ભાર્વોમિ/અંતરપટ

From Ekatra Foundation
Revision as of 06:12, 25 July 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. અંતરપટ

અંતરપટ આ અદીઠ
અ..રે..રે..! આડું અંતરપટ આ અદીઠ!
અહીં મેં માંડી, તહીં તેં માંડી, આંખની આતુર મીટ
પળ ઊપડી પટ પુનઃ બિડાયું,‘વા વાયો વિપરીત
અરે..રે..! આડું અંતરપટ આ અદીઠ!
તું મારાં – હું તારો ઝીલું, વિરહે વ્યાકુળ ગીત
રાગ સૂણ્યો પણ રંગ ન રેલ્યો, વસમું એ સંગીત
અરે..રે..! આડું અંતરપટ આ અદીઠ!
આ પા ઊછળે, તે પા ઊછળે, હૃદયો ભરી ભરી પ્રીત
આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ, ચેન પડે નહીં ચિત્ત
અરેરે..! આડું અંતરપટ આ અદીઠ!
ખીણ કે ખાડી, નદી નથી આડી, વંડી વાડ કે ભીંત
હાથ ચડે નહીં તોય નડે આ, ઝાકળ ઝીણું ચીર
અ..રે..રે..! આડું અંતરપટ આ અદીઠ
– જુગતરામ દવે

સંવેદનાનો પરમોત્કર્ષ એટલે અનુભૂતિ. આવી અનુભૂતિની ક્ષણે જે પ્રગટે તે કાવ્ય; બાકી બીજુ બધું પદ્ય. દરેક પદ્ય કવિતા ક્યાં થઈ શકે છે? જુગતરામભાઈનું ‘અંતરપટ’ આવું અનુભૂતિની ક્ષણે ઊતરેલું કાવ્ય છે. કાવ્ય બનતું નથી, અવતરે છે. એ ક્યારે ક્યાં કયા રૂપે – રંગે પ્રગટશે કોણ કહી શકે? એનું રહસ્ય છદ્મ છે. મનની પહોંચનું આ ક્ષેત્ર નથી. આ એ લોક છે જેના આલોકનો અનુભવ કરાતો નથી, થાય છે; અનાયાસ. આ સાધનાની સિદ્ધિ નથી. પુરુષાર્થનું પરિણામ નથી. બસ થાય છે; એની મેળે; સહજ ઘટના ઘટે છે. આવો અનુભવ જેમને થાય છે, એ બધાંની પણ ત્યારે દશા ‘ગૂંગે ખાયા ગૂડ’ જેવી હોય છે. અનુભવી જાણે પણ વર્ણવી ના શકે. તેથી મુનિ અને ૠષિમાં ભેદ છે. મુનિ મૌનમાં એને પામે છે પણ કથી નથી શક્તો. પણ ઋષિ તો કવિ છે. कविनाम् क्रान्तद्रष्टा જુગતરામકાકા આવા ૠષિકવિ હતા, ત્યારે તો આપણને ગુજરાતી કવિતાના ઘરેણા જેવું ઇશોપનિષદ એમણે આપ્યું. આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર કહેતા : જુગતરામભાઈએ બીજી કોઈ કવિતા ન લખી હોત અને માત્ર ‘અંતરપટ’ એકલું જ આપ્યું હોત તોય એ ગિર્વાણગિરા ગુજરાતીના ઉત્તમ કવિ કહેવાત. વળી તેઓ કહેતા, આ તો અમારા કવિઓનાં ટોળાંમાંથી નાસી ગયેલો જીવ છે. એ નાઠા એટલે તો જીવનના અનુભવનું નવનીત પામ્યા. ‘અંતરપટ’ આવું નવનીત છે. મીરાંના કંઠમાંથી જાણે ભૂલું પડેલું ગીત. અંતરપટ આ અદીઠ. કવિતાનો ઉઘાડ તો જુઓ! ‘અંતરપટ આ અદીઠ’. કળી ખીલી નથી ને ફૂલ થઈ ગઈ. પહેલાં જ ભૂસકે અગમમાં ડૂબકી. ડૂબકી તો ઘણા મારે પણ મોતી લઈ પાછા આવનાર મરજીવા કેટલા? ‘અરેરે!’ એટલો જ ઉદ્ગાર કેટકેટલું કથી જાય છે? આમાં તમને નિરાશા લાગે છે? ગમગીની વર્તાય છે? ના, ના, હાં! આ તો સંવેદનાની ચરમ છે. કહે છે ‘અદીઠ’, પણ કેવું દીસે છે એ તો જુઓ! ‘અહીં મેં માંડી, તહીં તેં માંડી, આંખની આતુર મીટ’, ભલા દીઠા વિના કેમ ખબર પડી કે એણેય ત્યાં મીટ માંડી છે? કેવળ મીટ નથી માંડી. એ મીટ પણ કેવી? આતુર. આ ‘આતુર’ શબ્દ વિરહની આરત કેવી વેદનામય છે એની ઓળખ કરાવે છે. જગતનો બધો વલોપાત વેદનામુક્તિ માટે છે, જ્યારે પ્રેમીઓનું તો જીવન જ વિરહ હોય છે. મિલન તો થાય છે ત્યારે અને તેય ક્ષણનું, પણ આ ‘ક્ષણનું મિલન’ જેને થયું નથી તે વિરહની વ્યાકુળતામાંથી ઝરતો સોમનો સ્વાદ કેમ પામી શકે? મિલનની અનુભૂતિ જ વિરહની વાસ્તવિકતા છે. આપણા કવિનો વિરહ આટલો ઘુંટાય છે કેમ? એણે મિલન માણ્યું છે તેથી. કેટલું? પળ. પળ? હા, પળ. માત્ર પળ. ‘પળ ઊપડી પટ પુન: બીડાયું”. આ બધો અજંપો પેલું પટ ‘પળ’ ઊપડ્યું હતું એનો છે. હા, જે ઘટવાનું હતું તે એ ‘પળ’માં જ ઘટી ગયું. બસ, આ જ અનુભૂતિની ક્ષણ. જે રૂપ એ ક્ષણે નીરખ્યું, જે પ્રેમ એ પળે પીધો.. એણે આ હાલ કર્યા. કવિના તો કર્યા પણ કવિની અનુભૂતિમાં એવી સચ્ચાઈ છે કે એનો આસ્વાદ કરવા જતાં આપણે ભાવક પણ ‘બેહાલ’ નથી થઈ જતા? આ છે કવિકર્મ. જે સ્વની અનુભૂતિને સર્વમાં સંક્રાન્ત કરી આપે છે. પટ પાછું કેમ બિડાયું? વા વિપરીત વાયો એથી. કેવી છે આ દીર્ઘ સાધનાને અંતે મળેલી મનુષ્યજીવનની કરુણતા? તલ્લીનતા તૂટી જાય છે. એકરૂપતા મટી જાય છે. પણ આમ કેમ થાય છે? કયું છે આ પટ જે આડું આવી જાય છે? હુંનું ભાન, અહમ્નું આવરણ, દેહબુદ્ધિ, મમભાવ માણસને મિલનમાં અંતરાયરૂપ થાય છે. આટલી આડશને લઈ ભલે રાગ સંભળાતો હોય પણ રંગ જામતો નથી. રંગ તો મિલનમાં જ જામે. એય, બેય કાંઠે ભરતી છે. હેતના હિલોળા ઊછળી-ઊછળીને પછડાય છે. દરિયો ચંદ્રને આકર્ષે છે. તો ચંદ્ર દરિયાને. બેય એકબીજાને મળવા ભરતી પર ભરતી, લોઢુ પર લોઢુ બની દોડાદોડ કરે છે. આભ ધરતીને પામવા તો ધરતી આભને આંબવા રમણે ચડ્યાં છે. કોઈના ચિત્તમાં ચેન નથી. કેમ? આકર્ષણ. ‘આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ’. કેવો મર્મવેધ અહીં કવિએ કર્યો છે? જીવ અને શિવના મિલનમાં જે પટ છે તે છે આ અંતરપટ. વિજ્ઞાનયુગમાં સ્થળનાં અંતર તો હવે અંતર રહ્યાં જ નથી. એટલે આ બધાં અંતર વળોટાય છે, પણ આ અંતરનું અંતર ક્યાં મટે છે? એને કેમ વળોટવું? આ છે મનુષ્યમાત્રની મૂંઝવણ. વિરહની વ્યાકુળતામાં પણ ગીત તો રેલાય છે. અહીં કૌતુક એ છે કે આ કાંઈ એકપક્ષી વ્યવહાર નથી. ભક્ત જ ભગવાન માટે ઝૂરે છે એવું થોડું છે? પ્રિયતમાને જ પિયુની ગરજ છે એવું નથી. ‘તું – મારા – હું તારાં ઝીલું વિરહે વ્યાકુળ ગીત.’ બન્નેને વિરહ છે, બન્નેને વ્યાકુળતા છે. બન્ને – એકબીજાનાં ગીત ઝીલે છે. જીવનો જીવભાવ શિવને પણ અખરે છે. જીવનની કરુણતાને અહીં કવિએ કેવી ઘૂંટી છે? આટઆટલું આકર્ષણ અને હાય, તોય ક્ષણનો પણ સ્પર્શ નહીં? સ્પર્શની ઝંખના જ હૃદયતંત્રને કેવું ઝણઝણાવે છે? યુગાંતરોથી માનવીને એનું આકર્ષણ એવું ને એવું જ રહ્યું છે. નાસ્તિવાદનાં આટઆટલાં ડિમ્-ડિસ્ વાગે છે, પણ માનવીના માંહ્યલાને એની રઢ છૂટતી નથી. સ્પર્શની આરત એને ચેન લેવા દેતી નથી. જેની રઢે મીરાંએ મેવાડ મૂક્યું. ગૌરાંગ સ્વયં નીલ સમુદ્રમાં લીન થઈ ગયા. આવો સ્પર્શ એટલે સાયુજ્ય. નામ-રૂપ ટળી જાય. દ્વૈત સહ્યું ન જાય. આ મુકામે પહોંચવું છે, પણ કેમ પહોંચાતું નથી? કોઈ ખીણ-ખાડી કે નદી, વંડી-વાડ કે ભીંત.. આડું આવે છે? ના રે ના. આવાં કોઈ સ્થૂળ અંતરાયોને માનવીએ ક્યારે ગણકાર્યાં છે? સ્થળ અને કાળની સીમાઓને તો એણે ક્યારનીય લોપી દીધી છે. અને હા, તોય આવે છે, આડું આવે છે. અરે, હાથે ચડતું નથી અને તોય નડે છે. શું? ‘આ ઝાકળ ઝીણું ચીર.’ કવિની શબ્દશક્તિ અહીં સોળે શણગાર સજીને પ્રગટી છે. આટલી અમસ્તી આડશ એ તને વ્યાકુળ કરે છે? એ મિલનમાં અંતરાય છે? પહાડો ઓળંગી જનાર, દરિયા તરી જનાર, આભને આંબી જનાર માનવી આ તે તારી કેવી કરુણતા? એક ચીર, વળી પાછું ઝીણું. એ તો ઠીક પણ આ તો ઝાકળ-ઝીણું. સૂર્યનું રશ્મિ અડ્યું નથી કે ઊડ્યું નથી. આ છે તારો અંતરાય? હા, આ જ અંતરાય છે. હજુ રાત વીતી નથી. તો સારસબેલડી કેમ કરીને મળે? હજુ સૂર્યોદય થયો નથી તો ઝાકળ કેમ કરીને ઊડી જાય? પણ હા, વિશ્વાસ છે. સૂર્ય ઊગશે અને જેવો એનો જરા અમસ્તો સ્પર્શ થશે એટલે ઝાકળ વિલીન. બસ પરમનો સ્પર્શ થયો નથી કે જીવભાવ મર્યો નથી. પણ, હજુ રાત ચાલે છે. વિરહની રાત. વેદનાની રાત. સૂર સંભળાય છે, જે ક્ષણ પૂરતું દીઠું’તું અને પટ પડતાં અદીઠ થયું”તું. સ્પર્શ તો હજુ થયો જ નથી પણ એનું આકર્ષણ એવું ને એવું જ છે. કવિની વેદના કવિતા બનીને અહીં પૂરા રંગમાં પ્રગટી છે. નવધાભક્તિનો આ છે મહાભાવ રાધાભાવ. ઝંખના ભલે અદ્વૈતની હોય પણ આનંદ તો દૈતમાં છે. સાગરને મળી ચૂકેલી મીઠાની પૂતળી ભલા આપણને સમુદ્રની ગહરાઈનું માપ કેમ કરીને બતાવશે? અંતરપટ આપું છે; અદીઠ છે. સારું છે. આટલો જીવભાવ છે તો જીવન છે. વિરહ વાસ્તવિકતા છે. મિલન માયા છે. કારણ બીજી જ ક્ષણે મિલન વિરહ બની જાય છે. વેદનાની આરતમાં ચૂંટાયેલું આ ગીત કેવળ મુમુક્ષુઓ માટે નથી, પણ જીવનપ્રેમીઓ માટે છે.