવર પાયા પર ભાગ્યે જ કોઈ સર્જક કવિએ ગુજરાતમાં ખોલી હોય. ઉપમા, નર્મ મર્મ કટાક્ષ હાસ્ય, ભાષાનું અંતર્ગત બળ, લયલહેકાઓ, – એ બધાનો ફાળો પણ ‘છપ્પા’ ને ગુજરાતી ભાષાના એક પ્રશિષ્ટ ગ્રંથ (‘ક્લાસિક’)ના પદે સ્થાપવામાં નાનોસૂનો નથી.
૪. તત્ત્વજ્ઞ કવિ
૧. જ્ઞાનીને કવિતા ન ગણેશ’ ૩૮[38]
અખો કવિઅંગમાં છપ્પા (૨૨) માં કહે છે કે જ્ઞાનીને કવયિતા (કવન કરનારો, કવિ) ન ગણવો. એ ઉપરથી આપણા સમર્થ કવિવિવેચક નરસિંહરાવે કહ્યું : Well we take him at his word૩૯[39] – ભલે એનો બોલ આપણે સ્વીકારી લઈએ છીએ. માનો કે કોઈ કવિ પોતે મોટો કવિ હોવાનું કહે તો? એમ એનો બોલ સ્વીકારી લેવાય નહીં. કવિની કેફિયત ઉપર મુલવણીનો પ્રશ્ન છોડી દઈ વિવેચક પોતાની ફરજમાંથી મુક્ત થઈ શકતો નથી. અખાનો ‘કવિઅંગ’માં વિષય એ છે કે અગાઉ ઘણા કવિ થઈ ગયા છે, અત્યારે છે ને ભાવિમાં ઘણા થશે, પણ ‘મનાતીત ત્યમનું ત્યમ’ મનાતીત છે તે તો શબ્દાતીત રહી જતું લાગે છે, ‘અચવ્યું સરખું દીશે આપ’–આત્મા તો અચર્વિત જેવો રહી જાય છે. અખો તદ્દન ‘અચર્વિત’ નથી કહેતો, ‘અચવ્યા–સરખો’ કહે છે. એની તો પ્રતિજ્ઞા છે કે ‘ચવ્યું ન ચાવે અખો અજાણ’ – પોતે ચર્વિતચર્વણ કરવા ચાહતો નથી, બીજા કવિઓથી જે અચર્વિત રહ્યું છે તેની સાથે – ખરેખર તો જે અચર્વિત તત્ત્વ છે તેની સાથે શબ્દ દ્વારા કામ પાડવા પોતાનો નિરધાર છે. અખાની મુશ્કેલી સમજી શકાય એવી છે, એ પોતે તો સમજે જ છે. એક બાજુએ પોતે સારી પેઠે જાણે છે તેમ શબ્દ દ્વારા એ તત્ત્વ અચર્વિત જેવું રહી જાય છે અને પોતે પ્રતિજ્ઞા લઈ બેઠો છે કે શબ્દ યોજું તો તે અચર્વિતને માટે જ. રવીન્દ્રનાથ જે પોતે પણ મોટા સાધક હતા તે આયુષ્યના સિત્તેરમા વરસે પોતાનો પરિચય આપતાં કહે છે : ‘આમિ કવિમાત્ર... આમિ તત્ત્વજ્ઞાની... નઈ... આમિ નિરંજનેર દૂત નઈ... આમિ વિચિત્રેર દૂત... વિચિત્રેર લીલાકે અન્તરે ગ્રહણ કરે તાકે બાઈરે... લીલાયિત કરા– એઈ આમાર કાજ...’ ૪૦[40] હું માત્ર કવિ છું. ...હું તત્ત્વજ્ઞાની ...નથી. ...હું નિરંજનનો દૂત નથી. ...હું સુંદરનો દૂત છું... સુંદરની લીલાને હૃદયમાં ગ્રહણ કરીને એને બહાર લીલાયિત કરવી – એ છે મારું કામ. આમ, જ્ઞાની અને કલાકાર કવિનાં મુખ્ય વલણોમાં ફેર છે. અખો સૂચવવા માગે છે તે એ છે કે પોતાને મુખ્યત્વે ‘નિરંજન’માં રસ છે. ‘અખેગીતા’ને અંતે કહે છે, ‘નાથ નિરંજન ગ્રંથકરતા’. એ ‘ઘટઘટ બોલણહાર, તેણે આપે આપનું વર્ણન કીધું’ છે, એટલે કે પ્રત્યેક જીવાત્મા ભાષાનો ઉપયોગ કરે છે તેમાં પાછળ જે શ્વાસ પૂરનારો ને તેથી બોલનારો છે તે પોતે પોતાને ક્યારેક શબ્દ દ્વારા વ્યક્ત કરી રહે છે. અદ્વૈતાનુભવ-અભેદાનુભવ એ અખાની કવિતાનો એકમાત્ર વિષય છે એમાં શંકા નથી. સુંદરનો દૂત એ તો સહેજે કવિ તરીકેની વિખ્યાતિ પામે, નિરંજનનો દૂત જ્ઞાની એ કવિથી જુદેરો છે એમ રવીન્દ્રનાથ કહે છે અને અખાએ પણ એ જ વાત ‘જ્ઞાનીને કવિતા ન ગણેશ’માં સૂચવેલી છે. કબીરે૪૧[41] પણ કહ્યું છેઃ ‘તુમ જિનિ જાતો ગીત, હૈ યહ નિજ બ્રહ્મવિચાર; કેવલ કહિ સમઝાઇયા આતમ સાધન સાર રે.’ આપણે માટે સવાલ એ છે કે સચરાચર જગતની વિવિધતામાં એક જ તત્ત્વ સભર ભરેલું છે અને એ તત્ત્વ શબ્દાતીત રહી જાય એવું છે એમ અનુભવતો અખો પોતાની અનુભૂતિ ગાઈ બેસે છે ત્યારે એ અભિવ્યક્તિ કવિતા બને છે કે કેમ? બીજી કોઈ અનુભૂતિની જેમ આ અનુભૂતિ પણ કાવ્યવિષય બનવાની અધિકારિણી છે. સુંદરની લીલાને શબ્દાકારો દ્વારા લીલાયિત કરનાર કવિની જેમ નિરંજનનો દૂત સાધનાની ભિન્નતાને કારણે કવિથી જુદો છે, પણ જે ક્ષણે એ શબ્દ દ્વારા નિરંજનનો અણસારો આપવા પ્રયત્ન કરે ત્યારે તેની શબ્દશક્તિ, એના શબ્દકારો, એને કવિ ઠેરવે એ કોટિનાં હોય પણ ખરાં. ખરું જોતાં નિરંજનનું દૂતત્વ કરવાનું પણ હોય કે કેમ એ પ્રશ્ન છે. ‘અખેગીતા’ના છેવટના કડવાની છેવટની કડીમાં અખો ખસી જાય છે, – ‘કહે અખો’ હવે રહેતું નથી, હવે છાતી ઠોકીને એ કહે છે કે ‘કહે નિરંજન અખેગીતા,’ માત્ર ‘અખાને શિર નિમિત્ત દેવું ઇચ્છા હતી અનંતને.’ આ જ્ઞાનીને પોતાને માટે સ્વભાવોક્તિ છે, આપણે માટે વક્રોક્તિ બને છે. પરમાત્મા તો ‘બાવન બાહેરો’, ત્રેપનમો’ હોઈ અખો મૂંઝવણ અનુભવે છે: ‘જે બોલું તે થાય સંસાર.’ ‘અખે રામ એવો ઓળખ્યો, જે કાગળમશે ન જાયે લખ્યો,’ અને તેમ છતાં કેટલાં બધાં કાગળશાહી એણે વાપર્યાં છે! કાર્લાઈલ વિષે કહે છે કે મૌનનો મહિમા દર્શાવવા એણે ચાળીસ જેટલા ગ્રંથો રચ્યા. પરમાત્મા એ વાણીનો વિષય નથી. એ વાત અખાએ પોતાના આઠેક જેટલા મુખ્ય ગ્રંથોમાં અને પદો–સાખીઓમાં શબ્દબદ્ધ કરી છે. પરમાત્મા વાણીવિષય નથી એ અંગેનાં અખાનાં ઉદ્બોધનો, શબ્દ યોજવા જતાં મૂળ વસ્તુ ચૂકી ન જવાય એ અંગે એની મૂંઝવણ, એનાં અનેકવિધ નેતિ–વચનો, બધી આળપંપાળ છોડી બ્રહ્મવસ્તુને જ પકડવા મથવા અંગેની એની જિકર, બાધારૂપ આળપંપાળોને ખુલ્લી પાડવામાં એની નિરલસ ઉત્કટતા અને ફાવટ અને અનુભવના આનંદનો સ્પંદ, – આ બધું ઓજસ્વતી ઓઘવતી વાણી અને ઔચિત્યભરી લયસૂઝ રૂપે, અસંખ્ય ઉપમાઓ–રૂપકો, દૃષ્ટાંતો, રમણીય ચિત્રાંકનો-કલ્પનો રૂપે, વેધક સ્વભાવોક્તિ-વક્રોક્તિ, નર્મમર્મોક્તિ, હાસ્યકટાક્ષરૂપે, બલવંતરાય જેને ‘ન્યારા પેંડા’ કહે છે એ જાતના ઉપનિષદની યાદ આપે એવા પ્રગલ્ભપ્રાંજલ ઉદ્ગારો રૂપે, ટૂંકામાં શબ્દશક્તિ અને શબ્દાકારોના વૈભવરૂપે પ્રતીત થાય છે અને એને જ્ઞાનીકવિ, તત્ત્વજ્ઞકવિ તરીકે સ્થાપે છે.
૨. ઓજસ્વતી ઓઘવતી ભાષા, લયસૂઝ
લહિયાઓને હાથે અને પછી છાપનારાઓને હાથે થયેલા પાઠભેદો, પાછળથી ગમે; તેમ વેદાન્તાભાસી અર્થ ઘટાવીને સ્વીકારાયે ગયા, એથી અખાએ ભાષા ઉપર ધ્યાન નથી આપ્યું, એની ભાષા કૂટ છે, એવી છાપ ‘છપ્પા’ માટે પણ પડવા પામી છે.[42] ‘જ્યમ વાયુ હીંડે વિના પરાગ’(૬૧૫)નો સુગંધ વગર વાયુ જેમ ચાલે છે, એવો ગોટાળિયો અર્થ કરીને ચલાવી લેવાયું, વાયુ છે એટલે ‘પરાગ’ સાથે જ એનો સંબંધ હોયને એમ માની લેવાયું. પણ શુદ્ધ પાઠ છે ‘વિના પર–પાગ’. વાયુ જેમ પીંછાં (પાંખ) કે પગ વગર ચાલે છે – એ અખાને ઉદ્દિષ્ટ છે. ફારસી શબ્દ ‘પર’ અનુપ્રાસબળે આવતોકને ગોઠવાઈ ગયો છે. (આની મધ્યકાળમાં નવાઈ નથી. પ્રેમાનંદ તો દશમસ્કંધ’માં ગોપે પર મસ્તક પર કીધાં’ એ વર્ણનમાં પીંછાં માટે ‘પર’ યોજીને એ શબ્દ પર રમત કરે છે.) બીજી એક પંક્તિ ‘માયાના ગુણ જ્યાં નવ છબે, તેને અખા તે કોણ આલંબે?’(૫૭) – નો શુદ્ધ પાઠ ‘તેહ અખાને આવ્યું લબે’ છે. ફારસી શબ્દ(લબ=હોઠ)ના અપરિચયને કારણે પંક્તિ બદલાઈ ગઈ. સંસ્કૃતમાં ‘કવયિતા’ (कवयितृ ઉપરથી, અત્યારે આપણે ‘કવયિત્રી’ શબ્દ વાપરીએ છીએ) એટલે કવન કરનાર, કવિ. તેનું ગુજરાતીમાં તદ્ભવ રૂપ ‘કવ્યિતા’ ‘કવિતા’– થયું. એ શબ્દ અન્ય કવિઓમાં તેમ જ અખામાં (જુઓ ૨૨ ઉપરાંત ૧૬૬, ૨૬૬) યોજાયો છે. મારુગુર્જર ભાષાની છાયા નીચેના મૂળ પાઠ ‘જ્ઞાનીનિ કવિતા ન ગણેશ’(૨૨)માં ‘નિ’ પ્રત્યય તે અત્યારનો ‘ને’ છે એ પણ ન સમજાતાં ફેરફાર થયોઃ ‘જ્ઞાનીની કવિતા ન ગણીશ.’ પછીની પ્રતોમાં ‘જ્ઞાનીને’ મળતાં ‘કવિતા’ શબ્દ ન સમજાતાં ‘ફેરફાર થયો : ‘જ્ઞાનીને કવિમાં ન ગણીશ’. તદ્દન સાદા શબ્દો હોય ત્યાં પણ અખાના આશય અંગે વેદાન્તાભાસી અર્થ કરી સંતોષ લેવાને બદલે એનું ચિત્રાંકન સમજીને એ નક્કી કરવો એ જરૂરી છે. ‘જ્યમ સકલ તેજનું આલે ભાન’(૩૮૦)માં ‘ભાન કરાવે’ એવો અર્થ તરત સૂઝે, પણ પછી આવતા ‘રવિ રથ બેઠો જે નર ફરે’ એ ચિત્ર પર નજર ફેરવતાં બધા તેજનું ‘આલય’ ભાન (ભાગ–ભાનુ) છે એ અર્થ સ્પષ્ટ થઈ જાય એવો છે. અખો વક્તવ્યની ચોકસાઈ માટે ઝીણી નજરથી મથનારો કવિ છે. જેમ તેમ એ શબ્દ યોજતો નથી. ‘ભાષાને શું વળગે, ભૂર!’ (વર્ણસગાઈ એને યોગ્ય સંબોધન ‘ભૂર’ સુઝાડે છે અને પંક્તિને ચિરંજીવી બનાવવામાં ઉપકારક નીવડે છે) – એ વચન ભાષા ગમે તેમ વાપરવાનો પરવાનો આપવાના અર્થમાં નહીં, પણ પછીની પંક્તિઓ (સંસ્કૃતમાં જ આત્મજ્ઞાન હોય એમ શા સારુ વિચારે છે, ગુજરાતી આદિ જનસામાન્યની ભાષાઓમાં તો એ ન જ હોય એમ શા માટે માની બેઠો છે? –એ) જોતાં કોઈ ભાષાને ઊંચીનીચી ન ગણવાના અર્થમાં છે. અર્થગોટાળો અખાને પાલવે નહીં. અખાનો શબ્દ એટલે ભરી બંદૂક, ઘા થવો જ જોઈએ, ખાલી બાર એને ન પોસાય. યોગ્ય શબ્દ એની પાસે આવતોક ખડો થાય છે. ભાષા અખાની આગળ નાચે છે. ‘બોડે તોડે જોડે વાળ’ એમાં શબ્દો કેવા કહ્યાગરા થઈને અખાને વશ વર્તે છે અને સંન્યાસી, જૈન સાધુ અને નાથપંથી એ ત્રણેયનું સુરેખ ચિત્ર આંકી દે છે! ચામખેડાના પૂતળીખેલ માટે ‘દીવાતિમિરતણું દેખણું’ વર્ણન હૃદયંગમ છે. રચનાના ઓઘમાં એ ‘ખટપટને ખટપટવા દે’ જેવામાં નવું નામ–ક્રિયાપદ બનાવી કામ કાઢી લેતો જણાય છે. અખાનાં ક્રિયાપદો એકલાં જ કોઈ ઝીણવટથી જુએ તો એની વાક્શક્તિનો સરસ પરિચય મળે. (‘અખેગીતા’–૯માં મીન વિછર્યું નીરથી’ અનેક ક્રિયાપદો વડે વર્ણવ્યું છે તેમાં તેનો એક સુંદર નમૂનો છે.) ગુજરાતી ભાષાનું અંતર્ગત બળ સમજવા માટે અખાની કાવ્યકૃતિઓનો અભ્યાસ અનિવાર્ય છે. એ બળ અખાએ રચેલો ચિત્રસંદર્ભ–આખો કાવ્યસંદર્ભ પૂરેપૂરો પામવાથી સહેજે સમજાય એવું છે. અખાની ભાષાના મુખ્ય ગુણો તરી આવે છે તે છે ઓજસ અને ઓઘ. આત્મપુરુષાર્થ માટે આખો વાક્સંદર્ભ યોજાયો હોઈ એમાં એક સાત્ત્વિક ઉત્સાહ, તરવરાટ, સ્ફૂર્તિ, ઊર્મિનો ધબકારો વરતાય છે. અને એનું ભાષાભંડોળ સમૃદ્ધ હોઈ, એને કલ્પના–ચિત્રો અપરંપાર સૂઝતાં હોઈ, ભાષાનો ઓઘ–પ્રવાહવેગ વરતાય છે. ‘અખેગીતા’માં કવિઓની કૃતક નમ્રતાનું, ભક્તનું, તરફડતા મત્સ્યનું કે કાચના મંદિરનું વર્ણન, ‘અનુભવબિંદુ’માં જીવનદી અંગેનું કે શરદઋતુનું વર્ણન અને ‘છપ્પા’ની અહંબ્રહ્મરોપી રહે થંભ’, રવિરથ બેઠો જે નર ફરે’, છીંડું ખોળતાં લાધી પોળ’, ‘ગોપી ભૂલી ઘર ને બાર, ગોપી ભૂલી કુટુંબપરિવાર, પોતાની જાત પણ ભૂલી ગઈ’–આદિ એ ગુણોની સાક્ષી પૂરે છે. અખાની વાણીમાં બોલચાલની છટા છે. એ છટા એણે છંદોલયમાં સાધેલા વૈવિધ્યમાં પુરબહારમાં પ્રગટ થાય છે. પંક્તિઓના આરંભ, મધ્ય કે અંતમાં છંદમાપ ઉપરાંતના બોલચાલની છટા ઉમેરતા કેટલાક શબ્દો હોય છે. ‘(ભાઈ) એહવું મન હરિદાસ’, ‘(તેને) સ્કંધ વહી ઉતારું (જ્યમ) સખા’, ‘(જ્ઞાન) પીધું સાધકે (જે) દીધું સિધે’, ‘(ત્યમ) પ્રાકૃત વિના સંસ્કૃત (તે) વ્યર્થ – વગેરેમાંના શબ્દો એવા છે. ‘તું કલ્પદ્રુમ, કાં કલ્પી મરે?’ ‘શબરી સંસ્કૃત શું ભણી હતી, ભાઈ, કયા વેદ વાંચ્યા કરમાબાઈ?’ – જેવી પંક્તિઓમાં એની સામે બેઠેલી કોઈ વ્યક્તિ હૂબહૂ થાય છે. ‘હું તો છું તોરો આભાસ’ અખાને હટાવી જાણે કે પ્રભુને આગળ કરે છે. ‘તો’ પછી આવતો ‘તોરો’ પ્રયોગ રુચિકર છે. કૃતક નમ્રતા દાખવતા કવિઓનું વર્ણન કરતાં તેવા કવિઓના મુખમાં ‘અમો મગણજગણ નથી જાણતા, તુકચોજ ને ઝડઝમક અમો લહ્યા વિના નથી આણતા’– એ શબ્દો એણે મૂક્યા છે. પોતાનું વર્ણન તો ભગવાનથી ચલાવાતી પૂતળી, એની ફૂંકથી વાગતું વાજિંત્ર–એ રીતે કર્યું છે. કાવ્ય એ પ્રેરણાના પરિણામે વિનાકર્તૃત્વે (‘પેસીવ’–પણે) થઈ આવતી કૃતિ ન હોઈ અખાનું આ વાક્ય પણ આપણે સ્વીકારી લઈશું નહીં. એટલું જ કે એ પોતે પોતાના કવન અંગે માન લેવા તૈયાર નથી (અથવા બ્રાઉનિંગે એકવાર કહ્યું હતું તેમ ભગવાન અને પોતે બન્ને સહસર્જકો હતા, અખા જેવા અદ્વૈતી માટે તો પોતામાં રહેલા ભગવાન રચિયતા હતા). પોતે પેલાઓ પેઠે ગલિતપણે ગરુઓ થતો નથી, પણ એને મગણગણ (છંદમાપ) અને તુકી, ઝડઝમક આદિની સારી હથોટી છે. અખો બનતાં સુધી પ્રાસ મેળવે જ છે. એક ઠેકાણે ‘સહેજ’ સાથે એણે ‘રહે જ’ પ્રાસ છપ્પા (૨૮૭)માં મેળવ્યો છે. કોકવાર અપરિચિત શબ્દ ગોઠવાઈ જાય છે, જેમકે ‘પંથ’ સાથે ‘જંથ’. ‘અદ્ભુત-ભૂપ’ જેવા ઊણપવાળા પ્રાસ કોઈકવાર હોય છે. પ્રાસમાં શબ્દ કેટલીક વાર મરડાય પણ છે. પણ એકંદર પ્રાસ–સામર્થ્ય ધ્યાન ખેંચે એવું છે. પંક્તિમાં વચ્ચે પ્રાસ મેળવવાનો પ્રયત્ન ‘મુક્તિ બંધ, પૂછે અતિમંદ’ ‘વક્તવ્યને તરત ઉઠાવ આપે છે. ‘બીજા ગુરુ તે લાગ્યાં વરુ’ માં તદ્ભવ ‘ગુરુ-’એ વરુ’ આંતર પ્રાસને ખેંચી આણ્યો લાગે છે. ‘અનુભવબિંદુ’ની પંક્તિમધ્યની પ્રાસસાંકળી સંવેદનનો એક વિશિષ્ટ આંદોલ રચે છે. એ નાનકડી કૃતિમાં અખાની લયસૂઝ કેટલીક કડીઓના ઓઘમાં અને અંતે ‘અનુભવ’ શબ્દના પુનરાવર્તનથી થતા સંમોહનમાં પણ પ્રગટ થાય છે. એક અનુભવદક્ષ માણસ માનવબંધુઓને બે વાત પ્રેમપૂર્વક કહી રહ્યો ન હોય એવો રણકો વારંવાર અખાની છંદોવાણીમાંથી ઊઠે છે. એનો હાથ છંદોલય સાથે કેવો ઊછળ્યો અથવા આંખમાં કેવી ચમક તરવરી ગઈ એ જાણે આપણે જોઈ શકતા ન હોઈએ તેવું ક્યારેક લાગે છે.
૩. અખો ઉપમાકવિ૪૩[43]
ઉપમા રૂપક દૃષ્ટાંતની અખામાં કહો કે આતશબાજી છે. એકથી અધિક બીજી એમ અનોખી ઉપમાઓ એ યોજ્યે જાય છે. એક જ ઉપમા અજવાળી દે એવી હોય ત્યાં એ બીજી, ત્રીજી, આપતાં સંકોચાતો નથી. કથા સાંભળવા નીકળ્યાં છે. એ કેવાં લાગે છે? ‘આંધળો સસરો ને સરંગટ વહુ’ જેવાં. કથા-ગટગટ પીધી. પરિણામ? ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’. ઘેર પાછાં વળ્યાં. કાંઈ પામ્યાં ખરાં કે? અરે, ‘ઊંડો કૂવો ને ફાટી બોક,’ – એવો ખેલ થયો! મુક્તક કેટલું સમૃદ્ધ હોઈ શકે એનો આ છપ્પો એક સુંદર નમૂનો છે. ‘અખેગીતા’ની, કાચના મંદિરની ઉપમા જે ‘અનુભવબિંદુ’માં પણ યોજાઈ છે, ઉપરથી નરસિંહરાવે શેલીની
Life like a dome of many-coloured glass,
Stains the white radiance of Eternity.૪૪[44]
‘અનેકરંગી કાચના ગુંબજની જેમ જિન્દગી શાશ્વતીના પ્રકાશની શુભતાને છાંદી નાખે છે’ – એ ઉપમા યાદ કરી હતી.
અખાનાં ઉપમા દૃષ્ટાંત વક્તવ્યને તંતોતંત વ્યક્ત કરે છે :
ઉન્મત્ત મનને યોગ સાધવો, જે કર્મઓઘ કરે નહિ નવો;
જ્યમ છૂટી ધેનું મારતી ફરે, તેને અંધારે બાંધ્યે ટેવ નીસરે;
અખા તે જાણી કર્યો ઉપાય, ત્યાં સિદ્ધિરૂપી લાગી બગાઈ. (છપ્પા ૧૪૧)
ઉન્મત્ત મનને હરાઈ ગાય સાથે સરખાવ્યું. એને ઘરમાં કોઢમાં બાંધી એ દ્વારા યોગસાધનાનો નિર્દેશ કર્યો. એને મારતી ફરતી રોકી એ ફાયદો થયો, પણ નવી આફત ઊભી થઈ. બગાઈઓ ચટકા ભરવા લાગી. યોગના સાધકને, પોતાને સિદ્ધિઓ મળી છે, એ વસ્તુ વળગી. આમ, સાદાં ઉપમારૂપક દ્વારા કવિ લીલયા સુરેખ ચિત્રાંકન કરી શકે છે. અખાની એક ખાસિયત એ છે કે એ ‘જેવું’, ‘જેમ’ ને બદલે ‘એક’ આ અને ‘બીજું’ તે એમ કહી અથવા ‘અને’ કે ‘ને’ થી કામ કાઢી લે છે.
એક અફીણ, બીજો સંસારીરસ, અધિક કરે ત્યમ આપે કસ. (છપ્પા ૧૧૬)
અણસમજ્યો જીવ, બીજું ઝાંખરું, જ્યાં દેખે ત્યાં વળગે ખરું. (૧૯૭)
કબુદ્ધિ જીવ અને કપાસ, તે પીલ્યાવો’ણા નાવે રાસ. (૨૧૩)
અજ્ઞાની ને ઊંટબચકું ઝાલ્યું મૂકે નહિ મુખ થકું. (૨૯૬).
કોઈ વાર વળી સમાસ દ્વારા દૃષ્ટાંતનું સૂચન કરી દે છે : ‘વ્યાસ-વેશ્યાની એક જ પેર, વિદ્યા-બેટી ઉછેરી ઘેર’ (૬૩૮). દૃષ્ટાંતો કેટલીકવાર પ્રશ્નરૂપે મૂક્યાં છે : ‘કોહ્યું કાપડ સોદો થાય?’ ‘પ્રતિબિંબ કેમ બિંબને લહે?’ ‘પૂતળીને કેમ જુએ ચક્ષ?’ ‘સાગર આગળ શું કૂદે કૂપ?’ અખો બહુ જ સરળતાથી સામાના મનમાં ઠસી જાય એ રીતે દાખલો ગોઠવી દેતો હોય છેઃ ‘અખા માયા કરે ફજેત, ખાતાં ખાંડ ને ચાવતાં રેત’, ‘જેમ લૂણ આવી આંધણમાં ઊકળે, તો અર્ણવ તેથી શેને બળે?’ ચિત્ર ઉપજાવવાની અખાની શક્તિનો ઉત્તમ પરિચય કદાચ છપ્પા – (૧૪૮)માં પ્રપંચપાર જેની રહેણી છે એવા અનુભવી જ્ઞાનીની અલૌકિક કલાનો ખ્યાલ આપવા યોજેલા ‘જ્યમ પંખી ઓછાયો પડિયો જાળ, પણ પોતે ઊડે નિલગ નિરાળ’ના જેવાં દૃષ્ટાંતોમાં મળે છે. નરસિંહરાવ અખામાં ક્વચિત્ શબ્દ–ભાંગફોડ હોય છે તેને લક્ષ્ય કરી હાથમાં હથોડાવાળા સર્જકને તાદૃશ કરવા પ્રેરાયા, પણ એ વખતે અનેકવિધ ઉપમા–રૂપક–દૃષ્ટાંત આદિ અલંકારો–અને કેટલાક તો હંમેશ મનમાં રમી રહે એવા–વડે ગુજરાતી ગિરાનો શણગાર નિર્મી જનાર સુવર્ણકાર એમની દૃષ્ટિ બહાર રહી ગયો લાગે છે.
૪. હસતો કવિ૪૫[45]
અખો આપણો હસતો કવિ છે. અખાનું ખડખડાટ હાસ્ય એ ગુજરાતી સાહિત્યનું મહામૂલું ધન છે. સરળ સચોટ વાણીમાં હાસ્યજનક ચિત્રો દોરીને એણે જેવો હાસ્યરસ જમાવ્યો છે તેવો ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા લેખકોએ સિદ્ધ કર્યો છે. કોઈ વાર અખો અટ્ટહાસ કરે છે, તો કોઈ વાર ટાઢો ટમકો મૂકીને ખસી જાય છે. હમણાં એને દાંત કચકચાવીને બોલતો આપણે સાંભળીએ છીએ, તો ઘડીક વાર પછી મૂછમાં આછું આછું હસતો ઠેકડી કરતો એને જોઈએ છીએ. એક વખતે હાથમાં ચણાના ખારમાં પાયેલો કરડો કોરડો લઈને ઊભેલી એની રુદ્રમૂર્તિ નજરે પડે છે, બીજી વખતે જીવનની બે પરસ્પર કશા સંબંધ વગરની ચીજોને જોડાજોડ મૂકીને અણધારી રીતે આપણને હસવાની ફરજ પાડતા ટીખળી જેવો એ લાગે છે. જાદુગરની પેઠે આસાનીથી ગમે ત્યાંથી એ હાસ્ય બહાર લાવે છે. કઢંગાપણા (the ludicrous) નો એનો ખ્યાલ ‘સાગર આગળ શું કૂદે કૂપ’ જેવાં દૃષ્ટાંતો દ્વારા પ્રગટ થાય છે. અખાના પૂર્વજીવનની રચનાઓ એકલી ધાર્મિક જ નહીં પણ સમગ્ર સામાજિક સંસ્થાઓના દંભો સામે પ્રહારાત્મક ટીકારૂપે યોજાઈ લાગે છે. એટલે એવી કૃતિઓમાં ઉપહાસ અને કટાક્ષ રૂપે જ હાસ્ય આપણને મળે છે. આત્માનુભવની સભરતા અનુભવ્યા પછી એના હાસ્યનું રૂપ પણ કુદરતી રીતે બદલાઈ જાય છે. અખો લોકપ્રિય છે તે પ્રથમ પ્રકારના હાસ્યને લીધે, પણ એની મોટાઈ તો બીજા પ્રકારને લીધે છે એમ કહેવું જોઈએ. પ્રથમ પ્રકાર કટાક્ષનો, મર્મપ્રહારનો, અટ્ટહાસ્યપૂર્વકના ઉપહાસનો છે. એના ‘તિલક કરતાં ત્રેપન થયાં’, ‘એક મૂરખને એવી ટેવ’ આદિ નમૂના કયા ગુજરાતી બાળકને કંઠે નથી? એક હસ્તપ્રતમાં જોવા મળેલી (ઉપર આડો લીટો કરીને છેકેલી) કડીની પંક્તિઓ ‘કરવો ભેરવજાપ તાહારે ન કરિયે ઘસતી’ અને ‘કહે અખો એ બે ન બને – સેંથો કે તાલ’ નર્મોક્તિના સુંદર નમૂના છે. સાંભળવા મળેલી એક કડીમાં ખાર પાયેલો ચાબખો છે :
સજીવાએ નજીવાને ઘડ્યો ને સજીવો કહે છે કે ‘મને કાંક દે!
આ અખો ભગત એમ પૂછે છે કે તારી તે એક ફૂટી છે કે બે?
છપ્પાનાં ‘ફુટકળ અંગ’ આદિમાં કથાકીર્તન, તીર્થાટન, પગલાંપૂજન, સંન્યાસગ્રહણ, શાસ્ત્રપાંડિત્ય, ગુરુપ્રાપ્તિ અને સાંપ્રદાયિક સંકુચિતતાઓ પર તીખા કટાક્ષો મળશે. પરલોકાભિમુખતા તો દૂર રહી, આ લોકોને સરખો કરવા માટેની એની સૂક્ષ્મ અવલોકનશક્તિ અને જદ્દોજેહાદનાં અનેક દૃષ્ટાંતો સાંપડે છે તેમાંનું એક વિશિષ્ટ અખાછાપ દૃષ્ટાંત જોઈએઃ
જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ, સામાસામી બેઠા ઘૂડ,
કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ધરે:
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા? (૬૫૪)
અખાના કટાક્ષને બલવંતરાય ઠાકોર ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ તરીકે ઓળખાવે છે. ‘નરસિંહ અને મીરાંનાં કોઈ કોઈ ઊર્મિકાવ્યો વિશે આપણે ગુજરાતીઓ એક અવાજે સ્વીકારીશું કે એ ‘ઇન્સ્પાયર્ડ’, ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ છે. અખાની ટીકાની ધગધગતી શિખાઓ વિશે પણ આપણે કેટલેક ઠેકાણે સંમત થઈશું કે એ અગ્નિ અલૌકિક. (આવો ‘પ્રોફેટિક સેટાયર’ બાઈબલમાં છે, કુરાનમાં છે, ભાગવતમાં પણ આરંભે કલિયુગનાં લક્ષણોના વર્ણનમાં છે.)’૪૬[46] ‘ધામધૂમ તે ધનનો ધા’, ‘ઊંચમાં રામ બમણો નથી ભર્યો,’ ‘શબરી સંસ્કૃત શું ભણી હતી, ભાઈ?’ ‘કાંઈ ભણ્યેગણ્યે માણો આફરો?’ – જેવી પંક્તિઓમાં ‘કેટલેક ઠેકાણે’ જરૂર અખાનો કટાક્ષ ‘પ્રોફેટિક સેટાયર’ – ‘પયગંબરી કટાક્ષ’–ની કોટિનો છે. કોઈવાર એ પયગંબરી પુણ્યપ્રકોપ મટી જઈ અનભિજાત શાપોક્તિનું કે ગાળાગાળીનું પણ રૂપ ધારણ કરે છે : ‘ખાઈ પીને થયા ખૂંટડા’, ‘કાલ વાગશે ઢીલા ઢોલ’, ‘જેના શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર’, કોઈ વાર બીજાની બદનસીબીભરી સ્થિતિ, (ડિસ્કમ્ફિચર) પર પણ એવું ખડખડાટ હાસ્ય પ્રગટતું હોય છે : ‘અખા, બાળકની પેરે થયું, બોરાં સાટે ઘરેણું ગયું.’ માણસ જેની ઉપર હસ્યા જ કરે એવું ચિત્ર તો પ્રગટે છે જ્યારે અખો કોઈને કહે છે : ‘અલ્યા, તારે ગોફણ સહિત ગોળો ગયો!’ કોઈ વાર શબ્દના ચાળા પાડીને અસર ઉપજાવે છે : ‘ઉન્મત્ત મનને યોગ સાધવો, કર્મઓઘ કરે નહિ નવો’ માં ‘યોગ’ પાછળ ‘ઓઘ’ શબ્દ કેવો સહેજે તણાતો આવે છે અને છંદોલયમાં ઉપહાસનો ધીરો ઘોર ઊભો કરે છે! અખાનો પયગંબરી સિવાયનો કટાક્ષ અભિજાત નથી પણ રહેતો, છતાં એની દ્વારા પણ જરૂર, કવિ યેટ્સ મહાન કટાક્ષકાર સ્વિફ્ટની બાબતમાં કહે છે તેમ, ‘માનવની સ્વતંત્રતાની એ સેવા કરી ગયો છે.’ બ્રેડલી કહે છે કે પુણ્યપ્રકોપ, નિરાશા અને મનોરુગ્ણતા દ્વારા મહત્તા સિદ્ધ કરનારા બાયરન કે શોપનહાવર માનવીય શક્યતાઓને માત્ર નકારાત્મક રીતે વ્યક્ત કરે છે, જ્યારે શેલીનો પયગંબરી સમુલ્લાસ તેમને વિધેયાત્મક રીતે વ્યક્ત કરે છે. અખામાં હાસ્યનો એક પ્રકાર છે જે વાત્સલ્યથી ધબકે છે : ‘હાથથી નાખીને દૂર લેવા ગયો, જાણે શું વસ્તુ નવ હોય આઘી.’ પયગંબરી સમુલ્લાસના, એનો શબ્દ વાપરીએ તો ‘બ્રહ્મખુમારી’ના દાખલા પણ અખામાં ઘણા મળશે, ‘છીંડું ખોળતાં લાધી પોળ,’ ... ‘ઈશ્વરરૂપી જહાજે ચઢ્યો; પંચસહિત ઊતરિયો પાર, પગ ન બોળું જળસંસાર,’ ‘તે નોહે ખૂણેખાંચરે આ પ્રત્યક્ષ મુખેમુખ વાતો કરે,’ ‘પાંચે ઇન્દ્રિયને વશ કરી, પછી છોગાં મેલીને ફરીએ રે’, ‘જ્ઞાનઘટા ચઢ આઈ,’ ‘હે ચિદ્દઅર્ણવ અગાધ! હું ચીડી ચંચ ભરી કે કહું’, ‘અખા, બ્રહ્મચૈતન્ય ઘનમેં ભઈ અચાનક દામિની’ (બ્રહ્મલીલા), ‘ચિત ચમક્યું, તું તે ટળ્યું’ (અખેગીતા).
૫. અક્ષયરસ
અખાના હાસ્યફુવારા ખરા, આત્માની સભર ભરી મુદિતાનો ઉદ્રેક તે તો એના શાંતમાં અનુભવાય છે. પદોમાં, છપ્પામાં, ‘અનુભવબિંદુ’માં અને ‘અખેગીતા’ના ભક્તના વર્ણન જેવા દાખલાઓમાં એ શાંત અચૂક વરતાય એવો છે. શાન્ત તે ‘નિશાળમાંથી નીસરી’ જેવાં સસ્તાં બોધવચનોનો નહીં પણ બધા રસો જેના વિવર્તો છે એવો સ્થાયી રસ. નર્મદ ભલે કહે કે ‘એની કવિતામાં હાસ્ય સિવાય બીજો રસ જ નથી’, અખાને મુખ્યત્વે હાસ્ય અભિપ્રેત નથી, અખાની મનઃસૃષ્ટિમાં શાંતના એક વિવર્તરૂપે જ હાસ્યનું પણ સ્થાન છે. કવિ, તત્ત્વજ્ઞ કવિ તો સવિશેષ, અન્ય રસોનો આસ્વાદ કરાવતી વખતે પણ આ શાંતનો અનુભવ કરવાની આપણી શક્તિને જ સંસ્કાર આપતો હોય છે. રસનું સ્વરૂપ જ એવું છે કે જ્યાં ભાવકની સ્વીકાર–પરિહાર–ઉપેક્ષાબુદ્ધિનું શમન થયું છે એવા શાંતની છાયા હેઠળ જ એનો ઉદય થાય છે. કદાચ તેથી ‘सर्वरसानामं शान्तप्राय एवास्वाद:’ – બધા રસોનો આસ્વાદ શાન્ત જેવો જ થાય છે – એમ આચાર્ય અભિનવગુપ્તપાદ કહે છે. એ શાંત એટલે સૌ લૌકિક કે અલૌકિક ચિત્તવૃત્તિઓનું ઉન્મૂલન નહીં, ઊલટું એ સ્થાયી શાન્તના વ્યભિચારી ભાવરૂપે તે વૃત્તિઓની લીલા પ્રગટ રહે છે એમ એ નોંધે છે: तत्त्वज्ञानलक्षणस्य स्थायिनः समस्तोऽयं लोकिकालौकिक चित्तवृत्तिकलापो व्यभिचारितामेति। અને તેથી શ્વાસે શ્વાસે બ્રહ્મરસ ઝંખનાર જ્ઞાનીકવિ અખામાં આપણે જોઈએ છીએ કે જગતને અનેકાનેક બિંદુએ એ સ્પર્શે છે (ચામખેડાના ખેલ, નૌકાના મૂષક, અનલપંખી, દુમાસ-દમાસ્કસ–નું કાપડ). કહો કે સંસારવૃક્ષને પાંદડે પાંદડે એનો જીવ ફરી વળે છે, અને એ બધેથી એ જે કાંઈ લઈ આવે છે, તે અક્ષયરસમાં પરિવર્તિત થઈને એની તત્ત્વજ્ઞ કવિતાને આસ્વાદ્ય બનાવે છે. અખામાં પ્રગટ થતું ગુજરાતી ભાષાનું બળ અને અધ્યાત્મવિષયને મૂર્તતા આપતો કલ્પન-ઉપમા-રૂપક આદિનો વૈભવ એને ગુજરાતી ભાષાના એક પ્રમુખ કવિ તરીકે સ્થાપે છે. એની કૃતિઓમાંથી ‘અનુભવબિંદુ’, ‘અખેગીતા’ના કેટલાક ભાગ અને થોડાંક પદ લાંબા સમય સુધી આકર્ષણનો વિષય રહેશે. અખાના ‘છપ્પા’ વિશે બેધડક કહી શકાય કે એ ગુજરાતી ભાષાના સાહિત્યમાં ચિરંજીવ રહેવા સર્જાયા છે.
સંદર્ભનોંધ:
- ↑ ૧. જોશી, ઉમાશંકર, ‘સમસંવેદન’ ૧૯૬૫ (‘ગરવો જ્ઞાનનો વડલો’), પૃ. ૫૨-૫૭ અને ‘અખો–એક અધ્યયન’, ૧૯૭૩.
- ↑ ૨. જોશી, ઉમાશંકર, ‘અખો-એક અધ્યયન’ ૧૯૭૩, પૃ. ૩૩૨ અને ‘સમસંવેદન’– ૧૯૬૫ (‘ગરવો જ્ઞાનનો વડલો’), પૃ. ૬૫-૬૮.
- ↑ ૩. મુનશી, કનૈયાલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’, ૧૯૩૪, પૃ. ૨૪૫.
- ↑ ૪. જોશી, ઉમાશંકર, ‘અખો–એક અધ્યયન’ ૧૯૭૩, પૃ. ૧૨.
- ↑ ૫. જનશ્રુતિ માટે જુઓ ‘જૂનું નર્મગદ્ય’ (કવિજીવન) પૃ. ૪૫૭-૪૬૦, ‘બૃહત્કાવ્યદોહન’ ભાગ-૩ની પ્રસ્તાવના, સસ્તું, સાહિત્ય વર્ધક કાર્યાલય પ્રકાશિત ‘અખાની વાણી’માં સ્વામી સ્વયંજ્યોતિની પ્રસ્તાવના. જનશ્રુતિમાંથી સાંપડેલી વિગતોની તપાસ માટે જુઓ ‘અખો–એક અધ્યયન’ ૧૯૭૩નું પ્રથમ પ્રકરણ ‘જીવનચર્ચા’.
- ↑ ૬. મહેતા, નર્મદાશંકર દે., ‘અખાકૃત કાવ્યો’-૧, પૃ. ૩.
- ↑ ૭. જાની, અંબાલાલ બુ., ‘ત્રીજી સાહિત્ય પરિષદ (સં.૧૯૬૫)નો અહેવાલ’માં ‘અખા ભક્ત અને તેમની કવિતા,’ પૃ. ૫.
- ↑ ૮. મહેતા, નર્મદાશંકર દે., ‘અખાકૃત કાવ્યો’-૧, પૃ. ૪.
- ↑ ૯. જોશી, ઉમાશંકર, ‘અખો–એક અધ્યયન’, ૧૯૭૩, પૃ. ૨૪-૪૩.
- ↑ ૧૦. જોશી, ઉમાશંકર, ‘અખો–એક અધ્યયન’, ૧૯૭૩, પૃ. ૪૯-૬૮ અને ‘સંસ્કૃતિ’ સપ્ટેમ્બર ૧૯૬૫માં ‘બ્રહ્માનંદ–ની નહીં, પણ બ્રહ્મ-નંદની’ એ લેખ, પૃ. ૩૪૬-૩૪૮. અખો ૪૨૯
- ↑ ૧૧. મહેતા, નર્મદાશંકર દે., ‘અખાકૃત કાવ્યો’-૧, પૃ. ૪૬.
- ↑ ૧૨. જોશી, ઉમાશંકર, ‘અખો–એક અધ્યયન’, ૧૯૭૩, પૃ. ૬૫.
- ↑ ૧૩. એ જ, પૃ. ૬૧-૬૨.
- ↑ ૧૪. એ જ, પૃ. ૬૩.
- ↑ ૧૫. અખાની કૃતિઓ માટે જુઓ ‘બૃહત્ કાવ્યદોહન’ ના ભાગો; ‘અખાની વાણી’, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ; ‘અખાકૃત કાવ્યો-૧’ સં. નર્મદાશંકર દેવશંકર મહેતા, પ્ર. ગુજરાત વિદ્યાસભા; ‘અપ્રસિદ્ધ અક્ષયવાણી’ સંગ્રહકાર ભગવાનજી મહારાજ, કહાનવા, સંશોધક તથા ટીકાકાર ‘સાગર’-જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી, પ્ર. ગુજરાત વિદ્યાસભા, ૧૯૩૨; ‘શ્રી અખાજીની સાખીઓ’, સંગ્રાહક અને પ્રકાશક ભગવાનજી મહારાજ, કહાનવા, સંશોધક, ટીકાકાર તથા પ્રકાશક કેશવલાલ અંબાલાલ ઠાકર, ભરૂચ, ૧૯૫૨. ‘અખેગીતા’ની, હસ્તપ્રતો ઉપરથી શાસ્ત્રીય રીતે સંશોધિત કરેલી, વિવરણ અને મહત્ત્વના શબ્દોના કોશ સાથેની વાચના ગુજરાત યુનિવર્સિટીએ ૧૯૬૭માં પ્રગટ કરી છે, સં. ઉમાશંકર જોશી, રમણલાલ જોશી. ‘અખાકૃત કાવ્યો-૧’ માંના ન. દે. મહેતાના પાઠમાં અને ભૂપેન્દ્ર ત્રિવેદી સંપાદિત પાઠમાં હસ્તપ્રતોની મદદ લેવાઈ છે. ‘અનુભવબિંદુ’ની વાચના હસ્તપ્રતોના આધારે કેશવલાલ હર્ષદરાય ધ્રુવે તૈયાર કરી છે. પણ તેઓ હસ્તપ્રતોનો આધાર છોડી પ્રાસસાંકળી સાચવવા અને અન્ય કારણે કલ્પિત પાઠ મૂકતાં ખચકાયા નથી. એવા પાઠ આપવાની એમની પાત્રતા અત્યંત ઉચ્ચ કોટિની હોવા છતાં બીજી કડીમાં હસ્તપ્રતના ‘ગુણનું આલે’ ને બદલે ‘ગુણને આલે’ એવો પાઠ એ કલ્પે છે ત્યાં ‘આલે’ ને એ ક્રિયાપદ તરીકે જોવાને માર્ગે વળી ગયા લાગે છે. હકીકતમાં એ છે નામ-‘ગુણનો આલય.’ ભૂપેન્દ્ર ત્રિવેદી એમની ‘અખેગીતા’ની આવૃત્તિની જેમ આની આવૃત્તિમાં પણ કેવળ હસ્તપ્રતો લઈ શાસ્ત્રીય રીતે પાઠાન્તરો નોંધતા નથી. પણ એમના પાઠમાં હસ્તપ્રતોની સામગ્રી વધુ હોઈ એ જોવી ઘટે. હરિવલ્લભ ભાયાણીએ ‘ગ્રંથ’ (મે ૧૯૬૫)માં અવલોકનમાં કહ્યું છે તેમ ‘અનુભવબિંદુ’નો પ્રમાણભૂત પાઠ નિર્ણીત કરવા માટે ફરી કોઈએ વ્યવસ્થિત પ્રયત્ન કરવાનો રહેશે. ‘છપ્પા’ની જૂના સમયની છપાયેલી પ્રતોના ઉલ્લેખ માટે જુઓ ‘અખો–એક અધ્યયન’ ૧૯૭૩. આઠ હસ્તપ્રતો ઉપરથી શાસ્ત્રીય સંશોધનપૂર્વકની વાચના મેં ૧૯૫૩માં આપી હતી તેની સુધારેલી આવૃત્તિ ૧૯૬૨માં પ્રગટ થઈ છે. તેમાં અંતે શબ્દસૂચિ આપવા ઉપરાંત છપ્પામાં આવતા વિષયોની ઠીકઠીક વિગતવાર વિષયસૂચિ આરંભમાં આપી છે. અંગોમાં સામાન્ય રીતે વિષયનું દૃઢ બંધન ન હોઈ કઈ પંક્તિ ક્યાં હશે એ શોધવું મારા જેવા જેણે અક્ષરશઃ સેંકડોવાર છપ્પા ઉથલાવ્યા છે તેને માટે પણ હંમેશાં સહેલું નથી. ક્યારેક પંક્તિસૂચિ સાથેની એક એવી આવૃત્તિ આપવાનો ખ્યાલ છે, જેમાં (ચાલુ આવૃત્તિમાં દરેક છપ્પાની અતિટૂંકી શબ્દાર્થટીકા આપી છે તેને બદલે) દરેક છપ્પાનો અખાના કુલ વિચારઠાઠના સંદર્ભમાં સરળ ગદ્યાર્થ પણ આપવામાં આવ્યો હોય. બીજી કૃતિઓની પણ હસ્તપ્રતોની મદદથી શાસ્ત્રીય સંશોધનપૂર્વક, વાચનાઓ વહેલામાં વહેલી તકે પ્રગટ થવી જોઈએ. સાખીદુહાની એવી વાચના તૈયાર થાય તો તેનો વિચારસંદર્ભ કેટલેક ઠેકાણે છપ્પાના વિચારસંદર્ભની ઠીકઠીક સમાંતર ચાલતો હોઈ પૂરક નીવડતો જણાશે અને તેથી બન્ને અંગેની સમજ વધુ વિશદ બનશે. પદોની પણ શાસ્ત્રીય વાચના થવી જોઈએ.
- ↑ ૧૬. જોશી, ઉમાશંકર, ‘અખો–એક અધ્યયન’–૧૯૭૩, પૃ. ૧૮૧.
- ↑ ૧૭. ઝવેરી, કૃષ્ણલાલ મો., ‘ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો’ ૧૯૫૮, પૃ. ૬૫-૭૬.
- ↑ ૧૮. જોશી, ઉમાશંકર, ‘અખો–એક અધ્યયન’ ૧૯૭૩, પૃ. ૧૮૧-૧૯૩.
- ↑ ૧૯. એ જ, પૃ. ૧૭૩-૧૮૧.
- ↑ ૨૦. એ જ, પૃ. ૧૬૭-૧૭૩.
- ↑ ૨૧. એ જ, પૃ. ૧૬૪-૧૬૫.
- ↑ ૨૨. એ જ, પૃ. ૧૬૫-૧૬૭.
- ↑ ૨૩. એ જ, પૃ. ૯૧-૯૨.
- ↑ ૨૪. સાગર, ‘અપ્રસિદ્ધ અક્ષયવાણી’, ૧૯૩૨, પૃ. ૧૨-૧૪.
- ↑ ૨૫. ઠાકર, કેશવલાલ અં., ‘અખાજીની સાખીઓ’ ૧૯૫૨.
- ↑ ૨૬. ‘અખાની વાણી’ પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ‘અપ્રસિદ્ધ અક્ષયવાણી’ સંશોધક, ‘સાગર,’ પ્ર. ગુજરાત વિદ્યાસભા, ૧૯૩૨ અને અન્ય સંગ્રહોમાં.
- ↑ ૨૭. જોશી, ઉમાશંકર, ‘અખો-એક અધ્યયન’ ૧૯૭૩, પૃ. ૨૧૪, ૩૦૮-૧૧, ૩૪૦-૧.
- ↑ ૨૮. એ જ, પૃ. ૨૮૧-૨ (નરહરિકૃત ‘જ્ઞાનગીતા’ આદિ ગ્રંથો અને અન્ય જ્ઞાનમાર્ગી કવિઓના અખા ઉપરના ઋણનો સુરેખ ખ્યાલ મેળવવામાં સુરેશ હ. જોષીનો પીએચ.ડી.નો ‘જ્ઞાનગીતા’ ઉપરનો બૃહદ્-નિબંધ પ્રકાશિત થાય તો ઘણી મદદ મળે.)
- ↑ ૨૯. એ જ, પૃ. ૨૯૦-૨૯૫, મેં અહીં બધે હસ્તપ્રતોનો ખાસ કરીને ‘સાગરપુત્ર’ યોગેન્દ્ર ત્રિપાઠી પાસેની (તેઓ કહેતા હતા તેમ સાગરે કહાનવા-બંગલામાંથી મેળવેલી અખાની હસ્તપ્રતોમાંની એક) હસ્તપ્રતનો આધાર લીધો છે.
- ↑ ૩૦. ‘અખાકૃત કાવ્યો’-૧ પૃ. ૧૨૫; ઉપરાંત જુઓ પં. સુખલાલજી સંપાદિત ‘જ્ઞાનબિંદુ’ની પ્રસ્તાવના.
- ↑ ૩૧. ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, વેદાન્તી કવિ અખાકૃત ‘અનુભવબિંદુ’, પ્ર. એન. એમ. ત્રિપાઠી લિ. મુંબઈ, બીજી આવૃત્તિ, ૧૯૫૩, પૃ. ૧.
- ↑ ૩૨. જોશી, ઉમાશંકર, ‘છપ્પા’ ૧૯૬૨, પૃ. ૨૨ થી ૭૧, ‘અખો–એક અધ્યયન’ ૧૯૭૩, પૃ. ૨૯૫-૩૦૬.
- ↑ ૩૩. મહેતા, નર્મદાશંકર દે, ‘અખાકૃત કાવ્યો’-૧. ૧૯૩૧, પૃ. ૫૩-૫૪.
- ↑ ૩૪. જોશી ઉમાશંકર, ‘અખો—એક અધ્યયન’, ૧૯૭૩ પૃ. ૭૯.
- ↑ ૩૫. દ્વિવેદી, હજારીપ્રસાદ, ‘હિન્દી સાહિત્ય’, ૧૯૫૫, પૃ. ૧૪૨.
- ↑ ૩૬. એ જ, પૃ. ૨૦૧-૨૦૬,
- ↑ ૩૭. જોશી, ઉમાશંકર, ‘અખો–એક અધ્યયન’, ૧૯૭૩, પૃ. ૨૦૫.
- ↑ ૩૮. વિસ્તૃત ચર્ચા માટે જુઓ ‘અખો–એક અધ્યયન’, ૧૯૭૩, નાં છેલ્લાં બે પ્રકરણ ‘તત્ત્વનું ટૂંપણું’ અને ‘અક્ષયરસ’.
- ↑ ૩૯. દિવેટિયા, નરસિંહરાવ, ‘ગુજરાતી લૅન્ગવેજ ઍન્ડ લિટરેચર’, ૧૯૩૨, પૃ. ૧૦૯.
- ↑ ૪૦. ‘રવીન્દ્રરચનાવલિ’ (બંગાળી ગ્રંથ ૧૯).
- ↑ ૪૧. ‘કબીર ગ્રંથાવલિ’ નાગરીપ્રચારિણી સભા કાશી, પૃ. ૮૯.
- ↑ ૪૨. જુઓ ‘અખાના છપ્પા’, ૧૯૬૨, ની ઉમાશંકર જોશીની આવૃત્તિનો પ્રાસ્તાવિક લેખ.
- ↑ ૪૩. જુઓ ‘અખો–એક અધ્યયન’, ૧૯૭૩, પૃ. ૩૪૭.
- ↑ ૪૪. ‘ગુજરાતી લૅન્ગવેજ ઍન્ડ લિટરેચર’, ૧૯૩૨, પૃ. ૧૨૦.
- ↑ ૪૫. જુઓ ‘અખો–એક અધ્યયન’, ૧૯૭૩, પૃ. ૩૫૩.
- ↑ ૪૬. ઠાકોર, બલવંતરાય કલ્યાણરાય, ‘લિરિક’, પૃ. ૧૨૪.